Home Blog Page 1805

નૌતપા 2024માં ત્રણથી ચાર ડિગ્રી પારો ચઢવાની શક્યતાઃ IMD

નવી દિલ્હીઃ દેશના ઉત્તર ભારત સહિત અનેક વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ઉત્તર ભારતના આઠ રાજ્યોમાં પારો 43 ડિગ્રીથી ઉપર છે. રાજસ્થાનના અનેક વિસ્તારોમાં તાપમાન 48 ડિગ્રીને પાર થઈ ચૂક્યું છે. ગુજરાતમાં પણ પારો 45ને પાર પહોંચ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસોમાં ઉત્તર-પશ્ચિમી ભારતમાં ત્રણથી ચાર ડિગ્રીના વધારાનો વરતારો કર્યો છે. જેથી સ્થિતિ ઓર વણસવાની સંભાવના વ્યક્ત કરી છે.

દેશમાં 25 મેથી મોસમમાં ફેરફાર થવાની આશંકા છે. 25 મેથી બીજી જૂન સૂર્ય ઓર રૌદ્ર રૂપ ધારણ કરે એવી શક્યતા છે. એનું કારણ એ છે કે 25 મેથી નૌતપાનો પ્રારંભ થશે, જેમાં સૂર્ય કાળો કરે વર્તાવશે. એ દિવસોમાં વધુ આકરી ગરમી પડશે. નૌતપા એટલે કે ભયંકર ગરમીના નવ દિવસ. એ દરમ્યાન સૂર્ય અને ધરતીની વચ્ચે અંતર ઓછું થવાને કારણે ધરતી પર સૂર્યનો તાપ વધુ અનુભવાશે.

નૌતપાના સમયે ભીષણ ગરમી

નૌતપા દરમ્યાન સૂર્ય રોહિણીમાં પ્રવેશ કરે છે. સૂર્ય રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યા પછી સૂર્ય દેવ ધરતીની નજીક આવે છે. નૌતપા 15 દિવસનો સમયગાળો હોય છે. નૌતપાનો પ્રારંભ 25 મેથી થશે અને નૌતપા આઠ જૂને ખતમ થશે, પણ પ્રારંભના દિવસોમાં તાપમાન ભીષણ રહે છે. જોકે આ વખતે નૌતપા તપવાથી સારોએવો વરસાદ થવાની સંભાવના છે.

જ્યોતિષની દ્રષ્ટિએ આ વર્ષે નૌતપા દરમ્યાન શનિ વક્રી અવસ્થામાં રહેશે, જેથી નૌતપામાં તેજ હવા, વંટોળ અને વરસાદના સંકેત છે.  નૌતપાના છેલ્લા બે દિવસોમાં પણ વાવાઝોડા સાથે વરસાદની સંભાવના રહે છે.

 

 

 

 

 

 

 

આમ મળે સમાધાન ને શાંતિ

સમાચાર છે કે વર્તમાન સમયમાં છૂટાછેડા લેનારાં દંપતીના આંકડા વધતા જાય છે. એકલા અમેરિકામાં જ છૂટાછેડાનો સરેરાશ આંક આશરે 50 ટકા છે. તો આખા વિશ્વની શું દશા હશે? પરંતુ સમાજમાં એકલાં પતિ- પત્નીના વિખવાદનો જ પ્રશ્ન નથી. સાસુ અને વહુ વચ્ચેનો અણબનાવ આદિકાળથી ચાલ્યો આવે છે. સંતાન અને માવતર વચ્ચેનો સ્નેહસંબંધ ધીરે ધીરે ઓગળતા જાય છે, વૃદ્ધાશ્રમો ઊભરાતા જાય છે. એટલું જ નહીં. પણ સિનિયર હોમ્સની સંખ્યા પણ વધતી જાય છે. હવે તો ફાઈવસ્ટાર હોટેલને ટક્કર મારે એવાં સિનિયર હોમ્સ બની રહ્યાં છે. ક્યાંક ભાઈ ભાઈ વચ્ચે મોટી ખાઈ સર્જાય છે તો ક્યાંક દેરાણી-જેઠાણી વચ્ચે ખટપટ છે. આમ સંબંધોમાં અસંતોષની ચિનગારી વધતા-ઓછા અંશે દરેકને દઝાડી રહી છે. આ અસંતોષના મૂળમાં ડોકિયું કરતાં દરેકનું હૈયું એક જ વાતની રાડ પાડી રહ્યું છે મને કોઈ સમજતું નથી.

હા, સંબંધોમાં જ્યારે તિરાડ પડે ત્યારે દરેકનો દાવો હોય છે કે હું સાચો જ છું, પણ મને કોઈ સમજતું નથી.

શું આ દાવો સાચો છે?

રામાયણનો એક પ્રસંગ છે. પ્રભુ શ્રી રામ, લક્ષ્મણ, જાનકી ધીરજપૂર્વક વનવિચરણ કરી રહ્યાં હતાં. એક દિવસ શ્રીરામે દિવ્યદેહે ઊર્મિલાને દર્શન દીધા અને લક્ષ્મણના કુશળ સમાચાર આપતાં તેના (ઊર્મિલાના) વિરલ ત્યાગ બદલ કંઈ માગવા કહ્યું. ત્યારે ઊર્મિલાએ કહ્યું, રઘુવંશની પુત્રવધુ થવાનું મને જે સૌભાગ્ય મળ્યું છે એ શું ઓછું છે? છતાં આપવું જ હોય તો એવું કરજો કે વનવાસ દરમિયાન મારા પતિને મારું સ્મરણ સપનામાં પણ ન આવે. જેથી એમના દ્વારા આપની સેવામાં ખામી ન આવે.

કેવી મહાન માગણી!

પરંતુ એની માગણીની પ્રશંસા કરવા કરતાં એની લાગણીને સમજવી આપણા માટે વધુ આવશ્યક છે, જ્યાં 14 વર્ષ વિનાકારણે છતાં પતિએ પતિવિહોણા રહેવાની ફરિયાદ નહોતી. સાસુ પ્રત્યે ઘૃણા નહોતી. પતિ માટે રોષ નહોતો. પિયર જતા રહેવાની ધમકી નહોતી. કે લક્ષ્મણને પાછા બોલાવી લેવાની રોકકળ નહોતી. મહેલમાં રહીને તપસ્યા કરનારી એ પતિવ્રતાના મનમાં એક જ અભિલાષા હતી. લક્ષ્મણની કર્તવ્યનિષ્ઠામાં આંચ ન આવવી જોઈએ. પોતાની પરિસ્થિતિને રડવા કરતા એણે લક્ષ્મણની પરિસ્થિતિને સમજવામાં શાણપણ માન્યું.

તો સામે લક્ષ્મણ પણ મોટા ભાઈ અને ભાભીની પરિસ્થિતિ સમજ્યા અને સેવક બનીને ચાલી નીકળ્યા. ભગવાન શ્રીરામ પિતાના પરવશપણાને સમજ્યા અને રાજગાદીને ઠોકરે ચડાવી. માતા કૌશલ્યા પણ કૈકેયીની પ્રકૃતિને સમજ્યાં અને પોતાના લાડકવાયા કુંવરના માથે સુવર્ણ મુગટ મૂકવાની જગ્યાએ કાંટાળી કેડીએ પ્રસ્થાન કરવા આશીર્વાદનો અભયહસ્ત મૂક્યો.

-પણ જો આમાંથી કોઈ એકે સ્વકેન્દ્રિત થઈને બળવો પોકાર્યો હોત તો શ્રીરામને યુદ્ધ ખેલવા સાગર વળોટવો ન પડ્યો હોત. અયોધ્યા જ પોતે સમરાંગણ બની લંકાની જેમ બળીને ખાખ થઈ જાત, પરંતુ જ્યારે દરેક વ્યક્તિ બીજાને સમજવા તત્પર હોય ત્યારે હૃદયમાં અને પરિવારમાં કેટલી શાંતિ સ્થપાય છે, તેનું આ ઉદાહરણ છે. કેવળ ઉદાહરણ નહી પણ માનવહૃદયમાં સળગતા પ્રશ્નનો ઉકેલ છે.

કહે છેને કે. ઈટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ. મને કોઈ સમજતું નથી એવો કકળાટ કરવાને બદલે બીજાની લાગણી સમજવી વધારે મહત્વની છે.

1975ના ફેબ્રુઆરીમાં પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજ આણંદ શહેરમાં ઘરે ઘરે પધારી રહ્યાં હતા. પોતાના સ્વાસ્થ્ય અને થાકને અવગણી તેઓ દરેક ખોરડા, ઓરડા ધૂમી, શેરીઓ ખૂંદીને બપોરે બે વાગ્યે ભોજન માટે ડાહ્યાભાઈ ગુજ્જરના ઘેર પધાર્યા. હજી તો પાત્રમાં થોડું ભોજન લીધું ત્યાં જ એક ભક્ત આવી ચડયા: ‘સ્વામી મારે ત્યાં પધરામણી રહી ગઈ છે.”

સંતોએ એમને જવાબ આપ્યો: ‘અરે મનુભાઈ, અમે તમારે ત્યાં પધરામણી કરી, ઘરમાં પુષ્પો પણ છાંટ્યાં,

મનુભાઈ કહે: ‘હા, પણ તે વખતે હું ઘરે નહોતો.’

સંતો વધુ કંઈ કહે તે પહેલાં સ્વામીશ્રી મનુભાઈના મનને સમજી ગયા. એમણે જમવાનું પાત્ર બાજુએ ઠેલી મનુભાઈને રાજી કર્યા: ‘ચાલો, તમારા ઘરે,’

હા, ઈટ ઈઝ મોર ઈમ્પોર્ટન્ટ ટુ અન્ડરસ્ટેન્ડ અધર્સ, ધેન ટુ બી અન્ડરસ્ટુડ: બીજાને સમજવામાં જ સમાધાન છે, શાંતિ છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ગાલા ડિનરમાં પ્રિયંકાનો નેકલેસ બન્યો આકર્ષણનું કેન્દ્ર, કિંમત જાણી ચોંકી જશો

મુંબઈ: પ્રિયંકા ચોપરા એક એવી અભિનેત્રી છે જે માત્ર બોલિવૂડમાં જ નહીં હોલીવુડમાં પણ પ્રખ્યાત છે. દુનિયામાં તેની ફેન ફોલોઈંગ પણ એટલી જ છે. પ્રિયંકા હંમેશા પોતાની સુંદર સ્ટાઈલથી લોકોને પ્રભાવિત કરે છે. આ દિવસોમાં તે તેની આગામી હોલીવુડ ફિલ્મોના શૂટિંગમાં વ્યસ્ત છે. હાલમાં જ તેણે ઈટાલીમાં આયોજિત બલ્ગારીની ઈવેન્ટમાં ભાગ લીધો હતો. આ ઈવેન્ટમાં તેની સ્ટાઈલ જોવા જેવી હતી. આ ઈવેન્ટમાં તેને અંદાજ એકદમ ગ્લેમરસ અને રોયલ લાગી રહ્યો હતો.

અભિનેત્રીએ આ કાર્યક્રમમાં એની હેથવે, લિયુ યીફેઈ અને શુ ક્વિ સાથે જોવા મળી હતી. ઈવેન્ટમાં ઘણા સ્ટાર્સ હાજર હોવા છતાં લોકોની નજર પ્રિયંકા પર ટકેલી હતી. પ્રિયંકા આ ઈવેન્ટમાં સુંદર ઓફ શોલ્ડર ગાઉન પહેરીને પહોંચી હતી. આ લુકમાં એક્ટ્રેસના નેકલેસે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. તેનો આ નેકલેસ ખૂબ જ ખાસ લાગતો હતો. જેની કિંમત જાણીને તમે ચોંકી જશો.

 

View this post on Instagram

 

A post shared by BVLGARI Official (@bvlgari)

બલ્ગારીની 140મી વર્ષગાંઠ નિમિત્તે ગાલા ડિનરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન પ્રિયંકા ક્રીમ અને બ્લેક કલરનું ઓફ શોલ્ડર ગાઉન પહેરી ખાસ અંદાજમાં દેખાઈ.આ નેટ ફેબ્રિક ગાઉનમાં પ્રિયંકા અદભૂત લાગી રહી હતી.પહેલીવાર પ્રિયંકા ખૂબ જ ટૂંકા વાળ સાથે જોવા મળી. ટૂંકા વાળમાં અભિનેત્રીનો લૂક આકર્ષિત લાગી રહ્યો હતો. લોકોને તેની નવી હેર સ્ટાઈલ ખૂબ પસંદ આવી.ગ્લોસી લિપસ્ટિક અને ન્યૂડ મેકઅપ તેની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા.

આ ઈવેન્ટમાં પ્રિયંકાના નેકલેસે લોકોનું ધ્યાન ખેંચ્યું હતું. જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પ્રિયંકા ચોપરાનો આ નેકલેસ સર્પેન્ટી એટેર્ના કંપનીનો છે. આ સુંદર નેકલેસને બનાવવામાં અંદાજે 2800 કલાકનો સમય લાગ્યો હતો. તેમાં 140 કેરેટના હીરા છે. આ હીરાને કાપીને 7 ડ્રોપ આકારનો આ સુંદર ચમકતો નેકલેસ તૈયાર કરવામાં આવ્યો છે. તેની કિંમત 350 કરોડ છે.

મુંબઈ:અંદાજિત 48.36 ટકા લોકોએ મતદાન કર્યું

મુંબઈ: ચૂંટણી પંચે બુધવારે કહ્યું કે 20 મેના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મહારાષ્ટ્રની 48 લોકસભા સીટોમાંથી 13 પર અંતિમ મતદાન 56.89 ટકા થયું હતું. આ બેઠકો પર, ડિંડોરી, ધુલે, નાસિક, પાલઘર, કલ્યાણ, ભિવંડી, થાણે, મુંબઈ ઉત્તર, મુંબઈ ઉત્તર પૂર્વ, મુંબઈ ઉત્તર પશ્ચિમ, મુંબઈ ઉત્તર મધ્ય, મુંબઈ દક્ષિણ મધ્ય અને મુંબઈ દક્ષિણ સામેલ છે. 2019માં સરેરાશ 55.38 ટકા મતદાન થયું હતું.

આ આંકડો સોમવારે મોડી રાત્રે જ્યારે મતદાન થયું ત્યારે જાહેર કરાયેલા 54.33 ટકા મતદાનથી 2.56 ટકાનો વધારો છે. રાજ્ય ચૂંટણી કાર્યાલયના જણાવ્યા અનુસાર, નાસિક જિલ્લાના ડિંડોરી લોકસભા ક્ષેત્રમાં 66.75 ટકા મતદાન નોંધાયું હતું, જે સૌથી વધુ છે. પાલઘરમાં 13 બેઠકો પર 63.91 ટકા મતદાન થયું હતું. નાસિક સંસદીય મતવિસ્તારમાં અંતિમ મતદાન 60.75 ટકા, ધુલેમાં 60.21 ટકા અને કલ્યાણ 50.12 ટકા તો ભિવંડીમાં 59.89 ટકા મતદાન થયું છે.

મહારાષ્ટ્રમાં પહેલા તબક્કામાં 63.71 ટકા, બીજા તબક્કામાં 62.71 ટકા, ત્રીજા તબક્કામાં 63.55 ટકા, ચોથા તબક્કામાં 62.21 ટકા મતદાન થયું હતું. જ્યારે 20 મેના રોજ પાંચમાં તબક્કામાં પ્રાથમિક અંદાજ મુજબ ૫૪.૨૯ ટકા મતદાન થયું હતું. મુંબઈની છ લોકસભા બેઠકમાં 99,38,621 મતદારો છે જેમાંથી અંદાજિત 48.36 ટકા લોકોએ મતદાન કર્યું હતું.અહીં નોંધવું રહ્યું કે પરપિણામ 4 જૂને મતણતરી થયા બાદ આવશે.

ક્યાં કેટલું મતદાન

મુંબઈ નૉર્થ સેન્ટ્રલમાં 51.42 ટકા
મુંબઈ નૉર્થ ઈસ્ટમાં 53.75 ટકા
મુંબઈ નૉર્થ વેસ્ટમાં 53.67 ટકા
મુંબઈ નૉર્થમાં 55.21 ટકા
મુંબઈ સાઉથમાં 47.70 ટકા
મુંબઈ સાઉથ સેન્ટ્રલમાં 51.88 ટકા

 

બેંગલુરુની ત્રણ હોટેલોની બોમ્બથી ઉડાડવાની ધમકી મળી

બેંગલુરુઃ કર્ણાટકના પાટનગર બેંગલુરુમાં બોમ્બથી ઉડાડવાની ધમકી ભર્યો ઈ-મેલ આવ્યો છે. આ ઈ-મેલ બેંગલુરુની મશહૂર ત્રણ હોટેલોને મળ્યો છે. ધ ઓટેરા સહિત ત્રણ હોટેલોમાં બોમ્બની ધમકી પછી પોલીસ વહીવટી તંત્ર સતર્ક થયું છે. આ બોમ્બની ધમકી બુધવારે બપોરે બે વાગ્યે ઈમેઇલ મારફતે આપવામાં આવી હતી પરંતુ હોટેલના સ્ટાફે ગુરુવારે સવારે ઈમેઇલ ચેક કર્યો, ત્યાર બાદ તેમણે આ ધમકીની જાણ પોલીસ અને બોમ્બ સ્ક્વોડને જાણ કરી હતી. બોમ્બ સ્કવોડ અને પોલીસ હાલમાં ઓટેરા અને અન્ય હોટલોમાં છે.

આ સૂચના મળતાં આ હોટેલોની સુરક્ષા વધારવાની સાથે તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બોમ્બ સ્કવોડ અને શહેર પોલીસની ટીમો ત્રણ હોટેલોની તપાસ કરી રહી છે. આ ઘટનાની જાણ થતાં પોલીસે તમામ હોટલમાં તપાસ શરૂ  કરી હતી. જોકે કલાકોની તપાસ બાદ પોલીસે આ ઇમેઇલને અફવા ગણાવી હતી. પોલીસને હોટલોમાંથી કોઇ વિસ્ફોટક ડિવાઇસ મળ્યા નથી. બાદમાં હોટલના કર્મચારીઓ અને મહેમાનોને રાહત મળી હતી.

છેલ્લા કેટલાક સમયથી દિલ્હી, બેંગલુરુ, અમદાવાદ, જયપુર અને લખનઉ જેવાં શહેરોની શાળાઓ અને હોસ્પિટલોને ધમકીભર્યા ઈ-મેઇલ મળી રહ્યા હતા. ઉપરાંત, દિલ્હી, મુંબઈ, ગોવા, નાગપુર અને કોલકાતાના એરપોર્ટની વિવિધ સરકારી ઇમારતોને વિદેશીઓ તરફથી ધમકીભર્યા મેલ મોકલવામાં આવ્યા હતા.

અગાઉ અમદાવાદની અનેક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી.  શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી શાળાઓને ધમકી ભર્યો મેઇલ મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે રશિયન મેઇલ IDથી ધમકી આપવામાં આવી હતી. પોલીસ તપાસમાં કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળ્યાનો દાવો તપાસ એજન્સીનો છે. તપાસમાં ક્રાઈ મબ્રાન્ચ, SOG અને સાયબર ક્રાઈમની ટીમ જોડાઈ હતી. સાથે જ બોમ્બ સ્કવોર્ડ અને ડોગ સ્કવોર્ડની ટીમો પણ તપાસમાં જોડાઇ હતી.

 

 

 

 

 

 

 

 

 

 

આકાશે વરસાવ્યા અગનગોળા, સુરતમાં 10ના જીવ થયા ટાઢા

રાજ્યમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. ગુજરાતમાં મહત્મ તાપમાન 45 ડિગ્રીને ઉપર નોંધાયું હતું. ત્યારે હવામાન વિભાગ દ્વારા આ તાપમાન આગળ પાંચ દિવસ સુધી યથાવત્ રહેવાની આગાહી પણ કરી છે. જ્યારે આ તાપમાનને લઈ રાજ્યમાં રોગચાળો પણ વકરી રહ્યો છે.

રાજ્યનાં કાળઝાળ ગરમી હવે જીવલેણ બની રહી છે. હીટવેવના કારણે સુરતમાં એક જ દિવસમાં 10 વ્યક્તિના મોત થયા છે, જ્યારે ખેંચ અને હીટસ્ટ્રોકથી વિવિધ શહેરોમાં 15ના મોત થયા છે. ગરમીનો પારો આજે પણ રેકોર્ડ તોડી શકે છે. ત્યારે બીજી બાજુ વડોદરામાં વધુ 4 લોકોના મોત થયા છે અને પીલુચામાં 4 વર્ષના બાળકનું મોત થયું છે. આકરી ગરમી એવી પડી રહી છે કે અમદાવાદમાં તો 7 વર્ષનો રેકોર્ડ તૂડ્યો છે. અમદાવાદમાં બુધવારે 46 ડિગ્રી તાપમાન નોધાયું હતું. હજું પણ 5 દિવસ આકરી ગરમી પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારાકરવામાં આવી છે. સતત 8 દિવસથી જાણે કે અગનગોળા વરસી રહ્યા હોય તેવો અનુભવ થઇ રહ્યો છે. રાજ્યના 12 શહેરોમાં હીટવેવનો અનુભવ થઇ રહ્યો છે.

રાજ્યમાં વધ્યો રોગચાળો

રાજ્યમાં સવારના ભાગથી જ અસહ્ય ગરમીનો અનુભવ થઇ રહ્યો છે અને રાત્રે પણ તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહે છે. ફૂંકાઇ રહેલા ગરમ પવનના કારણે લોકોની સ્થિતિકફોડી બની રહી છે. ચામડી દઝાય તેવો આકરો તડકો પડી રહ્યો છે અને તેની સીધી અસર માણસના આરોગ્ય પર પણ પડી રહી છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવી, હિટ સ્ટ્રોક અને ખેંચ આવવી જેવા બનાવો વધી રહ્યા છે. હોસ્પિટલોમાં આ પ્રકારના દર્દીઓ વધી રહ્યા છે. ત્યારે કેટલાક નિષ્ણાતો દ્વારા ગરમીને લઈ કેટલીક એડવાઝરી પણ આપવામાં આવી છે. જેમાં કામ વગર ઘરની બહાર ન નિકળવું, પાણી તથા લીબું સરબર સતત સેવન કરવા જેવી તકેદારી પણ રાખવાનું કહેવામાં આવ્યું છે.

પ્રજ્વલ રેવન્નાનો પાસપોર્ટ રદ કરવા સિદ્ધારમૈયા સરકારની વિનંતી

બેંગલુરુઃ વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારની વિનંતી પર જનતા દળ (સેક્યુલર)ના સસ્પેન્ડ થયેલા સાંસદ પ્રજ્વલ રેવન્નાના રાજદ્વારી પાસપોર્ટને રદ કરવાની માગ કરવામાં આવી છે, જેમના પર કેટલીય મહિલાઓના યૌન ઉત્પીડનનો આરોપ છે.

વિદેશ મંત્રાલયને કર્ણાટક સરકારે એક પત્ર મોકલ્યો છે, જેમાં રેવન્નાનો રાજદ્વારી પાસપોર્ટ રદ કરવાની માગ કરવામાં આવી છે.  ભૂતપૂર્વ વડા પ્રધાન એચડી દેવેગૌડાના દોહિત્ર રેવન્ના યૌન શોષણ મામલે કેન્દ્રમાં છે અને કહેવામાં આવે છે કે હસન સાંસદે પોતાના ચૂંટણી ક્ષેત્રમાં લોકસભા ચૂંટણી માટે મતદાન હોવાના એક દિવસ પછી ગયા મહિનના અંતમાં ભારત છોડી દીધું હતું, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું. 

વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે આ પાસપોર્ટ રદ કરવા માટે કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માટે એક વિશેષ કોર્ટે SIT દ્વારા દાખલ એક અરજી પછી શનિવારે પ્રજ્વલની વિરુદ્ધ ધરપકડ વોરન્ટ જારી કર્યું હતું. આ મહિનાના પ્રારંભમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે રેવન્નાએ ડિપ્લોમેટ પાસપોર્ટ પર જર્મનીની યાત્રા કરી હતી અને યાત્રા માટે મંજૂરી નહોતી માગી. રેવન્નાની જર્મની યાત્રા સંબંધમાં વિદેશ મંત્રાલયથી ના તો કોઈ રાજકીય મંજૂરી માગવામાં આવી હતી અને ના તો એ જારી કરવામાં આવી હતી, એમ તેમણે કહ્યું હતું.

PM મોદીથી માગ

કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ વડા પ્રધાન મોદીને પત્ર લખીને JDS સાંસદ પ્રજ્વલનો ડિપ્લોમેટ પાસપોર્ટ રદ કરવાની વિનંતી કરી હતી. તેમણે વડા પ્રધાનને લખેલા પત્રમાં કહ્યું હતું કે આ એક શરમજનક છે કે રેવન્ના 27 એપ્રિલે જઘન્ય કૃત્યો બહાર આવ્યા અને FIR નોંધાવાના કેટલાક કલાકો પહેલાં પોતાના રાજદ્વારી પાસપોર્ટનો ઉપયોગ કરીને દેશ છોડીને જર્મની ભાગી ગયા હતા.

 

 

 

 

કોરાનાના 25 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

સિંગાપુરમાં ફરી એક વાર કોરોનાના કેસોમાં ઝડપી વધારો થઈ રહ્યો છે. અંદાજ છે કે જૂનના મધ્યમમાં કે અંત સુધીમાં સિંગાપુરમાં કોરોના કેસ ચરમસીમાએ પહોંચવાની વકી છે.  US સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના રિપોર્ટ મુજબ FLiRT (ફ્લિર્ટ) નામ આપવામાં આવ્યું છે. અમેરિકા, સિંગાપુર સહિત અનેક દેશોમાં આ નવા વેરિયેન્ટના કેસોમાં ઝડપી વધારો થયો છે. વધતા સંક્રમણને પગલે સિંગાપુરમાં આરોગ્ય મંત્રાલયે ફરી એક વાર બધા લોકોને માસ્ક પહેરવાની અપીલ કરી છે.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,33,611 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,05,285 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 110 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 469 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,411 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 27 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

સુવિચાર – ૨૩ મે, ૨૦૨૪

૨૩ મે, ૨૦૨૪