Home Blog Page 1807

વીજમાગમાં વધારાને પગલે દિલ્હી-NCRમાં છવાશે અંધારું?

નવી દિલ્હીઃ દિલ્હી-NCR સહિત ઉત્તર ભારતમાં હાલના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી છે. વધતા તાપમાન અને હીટવેવથી લોકો હેરાન-પરેશાન છે. હવે વીજકાપે દિવસનું સુખચેન અને રાતની ઊંઘ ખરાબ કરી નાખી છે. ગરમીથી બચવા એસી-કુલર અને પંખા દિવસ-રાત ચાલી રહ્યા છે. એને કારણે દિલ્હીમાં વીજમાગ વધી ગઈ છે.

દિલ્હીમાં સૌપ્રથમ વાર વીજની માગ 8000 MW થઈ હતી. રેકોર્ડ સ્તરે વીજ માગ હોવાને કારણે વીજ કાપનું સંકટ વધી ગયું છે. દિલ્હીના કેટલાક વિસ્તારો સહિત NCRના નોએડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદના કેટલાક ભાગોમાં હાલના દિવસોમાં વીજકાપથી લોકો હેરાન-પરેશાન છે.

દિલ્હીમાં મંગળવારે બપોરે ત્રણ કલાક સુધી પીક વીજ માગ 7717 મેગાવોટ સુધી પહોંચી હતી. એ દિલ્હીના ઇતિહાસમાં સૌપ્રથમ વાર થયું હતું. આ પહેલાં 29 જૂન, 2022એ વીજ માગ 7695 MW હતી.

દિલ્હી સરકારમાં મંત્રી આતિશીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે મેમાં વીજ માગ પિક પર પહોંચી હતી, જેથી અંદાજ લગાવી શકાય છે કે જુલાઈ અને ઓગસ્ટમાં એ ઓર વધવાની શક્યતા છે. મે મહિનાની અપેક્ષાએ જુલાઈ, ઓગસ્ટમાં વીજ માગ 20 ટકા વધવાની શક્યતા છે.

દિલ્હીના કેટલાક વિસ્તારો સહિત નોએડાના 15 સેક્ટર સહિત ગામોમાં પણ સ્થિતિ બહુ ખરાબ છે. ગ્રેટર નોએડા અત્યાર સુધી નો પાવર કટ ઝોનના નામથી ઓળખાય છે. કેટલાક કલાકોના વીજકાપને પગલે લોકો હવે રસ્તાઓ પર ઊતરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

જાણો, ગુજરાતમાં ક્યારે પડશે વરસાદ?

કાળઝાળ ગરમી વચ્ચે દેશના મોટાભાગના રાજ્યોમાં હવે માત્ર ચોમાસાની રાહ જોવાઈ રહી છે. સારા સમાચાર એ છે કે આ વખતે ચોમાસું સમય પહેલા આગળ વધી રહ્યું છે અને સારો વરસાદ લાવવા જઈ રહ્યું છે. તો ચાલો જાણીએ ગુજરાતમાં ચોમાસુ ક્યારે દસ્તક આપશે. ચોમાસું કેવું રહેશે ઉપરાંત ક્યારથી વિધીવત ચોમાસાની શરૂઆત થશે એ વિશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે.

અંબાલાલ પટેલ ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે કેઃ રોહિણી નક્ષત્રમાં 26 મે થી 4 જૂન વચ્ચે ગાજવીજ અને વંટોળ સાથે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળનાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. અંદમાન નિકોબાર ટાપુ પર બેસેલ ચોમાસુ આગળ વધશે. પશ્ચિમ હિંદ મહાસાગર ગરમ રહેતા આ વર્ષે બંગાળના ઉપસાગરમાં ભારે વાવાઝોડું સર્જાવાની શક્યતા છે. ઉપરાંત અરબ સાગરમાં પણ જૂન માસમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. 25 થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે.

બંગાળના ઉપસાગર પર સર્જનાર ચક્રવાત થી 100 થી 120 કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને દક્ષિણ પૂર્વીય તટમાં ભારે વરસાદ થી કેટલાક ભાગોમાં પુર પણ આવી શકે છે. અરબ સાગરના ભેજના કારણે ગાજવીજ સાથે દેશના ભાગો સહિત ગુજરાતના ભાગોમાં વરસાદ લાવશે. રાજ્યમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસુ આવવાની શક્યતા છે.

દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂન આસપાસ કેરળમાં પ્રવેશે છે. સામાન્ય રીતે તે ઉછાળા સાથે ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે. આ પહેલા 22 મી મેના રોજ ચોમાસું આંદામાન અને નિકોબારમાં પહોંચ્યું હતું. આ વખતે ચોમાસુ સામાન્ય કરતાં 3 દિવસ વહેલાં એટલે કે 19 મી મેના રોજ આંદામાનમાં આવી ગયું છે. આગામી એક અઠવાડિયામાં ચોમાસું ગુજરાતમાં પણ પ્રવેશ કરશે. જો કે સત્તાવાર રીતે 7 જૂનથી 14 જૂનની વચ્ચે વરસાદની વિધિવત શરૂઆત થવાની શક્યતા છે. ટૂંકમાં આ વર્ષે ચોમાસુ સારું જવાની શક્યતા છે.

આ તારીખે પડશે વરસાદ

 

જૂન મહિનાની વાત કરીએ તો 7,8, અને 9 જૂને વરસાદ પડવાની શક્યતા છે. આ ઉપરાંત 21, 22, અને 23 જૂને પણ સારો વરસાદ પડશે. જુલાઈમાં 5,6 અને 7 તારીખે વરસાદ વરસશે. તો ઓગષ્ટમાં તારીખ 2 થી લઈને 8 સુધી વરસાદની સરવણી થવાની શક્યતા છે. જો કે આ વચ્ચે 3 અને 4 ઓગષ્ટે વધુ વરસાદ રહેશે. સપ્ટેમ્બર મહિનાના પ્રથમ દિવસથી જ એટલે કે તારીખ 1 થી લઈને 3 સુધી સતત વરસાદ આવવાની શક્યતા છે. એ જ રીતે સપ્ટેમ્બર મહિનાના અંતમાં તારીખ 27,28 અને 29 પણ વરસાદની આગાહી છે. વરસાદની વિદાયની વાત કરીએ તો ઓક્ટોબરની 3, 4,5 તારીખે વરસાદ આવ્યા પછી તારીખ 10 અને 11એ  વર્ષના ચોમાસાનો છેલ્લો વરસાદ કહી શકાય.

મોરબીના માળિયા નજીક તળાવમાં ડૂબી જતાં ત્રણ બાળકોના મોત  

રાજકોટ: ભાવનગરના બોર તળાવમાં ગઈકાલે ચાર બાળકીના ડૂબી જવાથી મોત નો ઘટના નો શોક હજુ છવાયો છે, ત્યારે આજે બપોરે મોરબીના માળિયા નજીક તળાવમાં નહાવા પડેલા 3 બાળકોના ડૂબી જવાથી મોતની ઘટનાથી અરેરાટી વ્યાપી ગઈ છે.

ગુજરાતમાં તળાવમાં ડૂબવાથી મોતની ઘટનાઓ સતત વધી રહી છે. મોરબી જિલ્લાના માળિયા નજીક વર્ષામેડી ગામના  તળાવમાં આજે બુધવારે બપોરે ત્રણ બાળકો નહાવા પડ્યા હતા જે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા અને મોતને ભેટ્યા હોવાનું સૂત્રો એ જણાવ્યું હતું.

મૃતકોમાં શૈલેષ ચાવડા ( ઉ. 8 ) , ગોપાલ ચાવડા ( ઉ. 12 ) અને મેહુલ ( ઉ. 10 ) નામના બાળક નો સમાવેશ થાય છે. આ બાળકોના પિતા મજૂરી કામ કરતા હોવાનું જાણવા મળે છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને સ્થાનિક આગેવાનો ઘટના સ્થળે પહોંચ્યા છે.

ઉલ્લેખનીય છે કે આ અગાઉ પાણીમાં ડૂબીને જીવ ગુમવી દેવાની આ પાંચમી ઘટના પ્રકાશમાં આવી છે. આ અગાઉ નર્મદા, નવસારીના દાંડી, મોરબના મચ્છું નદીમાં અને ભાવનગરના બોર તળાવમાં કુલ 18 લોકોના મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આજે ફરી એક વાર પાણીમાં ગોજારી દુર્ઘટના થયા હોવાનું સામે આવ્યું છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ)

દિલ્હીમાં ચૂંટણી પહેલા આતંકી હુમલાનું એલર્ટ

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા પહેલા રાજધાની દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંક મચાવવાનું ષડયંત્ર છે. ગુજરાતમાંથી ઝડપાયેલા ISIS સાથે સંકળાયેલા ચાર આતંકીઓએ ઘણા મહત્વના ખુલાસા કર્યા છે. ISISના આતંકીઓના ખુલાસા બાદ સુરક્ષા એજન્સીઓ દિલ્હી સહિત અનેક શહેરોમાં હાઈ એલર્ટ પર છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંક મચાવવાનું આ કાવતરું પાકિસ્તાનમાં ISIના ખોળામાં બેસીને ISIS કમાન્ડર ફરતુલ્લાહ ગૌરીએ તૈયાર કર્યું છે.

દિલ્હી સહિત અનેક શહેરોમાં આતંક મચાવવા માટે ગુજરાત મોડ્યુલ સક્રિય કરવામાં આવ્યું હતું. અગાઉ પુણેમાં પકડાયેલો મોડ્યુલ ISIS કમાન્ડર ફરતુલ્લાહ ગૌરીના સંપર્કમાં પણ હતો. આવી સ્થિતિમાં, તપાસ એજન્સીઓને શંકા છે કે ગુજરાતમાં પકડાયેલા મોડ્યુલના વધુ કેટલાક શકમંદો દિલ્હી-એનસીઆરમાં હાજર હોઈ શકે છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ સહિત તમામ કેન્દ્રીય એજન્સીઓ આ અંગે એલર્ટ પર છે.

પાકિસ્તાનમાં બેઠેલા રાજાના આદેશની રાહ જોઈ રહ્યો હતો

ગુજરાતમાં પકડાયેલા ISISના આતંકવાદીઓએ કબૂલાત કરી છે કે તેમનું નિશાન માત્ર યહૂદી ધાર્મિક સ્થળો જ નથી પરંતુ તેમણે દેશની રાજધાની સહિત અન્ય ઘણા શહેરોમાં શ્રેણીબદ્ધ બ્લાસ્ટની તૈયારીઓ પણ કરી હતી. તે પાકિસ્તાનમાં બેઠેલા તેના કમાન્ડર ફરતુલ્લાહ ગૌરીના આદેશની રાહ જોઈ રહ્યો હતો. પકડાયેલા આતંકવાદીઓમાં એક પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ નુસરત છે. તે પાકિસ્તાનમાં બેઠેલા ફરાતુલ્લા ગૌરીના સીધા સંપર્કમાં હતો.

ફરતુલ્લા સાઉદી અરેબિયાથી પાકિસ્તાન ભાગી ગયો હતો

હૈદરાબાદનો રહેવાસી ફરતુલ્લા ગૌરી ઉર્ફે સુફીયાન વર્ષ 1994માં સાઉદી અરેબિયા ફરાર થઈ ગયો હતો. ત્યાંથી તે ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓને અંજામ આપતો હતો. તે વર્ષ 2015માં પાકિસ્તાન ફરાર થઈ ગયો હતો. જ્યાં પહેલા તે જૈશના ઓપરેશનને અંજામ આપતો હતો, પરંતુ હવે આઈએસઆઈના ઈશારે ભારતમાં આઈ.એસ.આઈ.એસ. માટે ભરતીની કામગીરી કરી રહી છે.

સ્માર્ટ વીજ મીટરમાં 2000નું બીલ આવ્યું 9 લાખનું

ગુજરાતમાં સ્માર્ટ વીજ મીટર લગાવાનું શરૂ થયું છે આ મીટરને લઇ શરૂઆતથી જ વિરોધ થઇ રહ્યો છે. સ્થાનિકોનો દાવો છે કે આ મીટરમાં વપરાશથી પણ વધુ બીલ આવે છે. વડોદરા અને સુરતમાં આ મીટર લગાવ્યા બાદ સ્થાનિકોએ તેનો સામુહિક વિરોધ કર્યાં છે.

સુરતમાં વિરોધના વંટોળ વચ્ચે સ્માર્ટ વીજ મીટર લગાવવાનું શરૂ રાખ્યું છે. જો કે લોકોના બહોળા વિરોધ બાદ હવે DGVCL સ્માર્ટ વીજ મીટર સાથે એક ચેક મીટર પણ લગાવવામાં આવી રહ્યું છે. 15થી 20 દિવસ બંન્ને મીટરનું રિડીંગ તપાસવામાં આવશે. જુના અને નવા મીટર વચ્ચે રહેલી ગેરસમજ દૂર કરાશે.

ઉલ્લેખનય છે કે, વડોદરાના ગોરવા વિસ્તારની રિદ્ધિ સિદ્ધિ ફ્લેટમાં સ્માર્ટ મિટર લગાવ્યા પછી  9.24 લાખનું  બિલ આવ્યું હતું. અહિં પાછલા ઘણા વખતથી બે મહિનાનું બિલ 1500 થી 2000 રૂપિયા આવતું હતું. જ્યારે આ 9 લાખના બિલ સામે આવતાની સાથે  લોકોમાં  સ્માર્ટ મિટરને લઈ વિશ્વાસ ઉડી ગયો છે.

ત્યારે સ્માર્ટ મિટર મામલે રાજનીતિ પણ થવા લાગી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ અંગે અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સરકાર પર  વાર કરતા કહ્યું હતું કે, “ગુજરાતમાં ચૂંટણી પૂરી થઈ અને પ્રજા મોંઘવારી ઓછી થવાની રાહ જોઈ રહી હતી પરંતુ સરકારે રાહત આપવાને બદલે સ્માર્ટ મીટર લગવવની શરૂઆત કરી દીધી. રાજ્યમાં તમામ જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે, તેમ છતાં 1.64 કરોડ મીટર ગુજરાત ની વિંજ કંપનીઓ લગાવવાની છે, આ મીટરમાં મીનીમમ 300 રૂપિયાનું બેલેન્સ એડવાન્સ રાખવાનો નિયમ છે,ગુજરાત ની જનતા પાસેથી 500 કરોડ રૂપિયા એડવાન્સ લઈ લુટવાનું કામ કરી રહી છે”

 

ઓલિમ્પિકમાં બીજી વખત એન્ટ્રી મેળવનાર મનુ ભાકર કોણ છે?

હરિયાણાની ખેલાડી મનુ ભાકરની ઓલિમ્પિકમાં પસંદગી થતાં ખુશીનો માહોલ છે. મનુ સતત બીજી વખત ઓલિમ્પિકમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહી છે. મનુ ભાકર ઓલિમ્પિક ગેમ્સમાં 10 મીટર, 50 મીટર અને મિક્સ્ડ ડબલ્સ શૂટિંગ ઈવેન્ટ્સમાં ભાગ લેશે. મનુ આ ગેમ્સમાં ત્રણ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ મેળવવાનું લક્ષ્ય રાખશે. મનુ ભાકર કહે છે કે તે દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા માટે સખત મહેનત કરશે અને કોઈપણ કિંમતે દેશ માટે મેડલ જીતવા માટે સખત મહેનત કરશે.

હરિયાણા બોક્સર અને કુસ્તીબાજો માટે જાણીતું છે, અહીં જન્મેલા એથ્લેટ્સે સમગ્ર વિશ્વમાં પોતાની ઓળખ બનાવી છે. ત્યારે આપણે શૂટિંગ ગર્લ મનુ ભાકર વિશે વધુ વાત કરીએ. હરિયાણાના ઝજ્જરમાં જન્મેલી મનુ ભાકરે તેના શાળાના દિવસોમાં ટેનિસ, સ્કેટિંગ અને બોક્સિંગ સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો અને રાષ્ટ્રીય સ્તરે મેડલ જીત્યા હતા. 14 વર્ષની ઉંમરે તેણે શૂટિંગમાં કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું. 2017ની નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં મનુ ભાકરે ઓલિમ્પિયન અને ભૂતપૂર્વ વર્લ્ડ નંબર-1 હીના સિદ્ધુને માત આપી 242.3ના સ્કોર સાથે નવો રેકોર્ડ બનાવ્યો. આ સિવાય તેણે 2017 એશિયન જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ISSFમાં મનુએ ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અન્ના કોરાકાકી, ત્રણ વખત વિશ્વ કપ ચંદ્રક વિજેતા સેલિન ગોબરવિલે અને સ્થાનિક મનપસંદ અલેજાન્દ્રા ઝાવાલાને પાછળ છોડીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો. માત્ર 16 વર્ષની ઉંમરે તે ISSF વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીતનારી સૌથી યુવા ભારતીય બની હતી.

એના માત્ર એક મહિના પછી ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં આયોજિત 2018 કોમનવેલ્થ ગેમ્સમાં તેણીએ નવો રેકોર્ડ બનાવ્યો અને મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ મેડલ જીત્યો. આ પછી બીજા ISSF જુનિયર વર્લ્ડ કપમાં મનુએ 10 મીટર એર પિસ્તોલમાં વધુ એક ગોલ્ડ મેડલ જીત્યો, મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જ્યારે તે 25 મીટર પિસ્તોલ ઇવેન્ટમાં મેડલની રેસમાંથી બહાર રહી.

2018 એશિયન ગેમ્સમાં તેણીએ મેડલ જીત્યો ન હોવા છતાં, મનુ ભાકરે આર્જેન્ટિનાના બ્યુનોસ એરેસમાં 2018 યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ઇતિહાસ રચીને વર્ષનો અંત કર્યો. તેણીએ 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ જીત્યો અને આવું કરનાર પ્રથમ ભારતીય શૂટર બની. આ સિવાય મનુ ભાકર યુથ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ મહિલા ભારતીય એથ્લેટ બની હતી. ત્યારબાદ મનુએ નવી દિલ્હીમાં 2019 ISSF વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે સૌરભ ચૌધરી સાથે જોડી બનાવી અને તે અત્યાર સુધી ખૂબ જ ઉત્કૃષ્ટ જોડી સાબિત થઈ છે.

આ જોડીએ 2019માં ત્રણેય ISSF વર્લ્ડ કપમાં મિશ્ર ડબલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ચીનમાં વર્લ્ડ કપ ફાઇનલમાં મનુ ભાકરે વ્યક્તિગત અને મિશ્ર ટીમ બંને ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. મનુ ભાકર 2019 મ્યુનિક વર્લ્ડ કપમાં ચોથા સ્થાને રહી, ત્યાંથી ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો. તેણીએ 2021 નવી દિલ્હી ISSF વર્લ્ડ કપમાં 10 મીટર એર પિસ્તોલમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ અને 25 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ જીત્યા, જેનાથી તેણી ટોક્યો ઓલિમ્પિકમાં ભારત માટે મેડલ ફેવરિટમાંની એક બની.

મનુ ભાકરે ટોક્યો ઓલિમ્પિકમાં 25 મીટર પિસ્તોલ સાથે પ્રદર્શન કર્યુ હતું.જેમાં તે ફાઇનલમાં સ્થાન મેળવવાથી ચૂકી ગઈ. ટોક્યો 2020 પછી મનુ ભાકર લિમામાં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. મનુ ભાકરે 2022 કૈરો વર્લ્ડ ચેમ્પિયનશિપમાં મહિલાઓની 25 મીટર પિસ્તોલમાં સિલ્વર અને 2023 એશિયન ગેમ્સમાં હાંગઝોઉમાં આ જ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. યુવા શૂટર મનુ ચાંગવાનમાં એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ 2023માં મહિલાઓની 25 મીટર પિસ્તોલ સ્પર્ધામાં પાંચમા સ્થાને રહી અને તેણે ભારત માટે પેરિસ 2024 ઓલિમ્પિક ક્વોટા મેળવ્યો છે.

(તમામ તસવીર: મનુ ભાકર ઈન્સ્ટાગ્રામ)

બંગાળમાં 2010 પછી બધાં OBC સર્ટિફિકેટ્સ રદઃ HC

કોલકાતાઃ લોકસભા ચૂંટણીમાં મતદાન દરમ્યાન પશ્ચિમ બંગાળમાં મમતા સરકારને એક આંચકો લાગ્યો છે. કોલકાતા હાઇકોર્ટે 2010 પછી જારી કરવામાં આવેલાં બધાં OBC સર્ટિફિકેટને રદ કરવાનો આદેશ આપ્યો છે. એ સર્ટિફિકેટને બતાવીને હવે કોઈ પણ વ્યક્તિ નોકરી ના મેળવી શકે. એ આદેશો એ વ્યક્તિઓ પર લાગુ ના થઈ શકે, જેમને પહેલાંથી નોકરી મળી ચૂકી છે.

કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ તપોબ્રત ચક્રવર્તી અને રાજશેખર મંથરની ખંડપીઠે કહ્યું હતું કે 2011થી વહીવટી તંત્રએ વિના કોઈ નિયમનું પાલન કર્યા વગર OBC સર્ટિફિકેટ જારી કરી દીધા હતા. આ પ્રકારે OBC સર્ટિફિકેટ દેવાં ગેરબંધારણીય છે. એટલા માટે આ બધાં સર્ટિફિકેટને રદ કરી દેવામાં આવ્યાં છે. એ સર્ટિફિકેટ હવે નોકરીમાં લાભ લેવા માટે કાયદેસર નહીં રહે.

કોર્ટે કહ્યું હતું કે આ દરમ્યાન જારી સર્ટિફિકેટ દ્વારા નોકરી મેળવેલાની નોકરી પર કોઈ સંકટ નહીં રહે અને એ પહેલાંની જેમ યથાવત્ રહેશે.

2012માં TMC સરકારે એક કાયદો લઈને આવી હતી. એને કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. કોર્ટે એ પણ કહ્યું હતું કે રાજ્ય સરકારને OBCની લિસ્ટ બનાવવા માટે 1993ના કાયદા મુજબ પંચની ભલામણ વિધાનસભાને સોંપવાનું રહેશે. ખંડપીઠે કહ્યું હતું કે તો પછી OBC કોને માનવામાં આવશે, એનો નિર્ણય વિધાનસભા કરશે. વેસોય બંગાળ પછાત વર્ગ કલ્યાણએ એની યાદી તૈયાર કરવાની રહેશે. રાજ્ય સરકાર એ લિસ્ટને વિધાનસભામાં રજૂ કરશે, જેનું નામ એ લિસ્ટમાં હશે, તેમને OBC માનવામાં આવશે.

સત્તામાં આવ્યા પછી મુખ્ય મંત્રી મમતા બેનરજીએ વારંવાર દાવો કર્યો છે કે તેમણે લગભગ બધા મુસલમાનોને OBC હેઠળ લાવી દીધા છે. હાઇકોર્ટે આજે સ્પષ્ટ કરી દીધું છે કે જે પ્રકારે મમતા સરકારે 2011માં OBC સર્ટિફિકેટ જારી કર્યાં હતાં, એ ગેરકાયદે હતા.

 

 

 

 

 

 

INDIA ગઠબંધનના PM પદના ઉમેદવાર કોણ હશે ?

કોંગ્રેસના જનરલ સેક્રેટરી કોમ્યુનિકેશન ઈન્ચાર્જ જયરામ રમેશે બુધવારે ખુલાસો કર્યો હતો કે લોકસભા ચૂંટણી પછી ભારત ગઠબંધનના વડાપ્રધાન પદના ઉમેદવાર કોણ હશે? જયરામ રમેશે કહ્યું કે સ્પષ્ટ અને નિર્ણાયક આદેશ છે, જે જમીની સ્તરે વાસ્તવિકતા છે. જે રાજ્યોમાં 2019માં કોંગ્રેસનો સફાયો થયો હતો ત્યાં આજે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે. લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોને ખબર પડી ગઈ છે કે ભાજપ અને પીએમ મોદી અનામતની વિરુદ્ધ છે અને દેશનું બંધારણ ખતરામાં છે.

કોંગ્રેસના નેતા જયરામ રમેશે કહ્યું કે 428 બેઠકો પર મતદાન પૂર્ણ થયું છે, 115 બેઠકો બાકી છે, પરંતુ પ્રથમ બે તબક્કામાં સ્પષ્ટ હતું કે દક્ષિણમાં ભાજપ સ્વચ્છ છે, ઉત્તર, પશ્ચિમ અને ઉત્તર ભારતમાં ભાજપ અડધો છે. તેમણે કહ્યું કે ઈન્ડિયા એલાયન્સને 4 જૂને સ્પષ્ટ બહુમતી મળશે. આજે પણ ‘મોદાણી’ કૌભાંડનો પર્દાફાશ થયો છે. એક મહિનાની અંદર…એક કે બે દિવસમાં (પરિણામો પછી), ભારતના ગઠબંધનના વડા પ્રધાનની નિમણૂક કરવામાં આવશે. તે પછી અમે જેપીસી બનાવીશું. તેમણે કહ્યું કે પીએમએ પોતે કહ્યું છે કે અંબાણી અને અદાણી ટેમ્પોમાં પૈસા મોકલે છે. તમે 2016માં ડિમોનેટાઈઝેશન કર્યા પછી પણ કાળું નાણું ક્યાંથી આવ્યું?… છેલ્લા 10 વર્ષમાં ફાયદો ઉઠાવનાર એક ઉદ્યોગપતિ ગૌતમ અદાણી છે.

મહાવીર સ્વામીના લલાટે થયું સૂર્ય તિલક

ગાંધીનગર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલું વિશ્વ પ્રસિધ્ધ કોબા તીર્થમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યકિરણો દ્વારા એકદમ અદ્ભૂત નજારો જોવા મળે છે. દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2-07 મિનિટે મહાવીર સ્વામીની મૂર્તિના કપાળે સૂર્યતિલકના દર્શન કરવાનો લહાવો શ્રધ્ધાળુઓને મળે છે. મહાવીરાલય પ્રસાદના શીખર પર થઇ મહાવીર સ્વામીની મૂર્તિના કપાળના ભાગે પ્રકાશિત થતા આ તિલકે દૈદિપ્યમાન થઇ અવિસ્મરણિય નજારો સર્જયો હતો.પાટનગર ગાંધીનગરના રાજ માર્ગ પર આવેલ કોબા જૈન તીર્થ ખૂબ જ રમણીય છે. એ તીર્થના પ્રેરણાદાતા પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ છે. બે માળનું ભવ્ય જિનાલય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. નીચે ભૂમિગૃહમાં શ્રી આદિનાથ ભગવાનની રમણીય પ્રતિમા છે. કોબા જૈન આરાધના કેન્દ્ર જ્યાં જૈન ધર્મનું એક વિશાળ સંગ્રહાલય છે. મહાવીરાલય અને ગુરુમંદિર પણ કોબાના આ જૈન તીર્થમાં આવેલા છે.

આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો અહીં આવે છે. આ સમયે જૈન શાસન પ્રભાવક આચાર્ય કૈલાશસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામેલ હતા. એમની સ્મૃતિમાં આ જૈન તીર્થ બનાવવામાં આવ્યું હતું. કોબાના આ તીર્થ પ્રાંગણમાં એમનું સમાધિ મંદિર છે. એમાં ગૌતમ સ્વામીની મૂર્તિ અને સ્ફટિકના ચરણ પાદુકા બિરાજમાન છે. કોબાના આ જૈન આરાધના કેન્દ્રમાં ભવ્ય અને વિશાળ જ્ઞાન મંદિર છે. આ જ્ઞાન ભંડારમાં આગમ, જ્ઞાન, દર્શન, યોગ, વ્યાકરણ, ઈતિહાસ આદિ વિષયોના ગ્રંથો છે. 3000થી વધુ તાડપત્રીય ગ્રંથો છે.દર વર્ષે મે મહિનાની 22 તારીખે 2-07 મિનિટે મહાવીર સ્વામીના કપાળે સૂર્યતિલકની ઘટનાથી આ જૈન તીર્થ વધુ પ્રચલિત બને છે. ભગવતીભાઇ સોમપુરાએ જ્યારે આ તીર્થ બનાવ્યું ત્યારે કોઠાસુઝ વાપરી સૂર્યતિલક મહાવીર સ્વામીના ભાલે થાય એવી રીતે નિર્માણ કર્યું હતું. એમણે આંતરસુઝથી શિખર-છત પર એક છીદ્ર રાખ્યું હતું. જેના કારણે મહાવીર સ્વામીના લલાટે આ અવિસ્મરણિય ઘટના દર વર્ષે જોઇ શકાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)