Home Blog Page 1880

દિલ્હી-NCRની 100થી વધુ સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી

નવી દિલ્હીઃ દિલ્હી-NCRની આશરે 100 સ્કૂલોમાં બોમ્બ હોવાની ધમકી આપવામાં આવી છે. ઈમેઇલ દ્વારા મોકલવામાં આવેલી ધમકીમાં કહેવામાં આવ્યું હતું કે અમે લોકોને ઇમારતોમાં દફન કરી દઈશું.એનું સર્વર વિદેશમાં હોવાની માહિતી મળી છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સક્સેનાએ કહ્યું હતું કે આરોપીઓને છોડવામાં નહીં આવે. હાલ સ્કૂલોની બહાર પોલીસ તહેનાત છે.

તપાસ એજન્સીઓને શક છે કે જે IP એડ્રેસનો ઉપયોગ થયો છે, એનું સર્વર વિદેશમાં છે. કુલ મળીને 100થી વધુ સ્કૂલોને મળેલી ધમકીને મામલે નોએડા, ગાઝિયાબાદ, દિલ્હી પોલીસ કોર્ડિનેશનલની સાથે તપાસ કરી રહી છે. દિલ્હી પોલીસ આ મામલે દરેક એન્ગલથી તપાસ કરી રહી છે. જવાનોને સ્કૂલોની બહાર તહેનાત કરી દેવામાં આવી છે. જેથી અનિચ્છનીય ઘટના ના બને.દિલ્હીની સ્કૂલોને સવારે-સવારે બોમ્બથી ઉડાડવાની ધમકી મળ્યા પછી સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે. ગૃહ મંત્રાલયે કહ્યું હતું કે ગભરાવાની જરૂર નથી. એવું પ્રતીત થાય છે કે આ કોલ ફેક છે. દિલ્હી પોલીસ અને સુરક્ષા એજન્સીઓ પ્રોટોકોલ મુજબ જરૂરી પગલાં લઈ રહી છે.

દિલ્હીના ઉપ-રાજ્યપાલ વિનય સકસેનાએ કહ્યું હતું કે પોલીસ કમિશનર સાથે દિલ્હી-NCRની સ્કૂલોમાં બોમ્બની ધમકી પર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે. દિલ્હી પોલીસને સ્કૂલોમાં તપાસ કરવા અને દોષીઓની ઓળખ કરવા અને કોઈ ચૂક ના હોવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે.

દિલ્હીનાં શિક્ષણ મંત્રી આતિશીએ કહ્યું હતું કે બોમ્બ ઉડાવવાની ધમકી પછી સ્કૂલોને ખાલી કરવાવવામાં આવી છે. અત્યાર સુધી કોઈ સ્કૂલમાંથી કંઈ નથી મળ્યું.

 

 

 

 

 

 

 

‘બે તબક્કાની ચૂંટણીમાં ભાજપે મારી સેન્ચૂરી’, કોંગ્રેસ પર વરસ્યા અમિત શાહ

લોકસભા ચૂંટણીને લઈ છેલ્લી ઘડીનો પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય નેતાઓ રાજ્યમાં જોરશોરથી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે ગઈકાલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અમદાવાદ પૂર્વ બેઠકના ઉમેદવાર માટે પ્રચાર કર્યો હતો. ગૃહ મંત્રી અમિત શાહ 30 એપ્રિલના રોજ ગુજરાત મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેમણે અમદાવાદના મધ્યસ્થ કાર્યલય ખાતે બેઠક યોજી હતી. તેમણે લોકસભા વિસ્તારના સંગઠનના નેતાઓ સાથે બેઠક કરવા સાથે ચૂંટણીલક્ષી સમીક્ષા પણ કરી હતી. જે બાદ નરોડા ખાતે જનસભાને સંબોધન પણ કર્યં હતું.

નરોડામાં સંબોધન દરમિયાન તેમણે બે તબક્કાનું પૂર્ણ થયેલા મતદાનમાં ભાજપે સેન્ચૂરી મારી હોવાનું કહ્યું સાથે આખા દેશમાં મોદી-મોદી જ હોવાની પણ વાત કરી હતી. આ ઉપરાંત કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા, ગુજરાતમાં 25 માંથી 25 બેઠકો પર કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસ પર અમિત શાહનો પ્રહાર

અમદાવાદ પૂર્વના ભાજપ ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં આજે નરોડા વિસ્તારમાં વિશાળ જનસભાનું આયોજન કરાયું હતું, કાર્યક્રમમાં અમિત શાહે કોંગ્રેસે પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે, અગાઉ કોંગ્રેસના રાજમાં 6 મહિના સુધી કરફ્યૂ રહેતું હતું. પરંતુ, છેલ્લા 23 વર્ષમાં ગુજરાતમાં એક પણ કરફ્યૂ જોવા મળ્યું નથી. કોંગ્રેસે BRTS, રિવરફ્રન્ટ તમામ બાબતનો વિકાસ રોકવાનું કામ કર્યુ. હું અમદાવાદમાં રહેલો છુ. પહેલા માત્ર પશ્ચિમનો વિકાસ થતો આજે પૂર્વ પશ્ચિમ બંનેનો વિકાસ થાય છે.

કાશ્મીર પર બોલ્યા અમિત શાહ

વધુમાં તેમણે કહ્યું હવે સમગ્ર દેશમાંથી નક્સલવાદ અને આતંકવાદ દૂર કરવામાં આવી રહ્યો છે. 5 ઓગસ્ટે કાશ્મીરમાંથી 370 હટાવવામાં આવી હતી. કાશ્મીરમાં હાલ શાંતિનો માહોલ છે. કાશ્મીર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. ભાજપનો રથ ખૂબ ઝડપથી ‘400 પાર’ની દિશામાં આગળ વધી રહ્યો છે. ત્રીજા તબરક્કામાં ગુજરાતની 25 બેઠકો પર મતદાન થવાનું છે. આપણે 25 એ 25 બેઠકો પર કમળ ખીલાવવાનું છે. હું સમગ્ર દેશમાં પ્રવાસ કરું છું, જ્યાં પણ જાઉ ત્યાં ‘મોદી મોદી’ના નારા લાગે છે. આ લોકપ્રિયતા નરેન્દ્રભાઈને મળી તેનું મોડલ ગુજરાતે આપ્યું છે. ગુજરાતમાંથી મોદી સાહેબે વિકાસની શરૂઆત કરી હતી અને વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીજી એ તમામ જગ્યાઓ પર વિકાસની શરૂઆત કરી છે.

કોરાનાના 134 નવા કેસો, એક પણ મોત નહીં  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 134 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,37,165 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,586 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,856 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 118 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 856 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,989 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 23 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

અભિનેત્રી નહીં પત્રકાર બનવાનું હતું સપનું, પલટી કિસ્મત ને બની ગઈ હીરોઈન

મુંબઈ: બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા આજે એટલે કે 1લી મેના રોજ પોતાનો 35મો જન્મદિવસ ઉજવી રહી છે. અનુષ્કા શર્માને આજે કોઈ ઓળખની જરૂર નથી. પરંતુ શું તમે જાણો છો કે બૉલિવૂડની ટોચની અભિનેત્રીઓમાંની એક અનુષ્કાની પ્રથમ પસંદગી એક્ટર બનવાની નહીં પરંતુ પત્રકાર બનવાની હતી. હા… અનુષ્કા શર્મા એક સમયે પત્રકારત્વમાં તેની કારકિર્દી બનાવવા માંગતી હતી,પરંતુ તેના ભાગ્યએ તેને પહેલા મોડેલિંગ અને પછી અભિનયની દુનિયામાં ખેંચી.આવો,અનુષ્કા શર્માના જન્મદિવસ નિમિત્તે જાણીએ તેના વિશે કેટલીક અજાણી વાતો.

અનુષ્કા શર્માએ શાહરૂખ ખાનની ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બૉલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં અનુષ્કા શર્માની નિર્દોષતા અને તેનું પાત્ર દર્શકોને પસંદ આવ્યું હતું.’રબ ને બના દી જોડી’ પછી અનુષ્કાનું નસીબ બદલાયું અને અભિનેત્રીને ફિલ્મોની લાઈન મળી.

શાહરૂખ ખાન પછી અનુષ્કા શર્માએ શાહિદ કપૂરની ફિલ્મ ‘બદમાશ કંપની’માં પોતાનો શાનદાર અભિનય બતાવ્યો હતો. શાહિદ કપૂર પછી અનુષ્કાએ રણવીર સિંહ સાથે ‘બેન્ડ બાજા બારાત’માં વેડિંગ પ્લાનરની ભૂમિકા ભજવીને બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી.

 

ઘણી ફિલ્મો કર્યા બાદ અનુષ્કા શર્મા ફરી એકવાર શાહરૂખ ખાન સાથે ‘જબ તક હૈ જાન’માં જોવા મળી હતી. સફળતાની સીડી ચડ્યા બાદ અનુષ્કા શર્માએ પીકેમાં આમિર ખાન સાથે કામ કર્યું હતું.

ઘણી ફિલ્મોમાં પોતાનો દમદાર અભિનય બતાવ્યા પછી અનુષ્કા શર્માએ પોતાનું પ્રોડક્શન હાઉસ ખોલ્યું જે અભિનેત્રીએ પછીથી તેના ભાઈને સોંપ્યું. અનુષ્કા શર્માએ તેના ફિલ્મી કરિયરમાં NH10, દિલ ધડકને દો, સુલતાન, એ
દિલ હૈ મુશ્કિલ અને પરી જેવી ઘણી ફિલ્મોમાં તાકાત બતાવી છે.

અનુષ્કા શર્માના અંગત જીવનની વાત કરીએ તો અભિનેત્રીએ વર્ષ 2017માં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી સાથે લગ્ન કર્યા હતા. આજે અનુષ્કા અને વિરાટ કોહલીને બે બાળકો છે – પુત્રી વામિકા અને પુત્ર અકાય. અનુષ્કા શર્મા હાલ મધરહૂડ માણી રહી છે. (તમામ તસવીર: અનુષ્કા શર્મા)

નોટ આઉટ @ 88 હરજીવનદાસ વેદ

જીવનના છ-છ દાયકા એક જ જગ્યાએથી (દિલ્હી-ચકલામાં) સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાન ચલાવનાર હરજીવનદાસ વેદની વાત સાંભળીએ તેમની પાસેથી.

એમની સાથેની વાતચીતનો એક્સ-રે : 

જન્મ જોડિયા-બંદર(જામનગર)ના ભાટિયા વૈષ્ણવ કુટુંબમાં. સાત ભાઈ, ત્રણ બહેનનું બહોળું કુટુંબ. નાના ભાઈના જન્મ પછી માતા મૃત્યુ પામી અને ઘરની જવાબદારી તેમના ઉપર આવી  પડી. મેટ્રિક સુધીનો અભ્યાસ ગામમાં કર્યો, પછી બે વર્ષ ભાવનગર કોલેજ કરી અને બે વર્ષ અમદાવાદ કોલેજમાં ભણ્યા. પણ જવાબદારીઓ વધતાં, દિલ્હી-ચકલામાં સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાન શરૂ કરી. જીવનના છ-છ દાયકા એ જ જગ્યાએથી દુકાન ચલાવી.  30 સાયકલ ભાડે ચલાવતા! ધીમે-ધીમે કરતાં બીજી પાંચ દુકાનો શરૂ કરી, ભાઈ-ભાંડુઓને ઠેકાણે પાડ્યાં. જીવનમાં ક્યારેય કોઈનું ઉધાર લીધું નથી, બધાંને આપ્યું જ છે! પત્ની વસુમતીબહેન ‘આફ્રિકા-નિવાસી અને ગ્રેજ્યુએટ’ કહેતાં મોઢા પર આનંદ આવી જાય છે! લગ્ન સાદગીથી (500 રૂપિયામાં) કર્યાં! જીવનની શરૂઆતમાં બંસીધર મીલની બહાર ફૂટપાથ પર સૂતા છે અને આજે અમદાવાદના પોશ એરિયામાં ભવ્ય ફ્લેટમાં સંયુક્ત કુટુંબમાં રહે છે!

નિવૃત્તિની પ્રવૃત્તિ : 

સાયકલ અને પ્રાઇમસ રીપેરીંગની દુકાનમાં આનંદ સાથે સેવા થતી એટલે નિવૃત્તિ ઘણી મોડી લીધી. હાલ સવારે છ વાગે ઊઠે. બ્રશ-દાઢી વગેરે નિત્યક્રમ કરી, ગરમ પાણીમાં હળદર અને બીજી દવાઓ લે. નાહી-ધોઈને દીકરા સાથે 9.30 વાગે ચા-નાસ્તો કરે. 11:30થી બે કલાક ઠાકોરજીની સેવા કરે. પુષ્ટિમાર્ગી છે અને પુષ્ટાવેલી સેવા છે. પત્નીની તબિયત સારી નથી રહેતી એટલે સેવા-પૂજા હરજીવનદાસ કરે છે. પછી જમીને બપોરે આરામ કરે. પહેલાં સાંજે નીચે ચાલવા જતા, હવે ઘરમાં જ ચાલે છે. અઠવાડિયામાં ફિઝિયોથેરેપીસ્ટ બે વાર આવી કસરત કરાવે છે. (CA થયેલો પૌત્ર મોટું જિમ ચલાવે છે અને આરોગ્યનું  ખૂબ ધ્યાન રાખે છે.) રાત્રે જમીને ટીવી જોઈ સુઈ જાય.

શોખના વિષયો : 

બાળપણમાં સારા પુસ્તકોનું વાંચન કરતા, બંગાળી સાહિત્યનું વાચન ઘણું કર્યું છે. ઉંમર થતાં હવે ધાર્મિક પુસ્તકોનું વાંચન કરે છે. બેઠકજીની યાત્રા કરી છે. ટીવી પર ક્રિકેટ મેચ જોવી ગમે છે. હવે પ્રભુ સેવા એ જ શોખ! ફુરસદના સમયમાં ફુલની માળાજી બનાવે છે. દીકરા-વહુ સાથે સારા સંબંધો છે. ક્યારેય મોટા અવાજે બોલવાનું થતું નથી. કંપની-સેક્રેટરી દીકરો ઉમેશ વેદ અને વહુ પારુલ તેમનું ઘણું ધ્યાન રાખે છે.

ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?: 

ઘણી મજૂરી કરી છે, ઘણું કામ કર્યું છે એટલે શરીર સાથ આપે છે. શરીરને માફક આવે તેવી કસરત કરે છે. આંખ-કાનની થોડી તકલીફ છે. ઉંમર થઈ એટલે કંઈને-કંઈ તકલીફ રહે. તેમના મતે “ગોળી ગળવાની પરંતુ તેને તાબે નહીં થવાનું! ગોળીઓ જ ગોળીને મારે છે!”

યાદગાર પ્રસંગ:  

બાળપણમાં ઘણો દુઃખ જોયાં છે તેથી તકલીફના દિવસો યાદ આવે છે, સાથે-સાથે હાસ્યના પ્રોગ્રામ જોયેલા (ખાસ કરીને હસમુખ કિકાણીના) તે યાદ આવે છે. સ્કૂલના સમયે ગીતા વિશે થયેલા પ્રવચનો યાદ છે. ડોંગરેજીની છેલ્લી સપ્તાહ સાંભળી હતી તે યાદ છે. ‘આફ્રિકા-નિવાસી ગ્રેજ્યુએટ’ પત્ની સાથે 500 રૂપિયામાં સાદગીથી લગ્ન કર્યાં તે કેમ ભૂલાય!

નવી ટેકનોલોજી કેટલી વાપરો છો?:  

નવી ટેકનોલોજી ખાસ વાપરતા નથી. ટીવીમાં કસરતના પ્રોગ્રામ, ક્રિકેટ-મેચ અને ફૂટબોલ મેચ જુએ. ટીવીમાં મેળ ના પડે તો પત્નીના મોબાઈલ પર પણ હાથ અજમાવી લે! શરીરને માફક આવે તે રીતે AC વાપરે. વેપાર-ધંધામાં સમયની બચત માટે નવી ટેકનોલોજી સારી છે, પણ યુવાન-વર્ગનું જીવન તેનાથી વેડફાઈ જાય છે. બાળકોને મોબાઇલથી દૂર જ રાખવા સારા! સરકારે નવા કાયદા (સાઈબર લો) ઘડવા જોઈએ.

શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં? 

પહેલાં જીવન તંદુરસ્ત હતું અને લોકો મહેનત કરી આગળ વધતાં. હવે ગમે તે રસ્તેથી લોકોને જલ્દી માલદાર થઈ જવું છે!

આજની પેઢી સાથે સંકળાયેલા છો? તેમના શબ્દોમાં:

યુવાનો અને બાળકો સાથે બહુ સારું ફાવે! તેમની સાથે આનંદથી રહેવાનું, કોઈ વાતમાં ચંચુપાત કરવાનો નહીં, જેથી તેઓ માન આપે. કોઈ વાતે તેમને ક્રોસ કરવાના નહીં. મિત્ર જેવું સાથે રહેવાનું. યુવાનો પ્રગતિ કરતા હોય ત્યારે માગે તો જ સલાહ-સૂચનો કરવા જેથી તેઓને તકલીફ ના પડે!” તેમને એક દીકરો, એક દીકરી અને બે પૌત્રો છે.

સંદેશો :  

જિંદગી જીવવા અને માણવા માટે મળેલ છે. સાદું જીવન જીવવામાં જ આનંદ છે અને આનંદ એ જ પરમાનંદ!

મુંબઈની 6 લોકસભા બેઠકો પર ચિત્ર સ્પષ્ટ, કોણ કોની સામે લડશે?

મુંબઈ: મુખ્યમંત્રી એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેનાએ મંગળવારે મુંબઈમાં લોકસભાની બે બેઠકો માટે તેના ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. જેમાં ઉત્તર-પશ્ચિમ મુંબઈથી રવિન્દ્ર વાયકર અને દક્ષિણ મુંબઈથી યામિની જાધવને ઉમેદવારી આપવામાં આવી છે. આ બંને બેઠકો પર શિંદેના શિવસેનાના ઉમેદવારોની ઘોષણા પછી એ નક્કી થઈ ગયું છે કે બંને બેઠકો પર ઉદ્ધવની શિવસેના વિરુદ્ધ શિંદેની શિવસેના વચ્ચે ટક્કર થશે. ઘણા દિવસોથી આ બે બેઠકો અંગે સસ્પેન્સ હતું કે શું શિંદેની શિવસેના આ બેઠકો મેળવશે અથવા ભાજપ તેમના ઉમેદવારો ઉભા કરશે, કારણ કે ભાજપ પણ બંને બેઠકો પર દાવો કરી રહ્યું હતું.

આખરે, મુખ્ય પ્રધાન શિંદે ભાજપના દબાણને વશ ન થયા અને મંગળવારે તેમણે બંને બેઠકો પર તેમના ઉમેદવારો ઉભા કરીને સસ્પેન્સનો અંત લાવ્યો. પોતાની ઉમેદવારી અંગે યામિનીએ કહ્યું કે તે ચોક્કસપણે મુખ્યમંત્રી શિંદે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપેક્ષાઓ પર ખરા ઉતરશે. વાયકરે કહ્યું કે હું વિજયી બનીને પાછો આવીશ. મેં ક્ષેત્રમાં કામ કર્યું છે અને તમામ શિવસૈનિક મારી સાથે ઉભા છે. ઉમેદવારોની ઘોષણા કર્યા પછી, શિંદે સેનાના રાષ્ટ્રીય પ્રવક્તા સુશીલ વ્યાસે કહ્યું કે અમારા મુખ્યમંત્રીએ તમામ મજબૂત ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને તમામ બેઠકો જીતશે. કોંગ્રેસે ઉત્તર મુંબઈથી ભૂષણ પાટીલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. આ બેઠક પર જિલ્લા પ્રમુખ કાલુ બુધેલીયા દાવો કરી રહ્યા હતા.

મુંબઈમાં કોણ કોની સામે

મુંબઈ નૉર્થ 

પીયૂષ ગોયલ, BJP
ભૂષણ પાટીલ, કૉન્ગ્રેસ

મુંબઈ નૉર્થ સેન્ટ્રલ

ઉજ્જવલ નિકમ, BJP
વર્ષા ગાયકવાડ, કૉન્ગ્રેસ

મુંબઈ નૉર્થ ઈસ્ટ

મિહિર કોટેચા, BJP
સંજય દીના પાટીલ, શિવસેના (UBT)

મુંબઈ નૉર્થ વેસ્ટ

રવીન્દ્ર વાયકર, શિવસેના
અમોલ કીર્તિકર, શિવસેના (UBT)

મુંબઈ સાઉથ:

યામિની જાધવ, શિવસેના
અરવિંદ સાવંત, શિવસેના (UBT)

મુંબઈ સાઉથ સેન્ટ્રલ:

રાહુલ શેવાળે, શિવસેના
અનિલ દેસાઈ, શિવસેના (UBT)

 

દક્ષિણ મુંબઈમાં સાંસદ વિરુદ્ધ ધારાસભ્ય
દક્ષિણ મુંબઈ સીટને લઈને ભાજપ અને શિંદે સેના વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આખરે આ સીટ શિંદે સેના પાસે આવી. મંગળવારે શિંદે સેનાએ ભાયખલાના ધારાસભ્ય યામિનીને પોતાના ઉમેદવાર જાહેર કર્યા. ઉદ્ધવ સેનાએ પહેલા જ સાંસદ અરવિંદ સાવંતના નામની જાહેરાત કરી દીધી હતી. સાંસદ સાવંત હેટ્રિકની આશા સાથે ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે, જ્યારે શિંદે સેના તેમની હેટ્રિક રોકવાનો પ્રયાસ કરી રહી છે.

ઉત્તર-પશ્ચિમમાં MLA vs MP પુત્રની હરીફાઈ
શિંદે સેનાએ ઉત્તર-પશ્ચિમ લોકસભા બેઠક પરથી ઉમેદવારનું નામ પણ જાહેર કર્યું છે. લાંબા સમયથી કોર્પોરેટર અને ઉદ્ધવ ઠાકરેના નજીકના ધારાસભ્ય રવિન્દ્ર વાયકરને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. ત્યાં ઉદ્ધવ સેનાએ સાંસદ ગજાનન કીર્તિકરના પુત્ર અમોલને પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. શિવસેનામાં વિભાજન બાદ સાંસદ કીર્તિકર શિંદે શિવસેના સાથે ચાલ્યા ગયા હતા, પરંતુ અમોલ ઉદ્ધવ ઠાકરે સાથે જ રહ્યા હતા. ઉદ્ધવે ઘણા સમય પહેલા અમોલને લોકસભાના ઉમેદવાર જાહેર કરી દીધા હતા. ઉદ્ધવ સેના અને શિંદે સેનાના ઉમેદવારો વચ્ચે સામાન્ય વાત એ છે કે ભાજપના પૂર્વ સાંસદ કિરીટ સોમૈયાએ બંને પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો છે. બંનેને EDએ પૂછપરછ માટે બોલાવ્યા હતા. હવે સવાલ એ છે કે ભાજપના લોકો કયા ચહેરા સાથે વાયકરનો પ્રચાર કરશે?

સંજય નિરુપમનો રસ્તો મુશ્કેલ છે
કોંગ્રેસના બળવાખોર પૂર્વ સાંસદ સંજય નિરુપમે મુખ્યમંત્રી શિંદે સેના સાથે મુલાકાત કરી હતી. એવું માનવામાં આવતું હતું કે શિંદે સેના તેમને ઉત્તર-પશ્ચિમ મુંબઈ બેઠક પરથી ઉતારી શકે છે, પરંતુ મંગળવારે શિંદે નિરુપમને લઈને પણ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું. હવે નિરુપમ શું કરશે તે જોવુ રહ્યું.

ભારતમાં ક્યારથી અને શા માટે ઉજવાય છે ઈન્ટરનેશનલ લેબર ડે?

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસ (International Labour Day) દર વર્ષે 01 મેના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે. આ દિવસને મે ડે, વર્કર્સ ડે, લેબર ડે અને લેબર ડે જેવા નામોથી પણ ઓળખવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં આ દિવસની ઉજવણી પાછળ એક ખાસ હેતુ છે કે વર્કર્સને સમાજમાં સન્માન અને ન્યાય મળવો જોઈએ. આપણે એ પણ જાણીશું કે આખરે આ દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ.

Patna: Workers work at a brick factory on the eve of International labour Day in Patna on Saturday April 30,2022.(Photo: AFTAB ALAM SIDDIQUI/IANS)

આ દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ્ય દેશના નિર્માણમાં મજૂરોના યોગદાનને યાદ કરવાનો છે. તેમના કાર્યનું સન્માન કરવું જોઈએ. મજૂર દિવસ પર કામદારોના સંઘર્ષને યાદ કરવામાં આવે છે. ઉપરાંત, આ દિવસની ઉજવણી પાછળનો એક ઉદ્દેશ્ય કામદારોના અધિકારોનું રક્ષણ કરવાનો અને તેમને તેના વિશે જાગૃત કરવાનો છે.

ભારતમાં આંતરરાષ્ટ્રીય દિવસની ઉજવણી ક્યારે શરૂ થઈ?
વર્કર્સ ડેની ઉજવણી ભારતમાં સૌપ્રથમ 1923માં ચેન્નાઈમાં શરૂ કરવામાં આવી હતી. લેબર ડેની ઉજવણી ડાબેરીઓ દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારપછી દેશના અનેક મજૂર સંગઠનોએ આ દિવસની ઉજવણી શરૂ કરી. ભારતમાં આ દિવસ દર વર્ષે 01 મેના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસે જાહેર રજા પણ છે.

જાણો શું છે આ વર્ષની થીમ?
દર વર્ષે આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની વિશેષ થીમ હોય છે. આ વર્ષની થીમ આબોહવા પરિવર્તન વચ્ચે કાર્યસ્થળની સલામતી અને આરોગ્યને સુનિશ્ચિત કરવાની છે. આ થીમ દ્વારા કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને મહત્વ આપવા પર ભાર મૂકવામાં આવશે.

આંતરરાષ્ટ્રીય મજૂર દિવસનો ઇતિહાસ
લગભગ 135 વર્ષ પહેલા અમેરિકામાં કામદારોની હાલત ખૂબ જ ખરાબ હતી. કામદારોને દિવસમાં લગભગ 15 કલાક કામ કરવું પડતું હતું. તેઓ જ્યાં કામ કરે છે ત્યાં સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવામાં આવતું નહોતુ. હવા માટે પણ પૂરતી જગ્યા નહોતી. આ બગડતી પરિસ્થિતિથી પરેશાન થઈને કામદારોએ આંદોલન શરૂ કર્યું. તેઓએ પોતાનો અવાજ ઉઠાવ્યો અને હડતાળ પર જવાનો નિર્ણય કર્યો. 1 મે, 1886 ના રોજ, ઘણા કામદારો અમેરિકાની શેરીઓમાં ઉતર્યા. કામદારોની માંગ હતી કે કામના કલાકો 15થી ઘટાડીને 8 કલાક કરવામાં આવે. આ ઉપરાંત કાર્યસ્થળમાં પણ સુધારો કરવો જોઈએ.

જો કે, જ્યારે પોલીસને લાગ્યું કે પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે, ત્યારે તેઓએ આંદોલન દરમિયાન ગોળીબાર કર્યો, જેમાં 100 થી વધુ લોકો ઘાયલ થયા. ઘણા કામદારોના મોત પણ થયા. આ દિવસને યાદ કરીને, 1889માં આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદની બીજી બેઠકમાં, 01 મેના રોજ આંતરરાષ્ટ્રીય મજૂર દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. આ સાથે આ દિવસને રજા તરીકે ઉજવવાનો અને કામદારોને 8 કલાકથી વધુ કામ ન કરવાની ફરજ પાડવાનો નિર્ણય પણ પસાર કરવામાં આવ્યો હતો.

૦૧ મે, ૨૦૨૪

બોમ્બેમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર અલગ થવાની કહાની…

આજના દિવસે એટલે કે 59 વર્ષ પહેલા 1લી મેના રોજ ગુજરાત અને મહારાષ્ટ્રની સ્થાપના થઈ હતી. બંને રાજ્યોના લોકો આજે ખૂબ જ ધામધૂમથી સ્થાપના દિવસની ઉજવણી કરે છે. આ બંને રાજ્યોની સ્થાપના 1 મે, 1960ના રોજ કરવામાં આવી હતી. આ જ દિવસે ગુજરાતીઓને અને મરાઠીઓને પોત પોતાના અલગ રાજ્ય પ્રાપ્ત થયાં હતાં.

આંદોલનના દ્રશ્યો અને ઈન્દુલાલ યાજ્ઞિક

સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ

બોમ્બેથી મહારાષ્ટ્ર અને ગુજરાતની રચના સુધીની સફરમાં ત્યાંના લોકોને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આ 1960 પહેલાની વાત છે, તે સમયે બંને રાજ્યો બોમ્બેનો ભાગ હતા. બોમ્બેમાં મરાઠી અને ગુજરાતી બંને ભાષાઓ બોલાતી હતી.ધીરે ધીરે બંને ભાષાના લોકોમાં અલગ રાજ્યની માંગ ઉભી થવા લાગી. આ લોકો ભાષાના આધારે પોતાના માટે રાજ્યની માંગ કરી રહ્યા હતા. કેમ કે, 1956ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ ઘણા રાજ્યોની અલગ રચના કરવામાં આવી હતી. SRC એ ભાષાવાર રાજ્યો રચવાનું ધ્યાનમાં લીધું પણ મુંબઈ રાજ્યને દ્વિભાષી જ રાખવાનું સૂચન કર્યું હોવાથી બોમ્બે જેમ હતું તેમજ રહ્યું.

ગુજરાતી મરાઠીઓને અલગ રાજ્યની આશા બંધાઈ

1956ના સ્ટેટ્સ રિઓર્ગેનાઈઝેશન એક્ટ હેઠળ, આંધ્ર પ્રદેશની રચના તેલુગુ ભાષી લોકો માટે કરવામાં આવી હતી,કર્ણાટકની રચના કન્નડ ભાષી લોકો માટે કરવામાં આવી હતી,કેરળની રચના મલયાલમ ભાષી લોકો માટે અને તમિલનાડુની રચના તમિલ ભાષી લોકો માટે કરવામાં આવી હતી.અલગ-અલગ ભાષાના લોકો માટે અલગ રાજ્યોની રચના કરવામાં આવી. આ જોઈને બોમ્બેના મરાઠી અને ગુજરાતી લોકોને પણ અલગ રાજ્યની આશા બંધાઈ. બાદમાં ગુજરાતી અને મરાઠી લોકોએ અલગ રાજ્યની માંગ સાથે બોમ્બેમાં આંદોલન શરૂ કર્યું. લોકોએ તેમની માંગણીઓને લઈને અનેક આંદોલનો કર્યા. એમાંય સ્થિતિ ત્યારે વધુ ઉગ્ર બની જ્યારે બંનેને મુંબઈનો સમાવેશ પોતાના રાજ્યમાં કરવો હતો.

આંદોલન દરમિયાન વિદ્યાર્થીઓના મૃ્ત્યુ

દિન-પ્રતિદિન પ્રદર્શન વિરોધ વધતો ગયો. આંદોલન ઉર્ગ થવાં લાગ્યા. 1948માં ગુજરાતી બોલતા લોકોના એક નેતૃત્વ હેઠળ મહાગુજરાત સંમેલન યોજાયું હતું. ‘મહાગુજરાત આંદોલન’એ આઝાદી બાદ ગુજરાતી પ્રજાનું સૌથી મોટું આંદોલન હતું. એવામાં જવાહરલાલ નહેરુએ ઉગ્ર પરિસ્થિતિનો નિવાડો લાવવા માટે ત્રણ રાજ્યોની રચના કરવાની ભલામણ કરી, મહારાષ્ટ્ર, ગુજરાત અને કેન્દ્રીય રીતે સંચાલિત શહેર – મુંબઈ રાજ્ય. મુંબઈ અને અન્ય મરાઠી ભાષા બોલતા લોકો માટે બીજા રાજ્યની વાત સાંભળી વિરોધ ફાટી નિકળ્યો. આની સાથે જ બીજ ઉગ્યુ સંયુકત મહારાષ્ટ્ર આંદોલનનું.તો બીજી બાજુ અમદાવામાં અલગ રાજ્યની માંગણી સાથે કેટલાક વિદ્યાર્થીઓ મોરારજી દેસાઈ સમક્ષ રજૂઆત કરવા ગયાં. તેમણે વિદ્યાર્થીઓની વાતને ન સાંભળી અને વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી થઈ. જેમાં અંદાજીત 8 વિદ્યાર્થીઓ મૃત્યુ પામ્યા. તેને કારણે ગુજરાતમાં દેખાવો થયાં અને વિરોધ વધુ ઉગ્ર બની ગયો.

આ બધાની વચ્ચે આંદોલનને દિશા આપવા માટે ઈન્દુલાલ યાજ્ઞિકે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી. બાદમાં ઈન્દુલાલ યાજ્ઞિકને જેલ જવાનો વારો પણ આવ્યો. જ્યારે મહારાષ્ટ્રની માંગ માટે મહારાષ્ટ્ર સમિતિની રચના કરવામાં આવી હતી. અંતે આંદોલનની સ્થિતિને ધ્યાને રાખી 1 મે, 1960ના રોજ, બોમ્બેને મહારાષ્ટ્ર અને ગુજરાત એમ બે રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. બંને રાજ્યો અલગ થઈ ગયા પરંતુ હવે બીજી સમસ્યા ઊભી થઈ.આ સમસ્યા એ હતી કે બોમ્બેને બંને પોતાના રાજ્યમાં સામેલ કરવાની માંગ કરતાં હતાં. બંને રાજ્યો બોમ્બેને તેમના રાજ્યોનો ભાગ બનાવવા માંગતા હતા.ગુજરાતના લોકો બોમ્બેને પોતાનું માનતા હતા.તેમણે કહ્યું કે રાજ્યની પ્રગતિમાં તેમનું વધુ યોગદાન છે.

મહારાષ્ટ્રના લોકો માનતા હતા કે બોમ્બે તેમનો ભાગ છે કારણ કે અહીંના મોટાભાગના લોકો મરાઠી બોલે છે. ભારે સંઘર્ષ બાદ આખરે મહારાષ્ટ્ર જીતી ગયું. બોમ્બેને મહારાષ્ટ્રની રાજધાની બનાવવામાં આવી. મહારાષ્ટ્રમાં ‘મહારાષ્ટ્ર દિવસ’ અને ગુજરાતમાં ‘ગુજરાત દિવસ’ 1 મેના રોજ ઉજવવામાં આવ્યો. આ દિવસે રાજ્ય સરકાર દ્વારા વિશેષ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. શાળા-કોલેજોમાં પણ અનેક રંગારંગ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

રાશિ ભવિષ્ય 01/05/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, પ્રવાસનું આયોજન થઈ શકે છે તેમાં ઉત્સાહ પણ જોવા મળે, મિત્રોથકી કોઈ લાભની વાત આપલે થઇ શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમને તમારી મહેનત મુજબ ફળ મળી શકે છે વેપારના કામકાજમાં નાનું અને અનુભવ મુજબનુજ કામ કરવુજ યોગ્ય છે.


આજનો દિવસે સાવચેતી રાખવી તેમાં પણ ખાસ ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી બને છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે, વણમાંગી સલાહકે સુચન આજના દિવસેના આપવા ઈછાનીય છે. વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, યુવાવર્ગે કોઈની સાથે અર્થહીન વાર્તાલાપના થાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ તમારા માટે સારો છે તમને ઉત્સાહ,આત્મવિશ્વાસ સારો રહે, મનની ઈચ્છા પૂરી થાય તેવા યોગ છે, વિદ્યાર્થીવર્ગ અને યુવાવર્ગને મિત્રવર્તુળમાં સારો સમય પસાર થાય, ગણતરીપૂર્વક કામ કરોતો ધાર્યા કામ વધુ થાય, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે, પ્રિયજન તરફથી સારો અનુભવ થાય.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે મિલનમુલાકાતકે પ્રવાસ થઈ શકે છે, કોઈ આકસ્મિક નાણાકીયખર્ચ પણ આવી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામ કરવાથી લાભ થઈ શકે છે, લગ્ન માટેની વાર્તાલાપ કરવી ફળદાઇ બને શકે, વેપારના કામકાજમાં નાનું કામ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો સલાહ ભર્યો છે, ખટપટ કરનાર વર્ગથી દુર રહેવું જરૂરી છે,ખરીદી કરવા પાછળ બિનજરૂરી ખર્ચ થઇ શકે છે, મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે, વાહન ધીમે ચલાવવું, ઉશ્કેરાટથી દુર રહેવું, વેપારના કામકાજમાં જોખમન કરવું, ઉતાવળિયા નિર્ણયથી બચવું.


આજનો દિવસ સામાન્ય છે, મનમાં થોડી માનસિક અશાંતિ અને ઉદ્વેગ રહ્યા કરે, કામકાજમાં સમયનો દુરવ્યય થાય, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનુજ કામ કરવું યોગ્ય છે, યુવાવર્ગ માટે આજના દિવસે કોઈની સાથે ઘર્ષણના થાય તેની કાળજી રાખવી, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી સલાહભરી છે.


આજનો દિવસ સારો છે, મનમાં રહેલી કોઈ ઈચ્છા પૂરી થઈ શકે છે, ગમતાકાર્ય કરી શકાય, નવીઓળખાણ થાય અને લાભની વાતચીત થાય તેવા પણ સંજોગ બની શકે છે, સ્પર્ધાત્મકપરીક્ષા આપનારને કોઈ સારી જાણકારી પ્રાપ્ત થાય, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામ કરવા મળી શકે.


આજનો દિવસ થોડી ધીરજ અને સાવચેતી રાખવી યોગ્ય છે , વાહન ધીમે ચલાવવું, નોકરી-ધંધામાં પણ વ્યવહારુ અભિગમ રાખવો ફાયદાકારક છે , કોઈપણ પ્રકારના વિવાદથી દુર રહેવાની સલાહ છે,યુવાવર્ગને ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું, વેપારમાં કોઈ મોટા જોખમ ભર્યા કામના કરવા ઇચ્છનીય છે.


આજનો દિવસ તમારા માટે સારો છે, તમને તમારા કામ અને વ્યવહારથી માન મળી શકે છે, કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, ભૂતકાળમાં કરેલ કામની પ્રશંશા થાય અને તમારી લાગણી સંતોષાય તેવું બની શકે છે, નવીઓળખાણથી કોઈ લાભની વાત થઈ શકે છે, વેપારમાં કોઈ લાભની તક દેખાઈ શકે છે.


આજનો દિવસ તમારા માટે સાવચેતી અને શાંતિ રાખવાની સલાહ ભર્યો છે, તમારામાં થોડી નિરાશા જોવા મળી શકે છે તેમજ કામ ટાળવા માટેની વૃતિ જાગી શકે છે, ખટપટકરનારથી દુર રહેવું, વાહન ધીમે ચલાવવું, વેપારના કામકાજમાં જોખમથી દુર રહેવું, જીવનસાથી સાથે ખોટી દલીલબાજી ના કરવી.


આજનો દિવસ તમને સારી આશા અને ઈચ્છા જગાડી શકે તેવો છે, તમારા ધાર્યા કામ થઇ શકે તેવી વાત બની શકે છે તેમજ જો નસીબ સાથ આપે,તો ઘણું બધું કાર્ય થઇ શકશે. મુસાફરી થઈ શકે છે, વેપારમાં લાભની વાત બની શકે છે, જૂનીઓળખાણ કે સારાપ્રસંગોની યાદ આવે તેમાં મન ખુશ રહી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં ધાર્યા કરતા વધુ સમય વ્યય થાય તેવું બની શકે છે, વેપારમાં નાનું કામજ યોગ્ય છે, નોકરીકરનારવર્ગને કામકાજમાં કંટાળાની લાગણીનો અનુભવ વધુ થાય, બિનજરૂરીખર્ચ થાય, વડીલવર્ગમાટે થોડી આળસવૃતી કે કામ ટાળવાની વૃતી જોવા મળી શકે છે.