Home Blog Page 1836

૧૫ મે, ૨૦૨૪

નોટ આઉટ @ 82 : કિરણભાઈ ઓઝા

સાતેય ખંડના 215 દેશોમાં મુસાફરી કરનાર, ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબના સભ્ય, ભાવનગરના વિશ્વ-પ્રવાસી કિરણભાઈ ઓઝાની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

કિરણભાઈનો જન્મ સંસ્કાર-નગરી ભાવનગરમાં. શાળાનું અને કોલેજનું શિક્ષણ ભાવનગરમાં. નાનું કુટુંબ. પિતા ફાર્મા-કંપનીમાં નોકરી કરતા. બીએસસી કર્યા પછી કિરણભાઈએ બે-ત્રણ મહિના શિક્ષક તરીકે નોકરી કરી. બીજી ગવર્મેન્ટ-જોબ મળી, પણ ફાવ્યું નહીં. તેમણે પણ ફાર્મા-કંપનીમાં નોકરી સ્વીકારી. 35 વર્ષ એક જ કંપનીમાં નોકરી કરી! હરવા-ફરવા માટે પાંચ વર્ષ વહેલા રિટાયર થયા! મિત્રએ ભેટ આપેલ પુસ્તક ‘અલગારી રખડપટ્ટી’ (રસિક ઝવેરી) વાંચ્યા પછી તેઓ વિદેશ ગયા. તેમને પહેલી મુસાફરીથી ખ્યાલ આવી ગયો કે એકલા ફરવામાં કોઈ તકલીફ નથી. ગમે ત્યાં વધારે રહી જવાય, ન ગમે ત્યાંથી તરત નીકળી જવાય. તેમની મુસાફરીનો સિદ્ધાંત ‘ખરીદી નહીં અને બધે ચાલતા અથવા પબ્લિક-ટ્રાન્સપોર્ટેશનમાં જવું.’ 100થી વધુ દેશોમાં, સાથે ઉત્તર કે દક્ષિણ-ધ્રુવની મુલાકાત લેનાર પ્રવાસીઓને મળતું “ટ્રાવેલર્સ સેન્ચ્યુરી કલબ”નું માનદ સભ્ય-પદ તેમને મળ્યું છે.

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

ભાવનગર હોય ત્યારે સવારે સાડા-પાંચે ઊઠે. ચા-પાણી કરી છાપુ વાંચે. ઘરના બગીચામાં બે-ત્રણ કલાક કામ કરે. માર્કેટનું / બેંકનું કામ હોય તો કરી આવે. પછી જમીને ઘરે આરામ કરે. રોટરી-ક્લબમાં અને સામાજિક પ્રવૃત્તિઓમાં સક્રિય છે. સગાં-સંબંધીઓ, મિત્રો ભાવનગરમાં નજીકમાં જ રહે છે, જેથી સાંજે બધાને મળવા-કરવામાં અને સામાજિક કામકાજમાં સમય જતો રહે છે.

શોખના વિષયો : 

ફરવાનો શોખ ઘણો. સાથે સાથે ફોટોગ્રાફીનો શોખ પણ ખરો. બાગ-કામ કરવાનું બહુ ગમે. સામાજિક-પ્રવૃત્તિમાં ઘણી રુચિ. લખવાનું ગમે, ચિત્રલેખા માટે ઘણા આર્ટીકલ લખેલા છે. સાથે-સાથે વાંચવાનું પણ બહુ ગમે. દિવસ આખો પ્રવૃત્તિમય રહે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

તબિયત સરસ છે! હાથ-પગ-ઘૂંટણની કોઈ તકલીફ નથી. 215 દેશોમાં જાતે જ ફર્યા છે. 150 દેશોમાં તો પત્ની (નલિની બહેન) પણ સાથે હતાં. બધે ચાલીને જ ફરવાનું. ચેર્નોબિલ, યુક્રેન (1985 બ્લાસ્ટ) જોવા 16 km ચાલીને ગયા હતા! આજની તારીખે પણ પાંચ કિલોમીટર સહેલાઈથી ચાલી શકે છે.

યાદગાર પ્રસંગ:  

ઓકલેન્ડમાં મિત્ર સાથે ફરવા નીકળ્યા. રસ્તામાં મિત્રના ભત્રીજાને મળવા રોકાયા. 50,000ની વસ્તીવાળું નાનું ગામ. મિત્રનો ભત્રીજો 20-21 વર્ષનો પરણેલો યુવાન, પત્ની પણ 19-20 વર્ષની. બંને ભણે, થોડું કામ કરે અને નાના ઘરમાં રહે. ઘરમાં નવ-દસ વર્ષનો મંદ-બુદ્ધિનો દીકરો. સાચવવો મુશ્કેલ હોય એવું લાગે. કિરણભાઈને નવાઈ લાગી: આ કોણ હશે? પહેલાં તો ભત્રીજાએ જવાબ આપ્યો નહીં પણ પછી ધીમેધીમે વાત કરી કે આ દીકરો એના મા-બાપ સાથે નજીકમાં રહે છે. એનાં મા-બાપ રોજ સાચવે પણ શનિ-રવિ કામ હોય, ખરીદી કરવાની હોય એટલે બાળકનું ધ્યાન રખાય નહીં. આ યુવાન યુગલ શુક્રવારે સાંજે તેને લઈ આવે. શનિ-રવિ પોતાની સાથે રાખે. સોમવારે સવારે તેને પાછો તેનાં મા-બાપને ઘેર મૂકી આવે! કિરણભાઈને બહુ આશ્ચર્ય થયું: તમે યુવાન છો, હરવા-ફરવાનો શોખ હોય એને બદલે આ કામ? એમણે જવાબ આપ્યો: આ બાળકનાં મા-બાપની  શનિ-રવિની તકલીફ દૂર થાય છે, એમને અનુકૂળતા રહે છે. એમનાં મોઢાં ઉપર જે આનંદ ઊભરાય છે તે જોઈને અમને આ કામ કરવાનું ગમે છે!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:  

આટલું બધું ફરવું હોય એટલે ટેકનોલોજી તો વાપરવી જ પડે! લેપટોપ ઘણાં વર્ષોથી વાપરે છે. ઇન્ટરનેટ આવ્યા પછી અનુકૂળતા વધી છે. બધા દેશોના વિઝા-ટિકિટો કોઇપણ એજન્ટની મદદ વગર જાતે ઇન્ટરનેટની મદદથી કરાવે છે. કામ પૂરતી ટેકનોલોજી વાપરી લે, વધારે ઊંડા ઊતરતા નથી. ટેકનોલોજી ઉયોગી વસ્તુ છે, આખી દુનિયામાં ઘેર બેઠાં-બેઠાં સંબંધો સાચવી શકાય છે. પરદેશમાં એટીએમના ઉપયોગથી પૈસાની તકલીફ રહેતી નથી. ઇમેલ, whatsapp, વિડીયો-કોલની મદદથી ઘણું બધું સરળ થઈ ગયું છે. ફ્રોડનો થોડોક ગેરફાયદો/ડર છે.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

શિક્ષણનું સ્તર ઘણું નીચે આવી ગયું છે. પરીક્ષામાં પાસ થતા યુવાનો પાસે જ્ઞાન-નોલેજ નથી. દેશ-પરદેશમાં ફરીએ ત્યારે લાગે કે આપણું શિક્ષણ-સ્તર ઘણું નીચું છે.

આજની પેઢી સાથે સંકળાયેલા છો? 

રોટરી-ક્લબ, ઇન્ડો-ફ્રેન્ચ ક્લબ અને બીજી સંસ્થાઓને કારણે યુવાનો સાથે સક્રિય છે. આજના યુવાનો શોર્ટકટ બહુ અપનાવે છે. તેમની પાસે જાતજાતનાં સર્ટિફિકેટ હોય પણ નોલેજ હોય નહીં, એનું દુઃખ છે.

સંદેશો :  

સમાજમાં, સંસ્થાઓમાં, બિન-જવાબદારીપણું ઘણું છે. માણસો પોતાની જવાબદારી સ્વીકારવા અને નિભાવવા બિલકુલ તૈયાર નથી. માણસોએ જવાબદારી સ્વીકારી અદા કરવી જોઈએ.

અરાજકતાની વચ્ચે આંતરિક શાંતિ કેવી રીતે પુનઃસ્થાપિત કરવી?

જીવન વિશેની સમજનો અને સ્પષ્ટતાનો અભાવ આપણી યુવા પેઢીને આત્યંતિક પસંદગી તરફ દોરીને લઈ જઈ રહી છે. યુવાઓ ઘણી ઊંચાઈઓ હાંસલ કરે છે અને ઘણી પડતી પણ અનુભવે છે. તેમને ત્વરિત નિરાકરણ, ત્વરિત પરિણામ જોઈતા હોય છે. તેમને એવું હોય છે કે બધું અત્યારે, આ ક્ષણે, જ થવું જોઈએ! જો યુવાઓ પોતાની આવશ્યકતા અને મહત્વકાંક્ષાને કેવી રીતે પહોંચી વળવું એ નહીં શીખે તો તેઓ ખોટી પસંદગીઓ કે જે અલ્પકાલીન રોમાંચની ખાતરી આપે છે તે માટે લલચાઈ જશે.

આજે યુવાઓ માનસિક બીમારીઓ, હતાશા અને આત્મહત્યાની વૃત્તિથી પહેલા ક્યારેય નહોતું જોવા મળ્યું એટલા પીડાઈ રહ્યા છે. જે સંખ્યામાં યુવા હિંસા અને અપરાધ આચરી રહ્યા છે તે ભયજનક છે અને જે પ્રમાણમાં તેઓ ધુમ્રપાન, મદ્યપાન અને નશીલી દવાઓના તાબે થઈ રહ્યા છે તેનો દર અત્યારે સૌથી ઊંચો છે.

યુવાઓને ઉત્સાહ વધતો રહે એવું જોઈતું હોય છે. આધ્યાત્મિકતા એવી ચાવી છે જે ઉત્સાહને જન્માવે છે, નિભાવે છે અને વધારે છે. આપણા યુવાઓએ એ જાણવું જરૂરી છે કે તેઓ જે માનવતા સાથે જન્મ્યા છે તેને ગુમાવ્યા વગર સર્જનાત્મક અને ઉત્પાદક થઈ શકે છે. તેઓએ એ પણ જાણવું જોઈએ કે તેમનામાં ઘણી ક્ષમતા અને તાકાત છે જેનાથી તેઓ જે ઈચ્છે તે ઉપલબ્ધ કરી શકે છે. તેઓ ભૌતિક સમૃધ્ધિ અને અનુકૂલનની એટલી પરાકાષ્ઠા અનુભવે છે કે જીવન ઉત્તેજનાથી સંતૃપ્ત થઈ ગયું છે. માત્ર ભૌતિક વસ્તુઓ કે આરામદાયક બાબતો વ્યક્તિને ખરેખર અનુકૂળતામાં નથી રાખતી. દરેક વ્યક્તિ sense of નિર્મળતા, સ્થિરતા,આંતરિક શાંતિ અને નિષ્કપટ પ્રેમ ઝંખે છે. આધ્યાત્મિકતા આ તમામ આપી શકે છે.

 

ભારતીય આધ્યાત્મિકતાના મુખ્ય અભિગમમાંનો એક છે સેવા. યુવાઓમાં તાકીદની જરૂરીયાતના સમયે સેવા કરવા માટે પૂરતી ઊર્જા હોય છે. જો વ્યક્તિ સેવાને જીવનનો એક માત્ર ઉદ્દેશ બનાવે છે તો તેનાથી તેના ભય દૂર થાય છે, મનમાં એકાગ્રતા આવે છે, કાર્ય હેતુલક્ષી બને છે અને દીર્ઘકાલીન આનંદ પ્રાપ્ત થાય છે.

આપણા યુવાઓને જે ભય અને હતાશા પાછા પાડે છે તે નાબુદ કરવા આધ્યાત્મિકતામાંનો સેવાનો અભિગમ
અપનાવવો જોઈએ. સેવાથી હંમેશા મોટા ફાયદા મળે છે. તે હતાશા સામે સૌથી અસરકારક ઉપાય છે. જે દિવસે તમને નિરાશાજનક, ત્રાસજનક અને વધારે ખરાબ લાગે ત્યારે પોતાના રુમમાંથી બહાર નીકળો અને લોકોને પૂછો, “હું તમારા માટે શું કરી શકું છું?”. તમે જે સેવા કરશો તે તમારામાં ક્રાંતિ સર્જશે. જ્યારે તમે અન્યોને સહાયરૂપ થવામાં વ્યસ્ત થાવ છો ત્યારે તમને સમજાશે કે ઈશ્વર તમારી બહુ સરસ રીતે સંભાળ લઈ રહ્યા છે અને નિરાશા પ્રેમ અને કૃતજ્ઞતામાં પરિવર્તિત થાય છે. એનાથી વિરુદ્ધ, જ્યારે તમે આવા પ્રશ્નો પૂછો છો કે “શા માટે હું?” અથવા “મારું શું થશે?”તો તમે હતાશા તરફ ધકેલાવ છો.

આજે આપણા યુવાઓમાં રુકાવટ એ સૌથી મોટી સમસ્યા છે. લોકો તેમના વિશે શું વિચારશે તે વિશે તેઓ બહુ ચિંતા કરે છે. એનાથી તેમની નિર્ણય શક્તિ પર ઘણી પ્રતિકૂળ અસર થાય છે. કયા કપડા પહેરવા, કયો મોબાઈલ ખરીદવો જેવા સાવ નાના નિર્ણયોથી લઈને કઈ કારકિર્દી પસંદ કરવી જેવા ખૂબ અગત્યના નિર્ણયોમાંથી મોટા ભાગના નિર્ણયો સમજદારી અને તાર્કિક પસંદગીના બદલે બીજા તેમને વિશે શું વિચારશે એના પર આધાર રાખીને લેવાય છે. પ્રાણાયામ અને ધ્યાન જેવી આધ્યાત્મિક પ્રક્રિયાઓ યુવાઓને આ રુકાવટ દૂર કરવામાં મદદ કરી શકે છે.

મનની વૃત્તિ નકારાત્મકને વળગી રહેવાની હોય છે. એમાંથી મુક્ત થવા યુવાઓએ પોતાની જવાબદારી લેવાની અને પોતાના મન પૂર્વગ્રહથી ભરપૂર નથી થઈ ગયા એની ખાતરી કરવાની જરૂર હોય છે. નકારાત્મક લાગણીઓ સાથે લડશો નહીં કે મિત્રતા પણ કેળવશો નહીં. યુક્તિ,શ્વાસ અને યોગ્ય દ્રષ્ટિકોણથી તમામ નકારાત્મકતા દૂર કરી શકાય છે.
યુવાઓએ જીવનમાં નિષ્ફળતાથી ગભરાવું ના જોઈએ. સ્વીકાર કરી લો:’ઠીક છે, હું નપાસ થવાનો છું. તેથી શું થઈ ગયું? મારે હજી પણ આ ચાલુ રાખવું છે. ‘તમે કોઈ રમત રમતા હોવ એવું આ છે, તમે જીતો કે હારો, તમે રમત રમો છો. એ જ રીતે નિષ્ફળતાથી ડરો નહીં. જો તમે નિષ્ફળ જાવ છો તો મનમાં ના લો, તમારા પ્રયત્નો ચાલુ રાખો.

જીવન બધી બાબતોનું મિશ્રણ છે: નિષ્ફળતા અને સફળતા- તે એકબીજાના પૂરક છે. જો તમે નિષ્ફળ થાવ છો તો તમને સફળતાની કિંમત સમજાય છે, એ આગળ ધપવા માટે એક સોપાન બની રહે છે. તમારે આગળ ધપવું જોઈએ. પોતાની જાતને પૂછો, હું ભૂતકાળમાંથી શું શીખ્યો, અને પછી ભવિષ્ય માટે મારી શું પરિકલ્પના છે? એનાથી તમે તમારા પ્રયાસો ચાલુ રાખી શકશો. એ માટે તમારામાં સમયસૂચકતા હોવી જરૂરી છે અને એને માટે તમારું તનાવમુક્ત થવું જરૂરી છે. ખેલાડી બનો અને નહીં કે કોઈનું પ્યાદું. તમારે ખેલાડી બનવું જ જોઈએ અને પોતાની જાતને સશકત બનાવવી જોઈએ. યાદ રાખો કે તમે જે બધું ઉપલબ્ધ કરી શકો છો અને કબજો મેળવી શકો છો તેના કરતાં જીવન ઘણું વિશેષ છે.

(શ્રી શ્રી રવિશંકરજી)

(આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરજી વૈશ્વિક સ્તરે માનવીય મૂલ્યોનાં ઉત્થાન માટે કાર્યરત છે અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના પ્રણેતા છે.)

રાશિ ભવિષ્ય 15/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, ધાર્મિક,સામાજિક કારણસર મુસાફરી થઈ શકે છે, મિત્રોકે પરિચિત વ્યક્તિથી કોઈ સારાકામ માટેની ચર્ચા વિચારણા થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ મળે તેમજ તમારા અન્ય કોઈ કામનું આયોજન પણ થઇ શકે, વેપારમાં નાનું કામ કરવુ સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી રાખવી, વાણીવર્તન પર કાબુ રાખવો જરૂરી છે, પડવા,વાગવાથી સંભાળવુ, ઘરમાં વડીલકે ઓફીસમાં ઉપલી અધિકારી સાથે ગેરવર્તનના થાયતે બાબતથી સંભાળવું, એલર્જી,ચામડી, લોહી, સ્ત્રીદર્દના દર્દીએ તકેદારી રાખવી, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ તમારો સારો છે તમે આનંદ,ખુશીની લાગણી અનુભવો, તમારા મનની વાત કોઈ સમજી શકે નોકરીકે વ્યવસાયમાં ફેરબદલીની ઈચ્છા કરનાર માટે સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે, કોઈપણ કામનું આયોજન સારી રીતે થઇ શકે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારી વાત થાય.


આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, તમારી કોઈપણ મિલનમુલાકાત નવીવાત કરાવે, કોઈ પ્રસગોપાત મુસાફરી થઇ શકે છે , અણધાર્યા નાણાકીયખર્ચ પણ આવી શકે, માર્કેટિંગક્ષેત્રમાં જુના અટકેલાકામ કરવાથી લાભ થઈ શકે છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, થાકની અસર વધુ જોવા મળી શકે છે.


આજનો દિવસજો તમે શાંતિ અને કુનેહથી પસાર કરોતો તમે કોઈપણ પ્રકારની સમસ્યાથી દુર રહી શકો, ખટપટી વ્યક્તિથી દુર રહેવું, કામકાજ દરમિયાન તમને થોડો સહકાર ઓછો મળી શકે છે તેમજ અન્યના કામકાજની ભૂલથી તમારા સમયનો પણ વ્યય થઇ શકે છે. વેપારના કામકાજમાં જોખમન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, તમને થોડી કોઈ કારણસર માનસિકચિંતાના કારણે અજંપો રહે, કામકાજમાં ધીરજ અને શાંતિનો અભાવ વર્તાય. દલાલી, કમીશન,માર્કેટિંગ ક્ષેત્રમાં પ્રતિસાદ ઓછો જોવા મળી શકે, વેપારમાં નાનું કામકાજ કરવુંજ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં દલીલબાજીના કરવી.


આજનો દિવસ સારો છે, તમારી લાગણીને સારો સંતોષ અને ખુશી મળે, કામકાજનો પ્રતિસાદ સારો રહે પસંદગીના કાર્ય કરવાથી તમને ઉત્સાહ વધે, પરિચિત સાથે મિલનમુલાકાતનો પ્રતિસાદ સારો મળે, જે લોકો સ્પર્ધાત્મકપરીક્ષા આપનાર છે તેઓ માટેવધુ મેહનત સારી, વેપારમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે થોડી સાવચેતી રાખવી જરૂરી છે ,ક્યાય તમારી ટીકાકે તમારી સામે દલીલબાજીથી તમે નાખુશી અનુભવો. હિતશત્રુથી દુર રહેવું, વાણીવિલાસ દરમિયાન ખોટાશબ્દપ્રયોગના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, વેપારના કામકાજમાં જોખમન કરવું,ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, તમાંરી લાગણી કદર સારી રીતે થાય જુનાપ્રસોંગો યાદ આવવાથી ખુશી અનુભવાય, ભૂતકાળમાં કોઈની સાથે મનદુઃખ થયું હોયતો તેને સુધારવાની તક મળે સામાજિક,ધાર્મિક, રાજકીય કામકાજમાં તમને યોગ્ય પ્રતિસાદ મળે. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજના દિવસે ચોકસાઈ અને ધીરજ રાખવી જરૂરી છે, તમારી વિચારસરણી થોડી નકારત્મક થાય તેવું બની શકે છે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું, મુસાફરી કંટાળાજનક રહે, કમર, હાડકા,માથાની તકલીફથી સાચવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, અગત્યના નિર્ણય લેતા પેહલા વાત ચકાસવી જરૂરી છે.


આજનો દિવસ સારો છે, તમારા ધાર્યાકામ પાર પડે અને નસીબ પણ સાથ આપે, તમારી સાથે થયેલ કોઈ મિલનમુલાકાત યાદગાર બને તેવું થઈ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારા પરિચિત સાથે કામકરવાથી ફાયદો થઇ શકે છે. થોડી ધાર્મિકભાવના પણ વધુ જોવા મળે, વેપારના કામકાજમાં લાભ થવાના યોગ વધુ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયનો બગાડ થઈ શકે છે, અપચા,પેટ ગેસના દર્દીએ સાચવવું, મેનેજમેન્ટ,સરકારીક્ષેત્ર,જાહેજીવનના કામકાજમાં માનસિકથાકની લાગણી વધુ જોવા મળી શકે છે. વેપારના કામકાજમાં નાનું કામકાજ યોગ્ય છે, ખોટીવાતથી દોરવાઈના જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે.

પંચાંગ 15/05/2024

IPL 2024 : દિલ્હી કેપિટલ્સે લખનૌને 19 રનથી હરાવ્યું

દિલ્હી કેપિટલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું છે. ડીસી તરફથી ઈશાંત શર્માએ 3 વિકેટ લઈને ટીમની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. પહેલા રમતા દિલ્હીએ 208 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. આ મોટા લક્ષ્યનો પીછો કરતી વખતે એલએસજીના બેટ્સમેનો મોટી ભાગીદારી કરી શક્યા ન હતા. લખનૌ તરફથી નિકોલસ પુરને સૌથી વધુ રન બનાવ્યા હતા. પુરણે 27 બોલમાં 61 રનની તોફાની ઇનિંગ દરમિયાન 6 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. આઈપીએલ 2024માં સદી ફટકારનાર માર્કસ સ્ટોઈનિસ સિવાય કેપ્ટન કેએલ અને અન્ય ઘણા બેટ્સમેન રનના મામલે ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા નથી. દિલ્હી કેપિટલ્સ તરફથી ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવે પણ સારી બોલિંગ કરી હતી. આ જીત સાથે, દિલ્હીને 14 પોઈન્ટનો ફાયદો થયો છે, પરંતુ ખરાબ નેટ રન-રેટને કારણે, DCની પ્લેઓફમાં જવાની શક્યતાઓ ખૂબ જ પાતળી લાગે છે. દરમિયાન, એલએસજીની હારને કારણે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગઈ છે.

મોટા લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. એલએસજીએ 24 રનની અંદર કેએલ રાહુલ અને ક્વિન્ટન ડી કોકના રૂપમાં બંને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી. પાવરપ્લેના અંત સુધીમાં LSGનો સ્કોર 59 રન હતો, પરંતુ ટીમે 4 વિકેટ પણ ગુમાવી દીધી હતી. નિકોલસ પુરન એક છેડેથી મક્કમ ઊભો હતો, પરંતુ બીજી તરફ દીપક હુડા અને આયુષ બદોની માત્ર 6 રન બનાવીને આઉટ થઈ ગયા હતા. પુરન આક્રમક બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ 12મી ઓવરમાં મુકેશ કુમારે તેને અક્ષર પટેલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. આ દરમિયાન કૃણાલ પંડ્યા અને અરશદ ખાન વચ્ચે 33 રનની ભાગીદારી થઈ હતી, પરંતુ 15મી ઓવરમાં કૃણાલ 18 બોલમાં 18 રન બનાવીને આઉટ થઈ ગયો હતો. છેલ્લી 5 ઓવરમાં લખનૌને જીતવા માટે 74 રનની જરૂર હતી. સ્થિતિ એવી હતી કે દિલ્હીને છેલ્લી 3 ઓવરમાં 42 રન બનાવવાના હતા અને આ દરમિયાન અરશદ ખાને 25 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી હતી. મુકેશ કુમારે 19મી ઓવરમાં માત્ર 6 રન આપીને એલએસજીને જીતવા માટે છેલ્લા 6 બોલમાં 23 રન બનાવ્યા હતા. રસિક દાર સલામે છેલ્લી ઓવરમાં માત્ર 3 રન આપ્યા, જેના કારણે દિલ્હીએ 19 રને મેચ જીતી લીધી. લખનૌ માટે અરશદ ખાને 33 બોલમાં 58 રનની અણનમ ઇનિંગ રમી હતી.

દિલ્હીએ પ્રથમ બેટિંગ કરીને મજબૂતી બતાવી હતી

દિલ્હીનો ઓપનિંગ બેટ્સમેન જેક ફ્રેઝર મેકગર્ક આજે કંઈ જ અદભૂત બતાવી શક્યો ન હતો, જે શૂન્યના સ્કોર પર આઉટ થયો હતો. આ દરમિયાન અભિષેક પોરેલે 33 બોલમાં 58 રનની ઝડપી ઇનિંગ રમતા 5 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા હતા. તેણે શે હોપ સાથે 92 રનની ભાગીદારી નોંધાવી હતી, જેણે 27 બોલમાં 38 રન બનાવ્યા હતા. ઋષભ પંતે 23 બોલમાં 33 રનની ઇનિંગ રમી હતી, પરંતુ ડીસી માટે ટ્રિસ્ટન સ્ટબ્સ હીરો સાબિત થયો હતો. સ્ટબ્સે છેલ્લી ઓવરોમાં માત્ર 25 બોલમાં 57 રન બનાવ્યા અને આ ઇનિંગ દરમિયાન 3 ચોગ્ગા અને 4 છગ્ગા પણ ફટકાર્યા.

બોલિંગમાં દિલ્હીનો અનોખો પ્રયોગ

લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં દિલ્હી કેપિટલ્સના કેપ્ટન રિષભ પંતે એક અનોખા પ્રયોગમાં 8 બોલરોનો ઉપયોગ કર્યો હતો. ઈશાંત શર્મા, મુકેશ કુમાર અને કુલદીપ યાદવ જ ત્રણ બોલર હતા જેમણે પોતપોતાના સ્પેલની 4 ઓવર પૂરી કરી હતી. ઈશાંતે 3 વિકેટ ઝડપી હતી જ્યારે કુલદીપ અને મુકેશ માત્ર એક-એક વિકેટ લઈ શક્યા હતા. તેમના સિવાય ખલીલ અહેમદ, અક્ષર પટેલ અને ટ્રિસ્ટન સ્ટબ્સે પણ બોલ સાથે અજાયબીઓ કરી હતી અને એક-એક વિકેટ લીધી હતી.

મુંબઈ નોર્થ: પીયુષ ગોયલના વચનો કે પછી ભૂષણ પાટીલનો આત્મવિશ્વાસ

મુંબઈ નોર્થ લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્રના 48 સંસદીય મતવિસ્તારોમાંથી એક છે. બોરીવલી, દહિસર, મગથાણે, કાંદિવલી પૂર્વ, ચારકોપ અને મલાડ વેસ્ટ લોકસભા મતવિસ્તાર આ લોકસભા મતવિસ્તારમાં સામેલ છે.મુંબઈ ઉત્તર મતવિસ્તાર, જે ભાજપનો ગઢ માનવામાં આવે છે, જ્યાં કેન્દ્રીય પ્રધાન પીયુષ ગોયલ અને ત્રણ દાયકાથી વધુ સમયથી કોંગ્રેસના કાર્યકર ભૂષણ પાટીલ વચ્ચે સીધી લડાઈ જોવા મળશે.

ભાજપે મુંબઈમાં સૌથી પહેલા મુંબઈ નોર્થ પર ઉમેદવાર તરીકે પીયૂષ ગોયલનું નામ જાહેર કરી દીધું હતું. જ્યારે કોંગ્રેસે નામાંકન ભરવાના છેલ્લા દિવસો પહેલા જ ભૂષણ પાટીલના નામની જાહેરાત કરી. આ વિસ્તારમાં મરાઠી અને ગુજરાતી મતદારોનું પ્રમાણ વધારે છે.

ભાજપની વાત કરીએ તો 1991થી નવમાંથી સાત વખત ભાજપે આ મતવિસ્તાર પર પ્રભુત્વ જાળવી રાખ્યું છે. ભાજપના વરિષ્ઠ નેતા અને વાજપેયી સરકારના ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી રામ નાઈકે 1989 અને 2004 વચ્ચે 15 વર્ષ સુધી આ મતવિસ્તારમાં સાંસદ તરીકે પોતાનું પદ સંભાળ્યું હતું.મતદાનના અગાઉની પેટર્ન જોતાં એવું લાગે તે મુંબઈ નોર્થ વિસ્તારમાં મતદારો ભાજપની તરફેણમાં રહ્યાં છે, પછી તે ગુજરાતી મતદારો હોય કે મરાઠી.

2004ની લોકસભા ચૂંટણીમાં ગોવિંદા કોંગ્રેસ માટે આ સીટ જીતવામાં સફળ રહ્યા હતા. બાદમાં સંજય નિરુપમે ત્યાં પ્રભુત્વ જાળવી રાખ્યું હતું, જેઓ હવે 2009માં એકનાથ શિંદેની આગેવાની હેઠળની સેનામાં જોડાયા છે.જોકે, ભાજપે 2014 અને 2019 બંનેમાં લોકસભા ચૂંટણી જીતનાર ગોપાલ શેટ્ટીને મેદાનમાં ઉતારીને આ સીટ જીતી લીધી હતી.

ચૂંટણી પંચ (EC)ના ડેટા અનુસાર, મુંબઈ માં નોર્થમાં 18.03 લાખ નોંધાયેલા મતદારો છે, જેમાં મરાઠી, ગુજરાતી, મારવાડી અને ઉત્તર ભારતીયોની નોંધપાત્ર વસ્તીનો સમાવેશ થાય છે. આ સમુદાયો ઉપરાંત મુંબઈ ઉત્તરમાં મુસ્લિમો પણ છે, જેઓ લાયક મતદારોમાં 19% હિસ્સો ધરાવે છે, જ્યારે 7% મતદારો અનુસૂચિત જાતિ (SC) અને અનુસૂચિત જનજાતિના છે.

મતવિસ્તારની વસ્તીએ ઐતિહાસિક રીતે ભાજપની તરફેણ કરી છે.

મુંબઈ નોર્થ મતવિસ્તારમાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે- મલાડ, ચારકોપ, કાંદિવલી (પૂર્વ), મગાથાણે, બોરીવલી અને દહિસર. આમાંથી પાંચ બેઠકો પર સત્તાધારી ભાજપ-શિવસેના ગઠબંધનના વર્તમાન ધારાસભ્યો છે જ્યારે મલાડ બેઠક કોંગ્રેસની છે. આ જગ્યા ભાજપના ગઢ તરીકે ઓળખાય છે,ત્યારે મરાઠી મતદારો ચૂંટણી પરિણામોને આકાર આપવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.આથી કોંગ્રેસે આ મતવિસ્તારમાં ચૂંટણી લડવાની અનિચ્છા દર્શાવી છે.

કોંગ્રેસના ભૂષણ પાટીલ માને છે કે 32 વર્ષથી આ મતવિસ્તારમાં રહેતા સ્થાનિક તરીકે તેઓ ગોયલ કરતાં મતદારો સાથે વધુ મજબૂત જોડાણ ધરાવે છે.

“મોદીજી (નરેન્દ્ર મોદી) એ ભારતને વિકસીત ભારત બનાવવા માટે સ્પષ્ટ આહ્વાન આપ્યું છે અને અમે ભારત-યુગમાં જીવી રહ્યા છીએ. તે દિવસ દૂર નથી, જ્યારે ભારત વિશ્વ ગુરુ બનીને ઉભરી આવશે અને રાષ્ટ્રને સકારાત્મક દિશા તરફ લઈ જવાની આપણા દરેકની જવાબદારી છે ” ગોયલે તેમના એક અભિયાનમાં કહ્યું હતું.

છેલ્લા એક મહિનાથી કેન્દ્રીય મંત્રી વેપારી સમુદાયના સભ્યો, સ્થાનિકો, વિદ્યાર્થીઓ તેમજ વરિષ્ઠ નાગરિકો સાથે બેઠકો કરી રહ્યા છે. ગોયલ પણ તેમના મતદારો સાથે તાલમેલ બનાવવાના પ્રયાસમાં મોર્નિંગ વોકર્સમાં જોડાતા અને યોગ સત્રોમાં ભાગ લેતા જોવા મળ્યા હતા.

તેવી જ રીતે,ભૂષણ પાટીલ ઉત્તર મુંબઈની લેન અને બાય-લેન દ્વારા પ્રચાર કરતા, ઘરોની મુલાકાત લેતા અને રોડ શો કરતા જોવા મળે છે. પાટીલ, જેઓ સ્થાનિક કોળી સમુદાયના પણ છે, તેમણે મડ અને ગોરાઈમાં માછીમારીના ગામોની પણ મુલાકાત લીધી હતી.

મુંબઈ નોર્થ મતવિસ્તારમાં સ્થાનિક મુદ્દાઓનો પોતાનો હિસ્સો છે. છેલ્લા એક દાયકામાં અરબી સમુદ્રના પ્રવેશદ્વાર એવા મડ અને વર્સોવા ખાડીઓના કિનારાને અડીને આવેલા ગેરકાયદેસર અતિક્રમણના ઉદ્ભવને કારણે મેન્ગ્રોવના વૃક્ષો કાપવામાં આવતાં ગ્રીન કવરને નોંધપાત્ર નુકસાન થયું છે. આ ઉપરાંત પોઈસર અને દહિસર નદીઓ પણ દર વર્ષે ચોમાસામાં પૂરનું કારણ બને છે.

વર્તમાન સાંસદ તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન ગોપાલ શેટ્ટીએ અતિક્રમિત જમીનોને જાહેર જનતા માટે ખુલ્લી જગ્યાઓમાં પરિવર્તિત કરવા માટે લોકપ્રિયતા મેળવી હતી.

મુંબઈ ઉત્તરમાં છ વિધાનસભા બેઠકોનો સમાવેશ થાય છે, જેમાંથી ચાર ભાજપ પાસે, એક એકનાથ શિંદેની શિવસેના પાસે અને એક કોંગ્રેસ પાસે છે.

કોમી એકતા માટે જાણીતા પીરાણાનો ઇતિહાસ શું છે, કેમ થાય છે ત્યાં વિવાદો

અમદાવાદથી અંદાજે 18 કિલોમીટરના અંતરે આવેલું પીરાણા ગામ હિંદુ-મુસ્લિમ એકતાનું પ્રતીક ગણાતું. જો કે પીરાણા ગામ સાથે જોડાયેલી દરગાહ અને મંદિર હાલ વિવાદોના કારણે ચર્ચામાં છે. ત્યારે જાણીએ આ વિવાદો થાય છે કેમ? શું છે પીરાણાનો ઇતિહાસ?

માત્ર અમદાવાદીઓ માટે જ નહીં પરંતુ ગુજરાત અને બહારના રાજ્યો માટે પણ પીરાણા હંમેશા ધાર્મિક આસ્થાનું કેન્દ્ર રહ્યું છે. દાયકાઓથી અહીં હિંદુ-મુસ્લિમ ઈશ્વર અને અલ્લાહની બંદગી કરતા આવ્યા છે. જો કે એની સાથે આ સ્થળ વિવાદોમાં પણ રહે છે.

 પીરાણાનો ઈતિહાસ

પીરાણા ગામના ઈતિહાસની વાત કરીએ તો અહીં લગભગ દર ત્રીજું ઘર મુસ્લિમ સમુદાયનું છે. 600 વર્ષ જૂની આ દરગાહ એક સમયે હિંદુ-મુસ્લિમની એકતાનું પ્રતીક ગણાતી હતી. 1939માં આ સ્થળે પીરાણા ઇમામશાહ બાવા રોઝા ટ્રસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં 11 હિંદુ અને 3 મુસ્લિમ ટ્રસ્ટીઓ છે. હિન્દુ ટ્રસ્ટીઓ સતપંથી અને મુસ્લિમ સૈયદ ટ્રસ્ટીઓ સદાત તરીકે ઓળખાય છે. આમ તો હજરત પીર ઇમામશાહ બાવા વિશે અનેક કથાઓ છે પણ એમના જીવન વિશે સતપંથ શાસ્ત્ર, તવારીખે-એ-પીર અને ગુજરાતના ઓલિયાઓ એમ ત્રણ પુસ્તકોમાંથી સંકલિત કરીને ઇમામશાહી સાદાત કમિટિએ  ફુરકે ઇરાકી અલ હુસૈની પુસ્તક પ્રકાશિત કર્યુ હતું. જેમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 600 વર્ષ પહેલાં ઇમામશાહ બાવા સતપંથના પ્રચાર માટે ગુજરાત આવ્યા હતા. ત્યારે મહમદ બેગડાએ એમની સાથે ગુસ્તાખી કરી હતી. ઇમામશાહ બાબા એ  સમયે નારાજ થયા ત્યારે મહમદ શાહ બેગડો ડરી જતા એમને એક બળદગાડું આપ્યું હતું. પુસ્તકમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે એમણે જ્યાં મુકામ કર્યો ત્યાં સતપંથી ધર્મના લોકોમાં ધીરે ધીરે વધારો થયો. ઇમામશાહ બાબાની પીર તરીકે ખ્યાતી થઈ. કહેવાય છે કે પીર પરથી જ આ જગ્યાનું નામ પીરાણા પડ્યું છે. આ પીરના વંશજોની એક દરગાહ ખંભાત અને પાટણમાં છે. જ્યાં કુંભાર, કાછીયા, ગોળ, કડિયા, મોઢ ઘાંચી, કંદોઈ અને ભાવસાર જેવા અનુયાયીઓ છે.

 વિવાદની શરૂઆત

1992માં દેશમાં થયેલી હિંસા બાદ પીરાણાના મુસ્લિમોને 1993માં દરગાહમાં પ્રવેશ કરતા રોકવામાં આવ્યા હતા. જેની સામે કોર્ટમાં કેસ થયો હતો અને મુસ્લિમોને પ્રવેશ નહીં આપવા પર સ્ટે ઑર્ડર આપ્યો હતો. 2002ની હિંસા પછી અહીં તારની વાડ બનાવવામાં આવી હતી. 2020માં બાબા રોઝા સંસ્થાએ રિનોવેશનની મંજૂરી માંગી હતી. તત્કાલીન કલેક્ટરે સ્ટ્રક્ચરના ઢાંચામાં કોઈ ફેરફાર કાર્ય વગર રિપેર કરવાની મંજૂરી આપી હતી. પરંતુ 20 જાન્યુઆરી, 2022માં અહીં તારની વાડની જગ્યાએ દીવાલ બનવાનું શરૂ થતાં વિવાદની શરૂઆત થઈ. ત્યાર પછી 16 માર્ચ 2022ના દિવસે દરગાહ સંકુલમાં ભગવાનની મૂર્તિઓ લગાડી દેવામાં આવી. જેના કારણે ફરી વિવાદ શરૂ થયો.

હવે તાજેતરમાં જ પીરાણા દરગાહમાં કબરોને સમાધી બનાવી દેવાનો કિસ્સો અને મૂર્તિઓને નુકશાન પહોંચાડવાનો કિસ્સો સામે આવતા ત્યાંના બે જૂથ સામ સામે આવી ગયા. જો કે અત્યારે પીરાણાની સ્થિતિ પોલીસ વિભાગના કાબુમાં છે. પરંતુ ત્યાંના રહીશો, અને વેપાર કરતા લોકો માટે વારંવાર થતા આવા વિવાદો મુશ્કેલી ઉભી કરે છે.

ગણિકાઓ પર બનેલી ફિલ્મો અને વેબ સીરિઝ પર એક નજર..

બોલિવૂડમાં તમામ પ્રકારની ફિલ્મો બની છે, જેમાં ગણિકાઓ પર આધારિત ફિલ્મો લોકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે. પાકીઝા, ઉમરાવ જાન, દેવદાસ, ગંગુબાઈ કાઠિયાવાડી જેવી અનેક ફિલ્મો છે જે આજે યાદ કરાય છે. હવે ફિલ્મ મેકર સંજય લીલા ભણસાલીની ઓટીટી પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બઝાર’ હાલ ચર્ચામાં છે. ત્યારે ચાલો ગણિકા પર આધારિત આધારિત ફિલ્મો અને વેબ સિરીઝ પર એક નજર કરીએ.

પાકિઝા

‘ચલતે ચલતે યૂ હી કોઈ મિલ ગયા થા’ આ ગીત ઓલ ટાઈમ હીટ છે. 1972માં આવેલી પાકિઝા ફિલ્મના આ ગીતમાં મીના કુમારીને જોઈને રાજકુમાર એક ગણિકા પર દીલ હારી બેઠા હતા. મીના કુમારીએ ફિલ્મ ‘પાકીઝા’માં ગણિકા સાહિબજાનની ભૂમિકા ભજવી હતી.

ઉમરાવ જાન

રેખાએ 1981માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ઉમરાવ જાન’માં ગણિકાની ભૂમિકા ભજવી હતી. આ ફિલ્મ મુઝફ્ફર અલીએ ડિરેક્ટ કરી હતી. જેમાં મિર્ઝા હાદી રુસ્વા દ્વારા લખાયેલી નવલકથા ઉમરાવ જાન અદા પર આધારિત હતી. બોલિવૂડની પીઢ અભિનેત્રી રેખાએ આ ફિલ્મમાં લખનૌની ગણિકા ઉમરાવ જાનની ભૂમિકા ભજવી હતી. જેનું બાળપણનું નામ અમરીન હતું પરંતુ એક ઘટના બાદ તે મજબૂરીમાં ગણિકા બને છે.

મંડી

વર્ષ 1983માં રિલીઝ થયેલી આ ફિલ્મનું નિર્દેશન શ્યામ બેનેગલે કર્યું હતું. ફિલ્મમાં શબાના આઝમી, સ્મિતા પાટીલ, નસીરુદ્દીન શાહ, નીના ગુપ્તા અને ઓમપુરી જેવાં ખમતીધર કલાકારોએ દમદાર અભિનય કર્યો હતો.

દેવદાસ

માધુરી દીક્ષિતે સંજય લીલા ભણસાલીની ફિલ્મ ‘દેવદાસ’માં ગણિકાનો રોલમાં કર્યો હતો. શાહરૂખ ખાન, ઐશ્વર્યા રાય અને માધુરી દીક્ષિતની ફિલ્મ દેવદાસને રિલીઝ થયાના વર્ષો પછી પણ લોકો પસંદ કરે છે. દેવદાસ અને પારો વચ્ચેની આ પ્રેમકથામાં ગણિકા ચંદ્રમુખીનો પ્રેમ જોવા જેવો હતો.

ગંગુબાઈ કાઠિયાવાડી  

ભણસાલીની અન્ય એક ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’  પણ ગણિકાઓ પર આધારિત છે. આ ફિલ્મમાં આલિયાએ ગંગુબાઈની ગણિકાની ભૂમિકા ભજવી હતી. આલિયા ભટ્ટ અભિનીત ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ ગંગાની સત્ય ઘટના પર આધારિત છે, જે ફિલ્મ સ્ટાર બનવા માટે ઘરેથી ભાગી જાય છે, પરંતુ એને વેશ્યાવૃત્તિમાં ધકેલી દેવામાં આવે છે. એ ગણિકાઓને અઠવાડિયામાં એકવાર રજા આપવાની હિમાયત કરે છે. ગંગુબાઈ પાછળથી એ વેશ્યાલયની માલિક અને માફિયા રાણી બની જાય છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર બ્લોક બસ્ટર સાબિત થઈ હતી.

ચમેલી

2004માં રિલીઝ થયેલી ફિલ્મ ‘ચમેલી’માં કરીના કપૂર લીડ રોલમાં હતી. આ ફિલ્મમાં એક વિધુર પુરુષ અને વેશ્યા વચ્ચેની મિત્રતાની કહાની હતી.

બેગમ જાન

આ ફિલ્મ 2017માં રિલીઝ થઈ હતી અને એમાં વિદ્યા બાલને ‘બેગમ જાન’નો રોલ કર્યો હતો. આ ફિલ્મ બેગમ જાન પર આધારિત હતી. ફિલ્મના અંતમાં પોતાની કોઠી છોડવાના બદલે ગણિકાઓ જોહર કરે છે.

ચાંદની બાર

આ ફિલ્મનું નિર્દેશન મધુર ભંડારકરે કર્યું છે, ફિલ્મમાં તબ્બુનાં અભિયનની ખૂબ પ્રશંસા થઈ હતી. પોતાના સંતાનોને આ બદીથી દૂર રાખવા મથતી માતા અંતે દીકરીને જાતે જ બારમાં ડાન્સ કરવા મોકલે છે. ફિલ્મમાં દમદાર અભિનય માટે તબુને નેશનલ ફિલ્મ એવોર્ડ પણ મળ્યો હતો.

હીરામંડી ધ ડાયમંડ બઝાર

મનીષા કોઈરાલા, અદિતિ રાવ હૈદરી, રિચા ચઢ્ઢા, સંજીદા શેખ, શર્મિન સેહગલ અને સોનાક્ષી સિંહાએ 1 મેના રોજ OTT પર રિલીઝ થયેલી વેબ સિરીઝ ‘હીરામંડી ધ ડાયમંડ બઝાર’માં મહત્વની ભૂમિકાઓ ભજવી છે. આ ફિલ્મ ગણિકાઓના જીવન પર આધારિત છે. જેમાં મનીષા કોઈરાલાએ મલ્લિકાજનનું પાત્ર ભજવ્યું છે, જેને હવેલીમાં રહેતા રાજઓ પણ ખુબ માન આપે છે. આ સિવાય અદિતિ રાવ હૈદરીએ મલ્લિકાજાનની દીકરી બિબ્બોજાનની ભૂમિકા ભજવી છે. સંજીદા શેખે મલ્લિકાજાનની નાની બહેન ફહિદાની ભૂમિકા ભજવી છે. રિચાએ લજ્જોની ભૂમિકા ભજવી છે, શર્મિન સહગલે આલમઝેબની ભૂમિકા ભજવી છે. આ સિરીઝમાં સોનાક્ષી સિંહાએ રેહાના આપા અને ફરદીનનું એમ બે પાત્રો ભજવ્યા છે. ફિલ્મમાં ગણિકાઓના રાજકારણથી પોતાનો એક્કો જમાવવા સગી બહેનને મારી નાખવાનું ષડયંત્ર દર્શાવ્યું છે. પરંતુ જ્યારે દેશની આઝાદીની વાત આવે છે, ત્યારે દુશ્મનમાંથી દોસ્ત બની બધી ગણિકાઓ એક થઈ જાય છે. પરંતુ એમના બલિદાનની ગાથા ક્યાંય ઉલ્લેખાઈ નથી.

એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર 13 મહિનાની ઊંચાઈએ

નવી દિલ્હીઃ એપ્રિલમાં જથ્થાબંધ મોંઘવારી દર (WPI) 13 મહિનાની ઊંચાઈએ પહોંચ્યો છે. એપ્રિલમાં સતત બીજા મહિને વધીને WPI 1.26 ટકા થયો છે. WPI આધારિત મોંઘવારી એપ્રિલ, 2023માં 0.79 ટકા અને માર્ચ, 2024માં 0.53 ટકા થયો હતો. જોકે એપ્રિલમાં WPI મોંઘવારી દર એક ટકા અંદાજવામાં આવ્યો હતો.

જથ્થાબંધ મોંધવારી દરમાં વધારો ખાદ્ય વસ્તુઓ, વીજળી, પેટ્રોલિયમ અને નેચરલ ગેસ, ફૂડ પ્રોડક્ટ અને અન્ય ઉત્પાદિત ચીજવસ્તુઓની કિંમતોમાં વધારો થયો છે. એપ્રિલમાં ખાદ્ય વસ્તુઓનો મોંઘવારી દર 7.74 ટકા થયો છે, જે માર્ચમાં 6.88 ટકા હતો. શાકભાજીનો ફુગાવાનો દર 23.60 ટકા રહ્યો હતો, જે માર્ચમાં 19.52 ટકા હતો. ફ્યુઅલ અને વીજના ફુગાવો એપ્રિલમાં 1.38 ટકા રહ્યો હતો, જે માર્ચમાં (-) 0.77 ટકા હતો.

જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 71.97 ટકાનો વધારો: આ સિવાય માર્ચમાં 52.96 ટકા વધ્યા બાદ એપ્રિલમાં બટાકાના જથ્થાબંધ ભાવ સૂચકાંકમાં 71.97 ટકાનો વધારો થયો છે. ડેટા દર્શાવે છે કે એક વર્ષ પહેલાંના સમાન મહિનામાં ડુંગળીના જથ્થાબંધ ભાવમાં 5.54 ટકા અને બટાકાના જથ્થાબંધ ભાવમાં 30.56 ટકાનો વધારો થયો હતો. એપ્રિલ, 2024માં WPI ઇન્ડેક્સમાં મહિના દર મહિને ફેરફાર 1.26 ટકા હતો, જ્યારે માર્ચ, 2024માં તે 0.53 ટકા હતો.

માર્ચમાં 4.7 ટકા વધ્યા બાદ, જથ્થાબંધ ખાદ્ય પદાર્થોનો ફુગાવો વાર્ષિક ધોરણે વધીને 5.52 ટકા થયો છે. MoM આધાર પર, ખાદ્ય ફુગાવો માર્ચમાં 0.95 ટકા વધ્યા બાદ એપ્રિલમાં 1.94 ટકા વધ્યો હતો.

એપ્રિલ, 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, વીજળી, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, ખાદ્ય ઉત્પાદનોનું ઉત્પાદન, અન્ય ઉત્પાદન વગેરેના ભાવમાં વધારો થવાને કારણે છે. ક્રૂડ પેટ્રોલિયમ અને નેચરલ ગેસનો જથ્થાબંધ ફુગાવો એપ્રિલમાં 4.97 ટકા વધ્યો હતો, જ્યારે ગયા વર્ષના સમાન મહિનામાં તે 1.64 ટકા હતો.

સરકારે ભારતના છૂટક ફુગાવાના ડેટા પણ બહાર પાડ્યા છે, જે દર્શાવે છે કે તે એપ્રિલમાં વાર્ષિક ધોરણે 4.83 ટકાના 11 મહિનાના નીચા સ્તરે આવી ગયો છે, જે અગાઉના મહિનામાં 4.85 ટકા હતો.