અમદાવાદ: ગીર સોમનાથમાં ધરા ધ્રુજી હોવાની માહિતી સામે આવી છે. અહીં 4 મિનિટના અંતરાલમાં 2 વખત ભૂકંપના આંચકા અનુભવાયા હોવાની માહિતી સામે આવી છે. તલાલામાં સૌપ્રથમ 3.7ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો. ત્યારબાદ 3.4ની તીવ્રતાનો ભૂંકપનો આંચકો અનુભવાયો.
તલાલા અને તેની અસપાસના ગામોમાં આંચકાઓ અનુભવાયા છે. બપોરે 3-18 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્ર તલાલાથી 12 કિલોમીટર દૂર નોર્થ-નોર્થઈસ્ટમાં આવેલું છે તેવી માહિતી ગુજરાત રાજ્ય ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપી છે.
ગીર સોમનાથમાં 4 મિનિટમાં બે વખત ભૂંકપના ઝટકા
દેશમાં ઝડપથી બંધ થઈ રહ્યા છે નાના શોપિંગ મોલ
નવી દિલ્હીઃ દેશમાં નાના શોપિંગ મોલ ઝડપથી બંધ થઈ રહ્યા છે, કેમ કે ગ્રાહકો હવે ઓનલાઇન ખરીદી કરી રહ્યા છે અથવા મોટા મોલ જવાનું પસંદ કરવા લાગ્યા છે. વળી, મોલની અંદરની દુકાનો ખાલી હોવાની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે, જ્યારે મોલમાં 40 ટકાથી વધુ દુકાનો ખાલી થઈ જાય એને ઘોસ્ટ મોલ કે નિષ્ફળ મોલ કહેવામાં આવે છે, એમ અહેવાલ કહે છે.
વર્ષ 2023માં દેશમાં ગ્રોસ લીઝબેલ એરિયા અથવા ભાડા માટે તૈયાર દુકાનોની સંખ્યા 238 ટકા વધી છે, પરંતુ 2022માં ઘોસ્ટ મોલ 57થી વધીને 64 થઈ ગયા છે.
29 શહેરોમાં સર્વેમાં જણાવ્યા મુજબ એક લાખ સ્કવેર ફૂટવાળા 132 શોપિંગ મોલ ફેલ થવાને આરે છે. 2022માં એમાં પડેલી ખાલી દુકાનોની સંખ્યા 33.5 ટકા હતી, જે 2023માં વધીને 36.2 ટકા થઈ છે. અહેવાલ કહે છે કે કોમર્શિયલ રિટેલ પ્રોપર્ટીનો વિસ્તાર બહુ વધારે છે, પરંતુ એનું પ્રદર્શન સારું નથી રહ્યું. 2023માં 133 લાખ સ્ક્વેર ફૂટની દુકાનો ખાલી પડી હતી, જે કારણે ડેવલપર્સને 67 અબજનું નુકસાન થયું હતું.
નાના શોપિંગ મોલ એટલે નિષ્ફળ થઈ રહ્યા છે, કેમ કે તેઓ મોટાં શોપિંગ સેન્ટરો જેવી સુવિધા નથી આપી રહ્યાં. 2023માં ભારત 12.5 કરોડ સ્કવેરફૂટ મોલ ઘોસ્ટ શ્રેણીમાં હતાં, એમાંથી 75 ટકા આઠ મોટાં શહેરોમાં હતાં. દિલ્હી, મુંબઈ, બેન્ગલુરુ સહિત દેશના આઠ સૌથી મોટાં શહેરોમાં 2023માં કુલ શોપિંગ મોલ ઘટીને 263 રહી ગયા છે. આ શહેરોમાં આઠ નવાં સેન્ટર ખૂલ્યાં છે, પણ સામે 16 બંધ થયાં છે.
Paytmની મુશ્કેલી યથાવત, ટ્રાન્ઝેક્શનમાં થયો ઘટાડો!
One 97 કોમ્યુનિકેશનની માલિકીની Paytm પાછલા ઘણા સમયથી ચર્ચામાં છે ત્યારે આજે ફરી એક પેટીએમને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. Paytm ના શેરમાં 8 મેના રોજ 4 ટકાથી વધુનો ઘટાડો થતા શેર દીઠ રૂ. 320 થયો હતો. આદિત્ય બિરલા ફાઈનાન્સે Paytm પાસેથી લોન ગેરંટી માંગી હોવાના અહેવાલોથી આજે કંપની શેરમાં વેચવાલી જોવા મળી રહી છે.

ફિનટેક ફર્મના મુખ્ય ધિરાણ ભાગીદારોમાંના એક આદિત્ય બિરલા ફાઇનાન્સે કંપની પાસે લોન ગેરંટી માંગી હોવાનો સંકેત આપતા અહેવાલોથી કંપનીમાં ઘટાડો આવ્યો છે. ગ્રાહકો પાસેથી ચુકવણી ડિફોલ્ટ થતા કંપની શેર 16 ફેબ્રુઆરીના સૌથી નીચેની સપાટી 318 પર પહોંચ્યો હતો. આ વર્ષે અત્યાર સુધીમાં, Paytmનો સ્ટોક લગભગ 50 ટકા તૂટી ગયો છે, આદિત્ય બિરલા ફાઇનાન્સ ઉપરાંત, પિરામલ ફાઇનાન્સ અને ક્લિક્સ કેપિટલ જેવા અન્ય ધિરાણકર્તાઓએ પણ પેટીએમ સાથેની તેમની ભાગીદારી પરત ખેંચી લીધી હોવાની સંભાવના સેવાય રહી હતી. કારણ કે આરબીઆઈએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કની કામગીરી પર પ્રતિબંધ મૂક્યો હતો.
ફિનટેક મેજર એપ્રિલમાં સતત ત્રીજા મહિને યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો યથાવત્ જોવા મળ્યો હતો. કંપનીના એપ્રિલમાં 1,117.3 મિલિયનના વ્યવહારો કર્યા હતા, જે માર્ચમાં 1,230.04 મિલિયન ટ્રાન્ઝેક્શનથી વોલ્યુમમાં લગભગ 9 ટકા ઓછા હતા. યુપીઆઈ એપ્લિકેશન્સમાં કંપનીનો બજારહિસ્સો એપ્રિલમાં 8.4 ટકા હતો, જે ફેબ્રુઆરીમાં 10.8 ટકા અને માર્ચમાં 9.13 ટકા હતો.
કોણ છે સંજય લીલા ભણસાલીની ભાણકી? જેણે હીરામંડીમાં કર્યો છે અભિનય
મુંબઈ: સંજય લીલા ભણસાલી દ્વારા નિર્દેશિત “હીરામંડી” નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી છે. આ સીરિઝમાં ગણિકાઓની વાર્તા બતાવવામાં આવી છે. તે કેવી રીતે બ્રિટિશ સરકાર સામે આઝાદી માટે લડે છે એ દર્શાવવામાં આવ્યું છે. આ સિરીઝની સ્ટાર કાસ્ટ ઘણી મોટી છે અને બધાએ શાનદાર કામ કર્યું છે.મનીષા કોઈરાલા જેવી દિગ્ગજ અભિનેત્રીઓથી લઈને અદિતિ રાવ હૈદરી સહિતની દરેક વ્યક્તિએ પોતાના અભિનયની છાપ છોડી છે.

સંજય લીલા ભણસાલીની ભાણકીએ પણ હીરામંડીમાં કામ કર્યું છે. તેમની ભાણકીએ તેમની સાથે કેટલીક ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરિકે કામ કર્યુ છે. આખરે હવે મામાના મોટા પ્રોજેક્ટમાં ભાણકીને કામ કરવાનો ચાન્સ મળી ગયો. જોકે, હીરામંડીમાં અભિનેત્રીની એક્ટિંગ માટે તેણીને ટ્રોલ કરવામાં આવી રહી છે. જાણીએ કોણ છે સંજય લીલા ભણસાલીની આ ભાણકી?
સંજય લીલા ભણસાલીની ભાણકીનું નામ શર્મિન સેગલ મહેતા છે.શર્મિન આ પહેલા પણ ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચુકી છે પરંતુ બહુ ઓછા લોકો જાણતા હતા કે તે સંજય લીલા ભણસાલીની ભાણકી છે.શર્મિન સેગલે આ સિરીઝમાં આલમઝેબની ભૂમિકા ભજવી છે.સંજય લીલા ભણસાલી અને શર્મિન વિશે ઘણા લોકો જાણતા ન હતા પરંતુ જ્યારે હીરામંડીનું ટ્રેલર રિલીઝ થયું ત્યારે લોકોને તેમના સંબંધો વિશે ખબર પડી.

શર્મિન સેગલને ‘મલાલ’ફિલ્મ સાથે તેની અભિનયમાં કરિયરની શરૂઆ કરી હતી. મલાલમાં શર્મિન સેગલ સાથે મીઝાન જાફરી મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યો હતો. જોકે, ફિલ્મમાં ડેબ્યુ કરતા પહેલા શર્મિને સંજય લીલા ભણસાલી સાથે બાજીરાવ મસ્તાની, ગંગુબાઈ કાઠિયાવાડી, રામલીલા અને મેરિકોમા ફિલ્મમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરિકે કામ કર્યુ છે. તેમણ તેણીએ અતિથિ ભૂતો ભવ ફિલ્મમમાં પણ અભિનય કર્યો છે. હવે તે હીરામંડીમાં જોવા મળી છે. પરંતુ આ સીરિઝમાં લોકોને તેની એક્ટિંગ પસંદ નથી આવી રહી. સોશિયલ મીડિયા પર યુર્ઝસ શર્મિનને ટ્રોલ કરી રહ્યાં છે.
બહુ ઓછા લોકો જાણતા હશે કે શર્મિન સેગલ સંજય લીલા ભણસાલીની બહેન અને ફિલ્મ એડિટર બેલા સેગલની પુત્રી છે. તેના પિતાનું નામ દીપક સેગલ છે. આમસંજય લીલા ભણસાલી તેમના મામા થાયછે. એટલું જ નહીં શર્મિનનું પીઢ અભિનેત્રી રેખા સાથે પણ ખાસ જોડાણ છે. ખરેખર,શર્મિનના દાદા અને ફિલ્મ નિર્દેશક મોહન સેગલે જ રેખાને હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં લોન્ચ કરી હતી.

શર્મિને એક ઈન્ટરવ્યુ દરમિયાન ખુલાસો કર્યો હતો કે જ્યારે તે 17 વર્ષની હતી ત્યારે તેને ડોક્ટર બનવામાં રસ હતો અને તે એક્ટર બનવા માંગતી ન હતી. પરંતુ વધુ વજન હોવાના કારણે તેને શાળામાં વારંવાર બુલીકરવામાં આવતી હતી. છોકરાઓ તેને જોઈને હસતા અને તેની મજાક ઉડાવતા. પછી અભિનેત્રીએ પ્લાન કર્યો કે તે હવે અભિનયમાં પોતાનું કરિયર બનાવશે.
VIDEO: ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે EVM કેપ્ચર કર્યું
અમદાવાદ: ગુજરાતમાં શાંતિપૂર્વક મતદાન પૂર્ણ થયાની વાતો વચ્ચે દાહોદ લોકસભા બેઠક પર બૂથ કેપ્ચરિંગની ઘટના બની હતી. જેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. દાહોદ લોકસભા બેઠકના મતવિસ્તારમાં આવતા મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુર ગામમાં બૂથ કેપ્ચરિંગ કરાયું હતું. આ ઘટનામાં ભાજપ નેતાના પુત્રએ જ બૂથ કેપ્ચરિંગ કર્યુ હતું. તેણે બૂથ કેપ્ચરિંગની સમગ્ર ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ કરી હતી. વિજય ભાભોર પૂર્વ ભાજપ તાલુકા પ્રમુખનો પુત્ર હોવાની માહિતી સામે આવી છે.
દાહોદ લોકસભા બેઠક પર ભાજપ નેતાના પુત્ર વિજય ભાભોરે બૂથમાં ઘૂસી EVM કેપ્ચર કર્યું હતું. વિજય ભાભોરે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર આખી ઘટના લાઇવ પણ કરી હતી. એટલું જ નહીં, વિજય ભાભોરે અન્ય લોકો સાથે મળી ભાજપ ઉમેદવાર માટે બોગસ વોટિંગ પણ કર્યુ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. વીડિયોમાં ‘EVM તો આપણા બાપનું છે’ તેવું બોલી રહ્યો છે.
દાહોદમાં બૂથ કેપ્ચરિંગની ફરિયાદ મામલે ચૂંટણીપંચે જિલ્લા કલેક્ટર પાસેથી રિપોર્ટ મંગાવ્યો છે. રિપોર્ટના આધારે ચૂંટણીપંચ હવે નિર્ણય લેશે. સમગ્ર મામલે મહીસાગર જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે, આ વીડિયોમાં બોગસ વોટિંગ થયું હોવાનું ધ્યાનમાં આવી રહ્યું છે. વીડિયોમાં જે બે લોકો દેખાઈ રહ્યા છે તેમને પોલીસે પકડી લીધા છે અને ફરિયાદ નોંધીનો આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદા કે ચૂંટણીપંચનો જાણે કોઈ ખોફ જ ના હોય તેમ ભાજપ નેતાના પુત્રએ બૂથને હાઇજેક કર્યું હતું. તેને EVM પોતાના સાથે લઇ જવાની વાત પણ કરી હતી. વીડિયો વાઈરલ થતાં વિજય ભાભોરે વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી ડિલીટ કર્યો છે. દાહોદ બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ડૉ.પ્રભાબેન તાવિયાડે કલેક્ટરને ફરિયાદ કરી હતી. જેને લઈ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ તપાસ શરૂ કરી છે.
ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે લોન્ચ થયું ગૂગલ વોલેટ
વોશિંગ્ટનઃ ગૂગલે ભારતમાં એન્ડ્રોઇડ યુઝર્સ માટે એક ખાનગી ડિજિટલ વોલેટ રજૂ કર્યું છે, એમાં યુઝર્સ કાર્ડ, ટિકિટ, પાસ અને ID સુરક્ષિત રાખી શકાશે, એમ એક અધિકારીએ આ માહિતી આપી હતી. આ વોલેટ ડિજિલોકરની જેમ હશે, જેમાં યુઝર્સ ફાઇનાન્શિયલ ડોક્યુમેન્ટસને ડિજિટલી સ્ટોર કરી શકાશે.
ગૂગલે વોલેટ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાશે. એ યુઝર્સને ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, લોયલ્ટી કાર્ડ અને ગિફ્ટ કાર્ડ સહિત અન્ય ચીજવસ્તુઓ રાખવાની સુવિધા આપશે. એ ગૂગલ પે એપથી અલગ છે, જે પૈસા તથા નાણાકીય મેનેજમેન્ટ કરવામાં મદદ કરે છે.
ગૂગલના GM અને ઇન્ડિયા એન્જિનિયરિંગ લીડ (એન્ડ્રોઇડ) રામ પાપાટલાએ કહ્યું હતું કે ગૂગલ પે ક્યાંય નથી જઈ રહ્યું. એ અમારી પ્રાથમિક ચુકવણી એપ બની રહેશે. ગૂગલ વોલેટ ખાસ કરીને બિનચુકવણી ઉપયોગના મામલા માટે તૈયાર કરવામાં આવ્યું છે.
ગૂગલ વોલેટ એપ દ્વારા યુઝર્સ વગર ફિઝિકલી કોન્ટેક્ટ ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. એ એપ સેમસંગના વોલેટની જેમ NFC (નિયર ફીલ્ડ કોમ્યુનિકેશન) ફીચર પર કામ કરશે. એ એક ડિજિટલ વોલેટ છે.
ગૂગલ ઇન્ડિયાના જણાવ્યા મુજબ વોલેટમાં યુઝર્સ બોર્ડિંગ પાસ, ગિફ્ટ કાર્ડ, લોયલિટી કાર્ડ, ઇવેન્ટ, કારની ડિજિટલ કી, એક્સેસ, ટ્રાન્સિટ OTA વગેરે ડિજિટલી સ્ટોર કરી શકશે. ગૂગલ વોલેટ એન્ડ્રોઇડ યુઝર્સના Gmail અકાઉન્ટથી ઓટોમેટિકલી લિન્ક થઈ જશે અને યુઝર્સ આ સર્વિસને યુઝ કરી શકશે.
ગૂગલે પોતાની Wallet સર્વિસ માટે PVR-INOX, Flipkart Supercoin, Air India, MakeMyTrip, Air India Express, ixigo, abhibus, hydrabad metro rail, pine labs, shopper stop, dominos, easyrewardz, twid, billeasy, bmw, wavelynx, alert enterprise, prudent, vijayanad travels વગેરેની સાથે ભાગીદારી કરી છે. કંપની આવનારા દિવસોમાં અન્ય બ્રાન્ડ્સ સાથે ભાગીદારી કરશે.
વિવાદોના વંટોળ વચ્ચે એસ્ટ્રાઝેનેકાનો મોટો નિર્ણય, કોવિડશીલ્ડ પરત ખેંચાશે!
કોરોના કાળમાં જે રક્ષક બન્યો હતો, એજ લાંબા સમય બાદ ભક્ષક તરીકે સામે આવ્યા છે. જાણીતી ફાર્મા કંપની એસ્ટાઝેનેકા દ્વારા બનાવવામાં આવેલી કોવિડશીલ્ડ રસીની માણસ માટે નુકસાન કારક હોવાના સમાચાર માટે ચકચાર મચી ગયો છે.

હાલ એસ્ટ્રેઝેનેકા કંપનનીની કોવિડશીલ્ડ વેક્સિન દુર્લભ જોવા મળી રહી છે. આ રસીની દેશ સહિત વિદેશમાં પણ નિકાસ થતી હતી. જ્યારે રસી આડઅસરના સમાચાર બાદ રસીની સપ્લાય બંધ કરી દેવામાં આવી હતી. કંપનીએ કહ્યું કે અમે વૈશ્વિક સ્તરે વેક્સિન પાછી ખેંચવાનો નિર્ણય લીધો છે. અગાઉ કંપનીએ પણ વેક્સિનની આડઅસર થતી હોવાની કબૂલાત કરી હતી. જો કે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે આ વેક્સિન અન્ય કારણોસર બજારમાંથી હટાવવામાં આવી રહી છે.
શું છે મામલો?
થોડા સમય પહેલા કેટલાક પરિવારોએ કોવિડશીલ્ડના લેવાના આડ અસરને લઈ કેસ કર્યા હતા જે બાદ AstraZenecaએ મોટો ખુલાસો કર્યો હતો. કંપનીએ કોર્ટમાં પ્રથમ વખત સ્વીકાર્યું છે કે કોવિડ -19 રસીની આડઅસર થઈ શકે છે, પરંતુ આવા કેસોની સંખ્યા ઘણી ઓછી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. કંપનીએ કોર્ટના દસ્તાવેજોમાં સ્વીકાર્યું હતું કે તેના દ્વારા બનાવવામાં આવેલી કોરોના વેક્સિન લોહીના ગંઠાઈ જવા જેવી ગંભીર આડઅસર કરી શકે છે. જોકે, ફાર્મા જાયન્ટે કહ્યું હતું કે વ્યવસાયિક કારણોસર કોવિશીલ્ડ વેક્સિનને બજારોમાંથી દૂર કરવામાં આવી રહી છે.
પૂર્વમાં રહેતા ભારતીય ચીન, સાઉથમાં રહેતા આફ્રિકન જેવાઃ સેમ પિત્રોડા
નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા ફરી એક વાર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. દક્ષિણ આફ્રિકાના લોકો આફ્રિકી અને પૂર્વોત્તરના ચાઇનીઝ જેવા દેખાય છે. દેશમાં વિવિધતાની વાત કરતાં પિત્રોડાએ આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. આ દેશમાં ઘણું વૈવિધ્ય છે. બધા એકજૂટ રહે છે, પરંતુ સંદેશ દેવા માટે જે શબ્દોનો પ્રયોગ તેમણે કર્યો હતો –એના પર વિવાદ વધી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે અમારા દેશમાં પૂર્વોત્તરના લોકો ચાઇનીઝ જેવા દેખાય છે. પશ્ચિમના આરબ જેવા અને દક્ષિણના આફ્રિકી જેવા, પરંતુ એનાથી કોઈ ફરક નથી પડતો, અમે બધા ભાઈ-બહેનની જેમ રહે છીએ.
“Sir aap kuchh din ke liye interviews mat dijiye if possible..”
Sam Pitroda: pic.twitter.com/oI4Z99bHzY
— Shiv Aroor (@ShivAroor) May 8, 2024
હવે ભાજપે આ નિવેદન પછી કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે. ભાજપે ભાર દઈને કહ્યું છે કે કોંગ્રેસની વિચારધારા દેશના ભાગલા પાડવાની છે. આ પહેલાં વિરાસત ટેક્સનો ઉલ્લેખ કરીને પણ તેમણે કોંગ્રેસ માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી.
આ પહેલાં તેમણે કહ્યું હતું કે અમેરિકામાં તો વિરાસત ટેક્સ ચાલે છે. જોકોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ પણ છે તો એના મર્યા પછી 45 સંપત્તિ ટકા બાળકો પાસે અને 55 ટકા મિલકત સરકાર લઈ લે છે. આ ઘણો રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમારે તમારી બધી સંપત્તિ બાળકો માટે નહીં છોડવી જોઈએ, પણ અડધી પબ્લિકને માટે છોડી દેવી જોઈએ. ભારતમાં તો એવો કોઈ કાયદો નથી. જોકોઈ વ્યક્તિ 10 મિલિયનની કમાણી કરી રહી છે, તો તેના મર્યા પછી તેના બધા પૈસા ભારતમાં તેનાં બાળકોને જાય છે, પબ્લિક પાસે કોઈ નથી જતું.
મારા જાહેર જીવનની આ સૌથી પીડાદાયક ચૂંટણી રહી: રૂપાલા
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની 25 બેઠકો માટે 7મી મેના રોજ મતદાન પૂર્ણ થયું. આજે રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને આખી ચૂંટણી દરમિયાન ચર્ચામાં રહેલા પરશોત્તમ રૂપાલાએ એક મોટું નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે “મારી 40 વર્ષની જાહેર જીવનની કારકિર્દી રહી છે. પણ આ ચૂંટણીમાં મારા એક નિવેદનથી ક્ષત્રિય આંદોલન થયું અને જે સ્થિતિ સર્જાઇ તેનાથી મારા આખા રાજકીય કરિયરમાં સૌથી પીડાદાયક ચૂંટણીનો અનુભવ મેં કર્યો છે.”
આજે રાજકોટમાં પત્રકારો સાથેની વાતચીતમાં સૌ પહેલા શાંતિથી ચૂંટણી પ્રક્રિયા પૂરી થઈ તે માટે પરશોત્તમ રૂપાલાએ સહુનો આભાર વ્યક્ત કર્યો. તેમણે કહ્યું કે, “હું નિખાલસતાથી કબૂલ કરું છું કે આ ચૂંટણીનો દોર મારા માટે કઠિન રહ્યો છે. મારી જ ભૂલ હતી અને ત્યારબાદ જે સ્થિતિ ઊભી થઈ તેના માટે હું જ જવાબદાર છું. મારા કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મારા પક્ષના સાથીદારોને પણ ક્યાંક સહન કરવું પડ્યું છે તેનો મને રંજ છે.”
આજે રૂપાલાએ ફરી એકવાર ક્ષત્રિય સમાજની માફી માગી હતી અને આગામી દિવસોમાં રાષ્ટ્રના વિકાસના પ્રવાહમાં ભળી જવા અને હવે કોઈ વૈમનસ્ય ઉભુ ન થાય તે માટે સહુએ સાથે મળીને પ્રયાસો કરવા અપીલ કરી. મતદાન બાદ ચૂંટણીના પરિણામો અંગે તેમણે અટકળો કરવાનું ટાળ્યું હતું. તેમણે આ તકે કહ્યું કે,”હવે ચૂંટણી પૂરી થઈ ગઈ એટલે મતનો કોઈ વિષય નથી એટલે આજે ફરી સૌનો આભાર માનવા અને માફી માગવા આવ્યો છું.”
(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીર – નિશુ કાચા)


