Home Blog Page 1886

માતૃભાષાની શાળાના વિદ્યાર્થીઓને પ્રોગામિંગનું જ્ઞાન પીરસવા અનોખી કાર્યશાળાનું આયોજન

મુંબઈ ગુજરાતી સંગઠન ગુજરાતી શાળા અને સમુદાયને કેન્દ્રમાં રાખી વિવિધ કાર્યક્રમના આયોજન કરે છે. આજના સમયમાં માતૃભાષાની શાળામાં ભણતા વિદ્યાર્થીઓને પણ આધુનિક તકનીક શીખવા મળે અને એમનામાં રહેલી પ્રતિભા ખીલે તથા તેઓ પણ નાનપણથી જ પોતાના વિવિધ કૌશલ્યના વિકાસમાં સહભાગી બને એ માટે પાયથન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યશાળામાં પહેલાં શિક્ષકોને પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું.ખાસ ગુજરાતી ભાષામાં આ પુસ્તકનું અનુવાદ કરવામાં આવ્યું છે.શિક્ષકોને આ પુસ્તક સંગઠન તરફથી ભેટમાં આપવામાં આવ્યું.

20 અને 27 એપ્રિલના ઝેવિયર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગમાં ગુજરાતી શાળાના શિક્ષકો માટે મુંબઈ ગુજરાતી સંગઠન અને ઝેવિયર્સ ઇન્સ્ટિટયૂટ ઓફ એન્જિનિયરિંગના સંયુક્ત પ્રયાસથી પાયથન કાર્યશાળા યોજાઈ હતી. NEP 2020 માં સરકાર દ્વારા સ્કૂલના બાળકોને પણ પ્રોગ્રામિંગ શીખવવાની હિમાયત કરવામાં આવી છે. પ્રોગ્રામિંગ જેવો મુશ્કેલ વિષય પણ સ્કૂલના બાળકોને શીખવી શકાય તે માટે ઝેવિયર્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એન્જિનિયરિંગના અમુક પ્રોફેસર દ્વારા “ધ જોય ઓફ પાયથન” નામની એક પુસ્તક લખવામાં આવી છે જેનો ઉદ્દેશ્ય બાળકોને સરળ અને રસપ્રદ રીતે પાયથન પ્રોગ્રામિંગ શીખવવાનો છે.

આ પુસ્તક સ્કૂલના બાળકો સુધી કેવી રીતે લઈ જવી અને તે પુસ્તક લખવા પાછળનું વિઝન શિક્ષકો સુધી પહોચાડવા માટે શિક્ષકો માટે આ કાર્યશાળા નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં મુંબઈની વિવિધ ગુજરાતી માધ્યમની શાળાઓના 18 જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. પ્રોફેસર મિશિલ પટેલે શિક્ષકોને પાયથન ભાષા શીખવી હતી. મુંબઈ ગુજરાતી સંગઠન તરફથી ભાવેશ મહેતા અને મયુર ભાઈ પણ આ કાર્યશાળામાં સામેલ થયા હતાં.શિક્ષકોને ચિત્રકલા દ્વારા પાયથન ભાષાના વિવિધ કમાંડ અને ફીચર્સ શીખવાડવામાં આવ્યા હતા.આમ, શિક્ષકોએ બાળકો સુધી આ જ્ઞાન પહોંચાડવાની કટિબદ્ધતા દાખવી હતી.

કોંગ્રેસે શેર કર્યો અમિત શાહનો ફેક વિડિયો

નવી દિલ્હીઃ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે માહિતી આપી હતી કે એણે ગૃહપ્રધાન અમિત શાહના એક છેડછાડ કરવામાં આવેલા વિડિયોને શેર કરવા માટે જવાબદાર વ્યક્તિઓની વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વાસ્તવમાં એક ફેક વિડિયો અમિત શાહનો વાઇરલ થયો હતો, જેમાં તેઓ અનામતને ખતમ કરવાની વાત કરતા નજરે ચઢી રહ્યા છે. આ વિડિયો તેલંગાણા કોંગ્રેસે પણ શેર કર્યો છે. ભાજપ અને ગૃ મંત્રાલય- બંને એ વિડિયોને ફેક ગણાવ્યો હતો. બંનેની ફરિયાદને આધારે હવે દિલ્હી પોલીસે આ મામલે FIR નોંઘી છે.

FIR સોશિયલ મિડિયા પ્લેટફોર્મ X અને ફેસબુકના કેટલાક હેન્ડલની વિરુદ્ધ કરવામાં આવી છે, જેમણે શાહના નિવેદનોને એડિટ કરીને ખોટા દાવા કર્યો હતો કે ગૃહ મંત્રીએ દેશમાં અનામત ખતમ કરવાનું સૂચન કર્યું હતું. BJP IT સેલના પ્રમુખ અમિત માલવીયે ફરિયાદમાં કહ્યું હતું કે તેલંગાણા કોંગ્રેસ વિંગ અમિત શાહનો એક એડિટેડ વિડિયો વાઇરલ કરી કરી હતી, જે સંપૂર્ણપણે નકલી છે અને એનાથી મોટા પાયે હિંસા થવાની આશંકા છે.

અમિત માલવિયાએ પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ગૃહમંત્રી અમિત શાહે એસસી/એસટી અને ઓબીસીનો હિસ્સો ઘટાડવા અંગે કંઈ કહ્યું નથી. કોંગ્રેસના ઘણા પ્રવક્તાઓ દ્વારા આવા નકલી વિડિયો પોસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે કાયદાકીય કાર્યવાહી માટે તૈયાર રહેવું જોઈએ.

સ્પેશિયલ બ્રાન્ચનાં સૂત્રોએ જણાવ્યું હતું કે કેસ નોંધાયા બાદ દેશભરમાં ધરપકડ થવાની શક્યતા છે. ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટરના અધિકારી સિંકુ શરણ સિંહે ફરિયાદમાં કહ્યું છે કે સોશિયલ મીડિયા પર કેટલાક નકલી વિડિયો ફેલાવવામાં આવી રહ્યા છે અને આ વિડિયોથી શાંતિ અને કાયદો અને વ્યવસ્થાને અસર થવાની આશંકા છે. જ્યારે દિલ્હી પોલીસે વિડિયોની તપાસ કરી તો જાણવા મળ્યું હતું કે આ વિડિયો ફેસબુક, X સહિત ઘણા સોશિયલ પ્લેટફોર્મ પર છે.

 

 

 

 

 

 

 

 

દિલજીત દોસાંજે કેનેડાના વાનકુવર સ્ટેડિયમમાં રચ્યો ઈતિહાસ, જુઓ વીડિયો

મુંબઈ: ફિલ્મ ‘ચમકિલા’માં પોતાના દમદાર અભિનયથી સૌના દિલ જીતનાર દિલજીત દોસાંજે હવે વાનકુવરના લોકોનું પણ દિલ જીતી લીધું છે. આજે દિલજીત પોતાના કામના કારણે આખી દુનિયામાં લોકપ્રિયતા મેળવી રહ્યા છે. પંજાબી સિંગર દિલજીતે ફરી એકવાર નવો ઈતિહાસ રચ્યો છે.અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝે કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં લાઈવ પરફોર્મન્સ આપનાર પ્રથમ પંજાબી ગાયક બનીને ઈતિહાસ રચ્યો છે. તેઓ પંજાબી સંગીતને પ્રોત્સાહન આપવા માટે જાણીતા છે. કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં 55 હજારથી વધુ લોકો વચ્ચે પરફોર્મ કરીને સિંગરે નવી સિદ્ધિ હાંસલ કરી છે. દિલજીતે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર તેના પરફોર્મન્સની ઝલક પણ શેર કરી છે. તેણે પોતાની સિદ્ધિ બદલ ભગવાનનો આભાર માન્યો હતો અને પોતાની દિલની લાગણી પણ વ્યક્ત કરી હતી.

વિદેશમાં પોતાના દરેક કોન્સર્ટ સાથે દિલજીત દોસાંજે કંઈક અનોખું કર્યું છે. આ વખતે તેણે કેનેડાના વાનકુવરમાં બીસી પ્લેસ સ્ટેડિયમમાં પરફોર્મ કર્યું હતું. આ સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર દિલજીત દોસાંઝ પહેલા પંજાબી કલાકાર બન્યા છે. દિલજીત દોસાંઝ હાલમાં તેની દિલ-લુમિનાટી ટૂર પર છે, જેમાં તેણે ઉત્તર અમેરિકામાં પરફોર્મ કર્યું હતું. દર્શકોની ભારે ભીડ અહીં પહોંચી ગઈ હતી અને દિલજીતના કોન્સર્ટની તમામ ટિકિટો વેચાઈ ગઈ હતી. દિલજીત દોસાંજના પરફોર્મન્સને જોવા માટે 55 હજારથી વધુ લોકો પહોંચ્યા હતા. આ રીતે દિલજીત દોસાંઝે ભારતની બહાર આખો પંજાબી શો વેચીને ઈતિહાસ રચ્યો.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

દિલજીત દોસાંજે વ્યક્ત કરી ખુશી

દિલજીત દોસાંઝે કેનેડાના બીસી પ્લેસ સ્ટેડિયમમાં 54000 થી વધુ લોકોની સામે લાઈવ પરફોર્મ કરીને નવો ઈતિહાસ રચ્યો છે. દિલજીત વાનકુવરના બીસી પ્લેસ સ્ટેડિયમમાં પરફોર્મ કરનાર પ્રથમ પંજાબી ગાયક બની ગયા છે. દિલજીતે પોતાના ગીત દ્વારા લોકોનો આભાર માન્યો હતો. તેણે લખ્યું, “ના રૂપ, ના રખ, ના રંગ કંઈક.” આ સાથે દિલજીતે કહ્યું, “આ તે છે જેને ગુરુ નાનકે ખુશ રહેવા માટે આશીર્વાદ આપ્યા છે.” તેમના આશીર્વાદથી આજે આ તમામ લોકો આ સ્ટેડિયમમાં પહોંચ્યા છે. જો તેની ઈચ્છા ન હોત તો કોઈ આ શો સુધી પહોંચી શક્યું ન હોત.

 

View this post on Instagram

 

A post shared by DILJIT DOSANJH (@diljitdosanjh)

ચાહકોની ભાવનાત્મક પોસ્ટ

બ્લેક પંજાબી ડ્રેસમાં સજ્જ દિલજીતે તેના આલ્બમ ‘ગોટ’ના હિટ ગીતો રજૂ કર્યા ત્યારે લોકો ઉત્સાહથી તેને માણવા લાગ્યા હતાં. તેમના જબરદસ્ત પ્રદર્શનને લઈને તેને સોશિયલ મીડિયા પર ટિપ્પણીઓના રૂપમાં સતત સન્માન, પ્રેમ અને પ્રશંસા મળી રહી છે. અભિનેત્રી નેહા ધૂપિયાએ કહ્યું,”અમે દિલજીત દોસાંજની દુનિયામાં જીવી રહ્યા છીએ.” રિયા કપૂરે કહ્યું,” ભગવાનનું બાળક છોદિલજીત, બહુ જ પ્રેમ”. આ સાથે જ ઘણા સેલિબ્રિટીઝ અને દિલજીતના ચાહકો સતત ટિપ્પણીઓ દ્વારા તેને શુભકામનાઓ આપી રહ્યા છે. એક પ્રશંસકે દિલજીત માટે લખ્યું, “ભગવાન માનવ સ્વરૂપમાં આવ્યા છે.”

અભિનેતા અને ગાયક દિલજીત દોસાંઝ સતત ચર્ચામાં રહે છે. હાલમાં જ તેની ફિલ્મ ‘અમર સિંહ ચમકીલા’ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં દિલજીતે પંજાબી ગાયક અમર સિંહ ચમકીલાનો રોલ કર્યો હતો. આ ફિલ્મમાં તેની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. પરિણીતી ચોપરા ફિલ્મ ‘ચમકિલા’માં દિલજીત સાથે જોવા મળી હતી. આ ફિલ્મમાં પરીએ ચમકીલાની પત્ની અમરજોત સિંહની ભૂમિકા ભજવી હતી. પ્રખ્યાત ગાયક અમરસિંહ ચમકીલાની દુ:ખદ હત્યા કરવામાં આવી હતી. આ ફિલ્મ તેમના જીવન પર બનેલી બાયોપિક છે.

5 હજાર ખેડૂતોના યોગદાનથી બનેલી ફિલ્મ “મંથન”નું કાન્સ ફેસ્ટિવલમાં પ્રીમિયર

મુંબઈ: પ્રખ્યાત ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલની 1976ની ક્લાસિક ફિલ્મ ‘મંથન’ પ્રતિષ્ઠિત કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સામેલ થઈ રહી છે. શ્યામ બેનેગલની વર્ષ 1976ની એવોર્ડ વિજેતા ફિચર ફિલ્મ “મંથન” કે જે ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના પાંચ લાખ ખેડૂતો દ્વારા બનાવવામાં આવી છે, તે ફિલ્મને 77માં કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ 2024માં સ્ક્રીનિંગ માટે પસંદ કરવામાં આવી છે.

અમૂલ બ્રાન્ડના નામ હેઠળ દૂધ અને દૂધની બનાવટોનું વેચાણ કરતી GCMMF હાલ તેમની સુવર્ણ જયંતી ઉજવી રહ્યું છે. આ માઈલસ્ટોનને યાદ કરવા માટે ફેડરેશને ફિલ્મ હેરિટેજ ફાઉન્ડેશન કે જે બિન- લાભકારી સંસ્થા છે તેની સાથે હાથ મિલાવ્યો છે, જે મંથન ફિલ્મને 4Kમાં રિસ્ટોર કરશે. મંથનનું 4K રિસ્ટોરેશન મે મહિનામાં યોજાનાર કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં સત્તાવાર રેડ કાર્પેટ વર્લ્ડ પ્રીમિયર માટે પસંદ કરવામાં આવ્યું છે. મંથન એકમાત્ર ભારતીય ફિલ્મ છે જેને આ વર્ષે ફેસ્ટિવલના કાન્સ ક્લાસિક વિભાગ હેઠળ પસંદ કરવામાં આવી છે.

આ મામલે GCMMFના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ જણાવ્યું કે,“મંથન ભારતીય શ્વેત ક્રાંતિના પ્રણેતા ડો.વર્ગીસ કુરિયનની અગ્રણી દૂધ સહકારી ચળવળથી પ્રેરિત છે.આ ફિલ્મે ડેરી સહકારી ચળવળ પર ખૂબ જ અસર કરી છે. તેણે દેશભરના લાખો ખેડૂતોને સ્થાનિક સહકારી ડેરી બનાવવા માટે પ્રેરિત કર્યા છે અને ભારતને દૂધ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવામાં મોટું યોગદાન આપ્યું છે. મંથને લોકોમાં વિશ્વાસ આપાવ્યો કે પશુપાલન અને દૂધ ઉત્પાદન આજીવિકાનું ટકાઉ અને સમૃદ્ધ માધ્યમ બની શકે છે. ભારત વર્ષ 1998માં વિશ્વનું સૌથી મોટું દૂધ ઉત્પાદક બન્યું છે, અને ત્યારથી તે સ્થાન જાળવી રાખ્યું છે.”

મંથન ફિલ્મ વિશે

ફિલ્મ વિશે વાત કરીએ તો, સ્મિતા પાટીલની ‘મંથન’ ભારતના કૃષિ પરિદ્રશ્યમાં આ ક્રાંતિકારી યુગની વાર્તા દર્શાવે છે. જેમાં સ્મિતા પાટીલ, નસીરૂદ્દીન શાહ, ગિરીશ કર્નાડ, અમરીશ પુરીએ ગરીબ ખેડૂતોના નાના સમૂહના સંઘર્ષ અને વિજયને દર્શાવ્યો છે.જેઓ આર્થિક સ્થિતિ સુધારવા માટે સહકારી ડેરી બનાવવા માટે ભેગા થાય છે.’મંથન’ને ભારતની પ્રથમ ક્રાઉડફંડેડ ફિલ્મોમાંની એક તરીકેનું ગૌરવ પ્રાપ્ત થયું હતું, જેમાં પાંચ લાખ ખેડૂતોએ તેના નિર્માણમાં મદદ કરવા માટે પ્રત્યેક રૂ. 2નું યોગદાન આપ્યું હતું. ફિલ્મને વિવેચકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો. તેણે 1977માં હિન્દીમાં શ્રેષ્ઠ ફીચર ફિલ્મ અને વિજય તેંડુલકર માટે શ્રેષ્ઠ પટકથા માટે બે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો પણ જીત્યા હતા. તેણે 1976ના એકેડેમી એવોર્ડ્સમાં પણ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આ ફિલ્મ સમુદાય દ્વારા ચલાવવામાં આવેલ પહેલની પરિવર્તનશીલ સંભાવના દર્શાવે છે. અને ભારતીય સિનેમામાં સામાજિક રીતે સંબંધિત વાર્તામાં એક મહત્વપૂર્ણ વિભાગને દર્શાવે છે.

આજે દૂધ ભારતનો સૌથી મોટો કૃષિ પાક છે. કરોડો મહિલા સહિત 10 કરોડથી વધુ ખેડૂતોની આજીવિકા દૂધ પર નિર્ભર છે. રૂપિયા 10 લાખ ના બજેટમાં બનેલી ફિલ્મે વાર્ષિક રૂ 10 લાખ કરોડના દૂધ ઉત્પાદનમાં મહત્વની ભૂમિકા ભજવી છે.

લોકસભા ચૂંટણીઃ ઇન્દોરમાં પણ થઈ ‘સુરતવાળી’

ઇન્દોરઃ વાર્ષિક સ્વચ્છ સિટી તરીકે ઇન્દોર સાત વાત પહેલા ક્રમે આવ્યું છે, પણ ગયા વખતે ઇન્દોરની સાથે સુરત પણ સ્વચ્છ સિટી તરીકે સંયુક્ત રીતે પહેલા ક્રમે આવ્યું હતું, પરંતુ હવે સુરતે જે રીતે ભાજપને એક સીટની લોકસભા ચૂંટણી પહેલાં ભેટ તાસકમાં આપી હતી, એ રાહે હવે ઇન્દોર પણ જોડાયું છે.  

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાન પહેલાં મધ્ય પ્રદેશના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ઇન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ બમે પોતાની ઉમેદવારી પાછી ખેંચી છે. તેમણે 29 એપ્રિલે સવારે કલેક્ટર ઓફિસ જઈને નામાંકન પરત ખેંચ્યું છે. હવે ભાજપના લોકસભા ઉમેદવાર શંકર લાલવાનીની સામે કોંગ્રેસી ઉમેદવારે ચૂંટણી મેદાન છોડી દીધું છે.

બમ ભાજપ નેતા રમેશ મંડોલાની સાથે નામાંકન પરત લેવા પહોંચ્યા હતા. બમ પક્ષના નેતાઓની સતત અવહેલનાથી નારાજ હતા. જ્યારે તેમણે નામાંકન દાખલ કર્યું, ત્યારે એ સમયે તેમની સાથે કોઈ મોટા કોંગ્રેસી નેતા તેમની સાથે નહોતા. તેમણે ખુદ સ્વીકાર કર્યો હતો કે કોંગ્રેસે તેમને બલિનો બકરો બનાવ્યો છે.

અક્ષય કાંતિ બમ નામાંકન પરત લીધા પછી ભાજપમાં સામેલ થઈ ગયા છે. નામાંકન પરત લેતાં પહેલાં બમ કેબિનેટ નંત્રી કૈલાશ વિજયવર્ગીયની સાથે જોવા મળ્યા હતા. તેમની સાથેના ફોટા વિજયવર્ગીયએ સોશિયલ મિડિયા પર પણ પોસ્ટ પણ કર્યા હતા. તેમણે લખ્યું હતું કે ઇન્દોરથી કોંગ્રેસના લોકસભા ઉમેદવાર અક્ષય કાંતિ બમને વડા પ્રધાન મોદી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા, મુખ્ય મંત્રી ડો. મોહન યાદવ, પ્રદેશાધ્યક્ષ વીડી શર્માના નેતૃત્વમાં ભાજપમાં સ્વાગત છે. આ રાજકીય ઘટનાક્રમમાં કૈલાશ વિજયવર્ગીયની મોટી ભૂમિકા રહી હતી. ઇન્દોરના મેયર પુષ્ય મિત્ર ભાર્ગવે કહ્યું હતું કે એ કાર્યક્રમમાં બમથી મારી મુલાકાત થઈ હતી, ત્યારે મેં તેમને સવાલ પૂછ્યો હતો કે તમે દેશની સાથે અને રામની સાથે છો કે નહીં? તો તેમણે કહ્યું હતું કે હું રામ અને દેશની સાથે છું.

 

 

 

 

શું આપ પાર્ટીના ચૂંટણી કેમ્પેન પર ECએ પ્રતિબંધ મૂક્યો?

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીએ દાવો કર્યો હતો કે ચૂંટણી પંચે પાર્ટીના લોકસભા ચૂંટણીપ્રચારના કેમ્પેન સોન્ગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આપ પાર્ટીએ ચૂંટણી કેમ્પેન સોન્ગ ‘जेल के जवाब में हम वोट देंगे’ પર ચૂંટણી પંચ દ્વારા પ્રતિબંધ મૂકવાનો આરોપ મૂક્યો છે. હવે ચૂંટણી પંચ તરફથી આ આરોપોનો વિસ્તારથી જવાબ આપવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પાર્ટીના આ ચૂંટણી કેમ્પેનને કેબલ ટેલિવિઝન નેટવર્ક નિયમ 1994નું ઉલ્લંઘન જણાવ્યું હતું. ચૂંટણી પંચે આ ગીતને લઈ આઠ વાંધાવચકા રજૂ કર્યા હતા. પંચનું કહેવું છે કે અમારા તરફથી આ ગીત પર પ્રતિબંધ નથી મૂકવામાં આવ્યો. આ કેમ્પેનમાં અન્ય પક્ષો માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પાર્ટીએ ચૂંટણી કેમ્પેન માટે બે મિનિટનું ગીત બનાવ્યું છે અને એને ગઈ કાલે રિલીઝ કરવામાં આવ્યું હતું. આ ગીતને પાર્ટીના નેતા દિલીપ પાંડેએ લખ્યું હતું. પાર્ટીએ આરોપ લગવ્યો હતો કે પંચ તરફથી આ ગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પાર્ટીને કહેવામાં આવ્યું હતું કે તો પાર્ટીના પ્રચારમાં આ ગીતનો ઉપયોગ ના કરે.

ચૂંટણી પંચનું કહેવું છે કે આ ગીતમાં કેટલાક ફોટો અને વાક્યો વાંધાજનક છે. એમાં વગર તથ્યોએ સત્તાધારી પક્ષ પર આરોપ લગાવવામાં આવ્યો છે. એ સિવાય કોર્ટ અને પોલીસ પર પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આ ગીતમાં પોલીસની છબિને ખરાબ કરવા અને કાર્યપ્રણાલી પર સવાલ ઉઠાવવામાં આવ્યા છે, એમ પંચે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

 

સુરત: ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ, નિખિલ મદ્રાસી બન્યા ઉપપ્રમુખ

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2024-25 માટેના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનું મતદાન રવિવારે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે રાખવામાં આવ્યું હતું. બે ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં નિખિલ મદ્રાસીનો વિજય થયો હતો. જ્યારે ચેમ્બરના વર્ષ 2024-25ના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપપ્રમુખ પદ માટે કુલ 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 09 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ચૂંટણીના છેલ્લા બે દિવસ દરમિયાન નિખિલ મદ્રાસી અને મનિષ કાપડીયા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના અંતે કુલ 4623 મતો પડયા હતા. જેમાંથી 146 મત રદ કરવામાં આવ્યા, આથી કુલ 4477 મતોની ગણતરી કરવામાં આવી હતી. રવિવારે સાંજે ચૂંટણી સમિતિના ચેરમેન તથા સભ્યો, ઓફિસ બેરર્સ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખઓ, બંને ઉમેદવારો તથા તેમના સમર્થકોની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં નિખિલ મદ્રાસીને 2443 મતો અને મનિષ કાપડીયાને 2029 મતો મળ્યા હતા. નિખિલ મદ્રાસીએ મનિષ કાપડીયા કરતા 414 મતો વધારે મેળવીને વિજય હાંસલ કરી હતી.

ચૂંટણીમાં મતદાનના હર્ષ સંઘવી, નવા બિનહરીફ સાંસદ મુકેશ દલાલ તેમજ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાતા હતા. અને જે ઉપપ્રમુખ બને એ આવતા વર્ષે આપોઆપ પ્રમુખ બની જતા હોય છે એવી પરંપરા છે.

 

કોરાનાના 124 નવા કેસો, એક જણનું મોત  

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 124 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,953 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,586 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,657 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 73 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 788 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,956 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

World Dance Day: શા માટે ઉજવાય છે આ દિવસ? તેનો ઉદ્દેશ શું છે?

મુંબઈ: નૃત્ય એ માત્ર મનોરંજનનું સાધન નથી, પરંતુ તે લાગણીઓને વ્યક્ત કરવા, કલા અને સંસ્કૃતિની અભિવ્યક્તિ અને સ્વસ્થ રહેવાનું એક ઉત્તમ માધ્યમ પણ છે. દર વર્ષે 29મી એપ્રિલ વિશ્વભરમાં ‘આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ'(World Dance Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ લોકોને નૃત્યનું મહત્વ જણાવવાનો છે. આ સાથે દુનિયાભરના ડાન્સર્સને પ્રોત્સાહિત કરવાને પણ હેતુ છે. આ દિવસે નૃત્ય સંબંધિત વિવિધ કાર્યક્રમો અને સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે. કથક, ભરતનાટ્યમ, હિપ હોપ, બેલે, સાલસા, લાવણી જેવા ઘણા નૃત્ય સ્વરૂપો છે, જે સમગ્ર વિશ્વમાં લોકપ્રિય છે. સમય જતાં હવે વેસ્ટર્ન ડાન્સ ફોર્મ પણ ખૂબ જ ભારતમાં પ્રચલિત થયાં છે.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કેવી રીતે શરૂ થઈ?

ઇન્ટરનેશનલ ડાન્સ ડેની ઉજવણી 1982માં ઇન્ટરનેશનલ થિયેટર ઇન્સ્ટિટ્યૂટ (ITI)ની ઇન્ટરનેશનલ ડાન્સ કમિટી દ્વારા કરવામાં આવી હતી. ITI એ એક બિન-સરકારી સંસ્થા છે, જે યુનાઈટેડ નેશન્સ એજ્યુકેશનલ, સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઈઝેશન (UNESCO) નો ભાગ છે. આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસ નૃત્યના જાદુગર જીન જ્યોર્જ નોવેરેને સમર્પિત છે. તમને જણાવી દઈએ કે જ્યોર્જ નોવેરે એક પ્રખ્યાત બેલે માસ્ટર હતા, જેમને બેલેના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જ્યોર્જ નોવેરેનો જન્મ 29 એપ્રિલ 1727ના રોજ થયો હતો. વર્ષ 1982 માં, ITI ની નૃત્ય સમિતિએ જ્યોર્જ નોવેરેને તેમના જન્મદિવસ 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી કરીને શ્રદ્ધાંજલિ આપી હતી. જે પછી દર વર્ષે 29 એપ્રિલના રોજ આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસની ઉજવણી થવા લાગી. તેણે ‘લેટર્સ ઓન ધ ડાન્સ’ નામનું ડાન્સ પર એક પુસ્તક પણ લખ્યું હતું, જેમાં ડાન્સ સાથે જોડાયેલી દરેક વસ્તુ ઉપલબ્ધ છે. કહેવાય છે કે આ વાંચીને કોઈપણ ડાન્સ શીખી શકે છે.

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ

આંતરરાષ્ટ્રીય નૃત્ય દિવસનો હેતુ માત્ર વિશ્વના તમામ નૃત્યકારોને પ્રોત્સાહિત કરવાનો નથી, પરંતુ લોકોને નૃત્યના ફાયદાઓ વિશે જણાવવાનો પણ છે. નૃત્યની કળા દ્વારા વિવિધ સંસ્કૃતિઓ વચ્ચે સંવાદને પ્રોત્સાહન આપવામાં આવે છે, જેનાથી સમૃદ્ધિ અને એકતાનું વાતાવરણ સર્જાય છે.

બ્રહ્મચર્ય – પરમના માર્ગ પર

સદ્‍ગુરુ: બ્રહ્મચર્ય’ શબ્દનો ખરો અર્થ થાય છે: ‘બ્રહ્મન્ ‘ એટલે ‘દિવ્ય’ અથવા ‘પરમ’, ‘ચર્ય’ એટલે ‘માર્ગ.’ બ્રહ્મચર્યનો અર્થ છે ‘પરમના માર્ગ પર હોવું.’ પરમના માર્ગ પર હોવું એટલે કે તમારી પાસે તમારી પોતાની કોઈ અંગત યોજનાઓ નથી. તમે બસ જે જરૂરી છે તે કરો છો. તમારે તમારા જીવનમાં ક્યાં જવું જોઈએ , તમારે શું કરવું જોઈએ, અથવા તમને શું પસંદ છે અને શું નાપસંદ છે, તમારી પાસે તે નક્કી કરવાની કોઈ અંગત રીતો નથી; આ બધી વસ્તુઓને એમ જ તમારી પાસેથી લઈ લેવામાં આવી છે. જો તમે આ અનિચ્છાએ કરો, તો તે પૂરી રીતે પીડાદાયક બની શકે છે. જો તમે તે સ્વેચ્છાએ કરો, તો તે તમારા જીવનને એકદમ અદ્ભૂત અને સુંદર બનાવી દે છે કારણ કે હવે કોઈ વસ્તુ તમને હેરાન નથી કરતી. તમે ફક્ત જે જરૂરી છે તે જ કરો છો; જીવન એકદમ સરળ છે. એકવાર તમે તમારી જાતને તે પ્રમાણે સમર્પિત કરી દો પછી, તમારે આધ્યાત્મિક માર્ગ વિશે વિચારવાની કે તમારી આધ્યાત્મિકતા વિશે ચિંતા કરવાની જરૂર નથી. તેની કાળજી લેવાઈ ગઈ છે. તમારે તેના વિશે ખરેખર કંઇ કરવાની જરૂર નથી.

તો શું કોઈ વ્યક્તિએ દિવ્યતાના માર્ગ પર ચાલવા માટે એક ઔપચારિક નિર્ણય કરવો જોઈએ? એવી કોઈ વસ્તુ નથી – દરેક વ્યક્તિએ દિવ્યતાના માર્ગ પર હોવું જોઈએ. પરંતુ તે માત્ર એટલું જ છે કે શરીર, લાગણી અને વિચારનો પ્રભાવ મનુષ્યમાં એટલો બધો પ્રબળ હોય છે કે તેઓ પોતાની જાતે તે માર્ગ પર રહી શકતા નથી. તેથી તેમને એક ખાસ રીતે દીક્ષા આપવામાં આવે છે. એક ચોક્કસ સાધના અને તેમની ઊર્જાનું એક ખાસ રીતે રૂપાંતરણ કરવામાં આવે છે. તે બસ તેમની ઊર્જાને બિલકુલ અલગ દિશામાં વાળે છે. તે જ બ્રહ્મચર્ય દીક્ષા છે. તે ફક્ત કપડાં બદલવાની વાત નથી.

કપડાં એમના માટે નથી હોતા. કપડાં સમાજ માટે હોય છે જેથી લોકો તેમને બ્રહ્મચારી હોવામાં સહાય કરે. જો કોઈ વ્યક્તિ સિગારેટ કાઢે, તો તે તેની બાજુમાં બેઠેલી વ્યક્તિને ઓફર કરશે. પણ જો તે બ્રહ્મચારી વસ્ત્રો જોશે તો તે ઓફર નહીં કરે. જો તે તેને સળગાવવા માંગે તો પણ દૂર જઈને તેને સળગાવશે. તો કપડાં અને દેખાવ સમાજમાંથી આ સહાય મેળવવા માટે હોય છે. તેમનું બ્રહ્મચર્ય તેમના વસ્ત્રોમાં નથી; તેમનું બ્રહ્મચર્ય તેમની ઊર્જાઓ જે રીતે રૂપાંતરિત થયેલી છે તેમાં છે.

તો શું હું બ્રહ્મચારી બન્યા પછી પણ મારી જીવવાની રીત અને જીવનશૈલી જાળવી શકું? તો પછી બ્રહ્મચર્યનો કોઈ અર્થ નથી. બ્રહ્મચર્ય એ કોઈ પ્રકારની ઘેલછા કે ફેશન નથી જેને તમે અપનાવો છો. તે તમારી વ્યક્તિગત યોજનાઓને છોડી દેવાની એક રીત છે, જ્યાં તમે ક્યાં હોવું, શું કરવું, કેવી રીતે રહેવું, કંઇ જ નક્કી કરતા નથી; તમે બસ તેને છોડી દો છો. જો તે અનિચ્છાએ કરવામાં આવે છે, તો તે પીડાદાયક છે. જો તે સ્વેચ્છાએ કરવામાં આવે તો જીવન એકદમ સરળ બની જાય છે.

(સદ્‍ગુરુ, જગ્ગી વાસુદેવ)

ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે 3.9 અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.