Home Blog Page 1835

કેન્દ્રીય કર્મચારીઓનું કેટલું વધશે DA જાણો..

કેન્દ્રીય કર્મચારીઓને સરકારે મોટી ભેટ આપી છે. કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાની જાહેર કરવામાં આવી છે. સૂત્રો પ્રમાણે આ જુલાઈમાં કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5%નો વધારો થશે.

કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું (DA) જુલાઈ 2024માં ફરી એકવાર વધવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકાર આ વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે. પહેલો 1 જાન્યુઆરીથી અમલમાં આવ્યો હતો. ત્યારે હવે 1 જુલાઈથી બીજી વખત મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરવામાં આવી છે. સરકારે જાન્યુઆરીમાં DAમાં 4 ટકાનો વધારો કર્યો હતો, જેના કારણે DA વધીને 50 ટકા થઈ ગયો છે.

કેટલુ થશે કર્મચારીઓનું DA?

સરકાર કેન્દ્રીય કર્મચારીઓના DAમાં 5 ટકાનો વધારો કરે છે તો 1 જુલાઈના રોજ કર્મચારીઓનો DA વધીને 55 ટકા થઈ જશે. મોંઘવારી ભથ્થામાં આગામી વધારો જુલાઈ 2024થી લાગુ કરવામાં આવશે. જો કે, તે મંજૂર થાય ત્યાં સુધીમાં સપ્ટેમ્બર હોઈ શકે છે. જો આપણે પાછલા વર્ષોના રેકોર્ડ પર નજર કરીએ તો સરકાર સપ્ટેમ્બર સુધીમાં ડીએમાં વધારો કરવાની જાહેરાત કરી શકે છે. પરંતુ, તેનો અમલ જુલાઈથી જ થશે. સરકારે 1 જાન્યુઆરી 2024થી મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાને મંજૂરી આપી હતી. કેન્દ્ર સરકારના કર્મચારીઓને હાલમાં 50 ટકા મોંઘવારી ભથ્થું (DA) મળે છે.

ન્યૂઝક્લિકના સ્થાપક પ્રબીર પુરકાયસ્થને છોડવાનો ‘સુપ્રીમ’ આદેશ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે UAPA કેસમાં ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા કરવામાં આવેલી ધરપકડને ગેરકાયદે બતાવી છે. કોર્ટે તેમને છોડી મૂકવાના આદેશ આપ્યા છે. દિલ્હી પોલીસે ન્યૂઝક્લિકમાં ચીની ફન્ડિંગથી ભારતવિરોધી કામગીરીના આરોપમાં પુરકાયસ્થની ધરપકડ કરી હતી. ત્યાર બાદથી તેઓ જેલમાં હતા. પુરકાયસ્થએ દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ અને રિમાન્ડને સુપ્રીમ કોર્ટે પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટે માન્યું હતું કે ચોથી ઓક્ટોબર, 2023એ રિમાન્ડ ઓર્ડર જારી થવા પહેલાં પુરકાયસ્થ અને તેમના વકીલને રિમાન્ડ એપ્લિકેશનની કોપી નહોતી સોંપવામાં આવી હતી. તેમની ધરપકડનું કારણ તેમને લેખિતમાં નહોતું જણાવવામાં આવ્યું. કોર્ટે પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને કાયદાની નજરે ગેરકાયદે ગણાવી હતી અને છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ આ મામલે 30 એપ્રિલે સુનાવણી પૂરી કરી લીધી હતી. પુરકાયસ્થ ગયા વર્ષે ત્રીજી ઓક્ટોબરથી UAPA હેઠળ જેલમાં હતા. કોર્ટમાં પુરકાયસ્થની તરફથી કપિલ સિબ્બલે દલીલો મૂકી હતી.

દિલ્હી પોલીસની FIR મુજબ દેશની અખંડિતતાને તોડવા અને દેશની વિરુદ્ધ અસંતોષ પેદા કરવા માટે ન્યૂઝ પોર્ટલને મોટી રકમ ચીનથી મળી હતી. દિલ્હી પોલીસનો આરોપ છે કે પુરકાયસ્થે 2019ની લોકસભા ચૂંટણી દરમ્યાન ચૂંટણી પ્રક્રિયામાં ખલેલ પહોચાડવા માટે એક ગ્રુપે –પીપલ્સ અલાયન્સ ફોર ડેમોક્રસી એન્ડ સેક્યુલરિઝમ (PADS)ની સાથે પણ કાવતરું રચ્યું હતું.

 

 

 

 

 

 

 

જેકી શ્રોફની કાનુની કાર્યવાહી,ભીડૂ બોલશો તો આપવો પડશે 2 કરોડનો દંડ

મુંબઈ: બૉલિવૂડના પીઢ અભિનેતા અને બધાના પ્રિય જેકી શ્રોફને ‘ભીડુ’ બોલતા તમે સાંભળ્યા જ હશે. આ શબ્દનો ઉપયોગ તે ફિલ્મી પડદા પરથી તેમજ સામાન્ય જીવનમાં પણ કરે છે. શક્ય છે કે તમે પણ તેમનાથી પ્રેરિત થઈને આ શબ્દ વાપરવાનું શરૂ કર્યું હોય. પરંતુ હવે આમ કરવાથી તમે કાનૂની મુશ્કેલીમાં મુકાઈ શકો છો. અભિનેતાએ ‘વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોની સુરક્ષા’ હેઠળ ‘ભીડુ’ શબ્દના ઉપયોગ પર દિલ્હી હાઈકોર્ટનો સંપર્ક કર્યો છે અને ઘણી સંસ્થાઓ સામે કેસ દાખલ કર્યો છે.

જેકી દાએ મંગળવારે તેમની સંમતિ વિના તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ અનેક સંસ્થાઓ સામે હાઈકોર્ટમાં દાવો દાખલ કર્યો હતો. તેમજ માંગ કરી હતી કે તેમના નામ, ફોટોગ્રાફ્સ, અવાજ અને ‘ભીડુ’ શબ્દનો કથિત ‘અનધિકૃત’ ઉપયોગ કરવા બદલ 2 કરોડનો દંડ ફટકારવામાં આવે.’લાઇવ એન્ડ લો’ અનુસાર જેકી શ્રોફની અરજી પર બુધવારે કોર્ટમાં સુનાવણી થશે. કોર્ટ સમક્ષ દાખલ કરાયેલ આ કેસ આજના ડિજિટલ યુગમાં ‘સેલિબ્રિટી રાઇટ્સ’ના સંદર્ભમાં મહત્વપૂર્ણ છે.

ભીડુનો અર્થ શું છે?

જેકી શ્રોફે આ કેસ એવા સમયે દાખલ કર્યો છે જ્યારે અગાઉ અનિલ કપૂર અને અમિતાભ બચ્ચન જેવા કલાકારોએ પણ ‘વ્યક્તિત્વ અધિકારો’ના રક્ષણ માટે કાનૂની માર્ગ અપનાવ્યો હતો. અહીં નોંધવું રહ્યું કે ‘ભીડુ’ એક મરાઠી શબ્દ છે, જેનો ગુજરાતી અર્થ થાય છે જોડીદાર અથવા સાથીદાર.

અનિલ કપૂરે ‘ઝકાસ’ના ઉપયોગ સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી

ગત સપ્ટેમ્બરમાં દિલ્હી હાઈકોર્ટે અનિલ કપૂરના વ્યક્તિત્વના અધિકારોનું રક્ષણ કરતો વચગાળાનો આદેશ પસાર કર્યો હતો. આમાં વિવિધ સંસ્થાઓને તેમની સંમતિ વિના વ્યાપારી હેતુઓ માટે તેમના ચિત્ર, નામ, અવાજ અથવા તેમના વ્યક્તિત્વ સાથે જોડાયેલા ‘ઝકાસ શબ્દનો દુરુપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

હાઈકોર્ટે અનિલ કપૂરના કેસમાં 44 લિંક્સને બ્લોક કરી દીધી હતી

અનિલ કપૂરે કોર્ટને તેમની સંમતિ વિના તેમના ફોટા, તેમના નામ, તેમનું નામ AK, અથવા તેમના ફિલ્મી પાત્રો જેમ કે લખન, મિસ્ટર ઈન્ડિયા, મજનુભાઈ, નાયક અને ‘ઝકાસ’નો ઉપયોગ રોકવા માટે કહ્યું હતું. તેમજ તેમણેએઆઈ, ડીપફેક્સ, કોમ્પ્યુટર જનરેટેડ ગ્રાફિક્સ (સીજીઆઈ) વગેરે સહિત કોઈપણ ટેકનોલોજીના ઉપયોગથી રક્ષણની પણ માંગ કરી હતી. ત્યારબાદ અભિનેતાની કાનૂની ટીમે આવી 44 લિંક્સ કોર્ટમાં રજૂ કરી હતી, જેને કોર્ટે બ્લોક કરવાનો આદેશ આપ્યો હતો.

અમિતાભ બચ્ચને પણ પોતાના અવાજના ઉપયોગ પર કાર્યવાહી કરી હતી

આ પહેલા અમિતાભ બચ્ચને પણ આવી જ અરજી કરી હતી. આમાં એક જ્વેલરી કંપનીને પબ્લિસિટી માટે તેના ‘સેલિબ્રિટી સ્ટેટસ’નો ઉપયોગ બંધ કરવાનું કહેવામાં આવ્યું હતું. કંપનીએ પ્રમોશનમાં અમિતાભ બચ્ચન જેવા અવાજનો ઉપયોગ કર્યો હતો.

કોરાનાના 62 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 62 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,38,066 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,602 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,04,492 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 112 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 667 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,94,241 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 14 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

ઝારખંડનો પ્રખ્યાત નાસ્તો ધુસ્કા

ઝારખંડનો પ્રખ્યાત નાસ્તો ધુસ્કા. જે ટામેટાં-બટેટાના શાક સાથે પીરસવામાં આવે છે. અથવા ચટણી સાથે કે ચા સાથે પણ નાસ્તામાં ખાઈ શકાય છે!

સામગ્રીઃ

  • ચોખા 1 કપ
  • ચણાની દાળ ½ કપ
  • અળદની દાળ ¼ કપ
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • લીલા મરચાં 3-4
  • જીરુ 1 ટી.સ્પૂન
  • હીંગ 2-3 ચપટી
  • મીઠું સ્વાદ પ્રમાણે
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ¼ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • કોથમીર ધોઈને સમારેલી 2 ટે.સ્પૂન

રીતઃ બંને દાળ તેમજ ચોખાને 2-3 પાણીએથી ધોઈને 4 કલાક માટે પાણીમાં પલાળી રાખો. અથવા આખી રાત માટે પલાળી રાખો. ત્યારબાદ તેમાંનું પાણી નિતારી લઈ મિક્સીમાં થોડુંક પાણી ઉમેરી આદુ, મરચાં મેળવીને બારીક પીસી લો.

આ પેસ્ટમાં ધાણાજીરુ પાઉડર, મરચાં પાઉડર, હળદર, સ્વાદ મુજબ મીઠું, હીંગ તેમજ સમારેલી કોથમીર મેળવી દો.

એક કઢાઈમાં તેલ ગરમ કરી લો. તેલ સરખું ગરમ થાય એટલે તેમાં એક કળછી વડે ધુસ્કાનું ખીરુ રેડી દો. પુરી જેટલો આકાર રહેવો જોઈએ. આ સહેજ જાડું સારું લાગશે. ગેસની તેજ-મધ્યમ આંચે ધુસ્કા તળી લેવા.

તમે તેને ઓછા તેલમાં ફ્રાઈ કરી શકો છો. તવામાં પૂડલા ઉતારીએ તે રીતે. તવો ગરમ કરી લીધા બાદ ગેસની આંચ મધ્યમ કરી લેવી. તવા ઉપર ફરતે તવેથા વડે તેલ લગાડી લો. હવે એક એક કળછીથી જાડું પૂરણ રેડી દો. થોડી જાડી પુરી થવી જોઈએ. તવામાં ત્રણથી ચાર ધુસ્કા આવશે. ધુસ્કા ફરતે ચમચી વડે થોડું થોડું તેલ રેડી દો. તેને ઢાંકીને 2 મિનિટ થવા દો. ત્યારબાદ દરેક ધુસ્કા ઉપર ચમચી વડે થોડાં ટીપાં તેલ રેડીને તેને તવેથા વડે ઉથલાવી દો. ઢાંકીને 2 મિનિટ થવા દો. સોનેરી રંગના થાય એટલે ઉતારી લો.

ગરમા ગરમ ધુસ્કા પુરી બટેટાં-ટામેટાંના રસાવાળા શાક સાથે પીરસો.

૧૫ મે, ૨૦૨૪

નોટ આઉટ @ 82 : કિરણભાઈ ઓઝા

સાતેય ખંડના 215 દેશોમાં મુસાફરી કરનાર, ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબના સભ્ય, ભાવનગરના વિશ્વ-પ્રવાસી કિરણભાઈ ઓઝાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

કિરણભાઈનો જન્મ સંસ્કાર-નગરી ભાવનગરમાં. શાળાનું અને કોલેજનું શિક્ષણ ભાવનગરમાં. નાનું કુટુંબ. પિતા ફાર્મા-કંપનીમાં નોકરી કરતા. બીએસસી કર્યા પછી કિરણભાઈએ બે-ત્રણ મહિના શિક્ષક તરીકે નોકરી કરી. બીજી ગવર્મેન્ટ-જોબ મળી, પણ ફાવ્યું નહીં. તેમણે પણ ફાર્મા-કંપનીમાં નોકરી સ્વીકારી. 35 વર્ષ એક જ કંપનીમાં નોકરી કરી! હરવા-ફરવા માટે પાંચ વર્ષ વહેલા રિટાયર થયા! મિત્રએ ભેટ આપેલ પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ (રસિક ઝવેરી) વાંચ્યા પછી તેઓ વિદેશ ગયા. તેમને પહેલી મુસાફરીથી ખ્યાલ આવી ગયો કે એકલા ફરવામાં કોઈ તકલીફ નથી. ગમે ત્યાં વધારે રહી જવાય, ન ગમે ત્યાંથી તરત નીકળી જવાય. તેમની મુસાફરીનો સિદ્ધાંત ‘ખરીદી નહીં અને બધે ચાલતા અથવા પબ્લિક-ટ્રાન્સપોર્ટેશનમાં જવું.’ 100થી વધુ દેશોમાં, સાથે ઉત્તર કે દક્ષિણ-ધ્રુવની મુલાકાત લેનાર પ્રવાસીઓને મળતું “ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબ”નું માનદ સભ્ય-પદ તેમને મળ્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ભાવનગર હોય ત્યારે સવારે સાડા-પાંચે ઊઠે. ચા-પાણી કરી છાપુ વાંચે. ઘરના બગીચામાં બે-ત્રણ કલાક કામ કરે. માર્કેટનું / બેંકનું કામ હોય તો કરી આવે. પછી જમીને ઘરે આરામ કરે. રોટરી-ક્લબમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સગાં-સંબંધીઓ, મિત્રો ભાવનગરમાં નજીકમાં જ રહે છે, જેથી સાંજે બધાને મળવા-કરવામાં અને સામાજિક કામકાજમાં સમય જતો રહે છે.

શોખના વિષયો : 

ફરવાનો શોખ ઘણો. સાથે સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ખરો. બાગ-કામ કરવાનું બહુ ગમે. સામાજિક-પ્રવૃત્તિમાં ઘણી રુચિ. લખવાનું ગમે, ચિત્રલેખા માટે ઘણા આર્ટીકલ લખેલા છે. સાથે-સાથે વાંચવાનું પણ બહુ ગમે. દિવસ આખો પ્રવૃત્તિમય રહે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે! હાથ-પગ-ઘૂંટણની કોઈ તકલીફ નથી. 215 દેશોમાં જાતે જ ફર્યા છે. 150 દેશોમાં તો પત્ની (નલિની બહેન) પણ સાથે હતાં. બધે ચાલીને જ ફરવાનું. ચેર્નોબિલ, યુક્રેન (1985 બ્લાસ્ટ) જોવા 16 km ચાલીને ગયા હતા! આજની તારીખે પણ પાંચ કિલોમીટર સહેલાઈથી ચાલી શકે છે.

યાદગાર પ્રસંગ:  

ઓકલેન્ડમાં મિત્ર સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં મિત્રના ભત્રીજાને મળવા રોકાયા. 50,000ની વસ્તીવાળું નાનું ગામ. મિત્રનો ભત્રીજો 20-21 વર્ષનો પરણેલો યુવાન, પત્ની પણ 19-20 વર્ષની. બંને ભણે, થોડું કામ કરે અને નાના ઘરમાં રહે. ઘરમાં નવ-દસ વર્ષનો મંદ-બુદ્ધિનો દીકરો. સાચવવો મુશ્કેલ હોય એવું લાગે. કિરણભાઈને નવાઈ લાગી: આ કોણ હશે? પહેલાં તો ભત્રીજાએ જવાબ આપ્યો નહીં પણ પછી ધીમેધીમે વાત કરી કે આ દીકરો એના મા-બાપ સાથે નજીકમાં રહે છે. એનાં મા-બાપ રોજ સાચવે પણ શનિ-રવિ કામ હોય, ખરીદી કરવાની હોય એટલે બાળકનું ધ્યાન રખાય નહીં. આ યુવાન યુગલ શુક્રવારે સાંજે તેને લઈ આવે. શનિ-રવિ પોતાની સાથે રાખે. સોમવારે સવારે તેને પાછો તેનાં મા-બાપને ઘેર મૂકી આવે! કિરણભાઈને બહુ આશ્ચર્ય થયું: તમે યુવાન છો, હરવા-ફરવાનો શોખ હોય એને બદલે આ કામ? એમણે જવાબ આપ્યો: આ બાળકનાં મા-બાપની  શનિ-રવિની તકલીફ દૂર થાય છે, એમને અનુકૂળતા રહે છે. એમનાં મોઢાં ઉપર જે આનંદ ઊભરાય છે તે જોઈને અમને આ કામ કરવાનું ગમે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

આટલું બધું ફરવું હોય એટલે ટેકનોલોજી તો વાપરવી જ પડે! લેપટોપ ઘણાં વર્ષોથી વાપરે છે. ઇન્ટરનેટ આવ્યા પછી અનુકૂળતા વધી છે. બધા દેશોના વિઝા-ટિકિટો કોઇપણ એજન્ટની મદદ વગર જાતે ઇન્ટરનેટની મદદથી કરાવે છે. કામ પૂરતી ટેકનોલોજી વાપરી લે, વધારે ઊંડા ઊતરતા નથી. ટેકનોલોજી ઉયોગી વસ્તુ છે, આખી દુનિયામાં ઘેર બેઠાં-બેઠાં સંબંધો સાચવી શકાય છે. પરદેશમાં એટીએમના ઉપયોગથી પૈસાની તકલીફ રહેતી નથી. ઇમેલ, whatsapp, વિડીયો-કોલની મદદથી ઘણું બધું સરળ થઈ ગયું છે. ફ્રોડનો થોડોક ગેરફાયદો/ડર છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

શિક્ષણનું સ્તર ઘણું નીચે આવી ગયું છે. પરીક્ષામાં પાસ થતા યુવાનો પાસે જ્ઞાન-નોલેજ નથી. દેશ-પરદેશમાં ફરીએ ત્યારે લાગે કે આપણું શિક્ષણ-સ્તર ઘણું નીચું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

રોટરી-ક્લબ, ઇન્ડો-ફ્રેન્ચ ક્લબ અને બીજી સંસ્થાઓને કારણે યુવાનો સાથે સક્રિય છે. આજના યુવાનો શોર્ટકટ બહુ અપનાવે છે. તેમની પાસે જાતજાતનાં સર્ટિફિકેટ હોય પણ નોલેજ હોય નહીં, એનું દુઃખ છે.

સંદેશો :  

સમાજમાં, સંસ્થાઓમાં, બિન-જવાબદારીપણું ઘણું છે. માણસો પોતાની જવાબદારી સ્વીકારવા અને નિભાવવા બિલકુલ તૈયાર નથી. માણસોએ જવાબદારી સ્વીકારી અદા કરવી જોઈએ.

અરાજકતાની વચ્ચે આંતરિક શાંતિ કેવી રીતે પુનઃસ્થાપિત કરવી?

જીવન વિશેની સમજનો અને સ્પષ્ટતાનો અભાવ આપણી યુવા પેઢીને આત્યંતિક પસંદગી તરફ દોરીને લઈ જઈ રહી છે. યુવાઓ ઘણી ઊંચાઈઓ હાંસલ કરે છે અને ઘણી પડતી પણ અનુભવે છે. તેમને ત્વરિત નિરાકરણ, ત્વરિત પરિણામ જોઈતા હોય છે. તેમને એવું હોય છે કે બધું અત્યારે, આ ક્ષણે, જ થવું જોઈએ! જો યુવાઓ પોતાની આવશ્યકતા અને મહત્વકાંક્ષાને કેવી રીતે પહોંચી વળવું એ નહીં શીખે તો તેઓ ખોટી પસંદગીઓ કે જે અલ્પકાલીન રોમાંચની ખાતરી આપે છે તે માટે લલચાઈ જશે.

આજે યુવાઓ માનસિક બીમારીઓ, હતાશા અને આત્મહત્યાની વૃત્તિથી પહેલા ક્યારેય નહોતું જોવા મળ્યું એટલા પીડાઈ રહ્યા છે. જે સંખ્યામાં યુવા હિંસા અને અપરાધ આચરી રહ્યા છે તે ભયજનક છે અને જે પ્રમાણમાં તેઓ ધુમ્રપાન, મદ્યપાન અને નશીલી દવાઓના તાબે થઈ રહ્યા છે તેનો દર અત્યારે સૌથી ઊંચો છે.

યુવાઓને ઉત્સાહ વધતો રહે એવું જોઈતું હોય છે. આધ્યાત્મિકતા એવી ચાવી છે જે ઉત્સાહને જન્માવે છે, નિભાવે છે અને વધારે છે. આપણા યુવાઓએ એ જાણવું જરૂરી છે કે તેઓ જે માનવતા સાથે જન્મ્યા છે તેને ગુમાવ્યા વગર સર્જનાત્મક અને ઉત્પાદક થઈ શકે છે. તેઓએ એ પણ જાણવું જોઈએ કે તેમનામાં ઘણી ક્ષમતા અને તાકાત છે જેનાથી તેઓ જે ઈચ્છે તે ઉપલબ્ધ કરી શકે છે. તેઓ ભૌતિક સમૃધ્ધિ અને અનુકૂલનની એટલી પરાકાષ્ઠા અનુભવે છે કે જીવન ઉત્તેજનાથી સંતૃપ્ત થઈ ગયું છે. માત્ર ભૌતિક વસ્તુઓ કે આરામદાયક બાબતો વ્યક્તિને ખરેખર અનુકૂળતામાં નથી રાખતી. દરેક વ્યક્તિ sense of નિર્મળતા, સ્થિરતા,આંતરિક શાંતિ અને નિષ્કપટ પ્રેમ ઝંખે છે. આધ્યાત્મિકતા આ તમામ આપી શકે છે.

 

ભારતીય આધ્યાત્મિકતાના મુખ્ય અભિગમમાંનો એક છે સેવા. યુવાઓમાં તાકીદની જરૂરીયાતના સમયે સેવા કરવા માટે પૂરતી ઊર્જા હોય છે. જો વ્યક્તિ સેવાને જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવે છે તો તેનાથી તેના ભય દૂર થાય છે, મનમાં એકાગ્રતા આવે છે, કાર્ય હેતુલક્ષી બને છે અને દીર્ઘકાલીન આનંદ પ્રાપ્ત થાય છે.

આપણા યુવાઓને જે ભય અને હતાશા પાછા પાડે છે તે નાબુદ કરવા આધ્યાત્મિકતામાંનો સેવાનો અભિગમ
અપનાવવો જોઈએ. સેવાથી હંમેશા મોટા ફાયદા મળે છે. તે હતાશા સામે સૌથી અસરકારક ઉપાય છે. જે દિવસે તમને નિરાશાજનક, ત્રાસજનક અને વધારે ખરાબ લાગે ત્યારે પોતાના રુમમાંથી બહાર નીકળો અને લોકોને પૂછો, “હું તમારા માટે શું કરી શકું છું?”. તમે જે સેવા કરશો તે તમારામાં ક્રાંતિ સર્જશે. જ્યારે તમે અન્યોને સહાયરૂપ થવામાં વ્યસ્ત થાવ છો ત્યારે તમને સમજાશે કે ઈશ્વર તમારી બહુ સરસ રીતે સંભાળ લઈ રહ્યા છે અને નિરાશા પ્રેમ અને કૃતજ્ઞતામાં પરિવર્તિત થાય છે. એનાથી વિરુદ્ધ, જ્યારે તમે આવા પ્રશ્નો પૂછો છો કે “શા માટે હું?” અથવા “મારું શું થશે?”તો તમે હતાશા તરફ ધકેલાવ છો.

આજે આપણા યુવાઓમાં રુકાવટ એ સૌથી મોટી સમસ્યા છે. લોકો તેમના વિશે શું વિચારશે તે વિશે તેઓ બહુ ચિંતા કરે છે. એનાથી તેમની નિર્ણય શક્તિ પર ઘણી પ્રતિકૂળ અસર થાય છે. કયા કપડા પહેરવા, કયો મોબાઈલ ખરીદવો જેવા સાવ નાના નિર્ણયોથી લઈને કઈ કારકિર્દી પસંદ કરવી જેવા ખૂબ અગત્યના નિર્ણયોમાંથી મોટા ભાગના નિર્ણયો સમજદારી અને તાર્કિક પસંદગીના બદલે બીજા તેમને વિશે શું વિચારશે એના પર આધાર રાખીને લેવાય છે. પ્રાણાયામ અને ધ્યાન જેવી આધ્યાત્મિક પ્રક્રિયાઓ યુવાઓને આ રુકાવટ દૂર કરવામાં મદદ કરી શકે છે.

મનની વૃત્તિ નકારાત્મકને વળગી રહેવાની હોય છે. એમાંથી મુક્ત થવા યુવાઓએ પોતાની જવાબદારી લેવાની અને પોતાના મન પૂર્વગ્રહથી ભરપૂર નથી થઈ ગયા એની ખાતરી કરવાની જરૂર હોય છે. નકારાત્મક લાગણીઓ સાથે લડશો નહીં કે મિત્રતા પણ કેળવશો નહીં. યુક્તિ,શ્વાસ અને યોગ્ય દ્રષ્ટિકોણથી તમામ નકારાત્મકતા દૂર કરી શકાય છે.
યુવાઓએ જીવનમાં નિષ્ફળતાથી ગભરાવું ના જોઈએ. સ્વીકાર કરી લો:’ઠીક છે, હું નપાસ થવાનો છું. તેથી શું થઈ ગયું? મારે હજી પણ આ ચાલુ રાખવું છે. ‘તમે કોઈ રમત રમતા હોવ એવું આ છે, તમે જીતો કે હારો, તમે રમત રમો છો. એ જ રીતે નિષ્ફળતાથી ડરો નહીં. જો તમે નિષ્ફળ જાવ છો તો મનમાં ના લો, તમારા પ્રયત્નો ચાલુ રાખો.

જીવન બધી બાબતોનું મિશ્રણ છે: નિષ્ફળતા અને સફળતા- તે એકબીજાના પૂરક છે. જો તમે નિષ્ફળ થાવ છો તો તમને સફળતાની કિંમત સમજાય છે, એ આગળ ધપવા માટે એક સોપાન બની રહે છે. તમારે આગળ ધપવું જોઈએ. પોતાની જાતને પૂછો, હું ભૂતકાળમાંથી શું શીખ્યો, અને પછી ભવિષ્ય માટે મારી શું પરિકલ્પના છે? એનાથી તમે તમારા પ્રયાસો ચાલુ રાખી શકશો. એ માટે તમારામાં સમયસૂચકતા હોવી જરૂરી છે અને એને માટે તમારું તનાવમુક્ત થવું જરૂરી છે. ખેલાડી બનો અને નહીં કે કોઈનું પ્યાદું. તમારે ખેલાડી બનવું જ જોઈએ અને પોતાની જાતને સશકત બનાવવી જોઈએ. યાદ રાખો કે તમે જે બધું ઉપલબ્ધ કરી શકો છો અને કબજો મેળવી શકો છો તેના કરતાં જીવન ઘણું વિશેષ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 15/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 15/05/2024