
કિડની હોસ્પિટલના ડૉ. પ્રાંજલ મોદીને ઈન્ટરનેશનલ એવોર્ડ
અમદાવાદ: ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિર્સચ સેન્ટરના નિયામક અને Gujarat Sottoના કન્વીનર ડૉ. પ્રાંજલ મોદીને ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સ (ક્લિનિકલ) ક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય બદલ TTS રેકગ્નિશન એવોર્ડ 2024ની જાહેરાત કરવામાં આવી છે. અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ડૉ. પ્રાંજલ મોદીના અથાગ પ્રયત્નો અને અગ્રણી કાર્ય બદલ આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. TTS એટલે કે The Transplantaion Society 1966થી કાર્યરત નોન ગર્વમેન્ટલ ઓર્ગેનાઈઝેશન છે. દુનિયાભરમાં ટ્રાન્સપ્લાન્ટેશનના ક્ષેત્રમાં અમૂલ્ય યોગદાન આપનારા ડોક્ટર્સને દર વર્ષે આ એવોર્ડ આપવામાં આવે છે. જેમાં આ વર્ષે ભારતમાંથી ડૉ. પ્રાંજલ મોદીના યોગદાનની નોંધ લેવામાં આવી છે.
ડૉ. પ્રાંજલ મોદીનો જન્મ 15મી માર્ચ, 1968ના રોજ થયો છે. તેમણે જામનગરની એમ.પી. શાહ મેડિકલ કોલેજમાંથી M.B.B.S. અને સ્પેશિલ સ્ટડી ઈન જનરલ સર્જરીનો અભ્યાસ કર્યો છે. ત્યાર બાદ તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે પહોંચ્યા. અહીં તેમણે યુરોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટેશનમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. અભ્યાસ બાદ તેઓ IKDRCમાં જ ફેકલ્ટી તરીકે જોડાયા. ડૉ. પ્રાજંલ મોદી રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ ડોનર નેફ્રેક્ટોમી પદ્ધતિના પાયોનિયરમાંના એક છે. તેમણે ભારત, યુકે, જર્મની અને ઑસ્ટ્રેલિયાના વિવિધ કેન્દ્રો પર આ પ્રોગ્રામની સ્થાપના કરવામાં મદદ કરી.
આ ઉપરાંત એક જ કેન્દ્રમાં રેટ્રોપેરીટોનિયોસ્કોપિક લિવિંગ-ડોનર નેફ્રેક્ટોમીના 1800 થી વધુ કેસ હાથ ધરવાનો શ્રેય પણ તેમને જાય છે. વર્ષ 2010માં, તેમણે લેપ્રોસ્કોપિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશન શરૂ કરી અને 175થી વધુ કેસ હાથ ધર્યા હતા. તેમણે દા વિન્સી રોબોટિક પ્લેટફોર્મની મદદથી લેપ્રોસ્કોપિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની ટેકનિકમાં વધુ રિફાઇનમેન્ટ વિકસાવ્યું અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનના 650 થી વધુ સી.એસ.નો અનુભવ ધરાવે છે. સ્ત્રીઓમાં જે માર્ગે પ્રસ્તુતિ થાય છે તે જ માર્ગે કિડની દાખલ કરવાની અને લેપ્રોસ્કોપિક અને રોબોટિક કિડની ટ્રાન્સપ્લાન્ટેશનની તેમના દ્વારા વિકસિત સર્જરી પદ્ધતિના આજે દુનિયામાં વખાણ થઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં અંગદાન કાર્યક્રમના વિકાસની પણ તેમણે પહેલ શરૂ કરી છે. અંગદાન પ્રત્યે લોકોમાં વધુ જાગૃતિ આવે અને જરૂરિયાતમંદના જીવ બચે તે માટેની ડૉ. પ્રાંજલ મોદીની મુહિમ અવિરત ચાલુ જ છે.
(રાધિકા રાઓલ – અમદાવાદ)
અગ્નિકાંડને લઈ ભાજપ સાદગીથી કરશે જીતની ઉજવણી?
રાજકોટમાં 25મી મેના રોજ ગોઝારા સાબિત થયો હતો. જે બાદ રાજકોટ સહિત રાજ્યની પ્રજામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજું લોકસભા ચૂટણીના અંતિમ તબક્કાનું મતદાન બાકી છે. આ અગાઉ ભાજપ દ્વારા ઘણી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. 1લી જૂનના રોજ અંતિમ તબક્કાનું મતદાન યોજાશે અને જે બાદ અક્સીટ પોલની શરૂ થશે. પરંતુ આ પહેલા ગુજરાત ભાજપે જીતની ઉજવણી સાદગી સાથે કરવાનો નિર્ણય લીધો છે. આ અંગેનો પરિપત્ર પણ પ્રદેશ ભાજપ દ્વારા બહાર પાડવામાં આવ્યો છે. રાજકોટમાં થયેલા અગ્નિકાંડને ધ્યાનમાં રાખીને જ ભાજપ દ્વારા સાદગીથી જીતની ઉજવણીનો નિર્ણય લીધો છે.

અંતિમ તબક્કામાં 57 બેઠકો પર મતદાન થવાનું બાકી છે, આ બેઠકોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વારાણસીની બેઠકનો પણ સમાવેશ થાય છે. તમામ 7 તબક્કાના મતદાન બાદ 4 જૂનના રોજ પરિણામની જાહેરાત કરવામાં આવશે. જોકે, આ જાહેરાત પહેલા ભાજપ દ્વારા એક નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં 7 મુદ્દાઓને ટાકવામાં આવ્યા છે.
ભાજપના પરિપત્રમાં જણાવ્યું છે કે, લોકસભાની ચૂંટણીના પરિણામના દિવસે રાજકોટમાં બનેલી દુઃખદ ઘટનાના પગલે વિજયને સંયમતાથી અત્યંત સાદગીથી વધાવવાનો નિર્ણય લેવાયો છે.
આ 7 મુદ્દાને ધ્યાનમાં રાખવાનું સૂચન કાર્યકર્તાઓને કરાયું
- મતગણતરીના સ્થળની બહાર, કાર્યાલય પર તેમજ અન્ય જાહેર સ્થળ પર ફટાકડા ફોડવા નહીં.
- મીઠાઈ વ્યવસ્થા રાખવી નહીં અને એકબીજાને મીઠાઈ ખવડાવવી નહીં.
- ફૂલની પાંદડી અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવું નહીં.
- કાર્યકર્તાઓ ટોપી, ખેસ પહેરીને હાથમાં પાર્ટીના ઝંડા સાથે ભારત માતા કી જયના સૂત્ર સાથે વિજયને આવકારે.
- મતગણતરી બાદ વિજેતા ઉમેદવાર ખુલ્લી જીપ કે વાહનમાં વિજય સરઘસ કે રેલી કાઢવી નહીં અને ઢોલ-નગારા કે ડીજે-સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા કરવી નહીં.
- કાર્યાલયમાં રોશની કે સુશોભન કરવું નહીં.
- વિજય પછી સન્માન સમારંભના કાર્યકર્મો ટાળવા.
નાણાકીય વર્ષ 2023-24માં 8.2 ટકા રહ્યો GDP ગ્રોથ
નવી દિલ્હીઃ સરકારે વર્ષ 2024ના ચોથા ત્રિમાસિક ગાળાના અને FY24ના GDP ડેટા જારી કર્યા છે. જાન્યુઆરીથી માર્ચ, 2024માં દેશનો GDP 7.8 ટકાના વિકાસદરે વધ્યો છે અને એ દરમ્યાન GVA ગ્રોથ 6.3 ટકા રહ્યો છે, જ્યારે FY24માં ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ એટલે કે GDP ગ્રોથ 8.2 ટકા અને GVA 7.2 ટકા રહ્યો હતો. 
લોકસભા ચૂંટણીના સાતમા તબક્કાના મતદાનના એક દિવસ પહેલા અર્થતંત્રના મોરચે સારા સમાચાર આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ક્વાર્ટરમાં દેશનો GDP ગ્રોથ રેટ 7.8 ટકા નોંધાયો છે. જે ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં જીડીપી વૃદ્ધિ દર 6.2 ટકા નોંધાયો હતો.
નાણાકીય વર્ષ 2023-24ના ચોથા ત્રિમાસિક ગાળામાં ભારતvr ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) ઝડપી ગતિએ વધ્યો છે. જોકે ડિસેમ્બર ત્રિમાસિકમાં દેશનો જીડીપી ગ્રોથ 8.4 ટકા સામે ઘટ્યો છે. FY24 માટે એકંદર ગ્રોથ 8.2 ટકા નોંધાયો છે. માગ અને વપરાશમાં વૃદ્ધિ નોંધાવાની સાથે આયાત-નિકાસમાં પણ બેલેન્સ જાળવતાં રાજકોષીય ખાધમાં ઘટાડો કરવા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે.
નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓફિસ (NSO) દ્વારા શુક્રવારે જારી કરાયેલા ડેટા અનુસાર, 31 માર્ચ, 2024એ પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં ભારતનો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિ દર રિઝર્વ બેન્કના અંદાજ કરતાં વધ્યો છે. RBIએ જીડીપી ગ્રોથ 6.9 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો.
ચોથા ક્વાર્ટરમાં GDP ગ્રોથ 7.8 ટકા હતો, જ્યારે નાણાકીય વર્ષ 2023-24માં GDP ગ્રોથ 8.2 ટકા હતો. જે ભારતીય અર્થતંત્રની તાકાત દર્શાવે છે. ચોથા ક્વાર્ટરમાં જીડીપી વૃદ્ધિ દર તમામ અંદાજો કરતાં સારો હતો. નાણાકીય વર્ષ 2023-24માં નોમિનલ જીડીપી 9.6 ટકા નોંધાયો છે. જે બજેટના 10.5 ટકાના અંદાજ કરતાં ઘટ્યો છે.
SRP જવાનો માટે વ્યસન મુક્તિનો ખાસ કાર્યક્રમ
અમદાવાદ: બીડી, સિગારેટ, ગુટકા, પાન-મસાલા જેમાં ભરપૂર તમાકુનો ઉપયોગ થાય છે. એ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. ચેતવણીઓ છતાં એના સેવનથી હજારો લોકો કેન્સર, અસ્થમા, હ્રદય રોગ, સ્ટ્રોક જેવી અનેક બિમારીઓ તરફ ધકેલાય છે. આજે તમાકુ નિષેધ દિવસે જાગૃતિ માટે અનેક કાર્યક્રમો યોજાયા. જેમાં શહેરના નરોડા રોડ પર આવેલી GCS હોસ્પિટલમાં પણ ગુજરાત પોલીસના એસ.આર.પી જવાનો માટે કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું.
એક ખાસ વક્તવ્યમાં વ્યસનથી થતાં નુકસાન, વ્યસન છોડવાના ઉપાયો તથા વ્યસન છોડવાના ફાયદા વિષે એસ.આર.પી જવાનોને સમજવામાં આવ્યું. ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના રિપોર્ટ અનુસાર, ગુજરાતમાં જેટલાં પ્રકારના કેન્સર થાય છે એમાંથી 44% કેન્સર તમાકુના કારણે થાય છે. આ આંકડો ચોંકાવનારા છે. આ રજૂઆત વ્યસન મુક્તિ કાર્યક્રમમાં GCS હોસ્પિટલ ખાતેના સાઈકિયાટ્રી ડિપાર્ટમેન્ટના હેડ પ્રોફેસર ડો. ધર્મેશ પટેલે પોતાના વક્તવ્યમાં કરી હતી.
વક્તવ્યની સાથે GCS હોસ્પિટલ ખાતે SRP જવાનો માટે CPR તથા ફર્સ્ટ એઈડ તાલીમનું પણ આયોજન કરાયું હતું. જેમાં CPR ટ્રેનિંગ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના ડો. અંકિતા પટેલે આપી હતી. CPR કાર્ડિયાક એરેસ્ટ જેવી ગંભીર સ્થિતિમાં વ્યક્તિના હૃદયને પુનઃ ધબકતું કરવા અને લોહીનો પ્રવાહ મગજ અને અન્ય મહત્વના અંગો સુધી પૂર્વવત્ત કરવા માટે અપાય છે. CPR દર્દીની છાતી પર હાથથી દબાણ આપીને તેમજ મોંએથી શ્વસન ફરી શરૂ કરવા માટે આપવામાં આવે છે. SRP જવાનોને ફર્સ્ટ એઈડ માટેની ટ્રેનિંગ GCS હોસ્પિટલના ઈમર્જન્સી મેડિસીન ડિપાર્ટમેન્ટના ડો. ઋષિ પટેલે આપી હતી. પ્રાથમિક સારવાર (ફર્સ્ટ એઈડ) એ નાની કે ગંભીર બીમારી અથવા ઈજા ધરાવતી કોઈપણ વ્યક્તિને આપવામાં આવતી પ્રથમ અને તાત્કાલિક સહાય છે, જેમાં જીવન બચાવવા, સ્થિતિને બગડતી અટકાવવા અથવા તબીબી સેવાઓ આવે ત્યાં સુધી દર્દીની કાળજી લેવામાં આવે છે.
આ ઉપરાંત GCS હોસ્પિટલના માનસિક રોગ વિભાગ દ્વારા તમાકુ કે તમાકુનો ઉપયોગ કરીને બનાવાયેલી નશાકારક પ્રોડક્ટ્સના વ્યસનથી જે લોકો વ્યસન મુક્ત થવા માંગતા હોય તેમના માટે હોસ્પિટલના ગેટ પર જ એક સ્ટોલ લગાવવામાં આવ્યો હતો. આ સ્ટોલ પરથી વ્યસન મુક્તિ માટે શું કરવું તેની માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા.
(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)
સરકારે વસૂલ્યાં બેન્કોનાં રૂ. 10 લાખ કરોડનાં ડૂબેલાં દેવાં: FM
નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારે વિવિધ આર્થિક સુધારા અને સારા ગવર્નન્સ દ્વારા બેન્કિંગ સેક્ટરનો કાયાપલટ કર્યો છે. જેથી બેન્કોએ 2014થી 2023ની વચ્ચે રૂ. 10 લાખ કરોડથી વધુનાં ડૂબેલાં દેવાં એટલે કે બેડ લોન્સની વસૂલી કરી છે, એમ નાણાપ્રધાન નિર્મલા સીતારામને કહ્યું છે. તેમણે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ્સ X પર કેટલીક પોસ્ટ દ્વારા એ વાત કહી છે.
નાણાપ્રધાને કહ્યું હતું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે આશરે 1105 બેન્ક છેતરપિંડી કેસોની તપાસ કરી છે. જેના પરિણામસ્વરૂપ રૂ. 64,920 કરોડ ગેરકાયદે આવક જપ્ત કરી છે. ડિસેમ્બર 2023 સુધી જાહેર ક્ષેત્રની બેન્કોએ રૂ. 15,183 કરોડની સંપત્તિ પરત કરી દીધી છે.દેશમાં બેન્કિંગ ક્ષેત્રએ રૂ. 3 લાખ કરોડના આંકડાને પાર કરતા સૌથી વધુ ચોખ્ખો નફો કર્યો હતો. સરકારે વ્યાપક સુધારાઓ થકી બેન્કિંગ ક્ષેત્રમાં UPA સરકારનાં પાપોનું પ્રાયશ્ચિત કર્યું હતું. મોદી સરકારે ડૂબેલાં દેવાં ખાસ કરીને મોટા ફિફોલ્ટરથી વસૂલાતમાં કોઈ ઢીલ મૂકી નહોતી અને એ પ્રક્રિયા જારી છે, એમ તેમણે કહ્યું હતું.
बैंकिंग क्षेत्र को देश की अर्थव्यवस्था की रीढ़ मानी जाती है। हाल ही में भारत के बैंकिंग क्षेत्र ने 3 लाख करोड़ रुपये से अधिक का शुद्ध लाभ (net profit) दर्ज करके एक महत्वपूर्ण उपलब्धि हासिल की है।
यह 2014 से पहले की स्थिति के बिल्कुल विपरीत है जब @INCIndia के नेतृत्व वाली यूपीए… https://t.co/NKdbxKxFQf
— Nirmala Sitharaman Office (@nsitharamanoffc) May 31, 2024
આ દુઃખની વાત છે કે વિરોધ પક્ષોના નેતા હજી પણ રાઇટ ઓફ અને માફી વચ્ચેનું અંતર સમજી નતી શકતા. RBIના દિશા-નિર્દેશો અનુસાર રાઇટ ઓફ પછી બેન્ક સક્રિય રીતે ડૂબેલાં દેવાંની વસૂલી કરે છે. કોઈ પણ ઉદ્યોગપતિની લોન માફ નથી કરવામાં આવતી. 2014થી 2023ની વચ્ચે બેન્કોએ બેડ લોન્સથી રૂ. 10 લાખ કરોડથી વધુની વસૂલાત કરી છે. તેમણે કોંગ્રેસના નેતૃત્વવાળી UPA સરકારની ટીકા કરતાં કહ્યું હતું કે NPAનું સંકટનાં બીજ UPA સરકારના કાર્યકાળમાં વાવવામાં આવ્યાં હતાં. મોદી સરકાર અમારી બેન્કિંગ પ્રણાલીને મજબૂત અને સ્થિર કરવા નિર્ણાયક પગલાં ભરતી રહેશે.
મુંબઈ: ગુજરાતી માતૃભાષાની શાળાઓમાં ઉત્તકૃષ્ટ પ્રદર્શન કર્યુ આ તારલાઓએ
મુંબઈ: મહારાષ્ટ્રમાં ગુજરાતી માતૃભાષાની 61 શાળાઓ છે. જેમાંથી 27 ગુજરાતી શાળાઓનું 100 ટકા પરિણામ આવ્યું છે. હકીકતમાં શાળાઓની આ મોટી સિદ્ધી છે. શિક્ષકોની મહેનત અને વિદ્યાર્થીઓના પરિશ્રમને કારણે શાળાઓ સફળતા મેળવી છે.

બાળકોને અંગ્રેજી મીડિયમમાં ભણાવીએ તો જ તેમની પ્રતિભા ઉજાગર થાય છે એવું માનનારાઓ માટે આ શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે કે માતૃભાષાની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ઓછા આંકી ન શકાય. છોકરા કરતા છોકરીઓ પરિણામમાં વધારે આગળ રહી છે. શાળામાં SSCમાં પ્રથમ આવનાર વિદ્યાર્થીઓની યાદી પર નજર કરીએ તો દહાણુની વકીલ મોડેલ ગુજરાતી શાળાની વિદ્યાર્થિનીએ બોર્ડમાં બાજી મારી છે. નિશા સુથાર 95.4 ટકા સાથે ઉત્તીર્ણ થઈ છે.

જ્યારે પુણેની આર સી એમ ગુજરાતી શાળાની વિદ્યાર્થિની પીનલ લાલજી ગોઠી ) 94.2 ટકા સાથે દ્વિતીય અને મલાડની નવજીવન અને દહિસરની શક્તિ સેવા સંઘ શાળાના બે વિદ્યાર્થીઓ ધ્રુવ જીગ્નેશ જોશી 93.2 ટકા અને ધર્મેશ હિંમતભાઈ વાળા 93.2 ટકા સાથે તૃતીય ક્રમાંક પર આવેલા છે.

મુંબઈ જેવા મોટા શહેરોમાં બાળકો મોટી મોટી શાળાઓ ભણવા માટે પસંદ કરતા હોય છે. ત્યારે આ વિદ્યાર્થીઓએ માતૃભાષાની શાળામાં ભણતરી મેળવી ગુજરાતી ભાષાને ટકાવી રાખવામાં પણ ફાળો આપ્યો છે.

ગુજરાતની બહાર પણ ગુજરાતી ભાષાને પ્રાધાન્ય આપવું એક ગુજરાતી તરીકે આપણી ફરજ છે.

જ્યુરીએ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 34 આરોપોમાં દોષી ઠેરવ્યા
વોશિંગ્ટનઃ અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પને મોટો આંચકો લાગ્યો છે. ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને જ્યુરીએ હશ મની કેસમાં 34 આરોપોમાં દોષિત ઠેરવવામાં આવ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ 2016થી 2020 સુધી મેરિકાના રાષ્ટ્રપતિ હતા. ફીથી રાષ્ટ્રપતિ બનવા માટે તેમણે 2020માં ચૂંટણી લડી હતી, પણ તેઓ જો બાઇડનથી મુકાબલો હારી ગયા હતા. આ વખતે ત્રીજી વાર તેઓ રાષ્ટ્રપતિ ચૂંટણીમાં મેદાનમાં છે. જોકે દોષી ઠેરવાયા છતાં અમેરિકી કાયદા મુજબ ટ્રમ્પને ચૂંટણી લડતા નહીં રોકી શકાય.
અમેરિકાના ઇતિહાસમાં સૌપ્રથમ વાર આ બન્યું છે, જ્યારે વર્તમાન કે પૂર્વ રાષ્ટ્રપતિ વિરુદ્ધ ગુનાઈત કેસ ચલાવવામાં આવ્યો હોય. ડોનાલ્ડ ટ્રમ્પ સામે પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 2016ની પ્રમુખપદની ચૂંટણી પહેલા મોઢું બંધ રાખવાના બદલામાં પૈસાની ચૂકવણી કરાયાની વાત છુપાવવા અને ટ્રમ્પના પોતાના વ્યવસાયના રેકોર્ડમાં હેરફેર કરવાના કુલ 34 આરોપ હતા. ટ્રમ્પે કુલ 1.30 લાખ ડોલર ડેનિયલ્સને આપ્યા હતા. એ પેમેન્ટ 2016ની ચૂંટણીથી પહેલાં આપ્યા હતા. આ તમામ આરોપોમાં તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.
જોકે ટ્રમ્પે દસ્તાવેજો સાથે છેડછાડના તમામ આરોપોને નકારી કાઢ્યા છે. તેમણે સ્ટોર્મી ડેનિયલ્સ સાથે સેક્સ માણવાનો પણ ઇનકાર કર્યો છે. હવે જસ્ટિસ જુઆન માર્ચેન 11 જુલાઈએ તેમની સજાની જાહેરાત કરશે. ટ્રમ્પ વિરુદ્ધનો ચુકાદો એવા સમયે સંભળાવવામાં આવશે, જ્યારે રિપબ્લિકન પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન 15 જુલાઈથી શરૂ થવા જઈ રહ્યું છે, જેમાં પાર્ટી દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ટ્રમ્પના નામની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે.
શું છે મામલો?
ડોનાલ્ડ ટ્રમ્પે 2006માં સ્ટોર્મી ડેનિયલ્સ સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. 2016ની રાષ્ટ્રપતિ ચૂંટણી દરમિયાન આ બાબતની ખૂબ ચર્ચા થઈ હતી. સ્ટોર્મી આ ઘટનાને સાર્વજનિક કરવાની ધમકી આપી રહી હતી, ત્યારબાદ ટ્રમ્પે તેને ગુપ્ત રીતે પૈસા ચૂકવ્યા હતા. ટ્રમ્પને ડેનિયલ્સને 1,30,000 અમેરિકન ડોલરની ચૂકવણીની વાત છુપાવવા માટે બિઝનેસ રેકોર્ડ્સ હેરફેર કરી હતી જેના માટે તેમને દોષિત ઠેરવવામાં આવ્યા છે.





