નવી દિલ્હીઃ દિલ્હીના અરવિંદ કેજરીવાલની ધરપકડની વિરુદ્ધ દાખલ અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે EDને મોટા સવાલ કર્યા હતા. વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંધવીએ સવાલ કર્યો હતો કે આ કેસમાં સાક્ષીઓની વિશ્વસનીયતા પર સવાલ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે મગુંટા રેડ્ડી પર દબાણ આણવાનું કામ કર્યું હતું. તેઓ કેજરીવાલની વિરુદ્ધ નિવેદન આપે, જેથી એના બદલામાં તેઓ પુત્ર રાઘવ મુંગટાને જામીન મળે.
અભિષેક મનુ સંઘવીએ કહ્યું કે અરવિંદ કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી. કલમ 19 હેઠળ ધરપકડ કરવા માટે ED પાસે કયા કારણો હતા? તેમણે કોર્ટ સમક્ષ કહ્યું કે ઈડીએ જે દસ્તાવેજોની વાત કરી છે તેની સાથે અરવિંદ કેજરીવાલને કોઈ લેવાદેવા નથી. જ્યારે EDએ ECIR દાખલ કર્યો, ત્યાર બાદ કોઈ ધરપકડ કરવામાં આવી ન હતી. છેલ્લા 18 મહિનામાં. સિંઘવીએ કહ્યું કે મારી ધરપકડના દોઢ વર્ષ પહેલા કેસ શરૂ થયો હતો. 3 ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. સીબીઆઈએ ચાર્જશીટ પણ દાખલ કરી છે. સીબીઆઈ કેસમાં મારું નામ નથી લીધું.
જ્યાં સુધી મનીષ સિસોદિયા મામલાની વાત છે. પક્ષ-વિપક્ષમાં નિષ્કર્ષ છે તો અમને જણાવો કે કેજરીવલનો કેસ ક્યાં છે? કોર્ટે સવાલ કરતાં પૂછ્યું હતું કે કાર્યવાહી શરૂ થવા અને પછી ધરપકડ વગેરેની કાર્યવાહીની વચ્ચે આટલા સમયનો અંતરાલ કેમ?
રાજ્યમાં આગામી 7 મેના રોજ લોકસભા સામાન્ય ચૂંટણી યોજાનાર છે, જેના ભાગરૂપે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી કામગીરી હાથ ધરાઈ છે. મહત્તમ મતદાન થાય તે દિશામાં ચૂંટણી તંત્ર દ્વારા ટર્નઆઉટ ઇમ્પ્લિમેન્ટેશન પ્લાન (TIP) અંતર્ગત મતદાન જાગૃતિ માટે સઘન પ્રયાસો હાથ ધરાયા છે.
સમગ્ર રાજ્યની સાથે સાથે અમદાવાદમાં ‘મતદાન જાગૃતિ’ સંદર્ભે તા.5મી મેના રોજ ‘રન ફોર વોટ’ કાર્યક્રમનું આયોજન કરાયું છે. અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે આગામી તા.5મી મેના રોજ સવારે 7 વાગ્યે ‘રન ફોર વોટ’ કાર્યક્રમ યોજાશે. ગુજરાત રાજ્યનાં મુખ્ય નિર્વાચન અધિકારી પી.ભારતીના હસ્તે રન ફોર વોટને ફ્લેગઑફ અપાશે. રન ફોર વોટના સફળ આયોજનના ભાગરૂપે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.એ રિવરફ્રન્ટ ખાતે સ્થળ મુલાકાત લઈને રૂટની સમીક્ષા કરી હતી.
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર પ્રવીણા ડી.કે.એ સમીક્ષા કરી ઉપસ્થિત સૌ અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશ કર્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા માટે જે-તે વિભાગના સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચન પણ કર્યાં હતાં. અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે યોજાનાર ‘રન ફોર વોટ’માં આશરે 2500થી વધુ યુવાનો જોડાઈને ‘મતદાન જાગૃતિ’ અભિયાનનો નારો બુલંદ કરશે. ઇવેન્ટ સેન્ટર, અટલ બ્રિજથી પ્રસ્થાન થયેલ ‘રન ફોર વોટ’ સ્પોર્ટ્સ સેન્ટર સુધી પહોંચશે અને ત્યાંથી અટલબ્રિજ પરત ફરશે. આ સ્થળ મુલાકાત સમયે કલેકટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી નેહાબહેન ગુપ્તા અને જે-તે વિભાગના સબંધિત અધિકારીઓ હાજર રહ્યા હતા.
ભારતમાં લોકસભા ચૂંટણીની શરૂઆત થઈ ગઈ છે. અનેક જગ્યાએ મતદાન પૂર્ણ થયું છે. ગુજરાતમાં ચૂંટણીના આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે જાણીએ ચૂંટણી સાથે જોડાયેલી મહત્વની માહિતી.
મતદાન કોણ કરી શકે?
લોકસભા ચૂંટણીમાં કરોડો લોકોના મતદાન થકી ઉમેદવારોના ભાવી નક્કી થાય છે. કોની સરકાર બને છે અને કોની પડે છે એ પણ મતદાન થકી જ નક્કી થાય છે. ભારતના બંધારણમાં પુખ્ત વયના તમામ લોકોને મત આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે. એટલે કે જેની ઉંમર 18 વર્ષ કે એથી વધુ હોય એ દરેક વ્યક્તિ પોતાનો મત આપી શકે છે. મત આપવા માટે ભારતના દરેક નાગરિકે નોંધણી કરાવવી ફરજીયાત છે. કારણ કે જે લોકો ભારતના નાગરિક છે એ જ લોકો મતદાન કરી શકે છે. જો કોઈ વ્યક્તિ ભારતની નાગરિક્તા ધરાવે છે પરંતુ કોઈ કારણસર એનું નામ મતદાર યાદીમાં નથી તો એ મતદાન કરી શકે નહીં. એટલું જ નહીં જે મતદારનું નામ એક કરતા વધારે મતદારયાદીમાં હોય એ મતદાર પણ મત આપવા માટે અસમર્થ છે.
એવી જ રીતે જો કોઈ વ્યક્તિ એનઆરઆઈ(નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ)પરંતુ એને અન્ય દેશની નાગરિક્તા નથી લીધી તો એને મત આપવાનો અધિકાર છે. જો કે અન્ય દેશની નાગરિક્તા લીધા પછી જે તે વ્યક્તિ ભારતીય ચૂંટણીમાં મત આપવાનો અધિકાર ગુમાવી દે છે. આ ઉપરાંત જે લોકોને કોર્ટ દ્ધારા માનસિક વિકલાંગ જાહેર કરવામાં આવ્યા હોય એ લોકોને મતદાર ઓળખકાર્ડ આપવામાં નથી આવતું. માટે એ લોકોને પણ મત આપવાનો અધિકાર નથી. જે લોકોને મત આપવાનો અધિકાર છે એ માત્ર ચૂંટણીપંચ દ્ધારા ઊભા કરવામાં આવેલા મતદાન કેન્દ્રમાં જ મત આપી શકે છે.
ચૂંટણી લડવાનો અધિકાર કોને છે?
લોકસભા અને વિધાનસભાની ચૂંટણી લડવા માટે લઘુત્તમ વય મર્યાદા 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. એનાથી નાની ઉમંરની વ્યક્તિ ચૂંટણી લડી શકે નહીં. એવી જ રીતે જે વ્યક્તિને કોઈ કેસમાં બે વર્ષ કે એથી વધુની સજા થઈ હોય એ પણ ચૂંટણી લડી શકે નહીં. ઉપરાંત ભારતીય બંધારણના અનુચ્છેદ 84-A પ્રમાણે જે ભારતના નાગરિક હોય એમની પાસે જ ચૂંટણી લડવાનો અધિકાર છે. ઉપરાંત જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 4(ડી) પ્રમાણે જે વ્યક્તિનું નામ સંસદીય મતવિસ્તારની મતદારયાદીમાં નથી એ વ્યક્તિ પણ ચૂંટણી લડવા માટે અસમર્થ છે.
પ્રજ્ઞાચક્ષુમાટે મતદાનના નિયમ શુ છે?
વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ હેઠળ 21 વિકલાંગતાઓમાં પ્રજ્ઞાચક્ષુનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મતદાન મથક પર નેત્રહીન મતદારોને બ્રેઇલ લિપિમાં ડમી મતપત્રક આપવામાં આવે છે. ડમી બેલેટ શિટને વાંચ્યા પછી દ્રષ્ટિહીન મતદારને મતદાન મથકમાં પ્રવેશ લઈને મતદાર ઈવીએમ પર બ્રેઈલ લિપિમાં નોંધાયેલી વિગતો અને એમની પસંદગીના ઉમેદવારનો સિરીયલ નંબર વાંચીને પોતાનો મત આપી શકે છે. આ ઉપરાંત ચૂંટણી આચાર નિયમો 1961ના નિયમ 19 (એન) પ્રમાણે મતદાન મથક પર, નેત્રહીન વ્યક્તિઓને સાથીદારની સુવિધા પણ આપવામાં આવે છે. એટલુ જ નહીં દ્ધષ્ટિહિન મતદાર રુચિ પ્રમાણે બૂથ સ્વયંસેવક કે મુખ્ય અધિકારીની મદદ પણ લઈ શકે છે. વિકલાંગ વ્યક્તિઓના અધિકારો અધિનિયમ 2016ની કલમ 11 પ્રમાણે ચૂંટણીપંચ અને રાજય ચૂંટણીપંચ તમામ મતદાન મથકો પર વિકલાંગ વ્યક્તિ માટે પુરતી સુવિધા પણ ઉભી કરે છે. પોતાની વિકલાંગતા વિશે મતદારે ફોર્મ-8 ભરીને માહિતી આપવાની હોય છે.
મતદારયાદીની માહિતીમાં ભૂલ હોય તો સુધારી શકાય?
મતદારયાદીમાં નામ નોંધાયા પછી જો કોઈ પણ પ્રકારની ભૂલ રહી ગઈ હોય તો મતદાર ફોર્મ-8 ભરીને એમાં સુઘારો કરી શકે છે. ફોર્મ 8 થકી મતદાર પોતાનું સરનામું પણ બદલાવી શકે છે. એ સિવાય આ જ ફોર્મ દ્ધારા મતદાન ઓળખપત્ર પણ બદલી શકે છે. ચૂંટણીપંચ સમયાંતરે મતદાર યાદી બહાર પાડે છે. જો એમાં નામ ન હોય તો શક્ય છે કે કોઈ ભૂલને કારણે નામ બાકાત થઈ ગયું હોય. તો તમે ceo.gujarat.gov.in પર જઈને મતદાનને લગતી વિવિધ માહિતી મેળવી શકો છો. ઉપરાંત National Voters service portal પર મતદાર યાદી ચેક કરી શકાય છે. વેબસાઇટ ઉપરાંત 1950 હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને પણ માહિતી મેળવી શકાય છે. આ નંબર પ્રમાણે રાજયવાર માહિતી આપવામાં આવે છે. એટલે કે તમે જે રાજ્યના હશો એ રાજયની માહિતી આ નંબર પરથી મળી રહે છે.
મતદાર યાદીમાં નામ કેવી રીતે નોંધાવી શકાય?
જે વિસ્તારમાં મતદાર રહેતા હોય એ જ વિસ્તારમાં એ પોતાનું નામ નોંધાવી શકે છે. 1 જાન્યુઆરીએ 18 વર્ષની ઉંમર પૂર્ણ કરનાર દરેક ભારતીય નાગરિક પોતાનું નામ મતદારયાદીમાં નોંધાવી શકે. જેની માટે બૂથ કક્ષાના ઓફીસર કે બીઓ (બૂથ ઓફિસર) પાસેથી વ્યક્તિએ ફોર્-6 લઈને ભરવું પડે છે. આ ફોર્મ https://voters.eci.gov.in/login પર જઈને ઓનલાઈન પણ ભરી શકાય છે. એનઆરઆઈએ ભારતીય મતદારયાદીમાં નામ નોંધાવવા માટે ફોર્મ 6એ ભરવાનું હોય છે. ફોર્મમાં આધાર નંબર પણ આપવો પડે છે. જો કે જેની પાસે આધાકકાર્ડ ન હોય એ લોકો પણ ફોર્મ ભરી શકે છે.
ફોર્મની સાથે મતદારયાદીમાં પોતાનું નામ નોંધાવવા માટે જન્મનું પ્રમાણપત્ર, આધારકાર્ડ, પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઇસન્સ, શિક્ષણ બોર્ડ દ્ધાપા આપવામાં આપેવુ ધોરણ 10 અને 12નાં પ્રમાણપત્ર, અથવા પાસપોર્ટમાંથી કોઈ પણ એક પુરાવો આપવો અનિવાર્ય છે. સમયાંતરે મતદાન મથકો પર કેમ્પનું પણ આયોજન કરવામાં આવે છે. તો ત્યાં જઈને પણ મતદારયાદીમાં નામ નોંધાવી શકાય છે. આ ઉપરાંત કોઈ પણ મૂંઝવણ હોય 1950 હેલ્પ લાઈન નંબર પર કોલ કરીને માહિતી મેળવી શકાય છે.
ગુજરાતમાં કેટલા મતદારો છે?
ચૂંટણી પંચે જાહેર કરેલી યાદી પ્રમાણે ગુજરાતમાં કુલ 4.98 કરોડ મતદારો છે. જેમાં 2.40 કરોડ મહિલા મતદાર અને 2.55 કરોડ પુરૂષ મતદારો છે. જેમાં 47 ટકા મતદારો 40 વર્ષથી નાની ઉંમરના છે. જ્યારે 80 વર્ષથી વધુ ઉંમર હોય એવા 10 લાખ મતદારો છે. પહેલીવાર મતદાન કરશે એવા સુરત સહિતના યુવાઓની સંખ્યા 12.20 લાખ છે.
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે. સ્ટાર પ્રચારકો પ્રચાર માટે મેદાનમાં ઉતરી ગયાં છે. ત્યારે રાજ્યમાં રાજકારણનું એપી સેન્ટર બનેલી રાજકોટ બેઠક પર બંને ઉમેદવારોને ચૂંટણી પંચ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ચૂંટણી પંચે રૂપાલા અને ધાનાણી પાસેથી ખર્ચની વિગતો માંગી હતી.બંને જણાએ ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી.
રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માગી
રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિયોનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે અગાઉ જસદણમાં રૂપાલાએ ક્ષત્રિય સમાજની ફરી માફી માગી હતી અને કહ્યું હતું કે મારા લીધે મોદી સાહેબ સામે ક્ષત્રીય ઉભો થાય તે યોગ્ય નહીં. મારી ભૂલ હતી, મેં માફી માંગી છે. ચૂંટણીમાં હાર-જીતની આ વાત નથી. સમાજ જીવનના તાણાવાણાને સ્પર્શતો આ વિષય છે. સમજણનો નવો સેતુ બાંધવાનો આ પ્રયાસ છે. ક્ષત્રિય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે એવી વિનંતી.
ધાનાણીએ કરી બેફામ નિવેદનબાજી
સોમવારે રાજકોટમાં કોંગ્રેસનાં ઉમેદવાર પરેશ ધાનાણીએ મરછા નગર વિસ્તારમાં આયોજીત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદન બાજી કરી હતી. પરેશ ધાનાણીએ કહ્યું હતું કે, પટેલ અને બાપુ બંને હરખપડુદા છે. 1995થી ભ્રષ્ટ્રાચાર નાબુદ કરવા આપણે ભાજપનું બી વાવ્યું. અમે પટેલીયા અને બાપુઓ હરખપદુડા થઈ દરરોજ ભાજપને 10 ડોલ પાણી પાયું. વર્ષ 2015માં અમને ખ્યાલ આવ્યો હતો કે પીઠ તૂટી ગઈ છે. બધા સમાજનો વારો આવી ગયો બાપુ બચ્યા હતા હવે એ ઝપટે ચડ્યા છે.
અમદાવાદ: વિશ્વવિખ્યાત મહાન સાહિત્યકાર વિલિયમ શેક્સપિયરના સ્મરણ સ્વરૂપે દર વર્ષે 23મી એપ્રિલના દિવસને “વિશ્વ પુસ્તક દિવસ” તરીકે ઉજવવાનું યુનેસ્કો દ્વારા જાહેર કર્યું છે. ગણપત યુનિવર્સિટીના આંગણે પણ વિશ્વ પુસ્તક દિન નિમિત્તે એક શાનદાર ઉજવણી કરવામાં આવી. જેમાં કેટલાક ઉત્કૃષ્ટ પુસ્તકોનો પરિચય વિદ્યાર્થીઓને તેમજ પ્રાધ્યાપકોને કરાવવામાં આવ્યો.ગણપત યુનિવર્સિટીની ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીની લાઈબ્રેરી દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવેલા આ ‘બુક રિવ્યૂ’ પ્રોગ્રામનું ઉદ્ઘાટન ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીના એક્ઝિક્યુટિવ ડીન પ્રો. ડો. પ્રફુલ ભારડિયા, પ્રિન્સિપાલ પ્રો. ડો. સંજીવ આચાર્ય અને ડીન પ્રો.ડો. પીયુ પટેલે કર્યું હતું. વિદ્યાર્થીઓ અને પ્રાધ્યાપકોમાં વાંચનની રુચિ વધે અને એક રોજીંદી આદત બને અને જ્ઞાન સમૃદ્ધિનું સતત સંવર્ધન થતું રહે એવા ઉદાત હેતુ સાથે આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 87 જેટલાં વિદ્યાર્થીઓએ અને અનેક પ્રાધ્યાપકોએ લાભ લીધો હતો.ફાર્મસી અને સાયન્સ ફેકલ્ટીના વિદ્વાન પ્રાધ્યાપકો પ્રો. હેલી અમીન, પ્રો. સીમલ પટેલ, પ્રો. આયુષી પુરોહિત, પ્રો. ભૂમિ પટેલ અને પ્રો. પ્રકાશ બિશ્નોઈ દ્વારા વિવિધ વિષયના ચુનંદા પુસ્તકોનાં અવલોકનો અને પરિચયો આપવામાં આવ્યાં હતાં. આ અનોખા શૈક્ષણિક કાર્યક્રમને સફળ બનાવવા માટે ગણપત યુનિવર્સિટીની ફાર્મસી તેમજ સાયન્સ ફેકલ્ટીની લાઈબ્રેરીઓના વિદ્વાન ગ્રંથપાલ ડો. પ્રવીણ પટેલ, કિન્નરી પટેલ, ચેતન પટેલ તેમજ પ્રકાશ પ્રજાપતિએ ભારે જહેમત ઉઠાવી હતી.
ભારતે T20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ જાહેર કરી છે. ટીમ ઈન્ડિયા રોહિત શર્માની કેપ્ટન્સીમાં રમશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડની પસંદગી સમિતિએ મંગળવારે જ બેઠક યોજી હતી. રોહિત શર્માની સાથે યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં સ્થાન મળ્યું છે.
🚨India’s squad for ICC Men’s T20 World Cup 2024 announced 🚨
ટીમ ઈન્ડિયાએ વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત અને સંજુ સેમસનને ટીમમાં જગ્યા આપી છે. સેમસન અને પંત IPL 2024માં શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ઋષભ લાંબા સમય બાદ ટીમ ઈન્ડિયામાં પરત ફર્યો છે. કાર અકસ્માત બાદ તે મેદાનથી દૂર હતો. પરંતુ તેણે IPL દ્વારા મેદાનમાં વાપસી કરીને પોતાનું ફોર્મ સાબિત કર્યું. તેનો ફાયદો તેને મળ્યો. સેમસનની વાત કરીએ તો તેણે IPL 2024માં 9 મેચ રમી છે અને 385 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 4 અડધી સદી ફટકારી છે.
બીસીસીઆઈએ પણ શિવમ દુબે અને અક્ષર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શિવમ આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમી રહ્યો છે. તે વિસ્ફોટક બેટિંગમાં નિષ્ણાત છે. આ સાથે તે ફિનિશરની ભૂમિકા પણ નિભાવે છે. શિવમ દુબેએ આ સિઝનમાં 9 મેચમાં 350 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 અડધી સદી ફટકારી છે. અક્ષરની વાત કરીએ તો તેણે બોલિંગની સાથે બેટિંગમાં પણ શ્રેષ્ઠતા દર્શાવી છે.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપ્રચાર જારી છે. ચૂંટણીપ્રચાર દરમ્યાન કેટલાય નેતાઓ વિવાદિત નિવેદનો આપી રહ્યા છે, જેમાં હવે ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સલમાન ખુરશીદનાં ભત્રીજી મારિયા આલમનું નામ પણ સામેલ છે. મારિયા આલમ સમાજવાદી પાર્ટીના ઉમેદવારના સમર્થનમાં એક જનસભાને સંબોધિત કરી રહી હતી અને એ દરમ્યાન ‘મત જિહાદ’ કરવાની વાત તેણે કરી હતી.
સોશિયલ મિડિયા પર વાઇરલ વિડિયો ક્લિપમાં મારિયા આલમ કહે છે, બહુ સમજદારીની સાથે, બહુ લાગણીશીલ ના થઈને, ખામોશીની સાથે, એકસાથે ભેગા થઈને મતોનું ‘જિહાદ’ કરો. આપણે માત્ર મતોનું જિહાદ જ કરી શકીએ છીએ અને આ સરકારને ભગાડવાનું કામ કરી શકીએ છીએ. મને બહુ શરમ આવે છે, જ્યારે મેં સાંભળ્યું કે કેટલાક મુસ્લિમોએ ભાજપ ઉમેદવાર મુકેશ રાજપૂતની સાથે મિટિંગ કરી.
ફરુખાબાદ લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર મુકેશ રાજપૂતની સાથે મિટિંગ કરવાવાળા મુસ્લિમોને સલાહ આપતાં તેણે કહ્યું હતું કે આટલા મતલબી ના બનો કે બાળકોની જિંદગીઓ સાથે રમો, અમારાં બાળકોના જીવોથી રમો. આજે કેટલા લોકો CAA-NRCના કેસોમાં જેલોમાં બંધ છે. મને ખુશી છે કે એ બાળકોના કેટલા કેસ સલમાન ખુરશીદ સાહેબ મફતમાં લડી રહ્યા છે, જે બહુ મોટી વાત છે.
જો તમે સાથ નહીં આપો અને ઘેર બેઠા રહેશો તો અમે કંઈ નહીં કરી શકીએ. અમે 100 વાર લડીશું અને 100 વાર હારીશું, એટલા માટે તમારે અમને સાથ આપવો જ પડશે, એમ તેમણે કહ્યું હતું.
દિલ્હી પોલીસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના તર્કસંગત વિડિયો સાથે સંબંધિત કેસમાં તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડી સહિત સાત રાજ્યોના 16 નેતાઓને સમન્સ પાઠવ્યા છે. કેસની તપાસના ભાગરૂપે પોલીસ રાજસ્થાન, ઝારખંડ, નાગાલેન્ડ, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને મધ્યપ્રદેશમાં ગઈ છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી (SP)ના એક લોકસભા ઉમેદવાર અને રાજસ્થાન અને નાગાલેન્ડમાં કોંગ્રેસના બે નેતાઓને પણ મોબાઈલ ફોન સાથે પોલીસ સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. માર્ગ દ્વારા, અગાઉ સોમવારે, રેવન્ત રેડ્ડીની સાથે તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (TPCC) સભ્યો શિવ કુમાર અંબાલા, અસ્મા તસ્લીમ, સતીશ માન્ને અને નવીન પટ્ટેમને 1 મેના રોજ પોલીસ સમક્ષ હાજર થવા માટે સમન્સ પાઠવવામાં આવ્યું હતું.
દિલ્હી પોલીસે FIR નોંધી
ભાજપ અને ગૃહ મંત્રાલય (MHA) તરફથી ફરિયાદ મળ્યા બાદ દિલ્હી પોલીસે રવિવારે કેસ નોંધ્યો હતો. આ પછી દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલ સાયબર વિંગના IFSO યુનિટે પણ FIR નોંધી છે. IANS પાસે ઉપલબ્ધ એફઆઈઆરની નકલ અનુસાર, ગૃહ મંત્રાલયે ફરિયાદમાં કહ્યું છે કે એવું જાણવા મળ્યું છે કે ફેસબુક અને ટ્વિટર પર કેટલાક મોર્ફ કરેલા વીડિયો સર્ક્યુલેટ કરવામાં આવી રહ્યા છે.
ગૃહ મંત્રાલયે શું કહ્યું?
એવું કહેવામાં આવ્યું હતું કે, એવું લાગે છે કે વીડિયો સાથે છેડછાડ કરવામાં આવી છે. આમાં, સમુદાયો વચ્ચે વિસંગતતા પેદા કરવાના હેતુથી ભ્રામક માહિતી ફેલાવવામાં આવી રહી છે. આનાથી શાંતિ અને વ્યવસ્થાને અસર થવાની સંભાવના છે.” મંત્રાલયે વધુમાં વિનંતી કરી છે કે તમે કાયદાની જોગવાઈઓ અનુસાર જરૂરી પગલાં લો. રિપોર્ટ ફરિયાદ સાથે જોડાયેલ છે, જેમાં લિંક્સ અને હેન્ડલ્સની વિગતો આપવામાં આવી છે જેના દ્વારા ગૃહ પ્રધાન કરી શકે છે. ચેડાં કરેલા વીડિયો શેર કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટ: ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે. ગુજરાતમાં આવતીકાલ તારીખ 1 અને 2 મેના રોજ PM નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના કાર્યક્રમો ગોઠવાયા છે. તેના પર સહુ કોઈની નજર છે. PM મોદી સૌરાષ્ટ્રમાં 2જી મેના રોજ આવી રહ્યા છે. તેના બીજા દિવસે 3જી મેના કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે રાજકોટ આવી રહ્યા હોવાનું કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ જણાવ્યું હતું.
PM મોદી સૌરાષ્ટ્રમાં વઢવાણ , જૂનાગઢ અને જામનગરમાં સભાને સંબોધન કરશે. સૌરાષ્ટ્રમાં ક્ષત્રિય આંદોલન વચ્ચે નરેન્દ્ર મોદીની સભામાટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવી રહ્યો છે. તો કોંગ્રેસના આગેવાનો એ જણાવ્યું હતું કે , કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ ખડગે રાજકોટ ચુંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. તેઓનો પ્રવાસ કાર્યક્રમ હજુ ગોઠવાઈ રહ્યો છે રાજકોટના ઢેબર ચોકમાં સભા કરે તેવી શક્યતા છે. રાજકોટમાં તેઓ વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ધાનાણી માટે પ્રચાર કરશે. આ ઉપરાંત 5મી મેના રોજ પ્રચારના અંતિમ દિવસે પ્રિયંકા ગાંધી પણ સૌરાષ્ટ્રમાં આવી રહ્યા હોવાનું સૂત્રો કહી રહ્યા છે. હાલ સુધી તેમણો કોઈ કાર્યક્રમ નક્કી થયો નથી. આમ ચૂંટણી પ્રચારના અંતિમ તબક્કામાં બંને મુખ્ય પક્ષો જોર લગાવી રહ્યા છે.
મુંબઈ: વિલે પાર્લેમાં દેશ અને વિદેશમાં તપ ધર્મ-સંયમ સાથે તપ કરનારાં પરમ સૌમ્યાજી મહાસતીજીનાં પારણાંનો અવસર મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ હજારો ભાવિકોની હાજરીમાં ઉજવાયો હતો. રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે વિલેપાર્લે સ્થિત માલીનીબેન કિશોરભાઈ સંઘવી શાંતિપ્રભા હોલ,ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે શ્રી વિલેપાર્લે વર્ધમાન સ્થાનક જૈન શ્રાવક સંઘના ઉપક્રમે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે 70થી વધુ સંત-સતીજીઓ, રાજકીય મહાનુભાવો, ભારતના અનેક ક્ષેત્રોના અનેક સંઘો, તેમજ હજારો ભાવિકોની પ્રત્યક્ષ ઉપસ્થિતિ તેમજ વિદેશના 170થી વધુ ક્ષેત્રોના લાઈવના માધ્યમે લાખો ભાવિકો ભેગા થયા હતાં.
સી.વી. શાહ પરિવારના આંગણેથી પ્રારંભ થયેલી તપ અનુમોદના યાત્રા અને મહાભિનિષ્ક્રમણ યાત્રા મહાતપસ્વી આત્માનો અને મુમુક્ષુ આત્માનો જયકાર ગજાવતી ઋતંભરા વિશ્વવિદ્યાલય ખાતે પધારી હતી, જ્યાં મહાતપોત્સવ અને દીક્ષા મહોત્સવ યોજાયો હતો.આ અવસરે શ્રી લોકેશમુનિ મહારાજ,શિવાનંદ આશ્રમ અમદાવાદના અધ્યક્ષ, હિન્દુ ધર્મ આચાર્ય સભાના જનરલ સેક્રેટરી સ્વામી પરમાત્માનંદ સરસ્વતીજી અને બૌદ્ધ પંથ ભંતે દિપાંકર સુમેધોજી વિશેષ ઉપસ્થિત રહ્યાં હતાં.
ઉપસ્થિત જન સમુદાયને સંબોધન કરતાં પરમ ગુરુદેવે જણાવ્યું હતું કે, હે પ્રભુ! મને તમે મળ્યાં, તમારી સમજ મળી, તમારું જ્ઞાન મળ્યું છતાં તમને પામ્યાં વિના આ ભવ વ્યર્થમાં વિતાવી દીધો. આ દીક્ષાર્થી સંયમ લઈને તરી ગયાં અને અમે રહી ગયાં! એવો અફસોસ કરવાનો આ અવસર તે દીક્ષા મહોત્સવ છે. આ અવસરે મુમુક્ષુ શ્રી યશ્વીદીદી નંદુએ સંસાર જીવનનું અંતિમ વક્તવ્ય આપીને સહુને મળેલાં આ મનુષ્ય ભવની અમૂલ્ય ક્ષણને ધર્મ સાધનાથી સાર્થક કરી લેવાની પ્રેરણા આપી હતી.
ડુંગર દરબારના શામિયાણામાં હજારો ભાવિકોની ઉપસ્થિતિમાં અખંડ 1008 આયંબિલ તપની ઉગ્ર આરાધના કરનારાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ શ્રી નમ્રમુનિ મહારાજસાહેબનાં સુશિષ્યા મહાતપસ્વી પૂજ્ય શ્રી પરમ સૌમ્યાજી મહાસતીજીને વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો.જૈન સમાજના ઇતિહાસમાં રેકોર્ડ બ્રેક એવી 1008 આયંબિલ તપ આરાધિકા પૂજ્ય મહાતપસ્વી મહાસતીજીને સાધ્વીજીઓ દ્વારા ડોલીમાં બિરાજમાન કરીને લાવવામાં આવ્યા બાદ વર્લ્ડ રેકોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. ઉપસ્થિત સહુના હૃદયમાંથી ઉદભવતી અહોભાવના વચ્ચે લાખો ભાવિકો દ્વારા અર્પણ કરવામાં આવેલી સાકરના જળના મહાપાત્રમાંથી સંઘપતિ અર્હન મનન પરાગભાઈ શાહ,લકી ડ્રો વિજેતારી દામાણી પરિવાર અને કરિયાવર હસ્તે મહાતપસ્વી મહાસતીજીને સાકર જળ વ્હોરાવવામાં આવતા હર્ષ હર્ષ છવાયો હતો.
ગોંડલ સંપ્રદાયના પ્રવીણભાઈ કોઠારી, હરેશભાઈ વોરા, ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર, જીગ્નેશભાઈ વોરા અને માનસી બેન પરાગભાઈ શાહના હસ્તે મહાતપસ્વીને શાલ અર્પણ કરી તપ સન્માન કરવામાં આવ્યું હતું.મહાતપોત્સવ- દીક્ષા મહોત્સવનો સમગ્ર લાભ સંઘપતિ મનનભાઈ પરાગભાઇ શાહ પરિવારે લીધો હતો. આ અવસરના સ્વામી વાત્સલ્ય ભોજનનો લાભ માલિનીબેન કિશોરભાઈ સંઘવી પરિવાર તરફથી લેવામાં આવ્યો હતો.
આમ, પારણાંના આ અવસરે અખંડ 1008આયંબિલ તપ આરાધિકા મહાતપસ્વીના પારણાએ જૈન દર્શનના ઇતિહાસમાં સુવર્ણ પૃષ્ઠ નોંધાવતા એમને “વર્લ્ડ રેકોર્ડ” એનાયત કરાયો. આયંબિલમાં પ્રાયઃ એકાસણાની (સૂર્યોદયથી સૂર્યાસ્ત વચ્ચે એક સમય ખાવું) આરાધના કરવામાં આવે છે. તે સિવાય એકાસણામાં બનતા ભોજનમાં વિગય એટલે કે શરીરમાં વિકાર ઉત્પન્ન કરે તેવા અન્નનો ત્યાગ કરવામાં આવે છે અને સાદો બાફેલો તથા શેકેલો આહાર લેવામાં આવે છે. આ અન્નની બનાવટમાં સમુદ્રી મીઠું વપરાતું નથી. આ સાથે જ મુમુક્ષુ યશ્વીદીદીનું નૂતનદીક્ષિત પરમ નેમપ્રિયાજી મહાસતીજી નામકરણ જાહેર કરવામાં આવ્યું હતું. તેમજ મેડિકલ સહાય અર્થે વિલે પાર્લે સંઘને બે કરોડ અર્પણ કરવામાં આવ્યા.