Home Blog Page 1828

દિગ્ગજ ઇક્વિટી કંપનીઓ વચ્ચે હલ્દીરામને ખરીદવા વેપારયુદ્ધ

નવી દિલ્હીઃ ફૂડ અને સ્નેક્સ હલ્દીરામની માલિકી માટે જબરદસ્ત વેપારયુદ્ધ છેડાયો છે. એક તરફ બ્લેકસ્ટોનની આગેવાનીવાળું કોન્સોર્શિયમ હલ્દીરામમાં હિસ્સો ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી બાજુ સિંગાપોરની ટેમાસેકની સાથે મળીને બેન કેપિટલ એને હાથથી જવા દેવા નથી માગતી. જો હલ્દીરામ સ્નેક્સ ફૂડ પ્રાઇવેટ લિ.નો આ સોદો થશે તો એ ભારતમાં પ્રાઇવેટ ઇક્વિટી કંપનીઓ તરફથી કરવામાં આવનારું સૌથી મોટું હસ્તાંતરણ થશે.

બેન (Bain) અને ટેમાસેકે ગયા સપ્તાહે નોન-બાઇડિંગ ઓફર રજૂ કરી હતી. એ માટે હલ્દીરામની વેલ્યુ 8-85 અબજ ડોલર લગાવવામાં આવી હતી.આનાથી ભારતીય સ્નેક્સ બજારમાં હલ્દીરામની મજબૂત સ્થિતિ માલૂમ પડે છે. પ્રારંભમાં બંને ઇક્વિટી કંપનીઓએ હલ્દીરામના સંસ્થાપક પરિવારથી અલગ-અલગ વાત કરી હતી. બ્લેકસ્ટોન અબુધાબી ઇન્વેસ્ટમેન્ટ ઓથોરિટી (ADIA) અને સિંગાપુંરની સોવેરિન વેલ્થ ફંડ GICની સાથે મળીને હલ્દીરામમાં 76 ટકા હિસ્સો હાંસલ કરવા ઇચ્છે છે.

છેલ્લા કેટલાક મહિનાઓથી બેનની અગ્રવાલ ફેમિલીની સાથે વાતચીત ચાલી રહી છે. પ્રારંભમાં લઘુમતી હિસ્સા માટે વાતચીત ચાલી રહી હતી. હવે અગ્રવાલ ફેમિલી હલ્દીરામમાં નિયંત્રણ યોગ્ય હિસ્સો વેચવા ઇચ્છે છે. કંપનીએ એક રિસ્ટ્રક્ચરિંગ પ્લાન તૈયાર કર્યો છે. આ પ્લાનમાં સ્નેક્સ બિઝનેસને મર્જ કરવાની યોજના છે. અગ્રવાલ ફેમિલી આ બિઝનેસ પોતાની પાસે રાખવા ઇચ્છે છે.

મર્જરની યોજનાને NCLTની મંજૂરી

નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT)એ વિલીનીકરણની યોજનાને મંજૂરી આપી દીધી છે. આગામી કેટલાક મહિનાઓમાં મર્જરની યોજનાને ઓપ આપવામાં આવશે. આ સાથે CCI (કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા) પણ મર્જરની યોજનાને મંજૂરી આપી દીધી છે.

 

 

 

 

 

 

SBIએ ફિક્સ ડિપોઝિટ પર વ્યાજદરમાં કર્યો વધારો

દેશની સૌથી મોટી સરકારી બેન્ક SBIના ફિક્સ ડિપોઝીટના ગ્રાહકો માટે આનંદના સમાચાર મળી રહ્યા છે. SBI એ ફિક્સ ડિપોઝીટના નિયમોને લઈ બદલાવ કર્યા છે. બેન્કે ફિક્સ ડિપોઝીટ પરના વ્યાજમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.

SBI એ અલગ- અલગ ફિક્સ ડિપોઝીટના વ્યાજ પણ જાહેર કર્યા છે. જેમાં 46 દિવસથી 179 દિવસની FD પરનું વ્યાજદર 4.75%થી વધારીને 5.50% કર્યું છે, જ્યારે 180 દિવસથી 210 દિવસની FD પર હવે 5.75%ને બદલે 6.00% વ્યાજ દર મળશે. એવી જ રીતે 211 દિવસથી 1 વર્ષથી ઓછા સમયગાળાની પાકતી મુદતની FD પર હવે 6.00%ને બદલે 6.25% વ્યાજ મળશે. બાકીના સમયગાળા માટે વ્યાજદરમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ વ્યાજદર 15 મેથી લાગુ થઈ ગયા છે. આ વ્યાજદર 2 કરોડથી ઓછીની FD માટે છે.

ઉલ્લેખનીય છે કે FDમાંથી મળતું વ્યાજ સંપૂર્ણપણે ટેક્સેબલ હોય છે. તમે એક વર્ષમાં FD પર જે પણ વ્યાજ મેળવો છો એ તમારી વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે. કુલ આવકના આધારે તમારો ટેક્સ સ્લેબ નક્કી થાય છે. જોકે FD પર મેળવેલા વ્યાજની આવક “ઇન્કમ ફ્રોમ અધર સોર્સિસ” ગણવામાં આવે છે, એટલે એને ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ અથવા TDS હેઠળ વસૂલવામાં આવે છે. જ્યારે તમારી બેંક તમારા વ્યાજની આવક તમારા ખાતામાં જમા કરે છે ત્યારે એ જ સમયે TDS કાપવામાં આવે છે.

જાણો આ વર્ષે દેશમાં ક્યારે બેસશે ચોમાસું

નવી દિલ્હી: દેશમાં અત્યારે એક તરફ કેટલાક રાજ્યોમાં કાળઝાળ ગરમી પડી રહ્યી છે તો કેટલાંક રાજ્યોના વાતાવરણમાં પલટો આવતા કમોસમી વરસાદ પડી રહ્યો છે. ત્યારે આ બધા વચ્ચે હવામાન વિભાગે બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેની આસપાસ કેરળમાં પહોંચવાની શક્યતા છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં લગભગ 7 દિવસના આગળ-પાછળના વિરામ સાથે પ્રવેશે છે. આ પછી તે સામાન્ય રીતે ઉત્તર ભારત તરફ ઝડપથી આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશમાં પહોંચી જાય છે. ગુજરાતમાં 19થી 30 જૂન સુધી ચોમાસું બેસે તેવી આશા છે.હવામાન વિભાગના અંદાજ મુજબ, આ વર્ષનું દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 4 દિવસના આગળ-પાછળના માર્જિન સાથે 31 મેની આસપાસ કેરળ પહોંચવાની સંભાવના છે. IMDએ ગયા મહિને, દક્ષિણ-પશ્ચિમમાં જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલનારા ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિનાઓ માનવામાં આવે છે કારણ કે ખરીફ પાકની મોટાભાગની વાવણી આ સમયગાળા દરમિયાન થાય છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચોમાસું અંદામાન સમુદ્ર અને બંગાળની ખાડીમાં આવેલા ટાપુ જૂથોમાં બે દિવસ પહેલાં એટલે કે 19 મેના રોજ પહોંચવાની સંભાવના છે, જ્યારે ત્યાં પહોંચવાની સામાન્ય તારીખ 21 મે છે. ગયા વર્ષે પણ અંદામાન અને નિકોબાર ટાપુઓમાં ચોમાસું 19 મેના રોજ આવ્યુ હતું, પરંતુ 8 જૂને કેરળમાં 9 દિવસ મોડું પહોંચ્યું હતું.

નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ 2024માં જીત્યો ગોલ્ડ

નીરજ ચોપરાએ એથ્લેટિક્સ ફેડરેશન કપ 2024માં ભાલા ફેંકની ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ભારતનો ધ્વજ લહેરાવ્યો છે. 3 વર્ષમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે નીરજ ઘરેલુ ઈવેન્ટમાં ભાગ લઈ રહ્યો હતો. ભુવનેશ્વરમાં યોજાયેલી આ ઈવેન્ટમાં નીરજ ચોપરાનો સર્વશ્રેષ્ઠ થ્રો 82.27 મીટર હતો. આના થોડા દિવસ પહેલા જ તેણે દોહા ડાયમંડ લીગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ત્યાં તેણે 88.36 મીટરની ઝડપે બરછી ફેંકીને ઓલિમ્પિક માટેની તૈયારીઓમાં સુધારો કર્યો. ફેડરેશન કપની વાત કરીએ તો નીરજે ડીપી મનુને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો છે, જેનો સર્વશ્રેષ્ઠ થ્રો 82.06 મીટર હતો.

તમને જણાવી દઈએ કે ત્રીજા રાઉન્ડ સુધી નીરજ ચોપરા બીજા સ્થાને ચાલી રહ્યો હતો અને તેના પ્રદર્શનમાં ઘણી શિથિલતા જોવા મળી હતી. ત્રીજા રાઉન્ડ પછી, નીરજનો શ્રેષ્ઠ થ્રો 82 મીટર હતો, પરંતુ ડીપી મનુનો શ્રેષ્ઠ થ્રો 82.06 મીટર હતો. પરંતુ તેના ચોથા થ્રોમાં નીરજ ચોપરાએ 82.27 મીટરનું અંતર કાપ્યું, જેને મનુ અંત સુધી પાર કરી શક્યો ન હતો. ડીપી મનુએ સિલ્વર મેડલ જીત્યો અને ઉત્તમ પાટીલ ત્રીજા ક્રમે રહ્યો, જેણે 78.39 મીટરના થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો. ભારતના પ્રખ્યાત ભાલા ફેંક રમતવીરોમાંના એક કિશોર જેનાનું ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું, જેમનો શ્રેષ્ઠ થ્રો માત્ર 75.49 મીટર હતો.

શું કોવિશિલ્ડની જેમ કોવેક્સિનની પણ સાઇડ ઇફેક્ટ?

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાથી બચવા માટે દેશના લોકોએ કોવિશિલ્ડ અને કોવેક્સિનની રસી લીધી હતી. પહેલાં એસ્ટ્રાઝેનેકાએ બ્રિટિશ કોર્ટમાં કબૂલ્યું કે એની રસીની કેટલીક આડઅસર થઈ શકે છે, હવે કોવેક્સિનની રસી લઈને પણ મિડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એક વર્ષની અંદર કેટલાક લોકોમાં આડઅસર જોવા મળી હતી.

દેશમાં બનેલી કોવેક્સિનની આડઅસર પર એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. સંશોધનકર્તાઓને માલૂમ પડ્યું હતું કે કિશોરીઓ અને જેમને એલર્જીની બીમારી પહેલેથી છે, એ બધાને AESIનું વધુ જોખમ છે. રસી લગાવનારા મોટા ભાગના લોકોને એક વર્ષની અંદર આડઅસર જોવા મળી હતી.

આ અભ્યાસમાં 1024 લોકોને સામેલ કરવામાં આવ્યા હતા, જેમાં 635 કિશોર અને 391 વયસ્ક લોકો હતો. આ બધાને રસી લગાવ્યાના એક વર્ષ પછી ફોલોઅપ ચેકઅપ માટે સંપર્ક કરવામાં આવ્યો હતો. આ અભ્યાસમાં 304 કિશોરો એટલે કે 48 ટકામાં વાઇરલ અપર રેસ્પેરેટ્રી ઇન્ફેક્શન જોવા મળ્યું હતું. એવી સ્થિતિ 124 એટલે કે 42.6 યુવાઓમાં પણ જોવા મળી હતી. આ સિવાય 10.5 ટકા કિશોરોમાં ન્યુઓનસેટ સ્કિન એન્ડ સબકુટૈનિયસ ડિસઓર્ડર જેવી આડઅસર જોવા મળી હતી.અહેવાલ મુજબ કોવેક્સિનની આડઅસર મહિલાઓમાં પણ જોવા મળી હતી, જેમાં 4.6 ટકા મહિલાઓમાં પિરિયડથી જોડાયેલી પરેશાની સામે આવી હતી, જ્યારે 2.7 ટકા લોકોને ઓકુલર એટલે કે આંખથી જોડાયેલી મુશ્કેલીઓ સામે આવી હતી.

 

 

 

 

 

 

રૂ. 1000 આપ્યા અને ખાતામાંથી રૂ. 23 લાખ ઊડી ગયા

નવી દિલ્હીઃ હલો સર, તમારા નામે એક લકી ડ્રો નીકળ્યો છે. જો તમે ઇચ્છો તો એને કેશ કરાવી શકો છે. સર, આના માટે તમારે કોઈ OTP કે ATM કાર્ડ નંબર નથી જણાવવાનો. તમારી પાસે એક મેસેજ આવ્યો હશે, એમાં તમે જીતેલી રકમ લખી છે- એનો ઉલ્લેખ છે. હવે તમારે માત્ર મેસેજમાં આપેલી લિન્ક પર જઈને જેટલી રકમ તેમે જીતી એ નાખી દેવાની છે, એ નાખ્યા પછી તમારા ખાતામાં ટેક્સ કાપ્યા પછી તરત ડ્રોમાં જીતેલી રકમ ક્રેડિટ થઈ જશે.

મોબાઇલ પર આટલી વાત સાંભળ્યા પછી વાત કરી રહેલી વ્યક્તિની વાત પર તમને વિશ્વાસ વધશએ અને તમે કરોડપતિ બનવાનાં સપનાં જોવા લાગશો. તમને લાગશે કે નસીબ ચમકવા લાગ્યું છે. ત્યાર બાદ તમે ધીમે-ધીમે સાઇબર ઠગોની જાળમાં ફસાતા જશો. તમને એમ લાગશે તેણે તમારા ફોનમાં મોકલેલી લિન્ક પર જશો અને તમારા ખાતામાં પૈસા ક્રેડિટ થઈ જશે, પણ થાય છે એનાથી ઊંધું.

તમે જે લિન્ક પર ક્લિક કરો છો એની થોડી મિનિટોમાં જ તમારા ખાતામાંથી પૈસા નીકળવાનો મેસેજ તમારી પાસે આવશે. તમે કંઇ સમજી શકો એ  પહેલાં તમારા ખાતામાં પૈસા અન્ય ખાતામાં ટ્રાન્સફર થવાનું શરૂ થઈ જશે. હાલમાં દિલ્હીમાં એક ઘટનામાં રૂ. 1000 જમા કરવામાં આવ્યા અને ખાતામાંથી રૂ. 23 લાખ કાઢી લેવામાં આવ્યા.

સાઇબર અપરાધીઓ સામાન્ય વ્યક્તિને ઠગવા માટે નિતનવા પ્રકાર અજમાવતા જાય છે. હવે આ અપરાધીઓ પહેલાં ખાતામાં પૈસા જમા કરે છે અને પછી જેતે વ્યક્તિના ખાતામાંથી બધી રકમ ઉપાડી લે છે.

 

 

 

 

દિલ્હીથી વડોદરા આવતી ફ્લાઈટ કેમ થઈ રદ?

રાજ્યમાં શાળા અને એરપોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા મેઈલને લઈ તપાસ શરૂ છે. એ વચ્ચે ફરી એક વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા પોલીસ તંત્ર દોડતું થયું છે. નોંધનય છે કે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવાનો સિલસીલો દેશની રાજધાની દિલ્હીથી શરૂ થયો છે.

ગઈ કાલે એર ઈન્ડિયાની AI-819 ફ્લાઈટ જે સાંજે સાડા સાત વાગ્યે વડોદરા આવવા ઉડાન ભરવાની હતી. પરંતુ એર ઈન્ડિયાને બોમ્બની ધમકી મળતા ફ્લાઈટ દિલ્હીમાં જ રોકી દેતાં 150 મુસાફરો અટવાયા હતા. આ ફ્લાઈટ ટેક ઓફ કરવા માટે લગભગ તૈયાર હતી જે બાદ ધમકી મળતાની સાથે ફ્લાઈટની 10 કિલોમીટર દુર ગ્રાઉન્ડ કરવામાં આવી હતી. જ્યારે મુસાફરોને બીજી ફ્લાયઈટમાં બેસાડવામાં આવ્યા હતા.

જ્યારે બોમ્બની ધમકી મળતાની સાથે જ ફ્લાઈટમાં બોમ્બની તાપસના ધમરધમાટ શરૂ થયા હતા. મોડી રાત સુધી ચેકિંગ કર્યા બાદ ફ્લાઈટમાંથી કોઈ પણ શંકા સ્પદ વસ્તુ ન મળી હોવાની માહિતી મળી રહી છે. ઉલ્લેખનીય છે કે આજે આ ફ્લાઈટે 176 મુસાફરો સાથે દિલ્હીથી ઉડાન ભરી છે. ગતરાત્રે વડોદરા એરપોર્ટથી જનાર 180 મુસાફરો અટવાયા હતા, જે તમામ આજે રિશિડ્યુલ ફ્લાઈટમાં જશે.

મુંબઈ નોર્થ વેસ્ટ: ફિલ્મસ્ટાર્સના વિસ્તારમાં સેના સામે સેના

મુંબઈ નોર્થ વેસ્ટ લોકસભા બેઠક મહારાષ્ટ્રના મહત્વપૂર્ણ સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. આ લોકસભા સીટ મુંબઈ ઉપનગરીય જિલ્લાના મોટા ભાગને આવરી લે છે. આ બેઠક પર ફિલ્મ સ્ટાર્સનો દબદબો રહ્યો છે. આ વિસ્તારમાં 520 એકરમાં ફેલાયેલી ફિલ્મ સિટી આવેલી છે જે ગોરેગાંવમાં છે. આ સંસદીય મતવિસ્તારમાં 6 વિધાનસભા મતવિસ્તારો છે – જોગેશ્વરી પૂર્વ, દિંડોશી, ગોરેગાંવ, વર્સોવા, અંધેરી ઈસ્ટ અને અંધેરી વેસ્ટ.

 

ઉત્તર-પશ્ચિમ લોકસભા મતવિસ્તારના મતદારો ખૂબ જ સજાગ છે. બાય ધ વે, ભૂતકાળના રેકોર્ડ કહે છે કે આ મતવિસ્તારમાં કોંગ્રેસ હંમેશા આગળ રહી છે, કારણ કે 1967થી અત્યાર સુધી યોજાયેલી 14 લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો સૌથી વધુ 9 વખત જીત્યા છે. અહીંના મતદારો રામ જેઠમલાણી, સુનીલ દત્ત, મધુકર સરપોતદાર અને ગુરુદાસ કામત જેવા દિગ્ગજ નેતાઓને લોકસભામાં મોકલતા રહ્યા છે. 2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના ગજાનન કીર્તિકરને 60 ટકાથી વધુ મત મેળવીને બે વખત લોકસભામાં મોકલવામાં આવ્યા હતા. આ વખતે ઉદ્ધવ સેનાએ અહીંથી કીર્તિકરના પુત્ર અમોલને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે મહાયુતિએ શિવસેનાના રવિન્દ્ર વાયકરને મેદાનમાં ઉતાર્યા છે. રવિન્દ્ર વાયકર ત્રણ વખત જોગેશ્વરીના એમએલએ રહી ચૂક્યા છે. તેમજ કેટલાક કૌભાંડમાં તેમનું નામ પણ સંડોવાયેલુ છે. તેઓ શિવસેના યુબીટીમાંથી થોડા સમય પહેલા જ શિંદેની શિવસેનામાં જોડાયા હતા. ઉદ્ધવસેનાના ઉમેદવાર અમોલ કીર્તિકર માટે મરાઠી અને મુસ્લિમ મતદારો ઉપયોગી સાબિત થઈ શકે છે. આ વખતે 6 માંથી 3 બેઠકો એવી છે જ્યાં સેના સામે સેનાની જંગ જોવા મળશે. એમાંની એક બેઠક છે મુંબઈ નોર્થ વેસ્ટ.

કોંગ્રેસના ઉમેદવાર શાંતિલાલ શાહ મોટા સીમા ફેરફારો પછી 1967 માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં મુંબઈ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1971માં પણ આ બેઠક કોંગ્રેસ પાસે રહી અને હરિ રામચંદ્ર ગોખલે સંસદ સભ્ય તરીકે ચૂંટાયા. 1977 અને 1980ની ચૂંટણીમાં જનતા દળે આ બેઠક મેળવી હતી. પાર્ટીના ઉમેદવાર અને પીઢ વકીલ રામ જેઠમલાણી બે વખત સાંસદ બન્યા. 1984માં ફિલ્મ અભિનેતા સુનીલ દત્ત કોંગ્રેસ પાર્ટી તરફથી આ બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા. તેઓ અહીંથી 1984, 1989 અને 1991માં સતત ત્રણ વખત ચૂંટણી જીત્યા હતા. 1996ની ચૂંટણીમાં આ સીટ શિવસેનાના ફાળે ગઈ હતી અને પાર્ટીના મધુકર સરપોતદારનો વિજય થયો હતો. 1998ની ચૂંટણીમાં પણ આ સીટ પર શિવસેનાના મધુકર ચૂંટાયા હતા.

સુનીલ દત્તના અવસાન બાદ પુત્રી ચૂંટણી મેદાનમાં

વર્ષ 1999માં કોંગ્રેસના ઉમેદવાર સુનીલ દત્તે ફરી એકવાર આ બેઠક પર કબજો કર્યો હતો. તેઓ 2004ની ચૂંટણીમાં પણ જીત્યા હતા. 25 મે 2005ના રોજ તેમનું અવસાન થયું. 2005 માં યોજાયેલી પેટાચૂંટણીમાં, કોંગ્રેસે સુનીલ દત્તની પુત્રી પ્રિયા દત્તને મેદાનમાં ઉતાર્યા અને તે વિજયી બની. 2009ની ચૂંટણીમાં કોંગ્રેસના ગુરુદાસ કામત અહીંથી સાંસદ તરીકે ચૂંટાયા હતા. 2014માં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં આ બેઠક પર ભાજપ-શિવસેના ગઠબંધનનું પ્રભુત્વ હતું. શિવસેનાએ ચૂંટણીમાં ગજાનન કીર્તિકરને ટિકિટ આપી હતી. ચૂંટણી જીતીને તેઓ સંસદ ભવન પહોંચ્યા હતા. તેઓ 2019માં ફરી સાંસદ બન્યા.

શિવસેના 2014 અને 2019માં જીતી હતી

2014ના ચૂંટણી આંકડાઓ પર નજર કરીએ તો શિવસેનાના ગજાનન કીર્તિકરને 4,64,820 વોટ મળ્યા હતા. તેમની સામે કોંગ્રેસના ગુરુદાસ કામત હતા, જેમને માત્ર 2,81,792 મત મળ્યા હતા. તેમનો 1,83,028 મતોથી પરાજય થયો હતો. 2019માં શિવસેનાએ આ સીટ પર ફરીથી ગજાનન કીર્તિકરને ટિકિટ આપી હતી અને તેઓ 2,60,328 વોટથી ચૂંટણી જીત્યા હતા. તેમને 570,063 મત મળ્યા હતા. તેમના હરીફ કોંગ્રેસના સંજય બ્રિજકિશોરલાલ નિરુપમને 3,09,735 મત મળ્યા હતા.

2012ની BMC ચૂંટણીમાં ભાજપના 3 કોર્પોરેટર હતા, જે 2017માં વધીને 22 થઈ ગયા. શિવસેનાના તૂટવાની સૌથી ખરાબ અસર ઉત્તર-પશ્ચિમ લોકસભા મતવિસ્તારમાં પડી હતી. તેના 13 કોર્પોરેટરોમાંથી 7 પાર્ટી છોડીને શિંદે સેનામાં જોડાયા હતા. જેના કારણે ઉદ્ધવ સેનાની હાલત ખરાબ છે. તેમના લોકો નિરાશ થયા છે, પરંતુ મતદારો નિરાશ નથી, તેથી ચમત્કાર થાય તો નવાઈ નહીં.

ઉત્તર-પશ્ચિમ લોકસભા મતવિસ્તારનો પૂર્વ છેડો સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન અને આરેના જંગલોથી ઘેરાયેલો છે, જ્યારે પશ્ચિમ છેડો દરિયા કિનારાથી ઘેરાયેલો છે. જુહુ, લોખંડવાલા, વર્સોવા વિસ્તારો છે, જ્યાં ફિલ્મ સ્ટાર્સથી લઈને દેશના જાણીતા ઉદ્યોગપતિઓ સુધીના મતદારો છે. અહીંના મતદારો તેમના જનપ્રતિનિધિઓથી નારાજ છે કારણ કે ઝૂંપડપટ્ટીના વિકાસની ગતિ કીડીની ઝડપે થઈ રહી છે, જ્યારે સમૃદ્ધ મતદારો ટ્રાફિક જામ જેવી સમસ્યાઓથી પરેશાન છે. રોડ કનેક્ટિવિટી પણ મોટો મુદ્દો છે. અમુક અંશે મેટ્રોએ ચોક્કસપણે સમસ્યામાં ઘટાડો કર્યો છે. મતવિસ્તારના પૂર્વ છેડે નેશનલ પાર્કની જમીન પર ઝૂંપડીઓ છે. ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો વીજળી, પાણી, શૌચાલય, આરોગ્ય, શિક્ષણ વગેરે જેવી પ્રાથમિક સેવાઓ પણ મેળવી શકતા નથી. તેમના પુનર્વસન માટે કોર્ટે સરકારને ઘણી વખત ઠપકો આપ્યો છે, પરંતુ તેનાથી કોઈ ફરક પડ્યો નથી. મુંબઈના પશ્ચિમ ધાર પરના સૌથી જૂના રહેવાસીઓ અને કોળી માછીમાર સમુદાયની સમસ્યાઓ વર્ષોથી યથાવત છે. સાંસદો આવતા-જતા રહ્યા, પરંતુ સમસ્યાઓ જેમની તેમ જ રહી.

ઉત્તર-પશ્ચિમ લોકસભા ક્ષેત્રમાં પણ વિકાસની અપાર સંભાવનાઓ છે. જુહુ ચોપાટીને જે રીતે વિકસાવવામાં આવી છે તેના વખાણ થઈ રહ્યા છે. નેશનલ પાર્ક, ફિલ્મ સિટી અને આરેમાં પર્યટનના વિકાસની સંભાવના છે. ફિલ્મ સિટીને વિશ્વનો સર્વશ્રેષ્ઠ ફિલ્મ સ્ટુડિયો બનાવવા માટે કાગળ પર ઘણી વખત કામ કરવામાં આવ્યું હતું, પરંતુ યોજના પૂર્ણ થઈ શકી ન હતી. આજે પણ ફિલ્મ અને સિરિયલ ઈન્ડસ્ટ્રી જનપ્રતિનિધિઓ પાસે ઘણી અપેક્ષાઓથી જુએ છે. એક સમય હતો જ્યારે આરેના જંગલોમાં બનેલા બગીચામાં લોકો પિકનિક માટે આવતા હતા, હવે તે જર્જરિત થઈ ગયું છે. નજીકમાં શ્રીનગર પ્રવાસી વિસ્તાર પણ છે, પરંતુ તેની ખરાબ હાલત જોઈને લોકો જનપ્રતિનિધિઓને કોસ કરે છે. વર્સોવાના કિનારે પણ વિકાસ થઈ શકે છે.

ઉત્તર ભારતીય, દક્ષિણ ભારતીય અને ગુજરાતી-રાજસ્થાની સમાજમાં પણ તેમની સારી પકડ છે. છેલ્લી બે ચૂંટણીમાં ગજાનન કીર્તિકર ઉમેદવાર હોવા છતાં અમોલે જ ચૂંટણીની રણનીતિ બનાવી હતી. કોંગ્રેસના સંજય નિરુપમ અમોલની વ્યૂહરચના સામે ટકી શક્યા નથી.

મુંબઈના મધ્યમાં સ્થિત, આ લોકસભા મતવિસ્તારમાં રેલવે ટ્રેકની પૂર્વ બાજુએ દિંડોશી, જોગેશ્વરી (પૂર્વ), અંધેરી (પૂર્વ) અને પશ્ચિમમાં અંધેરી (પશ્ચિમ), વર્સોવા, ગોરેગાંવ વિધાનસભા મતવિસ્તાર આવેલા છે. અહીંથી ભાજપના ત્રણ અને ઉદ્ધવ સેનાના ત્રણ ધારાસભ્યો છે, પરંતુ શિવસેનામાં ભાગલા પડ્યા બાદ જોગેશ્વરીના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરે પક્ષ બદલ્યો છે. આ વિસ્તારમાં પણ ભાજપના સૌથી વધુ 22 કોર્પોરેટર છે, ઉદ્ધવ સેનાના 13, એનસીપીના 2 અને કોંગ્રેસ અને અપક્ષના એક-એક કોર્પોરેટર છે. જો કે, 2017માં યોજાયેલી કોર્પોરેટરની ચૂંટણીમાં ભાજપ અને ઉદ્ધવ સેના અલગ-અલગ ચૂંટણી લડ્યા હતા. આનો સૌથી મોટો ફાયદો ભાજપને મળ્યો.

મતદારોની સ્થિતિ
મરાઠી: 37.20%
મુસ્લિમ: 19.30%
ખ્રિસ્તી: 2.80%
ઉત્તર ભારતીય: 18.30%
ગુજરાતી-રાજસ્થાની 12.40%
દક્ષિણ ભારતીય: 5.60%
પંજાબી: 1.30%
સિંધી: 1%
અન્ય 2.10%

સ્વાતિ માલીવાલના સવાલ પર કેજરીવાલનું અકળ મૌન

લખનૌઃ ઉત્તર પ્રદેશના પાટનગર લખનૌમાં SP-AAPની સંયુક્ત પત્રકાર પરિષદ થઈ હતી. આપના સંયોજક અરવિંદ કેજરીવાલ અને SP પ્રમુખ અખિલેશ યાદવે પત્રકારો સાથે વાતચીત કરતાં લોકસભા ચૂંટણીમાં ઇન્ડિયા બ્લોકના જીતવાના દાવા કર્યા હતા. જોકે જ્યારે કેજરીવાલને સ્વાતિ માલીવાલથી ગેરવર્તણૂક વિશે સવાલ પૂછવામાં આવતાં તેમણે મૌન ધારણ કરી લીધું હતું.

જોકે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહે માઇક સંભાળી લીધું હતું અને ભાજપ પર સવાલ કર્યા હતા. તેમણે મણિપુરથી માંડીને સેક્સ કૌભાંડમાં ફસાયેલા પ્રજવલ્લા રેવન્ના મામલે ભાજપને જવાબ આપવા માટે કહ્યું હતું.

આમ આદમી પાર્ટી અમારો પરિવાર છે. પાર્ટીએ પોતાના પક્ષ રજૂ કરી દીધો છે, પરંતુ દેશના અમે જેટલા પણ અમે મુદ્દા ઉઠાવીએ, એના પર PM અને ભાજપે જવાબ આપવો જોઈએ. સ્વાતિ માલીવાલના મુદ્દે ભાજપે જવાબ આપવો જોઈએ. જ્યારે સ્વાતિએ પહેલવાનો સાથે મુલાકાત કરી હતી, ત્યારે જંતરમંતર પર ગયાં હતાં, ત્યારે તેમની સાથે ગેરવર્તન થયું હતું-એનો જવાબ ભાજપે આપવો જોઈએ. સ્વાતિના મુદ્દે રાજકારણ રમાવું ના જોઈએ. ભાજપે મણિપુર મુદ્દે જવાબ આપવો જોઈએ, એમ સંજય સિંહે કહ્યું હતું.

આપના સાંસદ અને દિલ્હી મહિલા આયોગના પૂર્વ અધ્યક્ષ સ્વાતિ માલીવાલ પર હુમલાના મામલામાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. ઘણા દિવસો વીતી ગયા પછી પણ મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલના PA સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.  PA બિભવ પર હુમલો કરવાનો અને અભદ્રતાનો આરોપ છે. કેજરીવાલ સ્વાતિ માલીવાલના મામલે કંઇ પણ બોલવાનું ટાળી રહ્યા છે. તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું નથી કે શું કાર્યવાહી કરવામાં આવશે. જોકે અત્યાર સુધી દિલ્હી પોલીસને આ મામલે ફરિયાદ દાખલ કરવા માટે પણ કહેવામાં આવ્યું નથી.

 

 

 

 

 

 

કોરાનાના 42 નવા કેસો, બેનાં મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 42 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,604 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,614 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 122 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 631 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 00 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.