Home Blog Page 185

અદાણી ફાઉન્ડેશનનો 10 લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો નિર્ધાર

મુંબઈ: અદાણી સમૂહની સામાજિક કલ્યાણ અને વિકાસ પ્રવૃત્તિઓ માટેની એક પાંખ એટલે અદાણી ફાઉન્ડેશન. જેની સ્થાપનાના 30 વર્ષ આગામી ૧૧મી ઓગસ્ટ ૨૦૨૬ના રોજ પૂર્ણ થાય છે. ત્યારે તેની અગ્રીમ મહિલાઓના સશક્તિકરણની ’સ્વાભિમાન’ પહેલના વિસ્તરણની જાહેરાત કરવામાં આવી છે. ધ્યેય સમગ્ર ભારતમાં ૧૦ લાખ મહિલા ઉદ્યોગસાહસિકોને સક્ષમ બનાવવાનો છે.ગુરુવારે મુંબઈમાં નેશનલ સેન્ટર ફોર ધ પર્ફોર્મિંગ આર્ટ્સ ખાતેના કાર્યક્રમ “સ્વાભિમાન – ધ રાઇઝ ઓફ શી” માં આ જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મહિલાઓની આજીવિકા, ઉદ્યોગસાહસિકતા અને નાણાકીય સ્વતંત્રતા પર વધતી જતી અસર પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

મહારાષ્ટ્ર પર ધ્યાન કેન્દ્રિત કરતી આ પહેલના વિસ્તરણના પ્રથમ તબક્કાનો હેતુ પહેલા વર્ષમાં એક લાખ મહિલાઓને સશક્ત બનાવવાનો છે. તે અંતર્ગત મહિલાઓ દ્વારા સંચાલિત સૂક્ષ્મ ઉદ્યોગ સાહસિકતા અને પાયાની ઉદ્યોગસાહસિકતા માટે નવી તકો ઊભી કરવાનો છે.

મહારાષ્ટ્ર સરકારના મહિલા આર્થિક સશક્તિકરણ અને સ્વ-સહાય જૂથ વિકાસ માટેની નોડલ એજન્સી, મહિલા આર્થિક વિકાસ મહામંડળ (MAVIM) સાથે જાહેર-ખાનગી ભાગીદારી (PPP) મોડેલ આધારિત ભાગીદારીમાં શરુ થયેલો ’સ્વાભિમાન’ કાર્યક્રમ શરુથી જ મુંબઈમાં વંચિત સમુદાયોની ૪,૫૦૦થી વધુ મહિલાઓને કૌશલ્ય તાલીમ, ઉદ્યોગસાહસિકતા વિકાસ અને નાણાકીય અને ડિજિટલ સાક્ષરતા દ્વારા ટકાઉ આજીવિકા વિકસાવવા માટે પીઠબળ આપી રહ્યો છે.

અદાણી ફાઉન્ડેશનના અધ્યક્ષા ડૉ. પ્રીતિ અદાણી અને અદાણી ફાઉન્ડેશનના ટ્રસ્ટી શિલિન અદાણીની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મહારાષ્ટ્ર સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી અદિતિ તટકરે, મુંબઈના મેયર રીતુ તાવડે અને મહિલા આર્થિક વિકાસ મહામંડળના મેનેજિંગ ડિરેક્ટર નંદિની આવડેએ હાજરી આપી હતી.

એક અગત્યની તાકીદની બેઠકમાં હાજરી આપવાનું થતાં ઇચ્છા જાહેર કરી હોવા છતા આ કાર્યક્રમમાં હાજરી નહી આપી શકેલા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે એક સંદેશમાં મુંબઈ અને સમગ્ર મહારાષ્ટ્રમાં તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહેલા ઉત્કૃષ્ટ સામાજિક કાર્ય માટે અદાણી સમૂહ અને અદાણી ફાઉન્ડેશનને અભિનંદન આપ્યા હતા.

મુંબઈમાં મહિલાઓની-આગેવાની હેઠળના સમુદાય-સંચાલિત બજાર સ્વતેજા માર્ટને ઉપસ્થિત અતિથિગણે સંયુકત રીતે ખુલ્લું મૂકયું હતું. આ બજાર સ્થાનિક મહિલા ઉદ્યોગસાહસિકોને તાલીમ, બજારોના જોડાણો અને ઓનલાઈન અને ઓફલાઈન બંને ચેનલો દ્વારા તેમના ઉત્પાદનોના વેચાણ માટે તૈયાર મંચ પૂરો પાડે છે. આ વેળા સ્વતેજા માર્ટ પહેલ હેઠળ ક્લાઉડ કિચન પણ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.

મહાનુભાવોએ સ્વાભિમાન કાર્યક્રમ દ્વારા જેમના જીવનમાં પરિવર્તન આવ્યું છે તેવી મહિલાઓની પ્રેરણાદાયી સફર દર્શાવતી કોફી ટેબલ બુકનું પણ અનાવરણ કર્યું હતું. આ કાર્યક્રમ સમગ્ર મુંબઈમાં શરુથી જ ૮00થી વધુ મહિલાઓને “લખપતિ દીદી” બનવા માટે સક્ષમ બનાવી ચૂક્યો છે, જે માળખાગત આજીવિકા અને ઉદ્યોગસાહસિક સહાયની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે.

અદિતિ તટકરેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન એ મહિલા આર્થિક વિકાસ મહામંડળના સૌથી સફળ સાહસોમાંનો એક કાર્યક્રમ છે અને મહિલા સશક્તિકરણ માટે એક શક્તિશાળી રોલ મોડેલ તરીકે ઉભરી આવ્યો છે. રીતુ તાવડેએ જણાવ્યું હતું કે સ્વાભિમાન જેવી પહેલ નાણાકીય આત્મવિશ્વાસ અને ઉદ્યોગસાહસિકની ભાવના બનાવીને વંચિત મહિલાઓના જીવનમાં પરિવર્તન લાવી રહી છે.”

ડૉ. પ્રીતી અદાણીએ કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં એક લાખ મહિલાઓથી શરૂ કરીને હવે સમગ્ર ભારતમાં અમે ૧૦ લાખ મહિલાઓને સશક્ત બનાવવા માટેના કાર્યક્રમનો જેમ જેમ વિસ્તાર કરીએ છીએ ત્યારે અમારું ધ્યાન ટકાઉ આજીવિકાને સક્ષમ બનાવવા અને મહિલાઓના-નેતૃત્વ હેઠળના ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા પર કેન્દ્રીત રહે છે જેની અસર કાયમી રહે છે.

અદાણી ફાઉન્ડેશન હાલમાં શિક્ષણ, આરોગ્યસંભાળ, ટકાઉ આજીવિકા, આબોહવા કાર્યવાહી અને સમુદાય વિકાસ પર કેન્દ્રિત કાર્યક્રમો દ્વારા ભારતના ૨૨ રાજ્યના ૭,000થી વધુ ગામડાઓમાં આશરે ૯૬ લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.

CEC જ્ઞાનેશકુમાર વિરુદ્ધ વિપક્ષનો ઇમ્પિચમેન્ટ પ્રસ્તાવ

નવી દિલ્હીઃ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે વિરોધ પક્ષે ઇમ્પિચમેન્ટ (મહાભિયોગ) પ્રસ્તાવ લાવવાની તૈયારી શરૂ કરી છે. સંસદનાં બંને ગૃહોમાં વિરોધ પક્ષ તરફથી મહાભિયોગ પ્રસ્તાવ સંબંધિત નોટિસ સોંપવામાં આવી છે. વિરોધ પક્ષનો આરોપ છે કે જ્ઞાનેશકુમાર સત્તાધારી પક્ષ ભાજપને મદદ કરી રહ્યા છે અને વિરોધ પક્ષ વિરુદ્ધ કામ કરી રહ્યા છે.

આ પ્રસ્તાવ માટે કુલ 193 સાંસદોમાંથી 130 લોકસભાના છે, જ્યારે 63 રાજ્યસભાના સભ્યો છે. જોકે આ નોટિસ સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવશે તે હજી સ્પષ્ટ થયું નથી. સંસદીય નિયમો મુજબ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાના પ્રસ્તાવ માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 સાંસદો અને રાજ્યસભામાં ઓછામાં ઓછા 50 સાંસદોના હસ્તાક્ષર જરૂરી હોય છે. વિરોધ પક્ષનો દાવો છે કે જરૂરી સંખ્યા પૂર્ણ કરી લેવામાં આવી છે. જો આ નોટિસ સંસદમાં રજૂ થાય છે, તો કોઈ મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવા માટે ઔપચારિક નોટિસ આપવામાં આવવાનો આ પ્રથમ પ્રસંગ હશે.

મુખ્ય ચૂંટણી કમિશનરને હટાવવાની પ્રક્રિયા શી છે?

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ને પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હટાવવાની પ્રક્રિયા જેવી જ છે. બંધારણના કલમ 324(5) મુજબ CECને માત્ર એ જ રીત અને એ જ આધાર પર હટાવી શકાય છે, જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ માટે નક્કી કરવામાં આવ્યા છે.

તે માટે લોકસભાના ઓછામાં ઓછા 100 સભ્યો અથવા રાજ્યસભાના 50 સભ્યોના હસ્તાક્ષર સાથે પ્રસ્તાવ લાવવો જરૂરી છે. CEC અથવા અન્ય ચૂંટણી કમિશનરને હટાવવાની જોગવાઈ ભારતીય બંધારણની કલમ 324માં આપવામાં આવી છે. તેમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે મુખ્ય ચૂંટણી કમિશનરને માત્ર સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ જેવી જ પ્રક્રિયા અને આધાર પર પદ પરથી દૂર કરી શકાય છે.

કોંગ્રેસને રાજ્યસભા ચૂંટણીમાં 12 ધારાસભ્યોના ક્રોસ વોટિંગનો ડર

બેંગલુરુઃ રાજ્યસભા ચૂંટણીમાં કોંગ્રેસને ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. તેથી જ પાર્ટીએ પોતાના 12 ધારાસભ્યોને બેંગલુરુના એક રિસોર્ટમાં શિફ્ટ કર્યા છે. આ બધા ધારાસભ્યો ગઈ કાલે મોડી રાત્રે બેંગલુરુ પહોંચ્યા હતા.  તેમને બેંગલુરુના બહારના વિસ્તારમાં આવેલા એક રિસોર્ટમાં રાખવામાં આવ્યા છે, જ્યાં બહારના લોકોના આવવા-જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ ધારાસભ્યોને 16 માર્ચે મતદાનના દિવસે સીધા અહીંથી ભુવનેશ્વર લઈ જવાની તૈયારી કરવામાં આવી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.

ડી.કે. શિવકુમારનું નિવેદન પણ આવ્યું સામે

આ મુદ્દે કર્ણાટકના ઉપ મુખ્યમંત્રી ડી.કે. શિવકુમારે પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે મેં કોઈને બોલાવ્યા નથી. તેઓ આવ્યા છે એવું મને જણાવવામાં આવ્યું છે. ત્યાંના PCC પ્રમુખે મને ફોન કરીને કહ્યું કે તેમના માટે વ્યવસ્થા કરવામાં આવી છે. કદાચ તેઓ બેંગલુરુ અને મૈસુરુ ફરવા જઈ રહ્યા હોય. પાર્ટીએ જે જવાબદારી સોંપી છે તેનું પાલન કરવું અમારું કામ છે. મેં તેમને જાણ કરી છે કે વિધાનસભાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હું તેમને મળવા જઈશ.

રાજ્યસભા ચૂંટણી ક્યારે છે?

રાજ્યસભા ચૂંટણી 2026ની જાહેરાત થઈ ગઈ છે અને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 10 રાજ્યોની રાજ્યસભાની કુલ 37 બેઠકો માટે ચૂંટણી કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે. આ હેઠળ 37 બેઠકો માટે 16 માર્ચે મતદાન થશે. રાજ્યસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાની વ્યૂહરચના તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે. ધારાસભ્યોને રિસોર્ટમાં મોકલીને પાર્ટીએ સંદેશ આપ્યો છે કે તે ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. આ મુદ્દે રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચા ચાલી રહી છે.

કેરળમાં LPG ની અછતથી 40 ટકા રેસ્ટોરાં બંધ થવાને આરે

નવી દિલ્હીઃ LPGની અછતને કારણે કેરળમાં લગભગ 40 ટકા રેસ્ટોરાં બંધ થવાની સ્થિતિમાં પહોંચી ગઈ છે. ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણી રેસ્ટોરાં પાસે ખોરાક બનાવવાનાં વૈકલ્પિક સાધનો નથી, તેથી તેમને કામગીરી બંધ કરવી પડી રહી છે. રેસ્ટોરાં ઉપરાંત કેટરિંગ સર્વિસ, હોસ્ટેલ, કેન્ટીન અને સ્મશાન ઘાટ પણ LPG ની અછતથી અસરગ્રસ્ત થયાં છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષ પછી આ સમસ્યા ઊભી થઈ હોવાનું જણાવવામાં આવ્યું છે.

 40 ટકા રેસ્ટોરાં બંધ થશે

કેરળ હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિયેશન (KHRA)ના અધ્યક્ષ જી. જયપાલે જણાવ્યું હતું કે શુક્રવાર સુધી રાજ્યની લગભગ 40 ટકા રેસ્ટોરાં બંધ થવાની શક્યતા છે. તેમણે કહ્યું હતું કે ગુરુવાર સુધી લગભગ 20 ટકા રેસ્ટોરાં બંધ થઈ ચૂકી હતી. LPG નો જથ્થો ઝડપથી ખતમ થઈ રહ્યો છે, તેથી શુક્રવાર સુધી આ આંકડો 40 ટકા સુધી પહોંચી જશે.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા રસોઈ માટે વૈકલ્પિક ઇંધણ અપનાવવાની સલાહ આપવામાં આવી હોવા છતાં KHRAનું કહેવું છે કે શહેરોની હોટેલોમાં લાકડાથી રસોઈ બનાવવી શક્ય નથી.

તેમણે જણાવ્યું હતું કે ફૂડ સેફ્ટી નિયમો હેઠળ શહેરોની મોટા ભાગની રેસ્ટોરાં આધુનિક કિચન સિસ્ટમ અપનાવી ચૂકી છે. તેમની પાસે લાકડું કે અન્ય ઇંધણથી રસોઈ કરવાની વ્યવસ્થા નથી. આ સંકટથી શહેરી વિસ્તારોની રેસ્ટોરાં સૌથી વધુ અસરગ્રસ્ત છે.

 કેટલાક LPG સપ્લાયરો બમણી કિંમત વસૂલતા

જયપાલે આરોપ લગાવ્યો હતો કે કેટલાક ખાનગી LPG સપ્લાયરો સિલિન્ડર માટે લગભગ બમણી કિંમત વસૂલી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે છેલ્લા બે દિવસમાં લાકડાની કિંમતોમાં પણ વધારો થયો છે. તેમણે કહ્યું હતું કે કાસરગોડમાં અમારા એક સભ્યે જણાવ્યું હતું કે 19 કિલોનું LPG સિલિન્ડર 3000 રૂપિયામાં વેચાઈ રહ્યું છે, જ્યારે 19 કિલોના સિલિન્ડરની સામાન્ય કિંમત લગભગ 1800 રૂપિયા હોય છે. લાકડાની કિંમતો પણ આસમાને પહોંચી ગઈ છે અને વિકલ્પ અપનાવવો સરળ નથી.

 લગ્ન સીઝન પહેલાં ગેસ સંકટ વધુ ગંભીર

ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા મુજબ LPG ની અછતથી કેરળનો કેટરિંગ વ્યવસાય પણ અસરગ્રસ્ત થયો છે અને આ સંકટ એવા સમયે આવ્યું છે જ્યારે રાજ્યમાં લગ્ન સીઝન શરૂ થવાની છે. ઓલ કેરળ કેટરર્સ એસોસિયેશનના તિરુવનંતપુરમ જિલ્લા અધ્યક્ષ વી. સુનુકુમારે જણાવ્યું હતું કે આવનારા લગ્ન સમારોહોની બુકિંગ પહેલેથી થઈ ગઈ છે, જેને કારણે આ ક્ષેત્ર મુશ્કેલીમાં છે. આ સમારંભો મલયાલમ મહિના (15 માર્ચ)થી શરૂ થશે.

શબ્દોનો શણગાર… સંબંધોનો આધાર

શું તમે જાણો છો કે દુનિયાનું સૌથી મોટું અને અમોઘ શસ્ત્ર કયું? એ શસ્ત્ર છે આપણી જીભ, જે ક્યારેક કારમા ઘા કરે છે તો ક્યારેક મલમ બનીને રૂઝ પણ લાવે છે. કોઈએ સાચું જ કહ્યું છે કે વ્યક્તિની મહત્તા તેના હોદ્દાથી નહીં, પણ હોદ્દામાં તેનાથી નાનામાં નાના લોકો પ્રત્યેના તેના વર્તનથી મપાય છે. આપણા ઘરના આંગણાથી લઈને ઓફિસની કેબિન સુધી, સંબંધોની મીઠાશનો બધો જ આધાર આપણી વાણી પર રહેલો છે. વ્યક્તિત્વ એટલે માત્ર દેખાવ કે ટાપટિપ નહીં, પણ બીજા પ્રત્યેનો સમાદર.

કૌટુંબિક જીવન હોય કે સામાજિક વ્યવહાર, આપણી વાણી નક્કી કરે છે કે આપણે લોકોનાં હૃદયમાં સ્થાન પામીશું કે માત્ર યાદમાં. વાણી અને વર્તન સંબંધોના પાયા છે. એક નાનકડી ઘટના આ વાતને કેવી રીતે સ્પષ્ટ કરે છે તે જોઈએ…”

એક દષ્ટાંત છેઃ નગરમાંથી રાજાની સવારી નીકળતી હતી. સવારી મારગમાં એક અંધજન બેઠો હતો. તરત સિપાઈ દોડીને એની પાસે ગયોઃ “એય આંધળા, રસ્તા વચ્ચે શું બેઠો છે? રાજાની સવારી આવે છે. ભાન નથી પડતી? ઊઠ, નહીંતર ફટકારીશ”.

અંધજન કહે, “સિપાઈ સાહેબ, રાજા આવે એટલે તરત ઊઠી જઈશ.”

થોડી વાર થઈ ને વ્યવસ્થા ચકાસવા દીવાન નીકળ્યા. એમણે આંધળાને જોઈને કહ્યું, “અંધજન, ઊઠો. રાજાની સવારી આવે છે.”

અંધ કહે: “દીવાનજી, બસ ઊઠું જ છું.”

ત્યાં તો રાજા ખુદ આવી ચડ્યાઃ “સુરદાસજી. કેમ અહીં બેઠા છો?”

અંધજને બે હાથ જોડ્યાઃ “આપનું સ્વાગત છે રાજન્… કહો, શી આજ્ઞા છે?”

આ આખી ઘટના ત્યાં ઊભા રહીને નિહાળનાર એક નગરવાસીને આશ્ચર્ય થયું. એણે સવાલ કર્યો કે તમને તો દેખાતું નથી, તો, ત્રણેય કોણ છે એ ખબર કેવી રીતે પડી?

અંધજને કહ્યું, “બહુ સરળ છે. એમની વાણીના આધારે.”

ખરેખર, વ્યક્તિની વાણી જ તેનો પરિચય આપી દે છે, વાણી પરથી તેનું વ્યક્તિત્વ બહાર આવે છે. વાણીનું માધુર્ય આપમેળે જ આવશે અને તેની સારી જ અસર થાય, પરંતુ ભાવના જ જો સારી ન હોય તો ગમે તેટલો પ્રયત્ન કરીએ, શબ્દોની ઝાકઝમાળ કરી ગોઠવીને બોલવાનો પ્રયત્ન કરીએ તો પણ તેની કંઈ જ અસર થતી નથી અને ઘણી વાર વાત વધારે પડતી વણસી પણ જતી હોય છે.

વાણીને વ્યવસ્થિત અને વિવેકપૂર્ણ વાપરીએ તો સંબંધો કે વ્યવહાર સુધરી જતા હોય છે અને વણવિચારે જેમ-તેમ વાપરીએ તો સુધરેલા સંબંધો કે વ્યવહારો બગડી જતા હોય છે. આપણે જ્યારે કોઈને કંઈક કહેતા હોઈએ ત્યારે આપણી ભાવના કેવી છે એ અગત્યનું છે. જો આપણી ભાવના શુદ્ધ અને પવિત્ર હશે.

પેલી ઐતિહાસિક શિકાગો ધર્મ પરિષદમાં વિવિધ વક્તા લેડીઝ ઍન્ડ જેન્ટલમેનથી પોતાના વ્યાખ્યાનનો પ્રારંભ કરતા હતા. છેલ્લે વિવેકાનંદ સ્વામીનો વારો આવ્યો ત્યારે તેમણે માય ડિયર બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સ એવું પ્રેમાળ સંબોધન કર્યું તેનાથી જાણે ચમત્કાર થયો. શ્રોતાનાં હૃદય ઝૂમી ઊઠ્યાં. બીજાં પ્રવચન કરતાં આ એક સંબોધને જ સભા જીતી લીધી. અન્ય પ્રવચનકારો પણ સંબોધન કરતા જ હતા પરંતુ સ્વામી વિવેકાનંદની વાણીની થોડી જ મીઠાશે સંપૂર્ણ સભા જીતી લીધી.

એક વાર બુદ્ધિજીવીઓમાં પ્રશ્ન પૂછવામાં આવ્યો કે, “શરીરનું શ્રેષ્ઠ અંગ કયું છે?’

સચોટ જવાબ મળ્યોઃ ‘જીભ, કારણ કે એનામાં મડદાને બેઠાં કરવાની તાકાત છે.”

-અને સૌથી કનિષ્ઠ અંગ કયું?

એ પણ જીભ, કારણ કે તેમાં જીવતાંને મડદા બનાવી દેવાની તાકાત છે.’

પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ગુરુ યોગીજી મહારાજ માટે લખાયું છે કે (એમની) “વાણી અમૃતથી ભરી મધુ સમી, સંજીવની લોકમાં”… એમની વાણી એટલી મધુર અને પ્રિય હતી કે એમના સંપર્કમાં જે કોઈ આવે એ એમના દીવાના જ થઈ જતા. ગોંડલમાં યોગીજી મહારાજ જ્યારે મંદિરની ટપાલ આપવા ટપાલી આવતા ત્યારે તેને પ્રેમથી “ટપાલી સાહેબ” કહીને સંબોધતા.

વાણીની એ તાકાત છે કે જો નમ્રતાથી વાપરવામાં આવે તો તેમાં અપાર શક્તિ છુપાયેલી હોય છે અને સામે પક્ષે જો વ્યવસ્થિત વાણી ન વાપરી હોય તો નુકસાનની નોબત પણ વાગી જાય.

(સાધુ જ્ઞાનવત્સલદાસ- બીએપીએસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

ઈરાનમાં 32 લાખ લોકો વિસ્થાપિત થયા

નવી દિલ્હીઃ ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 14મા દિવસે પ્રવેશી ગયું છે. આ સંઘર્ષ હવે સમગ્ર પશ્ચિમ એશિયામાં ફેલાઈ ગયો છે. અમેરિકા અને ઇઝરાયલના હુમલાઓ વચ્ચે ઈરાનમાં માનવીય સંકટ ઝડપથી ઊંડું થઈ રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની શરણાર્થી એજન્સી અનુસાર અત્યાર સુધીમાં લગભગ 32 લાખ લોકો પોતાનાં ઘર છોડીને વધુ સુરક્ષિત વિસ્તારો તરફ જવા મજબૂર બન્યા છે. ઘણાં શહેરોમાં ભારે વિનાશ થયો છે અને 30થી વધુ હોસ્પિટલોને નુકસાન પહોંચ્યું છે.

અમેરિકા અને ઇઝરાયલના સતત હવાઈ હુમલાઓ વચ્ચે ઈરાનમાં માનવીય સંકટ દિવસે ને દિવસે ગંભીર બની રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સી (UNHCR)ના જણાવ્યા મુજબ યુદ્ધ શરૂ થયા પછી અત્યાર સુધીમાં અંદાજે 32 લાખ લોકો પોતાના ઘર છોડવા મજબૂર થયા છે, તેમાં મોટી સંખ્યામાં લોકો તહેરાન અને અન્ય મોટા શહેરોમાંથી સુરક્ષિત વિસ્તારો તરફ સ્થળાંતર કરી રહ્યા છે. એજન્સીએ ચેતવણી આપી છે કે જો હુમલાઓ ચાલુ રહેશે તો સ્થળાંતરિત લોકોની સંખ્યા વધુ ઝડપથી વધી શકે છે.એજન્સી મુજબ આ સંખ્યા લગભગ છ લાખથી 10 લાખ ઈરાની પરિવારો જેટલી થાય છે.

UNHCRની અધિકારી અયાકી ઈતોએ જણાવ્યું હતું કે મોટા ભાગના લોકો તહેરાન અને અન્ય મોટા શહેરી વિસ્તારોમાંથી દેશના ઉત્તર ભાગો અને ગ્રામીણ વિસ્તારો તરફ જઈ રહ્યા છે, જ્યાં તેઓ તુલનાત્મક રીતે વધુ સુરક્ષિત વાતાવરણની શોધમાં છે.  UNએ ચેતવણી આપી છે કે યુદ્ધની આ વિનાશકારી અસર લેબેનોન અને મધ્ય-પૂર્વના અન્ય દેશોને પણ ચપેટમાં લઈ શકે છે. લેબેનેનમાંથી પણ મોટી સંખ્યામાં લોકો પોતાનાં ઘરો છોડીને ભાગી રહ્યા છે.

હિઝ્બુલ્લાનો હુમલો

ઉગ્રવાદી સંગઠન હિઝ્બુલ્લાહે ઈઝરાયલના ઉત્તર વિસ્તારો પર લગભગ 200 રોકેટ ફાયર કર્યા છે. આ હુમલામાં કોઈ ગંભીર રીતે ઘાયલ થયું નથી, પરંતુ લોકોમાં ભારે ભય અને ગભરાટનો માહોલ છે.

હવાઈ માલવહનના દરોમાં વધારો

અમેરિકા-ઈઝરાયલે ઈરાન સામે યુદ્ધ શરૂ કર્યા બાદ કેટલાક માર્ગો પર એર કાર્ગો (હવાઈ માલવહન)ના દરોમાં લગભગ 70 ટકા સુધીનો વધારો થયો છે.

ઈરાનના નેતા મોજતબા ખોમિની ઘાયલ હાલતમાં જીવિત હોવાનો રાષ્ટ્રપતિ ટ્રમ્પનો દાવો

વોશિંગ્ટનઃ ઈરાન અને ઇઝરાઇલ વચ્ચે છેલ્લા 14 દિવસથી ભયંકર યુદ્ધ ચાલુ છે. બંને દેશો સતત એકબીજા પર હુમલા કરી રહ્યા છે અને પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ બની રહી છે. આ દરમિયાન ઈરાનની રાજકારણમાં પણ મોટો ફેરફાર જોવા મળ્યો છે. ખોમિનીના મૃત્યુ પછી ઈરાનમાં મોજતબા ખોમિનીને નવા સુપ્રીમ લીડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

વાસ્તવમાં એક રિપોર્ટ મુજબ ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખોમિની કથિત રીતે કોમામાં છે અને એક હવાઈ હુમલા દરમિયાન ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ હુમલામાં તેમણે ઓછામાં ઓછો એક પગ ગુમાવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ છે કે આ જ હુમલામાં તેમના પિતાનું પણ મોત થયું હોવાની માહિતી સામે આવી છે, જોકે આ બાબતની સત્તાવાર પુષ્ટિ હજી થઈ નથી. કહેવાય છે કે હુમલા સમયે પિતા-પુત્ર સાથે હતા. હાલ મોજતબા ખોમિની ઘાયલ છે અને કોમામાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

રિપોર્ટમાં શું કહેવામાં આવ્યું?

‘ધ સન’ના અહેવાલ મુજબ માર્યા ગયેલા આયાતોલ્લા અલી ખોમિનીના 56 વર્ષીય પુત્રને ગંભીર ઈજાઓ પહોંચી છે અને હાલમાં તેમનો સારવાર તહેરાનમાં ચાલી રહ્યો છે. નવા સુપ્રીમ લીડરે “ઓછામાં ઓછો એક પગ ગુમાવ્યો છે અને તેમના પેટ અથવા લિવરમાં પણ ગંભીર ઈજા થઈ છે, એમ અહેવાલ કહે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે શું કહ્યું?

આ મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ મોટો દાવો કર્યો છે. ટ્રમ્પે કહ્યું હતું કે તેમને લાગે છે કે ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખોમિની ઘાયલ થયા છે. ટ્રમ્પના કહેવા મુજબ મોજતબા ખોમિની જીવિત છે, પરંતુ તેઓ ઘાયલ હાલતમાં છે.

ઈરાની મિડિયા શું કહી રહી છે?

આ દરમિયાન એક ઈરાની અધિકારીએ મીડિયાને જણાવ્યું હતું કે ઈરાનના નવા સુપ્રીમ લીડર થોડા પ્રમાણમાં ઘાયલ થયા છે, પરંતુ છતાં તેઓ પોતાનાં તમામ કામકાજ સંભાળી રહ્યા છે. તેમના ટેલિવિઝન સંબોધનમાં તેમણે અમેરિકા સામે આકરી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે વિસ્તારમાં આવેલી તમામ અમેરિકન સૈન્ય છાવણીઓને તરત બંધ કરવી જોઈએ. એ ઉપરાંત તેમણે સ્પષ્ટ કર્યું હતું કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ હજુ પણ બંધ રહેશે અને તેના માધ્યમથી ઈરાન પોતાના વિરોધીઓ પર દબાણ જાળવી રાખશે.

વાસ્તુ: બ્રાન્ડ અને દેખાડાની દોડ

ચકલી માળામાં રહે છે અને સિંહ ગુફામાં. આવું આપણે વરસોથી વાંચતા અને સાંભળતા આવ્યા છીએ. દરેક જીવ પોતાને અનુરૂપ રહેણાંકમાં રહે છે. ક્યારેય ચકલીને સુગરી જેવો માળો બનાવવાની ઈચ્છા કેમ નથી થતી? કારણ કે એને ખબર છે કે એવો માળો એ બનાવી શકશે નહીં. અને સૌથી અગત્યની વાત એ છે કે એ તેની જરૂરિયાત પણ નથી.

સમગ્ર વિશ્વમાં એકમાત્ર એવો પ્રાણી છે જે પોતાની જરૂરિયાતને સમજ્યા વિના માત્ર દેખાડા માટે ઘર બનાવે છે — એ છે માણસ. બિનજરૂરી ઇચ્છાઓની પૂર્તિ માટે નાહકનો તણાવ વહોરી લે છે. વળી, એમાં પણ બ્રાન્ડ પાછળની ઘેલછા તેની આ વૃત્તિને વધુ પ્રબળ બનાવે છે. સરળ અને સહજ વિશ્વમાં અસહજ એટલે માણસ.

મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછો.

સવાલ: લગ્ન એટલે માત્ર દેખાડો? નાચ-ગાન, ઝૂમકા-ઠુમકા અને દારૂની મહેફિલ વિના લગ્ન ન થઈ શકે? મારી એક મિત્રના લગ્નમાં જવાનું થયું હતું. આ વાત એટલા માટે કહું છું કે દેખાડા પાછળ ભાગતા લોકોની આંખો ખુલે. લગ્ન માટે બધી જ જગ્યાએ એજન્સીઓ રાખવામાં આવી હતી. લગ્ન અમદાવાદમાં હતા અને ફોટોગ્રાફર સુરતનો રાખવામાં આવ્યો હતો.

એની સાથે મીટિંગ થઈ ત્યારે હું પણ હાજર હતી. જે તીવ્રતાથી એ એડવાન્સ માંગતો હતો, તે જોઈને મને ભરોસો આવ્યો નહીં. પરંતુ મારી મિત્રના પપ્પાના મિત્રનો મિત્ર હોવાથી મારી વાત કોઈએ ખાસ સાંભળી નહીં.

હું ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલી છું. એટલે તેણે મને એક જાણીતી હિરોઈનના લગ્નનો વિડિયો બતાવ્યો, જે તેની ચેનલ પર હતો. કોઈનો ડેટા આ રીતે વાપરી શકાય નહીં. મેં તે હિરોઈનને કહ્યું તો તે ચોંકી ગઈ. એમનો એવો કોઈ કોન્ટ્રાક્ટ જ નહોતો.

મારી મિત્રના લગ્નમાં તે પોતે આવ્યો જ નહીં અને અમદાવાદના કોઈ લોકલ માણસોને મોકલી દીધા. એ લોકોને કેમેરા વાપરતા પણ યોગ્ય રીતે આવડતું નહોતું. મને તાત્કાલિક મારી ટીમ બોલાવવી પડી. એના માણસો ડેટા લઈને ભાગી ગયા. આવું જ પેલી હિરોઈન સાથે પણ થયું હતું.

હવે એ માણસ ફોન પણ ઉપાડતો નથી. જેના થકી ઓળખાણ થઈ હતી તે બિચારા પ્રયાસ કરે છે, પણ એમને પણ ગોળગોળ ફેરવે છે. આ આખી પ્રક્રિયામાં મારી મિત્રનો પણ થોડો વાંક છે, કારણ કે તે બ્રાન્ડ પાછળ દોડતા ફસાઈ ગઈ.

આવા લોકોની સંખ્યા અચાનક કેમ વધી રહી છે? શું આવા લેભાગુઓને સીધા કરવાનો કોઈ માર્ગ નથી?

જવાબ: તમે સાચું લખ્યું છે અને આવું લખવું જરૂરી છે. મોટા ભાગે લોકો છેતરાયા પછી ચૂપ થઈ જાય છે. લગ્ન દેખાડા માટે નથી હોતા. પૈસાનો વેડફાટ કરવાના બદલે તે ભવિષ્ય માટે સાચવી શકાય. સંબંધો સાચવવા જતા જે હેરાનગતિ થાય અને પોતાના પરિવારની અંગત તસ્વીરો આવા લેભાગુઓના હાથમાં જાય, તે બધું પછી મોટી સમસ્યા બની શકે.

જેને આપણે ઓળખતા હોઈએ એમને જ જવાબદારી સોંપવાની ભારતીય રીત ઘણી વખત વધુ યોગ્ય સાબિત થાય છે. માત્ર સોશિયલ મીડિયા દ્વારા કોઈને સાચી રીતે ઓળખી શકાય નહીં.

જો તમારો અનુભવ ખરાબ રહ્યો હોય તો અન્ય લોકોને ચેતવવું પણ જરૂરી છે. મોબાઇલમાંથી રેડિએશન પણ આવે છે અને તેનો વધુ પડતો ઉપયોગ આત્મવિશ્વાસ ઘટાડે છે. એવા સંજોગોમાં આવા લોકો વધુ ફાવે છે. પ્રાણાયામ, યોગ અને ધ્યાન જેવી પ્રક્રિયાઓ તથા મોબાઇલનો માત્ર જરૂરી ઉપયોગ જીવનમાં નવી ઊર્જા આપી શકે છે.

સૂચન: રીલ્સ જોઈને કોઈપણ શાસ્ત્રો શીખી શકાય નહીં. તેના માટે અનુભવી ગુરુ જરૂરી હોય છે.

(આપના સવાલો મોકલી આપો Email: vastunirmaan@gmail.com)

ગુગલનું એવું ફીચર, જે તમારા બાળકનું ભણવાનું વલણ બદલી નાખશે!

એક એવો સમય હતો જ્યારે બાળકો પુસ્તકોમાંથી ભણતાં કંટાળતા. બાળકના માઇન્ડસેટ કરતાં વધારે અઘરી થિયરી અને જટિલ ભાષાને કારણે પાઠ્યપુસ્તકો ઘણી વખત બોજરૂપ લાગતા. જો સ્કૂલમાં શિક્ષક પાઠ સમજાવે ત્યારે ધ્યાન ન આપ્યું હોય, તો ભણતરનો ભાર વધુ વધતો જતો. કારણ કે દરેક બાળકની શીખવાની વૃત્તિ, રસ અને ગ્રહણ કરવાની ક્ષમતા અલગ હોય છે. દરેક બાળકની ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિ પણ અલગ હોવાને કારણે ઘણા બાળકો બધી રીતે હોશિયાર હોવા છતાં ભણવામાં પાછળ રહી જાય છે. પરંતુ આધુનિક શિક્ષણ પ્રણાલીના કારણે આ પ્રશ્ન હવે મોટા ભાગે હલ થતો જઈ રહ્યો છે.

ગુગલ દ્વારા એક એવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેમાં બાળક પોતાની રુચિ મુજબ પાઠ્યપુસ્તકના પાઠને વધુ સરળ અને નવીન રીતે શીખી શકે છે. ‘Learn Your Way’ નામનું આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત ફીચર દ્વારા પાઠ્યપુસ્તકની કોઈપણ માહિતી સરળ અને પ્રેક્ટિકલ રીતે સમજી શકાય છે. એટલું જ નહીં, આ ફીચરમાં વિડિયો ક્લિપ્સ અને ઓડિયો ફાઇલો દ્વારા પણ સરળ રીતે સમજાવવાના વિકલ્પો આપવામાં આવ્યા છે, જેથી જટિલ વિષયને પણ સહેલાઈથી સમજાવી શકાય.

આ એપ સ્લાઇડ શો, ક્વિઝ અને માઇન્ડ ગેમ્સ દ્વારા પાઠને રજૂ કરે છે. એટલું જ નહીં, એક જ ટોપિકને વિવિધ રીતે સમજવાનો વિકલ્પ પણ આપે છે. અહીં કોઈપણ સામાન્ય કોન્સેપ્ટની વૈજ્ઞાનિક સમજૂતી પણ મેળવી શકાય છે. સરળ ભાષામાં કહીએ તો આ એક પ્રકારનું પર્સનલ ટ્યુશન છે, જેમાં બાળકને તેની સમજ પ્રમાણે સમજણ આપવામાં આવે છે.

આ એપ કેવી રીતે કામ કરે છે

સૌપ્રથમ આ એપ બાળકની રુચિ અને શીખવાની રીતને સમજવાનો પ્રયત્ન કરે છે. ત્યારબાદ તેની રુચિ અનુસાર ડેટાને સરળ રીતે ગોઠવીને અભ્યાસ માટેનું મટીરીયલ તૈયાર કરે છે. વિદ્યાર્થીના રસ અને જરૂરિયાત અનુસાર સમજણ આપવામાં આવે છે, જેથી તે વિષય પ્રત્યે વધુ રસ વિકસાવી શકે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા જરૂરી અભ્યાસસામગ્રી તૈયાર કરવામાં આવે છે અને જરૂરી મુજબ તેને કસ્ટમાઇઝ પણ કરવામાં આવે છે.

આ ખાસ કરીને બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓ માટે ખૂબ લાભદાયક સાબિત થઈ શકે છે. કારણ કે આજકાલ બોર્ડ દ્વારા પોતાની ભાષામાં સમજૂતી આપતા ઉત્તરને વધુ માર્ક્સ આપવામાં આવે છે. તેથી કોન્સેપ્ટ ક્લિયર થવાનો મુદ્દો અહીં મોટા ભાગે ઉકેલાઈ જાય છે અને ઓછા સમયમાં વધુ પ્રેક્ટિસ પણ કરી શકાય છે.

મહત્વની વાત એ છે કે આ એપ માત્ર અભ્યાસ પૂરતી જ નથી. અન્ય ઘણી કળાઓ શીખવા માટે પણ ઉપયોગી છે. જેમ કે રાઇટિંગ, પ્રોગ્રામિંગ, નવી ભાષાઓ વગેરે સહેલાઈથી શીખી શકાય છે.

અંતે એક વાત ચોક્કસ કહી શકાય કે ટેક્નોલોજીના આ યુગમાં જ્ઞાન સુધી પહોંચવાનો રસ્તો હવે વધુ સરળ બનતો જઈ રહ્યો છે. મહત્વની બાબત એ છે કે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરીએ.

ચિકાગોમાં 15 થી 18 વર્ષની વયના 50થી વધુ વિદ્યાર્થીઓ પર આ એપનો ઉપયોગ કરીને અભ્યાસ કરાવવામાં આવ્યો હતો. તેના પરિણામો આશા કરતાં વધુ સારા રહ્યા. અભ્યાસ મુજબ જાણવા મળ્યું કે જો વિદ્યાર્થી પારંપરિક રીતે ભણવાની સાથે આ પ્રકારના ફીચર્સનો ઉપયોગ કરે, તો તે 78% સુધી વધુ સારા પરિણામો મેળવી શકે છે.

તેમ છતાં શિક્ષકનું સ્થાન હજુ પણ અનમોલ જ રહેશે. કારણ કે આપણે શાળામાં માત્ર પાઠ્યપુસ્તકનું જ જ્ઞાન મેળવવા નથી જતાં, પરંતુ અનુશાસન, શિસ્ત અને જીવનના મૂલ્યો પણ શીખીએ છીએ. જે એક સારા શિક્ષક અને સારી શાળા જ આપી શકે છે. તેમ છતાં આ પ્રકારની એપ ટ્યુશન ક્લાસિસ માટે એક સારો વિકલ્પ બની શકે છે.

(નવસારીસ્થિત જીજ્ઞા જોગીયા વિજ્ઞાનના સ્નાતક છે. મેડિકલ ક્ષેત્રે નવી જાણકારીઓ-સંશોધનમાં રસ ધરાવવાની સાથે સાથે એ આરોગ્ય, ફેશન, વ્યક્તિતિવ વિકાસ, મહિલાઓના પ્રશ્નો જેવા વિષયો પણ લખતાં રહે છે.)

પંચાંગ 13/03/2026