લંડનઃ બોલીવૂડ એક્ટ્રેસ કેટરિના કેફ બોલિવુડની ઝાકઝમાળથી દૂર પતિ વિક્કી કૌશલની સાથે લંડનમાં વેકેશન એન્જોય કરી રહી છે. કેટરિના અને વિક્કીની લંડનથી કેટલાય ફોટો અને વિડિયો આવી રહ્યા છે, જેમાં એકે સૌનું ધ્યાન ખેંચ્યું છે, જેમાં વિક્કી અને કેટરિના વિન્ટરનો ડ્રેસ પહેરીને લંડનના રસ્તાઓ પર ફરી રહ્યા છે.
વિક્કી કેટરિનાની સાથે ફૂટપાથ પર ચાલતો નજરે પડી રહ્યો છે. ફોટાની કેપ્શનમાં લખ્યું છે કે બોલીવૂડના વિનમ્ર પાવર કપલ #KatrinaKaif અને #VickyKaushal લંડનની બેકર સ્ટ્રીટમાં લટાર મારી રહ્યા છે.
આ વિડિયોમાં કેટરિનાની ચાલચલગત અને પહેરવેશથી પ્રેગનન્સીની અફવા ઊડવા લાગી છે. એક્ટ્રેસની પ્રેગનન્સીને લઈને પહેલાં પણ અફવા ઊડી ચૂકી છે અને ફરી હવે એ અફવા છે કે તે ભારતથી દૂર લંડનમાં છે, કેમ કે તે ગર્ભવતી છે.
The humble Bollywood power couple #KatrinaKaif & #VickyKaushal taking a stroll in Baker Street, London. Vicky is a gentleman clearly, as he holds his hand protectively by her side. This was post bumping into them at the bookstore yesterday. pic.twitter.com/7OUXCVaL9E
આ પોસ્ટ પર કેટલાય યુઝર્સે પ્રતિક્રિયા આપી છે. કેટલાય લોકોએ રેડિટ પોસ્ટની પ્રતિક્રિયા પર ટિપ્પણી કરતાં લખ્યું છે કે આ કેવી રીતે પ્રાઇવસીનું હનન છે. એક અન્યએ લખ્યું છે કે મને આ વિડિયોના સોશિયલ મિડિયા પર પોસ્ટ થવા પર ખરાબ લાગી રહ્યું છે. એ તેમની પ્રાઇવસીનું મોટું ઉલ્લંઘન છે. જોકે કેટલાય લોકોએ માની લીધું છે કે તે ગર્ભવતી છે.
જોકે કપલે આ અફવાઓ પર કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા નથી આપી. જોકે એક્ટર વિક્કી કૌશલે 16 મેએ લંડનમાં પોતાનો 36મો બર્થડે ઊજવ્યો હતો, જેમાં કેટરિના કૈફે ઇન્સ્ટાગ્રામ પર તેના ફોટો શેર કર્યા હતા.
જાસ્કા વડનગર: સમગ્ર ગુજરાત સૂર્ય પ્રકોપથી સેકાઇ રહ્યું છે. જમીન પર અંદાજે 45 ડીગ્રી તાપમાનથી માણસ અને એની આસપાસના તમામ જીવો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ગરમીથી લોકોને રાહત મળે એ માટે સેવાભાવી લોકો અને સંસ્થાઓ અનેક પ્રકારની સેવાઓ આપી રહ્યા છે. માર્ગો પર નિઃશુલ્ક પાણી, છાશ અને લીંબુના સરબત જેવી અનેક સેવાઓ લોકો આપી રહ્યા છે. પરંતુ આ કાળઝાળ ગરમીમાં વન વગડાના મુંગા પશુ-પક્ષીઓનું કોણ? એમનું ધ્યાન રાખવાવાળા અને બનતી સહાય કરવાવાળા પણ આ પૃથ્વી પર અસંખ્ય વિરલાઓ છે. એમાનાં એક છે મહેસાણા જીલ્લાના વડનગર તાલુકામાં આવેલા જાસ્કા ગામના રમણભાઇ પટેલ.
અસહ્ય ગરમીમાં મુંગા પશુ-પક્ષીઓ પાણી કે ખોરાક વગર તરફડીને મૃત્યુ ના પામે એ માટે રમણભાઇ છેલ્લા આઠ વર્ષ કરતાં વધારે સમયથી કાર્યરત છે. રમણભાઈ પટેલ ચિત્રલેખા.કોમને કહે છે, “અમારા ગામ જાસ્કાથી ઉમતા સુધીમાં ખરાબાની જમીનો છે. એકદમ પડતર જમીનમાં વન વગડા જેવું જ વાતાવરણ છે. જ્યાં અસંખ્ય પશુ પક્ષીઓ ખોરોક પાણી માટે આવે છે. જેમાં મોર, પોપટ, વાંદરા, વગડાનાં રોઝ સહિત અનેક પશુ-પક્ષીઓ આવે છે. ચોમાસામાં આસપાસ ભરાઇ રહેલા પાણી, ચારો અને દાણાંથી પશુ પક્ષીઓ પોતાનું નિર્વાહ કરી લે છે. પરંતુ આ આગ ઓકતી ગરમીની ઋતુમાં અહીંયા અબોલ જીવો પાણી અને ખોરાક માટે વલખાં મારતા હોય છે. હું સરકારી નોકરીમાંથી રિટાયર્ડ થયો એટલે તરત જ વતન જાસ્કામાં આવી ગયો. ત્યારબાદ જાસ્કાથી ઉમતા વિસ્તારના આ વગડાંમાં પક્ષીઓ માટે કુંડા મુક્યા છે. મોટા પશુઓ તરસ છીપાવી શકે એ માટે હવાડા બનાવ્યા છે. એમાં નિયમિત ટેન્કરો દ્વારા પાણી નંખાવીએ છીએ. હું જ્યારે સરકારી નોકરીમાં સિધ્ધપુર હતો ત્યાં પણ વાંદરા સહિતના અન્ય જીવોને ખોરાક પાણી મળી રહે એવા મારાથી બનતા પ્રયત્નો કરતો. આ સાથે ઉનાળાના સમયમાં ખાસ વતન જાસ્કા આવી આસપાસના પશુ-પંખીને મદદ પહોંચાડી શકું એવા પ્રયત્નો કરતો. અત્યારે હું મારા સ્કૂટર પર જ્યારે પશુ-પંખી અને વાંદરા માટે ખોરાક પાણીની મદદે જતો હોંઉ એ જોઇ લોકો મદદ માટે તૈયાર થઇ રહ્યા છે.”રમણભાઇ વધુમાં કહે છે “આ વર્ષે ગરમી વધુ આકરી છે. નિત્યક્રમ પ્રમાણે બે ય ટાઇમ વન વગડાંમાં જાતે જઇ ટેન્કર મંગાવી હવાડા અને કુંડામાં પાણી ભરી દઉં. આ સાથે પક્ષીઓ માટે જુવાર, બાજરો, મકાઇ જેવું ચણ નાખું. જ્યારે આ વગડામાં મોટી સંખ્યામાં આવતા વાંદરા માટે ચીકુ, કાકડી, ચણાં, તરબૂચ, કેરી લાડવા જેવી વસ્તુઓ લાવી ખવડાઉં. કેટલીકવાર આજુબાજુમાં પ્રસંગ હોય તો પુરીઓ, રોટલી, રોટલા પણ વાંદરાઓને આપીએ. આમાં એક રમુજ પણ થઇ વાંદરાને ખવડાવતાં ફોટા સોશિયલ મીડિયામાં વાઇરલ થયાં. આ જોઇ લોકો વાંદરાવાળા રમણભાઇ એમ કહેતાં મેં ફોટા મુકવાનું બંધ કર્યું પણ સમજુ અને પરોપકારી લોકોએ કહ્યું તમે જે કામ કરો છો એ સહેલું નથી. અબોલ જીવોની આ કાળઝાળ ગરમીમાં તરસ છીપાવવી એ જ સાચી સેવા છે. એટલે તમે ફોટા પાડીને મુકશો તો બીજા લોકો પણ પ્રેરાઇને પશુ પંખીને પાણી પીવડાવશે. ખરેખર એવું જ થયું છે આ નિ:સ્વાર્થ સેવા સંકલ્પમાં સમયાંતરે લોકો જોડાતા જાય છે.”
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસીના અકાળ અવસાનથી દુનિયાભરમાં લોકોને આઘાત લાગ્યો છે. 63 વર્ષીય રઈસી ઈરાનમાં સત્તામાં વરિષ્ઠ નેતાઓમાંના બીજા ક્રમે હતા. તેહરાનથી લગભગ 600 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં અઝરબૈજાન પ્રાંતની સરહદ પર જોલ્ફા નજીક તેનું હેલિકોપ્ટર ક્રેશ થયું, જેમાં રઈસીનું મૃત્યુ થયું.આ પહેલીવાર નથી જ્યારે કોઈ VVIP વ્યક્તિનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હોય.એવી ઘણી ઘટનાઓ છે જ્યારે દુનિયાએ હેલિકોપ્ટર અને પ્લેન ક્રેશમાં માર્યા ગયેલા લોકોના નામ સાંભળ્યા અને આશ્ચર્યચકિત થઈ ગયા.આ સેલિબ્રિટીઓ, જેઓ તેમના અંગત જીવનમાં ખૂબ જ સફળ હતા, પરંતુ કમનસીબે ભાગ્યનો સાથ ના મળ્યો. ભારતના ભૂતપૂર્વ CDS બિપિન રાવતના અકાળ અવસાનને કોણ ભૂલી શકે?સંજય ગાંધીનું મૃત્યુ કેટલું દુ:ખદ હતું.પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર ઝિયા ઉલ હકના મૃત્યુથી પણ લોકોને આશ્ચર્ય થયું હતું. દક્ષિણ આફ્રિકાના સુકાની હેન્સી ક્રોન્યેનું મૃત્યુ લોકો પર આઘાત રૂપે આવ્યું.
જનરલની સાહેબની છેલ્લી મુસાફરી
જ્યારે હેલિકોપ્ટર અકસ્માતની વાત આવે છે, ત્યારે ભારતના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ બિપિન રાવતનું નામ તરત જ ધ્યાનમાં આવે છે. 8 ડિસેમ્બર 2021ની એ ભયાવહ બપોરે તમિલનાડુના નીલગિરી જિલ્લાના કુન્નૂરમાં હેલિકોપ્ટર દુર્ઘટનાના સમાચાર આવ્યાં અને બ્રેકિંગ સમાચાર બની ગયા. આ હેલિકોપ્ટરમાં ભારતના તત્કાલિન સીડીએસ બિપિન રાવત તેમની પત્ની સાથે મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી મળી હતી.તરત જ વિવિધ અટકળો શરૂ થઈ. ભારતીય વાયુસેનાનું Mi-17V5 હેલિકોપ્ટર સુલુરના આર્મી બેઝથી નીકળી ગયું હોવાની માહિતી મળી હતી.આ હેલિકોપ્ટર જનરલ રાવતને લઈને વેલિંગ્ટન મિલિટરી બેઝ તરફ આગળ વધી રહ્યું હતું. ત્યારબાદ નીલગીરીના જંગલોમાં ખરાબ હવામાનને કારણે તેમનું હેલિકોપ્ટર ક્રેશ થયું હતું.થોડા સમય પછી સરકારે પુષ્ટિ કરી કે બિપિન રાવત આ અકસ્માતમાં દેહ છોડી દીધો છે.દુર્ભાગ્યે તેમની પત્ની મધુલિકા રાવતનું પણ આ જ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.આ અકસ્માતમાં કુલ 14 લોકો સામેલ હતા. જ્યાં અકસ્માત થયો હતો ત્યાં ખૂબ જ ગાઢ જંગલો હતા.
સંજય ગાંધીની ઘાતક ઉડાન
ભારતમાં થયેલા હવાઈ અકસ્માતો પૈકી, તે અકસ્માત ગાંધી પરિવારને જીવનભરનું દુ:ખ આપી ગયું.અમે વાત કરી રહ્યા છીએ દિલ્હીમાં થયેલા અકસ્માતની જેણે દેશના વડાપ્રધાન ઈન્દિરા ગાંધી પાસેથી તેમના પુત્ર સંજય ગાંધીને છીનવી લીધા હતા.23 જૂન, 1980ની એ ઘટનાએ દેશમાં શોકનો માહોલ ઉભો કર્યો હતો. તે દિવસે સંજય ગાંધી બે સીટર પ્લેન Pitts-S2A ઉડાવી રહ્યા હતા.આ અકસ્માત દિલ્હીના સફદરગંજ એરપોર્ટ પાસે થયો હતો જ્યાં સંજય ગાંધી પ્લેન સાથે એક્રોબેટિક્સ કરી રહ્યા હતા.આ દરમિયાન તેણે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો અને આંખના પલકારામાં પ્લેન આગની જ્વાળાઓમાં જમીન પર પડી ગયું. તે સમયે સંજય ગાંધી માત્ર 33 વર્ષના હતા.
હેલિકોપ્ટર અકસ્માતમાં ઝિયા ઉલ હકે પણ જીવ ગુમાવ્યો
પાકિસ્તાનના લશ્કરી સરમુખત્યાર જનરલ ઝિયા ઉલ હકનું નામ પણ હવાઈ અકસ્માતોની યાદીમાં આવે છે. બળવો કરીને ઝુલ્ફીકાર અલી ભુટ્ટો પાસેથી પાકિસ્તાનની રાજકીય સત્તા છીનવી લેનાર જનરલ ઝિયા ઉલ હક જીવનભર વિવાદાસ્પદ રહ્યા.તેમના મૃત્યુ પછી પણ રહસ્ય અને વિવાદે તેમનો પીછો ન છોડ્યો. 17 ઓગસ્ટ 1988ના રોજ ઝિયા ઉલ હક અમેરિકન ટેન્કનો ડેમો જોવા માટે બહાવલપુર આવ્યા હતા. હવામાન ચોખ્ખું હતું.બહાવલપુરમાં કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ જનરલ ઝિયા ઉલ હક ઈસ્લામાબાદ ગયા હતા. તે C-130B હર્ક્યુલસ એરક્રાફ્ટ પર સવાર હતાં.વિમાને બપોરે 3.46 કલાકે ઈસ્લામાબાદ માટે ઉડાન ભરી હતી. ટેકઓફ સરળ હતું. પરંતુ થોડી જ સેકન્ડોમાં પ્લેનનો કંટ્રોલ ટાવર સાથેનો સંપર્ક તૂટી ગયો.પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે વિમાન હવામાં એક્રોબેટિક્સ કરી રહ્યું હતું. ટેકઓફની માંડ 5 મિનિટ બાદ જ પ્લેન બહાવલપુરથી બહુ દૂર જમીન પર પડી ગયું.જોરદાર વિસ્ફોટ થયો અને જનરલ ઝિયા સહિત વિમાનમાં સવાર તમામ 31 લોકો માર્યા ગયા.
એક કેપ્ટન જેનું મોત પણ વિમાન દુર્ઘટનામાં થયું
દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ક્રિકેટ કેપ્ટન હેન્સી ક્રોન્યે એક પ્રતિભાશાળી ખેલાડીના દુઃખદ અંતની વાર્તા છે. ક્રોન્યે દક્ષિણ આફ્રિકાના સૌથી સફળ કેપ્ટનોમાંના એક માનવામાં આવે છે. પરંતુ એક વખત મેચ ફિક્સિંગમાં તેનું નામ સામે આવ્યું કે જાણે ભાગ્ય જ તેના પર ગુસ્સે થઈ ગયું. 000 માં તેના કમનસીબ મૃત્યુના બે વર્ષ પહેલા હેન્સી ક્રોન્યેએ મેચ ફિક્સિંગની કબૂલાત કરી હતી. આ પછી તેના પર આજીવન પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.ક્રોન્યેએ સ્વીકાર્યું હતું કે તેણે મેચ ફિક્સ કરવા માટે ભારતીય બુકી પાસેથી પૈસા લીધા હતા.1 જૂન, 2002ના રોજ જોહાનિસબર્ગથી જ્યોર્જ સુધીની ક્રોન્યેની નિર્ધારિત ફ્લાઇટને કેટલાક કારણોસર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી.આ પછી તેણે હોકર સિડેલી HS 748 ટર્બોપ્રોપ એરક્રાફ્ટમાં સિંગલ પેસેન્જર તરીકે મુસાફરી કરવાનું શરૂ કર્યું.જ્યોર્જ એરપોર્ટ નજીક વાદળો વચ્ચે પાયલોટે પ્લેન પરનો કાબૂ ગુમાવ્યો હતો. પાયલોટે લેન્ડ કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે સફળ થયો નહોતો.વિમાન એરપોર્ટના ઉત્તરપૂર્વમાં આઉટેનિક્વા પર્વતોમાં ક્રેડૉક પીક નજીક ક્રેશ થયું.આ દુર્ઘટનામાં 32 વર્ષીય ક્રોન્યે અને બે પાયલોટના મોત થયા હતા.
પૂર્વ રાષ્ટ્રપતિ પોતે હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા અને મૃત્યુ પામ્યા
હેલિકોપ્ટર દુર્ઘટનાએ રાજ્યના વડાઓના જીવ પણ લીધા છે. આમાં ચિલીના પૂર્વ રાષ્ટ્રપતિનું નામ પણ સામેલ છે.મિગુએલ જુઆન સેબેસ્ટિયન પિનેરા ઇચેનિક ચિલીના ઉદ્યોગપતિ અને રાજકારણી હતા,જેમણે 2010 થી 2014 અને ફરીથી 2018 થી 2022 સુધી ચિલીના રાષ્ટ્રપતિ તરીકે સેવા આપી હતી.6 ફેબ્રુઆરી, 2024 ના રોજ ચિલીના સમય અનુસાર બપોરે ત્રણ વાગ્યા હતા. તે સમયે પિનેરા પોતે હેલિકોપ્ટર ઉડાવી રહ્યા હતા. ત્યારબાદ વરસાદી માહોલ બની ગયો.એવિસ્તારમાં જોરદાર વાવાઝોડું આવ્યું. આદરમિયાન જ પિનેરાનું હેલિકોપ્ટર તળાવમાં ક્રેશ થયું હતું. રિપોર્ટ અનુસાર તે અકસ્માતમાં બચી ગયા હતા પરંતુ ટક્કરને કારણે તે બેભાન થઈ ગયા હતા અને તેનો સેફ્ટી બેલ્ટ હટાવી શક્યા નહોતા.જેના કારણે તેનું તળાવમાં ડૂબી જવાથી મોત થયું.
T20 વર્લ્ડ કપ બાદ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચનું પદ ખાલી થઈ જશે. તેથી બીસીસીઆઈએ નવા કોચની શોધ શરૂ કરી છે. ભારતીય ક્રિકેટ બોર્ડે કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓનો પણ સંપર્ક કર્યો છે જેઓ આ કામમાં નિષ્ણાત છે. રિપોર્ટ અનુસાર, નેશનલ ક્રિકેટ એકેડમીના હેડ વીવીએસ લક્ષ્મણની સાથે ગૌતમ ગંભીર, જસ્ટિન લેંગર, રિકી પોન્ટિંગ અને ચેન્નાઈ સુપર કિંગ્સના મુખ્ય કોચ સ્ટીફન રેસમાં છે. પરંતુ ગૌતમ ગંભીર અને સ્ટીફન ફ્લેમિંગ આ પદ માટે પ્રબળ દાવેદાર હોવાનું કહેવાય છે. ભારતનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની નક્કી કરી શકે છે કે રાહુલ દ્રવિડના ગયા બાદ ટીમ ઈન્ડિયાને કોણ સંભાળશે.
BCCI ધોનીની મદદ માંગે છે
BCCIના શ્રેષ્ઠ પ્રયાસો છતાં રાહુલ દ્રવિડે પોતાનો કાર્યકાળ વધારવાનો ઇનકાર કર્યો છે. આવી સ્થિતિમાં હવે નવા કોચની શોધ કરવી જરૂરી બની ગઈ છે. પરંતુ તમારા મનમાં એક સવાલ ઉઠી શકે છે કે જો આ બોર્ડનું કામ છે તો ધોની નિર્ણય કેવી રીતે લઈ શકે. વાસ્તવમાં, હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ મુજબ, ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ માટે ફ્લેમિંગ BCCIની પ્રથમ પસંદગી છે. પરંતુ તેણે 2027 સુધી આ ભૂમિકા ભજવવામાં ઘણી સમસ્યાઓ વ્યક્ત કરી છે.
બોર્ડે આઈપીએલની શરૂઆતમાં તેની સાથે વાત કરી હતી, જેમાં તેણે કહ્યું હતું કે હાલમાં તે એવી ભૂમિકા ભજવવા માંગે છે જેમાં ઓછો સમય લાગે. આ પછી બોર્ડે ગૌતમ ગંભીર અને રિકી પોન્ટિંગ જેવા અન્ય વિકલ્પો શોધવાનું શરૂ કર્યું. પરંતુ ચેન્નાઈ સુપર કિંગ્સની હાર સાથે બીસીસીઆઈ તેમને મનાવવા માટે બીજી તક શોધી રહી છે અને આમાં મહેન્દ્ર સિંહ ધોનીની મદદ ઈચ્છે છે.
ધોનીના હાથમાં નિર્ણય
મહેન્દ્ર સિંહ ધોની અને સ્ટીફન ફ્લેમિંગ એકબીજાની નજીક માનવામાં આવે છે. ફ્લેમિંગના આગમન પછી ધોનીએ તેને ક્યારેય ટીમમાંથી બહાર જવા દીધો નહોતો. પહેલા તે CSK માટે રમ્યો અને પછી કોચ તરીકે તેનો ભાગ બન્યો અને આજ સુધી ટીમનો કોચ છે. આટલું જ નહીં, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ પર બે વર્ષનો પ્રતિબંધ હતો ત્યારે ધોનીએ ફ્લેમિંગને પણ રાઈઝિંગ પૂણે સુપરજાયન્ટ્સમાં પોતાની સાથે રાખ્યો હતો. રિપોર્ટ અનુસાર, BCCI IPL દરમિયાન ધોની સાથે વાત કરવા માગતું ન હતું. પરંતુ હવે તેની ટીમ બહાર થઈ ગઈ છે, તેથી બોર્ડ છેલ્લી વખત ધોની દ્વારા હાથ અજમાવવા માંગે છે. જો ધોની ફ્લેમિંગને મનાવવામાં સફળ થાય છે તો તે ભારતીય ટીમનો મુખ્ય કોચ બની શકે છે. જો આમ ન થાય તો ગૌતમ ગંભીર આ પદ માટે સૌથી મોટા દાવેદાર માનવામાં આવી રહ્યા છે. તેથી હવે ધોનીના હાથમાં છે કે ગૌતમ ગંભીર કે સ્ટીફન ફ્લેમિંગ ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ બનશે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2024માં ભાજપે 400ને પારનું સૂત્ર આપ્યું હતું અને કોંગ્રેસ એમાં ફસાઈ ગઈ. ભાજપે લોકસભા ચૂંટણીમાં પૂરી ગોલ પોસ્ટ 272 સીટો પરથી 370 પર શિફ્ટ કરી દીધી હતી. એને ભાજપ કે વડા પ્રધાન મોદીની વ્યૂહરચના કહીશું, જેનો તેમને લાભ મળી રહ્યો છે, એમ ચૂંટણી વ્યૂહરચનાકાર પ્રશાંત કિશોર (PK)એ કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે હાલના સમયે વિપક્ષ અને સામાન્ય લોકોનું આકલન એના આસપાસ પર ફરી રહ્યું છે કે ભાજપને 370 સીટો આવશે કે નહીં, કેમ કે 272ની તો કોઈ વાત જ નથી કરતું, જ્યારે બહુમતનો આંકડો તો 272 છે.
આ ચૂંટણીમાં ઓડિશા, તેલંગાણા, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આસામ, બિહાર, તામિલનાડુ અને કેરળ- આ રાજ્યોમાં જેટલી સીટો છે, એનાથી 15-20 સીટો વધીને આવશે. આ રાજ્યોમાં ભાજપની મતબેન્ક પણ વધશે, એટલે કે આજે જે NDAની સ્થિતિ છે, એનાથી વધુ સારી થાય એવી શક્યતા છે. સીટો ઓછી થવાની સંભાવના બહુ ઓછી દેખાય છે.એવું ક્યાંય કોઈ કહી નથી રહ્યું કે મોદીજી હારી રહ્યા છે. બધા એમ જ કહી રહ્યા છે કે 370 તો નથી આવી રહી. અરે ભાઈ, 320 સીટો પણ આવશે. ત્યારે પણ સરકાર તો તેમની જ બનશે. હાલની સરકારની સામે બહુ નારાજગી ના હોવાને કારણે અને કોઈ સારો વિકલ્પ ના હોવાને કારણે મને નથી લાગતું કે કોઈ આમૂલ પરિવર્તન ચૂંટણીનાં પરિણામોમાં જોવા મળે, એમ તેમણે કહ્યું હતું.
બટેટા લચ્છા ટિક્કી તાત્કાલિક બને છે, ભજીયા જેવા સ્વાદ સાથે! વળી, દહીં અને તીખી તેમજ ગળી ચટણી સાથે બટેટા લચ્છા ટિક્કી ચાટની એક નવી વેરાયટી પણ મળી શકે છે!
સામગ્રીઃ
મિડિયમ સાઈઝના બટેટા 4
લીલા મરચાં 2-3
આદુ 2 ઈંચ
મીઠું સ્વાદ પ્રમાણે
કાળા મરી પાઉડર 1 ટી.સ્પૂન
શેકેલો જીરા પાઉડર 1 ટી.સ્પૂન
આરાલોટ 4 ટે.સ્પૂન
ટીક્કી શેલો ફ્રાઈ કરવા માટે તેલ
રીતઃ બટેટાને છોલીને ધોઈને જાડી ખમણીમાં લાંબા ખમણી લેવા. ત્યારબાદ 3-4 પાણીએથી ધોઈને ચાળણીમાં તેમાંનું પાણી ગાળી લઈ એક સુતરાઉ ટોવેલ પર પાણી નિતારી લેવું.
પાણી નિતારેલાં બટેટાની છીણ એક થાળીમાં લઈ તેમાં ખમણેલું આદુ, સમારેલાં લીલાં મરચાં, કાળા મરી પાઉડર, શેકેલા જીરાનો પાઉડર, સ્વાદ મુજબ મીઠું મેળવી હાથેથી મેળવી લો. 2 મિનિટ બાદ તેમાંથી પાણી છૂટશે એટલે ફરીથી બટેટાની છીણ હાથોમાં લઈ દાબીને પાણી નિચોવીને બીજા વાસણમાં મૂકતાં જાવ. ત્યારબાદ તેમાં આરાલોટ મેળવી લો.
એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે ગેસની આંચ ધીમી મધ્યમ કરી લો.
આ છીણને થોડું હાથમાં લઈ તેને ગોળ આકાર આપીને હળવેથી તેલમાં છોડો. જો આ રીતે ન ફાવતું હોય તો એક નાની ઉંડી ડીશમાં બટેટાનું છીણ ગોઠવીને તેમાંથી ટિક્કી તવેથા ઉપર મૂકીને હળવેથી તવેથા વડે જ તેલમાં છોડો. એકવાર નાખ્યા બાદ થોડીવાર સુધી એમ જ થવા દો. જ્યારે આ ટિક્કી ઉપરથી થોડી પારદર્શી થાય અને નીચેથી કિનારી સોનેરી દેખાવા લાગે ત્યારે તવેથા વડે હળવેથી તેને ઉથલાવો.
આ રીતે બે-ત્રણવાર ઉથલાવીને તેનો સોનેરી રંગ આવે એટલે ઉતારી લો.
આ ટિક્કી ઉપરથી કડક અને અંદરથી નરમ બને છે. તૈયાર ટિક્કી ચટણી અથવા ટોમેટો-કેચઅપ સાથે પીરસો.
અન્ય રીત પ્રમાણે, આ ટિક્કીને પ્લેટમાં ગોઠવીને ઉપર દહીં તેમજ ગળી અને તીખી લીલી ચટણી તેમજ સેવ અને દાડમના દાણા ભભરાવીને આલૂ ટિક્કી ચાટનો સ્વાદ માણી શકો છો!
આજે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની પુણ્ય તિથિ છે. જેની આપણે રાષ્ટ્રિય આતંકવાદ વિરોધ દિન તરીકે ઉજવણી કરીએ છીએ. આ દિવસ લોકોને આતંકવાદના અસામાજિક કૃત્ય વિશે જાગૃત કરે છે. આ દિવસનો ઉદ્દેશ્ય રાષ્ટ્રીય સૌહાર્દને પ્રોત્સાહન આપવા, આતંકવાદને ઘટાડવા અને તમામ જાતિ, સંપ્રદાય અને લિંગના લોકોને એક કરવાનો છે.
આપને જણાવી દઈએ કે વિશ્વનો સૌથી શક્તિશાળી ગણાતો દેશ અમેરીકા પણ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલ આતંકી હુમલાનો શિકાર બન્યો હતો. જ્યારે આપણો દેશે પણ મંડાઇ હત્યાકાંડથી લઈને સંસદ ભવન અને મુંબઈની તાજ હોટલ પર થયેલ હુમલાઓ સહિતના આતંકવાદના કારમા કહેરના ભોગ બન્યો છે. બધા દેશો પોતાની રીતે આતંકી સંગઠનો પર પ્રતિબંધ મૂકે છે. ભારત સરકારે પણ 2015 સુધીમાં 40 જેટલા આતંકી સંગઠનોને ઓળખી તેના પર પ્રતિબંધ મૂકેલો છે. જેમાં બબ્બર ખાલસા ઇન્ટરનેશનલ, ખાલીસ્તાન કમાન્ડો ફોર્સ, ખાલીસ્તાન ઝિંદાબાદ ફોર્સ, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ, હિઝબુલ મુઝાહિદ્દીન, ઉલ્ફા, ઓલ ત્રિપુરા ટાઈગર ફોર્સ, લિબરેશન ટાઈગર ઓફ તમિલનાડુ જેવા અનેક સંગઠનો પર ભારતમાં પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે.
પૂર્વ PMની રાષ્ટ્રીય આતંકવાદ વિરોધ દિવસની ઉજવણી
21મી મેના આપણે આપણા પૂર્વ PM રાજીવ ગાંધીની યાદમાં રાષ્ટ્રી આતંકવાદ વિરોધ દિવસ તરીકે ઉજવણી કરએ છીએ. 21 મે 1991ના દિવસ પર પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી એક રેલીમાં ભાગ લેવા તમિલનાડુના શ્રીપેરમ્બદુર ગયા હતા. તેમની સામે એક મહિલા આવી જે આતંકવાદી જૂથ લિબરેશન ઓફ તમિલ ટાઈગર્સ ઈલમ (LTTE)ની સભ્ય હતી. તેણીના કપડા નીચે વિસ્ફોટકો હતા. તેએ PM ચરણ સ્પર્શ કરવા માટે આગળ આવ્યા જે બાદ અચાનક બોમ્બ બ્લાસ્ટ થયો હતો જેમાં પીએમ સહિત અન્ય 25 જેટલા લોકોના મોત થયા હતા. આ આતંકવાદી હુમાલામાં આપણે આપણા PMને ગુમાવ્યા હતા.
પુણેઃ પુણેમાં બે યુવા સોફ્ટવેર એન્જિનિયરોના જીવ લેનાર બહુચર્ચિત પોર્શ કાર એક્સિડેન્ટ કેસમાં પોલીસે સગીરના પિતાની ધરપકડ કરી છે. રવિવારે અડધી રાત્રે સગીરના પિતાની લક્ઝરી પોર્શ કારે બે લોકોને કચડ્યા હતા. જુવેનાઇલ જસ્ટિસ બોર્ડે 15 કલાકની અંદર આરોપી સગીરને જામીન આપી દીધા હતા, પરંતુ સોશિયલ મિડિયાથી માંડીને મિડિયા સુધી આ કેસમાં વિવાદ વધી રહ્યો છે. પુણે પોલીસ એક્શનમાં આવી ગઈ છે. હવે સગીરના બિલ્ડર પિતાને પણ આરોપી બનાવવામાં આવ્યા છે અને એની ધરપકડ કરી લેવામાં આવી છે.
છત્રપતિ સંભાજીનગરથી પોલીસે આરોપીના પિતાની ધરપકડ કરી છે. જોકે આ દુર્ઘટનામાં જીવ ગુમાવી ચૂકેલા બે યુવાઓનો પરિવાર તૂટી ગયો છે. કોઈકની એકમાત્ર પુત્રી તો કોઈનો પુત્ર ચાલી ગયો છે. આ બંને પરિવારોનાં ઘરે શોક વ્યાપી ગયો છે અને પરિવાર ગુસ્સામાં પણ છે. જબલપુરમાં શક્તિનગરથી નજીક સાકાર હિલ્સમાં યુવા સોફ્ટવેર એન્જિનિયર અશ્વિની કોસ્ટાના ઘરે માતમ પ્રસર્યો છે. તેનો મૃતદેહ જબલપુર પહોંચ્યો, ત્યારે સંબંધીઓ ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતા. શોકમગ્ન પરિવારે પૂછ્યું કે આરોપી સગીર છે તો શું?
આ અકસ્માતમાં જીવ ગુમાવી ચૂકેલા બે યુવાઓના પરિવાર તૂટી ગયા છે. યુવતી અશ્વનીના પિતા સુરેશ કોસ્ટે આક્રંદ કરતાં કહ્યું હતું કે અમારા બધાં સપનાં ચકનાચૂર થઈ ગયાં છે. તે પાર્ટી માટે બહાર જઈ રહી હતી, ત્યારે તેના મિત્રને અકસ્માતના સમાચાર આવ્યા કે એક સગીર નબીરો ગાડી ચલાવી રહ્યો હતો અને નશામાં સ્પીડમાં અકસ્માત થયો હતો. આ જ ઘટનામાં જીવ ગુમાવનાર અનીશના કાકાએ જણાવ્યું હતું કે આ કેસ વાસ્તવમાં 304 Aનો છે. મહારાષ્ટ્ર પોલીસ વેચાઈ ચૂકી છે. 304 હેઠળ આરોપીઓ પર કાર્યવાહી થવી જોઈએ.
ગુજરાતમાં ફરી એક વાર સમાજ પર નિવેદન આપવાથી વિરોધના વંટોળ ઉઠ્યા છે. લોકસભા ચૂંટણી પહેલા ક્ષત્રિય સમાજ પર નિવેદન આપવાથી ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલા વિવાદમાં આવ્યા હતા. ત્યારે હવે જણીતા કથાકાર રાજુગિરી બાપુના એક નિવેદનથી કોળી ઠાકોળ સમાજમાં વિરોધના વંટોળ જોવા મળી રહ્યા છે.
કથાકાર રાજુગિરી બાપુની ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા. કોળી સમાજ અને ઠાકોર સામજ પર નિવેદન આપતાની સાથે કોળી અને ઠાકોર સમાજ મેદાને આવ્યો હતો.
રાજુબાપુના આ નિવેદન બાદ સ્વાભાવિક રીતે ઠાકોર અને કોળી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. ઉનાના નવાબંદર પોલીસ મથકમાં રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. વાણી વિલાસ કરનારા રાજુ બાપુએ વિવાદ વધુ વકરતા આખરે માફી માંગી લીધી. વીડિયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે.. મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો.
રાજુગિરી બાપુની માફી ફગાવી
ગત રોજ સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા. જેમાં કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. કોળી ઠાકોર સમાજના લોકોએ ‘રાજૂગીરી હાય હાય’ ના ઘરની બહાર નારા લગાવ્યા હતા. કોળી ઠાકોર સમાજે પાંચ વર્ષ કથા નહિ કરવાની સ્ટેજ પર સન્માન નહિ સ્વીકારવાની માંગ કરી છે.
નવી દિલ્હીઃ દિલ્હીના CM કેજરીવાલે ભાજપ અને ગૃહ મંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. આ ઉપરાંત તેમણે ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ પર પણ એક ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું હતું કે યોગીજી દિલ્હી આવ્યા હતા અને તેમને મને બહુ ગાળો ભાંડી હતી, પરંતુ તેમનો અસલી દુશ્મન તો ભાજપ છે, એમ તેમણે કહ્યું હતું.
તેમણે દાવો કરતાં કહ્યું હતું કે વડા પ્રધાન મોદી અને શાહ, યોગી આદિત્યનાથને UPના મુખ્ય મંત્રીપદથી દૂર કરવા ઇચ્છે છે. આવામાં તેમણે તેમની સામે અવાજ ઉઠાવવો જોઈએ, ના કે કેજરીવાલને ગાળો આપવી જોઈએ.
અમિત શાહ દિલ્હી આવ્યા હતા અને તેમની જનસભામાં 500થી પણ ઓછા લોકો હાજર હતા. તેમણે દિલ્હી આવીને દેશની જનતાને ગાળો આપવી શરૂ કરી દેતાં કહ્યું હતું કે આપ પાર્ટીના સમર્થક પાકિસ્તાની છે. હું તેમને પૂછવા માગું છું કે દિલ્હીના લોકોએ અમને 62 સીટો આપી છે. દિલ્હીમાં તેમણે અમને 56 ટકા મતો આપીને અમારી સરકાર બનાવી છે. પંજાબના લોકોએ અમને 117 સીટો આપી છે. શું પંજાબ પાકિસ્તાની છે?
ગુજરાત, ગોવા, UP, આસામ, મધ્ય પ્રદેશ અને દેશના કેટલાય હિસ્સામાં લોકોએ અમને પ્રેમ અને વિશ્વાસ આપ્યો છે તો શું આ દેશના બધા લોકો પાકિસ્તાની છે?
વડા પ્રધાન મોદીએ અમિત શાહને ઉત્તરાધિકારી ઘોષિત કર્યા છે. વડા પ્રધાન મોદી શાહને વડા પ્રધાન બનાવશે. તમારી જાણ માટે કહી દઉં કે ચોથી જૂને ભાજપની સરકાર નથી બની રહી, પણ ચોથી જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર આવી રહી છે અને ભાજપની સરકાર જઈ રહી છે, એવો દાવો તેમણે કર્યો હતો.