Home Blog Page 1825

સ્વાતિ માલીવાલના મેડિકલ રિપોર્ટમાં ચાર જગ્યાએ જખમની પુષ્ટિ

નવી દિલ્હીઃ સ્વાતિ માલીવાલની મેડિકલ રિપોર્ટ આવી ગઈ છે. દિલ્હી એમ્સની ટ્રોમા સેન્ટરમાં તેમનું મેડિકલ થયું હતું. MLCએ તેમની આંખ, ચહેરા અને પગમાં ઇજાનાં નિશાનની પુષ્ટિ કરી છે. તેમના જમણા પગમાં ઇજા થઈ છે. ડાબી આંખની નીચે પણ ઇજાનાં નિશાન મળ્યાં છે. માલીવાલના શરીરમાં ચાર જગ્યાએ ઇજાનાં નિશાન મળ્યાં છે. તે જ્યારે મેડિકલ કરાવવા માટે હોસ્પિટલ પહોંચ્યાં હતાં, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેમના માથામાં પણ ઇજા થઈ હતી.

સ્વાતિ માલીવાલે દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના ખાનગી PA બિભવકુમાર પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. દિલ્હીના CMના સત્તાવાર નિવાસસ્થાન પર મારપીટ કરવામાં આવી હતી. માલીવાલે દિલ્હી પોલીસમાં જે FIR નોંધાવી હતી, એમાં તેણે બિભવકુમાર પર તેમના પેટ, છાતી અને પેલ્વિસ એરિયામાં પગથી ઇજા પહોંચાડવાનો આરોપ લગાવ્યો હતો.આ દરમ્યાન દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલના નિવાસસ્થાનથી એક નવો વિડિયો બહાર આવ્યો છે, જેમાં સિક્યોરિટી ગાર્ડ માલીવાલનો હાથ પકડીને તેમને બહાર લઈ જતા દેખાઈ રહી છે. આ વિડિયો 13 મેનો બતાવવામાં આવી રહ્યો છે.

આ વિડિયોમાં જોઈ શકાય છે કે સ્વાતિ માલીવાલને મહિલા ગાર્ડ CM નિવાસની બહાર લઇને આવે છે. આ દરમિયાન તે મહિલા સિક્યોરિટી ગાર્ડનો હાથ ઝાટકતાં પણ દેખાય છે. વિડિયો જોતાં ફરી અનેક તર્કવિતર્ક થવા લાગ્યા છે.

સ્વાતિ માલીવાલે મુખ્ય મંત્રી કેજરીવાલના PA પર મારપીટ કરવાનો આરોપ લગાવ્યો છે. અગાઉ પણ આ ઘટના અંગેનો વિડિયો સામે આવ્યો હતો જેના બાદથી સ્વાતિ માલીવાલ સામે સવાલો ઊઠવા લાગ્યા હતા.

 

 

 

 

 

 

તારક મહેતા ફેમ ગૂમ અભિનેતા આખરે પહોંચ્યા ઘરે, 25 દિવસ સુધી ક્યાં હતા?

મુંબઈ: ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના સોઢી ઉર્ફે ગુરુચરણ સિંહ આખરે ઘરે પરત ફર્યા છે. તે 25 દિવસથી ગુમ હતા. તેના પિતાએ દિલ્હી પોલીસમાં ગુમ થવાની FIR પણ નોંધાવી હતી. ગુરુચરણ પોતે ઘણા દિવસો સુધી ગુમ થયા બાદ ઘરે પરત ફર્યા છે. પરત ફરતાં પોલીસે ગુરુચરણની પૂછપરછ કરી હતી. આ દરમિયાન અભિનેતાએ જણાવ્યું કે તે સાંસારિક જીવન છોડીને ધાર્મિક યાત્રા પર ઘર નિકળી ગયા હતા. આ દરમિયાન તેઓ અમૃતસર પછી લુધિયાણા અને અન્ય ઘણા શહેરોમાં ગુરુદ્વારામાં ઘણા દિવસો રોકાયા. પછી તેને સમજાયું કે તેને હવે ઘરે પાછા ફરવું જોઈએ. તેથી તે ઘરે પાછા પહોંચ્યા.

તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલના રોજ સામે આવ્યા હતા

નોંધનીય છે કે 22 એપ્રિલે ગુરુચરણ સિંહ મુંબઈ જવા માટે ઘરેથી નીકળ્યા હતા. પરંતુ તેના ગુમ થવાના સમાચાર 26 એપ્રિલે પ્રકાશમાં આવ્યા હતા. પિતાએ તેના પુત્ર અંગે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.પોલીસના જણાવ્યા અનુસાર ગુરુચરણ 24 એપ્રિલ સુધી દિલ્હીમાં હાજર હતા. આ પછી તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ ગયો હતો.એવું પણ જાણવા મળે છે કે તે જલ્દી જ લગ્ન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન તે આર્થિક સંકટમાંથી પણ પસાર થઈ રહ્યાં હતા.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણને લઈને ઘણી કડીઓ મળી. જ્યારે ગુરુચરણ 22 એપ્રિલે ઘરેથી મુંબઈ જવા નીકળ્યા ત્યારે તેઓ મુંબઈ પહોંચ્યા જ નહોતા. તેણે મુંબઈમાં તેને રિસીવ કરવા આવેલા વ્યક્તિને પણ ગેરમાર્ગે દોર્યો હતો. ત્યારબાદ ગુરુચરણે ATMમાંથી 14 હજાર રૂપિયા ઉપાડ્યા હોવાના પણ સમાચાર હતાં.

તપાસ દરમિયાન પોલીસને ગુરુચરણના દસથી વધુ નાણાકીય હિસાબો મળી આવ્યા હતા. એટલું જ નહીં તેની પાસે એકથી વધુ જીમેલ એકાઉન્ટ હોવાનું પણ જાણવા મળ્યું હતું. નજીકના લોકો અને ડિજિટલ તપાસ બાદ પોલીસને જે હકીકતો મળી તે પરથી જાણવા મળ્યું કે ગુરુચરણનો ધર્મ તરફનો ઝોક વધી રહ્યો હતો. તેણે એક ખાસ મિત્ર પાસે પહાડો પર જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. છેલ્લા સીસીટીવી ફૂટેજમાં તે ઈ-રિક્ષા પછી પગપાળા જતા જોવા મળ્યા હતા.

કોરાનાના 32 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 32 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,610 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,857 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 117 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 585 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

કેવા હોય આજ્ઞાપથના પથિક?

હમણાં એકાદ દિવસ પહેલાં ઈન્ટરનેશનલ ડે ઓફ ફેમિલી અર્થાત્ આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ગયો. એ જ દિવસે મારી પાસે એક હરિભક્ત આવ્યા. મને કહે, “સ્વામી, ગઈ કાલે હું ઑફિસથી થાક્યો પાક્યો રાતે 12 વાગ્યે ઘરે ગયો ત્યારે સૌ સૂઈ ગયેલા, પણ કોલેજમાં ભણતો દીકરો સોનૂ જાગતોતો. એ ટીવી પર ફિલ્મ જોઈ રહ્યો હતો. મેં એને એક ગ્લાસ પાણી લઈ આવવા કહ્યું તો એ કહે, પપ્પા, અત્યારે મારી મૂવીનો ક્લાઈમૅક્સ ચાલી રહ્યો છે. પ્લીઝ, તમે જાતે લઈ લોને હું કંઈ કહું તે પહેલાં એ ફરી કાનમાં હેડફોન લગાવી ટીવીમાં ઘૂસી ગયો. મારે શું કરવું?”

મેં એ હરિભક્તના ખભે હાથ મૂકી મારે એમને જે કહેવાનું હતું તે કહ્યું ને એમણે વિદાય લીધી, આજના આધુનિક રંગમાં રંગાયેલા યુવાનોનાં આવા વાગ્બાણ ઘણાં માવતરે ઝીલ્યાં હશેઃ

“તમે જાતે કરી લો.. મને ટાઈમ નથી. મને નહીં ફાવે…આ કામ મારું છે કે તમારું?”

આજના વડીલો આવા સંવાદ દરરોજ સાંભળે છે અને પ્રત્યુત્તરમાં બસ નિઃસાસો નાખે છે. મહાન આદર્શોથી દૂર આજની આ પેઢીને વચનપાલનનું મહત્વ કોણ સમજાવશે? કોણ કહેશે એમને કે આ એ ભારત ભૂમિ છે. જ્યાં પિતાના એક વચન માટે શ્રી રામચંદ્ર ભગવાને 14 વર્ષનો વનવાસ સ્વીકારી લીધો. આ એ ભારતભૂમિ છે. જ્યાં પિતા ઉદ્દાલકના એક વચને બાળક નચિકેતા યમસદન જવા તૈયાર થઈ ગયો. વળી એકલવ્યે તો ધનુર્વિદ્યાના પ્રાણસમો જમણો અંગૂઠો જ ગુરુવચનની વેદીમાં હોમી દીધો. શું આ લોકોને મનગમતા વિષયો કે પ્રવૃત્તિમાં રોકાઈને આનંદ-મોજ નહીં માણવી હોય?

નિસંદેહ, કોઈના વચનના આધારે પોતાની મનગમતી વસ્તુ કે પ્રવૃત્તિ છોડવી એ અગ્નિપથ પર ચાલવા જેવું કઠણ છે. પરંતુ કહેવાયું છેને કે ઈફ યુ વોન્ટ ટુ ફલાય ઈન ધી સ્કાય, યુ હેવ ટુ લીવ ધી અર્થ ઊંચાઈ પર પહોંચવું હોય તો પછી નીચી વસ્તુનો ત્યાગ અનિવાર્ય છે.

 

આજ્ઞાના અગ્નિપથ પર ચાલવું કંઈ ચીઝ પિઝાની સ્લાઈસ મોંમાં મૂકવા જેવું સહેલું નથી. આ તો ફૂલોની બિછાવેલી પથારી છોડીને આજ્ઞાપથના ધગધગતા અંગારા પર ચાલવાની જેની તૈયારી હોય, કોઈ મહાન બાબત માટે પોતાના ક્ષુલ્લક સ્વાર્થોને હોમવાની તત્પરતા હોય, તો જ તેની ઈતિહાસમાં નોંધ લેવાય છે, કેમ કે જ્યારે હૈયું વિપ્લવની અવસ્થામાં હોય, મન માનતું ન હોય, આંખોમાં સુરક્ષિત ભવિષ્યના સપનાં સળવળતાં હોય ત્યારે વડીલ, ગુરુ કે ઇષ્ટદેવની આજ્ઞામાં ગભરુ પારેવાંની જેમ ઝંપલાવવું એ આ અગ્નિપથિકોની વિશેષતા છે.

આજથી આશરે 110 વર્ષ પહેલાં સારંગપુરમાં સ્વામિનારાયણ મંદિરનું બાંધકામ ચાલતું હતું. એક વાર સાત દોરડે બાંધેલો દોઢસો મણનો પથ્થર મંદિરના ઘુમ્મટ તરડી રહેલો. અચાનક દોરડાં તૂટ્યાં ને તડાતડ પથ્થર માત્ર એક જ દોરડાના આધારે ૪૦ ફૂટ જેટલી ઊંચાઈ પર લટકી રહ્યો હતો. બી.એ.પી.એસ.ના તત્કાલીન ગુરુ શાસ્ત્રીજી મહારાજને સમાચાર આપવામાં આવ્યા. તેઓ તરત આવી પહોંચ્યા. પળવારમાં પરિસ્થિતિ પામી એમણે ત્યાં ઊભેલા સોમા ભગત નામના પાર્ષદને આજ્ઞા કરી: “ભગત, પથ્થર પર ચડીને દોરડાં બાંધી દો.”

મોત સાથેની રમત રમવા જેવું આ કામ હતું. કુરબાનીનો કસબ બતાવતા હોય તેમ સોમા ભગત મંદિર પર ચડયા અને કૂદ્યા સીધા પથ્થર પર. જોનારાના શ્વાસ થંભી ગયા, નીચે કંપી પરના પથ્થરને દોરડાં ખેંચીને પકડી રાખનારા 20 ભક્તોને જોરથી આંચકો લાગ્યો. શું આ છેલ્લું એક દોરડું પણ તૂટ્યું? પરંતુ સોમા ભગતે ગુરુની આજ્ઞાના બળથી છએ દોરડાં યોગ્ય રીતે બાંધ્યાં અને સડસડાટ નીચે ઊતરી ગયા. ઊંચો અભય હસ્ત કરી ઊભેલા ગુરુ શાસ્ત્રીજી મહારાજ અને આજ્ઞાપથના આ પથિકને સૌ વંદી રહ્યા.

આપણે આ અગ્નિપથિકોની હિમ્મતમાંથી પણ શીખવા જેવું નથી લાગતું?

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

૧૮ મે, ૨૦૨૪

ફરાહ ખાનની ‘મૈં હૂં ના’ માં અનેક કલાકારો બદલાયા

નિર્દેશિકા ફરાહ ખાન માટે ફિલ્મ ‘મૈં હૂં ના’ (૨૦૦૪) ના કલાકારો પસંદ કરવાનું કામ શાહરૂખ ખાન-સુષ્મિતા સેન સિવાય મુશ્કેલ રહ્યું હતું. શાહરૂખ ખાને તરત જ સંમતિ આપી દીધી હતી. હીરોઈન તરીકે સુષ્મિતાને લેવાનો વાયદો અગાઉથી જ ફરાહે કર્યો હતો. મુખ્ય જોડી પસંદ થઈ ગયા પછી બીજી જોડી પસંદ કરવામાં ઘણી મુશ્કેલી પડી હતી. બીજા હીરો ઝાયેદ ખાનની ‘લક્ષ્મણપ્રસાદ શર્મા’ ની ભૂમિકા માટે ઘણા હીરોએ ના પાડી દીધી હતી. સૌથી પહેલાં રિતિક રોશન સાઇન કરવામાં આવ્યો હતો. પરંતુ ફિલ્મ શરૂ થાય એ પહેલાં તેની ‘કહો ના પ્યાર હૈ’ (૨૦૦૦) રજૂ થઈ ગઈ હતી અને એ સ્ટાર બની ગયો હતો એટલે ના પાડી દીધી હતી.

એ પછી અભિષેક બચ્ચનનો સંપર્ક કર્યો હતો. એની સાથે મેળ પડ્યો નહીં. એ ઉપરાંત સોહેલ ખાન વગેરે અનેક સાથે વાત થઈ હતી. પણ શુટિંગને એક મહિનો બાકી રહ્યો ત્યાં સુધી કોઈ હીરો તૈયાર થયો ન હતો. ત્યારે ઝાયેદ ખાન માટે વિચાર કર્યો. એની સંગીત સિવાન નિર્દેશિત ફિલ્મ ‘ચુરા લિયા હૈ તુમને’ (૨૦૦૩) રજૂ થઈ ગઈ હતી. એણે પોતાની ફિલ્મના કેટલાક ફૂટેજ જોવા ફરાહને બોલાવી હતી. ફરાહને એના દ્રશ્યો ગમ્યા નહીં. એનું કામ જોઈને ખાસ પ્રભાવિત થઈ નહીં. પણ એનું હાસ્ય અને બીજી એક-બે વાતો ગમી ગઈ હતી. અને એને ભૂમિકા સોંપી દીધી હતી. બીજી હીરોઈન (સંજના) ની ભૂમિકામાં અમૃતા રાવ પહેલાં ઘણી હીરોઈનો બદલાઈ હતી. સૌથી પહેલાં આયેશા ટાકિયાને સાઇન કરી હતી. ત્યારે એ ‘સોચા ના થા’ (૨૦૦૫) માં કામ કરતી હતી.

ફરાહ આયેશાને કોસ્ચ્યુમ પહેરાવીને જોવા માગતી હતી. નિર્દેશક ઇમ્તિયાઝ અલીએ છેલ્લું એક ગીતનું ચાર-પાંચ દિવસનું શુટિંગ બાકી છે એ પતાવીને છોડશે એમ કહી યુનિટ સાથે આયેશાને હિમાચલપ્રદેશ લઈ ગયા હતા. આયેશા પાંચ દિવસનું કહીને ગઈ હતી પણ પાંચ અઠવાડિયા સુધી પાછી ના આવી. પરિસ્થિતિ એવી હતી કે ‘ચલે જૈસે હવાએ’ ગીતનું રિહર્સલ કરવાનું હતું. કેમકે એક જ વખતમાં એનું શુટિંગ પૂરું કરવાનું આયોજન કર્યું હતું. આખું યુનિટ દાર્જીલિંગ જવા તૈયાર થઈ રહ્યું હતું. ફરાહે આયેશાને છોડીને બીજી છોકરીઓનો સ્ક્રિન ટેસ્ટ લેવાનું શરૂ કરી દીધું અને એક જાહેરાતમાં અમૃતાને જોઈ હોવાથી એને બોલાવી હતી. એ યોગ્ય લાગતાં સાઇન કરી લીધી હતી. ‘રાઘવન દત્તા’ ની ભૂમિકા પણ અનેક પાસે જઈને છેલ્લે સુનીલ શેટ્ટી પાસે પહોંચી હતી.

ફરાહે પહેલાં નસીરુદ્દીન શાહને કહ્યું હતું. એમણે ના પાડ્યા પછી કમલ હસનનો સંપર્ક કર્યો હતો. શાહરૂખે એવો વિશ્વાસ અપાવ્યો હતો કે એમણે ‘હે રામ’ માં સાથે કામ કર્યું હોવાથી એ ના પાડશે નહીં. એમણે એક દિવસ પછી ના પાડી દીધી. જ્યારે નાના પાટેકારનો સંપર્ક કર્યો ત્યારે એમણે ભૂમિકામાં રસ લીધો હતો. એમાં કેટલાક સુધારા પણ કરાવ્યા હતા. ફરાહને એ યોગ્ય લાગતા ફેરફાર કર્યો હતો. એક અઠવાડિયા પછી નાનાએ ના પાડી દીધી હતી. ફરાહ કોઈ મોટા કલાકારને જ લેવા માગતી હતી.

છેલ્લે સુનીલનો સંપર્ક કર્યો અને એ ભૂમિકા મજબૂત હોવાથી તરત હા પાડી દીધી હતી. ફરાહે ‘મૈં હૂં ના’ ના કલાકારોની પસંદગી વિશેની મુકેશ છાબડા સાથેની એક મુલાકાતમાં રાખી સાવંતની ‘મીની’ ની ભૂમિકાનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને કહ્યું હતું કે એ બુરખો પહેરીને સ્કિન ટેસ્ટ માટે આવી હતી. જ્યારે એણે બુરખો હટાવ્યો ત્યારે એ બિકિનીમાં દેખાઈ હતી! શાહરૂખની ફિલ્મમાં કામ કરવાની ઈચ્છા હોવાથી એણે હા પાડી દીધી હતી. ફિલ્મમાં અંગપ્રદર્શન કરવા માંગતી હોવાનું રાખીએ કહ્યું હતું પણ ફરાહે સંપૂર્ણ ઢંકાયેલી જ રજૂ કરી હતી.

રાશિ ભવિષ્ય 18/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સારો અને સરળ છે, જુનાઅટકેલા કામને વેગ આપવા માટેકે સુધારવામાટેની તક મળી શકે છે ,યાત્રા દરમિયાન પણ તમારામાં ઉત્સાહ ઉમંગ જોવા મળી શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર માટે નવી જાણકારી પ્રાપ્ત થઇ શકે છે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજે થોડીધીરજ અને સાવચેતી રાખવી રાખવી જરૂરી બને છે , અર્થવગરની વાર્તાલાપથી દુર રહેવું યોગ્ય છે કામકાજ દરમ્યાન અન્ય સાથે ઉશ્કેરાટના આવે તેનું ધ્યાન રાખવું, વધુવિચારોને કારણે થાકની લાગણી અનુભવો. તમારું મન કામમાં પરોવાય તેની તકેદારી રાખવી, વેપારમા જોખમવાળા કામથી દુર રહેવુ.


આજે તમારું મન થોડી મસ્તીના મૂડ હોય અને ગમ્મત કરવાનું વધુ સુઝે. મનમા રહેલી કોઈવાત ક્યાંક પુરી થઈ શકે તેવા એંધાણ પણ જોવા મળી શકે છે મિત્રોનો સાથસહકાર સારો જોવા મળી શકે છે, નોકરી કે વ્યવસાયમાં ફેરબદલી અંગે પ્રયત્ન કરવાથી પણ લાભ થઈ શકે છે. કોઈક સારો અનુભવ પણ થાય.


આજે થોડી સાવચેતી રખાવી જરૂરી છે તમારામાં થોડા નકારાત્મકવિચારો વધુ આવે અને તેની પ્રતિકુળતા તમારા કામ અને વર્તન પર પણ પડી શકે છે, કોઈ અગત્યના કામકાજમાં ધીરજ અને સલાહસુચન ને ધ્યાનમાં રાખી આગળ વધવું જરૂરી છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સારું.


આજનો દિવસ તમાર માટે સારી આશા દેખાડે અને ઉત્સાહ વધારે તેવો છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર વર્ગને કોઈ નવીનજાણકારી કે શીખવાની તક મળે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય તેવું બની શકે છે, આજે તમે કોઈના કામકાજમાં મદદગાર પણ બની શકો છે. ઉત્સાહદાયક દિવસ કહી શકાય.


આજનો દિવસ સામાન્ય છે, તમે તમારા કામકાજમાં વ્યસ્ત રહો અને થોડા ઉત્સાહી પણ રહો, મિત્રોથી લાભ ની વાત સંભાળવાની તક મળે, તમારા વાણી અને વિચારોથી આજે તમે કોઈને પ્રભાવિત પણ કરી શકો છે, નજીકના પરિચિત જોડે કોઈ સામાજિકકે ધાર્મિક બાબતમાં સારું યોગદાન પણ આપોતે વું બની શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, રાબેતા મુજબ દિવસ પસાર થાય, કોઈ જગ્યાએ કોઈપણ કામકાજ અર્થે મુસાફરી થાય તેવા યોગ પણ છે, મિત્રો અને ભાઈ-બહેન સાથે તમારી વાર્તાલાપનો પ્રભાવ અને સારું માન જળવાય તેવા સંજોગો પણ બની શકે છે. તમને કોઈનું કામ કરવાનો સંતોષ પણ જોવા મળે.


આજે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી છે, કોઈને કોઈ વાતનો ઉદ્વેગ અને કોઈ વાતનો ડર તમને સતાવે. આજે તમેને કોઈની પણ વાત સાંભળવીના ગમે અને તમે થોડી શાંતિની અપેક્ષા રાખો, વધુ પડતા વિચારો અને લાગણીને કારણે કામ અને વર્તનપર અસર જોવા મળે, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું સારું.


આજનો દિવસ ઉત્સાહપૂર્વક પસાર થાય,તમારી લાગણી અને વિચારો લોકો સારી રીતે સમજી શકે, ક્યારેક કોઈએ તમારી લાગણી દુભાવી હોય તેવા લોકો તરફથી પણ આજે સહાનુભુતિવાળું વર્તન પણ જોવા મળી શકે છે. તમારા લાભની વાત ક્યાંક રજુ કરવાથી પણ તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, જુનાપરિચિત સાથે મિલનમુલાકાત થઈ શકે છે અને તેમાં તમને સારી વાત સંભાળવા મળી શકે છે. ખટપટી લોકોની વાતચીતમાં આવીના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે તેમજ ક્યાય ગેરસમજ જેવુંના થાય તેનું ધ્યાન પણ રાખવું યોગ્ય કહી શકાય. આજે ધીરજ રાખવી સારી.


આજના દિવસ દરમિયાન તમને અન્ય લોકો તરફથી સાથ અને સહકાર સારો જોવા મળી શકે છે. લોકો વચ્ચે તમારો આત્મવિશ્વાસ અને કામ પરનું પ્રભુત્વ સારું જોવા મળે. કોઈ અગત્યના કામ કરવાના હોયતો તેમાં પણ તમને સારી સૂઝ આજના દિવસે જોવા મળી શકે છે, વિવાહયોગ્ય વાર્તાલાપ કરવી સારી.


આજે દિવસભર શાંતિ અને તકેદારી રાખવી અગત્યની છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું, વાતચીત દરમ્યાન કોઈની વાતથી દોરવાઈને ખોટો નિર્ણયના લેવાય તેનું પણ ધ્યાન રાખવું, આજે તમને ધીરજનો અભાવ જણાય માટે કામકાજ સિવાય અન્ય વિચારકે ખોટા વાર્તાલાપના કરવા જરૂરી છે.

પંચાંગ 18/05/2024

આલિયા, કોહલીથી લઈને SRKના બહિષ્કારની માંગ, શું છે બ્લોકઆઉટ 2024 અભિયાન ?

મુંબઈ: ન્યૂયોર્કમાં આયોજિત ‘મેટ ગાલા 2024’ ઈવેન્ટની ખૂબ ચર્ચા થઈ હતી. આ એ જ ઈવેન્ટ છે જેના પર આખી દુનિયાની નજર ટકેલી હોય છે. એ દુનિયા જ્યાં સેલેબ્સ વિચિત્ર વેશ ધારણ કરીને પ્રદર્શન કરે છે. કોઈ મુલતાની માટી લપેટીને ડ્રેસ બનાવે છે, તો કોઈ તેને ટુવાલમાં લપેટીને રેડ કાર્પેટ પર પોઝ આપે છે. અહીં દર વર્ષે આવું થાય છે અને તે ખૂબ જ સામાન્ય બની ગયું છે. આ ઇવેન્ટમાંથી મળેલી આવકનો ઉપયોગ મેટ્રોપોલિટન મ્યુઝિયમ ઑફ આર્ટની કોસ્ચ્યુમ ઇન્સ્ટિટ્યૂટને ભંડોળ આપવા માટે કરવામાં આવે છે. બીજી વખત આલિયા ભટ્ટે આ કાર્યક્રમમાં ભાગ લઈને દેશનું ગૌરવ વધાર્યું છે. પરંતુ હવે 8 દિવસ પછી અભિનેત્રીને લઈને બ્લોકઆઉટના અહેવાલો આવ્યા છે. જે હમણાં ખુબ જ ટ્રેન્ડિંગમાં છે. આ બ્લોકઆઉટ 2024 ઝુંબેશ શું છે? આ અંતર્ગત સેલેબ્સના ફોલોઅર્સ કેમ ઘટી રહ્યા છે? યુઝર્સની માંગ શું છે અને શા માટે તેને મેટ ગાલા સાથે જોડવામાં આવી રહ્યું છે? તે જાણીએ.

મેટ ગાલા 2024માં આલિયા ભટ્ટ ઉપરાંત ઝેન્ડાયા, જેનિફર લોપેઝ અને કિમ કાર્દાશિયન સહિત ઘણી મોટી હસ્તીઓએ હાજરી આપી હતી.પરંતુ પેલેસ્ટાઈન તરફી વિરોધીઓની એ જ ઘટના સામે ધરપકડ કરવામાં આવી ત્યારે અરાજકતા ફાટી નીકળી. થયું એવું કે તેઓએ મેટ ગાલાની બહાર રેલી કાઢી અને ગાઝામાં ઈઝરાયેલની કાર્યવાહીનો વિરોધ ચાલુ રાખ્યો. આ દરમિયાન પોલીસે આ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી. અહીંથી વિવાદ એટલો વધી ગયો કે તે બ્લોકઆઉટ સુધી પહોંચી ગયો.

આ રીતે બ્લોકઆઉટનો ટ્રેન્ડ શરૂ થયો
દરેક વ્યક્તિ ગાઝા યુદ્ધથી વાકેફ છે. આ વિવાદને કારણે કેટલાક લોકો મેટ ગાલાની બહાર એકઠા થયા હતા. તેઓએ “નો મેટ ગાલા વ્હેન બોમ્બ ડ્રોપ ઇન ગાઝા” અને “મુક્તિ વિના ઉજવણી નહીં” જેવા સૂત્રોચ્ચાર કર્યા. જ્યારે હંગામો વધવા લાગ્યો ત્યારે પોલીસે રેલી કાઢનારાઓને પકડી લીધા. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર બ્લોકઆઉટનો ટ્રેન્ડ શરૂ થયો હતો.

આખરે આ બ્લોકઆઉટ ઝુંબેશ શું છે?
શું છે બ્લોકઆઉટ 2024 ઝુંબેશ: બ્લોકઆઉટ એ ડિજિટલ બહિષ્કાર ચળવળ છે જ્યાં વિશ્વભરના સોશિયલ મીડિયા યુઝર્સ એક ઝુંબેશ ચલાવી રહ્યા છે. અહીં યુઝર્સ એ સેલિબ્રિટીઝને બ્લોક કરી રહ્યા છે જેમણે ઈઝરાયેલ-ગાઝા યુદ્ધ પર કોઈ પ્રતિક્રિયા આપી ન હતી. સેલેબ્સના મૌનથી નારાજ યુઝર્સે તેમને બ્લોક કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે મોટા સ્ટાર્સના સોશિયલ મીડિયા પર ફોલોઅર્સ પણ ઘટવા લાગ્યા છે. યુઝર્સ આવા અભિયાનો દ્વારા A-લિસ્ટ સ્ટાર્સ પર દબાણ લાવવા માંગે છે. જે ગંભીર વિષયો પર પણ મૌન છે. આમાં હોલીવુડના કેટલાક કલાકારો અને સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો સમાવેશ થાય છે.

આલિયા ભટ્ટ પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો
બ્લોકઆઉટ મૂવમેન્ટ 2024ની યાદીમાં આલિયા ભટ્ટથી લઈને પ્રિયંકા ચોપરાના નામ પણ સામેલ છે, જેમણે ગાઝા યુદ્ધ પર મૌન જાળવી રાખ્યું છે. યુઝર્સે આરોપ લગાવ્યો કે આલિયાએ મેટ ગાલામાં ભાગ લીધો હતો અને આ ઈવેન્ટની બહાર ખૂબ હંગામો થયો હતો પરંતુ તેણે એક શબ્દ પણ બોલ્યો નહોતો.

આ સ્ટાર્સના નામ પણ છે સામેલ
બ્લોક લિસ્ટમાં વિરાટ કોહલી, શાહરુખ ખાન, પ્રિયંકા, કિમ કાર્દાશિયન, ટેલર સ્વિફ્ટ, બેયોન્સ, કાઈલી જેનર, ઝેન્ડાયા, માઈલી સાયરસ, સેલેના ગોમેઝ, એરિયાના ગ્રાન્ડે, ડેમી લોવાટો, કેન્યે વેસ્ટ, કેટી પેરી, ઝેક એફ્રોન, નિક સહિતના તમામ સ્ટાર્સનો સમાવેશ થાય છે. જોનાસનો સમાવેશ થાય છે.

Cannes 2024: ફ્રેક્ચર હોવા છતાં ઐશ્વર્યા રાયની રેડ કાર્પેટ પર જોરદાર એન્ટ્રી

મુંબઈ: વિશ્વ વિખ્યાત અને સૌથી સુંદર અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને 77માં વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જલવો બતાવ્યો હતો. અભિનેત્રીના કાન્સ 2024ના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા છે. ઐશ્વર્યા રાયે રેડ કાર્પેટ પર ગ્રાન્ડ એન્ટ્રી કરતા જ બધાની નજર તેના લુક પર અટકી પડી હતી. એક હાથમાં ફ્રેક્ચર હોવા છતાં ઐશ્વર્યા રાય બચ્ચન રેડ કાર્પેટ પર સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે જોવા મળી હતી.

ઐશ્વર્યા રાય બચ્ચને કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના રેડ કાર્પેટ પર મોનોક્રોમેટિક લુક પસંદ કર્યો હતો. તેણીએ સફેદ શ્રગ સાથે બ્લેક મોનોક્રોમેટિક ડ્રેસની જોડી બનાવી છે. તેના ડ્રેસ પર ગોલ્ડન એમ્બિલિશમેન્ટ દેખાય છે. ડ્રેસની પાછળની બાજુએ લાંબી ટ્રાયલ છે. ઐશ્વર્યા રાય બચ્ચને લાઈટ મેકઅપ સાથે બહુ ઓછી એક્સેસરીઝથી લુક પૂર્ણ કર્યો હતો. મોટા સોનેરી રંગના પેચ તેના ડ્રેસની સુંદરતામાં વધારો કરી રહ્યાં છે.

ઐશ્વર્યા તેની પુત્રી સાથે એરપોર્ટ પર જોવા મળી હતી
ઐશ્વર્યા રાય બચ્ચન બુધવારે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા માટે નીકળી હતી. તે મુંબઈ એરપોર્ટ પર પુત્રી આરાધ્યા બચ્ચન સાથે જોવા મળી હતી. એક હાથમાં ફ્રેક્ચર હોવાથી પુત્રી આરાધ્યા તેને સપોર્ટ કરતી જોવા મળી હતી. ઐશ્વર્યા રાય બચ્ચને 2002માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કર્યું હતું. પ્રથમ વખત તેણી એક સુંદર સાડી પહેરેલી જોવા મળી હતી અને તેણીએ ઇવેન્ટમાં આખી લાઇમલાઇટ પકડી હતી.

તે 22 વર્ષથી કાન્સના રેડ કાર્પેટ પર ચમકી રહી છે
છેલ્લા 22 વર્ષથી ઐશ્વર્યા રાય બચ્ચન સતત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલનો ભાગ બની રહી છે અને દરેક વખતે તે પોતાના અલગ-અલગ લુક્સથી ચાહકોને પ્રભાવિત કરે છે. અહીં નોંધવું રહ્યું કે ફ્રાન્સના ફ્રેન્ચ રિવેરા ખાતે 14 મેથી 77મો વાર્ષિક કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ શરૂ થયો છે. આ કાર્યક્રમ 25મી મે સુધી ચાલશે.

ઐશ્વર્યા રાય બચ્ચનનું વર્ક ફ્રન્ટ
વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, ઐશ્વર્યા રાય બચ્ચન છેલ્લે ફિલ્મ ‘પોનીયિન સેલ્વન 2’માં જોવા મળી હતી, જેમાં તેણે ચિયાન વિક્રમ અને જયમ રવિ જેવા સ્ટાર્સ સાથે કામ કર્યું હતું. આ એક પીરિયડ ડ્રામા ફિલ્મ હતી, જેમાં ઐશ્વર્યા રાય બચ્ચનની જોરદાર એક્ટિંગની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.’પોનીયિન સેલ્વન 2’નું નિર્દેશન મણિરત્નમે કર્યું હતું. હવે ચાહકો તેની નવી ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.