Home Blog Page 1891

દાઉદ ઇબ્રાહિમ નિર્દોષ સાબિત થયો એ કેસ શું છે ?

દેશનો મોસ્ટ વોન્ટેડ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા વૈશ્વિક આતંકવાદી જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારે 41 વર્ષ પહેલા  મકરપુરા નજીક બનેલી ગોળીબારની ઘટના એને ગુજરાતની સાંસ્કૃતિક ધરતી વડોદરા સાથે જોડે છે. ચાર દાયકા પહેલા દાઉદ અને એના સાગરીતો સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ગુજરાત પોલીસ સહિતની તપાસ એજન્સીઓની બેદરકારીના કારણે દાઉદ અને એના સાગરીતોને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે જાણીએ શુ હતો આ કેસ?

 શું હતી ઘટના ?

11 જૂન 1983માં મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફાયરિંગની ઘટના નોંધવામાં આવી હતી. ફરિયાદ પ્રમાણે, દાઉદનો બોડીગાર્ડ હોવાનો દાવો કરનાર આલમઝેબે જ્યારે તે મુંબઈ જઈ રહ્યો હતો. ત્યારે અકસ્માતે એને ગોળી મારી દીધી હતી. આ ઘટના મકરપુરા રીંગ રોડ પાસે બની હતી. આલમઝેની ઓળખ આમ તો એના હરીફ તરીકેની હતી. જો કે એ પાછળથી દાઉદનો સાથી અને પછી ફરી હરીફ બન્યો. પોલીસ રેકોર્ડમાં એણે ભૂલથી એને ગોળી મારી હોવાનું કબૂલ્યું હતું. જ્યારે આલમઝેબ સામે શરૂઆતમાં હત્યાના પ્રયાસનો કેસ નોંધવામાં આવ્યો હતો, પરંતુ બાદમાં કેસ પડતો મૂકવામાં આવ્યો હતો.

 દાઉદની હતી ચાલ

પોલીસે દાઉદને મળવા આવેલા લોકોની શોધખોળ શરૂ કરતાં અનેક વાતો સામે આવી. એસએસજી હોસ્પિટલમાં એને મળવા આવેલ એક વ્યક્તિ પાસે તિક્ષ્ણ હથિયાર સાથે ઝડપાઈ ગયો હતો. જ્યારે અન્ય બે વ્યક્તિ સયાજીગંજમાં તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપાયા હતા. સયાજીગંજમાં ઝડપાયેલા બે આરોપીઓની પૂછપરછ કરતાં પોલીસ મહંમદ ચુનાવાલા, ચંદ્રશેખર ગઢવી, નરેન્દ્ર બારિયા અને અરવિંદસિંહ જાડેજાની હોટલના રૂમમાં પહોંચી હતી. પોસીલે આ વાતનો ઉલ્લેખ કર્યો હતો કે, ચારેય આરોપી એસએસજી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દાઉદને મળવા આવ્યા હતા. સયાજીગંજમાં જ્યાં તેઓ રોકાયા હતા એ હોટલમાંથી પોલીસે ત્રણ રિવોલ્વર, બે પિસ્તોલ અને અનેક જીવતા કારતૂસ કબજે કર્યા હતા.

મામલો નિષ્ક્રિય બની ગયો

બીજી તરફ આ કેસમાં દાઉદ ક્યારેય ટ્રાયલ માટે આવ્યો ન હતો, પરંતુ રાવપુરા અને સયાજીગંજ પોલીસ સ્ટેશનના પોલીસ રેકોર્ડમાં એનો ગુનો વર્ષો સુધી નોંધાયેલો રહ્યો. જ્યારે સયાજીગંજના ગુનામાં એના સાગરિતોના નામ સાથે નિષ્ક્રિય જાહેર કરાયા. ત્યારે અન્ય ગુના સંદર્ભે પોલીસ દાઉદ કોર્ટમાં હાજર થાય એની રાહ જોઈ રહી હતી. ફાયરિંગની ઘટના બાદ, દાઉદની 14 જુલાઈની સાંજે આર્મ્સ એક્ટ હેઠળના ગુનાના સંબંધમાં ધરપકડ કરવામાં આવી હતી. ગરદન પર ગોળી વાગતાં એને SSG હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને ઇન્ડોર પેશન્ટ તરીકે વોર્ડ B1ના બેડ નંબર 14 પર રાખવામાં આવ્યો હતો. મામલો ઘણો જૂનો છે અને સમયની સાથે નિષ્ક્રિય થઈ ગયો. જો કે, એનું નામ રેકોર્ડ પર હતુ અને દાઉદને કોર્ટ સમક્ષ ભાગેડુ જાહેર કરાયો હતો.

કલેક્ટરની મંજૂરીની અવગણા

શરૂઆતમાં દાઉદ અને એના સાહરીતો સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેની તપાસ પાછળથી સયાજીગંજ પોલીસને સોંપવામાં આવી હતી. જો કે આ કેસમાં આરોપીઓને જામીન મળી જતા એ ભાગી છુટ્યા હતા. ત્યારથી લઈને એક પણ આરોપીને પકડવામાં વડોદરા પોલીસ સહિતની તમામ તપાસ એજન્સીઓ નિષ્ફળ નિવડી. આ કેસ આર્મ્સ એક્ટ હેઠળ નોંધાયેલો હતો જેમાં કલેકટરની મંજૂરી લેવી જરૂરી હતી. જો કે પોલીસે એમાં પણ કચાસ રાખી. કલેકટરની મંજબરી વગર જ કેસ આગળ વધ્યો.

કેસ થયો રફાદફા

વર્તમાન સમયમાં પોલીસે કોર્ટમાં એવી રજૂઆત કરી હતી કે દાઉદ સહિતના આરોપીઓ સામે 41 વર્ષથી કેસ પેન્ડિંગ છે. આ આરોપીઓની પકડાવવાની શક્યતા ઓછી છે. માટે આ કેસ બંધ કરી દેવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પોલીસ અને તપાસ એજન્સીઓની ગંભીર બેદરકારીના કારણે દેશના મોસ્ટ વોન્ટેડ આરોપી દાઉદ ઇબ્રાહીમ અને એના સાહરીતોને નિર્દોષ સાબીત થયા છે. એમ કહી શકાય કે આ કેસમાંથી એ લોકોને મુક્તિ મળી ગઈ.

કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી

લોકસભા બેઠક ઉપર INDIA ગઠબંધનના ઉમેદવાર તરીકે ધારાસભ્ય અનંત પટેલને મેદાનમાં ઉતારવામાં આવ્યાં છે. આજે અનંત પટેલને જંગી બહુમતી સાથે જીતાડવા માટે કોંગ્રેસના સ્ટાર પ્રચારક પ્રિયંકા ગાંધીએ ધરમપુરમાં સભા સંબોધી હતી. તેમણે કહ્યું હતું કે,સરકાર સંવિધાનને બદલવાની વાત કરે છે, સંવિધાને જ આપણને અધિકાર આપ્યો છે, આનો એક જ મતલબ છે કે તેઓ લોકતંત્રને કમજોર બનાવવા માગે છે જનતાને કમજોર બનાવવા માગે છે, 10 વર્ષમાં સરકારે દલિતો કે આદિવાસી કે સામાન્ય જનતાને મજબુત કરવાનું કોઈ કામ કર્યું નથી. ફક્ત તેઓને કમજોર કરવાનું કામ કર્યું છે.આજે સમગ્ર દેશમાં આદિવાસી સમાજ પોતાના હક માટે લડી રહ્યો છે.

મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા

પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે, અમારા ચૂંટણી ઢંઢેરાનું નામ ન્યાય પત્ર આપ્યું છે, કેમ કે, છેલ્લા 10 વર્ષમાં ખાલી અન્યાય જ થઈ રહ્યો છે. આજે દેશમાં તમામ લોકોને ન્યાય જોઈએ છે. અમે ઘણી બધી ગેરેન્ટી લઈ આવ્યાં છીએ. અમારી જ્યા જ્યા સરકાર છે ત્યા ત્યા અમે જે જે ગેરેન્ટી આપી છે તે બધી પુરી કરી છે. કોરોનાના સમયમાં યુપી અને બિહારના કેટલાય લોકો ફસાઈ ગયા હતા, લોકોને ગુજરાતથી પોતાના વતનમાં જવા માટે ખુબ તકલીફ પડી હતી. ભાજપ સરકાર ચૂંટણીઓ આવે ત્યારે જ પેટ્રોલ-ડિઝલ અને ગેસ સિલિન્ડરના ભાવ ઓછા કરે છે. કમર તોડ મોંઘવારીને અમે કંટ્રોલમાં કરીશું. ભાજપના નેતાઓ કહે છે કે, મોદીજીમાં એટલી તાકાત છે કે આખુ વિશ્વ એમને બોલાવે છે એ ધારે એ ચપટીમાં કરી શકે છે, તો ચપટીમાં મોંઘવારી ઓછી કેમ ન કરી? ચપટીમાં તમને પાણી કેમ ન આપ્યુ? અમે સત્તામાં જીવ્યા છીએ એટલે સત્તાને સમજીએ છીએ. મોદી સરકારની જેમ ઘમંડ નથી કરતા.

પરીક્ષાની આન્સરશીટમાં ‘જય શ્રીરામ’ લખ્યું, પ્રોફેસરોએ કર્યા પાસ

લખનૌઃ  સત્યુગમાં રામ નામે પથ્થરો તરતા હતા, પણ હવે કળિયુગમાં વિદ્યાર્થીઓ પરીક્ષાની આન્સરશીટમાં ‘જય શ્રીરામ’ લખીને પણ પાસ થઈ રહ્યા છે. ઉત્તર પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. કેટલાક વિદ્યાર્થીઓએ તેમની પરીક્ષામાં ‘જય શ્રીરામ’ અને ક્રિકેટર્સનાં નામ લખીને શાનદાર અંકો સાથે પાસ થઈ ગયા છે. હવે તેમની કોપી તપાસવાવાળા બે પ્રોફેસર તપાસના દાયરામાં આવી ગયા છે.

આ મામલો જોનપુરમાં વીર બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સિટીનો છે. આ યુનિવર્સિટીમાં ડી ફાર્મા (ડિપ્લોમા ઇન ફાર્મસી)ના કેટલાક વિદ્યાર્થીઓએ પરીક્ષાના ઉત્તર પત્રમાં ‘જય શ્રીરામ’નું નામ, અગ્રણી ક્રિકેટરોનાં નામ અને કેટલીક અન્ય વિગતો વિગતવાર લખી હતી, જેનો પરીક્ષાના સવાલોથી કોઈ લેવાદેવા નહોતી.

આન્સરની વચ્ચે ‘જય રામજી પાસ હો જાય’ લાઇન લખેલી એક કોપીની ફોટો વાઇરલ થઈ ગયો હતો. અહેવાલ મુજબ આ મામલે ખુલાસો ત્યારે થયો, જ્યારે યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી દિવ્યાંશુ સિંહે ગયા વર્ષે ઓગસ્ટમાં RTI કરી હતી અને 18 વિદ્યાર્થીઓની એક્ઝામ આન્સરશીટને ફરીથી તપાસની માગ કરી હતી. તેમણે આરોપ લગાવ્યો છે કે સંબંધિત પ્રોફેસરોએ વિદ્યાર્થીઓને પાસ કરાવવા માટે તેમની પાસેથી લાંચ લીધી હતી. વિદ્યાર્થી નેતાએ રાજભવનમાં પણ ફરિયાદ નોંધાવી છે. ત્યાર બાદ રાજ્યપાલ ઓફિસે ગયા વર્ષે ડિસેમ્બરમાં તપાસનો આદેશ આપ્યો હતો.

યુનિવર્સિટી મેનેજમેન્ટની એક સમિતિએ બહારના પ્રોફેસરો દ્વારા પરીક્ષાની આન્સરશીટને ફરીથી ચેક કરાવી, ત્યારે ચાર વિદ્યાર્થીની કોપીમાં કેટલીય જગ્યાએ જય શ્રીરામ લખેલું હતું. એ સાથે ભારતીય અને વિદેસી ક્રિકેટરોનાં નામ પણ સવાલના જવાબોમાં લખેલા હતા. આ બધા વિદ્યાર્થીઓને 50 ટકાથી વધુ માર્ક મળ્યા હતા. કોપી રિચેક થતાં માર્ક 0 થયા હતા. ત્યાર બાદ આ કેસમાં જવાબદાર બે પ્રોફેસરોને બરખાસ્ત કરવામાં આવ્યા હતા.

 

 

 

 

 

 

 

CM મમતા બેનર્જી હેલિકોપ્ટરમાં ચઢતા સમયે પડી ગયા

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી શનિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ઘાયલ થયા હતા. મમતા લોકસભા ચૂંટણીના પ્રચાર માટે પશ્ચિમ બંગાળના દુર્ગાપુર પહોંચ્યા હતા. જ્યાં હેલિકોપ્ટરમાં બેસતા સમયે પડી ગયા હતા. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના સુપ્રીમો મમતા લપસીને હેલિકોપ્ટરની અંદર પડી ગયા. જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

દુર્ગાપુરથી આસનસોલ જવા માટે હેલિકોપ્ટર મમતાની રાહ જોઈ રહ્યું હતું. ઉપર ચઢવા માટે તેની બહાર સીડીઓ લગાવવામાં આવી હતી અને હેલિકોપ્ટરની અંદર બેસવા માટે તેને ચડવું પડતું હતું. મમતા સીડીઓ ચઢીને હેલિકોપ્ટરમાં ચઢવા જઈ રહી હતી પરંતુ તે સમયે તેનો પગ હેલિકોપ્ટરના ગેટ પર લપસી ગયો અને તે તેની અંદર પડી ગયા. સીએમના સુરક્ષાકર્મીઓએ તેમને તરત જ ઉપાડી લીધા હતા. આ અકસ્માતમાં મમતાને સામાન્ય ઈજા થઈ છે. આ જ કારણ હતું કે તેણે આસનસોલ સુધીનો પ્રવાસ પૂરો કર્યો.

ઝારખંડના પૂર્વ CM હેમંત સોરેનને કોર્ટે જામીન ન આપ્યા

ઝારખંડ જમીન કૌભાંડ કેસઃ ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેનને વચગાળાના જામીન મળ્યા નથી. રાંચીની વિશેષ પીએમએલએ કોર્ટે જમીન કૌભાંડ કેસમાં ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે. પૂર્વ મુખ્ય પ્રધાન હેમંત સોરેને તેમના કાકાના અંતિમ સંસ્કારમાં હાજરી આપવા માટે કોર્ટ પાસેથી 13 દિવસ માટે વચગાળાના જામીન માંગ્યા હતા, જે મામલે કોર્ટે તેમને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

હેમંત સોરેનને વચગાળાના જામીન મળ્યા નથી

પૂર્વ સીએમ હેમંત સોરેને આજે કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું હતું કે તેમના કાકા રાજારામ સોરેનનું 27 એપ્રિલના રોજ અવસાન થયું હતું. તેને તેના અંતિમ સંસ્કાર અને શ્રાદ્ધમાં ભાગ લેવાની છૂટ આપવી જોઈએ. આ માટે તેણે 13 દિવસના વચગાળાના જામીન માટે અરજી કરી હતી.

નોટાનું બટન દબાવવામાં ગુજરાતીઓ આગળ!

લોકશાહીના ઉત્સવ સમી લોકસભા ચૂંટણી 2024ની શરૂઆત થઈ ગઈ છે. 19મી એપ્રિલથી શરૂ થયેલા મતદાનમાં દરેક પક્ષના ઉમેદવારોના  ભાવિનો નિર્ણય થશે. પરંતુ ચૂંટણી દરમિયાન જો મત આપતી વખતે, જો તમને લાગે કે કોઈ ઉમેદવાર યોગ્ય નથી તો તમે NOTA બટન દબાવીને તમારો વિરોધ નોંધાવી શકો છો. પરંતુ, શું તમે જાણો છો કે NOTA (None Of The Abov)નું બટન દબાવવામાં ગુજરાતીઓ પણ પાછા પડે એમ નથી.

ગત લોકસભા ચૂંટણી એટલે કે 2019માં NOTAનું બટન દબાવવામાં ગુજરાત સમગ્ર દેશમાં પાંચમા ક્રમાંકે હતું. ગુજરાતમાં કુલ 1.38 ટકા મતદાનમાંથી 4 લાખ મત નોટાના ફાળે ગયા હતા. દેશની વાત કરીએ તો બિહારમાં સૌથી વધુ 1.86 લાખ મતદારોએ કોઈ પક્ષને પસંદ કરવાની જગ્યાએ નોટા વિકલ્પને માન્ય ગણ્યો.

મતદારોએ દર્શાવ્યો વિરોધ

ઉલ્લેખનીય છે કે 2019ની લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 13 બેઠકો એવી હતી જ્યાં 15 હજારથી વધારે મતદારોએ નોટાનો વિકલ્પ પસંદ કર્યો હતો. અહીં એ વાત સમજવા જેવી છે કે ગુજરાતમાં દરેક બેઠક પર સરેરાશ 13થી 14 ઉમેદવારો હોય છે. પરંતુ મતદારો નોટા પસંદ કરે છે. ગત બંને લોકસભા ચૂંટણીમાં 26માંથી 17-17 બેઠકો પર નોટા વિકલ્પ ત્રીજા ક્રમે રહ્યો. નોંધનીય છે કે બંને ચૂંટમીમાં કુલ 8.55 લાખ મતદારોએ નોટા બટન બદાવી ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો તરફ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

 આ વિસ્તારમાં નોટાનો ઉપયોગ વધારે

ગુજરાતની લોકસભા બેઠકોમાં આદિવાસી વિસ્તારમાં સૌથી વધુ નોટાનું બટન દબાવવામાં આવ્યું હતું. આ બેઠકોમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વલસાડ અને બારડોલીનો સમાવેશ થાય છે. બંને ચૂંટણી દરમિયાન 2014 અને 2019 પૈકી દાહોદ અને છોટાઉદેપુર બેઠક પર સૌથી વધારે 32-32 હજાર વોટ નોટાને ફાળે ગયા હતા. સમગ્ર દેશની વાત કરીએ તો 2019માં 65.22 લાખ મતદારોએ નોટાનું બટન દબાવવાનું ઉચિત માન્યું હતું.

નોટાનો ઉપયોગ કરવામાં આ બેઠકો ત્રીજા ક્રમે

ગત 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણીમાં વડોદરા, પાટણ, મહેસાણા, દાહોદ, છોટાઉદેપુર, વલસાડ, પંચમહાલ, ખેડા, બારડોલી, અમરેલી, આણંદ અને રાજકોટ બેઠકો ઉમેદવારોની સરખાણીએ નોટાનું પ્રમાણ ત્રીજા ક્રમે હતું. આ 12 બેઠકો પર 2014માં 2.50 લાખ નોટા વોટ પડયા હતા. જ્યારે 2019માં આ જ બેઠકો પર 2.44 લાખ મત નોટામાં નોંધાયા હતા. નોંધનીય છે કે 2014માં કુલ નોટા વોટ 55 ટકાથી વધારે અને 2019માં 61 ટકા નોટા વોટ ગણી શકાય. 2014 અને 2019 બંનેમાં 17 એવી બેઠકો હતી જ્યાં નોટા વોટ ત્રીજા ક્રમે રહ્યું હતું.

કોંગ્રેસ અને નોટા વચ્ચે મતનું અંતર

નોટાનું અને કોંગ્રેસ મતોનું અંતર 2019 લોકસભા ચૂંટણીમાં 5 હજારથી ઓછું હતું. જેમાં અમદાવાદ પશ્વિમમાં 4691, મહેસાણામાં 2555, રાજકોટમાં 2930, વલસાડમાં 2948 અને સુરતમાં 4797 મતોનું અંતર કોંગ્રેસ ને નોટા મત વચ્ચે હતું. એવી જ રીતે 2024માં પણ જૂનાગઢમાં 348, પોરબંદરમાં 4263, પાટણમાં, 2168, અમદાવાદ પૂર્વમાં 3009, દાહોદમાં 3347, અમરેલીમાં 3623 અને મહેસાણામાં 1849માં કોંગ્રેસ અને નોટા વચ્ચેનું અંતર પાંચ હજારથી ઓછું હતું. આ પરથી સ્પષ્ટ થાય છે કે રાજકીય પાર્ટીને પસંદ કરવા કરતા લોકો નોટાનું બટન દબાવી દરેક પક્ષ સામે પોતાની નારાજગી વ્યક્ત કરે છે.

2019માં રાજ્યમાં કુલ મતદાનમાં નોટાની ટકાવારી

નોટા વોટ ટકાવારી
બિહાર 8.16 લાખ 2 ટકા
આંધ્ર પ્રદેશ 4.68 લાખ 1.48 ટકા
ગોવા 12.4 હજાર 1.46 ટકા
છત્તીસગઢ 1.96 લાખ 1.44 ટકા
ગુજરાત 4 લાખ 1.38 ટકા
ભારત 62.22 લાખ 1.6 ટકા

તારક મહેતા કા ઊલ્ટા ચશ્મા ફેમ અભિનેતા ગુરુચરણ સિંહ 4 દિવસથી ગૂમ

મુંબઈ: લોકપ્રિય ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રોશન સિંહના રોલ માટે જાણીતા અભિનેતા ગુરુચરણ સિંહ કથિત રીતે ગુમ થઈ ગયા છે. આ સમાચાર બહાર આવતા જ અભિનેતાના ચાહકોમા નિરાશા ફેલાઈ ગઈ છે. આ સમાચારથી ચાહકો અને કો-સ્ટાર્સને ચોંકી ગયા છે. ગુરુચરણ સિંહ ભારતીય ટેલિવિઝનની દુનિયામાં જાણીતું નામ છે. રોશન સિંહ સોઢીને તેના પાત્રને કારણે ઘણી લોકપ્રિયતા મળી રહી છે. શો છોડ્યા પછી પણ લોકો તેને ભૂલી શક્યા નહોતા. તે સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હોય છે અને તેની લાઈફ અપડેટ્સ શેર કરતા હોય છે,પરંતુ ચાર દિવસથી કોઈ નવી પોસ્ટ સામે આવી નથી.

ગુરુચરણને છેલ્લે અહીં દેખાયા હતા

ગુરચરણ સિંહ છેલ્લે 22 એપ્રિલે દિલ્હી એરપોર્ટ પર જોવા મળ્યા હતા. ગુરચરણ સિંહ મુંબઈ જવા રવાના થઈ રહ્યા હતા, પરંતુ તેઓ તેમના ગંતવ્ય સ્થાને પહોંચ્યા ન હતા અને ન તો ઘરે પાછા ફર્યા હતા. તેના ગુમ થવાથી ભારે ચિંતાનો માહોલ સર્જાયો છે. તેની ઉંમર 50 વર્ષ છે અને તે માનસિક રીતે એકદમ સ્વસ્થ છે. કહેવામાં આવી રહ્યું છે કે તેનો ફોન પણ સ્વીચ ઓફ છે.

પિતાએ ગુમ થયાની ફરિયાદ નોંધાવી

એક અહેવાલ અનુસાર ગુરુચરણ સિંહના વૃદ્ધ પિતાએ દિલ્હીમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવતા કહ્યું, ‘મારો પુત્ર ગુરુચરણ સિંહ, ઉંમર: 50 વર્ષ, 22 એપ્રિલે સવારે 8:30 વાગ્યે મુંબઈ જવા નીકળ્યો હતો. તે ફ્લાઇટ પકડવા એરપોર્ટ ગયા હતા. પરંતુ તે ન તો મુંબઈ પહોંચ્યો કે ન તો ઘરે પાછા ફર્યા. તેમનો ફોન પણ ઉપલબ્ધ નથી. તે માનસિક રીતે સ્થિર છે અને અમે તેને શોધી રહ્યા હતા પણ હવે તે ગુમ છે!’

શોમાં મહત્વની ભૂમિકા ભજવી હતી

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં સોઢી તરીકેની ગુરુચરણ સિંહ ટેલિવિઝન સ્ક્રીન દ્વારા ભારતીય પરિવારોનો એક ભાગ બની ગયા હતા. શો છોડવાના તેના નિર્ણયે લોકોને ઘણા નિરાશ કર્યા હતા. આજે પણ લોકો તેના પરત આવવાની રાહ જુએ છે. અહેવાલ છે કે તેણે તેના પિતાની તબિયતને કારણે શો છોડી દીધો હતો. તેને સમયસર પેમેન્ટ ન મળ્યું હોવાનું પણ જણાવાયું હતું. જોકે, શૉ છોડવાનું કારણ ગમે તે હોય પરંતુ શોમાં તેની ભૂમિકા ખૂબ જ મહત્વપૂર્ણ હતી.

પોરબંદર: પાટીદાર સમાજ પર કોનું પ્રભુત્વ?

પોરબંદર: રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ અને કૃષ્ણ સખા સુદામાની કર્મભૂમિ તરીકે આ શહેર પ્રખ્યાત છે. પોરબંદર લોકસભા બેઠક પર મોટાભાગે પાટીદાર સમાજનું પ્રભુત્વ રહ્યું છે. આ વિસ્તારમાં મોટાભાગે લોકો ખેતી અને પશુપાલન સહિત માછીમારી પર નિર્ભર છે. બીજી તરફ જેતપુરમાં સાડી ઉદ્યોગ પણ ધમધમી રહ્યો છે. આ લોકસભા બેઠક 1977માં અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સંતોકબેન જાડેજા, કાંધલ જાડેજા અને વિઠ્ઠલ રાદડિયા જેવાં લડાયક નેતાઓ ભૂતકાળમાં જોવા મળ્યા હતા. પોરબંદર બેઠક નવા સીમાંકન બાદ લેઉવા પટેલની સીટ ગણાય છે. અગાઉ આ બેઠક ઉપરથી કડવા પટેલ આગેવાનને મેદાનમાં ઉતારવામાં આવતા હતા. પરંતુ ૨૦૦૯ની ચૂંટણીમાં વિઠ્ઠલ રાદડિયા ચૂંટણી જીત્યા બાદ રાજકીય સમીકરણો બદલાયા છે.

ઉમેદવાર:–

ભાજપ- મનસુખ માંડવિયા

મનસુખ માંડવિયાનો જન્મ ભાવનગરના હનોલ ગામમાં 1 જુલાઈ 1972ના રોજ થયો હતો. તેઓ લેઉઆ પાટીદાર સમાજમાંથી આવે છે. તેમને પ્રાણીશાસ્ત્રમાં રસ હોવાથી વેટરનરી ડૉક્ટર અને રાજકીય વિજ્ઞાનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે. મનસુખ માંડવિયા વિદ્યાર્થીકાળથી જ ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચામાં જોડાયા હતા. એ પહેલાં તેમણે ભાજપની વિદ્યાર્થી વિંગ ABVPના સદસ્ય તરીકે રાજકીય સફરની શરૂઆત કરી હતી.  2002ની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય તરીકે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા છે. વર્ષ 2012માં મનસુખ માંડવિયા સૌપ્રથમવાર રાજ્યસભામાં ચૂંટાયા હતા.

કોંગ્રેસ– લલિત વસોયા

લલિત વસોયાનો જન્મ રાજકોટના ધોરાજી ખાતે થયો હતો. તેઓ લેઉવા પાટીદાર સમાજમાંથી આવે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી વર્ષ 1983માં એસ. વાય. બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો હતો. લલિત વસોયાને રાજકારણ ક્ષેત્રે 30 વર્ષનો અનુભવ છે. 2017ના પાટીદાર અનામત આંદોલનમાં લલિત વસોયાએ સક્રિય ભૂમિકા ભજવી હતી. જેની અસરને લઈને 2017ની વિધાનસભાની ચૂંટણીમાં તેમને ભારે બહુમતી સાથે જીત મળી હતી.  2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપ નેતા રમેશ ધડૂક સામે તેઓની હાર થઈ હતી.

PROFILE:-

  • પોરબંદર લોકસભા બેઠકમાં પોરબંદર, કુતિયાણા, કેશોદ, ગોંડલ, ધોરાજી, જેતપુર અને માણાવદર વિધાનસભાનો સમાવેશ થાય છે.
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના રમેશ ધડુક આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ વોટની લીડથી જીત્યા હતા.

 

  • મતદારોની સંખ્યા
  • કુલ મતદારો   17,62,602
  • પુરુષ મતદાર 9,09,529
  • સ્ત્રી મતદાર   8,53,050

વિધાનસભા બેઠકોની સ્થિતિ

બેઠક વિજેતા પક્ષ વોટ લીડ
પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ 82,056 8,181
કુતિયાણા કાંધલ જાડેજા સમાજવાદી પાર્ટી 60,744 26,712
કેશોદ દેવા માલમ ભાજપ 55,802 4,208
ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ 86,062 43,313
ધોરાજી મહેન્દ્ર  પાડલિયા ભાજપ 66,430 12,248
જેતપુર જયેશ રાદડિયા ભાજપ 1,06,471 76,926
માણાવદર અરવિંદ લાડાણી કોંગ્રેસ 64,690 61,237

પોરબંદર અને માણાવદર બે બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજેતા હતા. જો કે બંન્નેએ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ ભાજપમાં જોડાયા છે. આથી આ બેઠકો પેટા ચૂંટણી યોજાવાની છે.

બેઠકની વિશેષતા

  • આ બેઠક પર પાટીદાર, મહેર અને ખારવા સમાજના મતદારોનું વર્ચસ્વ વધારે છે.
  • 1977થી અસ્તિત્વમાં આવેલી પોરબંદર બેઠક પર સૌપ્રથમ વખત ભારતીય લોકદળના ધરમશી પટેલ સાંસદ બન્યા હતા.
  • 1984 પછી કોંગ્રેસને આ બેઠક પર માત્ર એક જ વાર જીતનો સ્વાદ ચાખ્યો.
  • 1996, 1998 અને 1999 એમ ત્રણ ચૂંટણીમાં ભાજપના ગોરધનભાઈ જાવિયા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા.

NRIs કરશે ભાજપ માટે પ્રચાર, નમોનો ડંકો વગાડશે ગામે-ગામ!

લોકસભા ચૂંટણીને લઈ તમામ પક્ષો પોતાના ઉમેદાવાર માટે પ્રચાર કરતા હોય છે. ગુજરાતમાં પણ કેન્દ્રીય નેતાઓ દ્વારા જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. એવામાં વિદેશમાં રહેતા મૂળ ભારતીયોએ PM નરેન્દ્ર મોદીના સમર્થનમાં કાર રેલીનું આયોજન કર્યું છે. ભાજપના નોન રેસિડેન્ટ ઓફ ઈન્ડિયન (NRI) સમર્થકો ગુજરાતમાં ભાજપના સમર્થનમાં એક રેલી કરવા જઈ રહ્યા છે. NRI4NAMO દ્વારા એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર રેલીનું આયોજન નિરવ પટેલ અને અનાર મહેતા (US) દ્વારા કરવામાં આવ્યું છે.

આ કાર રેલી અમદાવાદના રિવરફ્રન્ટથી શરૂ થશે. જેનું સમાપન નવસારીમાં થશે. આ રેલીની શરૂઆત ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવશે. જે બાદ રેલી અમદાવાદથી આણંદ, વડોદરા, ભરૂચ, સુરત થઈ અંતે નવસારીમાં રેલીનુ સમાપન થશે. આ રેલીમાં લગભગ 150-200 જેટલા NRIs જોડાશે. લગભગ 270 કિમીને આવરી લેતી આ રેલી નવ લોકસભા મતવિસ્તારોમાંથી પસાર થશે. રેલી દરમિયાન ભાજપના NRI સમર્થકો દરેક શહેરમાં મોદી સરકારના કાર્યો વિષે જન જાગૃતિ આપશે. આ સાથે મોદી સરકારની ગેરંટી વિશે પણ લોકો સાથે વાત કરશે. દિવસના અંતે નવસારીમાં સી.આર.પાટીલ NRI લોકો સાથે બેઠક કરી રેલીનું સમાપન કરાવશે.

જ્યારે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા અનાર મહેતાએ જણાવ્યું કે અમે વર્ષોછી દરેક દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં રેલીનું આયોજન કરીએ છે. હાલ સુધીમાં અમે અમેરીકા, UK, આફ્રિકા, દુબઈ જેવા દેશમાં રેલી કરી ચૂક્યા છે. જ્યાં ગુજરાતમાં આ અમારી પ્રથમ રેલી છે.

શું પ્રતિ મહિને રૂ. 18,000 આપશે સરકાર?, જાણો…

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સામાન્ય જનતાન હિતમાં કેટલાય પ્રકારની યોજના ચલાવે છે. આ યોજનાઓની માહિતી લોકોને યુટ્યુબથી માંડીને વેબસાઇટ અને સોશિયલ મિડિયા પર આવે છે. કેટલાક સરકારનાં નામને ગુમરાહ કરવાના સમાચાર શેર કરવામાં લાગ્યા છે. હાલમાં સોશિયલ મિડિયા પર એક વિડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકાર પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. આવો જાણીએ છીએ શું છે સત્ય…

યુટ્યુબ ચેનલ sarkarikhabar21નો એક વિડિયો થંબનેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે 24 એપ્રિલ, 2024થી સરકાર પ્રત્યેક વ્યક્તિને પ્રતિ મહિને રૂ. 18,000 આપશે. PIBએ આ વાયરલ મેસેજનું સત્ય જાણવા પ્રયાસ કર્યા હતા. જે પછી PIBએ આ વાઇરલ મેસેજ પર ખુલાસો કર્યો છે.

સરકારની પ્રેસ એજન્સી PIBએ જ્યારે આ દાવાના મૂળ સુધી જવાના પ્રયાસ કર્યા તો ચોંકાવનારો ખુલાસો થયો હતો. PIBએ સોશિયલ મિડિયા પર વાઇરલ થઈ રહેલા દાવાને સંપૂર્ણ રીતે ખોટો બતાવ્યો હતો. PIBએ લોકોને કહ્યું હતું કે સરકાર દ્વારા એવી કોઈ ઘોષણા નથી કરવામાં આવી. સરકારી એજન્સીએ આ પ્રકારની ભ્રામક પોસ્ટ અને વિડિયોથી દૂર રહેવાની અપીલ કરી હતી. એનું માનવું છે કે આ પ્રકારના મેસેજના ચક્કરમાં આવીને તમે છેતરપિંડીનો શિકાર થઈ શકો છો. સરકાર બધી યોજનાઓની ખુદ પ્રેસ રિલીઝ જારી કરી દે છે. જેથી ભ્રામક પોસ્ટની માયાજાળમાં ફસાવું નહીં.