Home Blog Page 1878

TMCને બદલે ભાજપનો મત આપવો સારોઃ અધીર રંજનનો વિડિયો વાઇરલ

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ TMC સાંસદ સુષ્મિતા દેવે કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીનો એક વિડિયો પોસ્ટ કર્યો છે, જેમાં તેમને એમ કહેતા સાંભળી શકાય છે કે પશ્ચિમ બંગાળમાં TMCને બદલે ભાજપને મત આપવો સારો છે. આ વિડિયોમાં તેમને સાંભળી શકાય છે કે TMCને મત કેમ આપવો?…ભાજપને મત આપવો યોગ્ય છે. તેમનો આ વિડિયો સોશિયલ મિડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. ચૌધરી લોકસભામાં વિપક્ષના નેતા પણ છે, જ્યારે સુષ્મિતા દેવ TMCમાં સામેલ થતાં પહેલાં અખિલ ભારતીય મહિલા કોંગ્રેસનાં અધ્યક્ષ હતાં.

પશ્ચિમ બંગાળના બહારમપુર લોકસભા સીટથી પાંચ વાર લોકસભા સાંસદ અધીર રંજન ચૌધરી મમતા બેનરજીના તીખા ટીકાકારોમાંના એક છે. તેઓ બહેરામપુરમાં લોકસભા ચૂંટણી માટે પ્રચાર કરતા સમયે મંચ પર હતા, ત્યારે તેમણે બંગાળીમાં કહ્યું હતું કે TMCને મત કેમ આપવો, ભાજપને મત આપવો સારો છે.

આવામાં ઇન્ડિયા એલાયન્સનું શું થશે? આવામાં ભલે કોંગ્રેસ અને અન્ય વિરોધ પક્ષ ઇન્ડિયા ગઠબંધનના બેનર નીચે એકતાનો દાવો કરી રહ્યા છે, પરંતુ વાસ્તવિકતા એ વાતથી ઘણી દૂર છે, જેના પર વિપક્ષ દેશને વિશ્વાસ આપવા માગે છે, એમ વરિષ્ઠ પત્રકાર પલ્લવી ઘોષે આ વિડિયો X પર શેર કરતાં કહ્યું હતું.

મુખ્ય મંત્રી મમતા બેનરજી પર ચૌધરી દ્વારા સતત વિરોધને કારણે ઇન્ડિયા ગઠબંધનમાંથી નીકળી જવાના નિર્ણયને મહત્ત્વનો માનવામાં આવે છે. એ દરમ્યાન TMC નેતા સુષ્મિતા દેવે અધીર રંજન ચૌધરી પર તીખો હુમલો કર્યો છે.

 

 

 

 

 

 

આણંદ: પાટીદાર vs ક્ષત્રિયનો જંગ

આણંદ: સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે જાણીતું છે. આણંદ લોકસભા બેઠક પર વર્ષ 1947થી અત્યાર સુધી ક્ષત્રિય સમાજ અને પાટિદાર સમાજના ઉમેદવારો વચ્ચે મહત્તમ ચૂંટણી જંગ જામતો આવ્યો છે. આઝાદીથી અત્યાર સુધીમાં યોજાયેલી 17 લોકસભા ચૂંટણીમાં 11 વખત ક્ષત્રિય સમાજના ઉમેદવારો આ બેઠક પર જીતતા આવ્યા છે. તેવામાં છેલ્લી 6 ટર્મમાં 3 વખત ભાજપ અને 3 વખત કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીત્યા છે.  કોંગ્રેસ દ્વારા છેલ્લી ચાર ચૂંટણીમાં પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર અને કોંગ્રેસમાં પ્રથમ હરોળના નેતાની ગણનામાં આવતા ભરતસિંહ સોલંકીને મેદાને ઉતાર્યા હતા. જેમનો 2019ની ચૂંટણીમાં મિતેષ પટેલ સામે પરાજય થયો હતો.

ઉમેદવાર

ભાજપ: મિતેષ પટેલ

‘બકાભાઈ’ના હુલામણા નામથી ઓળખાય છે. જન્મ આણંદ જિલ્લાના સારસા ગામમાં એક ખેડૂત પરિવારમાં થયો હતો. ઉદ્યોગપતિ મિતેષ પટેલ યુવા અને ઉત્સાહી પ્રજા પ્રતિનિધિ તરીકેની છબી ધરાવે છે. બોર્ડ ઓફ ટેકનિકલ એક્ઝામિનેશન, કર્ણાટકમાંથી ટેલિકોમ એન્જિનિયરિંગ (ઈલેક્ટ્રોનિક્સ અને ટી.સી.)માં ડિપ્લોમા કર્યું છે. વર્ષ 2019માં મિતેષ પટેલે લોકસભા ચૂંટણીમાં જીત મેળવીને સાંસદ બન્યા હતા. મિતેષ પટેલ દ્વારા સાંસદ તરીકે 97 ટકા જેટલી હાજરી ગૃહમાં રહી છે. તેઓ 42 કરતા વધારે ડિબેટમાં સામેલ થયા હતા. વિશ્વસ્તરે દેશનું સંબોધન ઇન્ડિયાને બદલે ભારત અથવા ભારતવર્ષ તરીકે કરવામાં આવે તેવી તેમની રજૂઆતની નોંધ સમગ્ર દેશે લીધી હતી.

કોંગ્રેસ: અમિત ચાવડા

અંકલાવના ધારાસભ્ય અને વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય દળના નેતા છે. 48 વર્ષીય અમિત ચાવડાએ કેમિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. તેઓ પાંચ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે. પ્રથમ વખત વર્ષ 2004માં બોરસદથી વિધાનસભા ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા. તેમણે શ્રેષ્ઠ યુવા ધારાસભ્ય તરીકેનો પુરસ્કાર જીત્યો છે. અમિત ચાવડા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. મધ્ય ગુજરાતની આણંદ સીટ પર સોલંકી અને ચાવડા પરિવારનો ભૂતકાળમાં દબદબો રહ્યો છે. આણંદ સીટ પરથી અમિત ચાવડાના દાદા ઈશ્વરસિંહ ચાવડા વર્ષો સુધી સાંસદ રહ્યા હતા.

PROFILE

  • આણંદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકનો સમાવેશ થાય છે. જેમાં ખંભાત, બોરસદ, આંકલાવ, ઉમરેઠ, આણંદ, પેટલાદ અને સોજીત્રા વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના મિતેષ પટેલ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 1,97,718 વોટની લીડથી જીત્યા હતા.
  • મતદારોની સંખ્યા

કુલ મતદારો      17,68,851

પુરુષ મતદાર     9,03,402

સ્ત્રી મતદાર       8,65,317

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા  વોટ લીડ
ખંભાત કોંગ્રેસ ચિરાગ પટેલ 69,069 3,711
બોરસદ ભાજપ રમણ સોલંકી 91,772 11,165
આંકલાવ કોંગ્રેસ અમિત ચાવડા 81,512 2,729
ઉમરેઠ ભાજપ ગોવિંદ પરમાર 95,639 26,717
આણંદ ભાજપ યોગેશ પટેલ 1,11,859 41,623
પેટલાદ ભાજપ કમલેશ પટેલ 89,166 17,954
સોજીત્રા ભાજપ વિપુલકુમાર પટેલ 87,300 29,519

ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે રાજીનામું આપતા ખંભાત બેઠક પર વિધાનસભા ચૂંટણી યોજાશે.  આણંદ બેઠકની વિશેષતા

  • આણંદ સરદાર પટેલની કર્મભૂમિ અને મિલ્કસિટી તરીકે પ્રખ્યાતછે
  • ૧૯૫૧ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં ખેડા ઉત્તર અને ખેડા દક્ષિણ એમ બે બેઠકો હતી.
  • વર્ષ ૧૯૫૭માં બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક અસ્તિત્વમાં આવી હતી.
  • ૧૯૫૭ની બીજી લોકસભા ચૂંટણીમાં આણંદ બેઠક ઉપર સરદાર પટેલના પુત્રી મણીબેન પટેલ ચૂંટાયા હતા.
  • આણંદ બેઠક કોંગ્રેસનો ગઢ હતો પરંતુ છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં અહીં ભાજપની જીત થાય છે.

કેરીની ચટણી

કેરીની સિઝન ચાલુ છે. ચટપટી કેરીની ચટણી બહુ જ જલ્દી બની જાય છે. તેમજ સ્વાદિષ્ટ પણ લાગે છે.

સામગ્રીઃ

  • કાચી કેરી 500 ગ્રામ
  • મેથી દાણા 1 ટી.સ્પૂન
  • વરિયાળી 1 ટી.સ્પૂન
  • કલૌંજી 1 ટી.સ્પૂન
  • જીરુ 1 ટી.સ્પૂન
  • રાઈ 1 ટી.સ્પૂન
  • હીંગ ¼ ટી.સ્પૂન
  • તેલ 2 ટે.સ્પૂન
  • કાશ્મીરી મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • કાળું મીઠું ¼ ટી.સ્પૂન
  • ગોળ 200 ગ્રામ
  • ગરમ મસાલો 1 ટી.સ્પૂન

રીતઃ કેરીને ધોઈને સૂકવી લીધા બાદ તેની છાલ કાઢી લઈ, કેરીને જાડી સ્લાઈસમાં કટ કરી લેવી.

એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં મેથી, રાઈ, વરિયાળી, કલૌંજી તેમજ જીરુ ઉમેરીને હીંગ પણ વઘારી લો. રાઈ અને જીરુ તતડવા માંડે એટલે તેમાં સમારેલી કેરીની સ્લાઈસ મેળવી દો.

2 મિનિટ બાદ તેમાં 1 કપ પાણી ઉમેરી દો. હવે તેમાં ¼ ટી.સ્પૂન મીઠું તેમજ કાળું મીઠું ઉમેરીને મરચાં પાઉડર મેળવીને 6-7 મિનિટ માટે ઢાંકીને થવા દો. જો કેરી નરમ થઈ ગઈ હોય તો તેમાં ગોળ તેમજ ગરમ મસાલો મેળવી દો અને ચટણી થોડી ઘટ્ટ થાય એટલે ગેસ બંધ કરીને નીચે ઉતારી લો.

ચટણી ઠંડી થાય એટલે એરટાઈટ જારમાં ભરી દેવી. આ ચટણી ફ્રીજમાં 15 દિવસ સુધી સારી રહેશે.

આ કેરીની ચટણી રોટલી, પરોઠા કે પુરી સાથે પણ સારી લાગે છે. બાળકોના ટિફિનમાં પણ આપી શકાય છે!

વિજ્ઞાનીઓએ બનાવ્યું ખુદ ખતમ થતું પ્લાસ્ટિક

નવી દિલ્હીઃ અમેરિકાના વૈજ્ઞાનિકોએ એક નવા પ્રકારનું પ્લાસ્ટિક વિકસિત કર્યું છે, જે ખુદ જ ખતમ થઈ જાય છે. તેમણે પોલિયુરિથેન પ્લાસ્ટિકમાં એક બેક્ટેરિયાને ભેળવ્યા છે. એ બેક્ટેરિયા પ્લાસ્ટિક ખાઈ જાય છે અને એ પ્રકારે પ્લાસ્ટિક ખુદ જ ખતમ થઈ જાય છે.

આ પ્લાસ્ટિકમાં ભેળવવામાં આવેલા બેક્ટેરિયા ત્યાં સુધી નિષ્ક્રિય રહે છે, જ્યાં સુધી પ્લાસ્ટિક ઉપયોગમાં રહે છે, પરંતુ જ્યારે એ કચરામાં રહેલા તત્ત્વોના સંપર્કમાં આવે છે તો એ સક્રિય થઈ જાય છે અને પ્લાસ્ટિક ખાવા લાગે છે, એમ સંશોધનકર્તાઓએ પ્રતિષ્ઠિત વિજ્ઞાન પત્રિકા નેચર કોમ્યુનિકેશન્સમાં છપાયેલા એક રિસર્ચમાં પ્લાસ્ટિક વિશે જણાવ્યું છે.

સેન ડિએગો સ્થિત કેલિફોર્નિયા યુનિવર્સિટીના વૈજ્ઞાનિક હાન સોલ કિમ કહે છે કે તેમને અપેક્ષા છે કે આ શોધ પ્રકૃતિમાં પ્લાસ્ટિક-પ્રદૂષણને ઓછું કરવામાં મદદગાર સાબિત થશે. એનો એક લાભ એ પણ હોઈ શકે છે કે બેક્ટેરિયા પ્લાસ્ટિકને વધુ મજબૂત બનાવે. 

પ્લાસ્ટિક પ્રદૂષણ વિશ્વની એક બહુ મોટી સમસ્યા છે. પ્રતિ વર્ષ 35 કરોડ ટન પ્લાસ્ટિકનો કચરો ધરતી પર વધી રહ્યો છે એ કચરો માત્ર હવા જ નહીં, પણ આહાર સુધી એ પહોંચી ચૂક્યું છે અને આરોગ્ય માટે ખતરો બની ચૂક્યું છે.

માઇક્રોપ્લાસ્ટિકના રૂપમાં એ પીવાના પાણી દ્વારા શરીરની અંદર જઈ રહ્યું છે. વર્ષ 2021માં સંશોધનકર્તાઓએ એક અજન્મા બાળકના ગર્ભનાળમાં માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું હતું અને ભ્રૂણના વિકાસ પર સંભવિત પરિણામો પર મોટી ચિંતા વ્યક્ત કરી હતી.

 

 

 

 

 

 

 

 

કોવિશીલ્ડને લઈને કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલના પ્રહાર

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજીને વેક્સિન મુદ્દે સરકારને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે, વેક્સિનેશન થયા બાદ દેશમાં ડેટા એકત્રિત કરવાની કોઈ પ્રક્રિયા હાથ ન ધરાઈ. WHOના કહ્યા બાદ દુનિયાભરના દેશોએ રસી અપાવી. જે કોરોનાની રસી માટે હોડ લાગી હતી તેનાથી જ હવે હાર્ટ-એટેક અને કિડની ફેલ થાય છે.વેક્સિનની આડ અસર જોવા સમયની રાહ જોવાય તેવી સ્થિતિ નહોતી. વેક્સિન આપવાનું શરૂ થયું ત્યારે WHOએ કહ્યું હતું કે, દરેક દેશ વેક્સિનની આડ અસર પર કાળજી અને રિપોર્ટ રાખે.વેક્સિન સર્ટિફિકેટ વિના કોઈ નીકળી ના શકે. WHOની સલાહ બાદ દરેક દેશોને વેક્સિનના પેરા મીટર અને મૃત્યુ થાય તો તેના ડેટા પણ રાખવા કહ્યું હતું. વેક્સિન આપ્યા બાદ આપણા દેશમાં કોઈ ડેટા નથી રાખવામાં આવ્યો.

વેક્સિનની શોધ બહાર થઈ અને બની આપણા દેશમાં

તેમણે કહ્યું હતું કે, WHOએ 2023માં એક ઇમરજન્સી ગાઇડલાઈન જાહેર કરી, વેક્સિનની આડ અસરમાં બ્લડ ક્લોટિંગ, હાર્ટ-એટેક અને બ્રેન સ્ટ્રોક આવે છે. આ માર્ગદર્શિકા રિલીઝ થયા બાદ દેશમાં કોઈ ડેટા કલેક્ટ ના થયો, કે સરકારે કોઈ ચિંતા પણ ના કરી. વેક્સિનની શોધ બહાર થઈ અને બની આપણા દેશમાં. કોવિશિલ્ડ વેક્સિન લોકોને આપવાનું શરૂ કર્યું. શરૂઆતમાં કોર્ટમાં આ કંપનીએ કહ્યું કે, અમારી વેક્સિનથી કોઈ પ્રોબ્લેમ નથી. હવે આજ કંપનીએ એફિડેવિટ પર સ્વીકાર્યું છે કે અમે જે વેક્સિન આપીએ છીએ એટલે TTS થાય છે. સાદી ભાષામાં લોહીના ગઠ્ઠા થવા લાગે છે. તે ગાંઠ ફરતી ફરતી હાર્ટમાં આવે તો હાર્ટ-એટેક આવે અને જો મગજ સુધી પહોંચે તો સ્ટ્રોક આવે છે. શક્તિસિંહે કહ્યું હતું કે, 2023માં WHOએ ઇમરજન્સી ગાઈડ લાઈન આપી તોય આપણા દેશે ડેટા કલેક્ટ ના કર્યો. ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા છે. તેની ક્રેડિટ ભાજપે લીધી. ગુજરાતમાં 10.53 કરોડ વેક્સિન આપી છે. જે મફત નહોતી જનતાના રૂપિયે જ આપતા હતા.

 

ભારતમાં 205 કરોડ કોવિશિલ્ડના ડોઝ આપ્યા

શક્તિસિંહે કહ્યું કે, ભારત સરકારની પોતાની CRI સંસ્થા 118 વર્ષ જૂની છે જે વેક્સિન બનાવે છે. આ ઇન્સ્ટિટ્યૂટ દુનિયાભરમાં વેક્સિન માટે શ્રેષ્ઠ છે. પોલિયો, શીતળા, ટીબી સહિતની વેક્સિન અને સંશોધન CRIએ કર્યું છે. ક્યારેય આ સંસ્થા સામે પ્રશ્નાર્થ નહતો. CRIને વેક્સિનનું કામ ના આપીને સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યું તો શા માટે આપ્યું? ભાજપે 3 હજાર કરોડ રૂપિયા સીરમ ઇન્સ્ટિટ્યૂટને આપ્યા. 1500 કરોડ ભારત બાયોટેકને આપ્યા. આ ઇન્સ્ટિટ્યૂટ જેણે વેક્સિન બનાવી છે તેને સરકારે હજારો કરોડો આપ્યા છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું તો તેમની વિરુદ્ધમાં ટ્રોલ આર્મીએ અભિયાન ચલાવ્યું. ભાજપ ધનસંગ્રહમાં કોરોનાની વેક્સિન બનાવનાર કંપનીએ કેટલા કરોડ આપ્યા છે તે બતાવે. કોરોનાની વેક્સિન લેવાથી મોત થયાં છે, તેમને વેક્સિનની કંપનીને આપેલા રૂપિયા પરત લઇ તમામને આપવા જોઈએ. આ ગુનાહિત બેદરકારી છે. મને વિશ્વાસ છે કે, આ મુદ્દો ચોક્કસ કોર્ટમાં જશે, તેમાં 304ની કલમ લાગી શકે છે.

સોખડા સ્વામિનારાયણની ન્યૂઝીલેન્ડની ગાદી કોણે સંભાળી?

સોખડા સ્વામિનારાયણ વિવાદ ફરી એક વાર ચર્ચામાં આવ્યો છે. હરિપ્રસાદ સ્વામીના બહ્મલીન થયા બાદ છેલ્લા ઘણા સમયથી સંતોના બે જૂથ વચ્ચે ગાદી અને મંદિરના વહીવટને લઈને વિવાદ ચાલી રહ્યો છે. જેમાં એક તરફ બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીના ગુરૂભાઈ પ્રેમસ્વરૂપ સ્વામી છે તો બીજી તરફ હરિપ્રસાદ સ્વામીના શિષ્ય પ્રબોધ સ્વામી છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના નવા ગાદીપતિ તરીકે પ્રેમસ્વરૂપ સ્વામીની નિમણૂંક કરવામાં આવી હતી. બંને પક્ષની લડાય માત્ર ભારતમાં જ નહિં પરંતું બંને પક્ષોની લડાય વિદેશમાં પણ ચાલી રહી હતી. પાછલા ઘણા સમયથી ન્યૂઝીલેન્ડમાં સોખડા વિવાદ ચાલી રહ્યો હતો. જે બાદ ન્યૂઝીલેન્ડની કોર્ટમા ચાલી રહેલા લડાઈના અંતે ચુકાદો પ્રબોધ પરિવારના તરફે આવ્યો છે.

વિદેશમાં પહોંચ્યો સોખડા વિવાદ

ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટમાં યોગી ડિવાઇન સોસાયટી ન્યૂઝીલેન્ડના સંચાલન, વહીવટ તેમજ ત્યાના સત્સંગ કેન્દ્ર માટે ડિસેમ્બર 2021માં એક પિટિશન ન્યૂઝીલેન્ડની હાઇકોર્ટમાં દાખલ થઇ હતી. ત્યારબાદ આ કાનૂની લડત ન્યૂઝીલેન્ડની સુપ્રીમ કોર્ટ સુધી પહોંચી હતી. લગભગ સવા બે વર્ષ સુધી ચાલેલા આ કેસમાં અંતે પ્રબોધમ જૂથના સત્સંગીઓનો વિજય થયો છે. બંને પક્ષોની રજૂઆતો સાંભળ્યા પછી દલીલો અને પુરાવાઓના મૂલ્યાંકનના અંતે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો. ન્યુઝીલેન્ડ યોગી ડિવાઇન સોસાયટી ટ્રસ્ટની તમામ સંસ્થાકીય અને વહીવટી જવાબદારી હરિપ્રભોધમ પરિવાર ન્યુઝીલેન્ડ સંભાળશે.

શું હતો મામલો?

સોખડા સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક હરિપ્રસાદ સ્વામી પહેલા બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા સાથે જોડાયેલા હતાં. તેમણે વર્ષ 1971માં સોખડા ખાતે પ્રથમ 5 સંતોને દીક્ષા આપીને સંપ્રદાયની શરૂઆત કરી હતી. જો કે, જુલાઈ 2021માં હરિપ્રસાદસ્વામીના નિધન બાદ તેમના વારસદારની નિમણૂક માટે 2 સંતો (પ્રબોધ સ્વામી અને પ્રેમ સ્વામી) ના સમર્થકોએ પોતપોતાના ગુરૂને દાવેદાર તરીકે રજૂ કરતાં વિવાદ થયો હતો. આ વિવાદ એટલી હદે વકર્યો છે કે હવે 150 મોટા સંતોમાં પણ ભાગલા પડી ગયા છે અને મુખ્ય ગુરૂની ગાદી માટે પ્રબોધસ્વામી અને પ્રેમસ્વામીના ભક્તો 2 જૂથમાં વહેંચાઈ ગયા છે.

લોકસભા ચૂંટણીઃ મોદી વિરુદ્ધ રાહુલ બનાવવા ઇચ્છે છે કોંગ્રેસ?

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીના બે તબક્કા યોજાઈ ગયા છે. કોંગ્રેસ રાષ્ટ્રીય સ્તરે આ ચૂંટણીમાં નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની લડાઈ બનાવવાથી બચતી દેખાઈ રહી છે, કેમ કે કોંગ્રેસ જાણે છે કે આવી લડાઈમાં પાર્ટીને કોઈ લાભ નથી. ભાજપ કહેતો રહે છે કે જ્યારે રાહુલ ગાંધી જ્યારે પણ મોઢું ખોલે છે, ત્યારે પક્ષને કમસે કમ 100 વધારાના મત મળે છે.

આ ચૂંટણીમાં પણ બહુબધા લોકો તેમના અનામતના સ્ટેન્ડથી ખુશ નથી અને ના તો વારસાઈ સંપત્તિ પર ટેક્સવાળા નેરેટિવથી. આ બધુ છતાં ચૂંટણી મોદી વિરુદ્ધ રાહુલ બનતી જઈ રહી છે.

રાહુલ ગાંધી આ ચૂંટણીમાં વડા પ્રધાન પર સીધો હુમલો કરે છે, જેની વકાલત વડા પ્રધાન કરે છે. જ્યારે વડા પ્રધાન સૌનો સાથ, સૌનો વિકાસની વાત કરે છે તો રાહુલ કહે છે કે અનામત વિના એ શક્ય નથી. મોદી કહે છે કે ભારત પોતાની ઉદ્યમશીલતા માટે વિશ્વમાં ઓળખાય છે તો રાહુલ કહે છે શ્રીમંત વધુ શ્રીમંત અને પૈસાની અસમાન વિતરણ પર ધ્યાન અપાવું જોઈએ.

આ સિવાય કોંગ્રેસ પ્રચારથી જોડાયેલી દરેક ચીજવસ્તુ- ફોટો, વિડિયો, એનિમેશન અને પ્રોમોમાં રાહુલને જ કેન્દ્રમાં રાખે છે, પાર્ટીના અધ્યક્ષને નહીં. વળી વડા પ્રધાનને ટક્કર આપવા માટે તેને ટાઇગર રૂપે રજૂ કરવામાં આવે છે. મતદાતાઓને પણ આ ચૂંટણી રાહુલ વિરુદ્ધ મોદી લાગવા લાગી છે. ઇન્ડિયા ગઠબંધનના મોટા ભાગના સહયોગીઓ પર એના પર કોઈ વાંધો નથી ઉઠાવતા. જેનાથી રાહુલ વિરુદ્ધ મોદીના નેરેટિવને મજબૂતી મળી છે.

 

 

 

 

 

 

 

 

વારાણસીમાં મોદીને પડકારનાર આ કલાકાર કોણ છે?

PM મોદીની નકલ કરનાર શ્યામ રંગીલા હવે કોમેડીને બદલે રાજનીતિ કરશે. આવું અમે નહીં પણ એ જાતે જ કહે છે. હકીકતમાં શ્યામ રંગીલાએ દાવો કર્યો છે કે તે કોમેડીમાં જે પ્રકારનું કામ કરવા માંગતો હતો તે કરી શક્યો નથી, માટે એ રાજકારણમાં આવવા જઈ રહ્યો છે. એટલું જ નહીં, હવે એ પીએમ નરેન્દ્ર મોદીને પડકારશે. ત્યારે જાણીએ આ શ્યામ રંગીલા કોણ છે? અને કેમ રાજકારણમાં એન્ટ્રી લઈને સીધી પીએમ સાથે બાથ ભીડવા માંગે છે.

કોણ છે શ્યામ રંગીલા?

મૂળ રાજસ્થાનના હનુમાન ગઢનો રહેવાસી શ્યામ રંગીલા એક અચ્છો કોમેડિયન છે. ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યા પછી એના રસ પ્રમાણે એનિમેશનનો કોર્સ કર્યો. જો કે એની બાળપણથી જ ઈચ્છા હતી કે એ એક સારો કોમેડિયન બને. જેને સાચુ કરવા માટે એણે ધ ગ્રેટ ઈન્ડીયન લાફ્ટર ચેલેન્જમાં પણ ભાગ લીધો. આ શોમાં એને પ્રથમ વખત લોકો સમક્ષ નરેન્દ્ર મોદીની નકલ કરી જે લોકોએ ખૂબ વખાણી એમ પણ કહી શકાય કે એક કોમેડિયન તરીકે શ્યામને અસલી ઓળખ નરેન્દ્ર મોદીની મિમિક્રી દ્વારા જ મળી. પછી તો એને રાહુલ ગાંધીની પણ નકલ કરી. આમ એ ઘણા લોકોની નકલ કરતો. પણ એના ફેન તો નરેન્દ્ર મોદીની મીમીક્રી પર ફિદા થઈ ગયા. આ જ કારણ છે કે શ્યામ રંગીલાના ઈન્સ્ટાગ્રામ પર 130k કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

કેમ લેવા માંગે છે રાજકારણમાં પ્રવેશ

જ્યારે શ્યામ રંગીલાને રાજકારણમાં એન્ટ્રી લેવાનું કારણ પૂછવામાં આવ્યું તો એણે કહ્યું કે એ લોકશાહીને જીવંત રાખવા માંગે છે. આજકાલ કોણ ઉમેદવારીપત્રક પાછું ખેંચશે તે ખબર નથી, પરંતુ પરંતુ તેઓ મેદાનમાં અડગ રહેશે અને જનતાને સંદેશ આપશે કે ચૂંટણી થશે અને લોકો તેમને મત આપી શકે. જો કે આ આખી વાત શ્યામ રંગીલાની કોમેડિનો એક ભાગ છે કે પછી ખરેખર હકીકત છે એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

કોવિશિલ્ડની આડ અસરનો મામલો સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો

Covishield Vaccine ના સલામતી પાસાઓનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. બુધવારે જોખમ પરિબળોનો અભ્યાસ કરવા માટે નિષ્ણાત તબીબી પેનલની રચનાની માંગ કરતી અરજી કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ઉપરાંત જાહેર આરોગ્ય સુરક્ષાના હિતમાં સૂચનાઓ જારી કરવાની પણ માંગણી કરવામાં આવી હતી.

અહેવાલ મુજબ, વકીલ વિશાલ તિવારીએ દાખલ કરેલી અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતમાં કોવિશિલ્ડના 175 કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. કોવિડ 19 પછી હાર્ટ એટેક અને અચાનક બેહોશ થવાના કેસોમાં મૃત્યુમાં વધારો થયો છે અને ઘણા કેસ છે. કોવિશિલ્ડના ડેવલપર દ્વારા યુકે કોર્ટમાં હાર્ટ એટેકની જાણ કરવામાં આવી છે, જેનાથી અમને કોવિશિલ્ડ રસીના જોખમો અને ખતરનાક પરિણામો વિશે વિચારવાની ફરજ પાડવામાં આવે છે, જે મોટી સંખ્યામાં નાગરિકોને આપવામાં આવી છે.

પિટિશનમાં કહેવામાં આવ્યું છે કે વેક્સીન ડેવલપર એસ્ટ્રાઝેનેકાએ કહ્યું છે કે કોવિડ-19 સામેની તેની AZD1222 રસી પ્લેટલેટની સંખ્યા ઓછી અને દુર્લભ કિસ્સાઓમાં લોહીના ગંઠાવાનું કારણ બની શકે છે. આ રસી ભારતમાં કોવિશિલ્ડ તરીકે લાયસન્સ હેઠળ બનાવવામાં આવી હતી.

‘કોવિશિલ્ડની આડઅસરોની તપાસ થવી જોઈએ’

કોર્ટમાં દાખલ કરવામાં આવેલી અરજીમાં કહેવામાં આવ્યું હતું કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત જજના નેતૃત્વમાં એક સમિતિની રચના કરવામાં આવે અને કોવિશિલ્ડની આડઅસરોની તપાસ કરવામાં આવે. તેમજ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે એઈમ્સ, ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, દિલ્હીના ડિરેક્ટરો અને નિષ્ણાતોને સમિતિમાં સભ્ય તરીકે સામેલ કરવામાં આવે. એડવોકેટ તિવારીએ કેન્દ્રને એવા નાગરિકો અથવા પરિવારો માટે ‘વેક્સિન ડેમેજ પેમેન્ટ સિસ્ટમ’ સેટ કરવા માટે નિર્દેશોની માંગ કરી હતી કે જેમણે રસી લીધા પછી કમજોર સ્વાસ્થ્ય આંચકો અથવા મૃત્યુ પણ સહન કર્યા છે.