Home Blog Page 1799

રાજ્યમાં કાળઝાળ ગરમીમાં હાર્ટએટેકથી 11 જણનાં મોત

અમદાવાદઃ રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે વડોદરામાં નવ લોકોનાં મોત થયાં છે, જ્યારે સુરેન્દ્રનગરમાં બે  યુવકે જીવ ગુમાવ્યા છે. લખતરમાં 20 વર્ષીય પાર્થ પટેલનું હાર્ટ એટેકથી મોત થયું છે તો સાયલામાં 45 વર્ષીય ધીરુભાઈનું હાર્ટ એટેકથી મોત થયું છે.

વડોદરામાં છેલ્લા સાત દિવસમાં ગરમીને કારણે 29થી વધુ લોકો મોતને ભેટ્યા હતા. વડોદરામાં ગરમીના કહેર વચ્ચે SSG દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે દર્દીઓની સંખ્યા વધતા અલગથી વોર્ડ બનાવવાની ફરજ પડી છે. ગભરામણ, હાર્ટ એટેક, હીટ સ્ટ્રોક સહિતને કારણે લોકોએ જીવ ગુમાવ્યો છે. હીટવેવને પગલે GEB લાઇનના ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલનું પણ મોત થયું છે.

બીજી તરફ હવામાન વિભાગની આગાહી અનુસાર આજે કુલ 20 થી વધુ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, પાટણ, અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા, આણંદ, અરવલ્લી, ખેડા,જૂનાગઢ, ભાવનગર, કચ્છ, બોટાદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર સહિતના જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

રાજ્યમાં સતત વધી રહેલા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતના કિસ્સા ચિંતા વધારી છે. નાની વયે હાર્ટ અટેકના કેસ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. કોરોના બાદ નાની વયે આવતા હાર્ટ અટેક અને તેનાથી થતાં મોતની સિલસિલો થંભવાનું નામ લેતો નથી. રાજ્ય દરરોજ સરેરાશ એકથી ત્રણ હાર્ટ અટેકના કિસ્સા બની રહ્યા છે. હાલ ગરમીની વચ્ચે હાર્ટ અટેકનો કેસ વધી રહ્યા છે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર  હૃદય રોગ સૌથી વધુ મૃત્યુનું કારણ બને છે. આજકાલ સ્વસ્થ દેખાતા વ્યક્તિનું અચાનક મૃત્યુ થાય છે, જેની પાછળનું કારણ સાયલન્ટ હાર્ટ એટેક પણ હોઈ શકે છે. આ હાર્ટ એટેક સાયલન્ટ કિલર એટલે છે કે અચાનક જ આવે છે અને બચાવનો સમય નથી આપતો.

 

 

 

 

 

 

 

 

 

લોકોની માનસિક્તામાંથી એસિડ દૂર કરવાની જરૂરિયાત: ડૉ. નવપ્રીત કૌર

અમદાવાદ: ‘ધ ફોનિક્સ ઇફેક્ટ: સ્ટોરીઝ ઓફ સર્વાઈવલ, હોપ એન્ડ હીલિંગ’ વિષય પર અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન (AMA) ખાતે ખાસ સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લક્ષ્મી ફાઉન્ડેશનના કો ફાઉન્ડર ડૉ. નવપ્રીત કૌર હાજર રહ્યા હતા. તેમણે એસિડ એટેક સર્વાઈવલ અને એટેક બાદના તેમના જીવન સંઘર્ષ અંગે માહિતી આપી. AMA ખાતે 15મા ડૉ. લલિતા ઐયર મેમોરિયલ લેક્ચરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉ. નવપ્રીત કૌરએ એસિડ એટેક પીડિતોના લાઇવ કેસ સ્ટડી વિશે વિગતવાર માહિતી આપી હતી. જેમાં તેમની સાથે એસિડ એટેક સર્વાઈવલ મૂળ ઝારખંડના પ્રિન્સ સાહુએ ભાગ લીધો હતો અને પોતાની સાથે બનેલી દુર્ઘટના વિશે વાત કરી હતી.એસિડ એટેક થયો તે પહેલાં પ્રિન્સ સુરતમાં ફ્રિલાન્સ મોડલિંગનું કામ કરતો હતો. તેઓ મિત્રોની કપડાંની દુકાન માટે પણ મોડલિંગ કરતા હતા. તેમાંના એક મિત્રને લાગ્યું કે તેમની પત્ની સાથે પ્રિન્સને સંબંધો છે અને શંકાને આધારે તેમણે પ્રિન્સના ચહેરા પર એસિડ ફેંક્યો હતો. તેઓ લાંબા સમય સુધી ICUમાં હતા. લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા મદદ મળ્યા બાદ પ્રિન્સનું જીવન ફરી નોર્મલ થઈ રહ્યું છે.

ડૉ. નવપ્રીત કૌરે કહ્યું કે દર વર્ષે લગભગ એસિડ એટેકના 250-300 કેસ નોંધાય છે. જેમાં સૌથી વધુ કેસ પશ્ચિમ બંગાળ, પંજાબ, દિલ્હીથી સામે આવે છે. જો કે આ વર્ષે સૌથી વધુ કેસ બેંગલુરૂથી સામે આવ્યા છે. ગુજરાતની જો વાત કરવામાં આવે તો છેલ્લાં પાંચ મહિનામાં 15 એસિડ એટેક સર્વાઇવલના કેસ અમારી પાસે આવ્યા છે. લક્ષ્મી ફાઉન્ડેશન દ્વારા એસિડ એટેક પીડિતને કાનૂની સહાયની સાથે ફિજીકલ અને સાયક્લોજીસ્ટ ટ્રીટમેન્ટમાં મદદ કરવામાં આવે છે. આ ઉપરાંત તેઓ જીવનમાં ફરી એક નોર્મલ લાઈફ જીવી શકે તે માટે તેમને આર્થિક રીતે પગભર થવામાં પણ મદદ કરે છે. એસિડ એટેક માટેની સૌથી સારી ટ્રીટમેન્ટ દિલ્હી એઈમ્સમાં ઉપલબ્ધ હોવાથી દિલ્હીમાં શેલ્ટર હોમ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ એસિડ એટેક પીડિત વિના મૂલ્યે રહી શકે છે. વધુમાં તેમણે કહ્યું, એસિડ એટેકના કિસ્સાઓ શહેરો કરતાં ગ્રામીણ વિસ્તારોમાં વધારે બનતા હોય છે. આ દુર્ઘટનાનો ભોગ 13 વર્ષથી લઈને 35 વર્ષની વયજૂથના લોકો બનતા હોય છે. એસિડ એટેકના કિસ્સામાં 2 ટકા કેસમાં લોકોના મોત પણ થયા છે. એસિડ એટેકનો ભોગ 70 ટકા મહિલાઓ બને છે, જ્યારે 30 ટકા કેસ પુરૂષોના પણ હોય છે.ડૉ. નવપ્રીત કૌરનું કહેવું છે કે લક્ષ્મીના કેસ બાદ સુપ્રીમ કોર્ટે એસિડના વેચાણ માટે ખાસ ગાઈડલાઈન બહાર પાડી છે. આ ગાઈડલાઈનમાં ન માત્ર એસિડના વેચાણ અંગેના પરંતુ કોણ એસિડની ખરીદી કરી શકે છે તેના પણ નિયમો છે. તેમ છતાં આ નિયમોનું કડક પાલન થતું નથી. એટલું જ નહીં મોટાભાગના કિસ્સાઓમાં લોકો આ નિયમો વિશે જાણતા પણ નથી. આથી તેમની સંસ્થા દ્વારા અવેરનેસ ફેલાવવા તે માટે લોકોને એજ્યુકેટ કરવા પર ખાસ ભાર આપવામાં આવે છે. સાથે તેમણે એમ પણ કહ્યું કે એસિડ લોકોના મગજમાં તેમની સાયકલોજીમાં ભરાયેલો હોય છે. જેનો નિકાલ કરવો આપણા સૌની ફરજ છે. આપણા બાળકોનું પ્રશિક્ષણ એવું હોવું જોઈએ અથવા તો તેમને સંવેદનશીલ બનાવવા જોઈએ જેથી ક્યારેય પણ આ પ્રકારનો ગુનો કરવાનો તેમને વિચાર જ ન આવે. એસિડ એવો પદાર્થ છે કે જે ખૂબ સરળતાથી સસ્તો મળી જાય છે. આથી ગુનેગાર જે સામેવાળી વ્યક્તિને નુક્સાન પહોંચાડવા માંગે છ તેના માટે આ ખુબ જ સરળ રસ્તો બની જાય છે. જો કે એસિડના વેચાણ-ખરીદીના નિયમોનું લોકો કડકાઈથી પાલન કરશે તો ચોક્કસથી આ પ્રકારના કેસોમાં ઘટાડો નોંધાશે.

અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા અને ઈશા ગુપ્તાએ દિલ્હી જઈ કર્યુ મતદાન

બોલિવૂડ સ્ટાર સિદ્ધાર્થ મલ્હોત્રાએ દિલ્હીમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન કરીને નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી છે. આજે 25મી મેના રોજ સિદ્ધાર્થ પોતાનો મત આપવા માટે મુંબઈથી પોતાના વતન દિલ્હી ગયા હતો. અભિનેતાએ સોશિયલ મીડિયા પર તેના વોટિંગની તસવીર પણ શેર કરી છે. સિદ્ધાર્થે ઇન્સ્ટાગ્રામ પર પોતાની એક તસવીર પોસ્ટ કરી છે જેમાં તેની આંગળી પર વોટિંગની શાહી દેખાય છે.

સિદ્ધાર્થે તેની તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરતા લખ્યું કે, હું મારા વતન દિલ્હી ગયો અને વિશ્વના સૌથી મોટા લોકતંત્રમાં મતદાન કરવાનો આનંદ માણ્યો, તમે પણ જાઓ અને મતદાન કરો. આ પછી સિદ્ધાર્થે #DelhiVoteNow #VoteForIndia હેશટેગ પણ લખ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Sidharth Malhotra (@sidmalhotra)


ઉલ્લેખનીય છે કે આજે 25મી મેના રોજ સવારે સિદ્ધાર્થ મલ્હોત્રાએ મુંબઈ એરપોર્ટથી દિલ્હી જવા માટે ફ્લાઈટ લીધી હતી અને પછી ઘરે જવાને બદલે તેઓ સીધા જ પોલિંગ બૂથ પર પહોંચ્યા હતા. તે જ સમયે પોતાનો મત આપ્યા પછી સિદ્ધાર્થે કહ્યું કે દિલ્હી હવે તમારો વારો છે. કિયારા અડવાણીએ મુંબઈમાં મતદાન કર્યુ હતું. હાલમાં તે તેની આગામી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કિયારા હવે રણવીર સિંહ સાથે ફિલ્મ ડોન 3માં જોવા મળશે. તે જ સમયે સિદ્ધાર્થ મલ્હોત્રાની અગાઉની ફિલ્મ યોધા હતી, જે થિયેટરોમાં રિલીઝ થઈ ન હતી પરંતુ OTT પર સ્ટ્રીમ થઈ હતી અને ફિલ્મ ફ્લોપ થઈ હતી.

અભિનેત્રી ઈશા ગુપ્તા સ્ટાઇલિશ લુકમાં પોલિંગ બૂથ પર પહોંચી હતી. ઈશા બેજ કલરના પેન્ટ સાથે સુંદર સફેદ શર્ટ પહેરીને મતદાન કરવા પહોંચી હતી. અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર વોટિંગ કર્યા બાદ પોતાની એક તસવીર પણ શેર કરી છે.

આ તસવીરના કેપ્શનમાં ઈશાએ લખ્યું છે કે, દિલ્હીવાસીઓ પ્લીઝ વોટ કરવા જાઓ. તમને જણાવી દઈએ કે, આજે 25મી મેના રોજ દિલ્હીની તમામ 7 લોકસભા સીટો પર સવારે મતદાન ચાલી રહ્યું છે. દિલ્હીમાં સૌથી મોટો મુકાબલો ઉત્તર-પૂર્વ દિલ્હી બેઠક પર છે, જેમાં કોંગ્રેસના કન્હૈયા કુમારનો સીધો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ મનોજ તિવારી સાથે છે.

પ્રતિ વર્ષ 7.5 ટકાના દરે વધતું અંગ્રેજી શીખવાનું બજાર

નવી દિલ્હીઃ વિશ્વમાં અંગ્રેજી (ELT) શીખવાનું બજાર ઝડપથી વધી રહ્યું છે. વર્ષ 2022માં આ બજારનું કદ આશરે 72.5 અબજ ડોલર હતું, જે 2030 સુધી વધીને 129.3 અબજ ડોલર સુધી પહોંચવાનો અંદાજ છે. વર્ષ 2023થી 2030 સુધી પ્રતિ વર્ષ આશરે 7.5 ટકાના દરે (CAGR)થી વધવાનો અંદાજ છે.

વિશ્વમાં અંગ્રેજી શીખવાની માગ વધી રહી છે. લોકો વિવિધ પ્રકારે અંગ્રેજી શીખી રહ્યા છે, પરંતુ ડિજિટલ લર્નિંગ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે, કેમ કે લોકો મોબાઇલ એપ, ઓનલાઇન કોર્સિસ અને વિડિયો દ્વારા સરળતાથી અંગ્રેજી શીખી શકે છે.

ઇંગ્લિશ લેંગવેજ ટ્રેનિંગ (ELT) પ્રોગ્રામ એ લોકો માટે બનાવવામાં આવ્યો છે, જેમણે પહેલાં ક્યારેય અંગ્રેજી નથી બોલી. આ પ્રોગ્રામમાં લોકો ભાષા અને સંવાદની પાયાની વાત શીખે છે. અંગ્રેજી સિવાય ઇટાલવી, ફ્રેંચ, સ્પેનિશ અને મંદારિન જેવી અન્ય ભાષાઓ શીખવાની તક મળે છે. વળી, અંગ્રેજી શીખવાવાળાઓમાં વયસ્કોની સંખ્યા સૌથી વધુ છે. તેઓ કેરિયરને આગળ વધારવા માટે કે વિદેશમાં નોકરી મેળવવા અંગ્રેજી શીખી રહ્યા છે. અંગ્રેજી ભાષાની તાલીમની સૌથી વધુ માગ એશિયા પ્રશાંત ક્ષેત્રમાં છે. વળી, અહીંની મોટી વસતિ અને વધતું અર્થતંત્ર આ બજારને આગળ વધારી રહ્યું છે.

વર્ષ 2021માં વિશ્વમાં આશરે 1.35 અબજ લોકો અંગ્રેજી બોલતા હતા. વિશ્વની કુલ વસતિ આશરે 7.8 અબજ છે, એમાંથી 36 કરોડ લોકો એવા છે, જેમની મૂળ ભાષા અંગ્રેજી છે.

યુરોપમાં આશરે 21.2 કરોડ અંગ્રેજી બોલે છે. ભારતમાં એ આંકડો આશરે 26.5 કરોડ છે. અમેરિકામાં આશરે 35 કરોડ લોકો અંગ્રેજી બોલે છે. કેનેડામાં આશરે ત્રણ કરોડ લોકો અંગ્રેજી બોલે છે.

 

 

મિક્સ વેજ ગોટા

મિક્સ લોટના વેજ ગોટા થોડાં ટ્વિસ્ટ સાથે, અલગ સ્વાદ સાથે ગરમાગરમ બધાંને ભાવશે!

સામગ્રીઃ

  • આખા ધાણા 1 ટે.સ્પૂન
  • વરિયાળી 1 ટે.સ્પૂન
  • આદુ 2 ઈંચ
  • લસણની કળી 10-15
  • કાંદા 2
  • કાચી કેરી 1 નંગ
  • લીલી મેથીના પાન 1 કપ
  • કોથમીર ધોઈને સમારેલી 1 કપ
  • મકાઈનો લોટ 1 કપ
  • ચણાનો લોટ ½ કપ
  • રવો ½ કપ
  • દહીં 2 ટે.સ્પૂન
  • તલ 1 ટે.સ્પૂન
  • લીલા મરચાં 7-8
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળાં મરી પાઉડર 1 ટી.સ્પૂન
  • મીઠું સ્વાદ પ્રમાણે,
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • તેલ તળવા માટે
  • ભાવનગરી મરચાં 8-10 (અથવા મોળા મરચાં)

રીતઃ કેરી છોલીને ધોઈને ખમણી લેવી. આખા ધાણા તેમજ વરિયાળી અધકચરા વાટી લેવા. આદુ-લસણને વાટી લો. કાચી કેરી અડધી છીણી લો.

એક બાઉલમાં મકાઈનો લોટ, ચણાનો લોટ અને રવો મેળવી લો. તેમાં અધકચરા વાટેલાં ધાણા અને વરિયાળી, વાટેલા આદુ-લસણ તેમજ તલ મેળવો. કાંદાને ઝીણાં ચોરસ સમારેલા અને લીલા મરચાં ગોળ સમારેલા સાથે સમારેલી કોથમીર મેળવો. લીલી મેથીના પાન 3-4 પાણીએથી ધોઈને સમારીને મેળવો. હીંગ, દહીં, કાળા મરી પાઉડર અને સ્વાદ મુજબ મીઠું ઉમેરી દો. આ બધી સામગ્રીમાં થોડું પાણી ઉમેરીને ગોટાનો લોટ તૈયાર કરી લો.

ગોટા ઉતારવા માટે એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાંથી 1 ચમચી ગરમ તેલ ગોટાના મિશ્રણમાં રેડીને ચમચી વડે હલાવી લો. હવે ગરમ તેલમાં ગોટા તળી લો.

મરચાંને મોટા ટુકડામાં કટ કરીને અથવા દરેક મરચાંમાં કાપો પાડીને તેલમાં તળી લો. તળેલા મરચા એક પ્લેટમાં કાઢી લઈ ઉપર મીઠું ભભરાવીને ગોટા સાથે પિરસો.

આ ગોટા લીલી ચટણી અને દહીંના રાયતા તેમજ તળેલા મરચાં સાથે અથવા સાંજે નાસ્તામાં ચા સાથે પણ સારાં લાગશે.

લોકસભા ચૂંટણી: સોનિયા ગાંધી સહિતના દિગ્ગજ નેતાઓએ કર્યુ મતદાન

નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની તમામ સાત બેઠકો પર ભારે ઉત્સાહ સાથે મતદાન ચાલી રહ્યું છે. આ દરમિયાન દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, નાયબ વિદેશ મંત્રી એસ જયશંકર, કોંગ્રેસ નેતા સોનિયા ગાંધી સહિત ઘણા મોટા નેતાઓ વોટિંગ બૂથ પર પહોંચ્યા અને મતદાન કર્યુ છે.

નેતાઓએ સમયસર મતદાન કેન્દ્ર પર પહોંચીને મતદાન કર્યુ હતું.

દેશની પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પોતાનો મત આપી બજાવી ફરજ.

લોકસભા ચૂંટણીમાં મતદાન કર્યા બાદ સોનિયા ગાંધી સાથે સેલ્ફી લેતા રાહુલ ગાંધી.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પરિવાર સાથે સિવિલ લાઈન્સ વિસ્તારમાં મતદાન કર્યું.

ઉત્તર-પૂર્વ દિલ્હીના ભાજપના ઉમેદવાર મનોજ તિવારીએ પણ નિભાવી મતદાનની ફરજ.

પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પત્ની સાથે મતદાન કર્યું.

ઓડિશાના સીએમ નવીન પટનાયકે મતદાન કર્યું.

LS ચૂંટણીના 6ઠ્ઠા તબક્કામાં પ્રારંભિક મતદારોમાં જયશંકર, હરદીપ પુરી, બાંસુરી સ્વરાજએ કર્યુ મતદાન.

BharatPeના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવરે પણ મતદાન કરી નિભાવી ફરજ.

ભારતની સૌથી ધનિક મહિલા સાવિત્રી જિંદાલે આપ્યો મત.

 

(તમામ તસવીરો: IANS અને ઈન્સ્ટાગ્રામ)

લોકસભા ચૂંટણીઃ ત્રણ વાગ્યા સુધી 49.2 ટકા મતદાનઃ બંગાળમાં હિંસા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે. આ તબક્કામાં છ રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 58 સીટો પર મતદાન થઈ રહ્યું છે.  અનેક જગ્યાએથી ખરાબ EVMની ફરિયાદ થતાં મતદારો પરત ફર્યા હતા. બંગાળમાં ટેન્શન પ્રવર્તી રહ્યું છે.

પશ્ચિમ બંગાળમાં મિદનાપુર વિસ્તારમાં ભાજપના ઉમેદવારના કાફલાને અટકાવવાને કારણે ભારે બબાલ થઈ હતી. એક તરફ આગ લાગવાના બનાવો તો બીજી બાજુ દેખાવકારોએ સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પહેલાં એક TMC કાર્યકર્તાની હત્યાને લઈને ટેન્શન વધી ગયો હતો.મિદનાપુર લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર અગ્નિમિત્રા પોલે આરોપ લગાવ્યો હતો કે ભાજપના પોલિંગ એજન્ટોને મતદાન કેન્દ્રોમાં અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવતી.

લોકસભાના છઠ્ઠા તબક્કામાં સવારે 11 કલાક સુધી બિહારમાં 36.48 ટકા, દિલ્હીમાં 34.37 ટકા, હરિયાણામાં 36.48 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 35.22 ટકા ઝારખંડમાં 42.54 ટકા ઓડિશામાં 35.69 ટકા ઉત્તર પ્રદેશમાં 37.23 ટકા અને પશ્ચિમ બંગાળમાં 54.80 ટકા મતદાન થયું છે.રાંચીના એક પોલિંગ બૂથ પર ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેનન્દ્ર સિંહે પણ મતદાન કર્યું હતું. તેમના પરિવારની સાથે તેમણે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. આ પહેલાં ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવે પણ મતદાન કર્યું હતું.

સામાન્ય ચૂંટણીના પાંચમા તબક્કામાં 62.2 ટકા મતદાન નોંધાયું હતું. પાંચ તબક્કામાં 25 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 428 સીટો પર મતદાન થયું છે.

 

 

 

 

 

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હરિયાણામાં કર્યું મતદાન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકતંત્રના મહાપર્વમાં એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યોનું પાલન કરતાં આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં બુથ નંબર 157માં મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે હરિયાણામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકમાંથી બહાર આવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, “ભારતના સંવિધાને પ્રત્યેક વયસ્ક ભારતીયને મત આપવાનો અધિકાર આપ્યો છે. એટલે આપણું  નૈતિક કર્તવ્ય છે કે, રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, કલ્યાણ માટે, સર્વાંગીણ વિકાસ માટે મતનો અવશ્ય ઉપયોગ કરીએ.

તેમણે કહ્યું કે, જીવનમાં અનેક કામો આપણી અગ્રતાના હોય છે. પરંતુ મતદાનના દિવસે અગત્યના અનેક કામો છોડીને પણ નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરતાં અવશ્ય મતદાન કરવું જોઈએ. હું પણ મતદાન માટે જ આજે ગુજરાતથી અહીં હરિયાણા આવ્યો છું.” આવો, લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લો અને નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરો.

વિભવ કુમારને કોર્ટે 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલ્યા

સ્વાતિ માલીવાલ કેસમાં કોર્ટે વિભવ કુમારને ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો છે. તીસ હજારી કોર્ટના આદેશ અનુસાર, વિભવ કુમાર 28 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં રહેશે. વિભવને આજે (24 મે) કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, પોલીસે ચાર દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગણી કરી હતી, જેને કોર્ટે સ્વીકારી હતી. દરમિયાન વિભવ કુમારે જામીન માટે કોર્ટમાં અરજી કરી છે. કોર્ટે આ અંગે દિલ્હી પોલીસ પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે વિભવ કુમારની અરજી પર સુનાવણી માટે 27 મેની તારીખ નક્કી કરી છે.

દિલ્હી પોલીસે કહ્યું કે કોર્ટની સૂચના મુજબ અમે પરિવારના સભ્યો અને વકીલને વિભવને મળવાની મંજૂરી આપી હતી. વિભવના વકીલે કહ્યું કે ન્યાયિક કસ્ટડી અથવા પોલીસ કસ્ટડી બંને આરોપીની સ્વતંત્રતાને અસર કરે છે. કોઈપણ વસ્તુની માંગ વ્યાજબી હોવી જોઈએ. વિભવના વકીલે કહ્યું કે જ્યુડિશિયલ કસ્ટડી 14 દિવસની છે પરંતુ પોલીસ 4 દિવસની જ્યુડિશિયલ કસ્ટડીની માંગ કરી રહી છે. વિભવ કુમારના વકીલનું કહેવું છે કે જ્યુડિશિયલ રિમાન્ડ એ કોર્ટનો વિશેષાધિકાર છે.

કાળઝાળ ગરમીએ વધુ બેના લીધા જીવ

રાજ્યમાં ગરમીએ 7 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ગુજરાતમાં મહત્મ પારો 46 ડિગ્રીને પાર નોંધાયો હતો. ત્યારે હાલ રાજ્યમાં એકથી બે દિવસ હીટ વેવ યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે હાલ સુધીમાં રાજ્યમાં 20 જેટલા લોકો હીટવેવના કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

આજે રાજકોટમાં બે વ્યકિતના ગરમીના કારણે મોત નિપજયા છે.રાજકોટા રામવન વિસ્તારના પાછળના ભાગેથી એક અજાણ્યા વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે,તો ઢાળીયા પાસેથી પણ એક વ્યકિતનો મૃતદેહ મળી આવ્યો છે.જ્યારે આ ગઈકાલે સુરતમાં 9 તો વડોદરામાં 5 મોત થયા હતા.

વડોદરામાં રેકોર્ડબ્રેક 45 ડિગ્રી ગરમીમાં શહેર અગનભઠ્ઠીમાં શેકાયું છે. વડોદરામાં હીટવેવના કારણે વધુ 9ના મોત થયા છે. આ સાથે જ મોતનો આંકડો 30 પર પહોંચ્યો છે. ગભરામણ અને હાર્ટ એટેકના કારણે વધુ 9ના મોત થયા છે. વડોદરામાં વર્ષ 2016 માં 44.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તો ગતરોજ તાપમાનનો પારો 45 ડિગ્રી ઉપર પહોંચી જતા નગરજનોની હાલત કફોડી બની હતી.

હાલ પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન પરેશાન થઈ ગયા છે.હીટવેવના કારણે મૃત્યુઆંક પણ સતત વધી રહ્યો છે. વૃદ્ધોને સીધી અસર થવાના કારણે હીટવેવથી મૃત્યુઆંક 30 ટકાનો વધારો થયો છે. જી હા, ગરમીની સૌથી વધુ અસર વૃદ્ધોને થઈ રહી છે. વડીલોની નબળી રોગ પ્રતિકારક શક્તિના કારણે ગરમીની અસર જલદી થાય છે. 40 ડિગ્રીથી વધુ તાપમાન જતાં જ હીટવેવની શક્યતાઓ વધી જાય છે.