Home Blog Page 1840

અમદાવાદનું હવામાન પલટાયું, જાણો ક્યાં ક્યાં પડ્યો વરસાદ

ગુજરાતમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે.ગુજરાતના કેટવાક વિસ્તારમાં કમોસમી વરસાદ જોવા મળ્યો. કમોસમી વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી.

આજે સાંજે અમદાવાદ શહેરના વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેરમાં આંધી-વંટોળનો માહોલ છવાયો છે. ધૂળની ડમરીઓ ઊડતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સાથે જ સાંજના સમયે આંધારું છવાયું હોય તેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અમદાવાદ સહિત ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યો.

રાજ્યમાં છેલ્લા 10 કલાકમાં રાજ્યના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 3 જિલ્લામાં 1 ઈંચ વરસાદ પડ્યો છે. બોટાદ, નવસારીના વાંસદામાં એક ઈંચ વરસાદ પડ્યો છે. ભાવનગરના ઉમરાળામાં અડધો ઈંચ વરસાદ અને ઈડર તથા વઘઈમાં પણ અડધો ઈંચ વરસાદ પડ્યો છે.

આ ઉપરાંત અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL 2024ની 63મી મેચ છે. ગુજરાત ટાઈટન્સ અને કોલકાતા નાઈટ રાઈડર્સ સામસામે છે. શહેરમાં વરસાદી છાંટા શરૂ થતાં આજની મેચમાં વરસાદ વિઘ્ન બન્યો છે. અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વરસાદની વચ્ચે પણ લોકો સ્ટેડિયમમાં પ્રવેશ મેળવી રહ્યા છે.

IIT ગાંધીનગરે અદાણી ડિફેન્સ-એરોસ્પેસ સાથે કર્યા મહત્વના MOU

ગાંધીનગર: ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) અને અદાણી ગ્રૂપની પેટાકંપની અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ વચ્ચે ડિફેન્સ ટેક્નોલોજીમાં ઇનોવેશનને પ્રોત્સાહન આપવાના નોંધપાત્ર પગલારૂપે MOU પર હસ્તાક્ષર થયા. બંન્ન  સંસ્થાઓ સાથે મળીને સંરક્ષણ કાર્યક્રમો માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), મશીન લર્નિંગ (ML), અને લાર્જ લેંગ્વેજ મોડલ્સ (LLM) સહિતની ટેક્નોલોજી પર કામ કરશે.IITGN કેમ્પસમાં આ MOU પર IITGNના સંશોધન અને વિકાસ વિભાગના ડીન પ્રોફેસર અમિત પ્રશાંત અને અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ હસ્તાક્ષર કર્યા હતા. MOUનો ઉદ્દેશ્ય સંરક્ષણ કાર્યક્રમો માટે AI અને MLના ક્ષેત્રોમાં સંશોધન, શિક્ષણ અને નવીનતામાં સહયોગને પ્રોત્સાહન આપવાનો છે. સહયોગમાં સંયુક્ત સંશોધન પ્રોજેક્ટ્સ, પ્રોટોટાઇપ વિકાસ, વિદ્યાર્થી પ્રોજેક્ટ્સ અને સંયુક્ત વર્કશોપનો સમાવેશ થશે.

અદાણી ડિફેન્સ અને એરોસ્પેસના સીઈઓ આશિષ રાજવંશીએ આ પ્રસંગે જણાવ્યું કે, “IITGN સાથે અમારું જોડાણ સંરક્ષણ ક્ષેત્રની ટેક્નોલોજીકલ ઉત્ક્રાંતિમાં એક મહત્ત્વપૂર્ણ ક્ષણ છે. IITGN ના શૈક્ષણિક કૌશલ્ય સાથે અમારી ઔદ્યોગિક કુશાગ્રતાના જોડણથી અમે સંરક્ષણ ક્ષેત્ર માટે અત્યાધુનિક અને નવીન ઉકેલો વિકસાવવાનું લક્ષ્ય રાખીએ છીએ. અમારા સંયુક્ત પ્રયાસો રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યેના અમારા સમર્પણને રેખાંકિત કરે છે અને સંરક્ષણ ટેક્નોલોજીમાં ભારતની આત્મનિર્ભરતા પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાને સમર્થન આપે છે.”IITGNના ડાયરેક્ટર પ્રોફેસર રજત મૂનાએ જણાવ્યું હતું કે, “અદાણી ડિફેન્સ અને એરોસ્પેસ સાથેનું અમારું જોડાણ, સંરક્ષણ ઉદ્યોગમાં સંરક્ષણ માટે સંભવિત તકનીકોનો ઉપયોગ કરવાના અમારા સહિયારા વિઝનનો પુરાવો છે. આ જોડાણથી અમારા ફેકલ્ટી અને વિદ્યાર્થીઓને સંરક્ષણ ક્ષેત્રમાં નોંધપાત્ર પડકારોનો સામનો કરવાની તક મળી છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે આ સંયુક્ત સાહસ રાષ્ટ્રની સંરક્ષણ ક્ષમતાઓમાં નોંધપાત્ર યોગદાન આપશે.”

અદાણી ડિફેન્સ એન્ડ એરોસ્પેસ અને IITGN વચ્ચેના આ MOU ટેક્નોલોજીકલ ઈનોવેશન અને શૈક્ષણિક-ઉદ્યોગ સહયોગ દ્વારા ભારતના સંરક્ષણ ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે એક મોટું પગલું છે.

લોકસભા ચૂંટણીઃ સરેરાશ 65 ટકા મતદાન, શ્રીનગરમાં માત્ર 36 ટકા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીમાં ચોથા તબક્કામાં દેશની 96 સીટો પર મતદાન થઈ રહ્યું છે. બંગાળની પશ્ચિમ વર્ધમાન સીટમાં TMCના કાર્યકર્તાઓએ પથ્થરબાજી કરી હતી, જેમાં CRPFનો એક જવાન ઇજાગ્રસ્ત થયો હતો. 

લોકસભા ચૂંટણીમાં સાંજે છ વાગ્યા સુધી સૌથી વધુ મતો પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશમાં થયું છે, જ્યારે સૌથી ઓછા મતો જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પડ્યા છે. આ સાથે સાંજે છ કલાક સુધી આંધ્ર પ્રદેશમાં 68 ટકા, બિહારમાં 54.1 ટકા, જમ્મુ અને કાશ્મીરમાં 35.8 ટકા, ઝારખંડમાં 63.1 ટકા, મધ્ય પ્રદેશમાં 68 ટકા, મહારાષ્ટ્રમાં 52.5 ટકા, ઓડિશામાં 62.9 ટકા, તેલંગાણામાં 61.2 ટકા, ઉત્તર પ્રદેશમાં 56.4 ટકા અને પશ્ચિમ બંગાળમાં 75.7 ટકા મતદાન થયું હતું.

આંધ્ર પ્રદેશની તમામ 25 બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. મતદાન શરૂ થતાંની સાથે જ પોલિંગ બૂથ પર બબાલના અહેવાલ સામે આવ્યા. જેમાં YCP કાર્યકરો પર માચેરલામાં TDP બૂથ એજન્ટો પર હુમલો કરવાનો આરોપ લાગ્યો હતો. હુમલામાં બે એજન્ટોને માથામાં ઈજા થઈ હોવાના અહેવાલ મળી રહ્યા છે. TDPએ YSRCP નેતા રામચંદ્ર રેડ્ડી પર સાત પોલિંગ બૂથ એજન્ટોના અપહરણ અને કેદ કરવાનો આરોપ લગાવ્યો હતો.

ચોથા તબક્કામાં વિવિધ રાજકીય પક્ષોના કુલ 1717 ઉમેદવારો મેદાનમાં છે. જેમાં આંધ્ર પ્રદેશમાં 454, બિહારમાં 55, જમ્મુ-કાશ્મીરમાં 24, ઝારખંડમાં 45, મધ્ય પ્રદેશમાં 74, મહારાષ્ટ્રમાં 298, ઓડિશામાં 37, તેલંગાણામાં 525, ઉત્તર પ્રદેશમાં 130 અને પશ્ચિમ બંગાળમાં 75 ઉમેદવારોનો સમાવેશ થાય છે.

 

 

 

 

 

 

અપહરણ કેસમાં JDS નેતા HD રેવન્નાને મોટી રાહત

કર્ણાટકના જેડીએસ નેતા એચડી રેવન્નાને પીઆરસી તરફથી મોટી રાહત મળી છે. કોર્ટે તેને અપહરણના કેસમાં શરતી જામીન આપ્યા છે. તેમને 5 લાખના બોન્ડ પર જામીન મળ્યા છે. તેણે કોર્ટમાં બે અંગત જામીન પણ રજૂ કરવાના હતા. સોમવારે જનપ્રતિનિધિ અદાલતે અપહરણ કેસમાં શરતી જામીન આપતાં એચડી રેવન્નાને SIT તપાસમાં સહકાર આપવાનો નિર્દેશ આપ્યો. કોર્ટે પુરાવાને ભૂંસી નાખવા અથવા તેની સાથે ચેડા કરવા સામે પણ ચેતવણી આપી છે.

કોર્ટમાં એચડી રેવન્નાના વકીલ સીવી નાગેશે દાવો કર્યો હતો કે, તે (પીડિતા) મારી (એચડી રેવન્નાની) નોકરાણી અને રસોઈયા 10 વર્ષથી વધુ સમયથી છે. તેને ઘરે આવવાનો સંદેશ મોકલવો એ અપહરણ નથી. તે માત્ર એક નોકરાણી હતી. અથવા તે મારી (એચડી રેવન્ના) સંબંધી પણ છે. સીવી નાગેશે કોર્ટમાં દલીલ કરી હતી કે પૈસા કે સત્તાનો ઉપયોગ કરીને કોઈ ધમકી આપવામાં આવી નથી. તેણે કહ્યું કે તેને સાબિત કરવા માટે કોઈ પુરાવા નથી.

લોકસભા ચૂંટણી : 5 વાગ્યા સુધીમાં 62.31% મતદાન

લોકસભા ચૂંટણીના ચોથા તબક્કામાં અનેક દિગ્ગજ નેતાઓની વિશ્વસનીયતા દાવ પર છે. જેમાં યુપીના કન્નૌજથી સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવ, તેલંગાણાના હૈદરાબાદથી AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસી, પશ્ચિમ બંગાળના કૃષ્ણનગરથી તૃણમૂલ કોંગ્રેસના અગ્રણી મહુઆ મોઇત્રા, બિહારના બેગુસરાયથી કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહ અને મુંગેરથી JDUના રાજીવ રંજનનો સમાવેશ થાય છે ઉર્ફે લાલન સિંહ ચૂંટણી લડી રહ્યા છે.

પશ્ચિમ બંગાળમાં સાંજે 5 વાગ્યા સુધી 75.66 મતદાન

ચોથા તબક્કામાં સાંજે 5 વાગ્યા સુધી 62.31 ટકા મતદાન થયું હતું. તેમાંથી મોટાભાગના પશ્ચિમ બંગાળમાં છે. તે જ સમયે, જમ્મુ-કાશ્મીરના મતદારોમાં સૌથી વધુ શિથિલતા જોવા મળી છે.

  • પશ્ચિમ બંગાળ 75.66
  • બિહાર 54.14
  • જમ્મુ કાશ્મીર 35.75
  • ઝારખંડ 63.14
  • મધ્ય પ્રદેશ 68.01
  • મહારાષ્ટ્ર 52.49
  • ઓડિશા 62.96
  • તેલંગાણા 61.16
  • ઉત્તર પ્રદેશ 56.35
  • આંધ્ર પ્રદેશ 68.04

હવામાનમાં પલટો, સૌરાષ્ટ્રમાં મીની વાવાઝોડું

રાજકોટ: એક તરફ રાજકોટ સહિત ગુજરાતમાં અનેક શહેરોમાં આગ ઝરતી ગરમી પડી રહી છે ત્યારે આજે બપોર બાદ સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં હવામાનમાં પલટો આવ્યો છે. સુરેન્દ્રનગર, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. કમોસમી વરસાદને પગલે લોકોએ ગરમીમાંથી રાહત અનુભવી હતી. ત્યારે અમરેલી જિલ્લામાં એક કલાક સુધી વરસાદ નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તારીખ 17મી મે સુધી કમોસમી વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદથી માર્કેટ યાર્ડમાં ખુલ્લી પડેલી જણસી અને કેરીના પાકને ભારે નુકસાન થયા હોવાની માહિતી પણ મળી રહી છે.

અમરેલીમાં 4 વાગ્યાથી ભારે પવન સાથે વરસાદ ચાલુ થયો હતો જે એકાદ કલાક સુધી ચાલુ રહ્યો હતો. અમરેલી શહેરમાં કમોસમી વરસાદના પાણી વહેતા થયા. સુરેન્દ્રનગર જિલ્લાના લીમડી, લખતર, વઢવાણ સહિતના વિસ્તારોમાં પવન અને ધૂળની ડમરી સાથે વરસાદ પડ્યો હતો. બોટાદમાં પણ અનેક બિલ્ડિંગ ઉપરથી પતરા ઉડ્યાના અહેવાલો મળે છે. ભાવનગર જિલ્લાના અનેક ગામોમાં પણ કમોસમી વરસાદથી લોકો મુશ્કેલીમાં મુકાયા હોવાનું જાણવા મળે છે. જો કે રાજકોટમાં આકરી ગરમી છે 40 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહ્યું છે.

(દેવેન્દ્ર જાની, રાજકોટ )

 

વારાણસીમાં નામાંકન પહેલાં PM  મોદીનો ભવ્ય રોડ-શો

વારાણસીઃ વડા પ્રધાન મોદીનો વારાણસીમાં ભવ્ય રોડ-શો યોજાયો છે. વડા પ્રધાનના સ્વાગત માટે વારાણસી સંપૂર્ણ રીતે સજ્જ છે. તેઓ આવતી કાલે સંસદીય સીટથી નામાંકન કરશે. વડા પ્રધાન મોદી લોકસભા ચૂંટણી માટે ત્રીજી વાર અહીંથી ચૂંટણી મેદાનમાં છે. તેમની સાથે UPના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ આ રોડ-શોમાં સામેલ છે. વારાણસીમાં સાતમા તબક્કામાં એક જૂને મતદાન થશે.

વડા પ્રધાન મોદીનો રોડ-શો યોજવા માટે ભાજપે મોટી તૈયારી કરી છે. વડા પ્રધાનનો પાંચ કિલોમીટર રોડ-શોનો પ્રારંભ બનારસ યુનિવર્સિટી (BHU)ના ગેટના ચાર રસ્તાથી થયો હતો. આ રોડ-શોમાં 5000થી વધુ મહિલાઓ ભાગ લઈ રહી છે. ભાજપના કાર્યકર્તાઓ પણ આ રોડ-શોમાં જોડાશે. આ રોડ-શો કાશી વિશ્વનાથ ધામના ગેટ નંબર ચાર પર પૂરો થશે. જિલ્લા વહીવટી તંત્રએ રોડ-શો માટે કડક સુરક્ષા-વ્યવસ્થા કરી છે.  

વડા પ્રધાન મોદીએ રોડ-શો પહેલાં વારાણસીમાં પંડિત મદન મોહન માલવીયની પ્રતિમા પર શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે રોડ-શો શરૂ કર્યો હતો.  તેમનો રોડ-શોને આકર્ષક બનાવવા માટે અનેક કાર્યક્રમો આયોજિત કરવામાં આવ્યા છે. તેમના રોડ-શોમાં માનવ મહેરામણ ઊમટી પડ્યો છે.

બનારસના લોકોએ જણાવ્યું હતું કે ચારે બાજુ વડા પ્રધાને વિકાસ કાર્યો કર્યાં છે. રસ્તા, વીજ, પાણી સહિત અનેક વ્યવસ્થાની ખુદ તેઓ નિગરાની કરી રહ્યા છે. તેમણે કહ્યું હતું કે દેશના વિકાસ માટે ટેક્સ આપવો જરૂરી છે. વડા પ્રધાન મોદી સૌનો સાથ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની સાથે કામ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

અમિત શાહે કેજરીવાલની ગેરંટી પર કર્યો કટાક્ષ

લોકસભા ચૂંટણી 2024 તેના ચોથા તબક્કામાં પ્રવેશી ચૂકી છે. આ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ખાનગી ચેનલને ઈન્ટરવ્યુ આપ્યો હતો. જેમાં અમિત શાહે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ દ્વારા જાહેર કરાયેલી 10 ગેરંટીની મજાક ઉડાવી હતી અને કહ્યું હતું કે જે પાર્ટી 22 સીટો પર ચૂંટણી લડી રહી છે તેણે આખા દેશમાં વીજળી બિલ માફ કરવાનું વચન આપ્યું છે.

અમિત શાહે કહ્યું, આપ પાર્ટી કેટલી સીટો પર ચૂંટણી લડી રહી છે? 22. સરકાર બનાવવા માટે તમારે 270થી વધુ સીટોની જરૂર છે. તમે શું ગેરંટી આપો છો? તમે 22 સીટો પર ચૂંટણી લડી રહ્યા છો અને તમે કહી રહ્યા છો કે તમે આખા દેશમાં વીજળીના બિલ માફ કરશો.

કેજરીવાલની 10 ગેરંટી શું છે?

વાસ્તવમાં, આમ આદમી પાર્ટીએ જનતા સમક્ષ પોતાના 10 વચનો આપ્યા છે, જેને ‘કેજરીવાલ ગેરંટી’ નામ આપવામાં આવ્યું છે. જેમાં 24 કલાક વીજ પુરવઠો, શિક્ષણ અને આરોગ્ય સુવિધાઓ અને દર વર્ષે બે કરોડ નોકરીઓનું સર્જન સામેલ છે. આ દરમિયાન, આમ આદમી પાર્ટીએ અગ્નિવીર યોજનાને સમાપ્ત કરવાનું અને સ્વામીનાથન કમિશનની ભલામણો અનુસાર ખેડૂતોને પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ મળે તે સુનિશ્ચિત કરવાનું વચન પણ આપ્યું છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે ગઈ કાલે કહ્યું હતું કે ‘ચીને અમારી જમીન પર કબજો કર્યો છે અને અમે તેને તેમના કબજામાંથી મુક્ત કરાવીશું. આ સાથે તેમણે બીજી ગેરંટી તરીકે દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપ્યો.

હવે જલદી લગ્ન કરવા પડશે : રાહુલ ગાંધી

INDI એલાયન્સના અગ્રણી નેતા રાહુલ ગાંધીને આવા સવાલનો સામનો કરવો પડ્યો હતો, જેનો જવાબ તેમણે આ જ રીતે આપ્યો હતો. રાહુલ ગાંધી રાયબરેલી લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે રેલીને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન એક સવાલ આવ્યો કે તમે ક્યારે લગ્ન કરી રહ્યા છો? આના પર રાહુલ ગાંધીએ કહ્યું, જલદી લગ્ન કરવા પડશે.

રેલી દરમિયાન રાહુલ ગાંધી પોતાનું ભાષણ પૂરું કરતી વખતે પોતાની બહેન પ્રિયંકા ગાંધીનો આભાર માનતા થાક્યા નહોતા. તેમના ભાષણના અંતે તેમણે તેમને પોતાની પાસે બોલાવ્યા. તેમના ગાલ પકડી રાખ્યા અને તેમને પ્રેમ કર્યો.

એટલામાં ભીડમાંથી અવાજ આવ્યો. રાહુલ ભૈયા તમારા લગ્ન ક્યારે થશે? રાહુલ કોઈ જવાબ આપ્યા વિના સ્ટેજ પરથી નીચે જવા લાગ્યા, ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ જાહેર સભા તરફ ઈશારો કરીને રાહુલને પહેલા જવાબ આપવા કહ્યું. પછી રાહુલે માઈક પકડીને કહ્યું- ‘જલદી કરીશ’.

દાંડી દરિયા કાંઠે ડૂબતા ચારેયના મૃતદેહ મળ્યા

સુરત: નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના દાંડી ગામે અરબી સાગરના કિનારે નજીકના વિસ્તારો અને આજુ બાજુના જિલ્લામાંથી લોકો મોટી સંખ્યામાં ટહેલવા આવે છે. ખાસ કરીને રવિવારે અહીં ભારે ભીડ રહે છે. ગઇ કાલે 12 મેના રવિવારે પણ દરિયાકિનારે મોટી સંખ્યામાં સહેલાણીઓ આવ્યા હતા. બપોરે દોઢ વાગ્યા આસપાસ 7 લોકો દરિયાની ભરતીના પાણીમાં તણાઇ ગયા હતાં. કાંઠા પર બચાવ કામગીરી માટે સ્થિત હોમગાર્ડનેમાહિતી મળતા તરત તેઓએ બચાવ કાર્ય આદરી વિમલભાઈ ઇશ્વરભાઇ હળપતિ  ( ઉ.વ.૨૫) , રાકેશભાઈ જીતેશભાઈ (ઉ.વ. ૧૫)  તથા અતિષભાઈ જીતેશભાઈ (ઉ.૨૦) આ ત્રણેયને બચાવી લીધા હતાં. જ્યારે ચાર જણા લાપતા હતા.

નવસારી નગરપાલિકાના ફાયર વિભાગના કર્મચારીઓ અને સ્થાનિક પોલીસ દ્વારા દાંડી થી ઓંજલ વચ્ચેનો દારીયાકાંઠો તથા દાંડી થી વાંસી-બોરસી તરફનો કાંઠો તેમજ વચ્ચે આવતી પૂર્ણા નદીની ખાડીના વિસ્તારમાં શોધખોળ કરવામાં હતી પણ મોડી રાત સુધી કોઈ ભાળ મળી ન હતી. જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલરૂમ દ્વારા ગાંધીનગરમાં જાણ કરતા SDRF (STATE DISASTER RESPONSE FORCE)ની ટીમ આવી પહોંચી હતી. નવસારી ધોલાઈ બંદર સ્થિત મરીન કમાંડોની ટીમ દ્વારા દાંડી ખાતે તથા સ્થાનિક આગેવાનો અને તેઓના ATV (ઓલ ટેરેન વ્હીકલ) દ્વારા ઓંજલથી લઈને પુર્ણા નદીની ખાડી સુધીના વિસ્તારમાં શોધખોળની કામગીરી હાથ ધરી હતી.

સોમવારે વહેલી સવારે 4 ગુમ થયેલ લોકો પૈકી દક્ષુ ગોપાળભાઈ વર્મા  (ઉ.વ.૧૧) તથા સુશીલાબેન ગોપાળભાઈ વર્મા ( ઉ.વ.૪૦)ના મૃતદેહ દાંડી અને ઓંજલ વચ્ચેના તટમાંથી મળી આવ્યા હતા. આ ઉપરાંત SDRF, મરીન કમાંડો તથા ફાયર વિભાગની ટીમને પૂર્ણા નદીની ખાડી અને વાંસી-બોરસીના તટના વિસ્તારમાંથી યુવરાજ ગોપાળભાઈ વર્મા (ઉ.વ.૧૬) તથા દુર્ગા રોશનસીંગ રાજપુત ( ઉ.વ.૧૭ )ના મૃતદેહો મળી આવ્યા હતા. આ ચારેય મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લઈ જઇ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.ઘટનાને પગલે દાંડી દરિયાકિનારો રવિવારે ખાલી કરાવી દેવાયો હતો. સમગ્ર ઘટના સુરક્ષામાં પણ ખામી હોવાને કારણે સર્જાઈ હોવાની લોકચર્ચા ચાલી રહી છે.

(અરવિંદ ગોંડલિયા, સુરત)