Home Blog Page 1888

ત્રીજા તબક્કામાં 12 રાજ્યોની 94 બેઠક પર 1351 ઉમેદવારો વચ્ચે જંગ

લોકસભા ચૂંટણીમાં બે તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. હવે ત્રીજા તબક્કાનું મતદાન થશે. બે તબક્કાના મતદાન બાદ 191 બેઠકો પર ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થઈ ગયું છે. ધીરે-ધીરે ચૂંટણી આગળ વધી રહી છે ત્યારે તમામ રાજકીય દળોએ ઝંઝાવતી પ્રચાર શરૂ કર્યો છે. હવે 7મી મેના રોજ 94 બેઠકો પર ત્રીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં થવાની સંભાવના છે. આ તબક્કામાં ગુજરાત સહિત 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો માટે મતદાન થશે, જ્યારે 1351 ઉમેદવારોનું ભાવિ દાવ પર લાગશે. આ તબક્કામાં આસામની 04, બિહારમાં 05, છત્તીસગઢમાં 07, મધ્ય પ્રદેશમાં 09, મહારાષ્ટ્રમાં 11, દાદરા-નગર હવેલી અને દીવ-દમણમાં 02-02 સીટ, કર્ણાટકની બાકી રહેલી 14 સીટ, જમ્મુ-કાશ્મીરની 01 સીટ, પશ્ચિમ બંગાળની 04, ગુજરાતની 25 અને ઉત્તર પ્રદેશની 10 સીટ પર મતદાન થવાનું છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતની સુરત સીટ પરથી BJPના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરિફ રીતે જીત્યા છે. તેથી ગુજરાતમાં 26ની બદલે 25 સીટ પર જંગ જામશે.

બીજા તબક્કામાં 2019 કરતા ઓછું મતદાન

હાલ ત્રીજા ચરણની ચૂંટણીને લઈને રાજકીય દળોએ એડીચોટીનું જોર લગાવ્યું છે. પરંતુ 13 રાજ્યોની 88 બેઠક પર બીજા તબક્કાનું મતદાન 2019ની ચૂંટણી કરતાં ઓછું થયું છે. આ વખતે આ સીટો પર 68.49% મતદાન થયું છે. જ્યાં ત્રિપુરામાં સૌથી વધુ 79.66% મતદાન જ્યારે ઉત્તર પ્રદેશમાં સૌથી ઓછું 54.85% મતદાન નોંધાયું છે. જો કે, ત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે. તો ચાલો જાણીએ કઈ બેઠક પર કયા પક્ષની પકડ મજબૂત છે?

1. યુપીમાં ભાજપ, કોંગ્રેસ અને સપા વચ્ચે ત્રિકોણીય જંગ

સપાના આ ગઢમાં પાર્ટીના વર્તમાન સાંસદ ડિમ્પલ યાદવ પોતાના હરીફોને સાઈકલની રફ્તાર પર હરાવવા મેદાનમાં છે. 1996થી આ સીટ સપા પાસે છે. અત્યાર સુધી અજેય સાબિત થયેલી મૈનપુરી સીટ પર ભગવો લહેરાવા માટે ભાજપે સ્થાનિક ધારાસભ્ય અને યોગી સરકારમાં પ્રવાસન અને સંસ્કૃતિ મંત્રી ઠાકુર જયવીર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. યાદવ અને શાક્ય સમુદાયની મોટી વસ્તી ધરાવતી આ બેઠક પર બસપાએ પૂર્વ ધારાસભ્ય શિવ પ્રસાદ યાદવને મેદાનમાં ઉતાર્યા છે. બદાયું સીટ પર યાદવ પરિવારની વિશ્વસનીયતાની ખરી કસોટી થવાની છે. સપા પ્રમુખ અખિલેશ યાદવે પિતરાઈ ભાઈ ધર્મેન્દ્ર યાદવના બદલે આદિત્ય યાદવને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે ભાજપે વર્તમાન સાંસદ સંઘમિત્રા મૌર્યની ટિકિટ રદ કરીને બ્રજ પ્રદેશ પ્રમુખ દુર્વિજય સિંહ શાક્યને પોતાના ઉમેદવાર બનાવ્યા છે, જ્યારે BSPએ મુસ્લિમ ખાન પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

2. એમપીની હાઈપ્રોફાઈલ સીટ પર ચૂંટણીનો જંગ

ગુના, વિદિશા અને રાજગઢ જેવી હાઈ-પ્રોફાઈલ સીટ પર ત્રીજા તબક્કામાં મતદાન થશે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ અનુક્રમે ગુના અને વિદિશાથી ભાજપની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે. કોંગ્રેસે પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભાના સભ્ય દિગ્વિજય સિંહને રાજગઢ બેઠક પરથી ઉતાર્યા છે. આમ, આ તબક્કામાં ખરાખરીનો જંગ જામશે.

4. ગુજરાતમાં 25 સીટો પર કાંટાની ટક્કર

ગુજરાતમાં તમામ 25 સીટ પર ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદની પૂર્વ અને પશ્ચિમ બેઠક પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. જ્યારે બનાસકાંઠામાં ગેનીબેન અને રેખાબેન ચૌધરી વચ્ચે જંગ જામશે. આ વખતે AAPએ ચેતર વસાવાને ભરૂચ બેઠક પરથી ઉતાર્યા છે. જ્યાં તેઓ ભાજપાના મનસુખ વસાવા સામે ચૂંટણી લડશે.જો કે, INDI બ્લોકના સીટ શેરિંગના કારણે કોંગ્રેસના બદલે આ સીટ AAPના ફાળે ગઈ છે. ગાંધીનગરથી BJPના નેતા અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો જામનગર બેઠક પરથી ભાજપે પૂનમબેન માડમ અને કોંગ્રેસે જે.પી.મારવીયાને ટિકિટ આપી છે. નવસારી પરથી સી.આર.પાટિલ ભાજપ તરફથી ચૂંટણી લડશે જેમનો સામનો કોંગ્રેસ નેતા નૈષધ દેસાઈ સાથે થશે. પોરબંદર બેઠક પરક BJPના મનસુખ માંડવિયા અને કોંગ્રેસના લલિત વસોયા સામસામે છે. જ્યારે આ વખતે રાજકોટની સીટ ખૂબ ચર્ચિત રહી છે, BJPના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન બાદ રાજકારણ ગરમાયું છે. હવે જોવાનું એ રહેશે કે 26એ 26 સીટ ભાજપના ખાતામાં જશે કે, રેકોર્ડ તૂટશે.

5. મહારાષ્ટ્રની 11 બેઠક પર મતદાન

મહારાષ્ટ્રમાં દિગ્ગજ નેતાઓ મેદાનમાં ઉતર્યા છે. બારામતીમાં નણંદ-ભાભી વચ્ચે જંગ જામશે. અહીંથી, NCP (શરદચંદ્ર પવાર) ના વર્તમાન સાંસદ સુપ્રિયા સુલે તેમની ભાભી સુનેત્રા પવાર (NCP) સામે ચૂંટણી લડી રહ્યા છે. છત્રપતિ શિવાજી મહારાજના વંશજ શાહુ છત્રપતિ કોલ્હાપુર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યારે ભાજપે સતારા લોકસભા બેઠક પરથી ઉદયનરાજે ભોસલેને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. કેન્દ્રીય મંત્રી નારાયણ રાણે રત્નાગિરી-સિંધુદુર્ગ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે, જ્યારે સાંગલીમાં ભાજપના વર્તમાન સાંસદ સંજયકાકા પાટીલ શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)ના ઉમેદવાર કુસ્તીબાજ ચંદ્રહર પાટીલ સામે ટકરાશે.

ત્રીજા ચરણ માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે રાજકીય દળો તાબડતોડ પ્રચાર કરી રહ્યા છે. વડાપ્રધાન મોદી રોજે બેથી ત્રણ રોડ શો અને જાહેરસભા યોજી રહ્યા છે. જે-તે રાજકીય પક્ષોના સ્ટાર પ્રચારકો ઉમેદવારોના સમર્થનમાં મતદારોને મતની અપીલ કરી રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર નિવેદન બાજી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કયો પક્ષ કેટલી તાકાત લગાવશે.

અલ્પેશ કથિરીયા, ધાર્મિક માલવિયા ભાજપમાં જોડાયા

ગુજરાત આમ આદમી પાર્ટીના અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવીયા તેમના સમર્થકો સાથે સી.આર.પાટીલના હસ્તે ખેસ અને ટોપી ઘારણ કરી ભાજપમાં જોડાયા હતા. સુરત ખાતેના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે આપના નેતાઓને આવકારતા જણાવ્યું કે, ‘આ દેશ સુવર્ણ કાળમાથી પસાર થઇ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી વિકસીત ભારતના સંકલ્પને સાકાર કરવા માટે કામ કરી રહ્યા છે. લોકસભાની તમામ સીટો ભાજપના ઉમેદવારો જંગી મતોથી જીતે તે માટેના પ્રયાસો કરવાના છે. મોદી સાહેબ ત્રીજી વાર પીએમ બનવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ 26 માંથી 26 સીટો જીતી હેટ્રીક કરવા જઈ રહ્યું છે. પાટીલે કોંગ્રેસ પર પણ નિસાનો સાધતા કહ્યું હતું કે, ‘આ કોંગ્રેસવાળા સનાતન ધર્મમા માનતા નથી, સનાતન ધર્મનો વિરોઘ કરે છે. જે રામનો નથી તે કોઇનો નથી તે યાદ રાખવાનુ છે.’

આપના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવિયાએ કેસરીયા કર્યાં

અલ્પેશભાઇ કથિરીયાએ ગઈકાલે ભાજપનો ખેસ પહેરતા જણાવ્યું કે, ‘આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમા ભાજપમા જોડાવવાની તક મળી તે બદલ ભાજપના સૌ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર. પક્ષ અને સમાજને વિશ્વાસ આપુ છું કે સમાજના હિત અને રાષ્ટ્રહિત માટે કામ કરીશું.’ આ સિવાય આપના અન્ય નેતા ધાર્મિકભાઇ માલવિયાએ પણ આ કાર્યક્રમમાં પોતાની વાત જણાવતા કહ્યું કે, ‘પીએમ નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં દેશ વિશ્વગુરુ તરફ આગળ વધી રહ્યો હોય ત્યારે આજે તેમના સારથી તરીકે ભાજપમા જોડાયો છું. આજે ભાજપની રાષ્ટ્રવાદની વિચારધારાથી પ્રેરાઇ પક્ષમા જોડાયો છું.’

રામ મંદિરને લઈને PM મોદીએ કોંગ્રેસને ઘેર્યું

લોકસભા ચૂંટણી 2024: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર કર્ણાટક પ્રદેશમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી. આ દરમિયાન તેમણે કોંગ્રેસ અને INDIA ગઠબંધન પર જોરદાર નિશાન સાધ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે ભગવાન રામનું મંદિર બનાવવાનો નિર્ણય દેશની આઝાદીના બીજા દિવસે લેવો જોઈતો હતો, પરંતુ તેઓએ તેમ કર્યું નહીં.

 

પીએમ મોદીએ કોંગ્રેસ પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, કોંગ્રેસે રામ મંદિર માટેના આમંત્રણને ફગાવી દીધું હતું, પરંતુ અંસારી પરિવારે પેઢી દર પેઢી કોર્ટમાં આ માટે લડત ચલાવી હતી અને કહ્યું હતું કે અહીં બાબરી મસ્જિદ હતી રામ મંદિર નહીં, પરંતુ જે દિવસે કોર્ટનો નિર્ણય આવ્યો. તેમણે કહ્યું કે કોર્ટનો નિર્ણય અમારા માટે સર્વોપરી છે અને અંસારીએ મુસ્લિમ હોવા છતાં રામ મંદિરના અભિષેકમાં ભાગ લીધો, તેનાથી ફરક પડે છે.

અરજીનો જવાબ ત્વરિત…પણ નકારમાં!!

આજે જમાનો AI  સાથે વધુ તાલમેલ મેળવવા માંડ્યો છે. મોટી મોટી ફર્મ પણ ઉમેદવારની અરજી ચકાસવાના કામ સુદ્ધાં માટે AI પર નિર્ભર થવા લાગી છે. હાલમાં જ યુ.કે.માં નોકરી માટેની અરજી કરનાર ઉમેદવારે પોતાની અરજી સબમિટ કર્યાની માત્ર ત્રણ જ મિનિટમાં, એક ફોલો-અપ ઈમેલમાં તેણે ઈમેઈલ મેળવ્યો. જેમાં જાણ કરવામાં આવી હતી કે, તેમની અરજી અસફળ રહી છે!.

નોકરી માટેની અરજી કરનાર ઉમેદવારે પોતાનો અનુભવ reddit.com પર જણાવતાં લખ્યું કે, ‘અરજી માટે કવર લેટર તૈયાર કરવામાં મને નોંધપાત્ર સમય લાગ્યો હતો. તેના લેટરના સંદર્ભમાં નેશનલ ગ્રીડ તરફથી પ્રારંભિક ઈમેલ કન્ફર્મેશન પ્રાપ્ત થયું હતું અને તેમનો રુચિ બદલ આભાર માનવામાં આવ્યો હતો અને જણાવ્યું હતું કે, અરજીઓની 14 દિવસમાં સમીક્ષા કરવામાં આવશે. પરંતુ તેની ત્રણ મિનિટ બાદ તુરંત જ એક ફોલો-અપ ઈમેલ મળ્યો. જેમાં જાણ કરવામાં આવી હતી કે, તેમની અરજી અસફળ રહી છે.’

ઉમેદવારે કેપ્શન સાથે ટ્રેલ મેઇલનો સ્ક્રીનશૉટ શેર કર્યો જેમાં લખ્યું હતું કે, ‘રોલ માટે અરજી કર્યાના 3 મિનિટ બાદ રિજેક્ટ થઈ ગયો. ઓહ, આ તો જાણે મેં બોટ દ્વારા આપમેળે રિજેક્ટ થવા માટે જ કલાકો વિતાવી કવર લેટર લખ્યો હોય! જો કે, વર્તમાન જોબ માર્કેટ મને ગમે છે. યુકે.’

આ ઘટનાએ જોબ હાયરિંગમાં ઓટોમેટેડ સ્ક્રીનીંગ ટૂલ્સ પર વધતી જતી નિર્ભરતા તરફ ધ્યાન દોર્યું છે.

સોશિયલ મીડિયા પર આ ઘટનાએ લોકોમાં ઉશ્કેરાટ ફેલાવી દીધો. જેની જોરદાર પ્રતિક્રિયાઓ આવવા લાગી. એક વ્યક્તિએ લખ્યું, ‘એક સ્થાનિક ખાણની વેબસાઇટ પર ફોર્કલિફ્ટ/ઓપરેટરના કામ માટે કે, જેનો મને 15 વર્ષનો અનુભવ છે. તે માટે મેં મારો 35 મિનિટનો સમય લગાડ્યો અને તાત્કાલિક વળતો ઈમેઈલ મને મળ્યો કે, તમે આ કામ માટે યોગ્ય નથી!’

બીજા એક જણે ટિપ્પણી કરી કે, ‘આ કામ માટે AI, રિઝ્યુમ ચેકિંગ કરે છે. જે આના માટે ચોક્કસ અપેક્ષા અથવા કીવર્ડ્સ શોધે છે. જો તમે તેમાં ફીટ નથી બેસતા, તો સોફ્ટવેર નક્કી કરે છે કે, તમે કામ માટે યોગ્ય નથી અને તે એપ્લિકેશનને આપમેળે જંક કરી દે છે. હવે મોટે ભાગે કંપનીઓમાં આ જ પદ્ધતિ શરૂ થઈ ગઈ છે.’

જ્યારે નેશનલ ગ્રીડે આ વિશિષ્ટ ઘટના પર ટિપ્પણી કરવાનો ઈનકાર કરી દીધો છે. જો કે, તેઓએ પુષ્ટિ કરી હતી કે ઇન્ટરવ્યુ પહેલાં ઉમેદવારોને શોર્ટલિસ્ટ કરવા માટે પ્રી-સ્ક્રીનિંગ પ્રશ્નોનો ઉપયોગ કરવામાં આવે છે. ચોક્કસ પ્રશ્નોના નકારાત્મક જવાબ આપનારા અરજદારોને સિસ્ટમ આપમેળે નકારી શકે છે.

કર્મચારીઓ માટે કાર્યસ્થળ પર સુરક્ષા અને સ્વાસ્થ્યનું મહત્વ સમજાવે છે આ દિવસ

અમદાવાદ: સરકારી અથવા ખાનગી નોકરીઓમાં કામ કરતા લોકો તેમનો મોટાભાગનો સમય ઓફિસમાં વિતાવે છે, આવી સ્થિતિમાં કાર્યસ્થળ એટલે કે ઓફિસમાં તેમના સ્વાસ્થ્ય અને સલામતીની ખાતરી કરવી મહત્વપૂર્ણ છે. આ હેતુ સાથે દર વર્ષે વર્લ્ડ ડે સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્કની ઉજવણી કરવામાં આવે છે. આ દિવસ 28મી એપ્રિલે ઉજવવામાં આવે છે. દર વર્ષે વર્કપ્લેસમાં કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સલામતી વિશે જાગૃતિ ફેલાવવા માટે વિશેષ થીમ સાથે વિશ્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આવો જાણીએ આ દિવસની ઉજવણી પાછળનો ઈતિહાસ અને તેનું મહત્વ શું છે?

ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન (આઇએલઓ) એ કામ પર અકસ્માતો અને રોગોને રોકવા માટે 2003 માં પ્રથમ વખત વિશ્વ દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ દિવસને 1996થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા ઉજવવામાં આવતા મૃત અને ઘાયલ કામદારો માટે આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે.

કાર્યસ્થળ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસનું મહત્વ

આ દિવસ કામને સુરક્ષિત અને સ્વસ્થ બનાવવા માટે જાગૃતિ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય સલામતી અને આરોગ્યના સારા ધોરણો જાળવવાનો છે જે સમાજના વિવિધ ક્ષેત્રોમાં સમાનરૂપે ફેલાવવો જોઈએ.

વર્ક 2024માં સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની થીમ

વર્લ્ડ ડે સેફ્ટી એન્ડ હેલ્થ એટ વર્ક 2023એ મૂળભૂત સિદ્ધાંત અને કામ પરના અધિકાર તરીકે સલામત અને સ્વસ્થ કાર્યકારી વાતાવરણની થીમ પર ઉજવવામાં આવ્યો હતો. આ વર્ષની થીમ ‘વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય પર આબોહવા પરિવર્તનની અસરો’ રાજકીય અગ્રતા, નીતિ સુસંગતતા અને આબોહવા પરિવર્તન, વ્યવસાયિક સલામતી અને આરોગ્યના જોખમો અને કામદારો માટેના જોખમોને સંબોધવા માટે એજન્ડા સેટિંગમાં તીવ્ર પરિવર્તનની માંગ કરે છે.

૨૮ એપ્રિલ, ૨૦૨૪

૨૮ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 28/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજના દિવસે શાંતિ રાખવી, તમારા શબ્દપ્રયોગ અને ગુસ્સા પર કાબુ રાખવો જરૂરી છે, વાહન ધીમે ચલાવવું તેમજ ઉતાવળિયા નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, તાવ,માથા,આંખ,હાડકાની તકલીફથી થોડું સાચવવું, થોડી આળસવૃતિના કારણે કામના થવાની મનમાં ફરિયાદ રહે તેવું બની શકે છે.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો જોવા મળી શકે છે, તમારા કોઈ નવીનકામનું આયોજન થાય, જુનામતભેદ ભૂલવાની તક મળે, કોઈ અગત્યની વાતચીત ક્યાય ચાલતી હોય તેમાં તમને સારો પ્રતિભાવ જોવા મળી શકે છે અને તેમાં અન્યની મદદકે માર્ગદર્શન તમને સારો ટેકો આપી શકે છે.


આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સમય પસાર થાય અને ક્યાંક નાણાકીયખર્ચ થઈ શકે છે, પ્રવાસનું આયોજન થાય તેમાં તમે થોડા ઉત્સાહિત રહો, અગત્યના કામ માટે ક્યાંક વાર્તાલાપકે મિલનમુલાકાતમાં તમારા મનમાં રહેલા કોઈ પ્રશ્નનો કોઈ રસ્તો આપમેળે મળે તેવું બની શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, ખોટા વાદવિવાદથી દુર રહેવું જરૂરી છે, વાહન ધીમે ચલાવવું, કફ, છાતી,પ્રેસર જેવી તકલીફથી સાચવવું, મનમાંને મનમાં કોઈવાતનો અજંપો રહ્યા કરે અને તેને કારણે તમારા રોજીંદા વ્યવહાર અને વર્તન પર તેની થોડી અસર વર્તાઈ શકે છે, વાદવિવાદથી દુર રહેવું.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો ઇચ્છનીય છે, ક્યાંક પડવાકે વાગવાના યોગ બની શકે છે, વાહન ધીમે ચલાવવું સલાહ ભર્યું છે,  હિતશત્રુ,ખટપટી લોકોથી દુર રહેવું, ચામડી,એલર્જી,,ડાયાબીટીસ, સ્ત્રીદર્દ ભોગવતા લોકોએ તકેદારી રાખવી, પ્રભુભક્તિમાં ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો અને મસ્તીમજાક વાળો કહી શકાય,  તમારી ક્યાંક જૂનીઓળખાણ તાજી થાય અને તમે કરેલા ભૂતકાળના કોઈ કામની કદર થાય, અગત્યના કામની કોઈ વાર્તાલાપકે મિલનમુલાકાત તમારા માટે આજે કરવી યોગ્ય છે જેમાં તમને સારો પ્રતિસાદ મળે તેવા સંજોગો ઉભા થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય પરંતુ કોઈ આજના દિવસ માટેનું આયોજન હોયતો તેમાં થોડો વિલંબ થઇ શકે છે પરંતુ કામ સારી રીતે થયાની લાગણી પણ અનુભવાય, ખરીદી કરવા જાવ ત્યારે ધાર્યા કરતા પણ વધુ ખર્ચ થાય તેવું બની શકે છે પરંતુ પસંદગીની ખરીદીનો સંતોષ પણ થાય.


આજનો દિવસ સારો અને ઉત્સાહવાળો કહી શકાય, કોઈ મુસાફરી થઈ શકે છે, ધાર્યુંકામ થવાથી ખુશીની લાગણીનો અનુભવ થાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો યોગ્ય છે, તમારા કોઈપણ કામકાજમાં અન્યનો સાથ સહકાર સારો મળી શકે, યુવાવર્ગ માટે ક્યાંક નવીનઓળખાણ પણ થાય.


આજનો દિવસ સામાન્ય છે કોઈને કોઈ કામમાં વ્યસ્ત રહેવાથી થાકની લાગણીનો અનુભવ થાય, કોઈકામ પરાણે કરતા હોવ તેવું લાગ્યા કરે, ખરીદી કરવા પાછળકે કોઈ સામાજિકકાર્ય કરવા પાછળ નાણા અને સમયનો વ્યય થાય, વ્યવહારુ અભિગમ અપનાવો અને શાંતિ જાળવવી ઇચ્છનીય છે.


આજનો દિવસ સારો છે, હરવાફરવામાં અને મિલનમુલાકાતમાં દિવસ પસાર થઇ શકે છે. નોકરીઅંગે કોઈ પસંદગીની જગ્યાએ વાતચીતકે મિલનમુલકાત કરવાની હોય તેમાં તમારા કોઈ અંગત વિશ્વાસુવ્યક્તિની મદદકે માર્ગદર્શન તમને લાભ અપાવે,  ક્યાંક સારી વાત આપલે કરવાની તક પણ મળે તેવા યોગ છે.

IPL 2024 : રાજસ્થાન લખનૌને હરાવી પ્લેઓફમાં પહોંચ્યું

રાજસ્થાન રોયલ્સે લખનૌ સુપર જાયન્ટ્સને હરાવ્યું છે. સંજુ સેમસનની આગેવાની હેઠળની રાજસ્થાન રોયલ્સ સામે 197 રનનો ટાર્ગેટ હતો. રાજસ્થાન રોયલ્સે 19 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. સંજુ સેમસને 33 બોલમાં સૌથી વધુ 71 રનની ઇનિંગ રમી હતી. તેણે પોતાની ઇનિંગમાં 7 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. જ્યારે ધ્રુવ જુરેલ 34 બોલમાં 52 રન બનાવીને નોટઆઉટ પરત ફર્યો હતો. સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે ચોથી વિકેટ માટે 123 રનની અતૂટ ભાગીદારી થઈ હતી.

સંજુ સેમસન અને ધ્રુવ જુરેલ વચ્ચે મોટી ભાગીદારી

લખનૌ સુપર જાયન્ટ્સના 196 રનના જવાબમાં બેટિંગ કરવા આવેલી રાજસ્થાન રોયલ્સની શરૂઆત સારી રહી હતી. ઓપનર જોસ બટલર અને યશસ્વી જયસ્વાલે 5.5 ઓવરમાં 60 રન ઉમેર્યા હતા. જોસ બટલર 18 બોલમાં 34 રન બનાવીને યશ ઠાકુરનો શિકાર બન્યો હતો. જ્યારે યશસ્વી જયસ્વાલે 18 બોલમાં 24 રનનું યોગદાન આપ્યું હતું. યશસ્વી જયસ્વાલને માર્કસ સ્ટોઈનિસે પોતાનો શિકાર બનાવ્યો હતો. લખનૌ સુપર જાયન્ટ્સના બોલરોની વાત કરીએ તો યશ ઠાકુર સિવાય માર્કસ સ્ટોઈનિસ અને અમિત મિશ્રાએ 1-1 વિકેટ લીધી હતી.

લખનૌ સુપર જાયન્ટ્સ માટે કેપ્ટન કેએલ રાહુલ ચમક્યો

આ પહેલા રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરવા આવેલી લખનૌ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 5 વિકેટે 196 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 48 બોલમાં સૌથી વધુ 76 રન બનાવ્યા હતા. લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ક્વિન્ટન ડી કોક અને માર્કસ સ્ટોઈનિસ 11 રન બનાવીને પેવેલિયન ગયા હતા. ક્વિન્ટન ડી કોકે 3 બોલમાં 8 રન બનાવ્યા હતા. માર્કસ સ્ટોઈનિસ કોઈ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યો હતો. કૃણાલ પંડ્યા અને આયુષ બદોનીએ છેલ્લી ઓવરોમાં મહત્વપૂર્ણ રન ઉમેર્યા હતા.

પંચાંગ 28/04/2024

જામનગર: આહિર vs પાટીદાર નેતા વચ્ચે જંગ

જામનગર: રિલાયન્સ અને ઓઈલ રીફાઈનરી માટે જાણીતું શહેર એટલે જામનગર. અરબ સાગર પાસે આવેલું આ શહેર કચ્છની ખાડીના દક્ષિણમાં છે. જામનગરનું નિર્માણ જામસાહેબે 1540માં કરાવ્યું હતું. જામનગર, જે ઐતિહાસિક રીતે નવાનગર તરીકે ઓળખાય છે, તે સૌરાષ્ટ્રના પ્રદેશમાં જાડેજાના સૌથી મહત્વપૂર્ણ રજવાડું પૈકીનું એક હતું. પૌરાણીક સાહિત્યના જણાવ્યા પ્રમાણે, મથુરામાંથી સ્થળાંતર કર્યા પછી, ભગવાન કૃષ્ણે જામનગર જિલ્લાના તે સમયમાં આવતા દ્વારકા ગામમાં તેમનું રાજ્ય સ્થાપ્યુ હતું. જામનગર લોકસભા બેઠક હાલાર બેઠકથી ઓળખાતી હતી. આ બેઠક પર પ્રથમ ચૂંટણી વર્ષ 1951માં થઇ હતી જેમાં પ્રથમ સાંસદ મેજર જનરલ એમ.એસ હિંમતસિંહ હતા. તેમણે બિનહરીફ આ બેઠક પરથી જીત મેળવી હતી. વર્ષ 1962માં જામનગર બેઠર અસ્તિત્વમાં આવી ત્યારે પ્રથમ સાંસદ તરીકે મનુભાઇ શાહ હતા. જામનગર લોકસભા બેઠક પર આહીર અને પાટીદાર અને ક્ષત્રિય સમાજનું પ્રભુત્વ રહ્યુ છે. આ બેઠક પર મોટા ભાગે પાટીદાર, ક્ષત્રિય અને આહીર સમાજમાંથી આવતા ઉમેદવારની જીત થઇ છે. સીમેન્ટ, માટી, વાસણો અને બાંધણી અહીંના મુખ્ય ઉત્પાદનો છે.

ઉમેદવાર

ભાજપ- પૂનમ માડમ

પૂનમ માડમનો જન્મ 1974ના રોજ જામનગરમાં એક આહિર પરિવારને ત્યાં થયો છે.  મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી વડોદરામાંથી 1995માં કોમર્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. પૂનમ માડમ એક યુવા ચહેરા તરીકે ભાજપમાં જોડાયા હતાં. તેમના પિતા સ્વ. હેમંત માડમ જામખંભાળીયા બેઠક પર ચાર ટર્મ સુધી અપક્ષ ધારાસભ્ય રહી ચૂક્યા છે. 2012માં જામ ખંભાળીયા બેઠક પરથી વિધાનસભાની ચૂંટણી જીત્યા બાદ ભાજપે 2014 લોકસભા ચૂંટણીમાં પૂનમ માડમને જામનગર બેઠક પરથી ટિકિટ આપી હતી.

કોંગ્રેસ- જે. પી. મારવીયા

કાલાવડ પંથક માટે જાણીતો ચહેરો એવા જયંતિલાલ પરસોત્તમભાઈ મારવીયા વકીલાતનો વ્યવસાય કરે છે. તેઓ જામનગર જિલ્લા પંચાયતની નિકાવા બેઠક ઉપરથી ચૂંટાયેલા કોંગ્રેસના સભ્ય છે અને હાલ જામનગર જિલ્લા પંચાયતના વિરોધ પક્ષના નેતા તરીકે કાર્યરત છે. કારોબારી સમિતિના ચેરમેન રહી ચૂકયા છે અને કાલાવડ તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ પણ રહી ચૂકયા છે. આશરે 22 વર્ષથી તેઓ કોંગ્રેસમાં સક્રીય છે. કાલાવડ માર્કેટ યાર્ડના ડાયરેકટર, નિકાવા સેવા સહકારી મંડળીના સભ્ય, કાલાવડ તાલુકાના પટેલ સમાજના આગેવાન છે.

PROFILE

  • જામનગર લોકસભા બેઠકમાં જામનગર ઉત્તર, જામનગર દક્ષિણ, જામનગર ગ્રામ્ય, કાલાવડ, જામજોધપુર, ખંભાળિયા અને દ્વારકા વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના પૂનમ માડમ આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 2,36,804 વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા
  • કુલ મતદારો 18,08,518
  • પુરુષ મતદાર 9,27,593
  • સ્ત્રી મતદાર 8,80,892

  • વિધાનસભા બેઠકોની સ્થિતિ
બેઠક પક્ષ વિજેતા  વોટ લીડ
જામનગર ઉત્તર ભાજપ રિવાબા જાડેજા 88,835 53,570
જામનગર દક્ષિણ ભાજપ દિવ્યેશ અકબરી 86,492 62,697
જામનગર ગ્રામ્ય ભાજપ રાઘવજી પટેલ 79,439 47,500
કાલાવડ ભાજપ મેઘજી ચાવડા 59,292 15,850
જામજોધપુર આપ હેમંત ખવા 71,397 10,403
ખંભાળિયા ભાજપ મુળુભાઈ બેરા 77,834 18,745
દ્વારકા ભાજપ પબુભા માણેક 74,018 5,327

જામનગર બેઠકની વિશેષતા

  • જામનગરલોકસભા વિસ્તારમાં એક સમયે કૉંગ્રેસનો દબદબો હતો. 1952થી કૉંગ્રેસે અહીં 8 વખત જીત મેળવી છે.
  • સ્વતંત્ર પાર્ટીએ અહીંથી એક વખત, જનતા પાર્ટીએ એક વખત જીત મેળવી છે. જ્યારે કે ભાજપે અહીંથી સાત વખત જીત મેળવી છે.
  • 1998માં ભાજપના ચંદ્રેશ પટેલે કૉંગ્રેસ પાસેથી આ બેઠક છીનવી લીધી.
  • 2004માં વિક્રમ માડમે અહીંથી કૉંગ્રેસની ટિકિટ પરથી ચૂંટણી લડી અને ભાજપ પાસેથી આ બેઠક છીનવી લીધી.
  • 2014માં આ બેઠક પૂનમબહેન માડમે તેમના કાકા વિક્રમ માડમ પાસેથી છીનવી લીધી. 2019માં પણ તેઓ ફરી વિજેતા બન્યા.