Home Blog Page 1824

ગીતાર્થ ગંગા દ્વારા આર્ય યુગ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ

અમદાવાદ: ગીતાર્થ ગંગા ધાર્મિક સંશોધન સંસ્થા દ્વારા 19મી મેના રોજ આર્ય યુગકોષ એન્સાઈક્લોપિડીયાનું અનાવરણ કરવામાં આવશે. આ સંસ્થાએ અત્યાર સુધીમાં 290થી વધુ પુસ્તકો પ્રકાશિત કર્યા છે. આ પ્રસંગને સંસ્થા દ્વારા પ્રાચીન દ્રષ્ટાઓના બૌદ્ધિક ઊંડાણ, વિદ્ધત્તાપૂર્ણ સમર્પણ અને કાલાતીત જ્ઞાનના ઉત્સવ તરીકે ઉજવવામાં આવશે.

આર્ય યુગકોષ એ જૈન શાસ્ત્રો અને અન્ય ધર્મોના ઝીણવટપૂર્વકનો વ્યાપક અને વિશાળ જ્ઞાનકોષ છે. જે મુનિ મોહજિત વિજયજી અને જૈનાચાર્ય યુગભૂષણસુરિજીની પહેલ છે. જેને ખાસ ટીમ દ્વારા ત્રણ દાયકાથી વધુ સમયમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ જ્ઞાન કોષમાં ચાર મુખ્ય વિષયો અને 159 પેટા વિષયો શાસ્ત્રના અધિકૃત અવતરણો સાથે દર્શાવ્યા છે. આ દરેક સંદર્ભો આઠ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે.

  1. व्युत्पत्तिअर्थ – વ્યુત્પર્ત્ત
  2. व्याख्या – વ્યાખ્યા
  3. सान्वर्थलक्षण – ર્વહુંગાવલોકન
  4. लक्षण – લક્ષણ
  5. लक्षण (चिह्न) – પ્રતીકાત્મક લક્ષણ
  6. पर्यायवाची – સમાનાર્થી
  7. विकल्पवाची – અવેજી
  8. स्वरूप – સામાન્ય રૂપરેખા

આગામી દસ વર્ષમા સંસ્થા મુખ્ય 108 વિષય અને 15000 પેટા વિષયોને સમાવીને સમાન રૂપરેખા સાથે આવા 30 જેટલા ગ્રંથો પ્રકાશિત કરવાનું આયોજન ધરાવે છે. સંસ્થા પાસે વિવિધ વિષયોના 20,000થી વધુ ચાર્ટ્સ, 5500થી વધુ ટ્રી વગેરે પણ છે. આ ગ્રંથમાં દરેક વિષય માટે ગુજરાતી અને હિન્દીમાં પરિચય આપવામાં આવ્યો છે. ગીતાર્થ ગંગાનો મૂળ ઉદ્દેશ્ય જૈન શાસ્ત્રોમાં પથરાયેલા મુખ્ય વિષયો અને અધિક પેટા વિષયો બાબતે જેટલા પણ શાસ્ત્ર સંદર્ભો, અન્ય ધાર્મિક સંદર્ભો કે આધુનિક સંદર્ભો હોય તેનું સંકલન કરીને એન્સાઈક્લોપિડીયા તૈયાર કરવાનો છે. જેનો અભ્યાસ કરીને આગામી પેઢીના જૈનાચાર્યો ગહન જાણકાર બની શકે.ભારતના પૂર્વ NSA અને વર્તમાન VIFના ડિરેક્ટર ડૉ. અરવિંદ ગુપ્તાએ ગીતાર્થ ગંગાની ટીમને અભિનંદન આપતા કહ્યું, “આ પ્રયત્નનો વ્યાપ વિશાળ છે અને તે માત્ર જૈન ધર્મ માટે જ નહીં પરંતુ સમગ્ર ભારત માટે ઉપયોગી થશે.”

રાજ્યમાં શાળા પ્રવેશોત્સવની તારીખ જાહેર

રાજ્યમાં ધોરણ 12 અને 10ના પરિણામોની જાહેરાત થઈ ચૂકી છે. ત્યારે હવે શિક્ષણ વિભાગ દ્વારા શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ જાહેર કરાયો છે. રાજ્યમાં આગામી 27,28 અને 29 જૂન શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ યોજાશે સાથે સાથે કન્યા કેળવણી મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે આ વર્ષે રાજ્યમાં 21 મો શાળા પ્રવેશોત્સવ યોજાશે. ગત વર્ષે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉજવણી ઉજ્જવળ ભવિષ્યની થીમ પર શાળા પ્રવેશોત્સવનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો હતો.

વિકાસને વેગવંતો બનાવવા માટે ભણતરને પ્રોત્સાહન આપવા માટે ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ 2003થી રાજ્યમાં શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. શાળાપ્રવેશોત્સવએ સૌ પ્રથમ એવી ઘટના હતી કે જેમાં ઉચ્ચ અઘિરારીઓ ગામડામાં નાના ફુલાકાનું શાળામાં સ્વાગત કરાવે. જે પરંપરાને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલે જાળવી રાખી છે. મુખ્યમંત્રીના નેતૃત્વ હેઠળ ગત વર્ષ 2023 માં તા.12 થી 14 જૂન દરમિયાન સમગ્ર રાજ્યમાં 20 મો શાળા પ્રવેશોત્સવ યોજાયો હતો.

શાળા પ્રવેશોત્સવમાં અધિકારીઓ અલગ અલગ રીતે બાળકોને ભણતર વિશે પ્રોત્સાહ પુરુ પાડવાનો પ્રયાસ કરતા હોય છે. જ્યાં નાના ગામડામાં લોકો શાળાને મહત્વ નથી આપતા, ત્યાં શાળા પ્રવેશોત્સવ શરૂ થવાથી લોકો બાળકોને શાળા મોકવાનું પસંદ કરે છે. ઉલ્લેખનીય છે કે શાળા પ્રવેશોત્સવથી રાજ્યમાં  શૈક્ષણિક ક્ષેત્રે ક્રાંતિ આવી છે

SVPI એરપોર્ટ પર સુવિધામાં થયો વધારો

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) સુવિધાઓમાં સતત સુધારાઓ કરી રહ્યું છે. તાજેતમાં એરપોર્ટ પર ટર્મિનલ 2 પર નવીનતમ પાંચ નવા પાર્કિંગ સ્ટેન્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. જેનાથી ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતામાં વધારો થયો છે. આ વિસ્તરણ SVPIA ની હવાઈ મુસાફરીની વધતી જતી માંગને પૂરી કરશે.  SVPI એરપોર્ટ પર હવે પાર્કિંગ સ્ટેન્ડની સંખ્યા 13 થી વધીને 18 થઈ ગઈ છે. જે સ્થાનિક અને કેટલીક આંતરરાષ્ટ્રીય એરલાઇન્સ દ્વારા ઉપયોગમાં લેવાતા એરક્રાફ્ટને એકોમોડેટ કરી શકે છે.

નવા સ્ટેન્ડ એરલાઇન્સને અમદાવાદમાં વધુ કનેક્શન ઉમેરવાની તક પૂરી પાડે છે. ટર્મિનલ 2 પર હાલ ચાર એરોબ્રિજ કાર્યરત છે, નજીકના ભવિષ્યમાં તેમાં વધુ 4 ઉમેરાતા કુલ 8 એરોબ્રિઝની સુવિધા ઉપલબ્ધ થશે. એરપોર્ટે સ્ટેન્ડનો શ્રેષ્ઠ ઉપયોગ કરી હાલના ચાર એરોબ્રિજ પર મલ્ટીપલ એરક્રાફ્ટ રેમ્પ સિસ્ટમ (MARS) પણ લાગુ કરી છે.

ઉલ્લેખનીય છે કે બોઈંગ 737/એરબસ A320 એરક્રાફ્ટ જે સામાન્ય રીતે સ્થાનિક અને કેટલાક આંતરરાષ્ટ્રીય કેરિયર્સ દ્વારા ઉપયોગમાં લેવાય છે. અને 5 વાઈડબોડી એરક્રાફ્ટ જેમ કે બોઈંગ 777/787 અથવા એરબસ A359 અને કાર્ગો કોલોસલ AN 124, B744, બેલુગા એરક્રાફ્ટ મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ દ્વારા સંચાલિત છે. એ આ એરક્રાફ્ટ્સ હેન્ડલનો ઉપયોગ કરી શકે છે.

ટર્મિનલ 2 હજ ઓપરેશન્સ માટે સાઉદી એરલાઇન્સ B747-400 એરક્રાફ્ટ 450-સીટર એરક્રાફ્ટને હેન્ડલ કરવા માટે પણ સુસજ્જ છે. એરપોર્ટની વધેલી ક્ષમતા માત્ર પેસેન્જર ટ્રાફિકને જ નહીં પરંતુ ભવિષ્યમાં મોટા એરક્રાફ્ટને સમાવવા માટેની ઓપરેશનલ કાર્યક્ષમતામાં પણ સુધારો કરે છે. જેનાથી આંતરરાષ્ટ્રીય કેરિયર્સ માટે અમદાવાદને નિયમિત પેસેન્જર ફ્લાઇટ્સ સાથે ટેક્નિકલ હૉલ્ટ્સ માટે દરવાજા ખોલે છે.

SVPI એરપોર્ટે આદિસ અબાબા સાથે જોડતી ઇથોપિયન એરલાઇન્સ સંચાલિત નવી બે-સાપ્તાહિક ડાયરેક્ટ કાર્ગો ફ્લાઇટનું પણ સ્વાગત કર્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પશ્ચિમ ભારતના અગ્રણી ઉડ્ડયન હબ બનવાના લક્ષ્ય સાથે સતત વિકાસ અને અપગ્રેડેશન માટે પ્રતિબદ્ધ છે.

રાજકારણનું અપરાધીકરણઃ વર્ષ 2004થી અત્યાર સુધી સંખ્યા બમણી

નવી દિલ્હીઃ દેશમાં રાજકારણમાં અપરાધીકરણ સતત વધતું ગયું છે. દેશમાં હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે, જેમાં નેતાઓનું અપરાધીકરણ ચર્ચાનો વિષય બન્યો છે. અપરાધ અને રાજકારણ વચ્ચે ઘનિષ્ઠ મિત્રતા જોવા મળે છે.  દેશમાં સંસદમાં ચૂંટાયેલા ગુનાઇત ઉમેદવારોની સંખ્યા વર્ષ 2004થી સતત વધતી જાય છે. દેશમાં 2004માં 24 ટકા સાસંદ એવા હતા, જેમના પર ગુનાઇત કેસો પેન્ડિંગ હતા. એ સંખ્યા વધીને 2019માં લગભગ બમણી વધીને 43 ટકાએ પહોંચી હતી.

વર્ષ 2009માં લોકસભામાં 30 ટકા સાંસદો પર ગુનાઇત કેસો પેન્ડિંગ હતા, જે વર્ષ 2014ની લોકસભામાં વધીને 34 ટકાએ પહોંચી હતી. વર્ષ 2023ના ફેબ્રુઆરીમાં દાખલ કરવામાં આવેલી એક અરજીમાં એ વાત પર દાવો કરવામાં આવ્યો હતો કે વર્ષ 2019 પછી જાહેર ગુનાઇત કેસોવાળા સાંસદોની સંખ્યામાં 44 ટકાનો વધારો થયો છે.

વર્ષ 2019ની લોકસભાની ચૂંટણીમાં કુલ 159 સાંસદ એવા હતા, જેમની સામે હત્યા, હત્યાના પ્રયાસ, અપહરણ, મહિલાઓની સાથે બળાત્કાર જેવા ગુનાના કેસો ચાલવાની માહિતી હતી. આ સાંસદોમાં ભાજપના 64 સાંસદ, કોંગ્રેસના 97માંથી આઠ અને RJDના નવમાંથી છ લોકસભા, રાજ્યસભાના સાંસદ એવા હતા, જેમની સામે ગંભીર ગુનાના કેસ નોંધાયેલા હતા. એટલે કે બધી પાર્ટીઓમાં ગુનાઇત ઉમેદવારો ફેલાયેલા હતા.

વિધાનસભામાં 44 ટકા વિધાનસભ્યો પર ગુનાઇત કેસો

ADRની રિપોર્ટ અનુસાર દેશનાં અલગ-અલગ રાજ્યોની વિધાનસભાઓમાં આશરે 44 ટકા વિધાનસભ્યોની વિરુદ્ધ ગુનાઇત કેસો નોંધાયેલા છે.

ADR અને નેશનલ ઇલેક્શન વોચ (NEW)ના એક અભ્યાસ અનુસાર 28 રાજ્યની વિધાનસભા અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કુલ 4001 નેતાઓમાંથી 1136ની વિરુદ્ધ ગંભીર ગુનાઇત કેસ નોંધાયેલા છે.

Nutshell In 99

PMO મારા પર 24 કલાક નજર રાખે છે: કેજરીવાલ

અમૃતસર: લોકસભા ચૂંટણીને લઈને પંજાબમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. આ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે અમૃતસરમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, “તિહાડ જેલમાં મારા પર સીસીટીવી કેમેરાઓ દ્વારા PMO 24 કલાક નજર રાખી રહી છે.”

તેમણે કહ્યું, “પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન મને જેલમાં મળવા આવતા હતા. જેલ પ્રશાસનના અધિકારીઓ તેમને સળિયાની બીજી બાજુથી મળવા દેતા હતા. મારું ઇન્સ્યુલિન બંધ કરી દીધું હતું. જેથી મારું સુગર લેવલ વધી ગયું હતું. હું જે સેલમાં હતો ત્યાં બે સીસીટીવી કેમેરા લગાવેલા હતા. ત્યાં મારી સંપૂર્ણ દેખરેખ રાખવામાં આવી રહી હતી. તેનું એક પ્રસારણ પી.એમ.ઓ.માં થતું હતું.”અરવિંદ કેજરીવાલે કાર્યકરોને વધુમાં કહ્યું કે પંજાબ ચૂંટણીને 10 દિવસ કરતાં ઓછો સમય બાકી છે. ત્યારે તમારે સખત મહેનત કરવી પડશે. તમારે 13માંથી 13 લોકસભા બેઠકો જીતવી પડશે. વધુમાં તેમણે કહ્યું, “મેં તમને લોકોને જેલમાં ખૂબ જ યાદ કર્યા. આજે સાંસદ, ધારાસભ્ય અને કાઉન્સિલર બધા અહીં હાજર છે. જેલમાંથી બહાર આવતાં જ મેં સંદીપ પાઠકને કહ્યું કે હું પંજાબ અને દિલ્હીના મારા લોકોને મળવા માંગુ છું. કોઈ એજન્ડા નથી. બધાને મળવાની ઈચ્છા છે. મને બધાને ગળે લગાડવાનું મન થાય છે. ભગવંત માન સાહેબ મને જેલમાં મળવા આવતા હતા. તે કહેતો હતા કે બધા મને યાદ કરે છે.” પંજાબની તમામ 13 બેઠકો પર 25મી મેના રોજ મતદાન થવાનું છે.

ગિફ્ટ સિટીમાં જર્મનના ઈન્સ્ટીટ્યુટ્સની થશે શરૂઆત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત જર્મનીના મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ અચિમ ફેબિગે ગાંધીનગરમાં લીધી હતી. મુલાકાત દરમિયાન તેમણે વાઇબ્રન્ટ ગ્લોબલ સમિટ-2024 ની સફળતા માટે અભિનંદન પાઠવ્યા હતા. એટલું જ નહીં, આ સમિટમાં સસ્ટેઈનેબલ ગ્લોબલ સપ્લાય ચેઈન-ઈન્ડો જર્મન પરસ્પેક્ટિવ અંગે કન્ટ્રી સેમિનારનું આયોજન કરવામાં આવેલું તેની પણ યાદ તાજી કરી હતી. જર્મન કોન્સ્યુલ જનરલ સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં ઉદ્યોગો સ્થાપવા ઈચ્છુક જર્મન ઉદ્યોગકારોને રાજ્ય સરકારના સહયોગની નેમ દર્શાવી હતી. ગુજરાતમાં જર્મનીની પ્રતિષ્ઠિત કંપનીઝ કાર્યરત છે તે ઉપરાંત ગિફ્ટસિટીમાં ડોઈશ બેન્ક પણ શરૂ થઈ છે, તેમને ગુજરાતમાં કામ કરવાનું સાનુકૂળ વાતાવરણ મળ્યું છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું.

ગિફ્ટ્સિટીમાં જર્મનીના હાયર એજ્યુકેશન ઇન્‍સ્ટીટ્યુટ્સ શરૂ થઈ શકે તે દિશામાં પણ ચર્ચા કરી હતી. તેમણે ગુજરાતમાં ટેકનિકલ અને વોકેશનલ એજ્યુકેશન તથા ટ્રેનીંગ ઇન્‍સ્ટીટ્યુટમાં વૈશ્વિક સ્તરની તાલીમની ગુણવત્તા માટે રાજ્ય સરકારના લેબર એન્‍ડ એમ્પ્લોયમેન્‍ટ ડિપાર્ટ્મેન્‍ટ અને જર્મનીની કંપની વચ્ચે થયેલા એમ.ઓ.યુ. વિશે પણ વાતચીત કરી હતી અને તેના પરિણામે સ્કિલ્ડ વર્ક ફોર્સનો લાભ મળતો થયો છે તેમ પણ ઉમેર્યું હતું. જર્મન કોન્સ્યુલ જનરલ યુત અચિમ ફેબિગે ગુજરાત સાથે રિન્યુએબલ એનર્જી, એન્જિનિયરિંગ, ઓટોમોબાઈલ તેમ જ ટુરિઝમ, સ્કીલ ડેવલપમેન્ટ જેવા સેક્ટર્સમાં સહયોગ માટેની ઉત્સુકતા દર્શાવી હતી. આ સંદર્ભમાં તેમણે એમ પણ કહ્યું કે, જી-20 સમિટમાં AI, હેલ્થ અને ફાર્મા સેક્ટર અંગે પરિણામદાયી ચર્ચા-વિમર્શ થયા બાદ હવે તેઓ રિન્યુએબલ એનર્જી સહિતના ઊભરતા સેક્ટર્સમાં આગળ વધવા ઈચ્છુક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત સાથે જર્મનીના અગ્રણી રાજ્યોના સિસ્ટર સ્ટેટ એગ્રીમેન્ટની સંભાવનાઓ ચકાસવા અને તે દિશામાં વિચાર પરામર્શ માટે જર્મનીના ડેલિગેશનને ગુજરાત મોકલવા આમંત્રણ આપ્યું હતું. મુખ્યમંત્રીએ જર્મન કોન્સ્યુલ જનરલને કચ્છી હસ્તકલા કારીગરીની કૃતિ સ્મૃતિ રૂપે ભેટ આપી હતી. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ એસ.જે.હૈદર, મુખ્યમંત્રીના સચિવ અવંતિકા સિંઘ તથા ઈન્ડેક્સ-બીના એમ.ડી. ગૌરાંગ મકવાણા આ સૌજન્ય મુલાકાતમાં જોડાયા હતા.

વર્લ્ડ હાઇપર ટેન્શન ડેઃ સાયલન્ટ કિલર છે ‘બ્લડ પ્રેશર’

નવી દિલ્હીઃ વિશ્વમાં હાઇપરટેન્શનના દર્દીઓ ઝડપથી વધી રહ્યા છે. હાઇપરટેન્શન એટલે કે હાઇ BP સાયલન્ટ કિલરની જેમ છે. હાઇ બ્લડ પ્રેશરને કારણે પ્રતિ વર્ષે લાખો લોકો હાર્ટ એટેક અને સ્ટ્રોકથી જીવ ગુમાવે છે. એટલે 17 મેએ લોકોને હાઇ BP વિશે જાગ્રત કરવામાં આવે છે અને વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ ઊજવવામાં આવે છે.

WHOના ડેટા કહે છે કે વિશ્વમાં હાઇબ્લડ પ્રેશરથી આશરે એક અબજથી વધુ લોકો પીડિત છે. હાઇ BPથી હાર્ટની બીમારી, સ્ટ્રોક અને કિડનીની બીમારીઓનું જોખમ વધી જાય છે.કેટલીય ખરાબ આદતો તમને હાઇપરટેન્શનના દર્દી બનાવી શકે છે.

વર્લ્ડ હાઇપરટેન્શન દિવસનો ઉદ્દેશ વિશ્વમાં મૃત્યુનું એક મુખ્ય કારણ હાઈ BP વિશે જાગરુકતા ફેલાવવાનો, ખાસ કરીને નીચી અને મધ્યમ આવકવાળાં વિસ્તારોમાં હાઇ BPમાં સટિકતા વધારવાનો, જનતાને હાઇ BP અને એની ગંભીર આરોગ્યની જટિલતાઓના મહત્ત્વ વિશે જણાવવાનું છે. વિશ્વભરમાં વયસ્કોમાં હાઇ BP 2019માં મહિલાઓમાં 32 ટકા અને પુરુષોમાં 34 ટકા હતું. વર્ષ 1990-2019ની વચ્ચે હાઇ BPથી પીડિત લોકોની સંખ્યા બે ગણી થઈ હતી, જે 65 કરોડથી 1.3 અબજ થઈ હતી.

WHOએ વર્ષ 2019માં અંદાજ લગાવ્યો હતો કે 30-79 વર્ષની વયના 38 ટકા વયસ્કોને હાઇ BP અસર કરે છે. એ લોકોની સંખ્યા 10.4 કરોડથી વધુ છે. આંશ્ચર્યની વાત એ છે કે એમાં અડધાથી વધુ એટલે કે 51 ટકા એ વાત અજાણ હતા કે તેમને હાઇ BP છે અને કુલ 60 ટકાથી વધુ લોકોને એની સારવાર નથી મળી રહી.

 

 

 

 

ચારધામ યાત્રા: ધસારો વધતા, યાત્રાળુઓ ધીમા પરિવહનથી પરેશાન

અમદાવાદ: ચારધામ યાત્રા તો બહુ કઠિન હોં ભાઈ… આ શબ્દો ગંગોત્રી, યમુનોત્રી, કેદારનાથ અને બદ્રીનાથ યાત્રા માટે વિચારતા, જતાં અને તૈયારીઓ કરતાં ગુજરાતી લોકોના પરિવારમાં ચોક્કસથી બોલાતા હશે. કારણ કે, ભૌગોલિક રીતે દુર્ગમ પહાડોની વચ્ચે આવેલાં મંદિરો એટલે ત્યાં પહોંચવું ખુબ જ કપરૂં. ત્યાં બીજી તરફ વાતાવરણની અનિશ્ચિતતા વચ્ચે આવેલા યાત્રાધામોની યાત્રા કરવી સામાન્ય વ્યક્તિ માટે ખરેખર મુશ્કેલ થઈ જાય છે. જો કે આ વર્ષે આ યાત્રા બીજા જ કારણોથી કઠિન થઈ ગઈ છે. પ્રશાસનની ધારણાં કરતાં વધારે યાત્રાળુઓ આવી પહોંચ્યા હોવાથી તેમની માટે સુવિધાઓ પૂરી પાડવામાં પ્રશાસન વામણું સાબિત થયું છે. પરિણામે યાત્રાળુઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ખરેખર આ વર્ષે યાત્રા કરવી કઠિન થઈ ગઈ છે.ઉનાળાનું વેકેશન, કાળઝાળ ગરમીની આ ઋતુમાં ગુજરાતમાંથી અસંખ્ય પ્રવાસીઓ, શ્રધાળુઓનો ઉત્તરાખંડ ચારધામ તરફ ધસારો દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. એકલા ગુજરાતમાંથી અસંખ્ય ટુર્સ અને ટ્રાવેલ્સ કંપનીઓ ચારધામનો પ્રવાસ કરાવી રહી છે. બીજી તરફ પોતાની રીતે ગૃપ બનાવી જતાં લોકો ખાનગી વાહનો કરીને એડવેન્ચરની મજા લેવા માટે પણ ચારધામ પહોંચી રહ્યા છે. હાલમાં એવી પરિસ્થિતિ છે કે ઉત્તરાખંડ સરકારે સમયાંતરે પ્રવાસીઓ માટે સૂચના અને સૂચનો જાહેર કરવા પડે છે. અમદાવાદથી ગૃપ સાથે ચારધામ યાત્રા કરવા નીકળેલા કાજલ રૂપારેલિયાએ ચિત્રલેખા.કોમ સાથે વાત કરે છે. તેમનું કહેવું છે કે, “ઉત્તરાખંડ સરકારે જાહેરાત કરી છે કે જે યાત્રીએ ચારધામ યાત્રા કરવાની હોય એમણે ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવીને જ આવવાનું રહેશે. અહીંયા યમુનોત્રી જવા માટે અસંખ્ય વાહનોની ભીડ લાગી છે. હાઇવે એકદમ જામ છે. અમને ચારે તરફ ગુજરાતના યાત્રાળુઓ જ જોવા મળી રહ્યા છે. સામેથી વીસ ગાડીઓ આવે ત્યારે બીજી તરફ ટોકન રજીસ્ટ્રેશન સાથેના દશ વાહનોને જવાની પરવાનગી આપવામાં આવી રહી છે. દુર્ગમ રસ્તાઓ અને પહાડો વચ્ચે યાત્રાળુઓના ભારે ધસારાથી કલાકોના કલાકો સુધી રાહ જોઇને બેસી રહેવું પડે છે.યમુનોત્રી તરફ જતાં માર્ગમાં કલાકોથી ફસાયેલા યાત્રી ધવલભાઇ ચિત્રલેખા.કોમને કહે છે જો ચારધામની યાત્રા કરવી હોય તો દરેક શ્રધાળુઓએ સમય લઇને જ આવવું. કારણ અહીં એક યાત્રા સ્થળની મુલાકાત લેતા પહેલાં 12 થી 15 કલાક સુધી હાઇવે પર બેસી રહી સમય પસાર કરવો પડે એવી સ્થિતિ સર્જાય છે. ઉત્તરાખંડ પોલીસના અધિકારીઓ, કર્મચારીઓ યાત્રાળુઓને સમજાવવા માર્ગદર્શન આપવા પ્રયાસ કરે છે. પરંતુ ખાસ કરીને ગુજરાતમાંથી યાત્રાળુઓનો અભુતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ઉત્તરાખંડ સરકાર અને સામાજિક સેવાકીય સંસ્થાઓ દ્વારા કેમ્પ ખોલી સુવિધાઓ આપવામાં આવી રહી છે. હાલ અહીં ગરમીનું પ્રમાણ પણ વધારે છે એ સાથે રજીસ્ટ્રેશન ટોકન અને વાહનોની કતારોની પરેશાની પણ ખરી. જેથી આયોજન અને લાંબા સમયની રાહ જોવાનો સમય હોય તો જ ચારધામની યાત્રા થાય.

તાજેતરમાં જ પ્રસિધ્ધ થયેલા આંકડા મુજબ 5 જ દિવસમાં અઢી લાખથી પણ વધારે લોકોએ ચારધામ યાત્રાના દર્શન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. બીજી તરફ રજીસ્ટ્રેશન વગરના યાત્રાળુઓને પરત મોકલવામાં આવી રહ્યા છે. વાહનો વધતાં અકસ્માતો પણ વધી રહ્યા છે. વાહનની બ્રેક ફેઇલ થતાં પલટી ખાઇ ગયેલા ટ્રેમ્પો ટ્રાવેલરમાં સવાર ગુજરાતના જ 8 જેટલાં યાત્રાળુઓને નાની મોટી ઇજાઓ થઇ હતી. જેમને સહી સલામત અમદાવાદ રવાના કરાયા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

ચારધામ યાત્રાને લઈ મહત્વનો નિર્ણય, VIP દર્શન પર લગાવાઈ રોક

ચારધામ યાત્ર શરૂ થઈ ચૂકી છે અને લગભગ 3 લાખની વધુ શ્રદ્ધાળુઓ કેદારનાથ ભગવાનના દર્શન કરી ચૂક્યા છે. ત્યારે ચારધામને લઈ મહત્વના સમાચાર મળી રહ્યા છે. ભક્તોના ઘોડાપુરને જોઈ ચારધામ યાત્રા ઉત્તરાખંડ સરકારે નિર્ણય કર્યો છે

ચારધામ યાત્રા પર ભીડ વધવાના કારણે ઉત્તરાખંડ સરકારે મોટો નિર્ણય લીધો છે. ઉત્તરાખંડ સરકારે 31મી મે સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મુકાયો છે. આ સાથે હરિદ્વાર અને ઋષિકેશમાં ઓફલાઈન રજીસ્ટ્રેશન 19મી મે સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચારધામ યાત્રા 10મી મેના રોજ શરૂ થઈ હતી.

મુખ્ય સચિવ રાધા રાતુરીએ 31મી મે સુધી VIP દર્શન પર પ્રતિબંધ મૂકતો પત્ર જાહેર કર્યો છે. આ ઉપરાંત સરકારે ચારધામના સરળતાથી દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓનું રજીસ્ટ્રેશન ફરજિયાત કરી દીધુ છે. હવે જે દિવસે રજીસ્ટ્રેશન થયું છે તે જ દિવસે દર્શન થશે. આ પહેલા 30મી એપ્રિલે રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર લખીને 25મી મે સુધી વીઆઈપી દર્શનની વ્યવસ્થા રોકવાનો આદેશ આપ્યો હતો.

ઉલ્લેખનીય છે કે ભક્તોની ભીડ અને પરિસ્થિતી જોઈને સરકારે કેટલાક નિર્ણય કરવા પડતા હોય છે આ અગાઉ પણ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટ અને પોલીસ અધિકારીઓને સૂચના આપી હતી કે, યાત્રા પર આવનારા ભક્તો મંદિરની 200 મીટરની ત્રિજ્યામાં વીડિયો બનાવી શકશે નહીં કે મોબાઈલનો ઉપયોગ પણ કરી શકશે નહીં. જો કોઈ મોબાઈલનો ઉપયોગ કરતું જોવા મળશે તો પોલીસ તેને રોકશે તેમજ તેની સામે કાર્યવાહી પણ થઈ શકે છે.