Home Blog Page 1810

દારુ કૌભાંડ કેસ : મનીષ સિસોદિયાને કોર્ટે જામીન ન આપ્યા

આબકારી નીતિ કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને મોટો આંચકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે બંને કેસમાં નિયમિત જામીન અરજી ફગાવી દીધી છે. સિસોદિયાએ જામીન નામંજૂર કરવાના નિર્ણયને પડકાર્યો હતો.અરજીઓને ફગાવી દેતી વખતે હાઈકોર્ટે કડક ટિપ્પણી કરતા કહ્યું કે સિસોદિયાનું વર્તન લોકતાંત્રિક સિદ્ધાંતો સાથે મોટો વિશ્વાસઘાત છે. કોર્ટે કહ્યું કે આ કેસ મનીષ સિસોદિયા દ્વારા સત્તાનો ગંભીર દુરુપયોગ અને વિશ્વાસનો ભંગ દર્શાવે છે. 

સુપ્રીમ કોર્ટના નિર્દેશ પર નિર્ણય લેવામાં આવશે

આદેશ વાંચતી વખતે કોર્ટે કહ્યું કે આરોપીઓ હજારો પાનાના દસ્તાવેજો જોવાની માંગ કરી રહ્યા છે. આના કારણે વિલંબ થાય છે. તેમણે કહ્યું કે આ મામલો સત્તાના દુરુપયોગનો છે. આરોપી જે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી હતા તેણે પૂર્વ નિર્ધારિત ધ્યેય માટે નીતિ બનાવી હતી. બેંચ વતી કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે પોતે કહ્યું હતું કે જ્યારે સિસોદિયા જામીન અરજી દાખલ કરે છે ત્યારે ટ્રાયલ કોર્ટે તેની ટિપ્પણીઓથી પ્રભાવિત થયા વિના નિર્ણય લેવો જોઈએ.

અગનભઠ્ઠીમાં શેકાયું રાજ્ય, સૌથી વધુ તાપમાન ગાંધીનગરમાં

અમદાવાદ: હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ માટે અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં હિટવેવને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આગામી 5 દિવસ સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 45 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે. બીજી તરફ આજે રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન 41 ડિગ્રીથી વધુ નોંધાયું છે. તેમાં પણ પાટનગર ગાંધીનગરમાં સૌથી વધુ 45 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો સૌથી ઓછું તાપમાન કચ્છ જિલ્લામાં 41.2 ડિગ્રી નોંધાયું છે. 

શહેર તાપમાન (ડિગ્રી સેલ્સિયસ)
ગાંધીનગર 45
અમદાવાદ 44.5
આણંદ 44.1
વડોદરા 44.2
બનાસકાંઠા 43.2
ભાવનગર 42.4
રાજકોટ 44.2
સુરેન્દ્રનગર 44.3
અમરેલી 44.0
જામનગર 43.0
જૂનાગઢ 41.7
કચ્છ 41.2

રાજ્યમાં કાળઝાળ ગરમીને લઈને આગામી 5 દિવસ માટે હવામાન વિભાગ દ્વારા અમદાવાદ, સુરત, વલસાડ, પાટણ, સાબરકાંઠા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો સાથે સાથે, બનાસકાંઠા, આણંદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ માટે વોર્મ નાઈટ વોર્નિંગ પણ આપવામાં આવી છે.

સિંગાપુર એરલાઇન્સના વિમાનનું ઇમર્જન્સી લેન્ડિંગઃ એકનું મોત

સિંગાપુરઃ લંડનથી સિંગાપુર જઈ રહેલી સિંગાપુર એરલાઇન્સની એક ફ્લાઇટને એર ટર્બુલન્સનો સામનો કરવો પડ્યો હતો. એ દરમ્યાન પ્લેનને બેંગકોકમાં ઇમર્જન્સી  લેન્ડિંગ કરાવવું પડ્યું હતું. એને કારણે એક પેસેન્જરનું મોત થયું છે અને 30થી વધુ પેસેન્જરો ઘાયલ થયા છે.

સિંગાપોર એરલાઇન્સના અધિકારીઓએ જણાવ્યું હતું કે સિંગાપોર એરલાઇન્સની ફ્લાઇટ SQ321 હીથ્રો એરપોર્ટથી સિંગાપોર જઇ રહી હતી ત્યારે તેને ઇન-ફ્લાઇટ ટર્બુલેંસનો  સામનો કરવો પડ્યો હતો. જેના કારણે ફ્લાઇટનું સ્થાનિક સમય અનુસાર બપોરે 3.45 કલાકે બેંગકોકમાં ઇમર્જન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.એરલાઈને એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોઈંગ 777-300ER વિમાન 211 મુસાફરો અને 18 ક્રૂ સભ્યો સાથે લંડનથી સિંગાપોર જઈ રહ્યું હતું ત્યારે તેનું ઇમર્જન્સી લેન્ડિંગ થયું હતું. એરલાઇને કહ્યું હતું કે અમારી પ્રાથમિકતા એ છે કે વિમાનમાં સવાર તમામ મુસાફરો અને ક્રૂને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવે. સિંગાપોર એરલાઈન્સે જણાવ્યું હતું કે અમે જરૂરી તબીબી સહાય પૂરી પાડવા માટે થાઇલેન્ડમાં સ્થાનિક સત્તાવાળાઓ સાથે કામ કરી રહ્યા છીએ અને કોઈ પણ સહાય પૂરી પાડવા માટે એક ટીમ બેંગકોક મોકલી રહ્યા છીએ.

 

એર ટર્બુલેંસ શું છે?

એરક્રાફ્ટના હવાના દબાણ અને ગતિમાં અચાનક ફેરફાર થાય છે ત્યારે તેને એર ટર્બ્યુલન્સ કહેવામાં આવે છે. જેના કારણે પ્લેનને આંચકો લાગે છે અને તે હવામાં ઉપર-નીચે ફરવા લાગે છે. એર ટર્બુલેંસમાં પ્લેનમાં બેઠેલા મુસાફરો નાના આંચકાથી લઈને મજબૂત અને લાંબા સમય સુધીના આંચકા સુધી કંઈપણ અનુભવી શકે છે. આવા સંજોગોમાં ફ્લાઇટને નિયંત્રિત કરવી ખૂબ મુશ્કેલ બની જાય છે. જેના કારણે પ્લેન એક્સિડન્ટ પણ થઈ શકે છે.

 

 

 

 

 

 

 

 

T-20 વર્લ્ડકપમાં વાગશે ગુજરાતનો ડંકો

આગામી પહેલી જૂનથી વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં ICC મેન્સ T20 વર્લ્ડ કપની શરુઆત થવાની છે. લગભગ તમામ ટીમોએ સભ્યોના નામ જાહેર કરી ચૂક્યા છે. આ વર્ષે T-20 વર્લ્ડ કપમાં 8 મૂળ ગુજરાતી ખેલાડીયો પોતાનો જલવો બતાવા જઈ રહ્યા છે.

જેમાં સૌથી વધુ ચર્ચીત નામ છે મોનાંક પટેલ જે મૂળ આણંદના છે અને હાલ અમેરીકામાં ગ્રીન કાર્ડ હોલ્ડર છે. મોનાંક પટેલ આવનારી ICC મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં અમેરીકાની ટીમનું નૈતૃત્વ કરવા જઈ રહ્યા છે. મોનાંક પટેલ 2018થી અમેરિકા માટે ક્રિકેટ રમી રહ્યો છે અને 2021થી ટીમની કેપ્ટનશિપ સંભાળી રહ્યો છે. આ વર્ષે મોનાંકે ICC વર્લ્ડકપ ટી-20 અમેરિકા ક્વાલિફાયર ટૂર્નામેન્ટ માટે મેચ રમી હતી. આ દરમિયાન મોનાંકે 6 મેચમાં કુલ 208 રન ફટકાર્યા હતા.

જ્યારે અમેરીકાની ટીમમાં એક ગુજરાતી નહીં, પરંતુ બે ગુજરાતીનો જલવો જોવા મળશે. જ્યાં મોનાંક પટેલ કેપ્ટનની ભૂમિકા ભજવી રહ્યા છે. ત્યારે એ જ ટીમમાં 20 એપ્રિલના 1988માં અમદાવાદની ધરાએ જન્મેલા નિસર્ગ પટેલ પણ રમવા જઈ રહ્યા છે.

જ્યારે બીજી બાજુ ઓમાનની ટીમમાં પણ ગુજરાતી રંગ જોવા મળશે. ઓમાનની ટીમમાં મૂળ ગુજરાતના ખેડાના કશ્યપ પ્રજાપતિ મેચ રમવા જઈ રહ્યા છે. જ્યારે કશ્યપ પ્રજાપતિની કારકિર્દીની વાત કરીએ તો, તેમણે પોતાના કરીયરમાં 31 મેચ રમ્યા છે જેમાં તેઓએ 949 રન ફટકાર્યા છે. આ ઉપરાંત ઓમાનની ટીમાં અનામત તરીકે મેચ રમવા જનાર જય ઓડેદરા પણ મુળ ગુજરાતના છે.

આપણી ઈન્ડિયના ટીમાં મુળ ગુજરાતના ચાર ખેલાડીયો છે જેમાં સૌ પ્રથમ હાર્દિક પંડ્યા વાઈસ કેપ્ટનની ભૂમિકા ભજવશે. તો રવિન્દ્ર જાડેજા પણ ઈન્ડિયાની ટીમમાં મહત્વની ભૂમિકા ભજવશે. IPL માં ચેનાઈ સુપર કિંગ તરફથી રમી રહ્યા હતા. જે હવે ઈન્ડિયાનની ટીમ તરફથી T-20 વર્લ્ડ કપના મેદાને ઉતરશે. તો બીજી બાજુ મૂળ ગુજરાતના અક્ષર પટેલ અને જસપ્રિત બુમરાહે પણ ઈન્ડિયાની ટીમ મેદાનમાં ધૂમ મચાવશે.

સરકારનો નિર્ણયઃ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો લગાવશે

ગુજરાતમાં પ્રી-પેઈડ સ્માર્ટ મીટરનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે. હવે વીજ કંપનીઓ સ્માર્ટ મીટરની સાથે જૂના મીટરો પણ લગાવશે. ગ્રાહકોમાં થયેલી ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે જુનું મીટર લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એવો નિર્ણય લેવાયો છે કે માંગણી કરનાર ગ્રાહકોને સ્માર્ટ મીટરની સાથે જુનું મીટર પણ લગાવી અપાશે. ગઈકાલે રાજ્ય સરકારે ચારેય વીજ કંપની એમડી સાથે બેઠક કરી હતી. સ્માર્ટ વીજ મીટરના વિરોધ વચ્ચે ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જે બેઠકમાં ચારેય વીજ કંપનીઓના વડા હાજર રહ્યા હતા. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં સ્માર્ટ વીજ મીટર સંદર્ભે સમીક્ષા કરવામાં આવી હતી. સ્માર્ટ મીટરની કામગીરી, આગામી આયોજન તથા ગેરસમજ દૂર કરવા સમીક્ષા કરાઈ હતી.

ગાંધીનગર, 21 મે 2024, ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ છે. જેમાં સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. તેમજ સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રોહકોનું હિત જોવાયું નથી. તથા તા.18મી મેના રોજ એમ.જી.વી.સી.એલ. તરફથી એક ઈમેલ આવ્યો હતો તેવુ અરજદારે જણાવ્યું છે. તો બીજી બાજુ રાજ્ય સરકારે સ્માર્ટ મીટરને લઈ ઉભા થયેલા વિવાદનો અંત લાવવા માટે મહત્વનો નિર્ણય લીધો છે. હવે સ્માર્ટ વીજ મીટર સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.ગ્રાહકોમાં ગેરસમજ દૂર કરવા સ્માર્ટ મીટર સાથે વધુ એક મીટર લગાવવામાં આવશે.

સ્માર્ટ મીટરના મુદ્દાને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો

સ્માર્ટ મીટરના મુદ્દાને હાઈકોર્ટમાં પણ પડકારવામાં આવ્યો છે. વડોદરાના બાજવાના એક નાગરિકે MGVCLના ડાયરેક્ટર અને ઉર્જા વિભાગના સચિવ સામે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. તેમણે રજૂઆત કરી છે કે સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું કાયદામાં દર્શાવ્યું નથી. સ્માર્ટ મીટર લગાડવા પાછળ લાખો ગ્રાહકોનું હિત જોવામાં આવ્યું નથી. સ્માર્ટ મીટરના મેઈલ જણાવ્યા મુજબ સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ આપી સ્માર્ટ મીટર ઈન્સ્ટોલ કરાશે તેમ જણાવ્યું હતું. દેશની પાર્લામેન્ટમાં ફેબ્રુઆરી 2019થી ફેબ્રુઆરી 2024 સુધીમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રીસિટી ઓથોરીટીના 2006ના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના સુધારા બિલને મંજુરી મળી નથી.

એક મહિનામાં ચોથી દુર્ઘટના, પાણીએ કેટલાકના જીવ કર્યા ટાઢા

રાજ્યમાં સતત ચોથી વખત પાણીમાં ડૂબીને મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં ચાર બાળકીઓ નહ્વા અને કપડા ધોવા તળાવ પર પહોંચી હતી. જ્યાં પાણીમાં પગ લપસતા એક બાદ એક ચારે બાળકી ડૂબ્યાના સમાચાર સામે આવી રહ્યા છે.

ભાવનગરના બોરતળાવ નજીકના વિસ્તારમાં રહેતી બાળકીઓ અને કિશોરીઓ આજે બપોરના સમયે તળાવ કાંઠે કપડાં ધોવાં અને નહાવા માટે ગઈ હતી. આ સમયે તળાવમાં એક બાળકી ડૂબવા લાગતા તેને બચાવવા માટે અન્ય બાળકી અને કિશોરીઓ પાણીમાં કૂદી પડી હતી. પાણી ડૂબ્યા બાદ ભારે ચકચાર મચી ગયો. સ્થાનિકો દ્વારા બાળકીઓને બચાવાની કામગીરી હાથ ધરાય. બાળકીઓને બહાર કાઠ્યા બાદ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જે દરમિયાન ચારે બાળકીઓને મૃત જાહેર કરવામાં આવી.

દુર્ઘટનાનો સીલસીલો યથાવત્

આ અગાઉ પણ મોરબીના મચ્છુ નદીમાં નહ્વા પડેલા છ સગિર અને એક યુવાનમાંથી બે સગિર સહિત એક યુવાનનુ પાણીમાં ડબૂવાથી મોત થયું હતું. નવસારીના દાંડીના દરિયાકાંઠે 6 લોકો પાણીમાં ડૂબ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. રવિવારે રજા માણવા દરિયાકાંઠે ફરવા ગયેલા ત્રણ પરિવારના 6 સભ્યો દાંડીના દરિયામાં ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે 14 મેના રોજ મુળ સુરતના એક પરિવારના 3 નાના બાળકો સહિતના 8 સદસ્યો નર્મદા નજીકના પોઈચા ગામમાં નહ્વા જતા ડૂબ્યા હોવાના સમાચાર સામે આવ્યા હતા. જેમાં થી એક વ્યક્તિનો આબાદ બચાવ કરવામાં આવ્યો હતો.

મિડકેપ, સ્મોલકેપ નવી ઊંચાઈએઃ માર્કેટ કેપ પાંચ ટ્રિલિયન $ને પાર

અમદાવાદઃ એશિયા અને યુરોપના બજારોમાં મળેલા પ્રતિકૂળ સંકેતો અને વિદેશી રોકાણકારોની વેચવાલીને પગલે શેરોમાં બેતરફી વધઘટે ભારતીય શેરબજારો વધીને બંધ થયા હતા. જોકે મિડકેપ શેરોમાં ધૂમ લેવાલી થઈ હતી. જેથી મિડકેપ ઇન્ડેક્સ અને સ્મોલકેપ ઇન્ડેક્સ ઓલટાઇમ ઊંચી સપાટીને સ્પર્શ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 2.18 લાખ કરોડનો વધારો થયો હતો. મિડકેપ ઇન્ડેક્સ સૌપ્રથમ વાર 52,000ને પાર બંધ થયો હતો.

રસપ્રદ વાત એ હતી કે BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ રૂ. પાંચ લાખ કરોડ ડોલર એટલે કે 414.46 લાખ કરોડને પાર થયું હતું. આવું ભારતીય શેરબજારમાં સૌપ્રથમ વાર જોવા મળ્યું હતું. બજારના વેલ્યુએશનમાં છ મહિનામાં રૂ. એક લાખ કરોડ ડોલરથી વધુ વધ્યું છે. નવેમ્બર, 2023માં BSEનું માર્કેટ કેપ રૂ. ચાર લાખ કરોડ ડોલરને પાર થયું હતું.

ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 52.62 પોઇન્ટ વધીને 73,953.31 બંધ થયો હતો, જ્યારે NSE 50 ઇન્ડેક્સ 27.05 વધીને 22,529.05ના સ્તરે બંધ થયો હતો.

ભારતીય શેરબજારોમાં ઉછાળાનું કારણ દેશના GDP ગ્રોથનો અંદાજ છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચે માર્ચ ત્રિમાસિકમાં દેશનો GDP ગ્રોથ રેટ 6.2 ટકા અને નાણાકીય વર્ષ 2023-24માં આશરે 6.9થી સાત ટકા અંદાજ્યો હતો. આ સાથે આવતા ચાલુ નાણાકીય વર્ષમાં પણ GDP ગ્રોથ 7.8 ટકા રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

BSE  પર કુલ 4087 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 1621 શેરોમાં તેજી થઈ હતી અને 2314 શેરો નરમ બંધ આવ્યા હતા. 152 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 296 શેરોએ 52 સપ્તાહની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 33 શેરોએ 52 સપ્તાહની નીચી સપાટી તોડી હતી.

 

 

 

 

 

 

 

 

સ્માર્ટ મીટરના વિરોધ વચ્ચે સરકારનો મોટો નિર્ણય

ગાંધીનગર: રાજ્યભરમાં સ્માર્ટ વીજ મીટરને લઈને ચોતરફ વિરોધ થઈ રહ્યો છે. સ્માર્ટ મીટર પર ખૂબ જ વધુ બિલ આવતા હોવાની ઠેર-ઠેર ફરિયાદ થઈ રહી છે. ત્યારે રાજ્ય સરકારે એક મોટો નિર્ણય લીધો છે. જેમાં હવે સ્માર્ટ મીટરની સાથે જૂના મીટર પણ લગાવવામાં આવશે.  ગુજરાતમાં વડોદરા, રાજકોટ, જામનગર સહિતના શહેરોમાં પ્રી-પેઈડ સ્માર્ટ લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે પ્રી-પેઈડ સ્માર્ટ મીટરમાં ડબલ તેમજ તેનાથી પણ વધુ વીજ બિલ આવતું હોવાની વ્યાપક ફરિયાદ આવી હતી.અગાઉ રાજ્યની ચારેય વીજ કંપનીઓના વડાઓને ગાંધીનગરનું તેડું આવ્યું હતું. પાટનગરમા ઊર્જા વિભાગની ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. જેમાં આ મામલે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બીજી તરફ સ્માર્ટ મીટરનો મામલો હાઈકોર્ટમાં  પહોંચ્યા છે. વડોદરાના નાગરિકે સ્માર્ટ મીટરને લઈને હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.

શું કેટરિના કેફ પ્રેગનન્ટ છે? એક્ટ્રેસની ફોટો વાઇરલ

લંડનઃ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કેફ બોલિવુડની ઝાકઝમાળથી દૂર પતિ વિક્કી કૌશલની સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે. કેટરિના અને વિક્કીની લંડનથી કેટલાય ફોટો અને વિડિયો આવી રહ્યા છે, જેમાં એકે સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં વિક્કી અને કેટરિના વિન્ટરનો ડ્રેસ પહેરીને લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા છે.

વિક્કી કેટરિનાની સાથે ફૂટપાથ પર ચાલતો નજરે પડી રહ્યો છે. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે બોલીવૂડના વિનમ્ર પાવર કપલ #KatrinaKaif  અને #VickyKaushal  લંડનની બેકર સ્ટ્રીટમાં લટાર મારી રહ્યા છે.

આ વિડિયોમાં કેટરિનાની ચાલચલગત અને પહેરવેશથી પ્રેગનન્સીની અફવા ઊડવા લાગી છે. એક્ટ્રેસની પ્રેગનન્સીને લઈને પહેલાં પણ અફવા ઊડી ચૂકી છે અને ફરી હવે એ અફવા છે કે તે ભારતથી દૂર લંડનમાં છે, કેમ કે તે ગર્ભવતી છે.

આ પોસ્ટ પર કેટલાય યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. કેટલાય લોકોએ રેડિટ પોસ્ટની પ્રતિક્રિયા પર ટિપ્પણી કરતાં લખ્યું છે કે આ કેવી રીતે પ્રાઇવસીનું હનન છે. એક અન્યએ લખ્યું છે કે મને આ વિડિયોના સોશિયલ મિડિયા પર પોસ્ટ થવા પર ખરાબ લાગી રહ્યું છે. એ તેમની પ્રાઇવસીનું મોટું ઉલ્લંઘન છે. જોકે કેટલાય લોકોએ માની લીધું છે કે તે ગર્ભવતી છે.

જોકે કપલે આ અફવાઓ પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. જોકે એક્ટર વિક્કી કૌશલે 16 મેએ લંડનમાં પોતાનો 36મો બર્થડે ઊજવ્યો હતો, જેમાં કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા.

 

 

 

 

 

 

 

વડનગર પાસેના વગડામાં રમણભાઈની અનોખી સેવા

જાસ્કા વડનગર: સમગ્ર ગુજરાત સૂર્ય પ્રકોપથી સેકાઇ રહ્યું છે. જમીન પર અંદાજે 45 ડીગ્રી તાપમાનથી માણસ અને એની આસપાસના તમામ જીવો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીથી લોકોને રાહત મળે એ માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ અનેક પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. માર્ગો પર નિઃશુલ્ક પાણી, છાશ અને લીંબુના સરબત જેવી અનેક સેવાઓ લોકો આપી રહ્યા છે. પરંતુ આ કાળઝાળ ગરમીમાં વન વગડાના મુંગા પશુ-પક્ષીઓનું કોણ? એમનું ધ્યાન રાખવાવાળા અને બનતી સહાય કરવાવાળા પણ આ પૃથ્વી પર અસંખ્ય વિરલાઓ છે. એમાનાં એક છે મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં આવેલા જાસ્કા ગામના રમણભાઇ પટેલ.

અસહ્ય ગરમીમાં મુંગા પશુ-પક્ષીઓ પાણી કે ખોરાક વગર તરફડીને મૃત્યુ ના પામે એ માટે રમણભાઇ છેલ્લા આઠ વર્ષ કરતાં વધારે સમયથી કાર્યરત છે. રમણભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારા ગામ જાસ્કાથી ઉમતા સુધીમાં ખરાબાની જમીનો છે. એકદમ પડતર જમીનમાં વન વગડા જેવું જ વાતાવરણ છે. જ્યાં અસંખ્ય પશુ પક્ષીઓ ખોરોક પાણી માટે આવે છે. જેમાં મોર, પોપટ, વાંદરા, વગડાનાં રોઝ સહિત અનેક પશુ-પક્ષીઓ આવે છે. ચોમાસામાં આસપાસ ભરાઇ રહેલા પાણી, ચારો અને દાણાંથી પશુ પક્ષીઓ પોતાનું નિર્વાહ કરી લે છે. પરંતુ આ આગ ઓકતી ગરમીની ઋતુમાં અહીંયા અબોલ જીવો પાણી અને ખોરાક માટે વલખાં મારતા હોય છે. હું સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો એટલે તરત જ વતન જાસ્કામાં આવી ગયો. ત્યારબાદ જાસ્કાથી ઉમતા વિસ્તારના આ વગડાંમાં પક્ષીઓ માટે કુંડા મુક્યા છે. મોટા પશુઓ તરસ છીપાવી શકે એ માટે હવાડા બનાવ્યા છે. એમાં નિયમિત ટેન્કરો દ્વારા પાણી નંખાવીએ છીએ. હું જ્યારે સરકારી નોકરીમાં સિધ્ધપુર હતો ત્યાં પણ વાંદરા સહિતના અન્ય જીવોને ખોરાક પાણી મળી રહે એવા મારાથી બનતા પ્રયત્નો કરતો. આ સાથે ઉનાળાના સમયમાં ખાસ વતન જાસ્કા આવી આસપાસના પશુ-પંખીને મદદ પહોંચાડી શકું એવા પ્રયત્નો કરતો. અત્યારે હું મારા સ્કૂટર પર જ્યારે પશુ-પંખી અને વાંદરા માટે ખોરાક પાણીની મદદે જતો હોંઉ એ જોઇ લોકો મદદ માટે તૈયાર થઇ રહ્યા છે.”રમણભાઇ વધુમાં કહે છે “આ વર્ષે ગરમી વધુ આકરી છે. નિત્યક્રમ પ્રમાણે બે ય ટાઇમ વન વગડાંમાં જાતે જઇ ટેન્કર મંગાવી હવાડા અને કુંડામાં પાણી ભરી દઉં. આ સાથે પક્ષીઓ માટે જુવાર, બાજરો, મકાઇ જેવું ચણ નાખું. જ્યારે આ વગડામાં મોટી સંખ્યામાં આવતા વાંદરા માટે ચીકુ, કાકડી, ચણાં, તરબૂચ, કેરી લાડવા જેવી વસ્તુઓ લાવી ખવડાઉં. કેટલીકવાર આજુબાજુમાં પ્રસંગ હોય તો પુરીઓ, રોટલી, રોટલા પણ વાંદરાઓને આપીએ. આમાં એક રમુજ પણ થઇ વાંદરાને ખવડાવતાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં. આ જોઇ લોકો વાંદરાવાળા રમણભાઇ એમ કહેતાં મેં ફોટા મુકવાનું બંધ કર્યું પણ સમજુ અને પરોપકારી લોકોએ કહ્યું તમે જે કામ કરો છો એ સહેલું નથી. અબોલ જીવોની આ કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવી એ જ સાચી સેવા છે. એટલે તમે ફોટા પાડીને મુકશો તો બીજા લોકો પણ પ્રેરાઇને પશુ પંખીને પાણી પીવડાવશે. ખરેખર એવું જ થયું છે આ નિ:સ્વાર્થ સેવા સંકલ્પમાં સમયાંતરે લોકો જોડાતા જાય છે.”

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)