Home Blog Page 1874

રાષ્ટ્રપતિ ભવનને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી

બોમ્બના કોલથી દિલ્હી પોલીસના કંટ્રોલ રૂમમાં ગભરાટ ફેલાયો હતો. ફોન કરનારે પોલીસને જણાવ્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે અને તે 15 મિનિટમાં વિસ્ફોટ થશે. આટલું બોલતાની સાથે જ કોલ કરનારે ફોન સ્વીચ ઓફ કરી દીધો. ફોન આવતા પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો હતો. આ પછી પોલીસે ભારે પ્રયાસ કરીને આરોપીને પકડી લીધો. આરોપીની ઓળખ રવિન્દ્ર તિવારી તરીકે થઈ છે. પોલીસે તેની પાસેથી એક મોબાઈલ ફોન કબજે કર્યો છે.

પોલીસની અનેક ટીમો એલર્ટ પર

પોલીસે જણાવ્યું કે સોમવારે રાત્રે પીસીઆરને ફોન આવ્યો કે રાષ્ટ્રપતિ ભવનમાં બોમ્બ મુકવામાં આવ્યો છે. ફોન કરનારે તેનો નંબર પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. પોલીસ સ્ટેશન ઉપરાંત અનેક ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. પોલીસે નંબર અને તેના લોકેશન વિશે માહિતી એકઠી કરી.

નશામાં ધૂત માણસે ફોન કર્યો

જેના થકી પોલીસ સઆદતપુર પહોંચી અને આરોપીને પકડી લીધો. પોલીસ અને આઈબીએ તેની લાંબા સમય સુધી પૂછપરછ કરી. પૂછપરછ દરમિયાન આરોપીએ પોલીસને જણાવ્યું કે તે વ્યવસાયે મજૂર છે અને તેણે દારૂના નશામાં પોલીસને ફોન કર્યો હતો. તમને જણાવી દઈએ કે બુધવારે દિલ્હીની ઘણી શાળાઓમાં બોમ્બ ધડાકાને લઈને ઈમેલ આવ્યા હતા. આ પછી પોલીસ એક્શનમાં આવી હતી અને સાવચેતીના પગલા તરીકે તમામ શાળાઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસને આમાં કંઈપણ શંકાસ્પદ મળ્યું ન હતું અને ઈમેલને નકલી ગણાવ્યો હતો.

અશોક ગેહલોત ગુજરાત પ્રવાસે, ભાજપ પર કર્યા પ્રહાર

લોકસભા ચૂંટણી નજીક આવતા રાજકારણનો પારો ઉપર ચડી રહ્યો છે. આગામી પાંચ દિવસમાં દેશનું ભવિષ્ય EVMમાં બંધ થશે. ત્યારે તમામ પાર્ટીના ઉમેદવારો મત જોડવા માટે એડી ચોટીનું જોર લગાડી રહ્યા છે. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી પણ આજે ગુજરાત મુલાકાતે આવ્યા છે. જ્યાં રાજીવ ગાંધી ભવન ખાતે આયોજિત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમાર સહિતના કોંગ્રેસના અધિકારીઓ ઉપસ્થીત હતા.

પત્રકાર પરિષદમાં તેમણે હતું કે, દેશમાં લોકસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે ત્યારે વડાપ્રધાનને સાચી પરિસ્થિતિની ખબર પડી ગઈ છે. જેના કારણે મુદ્દા પર વાત કરવાની જગ્યાએ નિમ્ન કક્ષાની અને બેતુકી વાતો કરે છે. રાહુલ ગાંધીએ 10 હજાર કિ.મી. જેટલી ભારત જોડો યાત્રા અને ભારત જોડો ન્યાય યાત્રા કરી. દેશના લોકોની સમસ્યાઓ અને અપેક્ષાઓને ધ્યાને રાખીને કોંગ્રેસ પક્ષના મેનીફેસ્ટ્રો ‘ન્યાયપત્ર’ બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ ન્યાય 25 ગેરન્ટી આપી છે. પરંતુ ભાજપ ન્યાયપત્ર અંગે જુઠ્ઠાણું ફેલાવી રહી છે. કોંગ્રેસ પડકાર આપે છે કે ભાજપમાં હિંમત હોય તો કોંગ્રેસના ન્યાય પત્ર અને ભાજપના મેનીફેસ્ટ્રોના મુદ્દા આધારીત ચર્ચા કરે. ભાજપ લોકશાહીને ખતમ કરવા સતત પ્રયાસ કરી રહી છે. તો ક્યાંક બંધારણ બદલવાની વાત ભાજપના નેતાઓ કરી રહ્યાં છે. દેશમાં બે રાજ્યના ચૂંટાયેલા મુખ્યમંત્રી જેલમાં જોવા મળી રહ્યાં છે, ખેડૂતો આત્મહત્યા કરી રહ્યાં છે, યુવાનોને રોજગારી નથી, તેવા સંજોગોમાં વડાપ્રધાન જમીન અને ભેસ, મંગળસુત્ર, પાકિસ્તાનની વાતો કરે છે.

60 વર્ષમાં દેશનું દેવુ  55 લાખ કરોડ હતું જ્યારે 2014 થી 2024 સુધી એટલે કે, 10 વર્ષમાં મોદી સરકારે 205 લાખ કરોડ દેવુ કરી દેશના નાગરિકો દેવાના ડુંગરમાં ધકેલી દીધા. વડાપ્રધાન જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે ખેડૂતો માટે એમ.એસ.પી. ની માંગ કરતા હતા પરંતુ આજે 10 વર્ષ વડાપ્રધાન પદે રહ્યા હોવા છતાં ખેડૂતોને એમ.એસ.પી. મળતી નથી. આ બધી ગેરંટીનું શું થયું? કાળુ ધન પાછુ લાવીશું, બે કરોડ રોજગાર, ખેડૂતની આવત બમણી, સહિતની ગેરંટીઓનું શું થયું ? તેનો જવાબ વડાપ્રધાન આપે. જેમ જેમ ચૂંટણીના તબક્કાઓ આગળ વધી રહ્યાં છે તેમ તેમ મોદીજીની હડબડાહટ સ્પષ્ટ દેખાય છે. બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર મુદ્દે વાત કરવાની જગ્યાએ ભેસ કેમ યાદ આવે છે ?

નાણામંત્રીના પતિ કહી રહ્યા છે કે ‘ઈલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ છે.’ જનતા મુદ્દા આધારીત, ન્યાય, હક્ક અધિકારની વાત કરતી કોંગ્રેસ પક્ષને વોટ આપશે. યુવા ન્યાય, મહિલા ન્યાય, ખેડૂત ન્યાય, શ્રમિક ન્યાય અને હિસ્સેદારી ન્યાય થકી સામાજિક, આર્થિક, રાજકીય અસમાનતા દૂર કરવા અને લોકોને ન્યાય આપવામાં આવશે.

BJPએ રાયબરેલીથી ઉમેદવારની કરી જાહેરાત

ભારતીય જનતા પાર્ટીએ ઉત્તર પ્રદેશની રાયબરેલી લોકસભા બેઠક પરથી લોકસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી દીધી છે. ભાજપે દિનેશ પ્રતાપ સિંહને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. દિનેશ પ્રતાપ સિંહ અગાઉ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને રાયબરેલીથી પૂર્વ સાંસદ સોનિયા ગાંધી સામે ચૂંટણી લડી ચૂક્યા છે.

જો કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા હજુ સુધી ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. ભાજપે સોશિયલ મીડિયા સાઇટ પર લખ્યું ભાજપે રાયબરેલી ઉપરાંત કૈસરગંજથી પણ ઉમેદવારો ઉભા રાખ્યા છે. પાર્ટીએ કરણ ભૂષણ સિંહને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે.

દિનેશ પ્રતાપ સિંહે વર્ષ 2019માં ચૂંટણી લડી હતી. 2019ની ચૂંટણી રેલીમાં જ્યારે પીએમ મોદીએ દિનેશ પ્રતાપ સિંહના ખભા પર હાથ મૂક્યો હતો. તેની તસવીરો પણ વાયરલ થઈ હતી. ત્યાર બાદ જ ભાજપમાં તેમનું કદ વધવા લાગ્યું. દિનેશ પ્રતાપ સિંહ અગાઉ કોંગ્રેસમાં હતા. સૂત્રોનો દાવો છે કે સંજય સેઠની રાજ્યસભાની ચૂંટણીમાં પણ દિનેશ સિંહે મહત્વની ભૂમિકા ભજવી હતી.

દુબઈમાં ભારે વરસાદથી પૂરનું જોખમઃ અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ રદ

દુબઈઃ યુનાઇટેડ આરબ અમિરાત (UAE)માં ભારે પવન અને તોફાનને કારણે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને રદ કરી દેવી પડી છે. દુબઈના નાગરિકો સવારે ત્રણ કલાકે ભારે હવા અને ગડગડાટ અને વીજળીને કારણે હેરાન થયા હતા. અબુ ધાબીના કેટલાક વિસ્તારોમાં પણ જળભરાવો થવાના અહેવાલ હતા. UAEના હવામાન વિભાગે બીજી અને ત્રીજી મેએ દેશમાં ભારે વરસાદનું અલર્ટ જારી કર્યું છે. UAEનાં આઠ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

શહેરમાં વરસાદને કારણે સ્કૂલ અને બસ સેવાઓ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. શારજહાં સિટીમાં પાણી ભરાવા લાગ્યાં છે. દુબઈ પોલીસ સ્થિતિની ગંભીરતા જોતાં UAEના અનેક વિસ્તારોમાં રસ્તો બંધ કરી દીધા છે. આટલું જ નહીં અનેક શહેરોમાં પૂર જેવી સ્થિતિ છે. સત્તાવાળાઓએ લોકોને બહાર ના નીકળવાની સલાહ આપી છે. રસ્તાઓ પર વક્ષો ધરાશાયી થયાં છે. જેથી વાહનવ્યવહાર પણ ખોવાયો છે. બુધવારે દેશના ડિઝાસ્ટર મેનેજમેન્ટ (NCEMA)ને સ્થિતિને કાબૂમાં કરવા માટે તૈયારીઓ તેજ કરી હતી.

આના બે સપ્તાહ પહેલાં દુબઈમાં ભારે વરસાદને પગલે શહેરમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. દુબઈના નેશનલ ઇમર્જન્સી ક્રાઇસિસ એન્ડ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ સ્થિતિને પહોંચી વળવા માટે સતર્કતાનો સ્તર વધારી દીધો છે. આ વખતે વરસાદ એપ્રિલમાં થયેલા વરસાદની તુલનાએ ઓછઓ ગંભીર હોવાની અપેક્ષા છે. જોકે વહીવટી તંત્રએ લોકોને સાવધાન રહેવાની અપીલ કરી છે.

UAEના વિસ્તારોમાં 14-15 એપ્રિલે મુશળધાર વરસાદ થયો હતો. દુબઈમાં એ 1949 પછી સૌથી વધુ વરસાદ થયો હતો.

 

 

 

 

 

 

 

 

 

VVIP લોકોને ચારધામ માટે જોવી પડશે રાહ…

આગામી 10મે ના રોજ ચારધામની યાત્રા શરૂ થશે. આ યાત્રા લઈ રાજ્ય સરકરા દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ત્યારે ચાર ધામની યાત્રા પહેલા રાજ્ય સરકરા દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. આ અંગે તમામ રાજ્યોના મુખ્ય સચિવોને પત્ર મોકલવામાં આવ્યો છે. સરકારે પહેલા 15 દિવસ VVIPના દર્શન કરાવવા માંગતી નથી. આ પત્ર મુખ્ય સચિવ રાધા રતુરી દ્વારા મોકલવામાં આવ્યો છે. કેદારનાથમાં શરૂઆતના 15 દિવસ માટે VVIP દર્શન મોકૂફ રાખવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.

ઉત્તરાખંડ સરકારે આ પરીપત્રની નકલ હાઈકોર્ટના રજીસ્ટ્રારને પણ મોકલવામાં આવી છે. સુરક્ષા વ્યવસ્થા પણ પૂર્ણ કરી દેવામાં આવી છે. કેદારનાથ ધામના સરળ અને ઝડપી દર્શનને લઈન બેઠક કરવામાં આવી હતી. CM પુષ્કર સિંહ ધામી ચારધામને લઈ તમામ અધિકારીઓ સાથે સંપર્કમાં છે.

યાત્રાળુઓને છેતરપિંડીથી બચાવવા માટે નવી પદ્ધતિ

યાત્રાળુની સુવિધા માટે અને ચારધામની મુસાફરીના નામે છેતરપિંડી ન થાય તે માટે IRCTCના માધ્યથી બુકિંગ કરવાની સેવા શરૂ કરવામાં આવી છે. હેલી સેવાઓને લઈ કોઈ પણ કાળ બજારી ન કરવાનો કડક આદેશ પણ કરવામાં આવ્યો છે.

ચારધામ યાત્રા પહેલા આરોગ્ય તપાસ કરાવો

કમિશનર ગઢવાલે કહ્યું છે કે લગભગ 18 સ્થળોએ આરોગ્ય તપાસ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે અને યાત્રાળુઓએ પોતાની જાતને અગાઉથી તપાસવી જોઈએ જેથી તેમને પર્વતોમાં કોઈ સમસ્યાનો સામનો ન કરવો પડે. આ વખતે સ્થાનિક રહીશોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે સ્થાનિક લોકો માટે અલગ વ્યવસ્થા પણ કરાવવામાં આવી છે.

લાખો લોકોએ નોંધણી કરાવી

ભારતમાં દર વર્ષે લાખો લોકો ચારધામની યાત્રાએ જાય છે. આ યાત્રા ખૂબ જ મુશ્કેલ માનવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ચારધામ યાત્રા માટે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ યાત્રા માટે બુકિંગ શરૂ થતાની સાથે જ લાખો લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જ્યારે જેમ જેમ ચાર ધામની યાત્રા નજીક આવતી જાય છે તેમ તેમ મેડિકલ ચેકઅપ માટે લોકોની લાઈનો વધતી જાય છે.

ચૂંટણી લડતા બોલીવૂડ સેલેબ્સ જનતાની સેવા કરે છે ખરા?

નવી દિલ્હીઃ રાજકીય પક્ષો બોલીવૂડ સેલેબ્સને ચૂંટણી મેદાનમાં ઉતારે છે, પણ આ બોલીવૂડવાળા જનતાની કેટલી સેવા કરે છે? ફિલ્મી દુનિયામાં વ્યસ્ત રહેતા કલાકારો શું જનતાનો અવાજ સંસદમાં ઉઠાવે છે ખરા? ટીવી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી ભાજપમાં સામેલ થઈ છે. તે ચૂંટણી લડશે તે નહીં એ હજી કંઈ કહી શકાય નહીં. ચૂંટણીમાં આ ટ્રેન્ડ મજબૂત થઈ ચૂક્યો છે કે બોલીવૂડ સેલબ્સને રાજકીય પાર્ટીઓએ હંમેશાં આકર્ષ્યા છે.

ભાજપે લોકસભા ચૂંટણીમાં ફરીથી સૌથી વધુ બોલીવૂડ સેલેબ્સને ચૂંટણી મેદાનમાં ઊતાર્યા છે. ભાજપે નવ બોલીવૂડ- ટીવી સેલેબ્સને સામેલ કર્યા છે. બીજા નંબરે પશ્ચિમ બંગાળની પાર્ટી TMC છે, જેણે અત્યાર સુધી છ સેલેબ્સને તક આપી છે. કોંગ્રેસ પણ ગુરુગ્રામથી રાજ બબ્બરને ઉતાર્યા છે.

એક વિશ્લેષણ દ્વારા માલૂમ પડ્યું છે કે સની દેઓલે સૌથી ખરાબ કામ કર્યું છે. તેના પર એવો આરોપ પણ લાગતો રહ્યો છે કે તે સંસદીય ક્ષેત્ર ગુરદાસપુરમાં ગયો સુધ્ધાં નથી. સનીએ છેલ્લાં પાંચ વર્ષોમાં માત્ર ચાર સવાલ પૂછ્યા હતા. એ ઉપરાંત તેણે રાષ્ટ્રપતિ અને ઉપ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાન પણ નહોતું કર્યું. એ રીતે કોંગ્રેસ સાંસદ અને મશહૂર ગાયક મોહમ્મદ સાદિકે છેલ્લાં પાંચ વર્ષોમાં માત્ર બે સવાલ પૂછ્યા હતા.

આ ઉપરાંત શત્રુઘ્ન સિંહાએ લોકસભામાં એક પણ સવાલ નહોતો પૂછ્યો. તેમણે એક પણ ચર્ચામાં ભાગ નહોતો લીધો. આ જ રીતે મથુરાથી ઊભેલાં ભાજપના હેમા માલિની પણ લોકસભામાં ઓછી વાર દેખાયાં છે.તેમણે પણ સંસદમાં એક પણ સવાલ નથી પૂછ્યો કે ના કોઈ ચર્ચામાં સામેલ થયાં હતાં.

 

 

 

 

રાજ્યમાં વધશે ગરમીનું જોર, જાણો હવામાન વિભાગની આગાહી

અમદાવાદ: રાજ્યમાં ગરમીનો પારો દિવસેને દિવસે વધતો જોવા મળી રહ્યો છે. અને બીજી બાજુ ગરમીને લઈ રોગચાળામાં પણ વધારો થતો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં ગરમીએ 80 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. ત્યારે હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટે ગરમીને લઈ આગાહી વ્યક્ત કરી છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં આગામી 4 દિવસ હિટવેવની અગાહી છે. પોરબંદર, ભાવનગર, દીવ, કચ્છ, વલસાડમાં હીટવેવની આગાહી છે. આ સાથે કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભાવનગર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, દમણ, વલસાડના દરિયાકાંઠાના વિસ્તારોમાં ઉષ્ણ લહેરની એટલે કે હીટવેવની ચેતવણી આપવામાં આવી છે. આ સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેવાની શક્યતા દર્શાવવામાં આવી છે. જોકે, આ ઉપરાંતના ગુજરાતના પ્રદેશોમાં કોઇપણ પ્રકારની ચેતવણી આપવામાં આવી નથી.

જ્યારે વાત કરવામાં આવે છેલ્લા 24 કલાકના મહત્તમ તાપમાનની તો, ગુજરાતમાં સૌથી વધુ તાપમાન અમરેલીમાં 41.3 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. અમદાવાદમાં 41 અને ગાંધીનગરમાં 40.2 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. વધુમાં હવામાન નિષ્ણાતે જણાવ્યું કે આગામી ત્રણ દિવસ ગરમીના પારો વધારો જોવા મળવાની સંભાવના છે.

 

 

ભગવાનમાં નથી માનતા આ નાસ્તિક બૉલિવૂડ સ્ટાર્સ

મુંબઈ: ઘણા એવા સ્ટાર્સ છે જેઓ ભગવાનમાં માનતા નથી. જ્યાં રત્ના પાઠક શાહે કરવા ચોથના વ્રતને ગાંડપણ ગણાવ્યું છે, તો સોનમ કપૂરે પણ હિંદુ રીતિ-રિવાજોનું પાલન કરવાનો ઇનકાર કર્યો છે. આ લિસ્ટમાં એવા ઘણા સિતારાઓના નામ પણ સામેલ છે જેઓ પોતે પૂજામાં માનતા નથી પરંતુ ભગવાનની પૂજા કરનારાઓની વિરુદ્ધ પણ નથી.

કમલ હસન

પાન ઈન્ડિયાના સુપરસ્ટાર કમલ હાસન પહેલા જ ભગવાનમાં તેમની શ્રદ્ધા વિશે વાત કરી ચૂક્યા છે. તેણે સ્પષ્ટ કર્યું હતું કે તે પૂજામાં માનતા નથી પરંતુ તેને તેનાથી કોઈ વાંધો નથી.

રાહુલ બોસ

અભિનેતા રાહુલ બોસ બોલિવૂડનો જાણીતો ચહેરો છે, જો કે તેણે ઘણા સમય પહેલા ભગવાનમાં તેની શ્રદ્ધા વિશે સ્પષ્ટ વાત કરી હતી, પરંતુ તેણે કહ્યું હતું કે તે પૂજામાં માનતા નથી.

જાવેદ અખ્તર


બૉલિવૂડના દિગ્ગજ સંગીતકાર જાવેદ અખ્તરના નામથી બધા અવગત જ છે તેમને પરિચયની કોઈ જરૂર નથી, તે માને છે કે આપણે માત્ર સારા કાર્યો કરતા રહેવું જોઈએ.

ફરહાન અખ્તર

અભિનેતા ફરહાન અખ્તર પણ ભગવાનમાં માનતા નથી, તેણે પોતાને નાસ્તિક ગણાવ્યા છે, ઈરાની પારસી પરિવારમાં જન્મેલા અખ્તરે કહ્યું છે કે તે નાસ્તિક છે અને કોઈ ધર્મમાં નથી માનતા.

સોનમ કપૂરે આ વાત કહી

સોનમ કપૂરે તેના પુત્ર વાયુના અન્નપ્રાશનની એક ઘટના સંભળાવી, જેમાં તેણે પંડિતજીને તેના પુત્રને મધ ખવડાવવાની સ્પષ્ટ ના પાડી. અભિનેત્રીએ કહ્યું કે તે રિવાજોના નામે કંઈ પણ ના કરી શકે.

રત્ના પાઠક શાહ

કરવા ચોથ પર વ્રત રાખવાના સવાલ પર બોલિવૂડ એક્ટ્રેસ રત્ના પાઠક શાહે કહ્યું હતું કે તે પાગલ છે જે પોતાનો પ્રેમ સાબિત કરવા માટે ભૂખ્યા રહે છે. તે એક શિક્ષિત મહિલા છે જે આવું ના કરે.

જ્હોન અબ્રાહમ


અભિનેતા જ્હોન અબ્રાહમ પણ કોઈ પણ પ્રકારના ભગવાનમાં માનતા નથી.જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જેઓ ભગવાનની પૂજા કરે છે તેમનાથી તેને કોઈ સમસ્ પણ નથી.

રાહુલ ગાંધી અમેઠીથી પણ ચૂંટણી લડે એવી શક્યતા

નવી દિલ્હીઃ રાહુલ ગાંધી અમેઠીથી ચૂંટણી લડવા માટે તૈયાર છે. જોકે તેમના અમેઠીથી ચૂંટણી લડવાની સત્તાવાર ઘોષણા કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે કરશે. તેઓ શુક્રવારે અમેઠી પહોંચીને નામાંકન ભરશે. આ સીટ પર તેમનો મુકાબલો ફરી એક વાર કેન્દ્રીય મંત્રી અને ભાજપનાં ઉમેદવાર સ્મૃતિ ઇરાની સાથે થશે. 2019ની લોકસભા ચૂંટણીમાં રાહુલ અમેઠીની સીટ પર સ્મૃતિ ઇરાનીથી હારી ગયા હતા.

રાહુલ ગાંધીના અમેઠીથી ચૂંટણી લડવાને લઈને અત્યાર સુધી સસ્પેન્સ હતું, પણ હવે તેઓ આ સીટ પરથી ચૂંટણી લડવા તૈયાર થયા હોવાથી અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. કોંગ્રેસ નેતા કેરળની વાયનાડ સીટથી પણ ચૂંટણી લડી રહ્યા છે. વાયનાડ સીટ પર બીજા તબક્કામાં 26 એપ્રિલો મતદાન થયું હતું. અમેઠીમાં નામાંકનની અંતિમ તારીખ ત્રીજી મે છે. અહીં પાંચમા તબક્કામાં 20 મેએ મતદાન થશે. અમેઠીમાં હવે સ્મૃતિ ઇરાની પર જીત બેવડાવવાનું દબાણ હશે તો રાહુલ ગાંધી અહીંથી ચૂંટણી જીતીને પરંપરાગત સીટ પર ફરીથી કબજો કરવા ઇચ્છશે.

અમેઠી સીટ કોંગ્રેસની પરંપરાગત સીટ રહી છે. રાહુલ આ સીટ પર 2004, 2009 અને 2014માં ચૂંટણી જીતી ચૂક્યા છે. જોકે 2019ની લોકસભા ચૂંટણીમાં તેમને ઇરાનીએ આશરે 55,000 મતોથી હરાવ્યા હતા. 2019માં તેઓ વાયનાડ સીટથી પણ ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. હવે તેઓ વાયનાડથી ઉમેદવાર બન્યા તો ભાજપ તેમના પર હુમલો કરે છે અને અમેઠીથી ચૂંટણી લડવા માટે પડકાર ફેંક્યો છે.

 

 

 

 

મુસાફરોની મુશ્કેલી થશે હળવી,એરપોર્ટની સુવિધામાં થયો વધારો

અમદાવાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર મુસાફરોની સુવિધામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે એરપોર્ટના ટર્મિનલ 2માં મુસાફરો માટે સુવિધામાં વધારો થઈ રહ્યો છે. અમદાવાદ એરપોર્ટના ઇન્ટીગ્રેટેડ ટર્મિનલમાં સિક્યુરિટી હોલ્ડ એરિયાથી લઇને એરોબ્રિજ અને ચેક ઇન કાઉન્ટર્સમાં પણ વધારો કરવામાં આવ્યો છે. ફક્ત ટર્મિનલમાં જ નહી પરંતુ એર સાઇટ પર એટલે કે રનવે ઉપર પણ સુધારા વધારા કરવામાં આવ્યા છે.

ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ

અમદાવાદના ઇન્ટિગ્રેટેડ ટર્મિનલમાં ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિની થીમ ઉપર ડિઝાઇન કરવામાં આવી છે. ઈન્ટિગ્રેટેડ ટર્મિનલમાં સરદાર વલ્લભભાઈ પટેલની વિશાળ મૂર્તિના દર્શન પણ થશે. આ ઉપરાંત ચેક ઇન કાઉન્ટર પાછળ અમદાવાદની ઝાંખી જોવા મળશે. આ સાથે મુસાફરોને વર્લ્ડ હેરિટેજ સિટીમાં આવ્યાનો અનુભવ પણ ટર્મિનલની ડિઝાઈન પરથી થશે. તો બીજી બાજુ ચેક ઇન કાઉન્ટર્સ અને ઇમિગ્રેશન કાઉન્ટર્સ પણ ગુજરાતના ટેક્સટાઈલ ઉદ્યોગનુ પ્રતિનિધિત્વ કરે છે. આ કાઉન્ટર્સની બહારના ભાગમાં બાંધણી અને બ્લોક પ્રિન્ટ્સની કૃતિ મુસાફરોને હળવો અનુભવ કરાવશે. વિદેશથી આવતા મહેમાનો અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ ગુજરાતમાં હોવાનો અનુભવ થશે.

અગાઉ ટર્મિનલ-2 પર 14 ઇમિગ્રેશન કાઉન્ટર્સ હતા. જે હવે વધારીને 19 કરવામાં આવ્યા છે તથા મેટલ ડિટેક્ટરમાં પણ વધારો કરીને 24 કર્યા છે. એરપોર્ટ ઉપર મુસાફરોને તથા સામાનને સ્કેન કરવા માટે અગાઉ ફક્ત ચાર એક્સ-રે સ્કેનર હતા. જે હવે 14 થઈ ગયા છે. અગાઉ ફક્ત ચાર બેગેજ બેલ્ટ હતા, જેમાં હવે વધારાના 2 બેગેજ બેલ્ટનો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ ટર્મિનલ ઉપરાંત એરપોર્ટના રનવે પર ઘણા સુધારા કરવામાં આવ્યા છે. જેથી એરપોર્ટ સુવ્યવસ્થિત રીતે દેશી ઉપરાંત વિદેશી ફ્લાઈટ ઓપરેટ કરી શકે. મુસાફરોને વધુમાં વધુ શહેરો સાથે કનેક્ટિવિટી મળી રહે તે માટે ઘણા સુધારા કરવામાં આવ્યા છે. તેમાં સૌથી મહત્વના એરોબ્રિજ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ચાર એરોબ્રિજ હતા. જેનું હવે એક્સપાન્શન કરીને હાલમાં આઠ એરોબ્રિજ તૈયાર કરવામાં આવી રહ્યા છે

આ અગાઉ જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સગવડતાનો વ્યાપ ઓછો હતો તે દરમિયાન દર વર્ષે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટર્મિનલ ઉપરથી કુલ 25 લાખ મુસાફરો મુસાફરી કરતા હતા. પરંતુ અમદાવાદ એરપોર્ટમાં સુધારા કરવાથી મુસાફરોની સંખ્યા વધીને વાર્ષિક 88 લાખે પહોંચી શકવાની સંભાવના છે.