Home Blog Page 1815

Mumbai Voting: 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન, ઠાકરેએ લગાવ્યા આક્ષેપો

મુંબઈ: મહારાષ્ટ્રની 13 બેઠકો પર આજે એટલે કે સોમવારે પાંચમા અને છેલ્લા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં મુંબઈની છ બેઠકોનો સમાવેશ થાય છે. આ 13 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપના ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જ્યારે છ બેઠકો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેની શિવસેનાના ઉમેદવારોની પ્રતિષ્ઠા દાવ પર છે. એમવીએ કેમ્પમાં કોંગ્રેસ ત્રણ બેઠકો પર, શરદ પવાર જૂથ બે બેઠકો પર અને ઉદ્ધવ ઠાકરે જૂથના ઉમેદવારો બાકીની 9 બેઠકો પર ચૂંટણી લડી રહ્યા છે.ચૂંટણી પંચે મહારાષ્ટ્રમાં મતદાનના તાજેતરના આંકડા જાહેર કર્યા છે. સાંજે 5 વાગ્યા સુધી રાજ્યમાં 48.66 ટકા મતદાન થયું હતું.

મળતી માહિતી મુજબ, બોરીવલીના ઘણા વિસ્તારોમાં વોટિંગ મશીનો ખરાબ થઈ ગયા હતાં. લોકો કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા હતાં. સ્થળ પર પાણી કે વ્હીલ ચેરની કોઈ વ્યવસ્થા નહોતી. બીજી તરફ કતારમાં ઉભેલા લોકો ચૂંટણી પંચ પાસે સમય વધારવાની માંગ કરી રહ્યા છે. જેમ જેમ સાંજ પડી રહી છે તેમ તેમ મતદારો મોટી સંખ્યામાં મતદાન કરવા આવી રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ પત્રકાર પરિષદ યોજીને સરકાર પર આક્ષેપો કર્યા હતા. તેમણે કહ્યું, “હું લોકોને અપીલ કરું છું કે સરકાર મતદાન ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે, તેથી કૃપા કરીને મતદાન મથક પર જાઓ અને કતારમાં રહો જેથી તમને તમારો મત આપવાનો મોકો મળે.જાઓ અને લાઇનમાં આવો. જો સમય પૂરો થાય તો તેઓએ તમને તક આપવી પડશે. લોકો મતદાન કરવા માંગે છે, પરંતુ તેઓ જાણી જોઈને વિલંબ કરી રહ્યા છે. 5 વાગી ગયા છે લાઈન ઉભા રહો અને તમારો મત આપો. અમને જાણવા મળ્યું છે કે તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે. સરકાર ચૂંટણી પંચના નામે રમત રમી રહી છે. જ્યાં ભાજપની લીડ છે ત્યાં તેઓ ઝડપી ગતિએ ચૂંટણી પ્રક્રિયા હાથ ધરી રહ્યા છે. પરંતુ જ્યારે શિવસેનાના લોકો મતદાન કરવા માગે છે, તેઓ પ્રક્રિયામાં વિલંબ કરી રહ્યા છે.ભાજપ જાણી જોઈને આવું કરી રહ્યું છે. અમે સંપૂર્ણ ડેટા એકત્રિત કરીશું જ્યાં તેમણે પ્રક્રિયામાં વિલંબ કર્યો છે અને અમારા મતદારોને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે અને પછી અમે ચૂંટણી પંચના પક્ષપાતી મંતવ્યો સામે કોર્ટમાં જઈશું.

મુંબઈ નોર્થ- 46.91 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 47.32 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 48.67 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 49.79 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 44.22 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 48.26 ટકા મતદાન

આ સિવાય અન્ય મતવિસ્તારના મતદાનના આંકડા જોઈએ તો ભીવંડીમાં 48.89 ટકા, કલ્યાણમાં 41.70 ટકા, પાલઘરમાં 54.32 ટકા અને થાણેમાં 45.38 ટકા મતદાન નોંધાયું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં જ હાર્ટએટેકથી 10 લોકોનાં મોત

વડોદરાઃ  રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં શહેરમાં ગરમીના કારણે હાર્ટ એટેકથી 10 લોકોના મોત થયાં છે, એમ સયાજી હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટે દાવો કર્યો છે. એ સ્થિતિને જોતાં ડો.રંજન ઐયરે નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ સાથે જ વૃદ્ધો અને બાળકોની ખાસ તકેદારી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે. ડો.રંજન ઐયરે બપોરે ઘરથી બહાર નીકળવાનું ટાળવા માટે અપીલ કરી છે. આ સાથે જ સુતરાઉ કપડા પહેરવા માટે પણ જાહેરાત કરી છે. દર કલાકે 800 મિલી પાણી પીવાની નાગરિકોને અપીલ કરી છે.

શહેરમાં અત્યાર સુધી 500થી વધુ લોકોને હીટ વેવની અસર જોવા મળી છે. હીટ વેવને પગલે ગભરામણ, બીપી, ચક્કર, ઊલટી, ડિહાઈડ્રેશનના દર્દીમાં વધારો થયો છે. જોકે સતત 108 એમ્બ્યુલન્સને કોલ મળી રહ્યા છે.

વિશ્વમાં હાઇપરટેન્શનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાઇપરટેન્શન એટલે કે હાઇ BP સાયલન્ટ કિલરની જેમ છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે પ્રતિ વર્ષે લાખો લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. એટલે 17 મેએ લોકોને હાઇ BP વિશે જાગ્રત કરવામાં આવે છે. WHOના ડેટા કહે છે કે વિશ્વમાં હાઇબ્લડ પ્રેશરથી આશરે એક અબજથી વધુ લોકો પીડિત છે. હાઇ BPથી હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલીય ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે.

રાજ્યનાં 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર નોંધાયું છે. સુરેન્દ્રનગરમાં 45.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અમદાવાદ એરપોર્ટ વિસ્તારમાં 46.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

 

 

 

 

પુત્રોએ પિતાની બનાવી પ્રતિમા!

આજની ફાસ્ટ લાઇફ સ્ટાઇલમાં જ્યાં સંતાનોને માતા-પિતા સાથે બેસીને બે મિનિટ વાત કરવાનો સમય નથી ત્યાં એવા પણ સંતાનો છે જે માનતરને સાચા અર્થમાં ભગવાનનો દરજ્જો આપે છે. વાત છે ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના ચડોતર ગામની. જ્યાં દિકરાઓએ પિતાની મૂર્તિ બનાવીને પિતૃપ્રેમનું અનોખું દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.

પાલનપુર તાલુકાના ચડોતર ગામે 76 વર્ષીય રાયસંગભાઈ ચૌધરી અને એમના પત્ની ગંગાબહેન ચૌધરી પોતાના પરિવાર સાથે રહે છે. પાંચ સંતાનોમાં ત્રણ દીકરી અને બે દીકરા. ખેતીવાડી અને પશુપાલનનો વ્યવસાય કરતા રાયસંગભાઈ હંમેશા પરિવારને એક મુઠ્ઠીએ બાંધીને રાખવામાં માને. આજ ગુણ એમના સંતાનોમાં પણ ઉતર્યા. દીકરીઓ પરણીને સાસરે ગઈ. બંને દીકરા હસમુખભાઈ અને કિરણભાઈ પત્ની, સંતાનો સાથે સંયુક્ત રહે છે. પરિવારના મોભી પિતા જે કહે એ બધાય માટે પથ્થરની લકીર. રાયસંગભાઈનો લાગણીશીલ અને દયાભાવ સ્વભાવ સંતાનો બાળપણથી જોતા. માટે જ એમની માટે પિતા વિશ્વવંદનીય છે.

હસમુખભાઈ ચૌધરી ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે,” બે વર્ષ પહેલા હું અમદાવાદ ગયો હતો ત્યાં એક ભગતની પ્રતિમા જોઈ. એ જોતા જ મને મનમાં વિચાર આવ્યો કે મારા પિતાજીની પણ આવી જ પ્રતિમા બનાવવી છે. ઘરે આવીને આ વિચાર પરિવાર સામે રજૂ કર્યો. બધા ખૂબ ખુશ થઈ ગયા. પણ પિતા જેવી જ આબેહૂબ પ્રતિમા બનાવવા માટે અમે બંને ભાઈ ઘણી બધી જગ્યાએ ગયા. અંતે અમે પિતાને લઈને રાજસ્થાન ગયા. ત્યાં અમે એક કારીગર સાથે વાત કરી તો એણે અમને પિતા જેવી જ પ્રતિમા બનાવી આપવાનું આશ્વાસન આપ્યું. વાત નક્કી થયા ને છ મહિના પછી અમારા આંગણે જાણે પિતાની પ્રતિમા રૂપે સાક્ષાત પિતા જ હોય એવો ભાસ થયો.”

રાયસંગભાઈની પ્રતિમા બનાવવામાં છ મહિનાનો સમય લાગ્યો છે. સાડા ત્રણ લાખમાં તૈયાર થયેલી આ પ્રતિમા આજે ચડોતર ગામની શાન ગણાય છે. શરૂઆતમાં જ્યારે હસમુખભાઈ અને એમના પરિવારે પ્રતિમા બનાવવાનું નક્કી કર્યું ત્યારે ઘણાએ ટકોર પણ કરી કે આવી મૂર્તિ તો માણસ દેવ થયા પછી બનાવાય. પણ આ બંને ભાઈએ નક્કી કર્યું હતું કે મર્યા પછી તો બધા કરે અમારે તો જે કરવું એ માવતરની હયાતીમાં જ કરવું. જેથી માતા-પિતાને પણ આનંદ થાય. હસમુખભાઈ અને કિરણભાઈએ માતાપિતાનું જીવતા જગતીયું( મરણોત્તર દાન-પુણ્ય કાર્ય,વિધી)કરીને આખા ગામને ભોજન કરાવ્યું હતું. એટલું જ નહીં આ પ્રતિમાનું જ્યારે સ્થાપન કરવામાં આવ્યું ત્યારે પણ આસપાસના દસ ગામના સાડા અગિયાર હજાર લોકોને ભોજન કરાવ્યું.  શ્રવણ બનીને માતા-પિતાને દરેક યાત્રાધામના દર્શન કરાવ્યા છે.

એકબાજુ એવા સંતાનો છે જે માતા-પિતાની હયાતીમાં તો ઠીક પરંતુ એમના ગયા પછી પણ કાગવાસ નાખવાનો સમય નથી નીકાળી શકતા ત્યાં બીજી બાજુ આ બંને ભાઈઓ જેવા સંતાનો પણ છે જે માતા-પિતાની મરણ પછી નહીં પરંતુ એમની હયાતીમાં જ એમના માટે બધું કરવાની ઇચ્છા રાખે છે. ભવિષ્યમાં જો સમયનો સાથ હશે તો બંને ભાઈ સાથે મળીને માતા ગંગાબહેનની પણ પ્રતિમા બનાવવાની અભિલાષા રાખે છે.

HD રેવન્નાના જાતીય સતામણીના કેસમાં જામીન મંજૂર

કર્ણાટકના બહુચર્ચિત જાતીય સતામણી કેસમાં એક વિશેષ અદાલતે પૂર્વ રાજ્ય મંત્રી અને JDS નેતા એચડી રેવન્નાને જામીન આપ્યા. એચડી રેવન્ના અને તેમના સાંસદ પુત્ર પ્રજ્વલ રેવન્ના સામે અનેક મહિલાઓની જાતીય સતામણીનો કેસ નોંધવામાં આવ્યો છે. આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પ્રજ્વલ રેવન્ના દેશની બહાર છે અને નોટિસ આપવા છતાં પરત ફર્યા નથી.

અગાઉ, જેડીએસ નેતા અને ધારાસભ્ય એચડી રેવન્નાને 13 મેના રોજ અપહરણ કેસમાં વિશેષ અદાલત દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જોકે. આ દરમિયાન તે જેલમાંથી બહાર આવી શક્યો નહોતો. 5 લાખના બોન્ડ પર તેમને જામીન મળ્યા હતા.

શા માટે કરવામાં આવી ધરપકડ?

ખરેખર, પ્રજ્વલ રેવન્નાના પિતા અને જેડીએસ નેતા એચડી રેવન્નાની 4 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. તેની સામે મહિલાના પુત્ર દ્વારા કેસ દાખલ કરવામાં આવ્યો હતો. મહિલાના પુત્રનો આરોપ છે કે તેની માતા રેવન્નાના ઘરે કામ કરતી હતી. આ પછી તેની માતા અચાનક ગુમ થઈ ગઈ હતી. આ ઘટના પહેલા તેની માતાને યૌન શોષણનો વીડિયો પણ મોકલવામાં આવ્યો હતો

બેબી બમ્પ સાથે દીપિકા પહોંચી મતદાન કરવા, ઐશ્વર્યાએ પણ આપ્યો મત

મુંબઈ: લોકસભા ચૂંટણીના પાંચમાં તબક્કા દરમિયાન મુંબઈમાં આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન દરમિયાન સવારથી જ સિનેમા જગતના કલાકારોનો વોટિંગમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોતાના વ્યસ્ત આયોજનમાંથી સમય કાઢીને અક્ષય કુમાર, ગુલજાર, ધર્મેન્દ્ર, સુનિલ શેટ્ટી, શિલ્પા શેટ્ટી, ભૂમિ પેડનેકર, ઐશ્વર્યા રાય બચ્ચનથી લઈ જાન્હવી કપૂર, રાજકુમાર રાવ, ખુશી કપૂર, નેહા ધુપિયા સહિતના સ્ટાર્સ મતદાન મથક પર મત આપવા પહોંચ્યા હતાં. તેમજ બેબી બમ્પ સાથે દીપિકા પણ મતદાન કરવા પહોંચી હતી.

 

દીપિકા પાદુકોણ પતિ રણવીર સિંહ સાથે મતદાન કરવા પહોંચી હતી. વ્હાઈટ રંગના લોંગ શર્ટમાં તેનો બેબી બમ્પ ફ્લોન્ટ થઈ રહ્યો હતો. રણવીર સિંહ પ્રેગ્નેન્ટ વાઈફની કેર લેતો જોવા મળ્યો હતો.

સુભાષ ઘઈએ મત આપી નિભાવી ફરજ.

અભિનેતા આમિર ખાન એક્સ વાઈફ કિરણ રાવ સાથે મતદાન કર્યા બાદ જોવા મળ્યા.

સુનિલ શેટ્ટી અને ઈમરાન હાશમીએ પણ મતાધિકારનો ઉપયોગ કર્યો.

રાકેશ રોશન પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યા હતાં.

સલમાન ખાનના પિતા સલિમ ખાન, ગુલજાર અને ગોવિંદાએ પણ મત આપી નિભાવી નાગરિકતાની ફરજ.

કરીના કપૂર પતિ સૈફ અલી ખાન સાથે બાન્દ્રા મતદાન કરવા પહોંચી હતી.

શાહરુખ ખાન પરિવારના સભ્યો સાથે મતદાન કેન્દ્ર પર પહોંચ્યા હતાં.

ચૂંટણીઃ ત્રણ વાગ્યા સુધી 47.53 ટકા મતદાન, પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં દેશના આઠ રાજ્યોમાં મતદાન જારી છે. પાંચમા તબક્કામાં બપોરે ત્રણ કલાક સુધી 47.53 ટકાથી વધુ મતદાન થયું છે. પશ્ચિમ બંગાળમાં બમ્પર મતદાન થઈ રહ્યું છે. કાશ્મીરમાં સતત મતદાન વધી રહ્યું છે. અહીં રેકોર્ડ મતદાન થઈ રહ્યું છે. બારામુલ્લા લોકસભા સીટ પર બપોરે ત્રણ કલાક સુધી 45.22 ટકા મતદાન થયું છે. પાંચમા તબક્કામાં પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ તો મહારાષ્ટ્રમાં બપોરે ત્રણ કલાક સુધી સુસ્ત મતદાન થયું હોવાના અહેવાલો છે. બંગાળમાં ભાજપ અને TMCના ટેકેદારો વચ્ચે ઝપાઝપી થઈ હોવાના અહેવાલ છે.

HDFCના ચેરમેન દીપક પારેખે મુંબઈમાં મતદાન કર્યું હતું. તેમણે મત આપ્યા પછી કહ્યું હતું કે દેશમાં સ્થિર સરકાર હોવી બહુ જરૂરી છે. આપણને સ્થિર સરકારની જરૂર છે. સ્થિરતા વિકાસ માટે જરૂરી છે.

લોકસભા ચૂંટણીમાં 49 સીટોમાં બપરે ત્રણ કલાક સુધી બિહારમાં 45.3, જમ્મુ-કાશ્મીરમાં 44.9, લદ્દાખમાં 61.3 ટકા,  ઝારખંડમાં 53.9 ટકા, મહારાષ્ટ્રમાં 38.8, ઓડિશામાં 49 ટકા ઉત્તર પ્રદેશમાં 47.5, અને પશ્ચિમ બંગાળમાં 62.70 ટકા મતદાન થયું હતું.લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં અનેક મંત્રીઓનું ભાવિ પણ EVMમાં કેદ થશે. આ તબક્કામાં સંરક્ષણમંત્રી રાજનાથ સિંહ, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કૌશલ કિશોર, સાધ્વી નિરંજન જ્યોતિ, ભાનુ પ્રતાપ વર્મા અને યોગી સરકારના મંત્રી દિનેશ સિંહ જેવા ઉમેદવારો મેદાનમાં છે.

આ સિવાય પીયૂષ ગોયલ (મુંબઈ ઉત્તર, મહારાષ્ટ્ર), શાંતનુ ઠાકુર (બોનગાંવ, પશ્ચિમ બંગાળ), ચિરાગ પાસવાન (હાજીપુર, બિહાર), શિવસેનાના શ્રીકાંત શિંદે (કલ્યાણ, મહારાષ્ટ્ર), ભાજપના રાજીવ પ્રતાપ રૂડી અને આરજેડી પ્રમુખ લાલુ પ્રસાદની પુત્રી રોહિણી આચાર્ય (સરન, બિહાર) પણ મેદાનમાં છે.

 

 

 

 

 

 

 

અમદાવાદના SGVP ગ્રાઉન્ડ ખાતે CPLનું ઉદ્ઘાટન

અમદાવાદ: SGVP ગ્રાઉન્ડ ખાતે ચિરિપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.  આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં 100 જેટલા રણજી ક્રિકેટરો, 500 મહેમાનો તેમજ ક્રિકેટ, આધ્યાત્મ, રાજકારણ, અને ઉદ્યોગ જગત સાથે સંકળાયેલા મહાનુભાવોએ હાજરી આપી હતી.

આ પ્રસંગે ગુજરાતનાં કેબિનેટ મંત્રી બળવંત સિંહ રાજપૂત, સંસદ સભ્ય નરહરિ અમીન,  સચિવ GCA અનિલભાઈ પટેલ, ગુજરાતના રણજી પસંદગી સમિતિના અધ્યક્ષ કિરાત દામાણી, GCAના ભૂતપૂર્વ સંયુક્ત સચિવ હિતેશ પટેલ, ક્રિકેટ પ્રીમિયર લીગ( CPL) ના આયોજક અને ચિરિપાલ ફાઉન્ડેશનના રોનક ચિરીપાલ, ગોરવ જૈન અને વંશ ચિરીપાલે પણ ખાસ હાજરી આપી હતી. કેબિનેટ મંત્રી રાજપૂતે ગુજરાતમાં રમતવીરો માટે વિશ્વ કક્ષાનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડવા માટે રાજ્ય સરકારની પ્રતિબદ્ધતા પર પ્રકાશ પાડ્યો હતો. SGVP ના પૂજ્ય પુરાણી બાલકૃષ્ણદાસ સ્વામીએ સમારોહમાં હાજરી આપી અને તમામ મહાનુભાવોનું અભિવાદન કરી આ પ્રસંગે આધ્યાત્મિક સ્પર્શ ઉમેર્યો હતો.

ક્રિકેટ પ્રીમિયર લીગ (CPL) 2024માં 6 ટીમ સાબરમતી સ્ટ્રાઇકર્સ, અમદાવાદ એરોઝ, કર્ણાવતી કિંગ્સ, હેરિટેજ સિટી ટાઇટન્સ, નર્મદા નેવિગેટર્સ તથા ગાંધીનગર લાયન્સ ભાગ લઈ રહી છે. જેમાં 100 જેટલા રણજી ક્રિકેટરો ભાગ લઈ રહ્યા છે.

CPLની પ્રથમ મેચ ગાંધીનગર લાયન્સ અને સાબરમતી સ્ટ્રાઈકર્સ વચ્ચે રમાઈ હતી, જે રોમાંચક ટાઈમાં પરિણમી હતી, જેમાં બંને ટીમોએ 147 રન બનાવ્યા. સુપર ઓવરમાં ગાંધીનગર લાયન્સે 5 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સાબરમતી સ્ટ્રાઈકર્સે છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને જીત મેળવી હતી. મનીષ શર્માને મેન ઓફ ધ મેચ ઘોષિત કરવામાં આવ્યો હતો.

કોંગ્રેસ હાઇકમાન્ડની વિરુદ્ધ અધીર રંજન ચૌધરીનો બગાવતી સૂર

કોલકાતાઃ લોકસભા ચૂંટણી હવે અંતિમ તબક્કાઓમાં છે અને રાજકીય પક્ષો તડજોડમાં લાગી ગયા છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસ અને લેફ્ટ ગઠબંધન સત્તાધારી TMCને પડકાર ફેંકી રહ્યા છે. પશ્ચિમ બંગાળમાં મુખ્ય મંત્રી મમતા બેનરજીએ એવી ગૂગલી ફેંકી છે કે કોંગ્રેસ નેતૃત્વ અને પશ્ચિમ બંગાળ કોંગ્રેસ આમનેસામને આવી ગયા છે.

TMC પ્રમુખ અને મુખ્ય મંત્રી મમતા બેનરજીએ પહેલાં ઇન્ડિયા ગઠબંધનને સરકાર બનવાની સ્થિતિમાં બહારથી સમર્થન અને થોડાક બાદ ફેરવી તોળતાં કહ્યું હતું કે અમે સરકારમાં સામેલ થઈશું. જેથી પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધ્યક્ષ અધીરે મમતા પર નિશાન સાધ્યું તો કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ અધીર રંજનની ઝાટકણી કાઢતાં કહી દીધું હતું કે ચૂંટણી બાદ સરકાર ગઠનમાં શું થશે અને શું નહીં એ કોંગ્રેસ હાઇકમાન્ડ નક્કી કરશે. એ નક્કી કરવા માટે રંજન સત્તાવાર વ્યક્તિ નથી. તેમણે હાઇકમાન્ડની વાત માનવી પડશે અને જો સહમત નહીં થાય તો તેમને દરવાજો બતાવવામાં આવશે.

પશ્ચિમ બંગાળ કોંગ્રેસઅધ્યક્ષ અને લોકસભામાં પાંચ વાર સભ્ય અધીર રંજન ચૌધરીએ TMCની સાથે પાર્ટીની ચૂંટણી પછી સંબંધોને મુદ્દે કોંગ્રેસઅધ્યક્ષ વિરુદ્ધ વિદ્રોહી તેવર બતાવ્યા છે. અહીં પાર્ટીની અંદરના આંતરિક કલહનું કારણ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ શનિવારે લખનૌમાં પત્રકારોને આપેલું નિવેદન છે, જેમાં તેમણે કહ્યું હતું કે ચૂંટણી પછી ગઠન માટે લેવામાં આવેલાં પગલાંનો નિર્ણય ચૌધરી નહીં પણ કોંગ્રેસ નેતૃત્વ નિર્ણય કરશે.

નેતાઓએ પાર્ટીના ટોચના નેતૃત્વએ લીધેલા નિર્ણયને અનુરૂપ ચાલવું પડશે, અન્યથા તેમણે પદ છોડવું પડશે એમ તેમણે કહ્યું હતું. સામે પક્ષે ચૌધરીએ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય હોવાને નાતે તેઓ કોંગ્રેસના શીર્ષ નેતૃત્વનો ભાગ છે.

 

 

 

 

 

 

 

પ્રાચીન જ્ઞાનના ખજાના પર પ્રકાશ પાડતું એન્સાઈક્લોપિડીયા

અમદાવાદ: પ્રખ્યાત ધાર્મિક સંશોધન સંસ્થા ગીતાર્થ ગંગા દ્વારા ૧૯મી મેના રોજ “આર્ય યુગકોષ”ના એક એન્સાઈક્લોપિડીયાના અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પહેલાં ૧૮મી મેના રોજ ઑનલાઇન અને Physical (હાઈબ્રીડ) પેનલ ચર્ચાનું આયોજન, અમદાવાદ સ્થિત વિશ્વકોષ ભવનમાં કરવામાં આવ્યું હતું.  જેમાં દેશ-વિદેશથી અનેક મહાનુભાવો જોડાયા હતા. આ પ્રસંગે પ્રાચીન દ્રષ્ટાઓની બૌદ્ધિક ઊંડાણ, વિદ્વત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાન પર ચર્ચા કરવામાં આવી હતી.

પેનલ ચર્ચામાં રાષ્ટ્ર અને વિશ્વના પ્રતિષ્ઠિત વક્તાઓએ ભાગ લીધો હતો. ડો. જસવંત મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યાહતા. આ ઉપરાંત IB ના પૂર્વ વડા રાજીવ જૈન પણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.  પરમ પૂજ્ય ચીના જિયાર સ્વામીજીએ પણ વિશેષ અતિથિ તરીકે પેનલ ચર્ચામાં ભાગ લીધો હતો. ઉપસ્થિત અન્ય પ્રતિષ્ઠિત વક્તાઓમાં પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કુમારપાલ દેસાઈ, ડૉ. સુલેખા જૈન, પ્રવિણ કે શાહ (ચેરમેન, જૈના-USA), વિનોદ કપાસી (OBE એવોર્ડથી સન્માનિત, UK) વગેરેનો સમાવેશ થયો હતો.

આધ્યાત્મિક ગુરુ એચ.એચ.ચીના જિયાર સ્વામીજીએ પેનલ ડિસ્કશનને સંબોધન કરતી વખતે ગીતાર્થ ગંગા દ્વારા કરવામાં આવેલ કામ વિશે જણાવ્યું, “ભારતમાં કેટલીક સ્પિરીચ્યુઅલ સંશોધન કરતી સંસ્થાઓ, ધાર્મિક ગ્રંથોના સંરક્ષણ પર કામ શરૂ કરે છે. પરંતુ સંસાધનોની અને મેન્યુઅલ પાવરની અછતના કારણે તે લાંબા સમય સુધી કામ ટકાવી શકતા નથી.”

ભારતના પૂર્વ Dy. NSA, હાલમાં VIF ડિરેક્ટર ડો. અરવિંદ ગુપ્તાએ જણાવ્યું કે, “તમે ભવિષ્યની પેઢીઓ માટે ખૂબ જ દુર્લભ અને ઉપયોગી કાર્ય સિદ્ધ કર્યું છે. તમારે આ મોડેલનું રહસ્ય શેર કરવું જોઈએ જેથી સમાન ક્ષેત્રોમાં કામ કરતા આપણા દેશમાં અન્ય લોકો અને જૂથોને પણ લાભ થાય.”

ઇન્ટેલિજન્સ બ્યુરોના પૂર્વ ડિરેક્ટર રાજીવ જૈને કહ્યું કે, “તમારા લક્ષ્યનો જે વિસ્તાર છે અને જે અસાધારણતાથી તમે કાર્ય કરી રહ્યા છો તેનાથી હું પ્રભાવિત થયો છું અને આ કાર્યને આગળ ધપાવવાની જરૂર છે.”

આર્યયુગ કોશના લોકાર્પણ સમયે તેમના સંબોધન દરમિયાન પ.પૂ. જૈનાચાર્ય યુગભૂષણસૂરિજીએ જણાવ્યું કે, “વર્તમાન કાળમાં ભૌતિકતાના કારણે નાસ્તિકતા ચારે કોર ફેલાઈ છે. તેના કારણે વર્તમાન પેઢીનું ધર્મ, ધર્મ શાસ્ત્રો, ધર્મ શાસ્ત્રોના રહસ્યાર્થ સાથેનું જોડાણ શિથિલ થયું છે. તેથી ધર્મના રક્ષણનો અત્યારે અવસર છે. તે રક્ષાનાં ઉદેશ્યથી સ્થાપેલી ગીતાર્થ ગંગા સંસ્થાનું ૩૨ વર્ષ પછીનું મહત્વનું પ્રકાશન તે આર્ય યુગ વિષય કોષ છે. આ કોષમાં ૪ મુખ્ય વિષય અને ૧૫૯ પેટા વિષયના હજારો ગ્રંથના સંદર્ભો ને ૮ categoriesમાં classify કરીને પ્રકાશીત કર્યું છે. તેથી તે વિષય બાબતે જેટલા શાસ્ત્ર વચનો છે, તે એક જગ્યાએ મળી જાય. આ પુસ્તક ભારતના ધર્મોને, તેના મહત્વના તત્વજ્ઞાનને જીવંત રાખવા- રક્ષા કરવા મહત્વનો ફાળો ભજવશે. ભારત દેશના soft powerને પુનઃ જીવિત કરવામા પણ આ ગ્રંથ મહત્વનો ફાળો ભજવશે.”આગામી દસ વર્ષમાં, સંસ્થા 15000 પેટા-વિષયોને આવરી લેતી સમાન રેખાઓ ઉપર આવા 30 ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન કરી રહી છે. સંસ્થા પાસે વિવિધ વિષયોના 20,000 થી વધુ ચાર્ટ્સ, વર્ગીકરણ, 5500 થી વધુ વૃક્ષો વગેરે પણ છે, જે તેમના ખજાનામાં જોવા મળે છે. જ્યાં જરૂર હોય ત્યાં સરળ સમજણ માટે આનો સમાવેશ કરવામાં આવશે. ગીતાર્થ ગંગા એક પ્રતિષ્ઠિત આધ્યાત્મિક સંશોધન સંસ્થા છે. આ સંસ્થાના કેન્દ્રમાં 150,000 પુસ્તકો અને હસ્તપ્રતો, 6,000 સામયિકો, 2 લાખ+ ઐતિહાસિક અખબારો અને 95,000 સમાચાર લેખો, જાહેર વહીવટ, રાજકારણ, અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, વિજ્ઞાન અને તુલનાત્મક ધાર્મિક અધ્યયન જેવા ક્ષેત્રોમાં વિસ્તરેલ પસંદગીનો સંગ્રહ છે.

Mumbai Voting: 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 38.77 ટકા મતદાન

મુંબઈ: 2024ની લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં સોમવારે 6 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 49 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. મુંબઈમાં બૉલિવૂડ સ્ટાર્સમાં મતદાનનો ઉત્સાહ સવારથી જ જોવા મળી રહ્યો છે. સવારથી જ અભિનય ક્ષેત્રના દિગ્ગજ ધર્મેન્દ્રથી લઈને ગુલજાર સાહેબ સહિતની હસ્તીઓ મતદાન મથક પર પહોંચી પોતાની ફરજ બજાવી રહ્યાં છે. પરંતુ મહારાષ્ટ્રમાં મતદાનનો આંકડો નિરાશાનજક છે. રાજ્યમાં ખુબ જ ધીમી ગતિએ મતદાન થઈ રહ્યું છે. બપોરે 3 વાગ્યા સુધી મહારાષ્ટ્રમાં 38.77 ટકા જ મતદાન થયું છે. ઓવરઓલ મતદાનનો આંકડો 50.42 ટકા છે. સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં 62.72% અને સૌથી ઓછું મહારાષ્ટ્રમાં છે.

થાણેના કેટલાક મતદાન કેન્દ્રો પર પણ EVMમાં ખામી સર્જાઈ હોવાના અહેવાલ હતાં. સવારે મુલુંડ અને પવઈમાં ઈવીએમમાં સમસ્યા ઉભી થઈ હતી. મહારાષ્ટ્રમાં કુલ મતદાન 38. 77 ટાક જ થયું છે. મુંબઈની વિવિધ સીટો પર મતદાનના આંકડા જોઈએ…

મુંબઈ નોર્થ- 39.33 ટકા મતદાન
મુંબઈ નોર્થ સેન્ટ્રલ- 37.66 ટકા મતદાન
મુંબઈ નોર્થ ઈસ્ટ- 39.15 ટકા મતદાન
મુંબઈ નોર્થ વેસ્ટ- 39.15 ટકા મતદાન
મુંબઈ સાઉથ- 36.64 ટકા મતદાન
મુંબઈ સાઉથ સેન્ટ્રલ- 38.77 ટકા મતદાન

નાસિકમાં 39.41 ટકા, પાલઘરમાં 42.48 ટકા અને થાણેમાં 36.07 ટકા મતદાન થયું છે. નાસિકમાં એક મતદાન કેન્દ્ર પર નિર્દલિય ઉમેદવારે વોટિંગ મશીન પર માળા ચઢાવી હતી. ત્યાર બાદ તે ઉમેદવાર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ઉમેદવારનું નામ શાંતિગિરી મહારાજ છે.