Home Blog Page 1808

મહાવીર સ્વામીના લલાટે થયું સૂર્ય તિલક

ગાંધીનગર: અમદાવાદ-ગાંધીનગર વચ્ચે આવેલું વિશ્વ પ્રસિધ્ધ કોબા તીર્થમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્યકિરણો દ્વારા એકદમ અદ્ભૂત નજારો જોવા મળે છે. દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2-07 મિનિટે મહાવીર સ્વામીની મૂર્તિના કપાળે સૂર્યતિલકના દર્શન કરવાનો લહાવો શ્રધ્ધાળુઓને મળે છે. મહાવીરાલય પ્રસાદના શીખર પર થઇ મહાવીર સ્વામીની મૂર્તિના કપાળના ભાગે પ્રકાશિત થતા આ તિલકે દૈદિપ્યમાન થઇ અવિસ્મરણિય નજારો સર્જયો હતો.પાટનગર ગાંધીનગરના રાજ માર્ગ પર આવેલ કોબા જૈન તીર્થ ખૂબ જ રમણીય છે. એ તીર્થના પ્રેરણાદાતા પૂજ્ય આચાર્ય શ્રી પદ્મસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ છે. બે માળનું ભવ્ય જિનાલય છે. ઉપરના ભાગમાં મૂળનાયક શ્રી મહાવીર સ્વામી છે. નીચે ભૂમિગૃહમાં શ્રી આદિનાથ ભગવાનની રમણીય પ્રતિમા છે. કોબા જૈન આરાધના કેન્દ્ર જ્યાં જૈન ધર્મનું એક વિશાળ સંગ્રહાલય છે. મહાવીરાલય અને ગુરુમંદિર પણ કોબાના આ જૈન તીર્થમાં આવેલા છે.

આ દ્રશ્ય જોવા માટે મોટી સંખ્યામાં જૈન ધર્મના લોકો અહીં આવે છે. આ સમયે જૈન શાસન પ્રભાવક આચાર્ય કૈલાશસાગરસૂરિશ્વરજી મહારાજ સાહેબ કાળધર્મ પામેલ હતા. એમની સ્મૃતિમાં આ જૈન તીર્થ બનાવવામાં આવ્યું હતું. કોબાના આ તીર્થ પ્રાંગણમાં એમનું સમાધિ મંદિર છે. એમાં ગૌતમ સ્વામીની મૂર્તિ અને સ્ફટિકના ચરણ પાદુકા બિરાજમાન છે. કોબાના આ જૈન આરાધના કેન્દ્રમાં ભવ્ય અને વિશાળ જ્ઞાન મંદિર છે. આ જ્ઞાન ભંડારમાં આગમ, જ્ઞાન, દર્શન, યોગ, વ્યાકરણ, ઈતિહાસ આદિ વિષયોના ગ્રંથો છે. 3000થી વધુ તાડપત્રીય ગ્રંથો છે.દર વર્ષે મે મહિનાની 22 તારીખે 2-07 મિનિટે મહાવીર સ્વામીના કપાળે સૂર્યતિલકની ઘટનાથી આ જૈન તીર્થ વધુ પ્રચલિત બને છે. ભગવતીભાઇ સોમપુરાએ જ્યારે આ તીર્થ બનાવ્યું ત્યારે કોઠાસુઝ વાપરી સૂર્યતિલક મહાવીર સ્વામીના ભાલે થાય એવી રીતે નિર્માણ કર્યું હતું. એમણે આંતરસુઝથી શિખર-છત પર એક છીદ્ર રાખ્યું હતું. જેના કારણે મહાવીર સ્વામીના લલાટે આ અવિસ્મરણિય ઘટના દર વર્ષે જોઇ શકાય છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ગુજરાતમાંથી પકડાયેલા આતંકીઓએ કર્યો મોટો ખુલાસો

ગુજરાતના અમદાવાદમાંથી પકડાયેલા ISISના ચાર આતંકવાદીઓની ATSની પૂછપરછ હજુ ચાલુ છે. આ ક્રમમાં ચારેયએ તેમના પાકિસ્તાની માસ્ટર અબુ બકરના ઘણા રહસ્યો પોલીસ સમક્ષ જાહેર કર્યા હતા. તેણે કહ્યું કે પહેલા અબુબકરે તેને ભારત અને અમેરિકા વિરુદ્ધ ઉશ્કેર્યો હતો. તેને ફેબ્રુઆરી મહિનાથી આતંકી હુમલાની ટ્રેનિંગ આપવામાં આવી હતી. હુમલા પહેલા ચારમાંથી બે આતંકીઓને પણ 8 વખત ભારત મોકલવામાં આવ્યા હતા.

ચારમાંથી એક આતંકીએ જણાવ્યું કે તે કાપડનો વેપારી હોવાનો ઢોંગ કરીને ભારતમાં પ્રવેશ મેળવતો હતો. તે આ જગ્યાની માહિતી એકઠી કરતો અને પછી પાકિસ્તાનમાં બેઠેલા અબુ વકારને તેની તમામ વિગતો આપતો. આ પછી તે પરત ફરશે. હુમલા અંગે ચારેય આતંકવાદીઓએ કહ્યું કે તેઓ જાણતા ન હતા કે તેઓ કઈ જગ્યાએ હુમલો કરવાનો છે. તેઓ માત્ર એટલું જ જાણતા હતા કે જ્યારે અબુ વકર તેમને આદેશ આપશે ત્યારે તેઓ પહેલા એક જગ્યાએ જશે. ત્યાંથી હથિયારો ઉપાડશે. જે બાદ તેમને હુમલો કરવાનો આદેશ મળશે. આ જ કમાન્ડમાં તેમને એ જગ્યા પણ જણાવવામાં આવશે કે જ્યાં તેમને હુમલો કરવાનો છે.

પોલીસે જણાવ્યું કે હાલમાં ચારેય આતંકીઓ 14 દિવસના પોલીસ રિમાન્ડ પર છે. આ કેસમાં હજુ ઘણા ખુલાસા થવાના બાકી છે. ચારેય આતંકીઓ શ્રીલંકાના નાગરિક છે. તે શ્રીલંકાથી ચેન્નાઈ આવ્યો હતો. આ પછી તેઓ 20મી મેના રોજ ચેન્નાઈથી અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા હતા. પણ અમદાવાદમાં તેની કઠોળ ન ચાલી. કારણ કે ગુજરાત ATSએ અમદાવાદ પહોંચતા જ ચારેય આતંકીઓની ધરપકડ કરી લીધી હતી. આ આતંકીઓ પાસે પાકિસ્તાન દ્વારા બનાવવામાં આવેલા હથિયારો મળી આવ્યા હતા. ચાર આતંકવાદીઓના નામ મોહમ્મદ નુસરથ, મોહમ્મદ નફરન, મોહમ્મદ ફારીસ અને મોહમ્મદ રશદીન છે.

આ આતંકવાદીઓનો પાંચમા તબક્કાની ચૂંટણીના દિવસે દેશમાં મોટો વિનાશ કરવાની યોજના હતી. પોલીસે જણાવ્યું કે આ આતંકવાદીઓને હિંદુ નેતાઓ તેમજ ભાજપ અને આરએસએસના નેતાઓની ટાર્ગેટ કિલિંગ કરવાનું કામ આપવામાં આવ્યું હતું. આ કામ માટે તેમને શ્રીલંકાના ચલણમાં 4 લાખ રૂપિયા મળ્યા હતા.

એલિમિનેટર મેચ પહેલા કોહલીને મળી ધમકી!

અમદાવાદમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે એલિમિનેટર મેચ રમાવાની છે. ત્યારે સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર વિરાટ કોહલીને જીવથી મારી નાખવાની ધમકી મળી છે. વિરાટ કોહલીને ધમકી મળ્યા બાદ RCBએ પ્રેક્ટિસ સેશન અને પ્રિ-મેચ કોન્ફરન્સ રદ કરી નાખી છે.

મહત્વ પૂર્ણ છે કે IPLની એલિમિનેટર મેચ આજે 22 મેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. પ્લે ઓફની આ મહત્વ પૂર્ણ મેચ પહેલા RCBએ મેદાનમાં પ્રેક્ટિસ કરવાની હતી પરંતુ આ ધમકી મળ્યા બાદ ટીમે કોઇ કારણ વગર સ્ટેડિયમમાં પોતાના પ્રેક્ટિસ સેશનને રદ કરી નાખ્યો છે. આ ઉપરાંત વિરાટને મળલી ધમકીને લઈ પોલીસે પણ તપાસ હાથ ધરી છે.જોકે, મેદાન પર રાજસ્થાન રોયલ્સના ખેલાડીઓએ પોતાની પ્રેક્ટિસ ચાલુ રાખી હતી. આ સિવાય આ ધમકી બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂએ રાજસ્થાન રોયલ્સ વિરૂદ્ધ મેચ પહેલા આયોજિત પ્રી-મેચ કોન્ફરન્સને પણ રદ કરી નાખી છે.

અમદાવાદ એરપોર્ટ પરથી ઝડપાયા હતા ચાર આતંકી

એક રિપોર્ટ અનુસાર ગુજરાત પોલીસના અધિકારીઓના હવાલાથી સંકેત આપ્યા કે RCB દ્વારા પોતાનું પ્રેક્ટિસ સેશન રદ કરવા અને બન્ને પક્ષો દ્વારા પત્રકાર પરિષદ ના કરવાનું પ્રાથમિક કારણ વિરાટ કોહલી માટે સુરક્ષાનો ખતરો હતો. થોડા દિવસો પહેલા ગુજરાત પોલીસે અમદાવાદ એરપોર્ટ પરથી ચાર આતંકીની ધરપકડ કરી હતી. ચારેય આરોપીઓ પાસેથી હથિયાર, શંકાસ્પદ વીડિયો અને ટેક્સ મેસેજ પણ મળી આવ્યા હતા.

BSEમાં માર્કેટ કેપ પાંચ લાખ કરોડ ડોલરની સપાટી વટાવી ગયું

મુંબઈઃ લોકસભા ચૂંટણી અને મતદાનના મિશ્ર વાતાવરણ વચ્ચે દેશનાં શેરબજારોમાં ચાલી રહેલી તેજીને પગલે BSE (બોમ્બે સ્ટોક એકસચેંજ)માં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન મંગળવારે સૌપ્રથમ વાર પાંચ લાખ કરોડ ડોલરની સપાટી વટાવી ગયું હતું. રૂપિયાની દ્રષ્ટિએ તે રૂ. 414.46 લાખ કરોડની સપાટીએ પહોંચ્યું હતું. આમ વર્ષના પ્રારંભથી અત્યાર સુધીમાં માર્કેટ કેપિટલાઇઝેશનમાં 633 અબજ ડોલરથી અધિકનો વધારો થયો છે.

BSEનો મુખ્ય ઇન્ડેક્સ સેન્સેક્સ તેના ઓલ ટાઇમ હાઈથી 1.66 ટકા નીચો હોવા છતાં BSE મિડ કેપ અને સ્મોલ કેપ ઇન્ડાયસિસમાં થયેલી વૃદ્ધિને પગલે સર્વોચ્ચ માર્કેટ કેપિટલાઇઝેશનનો આ રેકોર્ડ સર્જાયો હતો.

નવેમ્બર, 2023માં BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 4 લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું અને માત્ર છ મહિનામાં એક લાખ કરોડ ડોલર વધીને પાંચ લાખ કરોડ ડોલરની સપાટીએ પહોંચ્યું હતું. આ પૂર્વે BSEમાં લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન મે, 2007માં એક લાખ કરોડ ડોલર થયું હતું અને જુલાઈ, 2017 સુધીમાં બમણું અને એ પછી મે, 2021માં ત્રણ લાખ કરોડ ડોલરનું થયું હતું.

માત્ર ચાર એકસચેંજની સિદ્ધિ

અત્યારે વિશ્વમાં પાંચ લાખ કરોડ ડોલરથી અધિકનું માર્કેટ કેપિટલાઇઝેશન ધરાવતાં માત્ર ચાર સ્ટોક માર્કેટ છે, જેમાં અમેરિકા, ચીન, જપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. અમેરિકાના બજારનું માર્કેટ કેપ 55.65 લાખ કરોડ ડોલર, ચીનની બજારનું 9.4 લાખ કરોડ ડોલરનું માર્કેટ કેપિટલાઇઝેશન છે. એ પછીના ક્રમે જપાન (6.42 લાખ કરોડ ડોલર) અને હોંગકોંગ (5.47 લાખ કરોડ ડોલર) આવે છે. બ્લુમબર્ગના અહેવાલ પ્રમાણે 2024માં ભારતના બજારનું માર્કેટ કેપ આશરે 12 ટકા વધ્યું છે, જ્યારે અમેરિકાનું 10 ટકા, હોંગકોંગનું 16 ટકા વધ્યું છે. ચીનના માર્કેટ કેપમાં 1.4 ટકાનો ઘટાડો થયો છે, જ્યારે જપાનના માર્કેટ કેપિટલાઇઝેશનમાં ત્રણ ટકાનો વધારો થયો છે.

 

 

 

 

 

 

 

 

 

 

Birthday Special: ગુજરાતી પરિવારની આ વહુરાણી છે OTTની ક્વિન

મુંબઈ: બોલિવૂડની સુંદર અભિનેત્રી શેફાલી શાહને આજે કોઈ પરિચયની જરૂર નથી. તેણે પોતાના અભિનયના દમ પર બોલિવૂડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે. મહારાષ્ટ્રના મુંબઈમાં 22 મે 1973ના રોજ જન્મેલી શેફાલી આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. આજે અભિનેત્રીના જન્મદિવસ પર તેના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો વિશે જાણીએ.

શેફાલી શાહ તેના માતા-પિતાનું પ્રિય સંતાન છે. બંનેએ તેને ખૂબ જ પ્રેમ અને લાડથી ઉછેરી છે. શેફાલી નાનપણથી અભિનય કરવા માંગતી હતી અને પછી તેણે આ ક્ષેત્રને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું.

અભિનેત્રીએ ફિલ્મ ‘રંગીલા’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હિટ રહી હતી અને આ ફિલ્મમાં તે ઉર્મિલા માતોંડકર અને આમિર ખાન સાથે જોવા મળી હતી.

શેફાલી શાહે ઘણી ફિલ્મોમાં કામ કર્યું, પરંતુ તેને OTT પર જે સફળતા મળી તે ફિલ્મોમાં નહોતી મળી. તે ફિલ્મોમાં અક્ષય કુમારની માતાના રોલમાં પણ જોવા મળી છે. ફિલ્મોમાં તેમની ભૂમિકાઓ માટે તેમને ઘણા પુરસ્કારો પણ મળ્યા, પરંતુ અભિનયની ભૂખ તેમને OTT તરફ ખેંચી ગઈ.

શેફાલી શાહને OTTની ક્વીન માનવામાં આવે છે. તેણે ઘણા હિટ શોમાં કામ કર્યું છે. અભિનેત્રીના શો ‘દિલ્હી ક્રાઈમ’એ OTTના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. શોની બીજી સિઝનને આંતરરાષ્ટ્રીય એમી નોમિનેશન મળ્યું. શેફાલી ‘દિલ્હી ક્રાઈમ’માં પોલીસ ઓફિસર વર્તિકા ચતુર્વેદીના રોલમાં જોવા મળી હતી.

શેફાલી શાહના અંગત જીવન વિશે વાત કરીએ તો શેફાલી શાહ તેના પતિ ફિલ્મ નિર્દેશક વિપુલ શાહ સાથે સુખી જીવન જીવી રહી છે. વિપુલ શાહે તેને ઘણો સાથ આપ્યો છે.વિપુલ શાહ મૂળ ગુજરાતી છે. તેમણે કરિયરની શરૂઆત ગુજરાતી નાટકથી કરી હતી. અભિનેત્રીના આ બીજા લગ્ન છે. શેફાલીના પહેલા લગ્ન હર્ષ છાયા સાથે થયા હતા.

(તમામ તસવીર: શેફાલી શાહ ઈન્સ્ટાગ્રામ)

99 ટકા માર્કસ લાવનારો સરકારી પટાવાળો ‘મુન્નાભાઈ MBBS’ નીકળ્યો

બેંગલુરુઃ સરકારી નોકરી મેળવવા યુવા કેવા-કેવા જુગાડ કરે છે. કોર્ટની સરકારી નોકરી મેળવવા માટે કેટલાક યુવા મુન્નાભાઈ MBBS જેમ યેનકેનપ્રકારેણ નકલી સર્ટિફિકેટ લાવીને સરકારી નોકરી હાંસલ કરી લે છે, પણ ક્યારેક આ દેશી જુગાડ ઊંધો પડી જાય છે.

કર્ણાટકમાં કોપ્પલ કોર્ટના જજે પટાવાળાની વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. જજે પટાવાળાની 10માની 99 ટકાવાળી ડિગ્રી જોઈ તો તેઓ દંગ રહી ગયા, કેમ કે પટાવાળાને વાંચવા-લખતાં જ નહોતું આવડતું. જજે પટાવાળાની 10માની માર્કશીટ પર સંદેહ વ્યક્ત કરતાં તપાસના આદેશ આપ્યા હતા. 23 વર્ષનો પ્રભુ લક્ષ્મીકાંત લોકરે કોપ્પલ કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો. તેણ હાલમાં ધોરણ 10ની પરીક્ષામાં 99.5 ટકા પ્રાપ્ત કર્યા પછી કોર્ટમાં પટાવાળાના રૂપમાં નોકરી હાંસલ કરી હતી. જોકે તેની આ સફળતાએ જજના મનમાં આશંકા પેદા કરી હતી, કેમ કે તેઓ કન્નડ ભાષામાં લખવા અને વાંચવામાં અક્ષમ હતો. તેની સામે 26 એપ્રિલે પ્રભુની સામે એક FIR નોંધવામાં આવી છે.

પોલીસે FIR પછી પ્રભુની માર્કશીટ અને સ્કૂલના શિક્ષણની તપાસ કરી, જે પછી સત્ય બહાર આવ્યું છે. તપાસમાં માલૂમ પડ્યું હતું કે રાયચૂર જિલ્લાના સિંધનૂર તાલુકાના પ્રભુએ માત્ર સાતમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે અને તે કોપ્પલ કોર્ટમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતો હતો, જે પછી તેનું પોસ્ટિંગ યાદગીર જિલ્લા અને સેશન કોર્ટમાં થઈ ગયું છે.

પ્રભુના સર્ટિફિકેટ અનુસાર તેણે SSLC (Secondary School Leaving Certificate)માં 625માંથી 623 માર્ક પ્રાપ્ત કર્યા હતા. પ્રભુને વર્ષોથી ઓળખતા જજને માલૂમ હતું કે તે કન્નડ, હિન્દી અને અંગ્રેજી ભાષા લખી કે વાંચી નથી શકતો.

જજને એ વાતનો સંદેહ થયો કે તો પછી પ્રભુ સફાઈ કર્મચારીમાંથી પટાવાળો કેવી રીતે બની ગયો? જે પછી સંપૂર્ણ વાત બહાર આવી.

જજે પ્રભુના લખવાની તુલના તેની SSLCના આન્સર પેપર સાથે કરવાની પણ વિનંતી કરી હતી.  પ્રભુએ દાવો કર્યો હતો કે તેણે 2017-18માં જિલ્લાના બનહટ્ટીમાં એક ખાનગી પરીક્ષાર્થી તરીકે તેણે ધોરણ 10ની પરીક્ષા આપી હતી. પોલીસ વધુ તપાસ કરી રહી છે.

 

 

 

 

 

 

 

દિવ્યાંગ બાળકો સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં આવ્યા અવ્વલ

સુરત/હરિદ્વાર : પ્રતિભા કોઈની મોહતાજ નથી આ વાકયને ગુજરાતના 9 દિવ્યાંગ બાળકોએ ચરિતાર્થ કર્યું છે. હરિદ્વારના શાંતિકુંજ દ્વારા વિશ્વભરમાં લેવાતી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષામાં દેશ-વિદેશથી ધોરણ 1 થી 12 સુધીના 50 લાખથી વધુ બાળકોએ ભાગ લીધો હતો. આ બાળકો પૈકી 3 રાજ્યના 125 પ્રવિણ બાળકોનું પસંદગી રાષ્ટ્રીય સ્તરે થઈ. જેમાં દરેક રાજ્યોમાંથી આવેલા બાળકોનું તીર્થ નગરી હરિદ્વાર ખાતે વિશેષ સન્માન કરવામાં આવ્યું.આ વર્ષે પણ ગુજરાતના 70 બાળકોનું સન્માન ગાયત્રી વિદ્યાલયના ચેરમેન શેફાલી પંડ્યાએ કર્યું. આ બાળકોમાં 70 સામાન્ય બાળકો સાથે 9 દિવ્યાંગ બાળકોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ જાણકારી ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા વિભાગના દિવ્યાંગ વિભાગના કન્વીનર હેમાંગીનીબેન દેસાઈએ આપીહતી.આ બાળકોમાં રાજ્યના 6 જિલ્લાના 9 બાળકોમાં અરવલ્લી જિલ્લાના મોડાસાનો મૂકબધિર બાળક રુદ્ર પ્રથમ ક્રમે રહ્યો હતો. આ નવ દિવ્યાંગ બાળકોમાં સુરતના વિદ્યાર્થી કરણ ભગત, સાક્ષી, વલસાડના નરેશ, સુરતની ધ્રુવી ઝાંઝવેરા, મૈત્રી, નીલ ગાંધીનો સમાવેશ થાય છે. ઉપરાંત ભાવનગરના હસમુખ સોજિત્રા, સુરતના બિપીન શર્માનો પણ સમાવેશ થાય છે.હેમાંગીનીબેન દેસાઈના જણાવ્યા અનુસાર, “સમગ્ર વિશ્વમાં ગુજરાત માત્ર રાજ્ય છે જ્યાંના દિવ્યાંગ બાળકો આ પરીક્ષામાં ભાગ લે છે. તેમજ 2010થી અત્યાર સુધીમાં 6000થી વધુ દિવ્યાંગ બાળકોએ આ પરીક્ષામાં ભાગ લીધો છે.” આ પ્રસંગે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર પ્રમુખ શૈલ બાળા પંડ્યાએ આ બાળકોને આશીર્વાદ પાઠવ્યા છે.

નાફેડના ચેરમેન પદે જેઠાભાઈ ભરવાડ બિનહરીફ ચૂંટાયા

અમદાવાદ: નેશનલ એગ્રિકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (નાફેડ)ના ચેરમેન તરીકે જેઠાભાઈ ભરવાડ ચૂંટાયા છે. દિલ્હીમાં દેશના સહકારી ક્ષેત્રની મહત્ત્વની ગણાતી નાફેડની ચૂંટણી યોજાઈ હતી.

ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડ કે જેમના માટે દિલીપ સંઘાણીએ તેમની બેઠક ખાલી કરી હતી, તેઓ નાફેડની ડિરેક્ટરોની બોર્ડ મીટિંગમાં ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા. નોંધનીય છે કે જેઠાભાઈ ભરવાડ પંચમહાલ ડેરીના ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન પણ છે. 21 ડિરેક્ટરોએ ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણીમાં મતદાન કર્યુ છે. મોહન કુંડારિયાને નાફેડના ચેરમેન પદ માટેના પ્રબળ દાવેદાર હતા.

આ અગાઉ પંચમહાલના શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઈ ભરવાડ ચૂંટણી જીતી ચૂક્યા છે. જેઠાભાઈ ભરવાડ પોલીસ કોન્સ્ટેબલમાંથી ધારાસભ્યપદ સુધી પહોંચ્યા છે. ગુજરાત વિધાનસભાની 2012ની ચૂંટણીમાં અંતિમ તબક્કામાં કોઇ પક્ષ દ્વારા બુથ કેપ્ચરિંગનાં પ્રયાસને કારણે જૂથ અથડામણ થયું હતું. જેમાં જેઠાભાઈ ભરવાડનું ચર્ચામાં આવ્યું હતું.

ઇફ્કોમાં ડિરેક્ટર પદ પર જયેશ રાદડિયાની જીત થઈ હતી

ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી. બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી. જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી. જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા. ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા.

કોણ છે ઈતિહાસ રચનાર ચંદુ ચેમ્પિયન? જેના પાત્રમાં જોવા મળશે કાર્તિક આર્યન

મુંબઈ: કબીર ખાન દિગ્દર્શિત ‘ચંદુ ચેમ્પિયન’ફિલ્મ હાલ ખૂબ ચર્ચામાં છે. ફિલ્મનું ધમાકેદાર ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મુરલીકાંત પેટકરના રોલમાં કાર્તિક આર્યન મજબૂત દેખાઈ રહ્યો છે. લોકોએ ટ્રેલરની ખૂબ પ્રશંસા કરી છે અને લોકો મુરલીકાંત પેટકર કોણ હતા તે જાણવા આતુર બના ગયા છે.

આંખોમાં સપના અને દિલમાં જોશ હશે તો એક દિવસ સફળતાનો માર્ગ મળી જશે. 1 નવેમ્બર 1944 ના રોજ મહારાષ્ટ્રના સાંગલી જિલ્લાના પેઠ ઇસ્લામપુરમાં એક બાળકનો જન્મ થયો, જેનું બાળપણથી એક જ સપનું હતું – દેશ માટે ગોલ્ડ મેડલ જીતવાનું. આ વ્યક્તિ છે મુરલીકાંત પેટકર જેણે પોતાનું સપનું પૂરું કર્યું અને દેશ માટે પહેલો ગોલ્ડ મેડલ લાવ્યા.

દેશ માટે બે વાર ઈતિહાસ રચનાર ‘ચંદુ ચેમ્પિયન’ ઉર્ફે મુરલીકાંત પેટકરને બહુ ઓછા લોકો જાણે છે. તે પહેલા કુસ્તી રમતા હતા. તે રમતગમતમાં કારકિર્દી બનાવવા માંગતા હતા, પરંતુ પરિવારના દબાણને કારણે તે તેમ કરી શકાયા નહી. પછી તેણે ભારતીય સેના માટે કામ કર્યું અને આ સાથે તેણે પોતાનું સપનું પણ પૂરું કર્યું. તેણે ભારતીય સેના માટે બોક્સિંગ કર્યું.

મુરલીકાંતને 1965ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં 9 ગોળીઓ વાગી હતી. તે એટલી ખરાબ રીતે ઘાયલ થયા હતા કે તે કોમામાં ચાલ્યા ગયા હતા. તેણે પોતાનો એક હાથ પણ ગુમાવ્યો હતો. તેણે 1972માં જર્મનીમાં યોજાયેલી પેરાલિમ્પિક્સમાં દેશ માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે પ્રથમ ગોલ્ડ મેડલ વિજેતા છે. તેણે 50 મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં 37.33 સેકન્ડના સમય સાથે ઇતિહાસ રચ્યો હતો. તેમને 2018માં પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

ચંદુ ચેમ્પિયન ક્યારે રિલીઝ થઈ રહી છે?
કબીર ખાન દ્વારા નિર્દેશિત ફિલ્મમાં કાર્તિક આર્યન મુરલીકાંત પેટકર એટલે કે ‘ચંદુ ચેમ્પિયન’નું પાત્ર ભજવી રહ્યો છે. આ ફિલ્મ સાજીદ નડિયાદવાલાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મ 14 જૂને સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.