Home Blog Page 1804

અજય દેવગન અને રોહિત શેટ્ટીએ કાશ્મીરમાં સૈનિકો સાથે કરી મુલાકાત

મુંબઈ: અજય દેવગન અને રોહિત શેટ્ટીની ફિલ્મ ‘સિંઘમ અગેન’ બોલિવૂડની મોસ્ટ અવેટેડ ફિલ્મોમાંથી એક છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. થોડા દિવસો પહેલા ફિલ્મના શૂટિંગની એક ઝલક સોશિયલ મીડિયા પર જોવા મળી હતી. અભિનેતા અજય દેવગન અને નિર્દેશક રોહિત શેટ્ટીએ કાશ્મીરમાં સૈનિકો સાથે મુલાકાત કરી હતી. સશસ્ત્ર સીમા બળે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને અજય અને રોહિત સાથેની તસવીર શેર કરી છે. બંનેએ સરહદ પર જવાનો સાથે સમય પસાર કર્યો હતો.

અજય દેવગન પોલીસ યુનિફોર્મમાં જોવા મળ્યા

સશસ્ત્ર સીમા બળે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો અને તસવીર શેર કરી છે, જેમાં અજય દેવગન અને રોહિત શેટ્ટી જમ્મુ-કાશ્મીરમાં સૈનિકો સાથે સમય પસાર કરતા જોવા મળે છે. તસવીરમાં અજય દેવગન પોલીસ યુનિફોર્મમાં જોવા મળી રહ્યા છે. તે ‘સિંઘમ અગેન’ના શૂટિંગમાંથી સીધા સૈનિકોને મળવા આવ્યા હતા. આ વીડિયોને ઈન્ટરનેટ પર ઘણો પ્રેમ મળી રહ્યો છે.


અર્જુન કપૂરે ‘સિંઘમ અગેન’નું શૂટિંગ પૂરું કર્યું

અર્જુન કપૂરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર રોહિત શેટ્ટી સાથેની પોતાની એક તસવીર શેર કરી અને લખ્યું કે તેણે ‘સિંઘમ અગેન’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. અભિનેતાએ આ ફિલ્મને તેની કારકિર્દીની શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક ગણાવી હતી. ફ્રેન્ચાઇઝી પ્રત્યે તેમનો આભાર વ્યક્ત કરતાં અર્જુને આગળ લખ્યું,’ભારતીય સિનેમાની સૌથી મનોરંજક ફ્રેન્ચાઇઝીમાંથી એકનો ભાગ બનીને હું ધન્યતા અનુભવું છું. થિયેટરોમાં અમારી ફિલ્મ જોવા માટે હું રાહ જોઈ શકતો નથી.’

‘સિંઘમ અગેન’ વિશે

‘સિંઘમ અગેન’ એ ‘સિંઘમ’ ફ્રેન્ચાઇઝીનો ત્રીજો ભાગ છે. ફિલ્મમાં અજય દેવગન ઉપરાંત રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, ટાઈગર શ્રોફ, કરીના કપૂર અને અર્જુન કપૂર મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે સિનેમાઘરોમાં આવે તેવી શક્યતા છે.

‘રેમલ’ મચાવશે રેલમ છેલ!

ભારતના હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડી લો પ્રેસર સર્જાય રહ્યું છે. જેના કારણે આગામી 24 કલાક ખુબ મહત્વના છે. ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત સાથે ટક્કરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 24મી મે એટલે કે શુક્રવારે સવાર સુધીમાં તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધીને બંગાળની ખાડીના મધ્ય ભાગો પર એક દબાણમાં ફેરવાય તેની સંભાવના છે. હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ મુજબ તે ઉત્તર પૂર્વ તરફ આગળ વધશે અને ત્યારબાદ તે વધુ તીવ્ર બની જશે. જો આ દબાણ ચક્રવાતી તોફાનમાં ફેરવાય તો તેનું નામ ‘રેમલ’ રાખવામાં આવશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ચક્રવાત 23મી મેથી 27મી મે વચ્ચે ઓડિશા ઉપરાંત મહારાષ્ટ્ર અને ગુજરાત પર પ્રભાવ પડવાની સંભાવના છે. આથી હવામાન વિભાગે 28મી મે 2024ની આજુબાજુ ગુજરાત અને મુંબઈમાં ભારે વરસાદની આગાહી કરી છે.

બંગાળની ખાડી ઉપર બની રહેલા આ દબાણના પગલે હવામાન વિભાગે કોલકાતામાં આંધી તોફાન અને વીજળી પડવાના જોખમને જોતા ઓરેન્જ એલર્ટ જાહેર કરેલું છે. આખું અઠવાડિયું વરસાદ પડે તેવી શક્યતા છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે.

વાવાઝોડાનો રૂટ ભારતના ચોમાસાના આગમન પર અસર પાડી શકે છે. જો રેમલ ભારતીય તટ તરફ આગળ વધે તો તે વાસ્તવમાં ચોમાસાની શરૂઆતમાં મદદ કરી શકે છે. જેનાથી વિપરિત મ્યાંમાર તરફ ઉત્તરની બાજુ આગળ વધવાથી ચોમાસાના આગમનમાં મોડું થઈ શકે છે. અત્યાર સુધી હવામાન વિભાગે 31 મેની આજુબાજુ કેરળમાં ચોમાસુ બેસવાની શક્યતા વ્યક્ત કરી છે.

 

અન્નુ કપૂર અભિનિત ફિલ્મ ‘હમારેં બારહ’કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રદર્શિત

મુંબઈ: અન્નુ કપૂરની ફિલ્મ ‘હમારે બારહ’કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ 7 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થશે. રસપ્રદ વાત એ છે કે ‘હમારે બારહ’ એક એવી ફિલ્મ છે જે ભવ્ય પ્રીમિયર સાથે વૈશ્વિક સ્તરે ચમકી છે, એ પણ પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલમાં. ફિલ્મમાં અન્નુ કપૂર ઉપરાંત અશ્વિની કાલસેકર, મનોજ જોશી અને પાર્થ સમથાન પણ મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મનું ટ્રેલર તેના મેકર્સ દ્વારા તાજેતરમાં રિલીઝ કરવામાં આવ્યું હતું.

બદરી-કેદાર મંદિર સમિતિના અધ્યક્ષ અજેન્દ્ર અજય ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ ઉત્તર પ્રદેશના એક શહેર પર આધારિત છે, જે ઝડપથી વધતી વસ્તીની વાર્તા કહે છે.

ફિલ્મ વિશે વાત કરતાં અન્નુ કપૂરે મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું,’હમારા બારહ’માં કામ કરવું એ મારા માટે અવિશ્વસનીય સફર રહી છે. આ ફિલ્મ કેટલાક જટિલ અને સંવેદનશીલ વિષયો પર ધ્યાન આપે છે, અને હું માનું છું કે નવું શીર્ષક અમારી વાર્તા કહેવા સાથે વધુ સારી રીતે સંરેખિત છે. હું ફિલ્મ 7 જૂને દર્શકો સમક્ષ રજૂ કરવા ઉત્સાહિત છું.”

આ ફિલ્મનું નિર્માણ રવિ એસ ગુપ્તા, બિરેન્દ્ર ભગત અને સંજય નાગપાલે કર્યું છે. ‘હમારે બારહ’ ફિલ્મના ડિરેક્ટર કમલચંદ્ર છે. વાર્તા રાજન અગ્રવાલે લખી છે. ભારતમાં વાયાકોમ 18 સ્ટુડિયો ફિલ્મ રિલીઝ કરશે, જ્યારે રાઇઝિંગ સ્ટાર એન્ટરટેઇનમેન્ટ યુકે તેની વૈશ્વિક રિલીઝનું સંચાલન કરશે.

તમને જણાવી દઈએ કે, પાર્થ સમથાન તેની ફિલ્મી કરિયરની શરૂઆત ‘હમારે બારહ’થી કરી રહ્યા છે. ઘણા મીડિયા અહેવાલો અનુસાર તે 2016 માં ગુગલી હો ગયી સાથે તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત કરવાનો હતો, જો કે, આ પ્રોજેક્ટ પાછળથી પડતો મૂકવામાં આવ્યો હતો. ‘હમારે બારહ’ ઉપરાંત અભિનેતા રવિના ટંડન અને સંજય દત્ત સાથે જોવા મળશે.

ચીનની વિશ્વને ધમકીઃ તાઇવાને ટેકો આપ્યો તો મર્યા સમજો

બીજિંગઃ વિશ્વમાં વધુ એક યુદ્ધનાં દુંદંભિ વાગી રહ્યાં છે?. ચીને ગુરુવારે કહ્યું હતું કે તાઇવાનની સ્વતંત્રતાને ટેકો આપનારાઓનું માથું ભાંગી નાખીશું અને લોહીની નદીઓ વહેશે એ અલગ. તાઇવાનની આસપાસ તેનો સૈન્ય અભ્યાસનો ઉદ્દેશ ગંભીર ચેતાવણી આપવાનો છે. તાઇવાનની નૌસેનાએ ચીની યુદ્ધાભ્યાસનું ચિત્ર શેર કર્યું હતું.

વાસ્તવમાં તાઇવાનના નવા રાષ્ટ્રપતિ લાઇ ચિંગે હાલમાં શપથ લીધા છે. એ દરમ્યાન તેમણે તેમના ભાષણમાં ચીનને ચેતવણી આપી હતી. ચીન હવે તાઇવાનને ધમકાવવાનું બંધ કરે. તેમણે શાંતિ બનાવી રાખવાની વાત કહેતાં તેમણે તાઇવાનમાં લોકતંત્રની સુરક્ષા કરવાના સોગંદ ખાધા હતા, જે પછી ચીન ધૂંવાંપૂવાં થયું હતું.

તાઇવાન કોસ્ટ ગાર્ડે એક ચિત્ર શેર કર્યું હતું ,જમાં ચીન યુદ્ધાભ્યાસ હેઠળ નૌસેનાનાં જહાજો અને સૈન્ય વિમાનોથી તાઇવાનને ઘેરી લીધું છે, જેનો ઉદ્દેશ તાઇવાનને દંડિત કરવાનો છે.

ચીન તાઇવાન પર સંપૂર્ણ રીતે કબજો કરશેઃ પ્રવક્તા

ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા વાંગ વેનબિને તાઇવાન દ્વીપીની ચોતરફ ચીની સૈન્ય અભ્યાસને ગંભીર ચેતવણી જણાવી હતી. ચીન જ્યારે તાઇવાનને સંપૂર્ણ રીતે કબજામાં લેશે, ત્યારે તાઇવાનની સ્વતંત્રતાની માગ કરવાવાળાના માથાં ભાંગી નાખવામાં આવશે. ચીન તાઇવાનને ક્યારેય પણ અલગ રાષ્ટ્રની માન્યતા નથી આપવા માગતું. બીજી બાજુ તાઇવાનના લોકો પણ ઇચ્છે છે કે ચીન એના પર અધિકાર જમાવવાનો પ્રયાસ ના કરે.

બીજી બાજુ અમેરિકાના ઇન્ડો-પેસિફિક કમાન્ડના ડેપ્યુટી કમાન્ડર લેફ્ટેનન્ટ સ્ટીફન સ્વલેંકાએ કહ્યું હતું કે ચીન ફરીથી તાઇવાનની પાસે જે યુદ્ધાભ્યાસ કરી રહ્યું છે, એ એના પર કબજો કરવાની પ્રેક્ટિસ છે.

હવે ચીને પણ વગર નામ લીધે વિશ્વને ધમકી આપી છે.

 

 

 

 

 

 

 

હું પોલિગ્રાફ, નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું : સ્વાતિ માલીવાલ

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીનાં રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે બિભવકુમાર પર લગાવવામાં આવેલા આરોપ પછી ઘણા ભાવુક થયાં હતાં. તેમણે કહ્યું હતું કે તેઓ આ લડાઈમાં પાછળ નહીં હટે.

તેઓ 13 મેએ સવારે નવ કલાકે CMને મળવા તેમના નિવાસસ્થાને ગયાં હતાં, ત્યારે ત્યાંના સ્ટાફે તેમને ડ્રોઇંગ રૂમમાં બેસાડ્યાં હતાં. એ સમયે બિભવકુમાર ત્યાં આવે છે અને કહ્યું કે કેજરીવાલ મળવા આવે છે અને એ પછી બિભવ રૂમમાં ઘૂસી આવ્યો હતો. મેં તેને કહ્યું કે કેજરીવાલ મને મળવા આવી રહ્યા છે, એટલામાં તે મારી સાથે મારપીટ કરવા લાગ્યો. તેણે મને સાત-આઠ થપ્પડ માર્યા હતા. જ્યારે મેં તેને ધક્કો મારવાના પ્રયાસ કર્યા, ત્યારે તેણે મારા પગ પકડી લીધા અને મને નીચે પાડી દીધી હતી. એ દરમ્યાન મારું માથું સેન્ટર ટેબલ સાથે ટકરાયું હતું. ત્યાર બાદ તેણે મને લાત મારવાનું શરૂ કર્યું હતું. મેં મદદ માટે બૂમાબૂમ કરી હતી, પણ કોઈ નહીં આવ્યું.

સ્વાતિ માલીવાલને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને મારપીટ કોના નિર્દેશ પર કરવામાં આવી હતી, ત્યારે તેમણે કહ્યું હતું કે એ તપાસનો વિષય છે. હું તપાસમાં સહયોગ પણ કરી રહી છું.

તેમણે કહ્યું હતું કે હું કોઈને ક્લીનચિટ નથી આપી રહી. સત્ય તો એ છે કે મારી સાથે મારપીટ થઈ રહી હતી, ત્યારે કેજરીવાલ ત્યાં હાજર હતા. હું આ આખા ઘટનાક્રમ માટે મારો પોલીગ્રાફ ને નાર્કોટેસ્ટ માટે પણ તૈયાર છું, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

સરળ પ્રક્રિયાથી મળશે લાયસન્સ, જાણો RTOના નવા નિયમો..

નવી દિલ્હીઃ નવું ડ્રાઇવિંગ લાઇસન્સ મેળવવાની તૈયારી કરી રહેલા લોકો માટે સારા સમાચાર છે. ડ્રાઇવિંગ લાયસન્સનો નવો નિયમ 1 જૂનથી અમલમાં આવી રહ્યો છે. હવે લોકોએ RTOમાં ડ્રાઇવિંગ ટેસ્ટ પાસ કરવાની જરૂર રહેશે નહીં. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે નવા નિયમો જાહેર કર્યા છે.

 લાયસન્સ અરજદાર હવે RTOને બદલે સરકાર દ્વારા અધિકૃત ખાનગી ડ્રાઇવિંગ તાલીમ કેન્દ્રમાં તેમની ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકે છે. આ કેન્દ્રો લાયસન્સ પાત્રતા માટે પરીક્ષણો લેશે અને પ્રમાણપત્રો આપશે. જેનાથી અરજદારને સરળ પ્રકિયાથી લાયસન્સ મળી શકે.

પ્રદૂષણ ઘટાડવા માટે, મંત્રાલયે લગભગ 9,00,000 જૂના સરકારી વાહનોને તબક્કાવાર રીતે દૂર કરવાની અને કડક કાર ઉત્સર્જન નિયમો લાગુ કરવાની યોજના બનાવી છે. આ ઉપરાંત હવે સ્પીડમાં વાહન ચલાવવા માટેનો દંડ રૂ. 1,000 થી રૂ. 2,000 સુધીનો રાખવાનું નક્કી કર્યું છે. જો કે, જો કોઈ સગીર વાહન ચલાવતા પકડાશે તો 25,000 રૂપિયાનો ભારે દંડ ફટકારવામાં આવશે. સાથે જ વાહન માલિકનું રજિસ્ટ્રેશન કાર્ડ રદ કરવામાં આવશે અને સગીર 25 વર્ષનો ન થાય ત્યાં સુધી તેને લાઇસન્સ મળશે નહીં.

ત્યારે RTO એ ખાનગી ડ્રાઇવિંગ સ્કૂલો માટે પણ નવા નિયમો જાહેર કર્યા છે. જેમાં ડ્રાઈવિંગ સ્કૂલ ચલાવનાર પાસે વાહનોની તાલીમ માટે ઓછામાં ઓછી 1 એકર જમીન અને ભારે વાહનોની તાલીમ માટે 2 એકર જમીન હોવી જોઈએ. આ સાથે ડ્રાઇવિંગ શાળાઓએ સારી પરીક્ષણ સુવિધા પ્રદાન કરવી પડશે. ટ્રેનર પાસે હાઇસ્કૂલ ડિપ્લોમા, ડ્રાઇવિંગનો ઓછામાં ઓછો 5 વર્ષનો અનુભવ અને બાયોમેટ્રિક્સ અને આઇટી સિસ્ટમનું જ્ઞાન હોવું જોઇએ.

લાઇટ મોટર વ્હીકલની તાલીમમાં 4 અઠવાડિયામાં 29 કલાક, જેમાં 8 કલાકની થિયરી અને 21 કલાકની પ્રેક્ટિકલનો સમાવેશ થશે. હેવી મોટર વ્હીકલમાં 6 અઠવાડિયામાં 38 કલાક, જેમાં 8 કલાકની થિયરી અને 31 કલાકની પ્રેક્ટિકલ તાલીમનો સમાવેશ થશે.

લાયસન્સ માટે કેટલી ફી ચૂકવવી પડશે 

લર્નર લાયસન્સ ઇશ્યૂ કરવા માટેની ફીઃ રૂ. 150, લર્નર લાયસન્સ ટેસ્ટ ફી: રૂ. 50, ડ્રાઇવિંગ ટેસ્ટ ફીઃ રૂ. 300, ડ્રાઇવિંગ લાઇસન્સ ઇશ્યુ કરવાની ફી: રૂ. 200, ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમિટ ઇશ્યુ: રૂ. 1,000, લાયસન્સમાં અન્ય વાહનો ઉમેરવાની ફીઃ રૂ. 500, ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ: રૂ. 200 (ગ્રેસ પીરિયડ પછી દર વર્ષે રૂ. 300 + રૂ. 1,000), ડ્રાઇવિંગ ઇન્સ્ટ્રક્શન સ્કૂલ માટે ડુપ્લિકેટ લાઇસન્સઃ રૂ 5,000 ચૂકવવાની રહેશે. જ્યારે ડ્રાઈવિંગ લાઈસન્સ માટે અરજદાર ઓનલાઈન પરીવહનની વેબસાઈડ પર અરજી કરી શકે છે. અરજદારો લાયસન્સની મંજૂરી માટે દસ્તાવેજો સબમિટ કરવા અને તેમની ડ્રાઇવિંગ કુશળતાનો ડેમો આપવા માટે તેમના સંબંધિત RTOની મુલાકાત પણ લઈ શકે છે.

દિલ્હીમાં મેટ્રો ટ્રેનથી રાહુલ ગાંધી સભા સ્થળે પહોંચ્યા

નવી દિલ્હી: રાજ્યમાં મતદાનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મેટ્રોની મુસાફરી કરતા નજરે ચડ્યા છે. રાજધાની દિલ્હીમાં છઠ્ઠા તબક્કામાં 25મી મેના રોજ ચૂંટણી યોજાવાની છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સામાન્ય જનતા સાથે જોડાવા માટે મેટ્રોમાં મુસાફરી કરી હતી. તેમની સાથે કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પણ જોડાયા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દિલ્હી મેટ્રોમાં મુસાફરી દરમિયાન સામાન્ય લોકો સાથે વાતચીત કરી અને તેમની સાથે તસવીરો પણ ખેંચાવી. રાહુલ ગાંધી દિલ્હી મેટ્રોથી મંગોલપુરીમાં યોજાનારી રેલીમાં પહોંચ્યા હતા.ઉત્તર પૂર્વ દિલ્હી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે પ્રવાસ કરી રહ્યા હતા. દિલ્હીમાં 25મી મેના રોજ મતદાન થવાનું છે. આ માટેના ચૂંટણી પ્રચારનો આજે છેલ્લો દિવસ 23મીએ છે. મેટ્રોમાં મુસાફરી કરતી વખતે રાહુલ ગાંધીએ કહ્યું કે મને એ જોઈને આનંદ થાય છે કે દિલ્હીમાં મેટ્રો બનાવવાની અમારી પહેલ જાહેર પરિવહન માટે એટલી અનુકૂળ સાબિત થઈ છે.તેમણે સામાન્ય લોકો સાથે જોડાવા માટે દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરી. તે સાથી મુસાફરોને પણ મળ્યો અને તેમની સુખાકારી વિશે પૂછપરછ કરી. આ દરમિયાન રાહુલ ગાંધી એક છોકરી સાથે રમતા જોવા મળ્યા હતા.કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ, ઉત્તર-પૂર્વ દિલ્હીના દિલશાદ ગાર્ડનમાં પાર્ટીના ઉમેદવાર કન્હૈયા કુમારના સમર્થનમાં એક ચૂંટણી રેલીમાં બોલતા કહ્યું કે ભાજપે હંમેશા બંધારણને બદલવાનો પ્રયાસ કર્યો છે.

RBIના બુસ્ટર ડોઝે શેરોમાં આગઝરતી તેજીઃ સેન્સેક્સ 75,000ને પાર

અમદાવાદઃ નિફ્ટી વીકલી એક્સપાયરીને દિવસે શેરબજારોમાં લાલચોળ તેજી થઈ હતી. RBI તરફથી રૂ. 2.1 લાખ કરોડના બુસ્ટર ડિવિડન્ડ પછી બજારમાં આગઝરતી તેજી જોવા મળી હતી. નિફ્ટી અને સેન્સેક્સ નવા શિખરે પહોંચ્યા હતા. સેન્સેક્સે 75,000 મહત્ત્વની સપાટી વટાવી હતી, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ પણ 23,000 વટાવવામાં હાથવેંત છેટો છે. જોકે નિફ્ટી ઇન્ડેક્સે ફ્યુચરમાં તો 23,000ની સપાટી વટાવી દીધી હતી.  મિડકેપ શેરો પણ લાવ-લાવ રહ્યું હતું.

સરકારે વચગાળાના બજેટમાં RBI અને જાહેર ક્ષેત્રની કંપનીઓ પાસેથી કુલ રૂ. 1.02 લાખ કરોડના ડિવિડન્ડની અપેક્ષા રાખી હતી, જ્યારે RBIએ અત્યાર સુધી સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું હતું. નિષ્ણાતોનું કહેવું હતું કે આ ડિવિડન્ડથી સરકારને રાજકોષીય ખાધને કાબૂમાં કરવામાં મદદ મળશે.

BSE સેન્સેક્સ 1196. પોઇન્ટ ઊછળી 75,418.04 અને NSEનો નિફ્ટી ઇન્ડેક્સ 369.85 પોઇન્ટ ઊછળી 22,967.65ની સપાટીએ બંધ આવ્યો હતો.

આ સાથે રોકાણકારોની લોકસભા ચૂંટણીનાં પરિણામો માટેનો ગભરાટ પણ ઘટ્યો હતો, કેમ કે ચૂંટણી પરિણામો બજારની અપેક્ષા રહેવાની ધારણા રહેતાં શેરોમાં તેજીની આગેકૂચ રહી હતી. વળી, પાંચ તબક્કામાં મતદાન જોતાં હવે પરિણામો  2019ની ચૂંટણી અનુસાર રહેવાની ધારણા વ્યક્ત કરવામાં આવતી હતી. એનાથી ફરી એક વાર મોદી સરકાર સત્તામાં પરત ફરવાનો વિશ્વાસ લોકોમાં વધ્યો છે.

આ સાથે કંપનીઓનાં માર્ચ ત્રિમાસિક પરિણામો પ્રોત્સાહક રહેતાં શેરોમાં તેજી થઈ હતી. જેથી રોકાણકારોની સંપત્તિમાં રૂ. છ લાખ કરોડનો વધારો થયો હતો. આ સાથે વિદેશી રોકાણકારો છેલ્લા ઘણા સેશનમાં વેચવાલ હતા, તેમણે હવે શેરોમાં વલણ બદલીને ખરીદી શરૂ કરી છે.

આ સાથે બજારનું ઓવરઓલ સેન્ટિમેન્ટ મજબૂત છે. વળી SIP દ્વારા મ્યુચ્યુઅલ ફંડ પાસે સતત રોકાણપ્રવાહ આવી રહ્યો છે, જે પાછલા કેટલાક મહિનાઓમાં થયેલી FIIની વેચવાલીની ભરપાઈ કરી રહ્યો છે.

 

 

 

 

 

 

 

મહારાષ્ટ્રઃ ફેક્ટરીમાં બોઈલર ફાટતા લાગી આગ

મહારાષ્ટ્રના થાણે જિલ્લામાં એક કેમિકલ ફેક્ટરીમાં આગ લાગવાના સમાચાર છે. ફેક્ટરીની અંદર બોઈલર ફાટવાને કારણે જોરદાર વિસ્ફોટ થયો, જેનો પડઘો આસપાસના વિસ્તારોમાં કેટલાય કિલોમીટર સુધી સંભળાયો. વિસ્ફોટ અને આગમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે જ્યારે 30થી વધુ લોકો ઘાયલ થયા છે. ફેક્ટરીમાં હજુ પણ ઘણા લોકો ફસાયા હોવાની આશંકા છે.

આ વિસ્ફોટ થાણેના MIDC વિસ્તારના ફેઝ 2 સ્થિત ઓમેગા કેમિકલ ફેક્ટરીમાં થયો હતો. ફેક્ટરીની અંદર વિસ્ફોટ ત્યારે થયો જ્યારે ઘણા કર્મચારીઓ ફેક્ટરીની અંદર કામ કરી રહ્યા હતા. બોઈલરમાં ટેકનિકલ ખામીના કારણે વિસ્ફોટ થયો હોવાનું કહેવાય છે. આટલા મોટા વિસ્ફોટ અને આગના સમાચાર તાત્કાલિક ફાયર બ્રિગેડ અને પોલીસને આપવામાં આવ્યા હતા. પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા છે.

ફાયરની 4 ગાડીઓ આવી પહોંચી હતી

આગના સમાચાર મળ્યા પછી, વહીવટીતંત્રે તાત્કાલિક કાર્યવાહી કરી અને ચાર ફાયર ટેન્ડરોને ઘટનાસ્થળે મોકલ્યા, જ્યારે સ્થાનિક વહીવટી અધિકારીઓ પણ પોલીસ દળની સાથે ઘટનાસ્થળે પહોંચી ગયા. ફેક્ટરીની અંદર આગને કારણે કાળો ધુમાડો નીકળ્યો હતો જે ઘણા કિલોમીટર દૂરથી જોઈ શકાતો હતો. આ ધુમાડો જોઈને ઘણા લોકો અહીં એકઠા થઈ ગયા. જે બાદ માનપાડા પોલીસે સામાન્ય લોકોની ભીડને સ્થળ પરથી હટાવવી પડી હતી.

ગરમીથી બચવાનો AMCનો એક્શન પ્લાન ફેલ?

રાજ્યમાં ગરમીએ પાછલા 7 વર્ષના રેકોર્ડ તોડી નાખ્યા છે. ત્યારે આગામી પાંચ દિવસ હવામાન વિભાગ દ્વારા આકાશ માંથી અગન ગોળા વરસવાની આગાહી કરવામાં આવી છે.

આ વચ્ચે અમદાવાદમાં AMC દ્વારા ગરમીને પહોંચી વળવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યા હતા. જેમાં પાયલોટ પ્રોજેક્ટ હેઠળ અમદાવાદના ચાર રસ્તાઓ પર મૂકવામાં આવેલ સ્પ્રીંકલર સિસ્ટમ મુકવામાં આવી હતી. સ્પ્રીંકલર સિસ્ટમ બંધ થતા પાયલોટ પ્રોજેક્ટ ફેલ થયો હોવાની ચર્ચાએ જોર પકડયું છે. સ્પ્રીંકલર સિસ્ટમનો પ્લાન ફેલ થતા શહેરીજનોમાં રોષ જોવા મળ્યો છે.સ્પ્રીંકલર સિસ્ટમમાં પાણીની મોટર અને પાણીના ડ્રમ ગાયબ થઈ જતા અધિકારીઓ પણ ચિંતામાં મૂકયા છે

છેલ્લા એક અઠવાડિયાથી શહેરમાં 44 ડિગ્રી જેટલું તાપમાન રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન અંતર્ગત બીટ ધ હીટ હેઠળ નાગરિકોને ગરમીમાંથી રાહત મળે તેના માટે શહેરમાં આવેલા ચાર રસ્તા ઉપર વોટર સ્પ્રીંકલર લગાવ્યા હતા. કાંકરિયા, પુષ્પકુંજ ચાર રસ્તા, શાહલમ ચાર રસ્તા અને મણીનગર આવકાર હોલ ચાર રસ્તા એમ ચાર જગ્યાએ લગાવેલા વોટર સ્પ્રીંકલર બંધ હાલતમાં છે.

નોંધનીય છે  કે સૂત્રો પ્રમાણે મળતી માહિતી અનુસાર ચાર વોટર સ્પ્રીંકલર લગાવવામાં આવ્યા હતા તેમાં મણીનગર અને પુષ્પકુંજ ચાર રસ્તા ઉપર બપોરના સમયે ટ્રાફિક પોલીસ દ્વારા જે ટ્રાફિક સિગ્નલ બંધ કરી દેવામાં આવ્યા હતા. જેના કારણે આ સ્પ્રીંકલર બંધ કરવામાં આવ્યા છે.જ્યારે શાહઆલમ વિસ્તારમાં વોટર સ્પ્રીંકલર માટે જે મોટર લગાવવામાં આવી હતી જે બેથી ત્રણ વખત ચોરાય જવાની ઘટના બની હતી. જેથી ત્યારે સુવિધા ઠપ પડેલી જોવા મળી રહી છે. ત્યારે હવે અમદાવાદીઓનો એક જ પ્રશ્ન છે કે અમદાવાદમાં AMCનો હિટ એક્શન પ્લાન ફરી ફેલ કે શું ?