Home Blog Page 1892

અમેરિકી નિયામકે રિપબ્લિક ફર્સ્ટ બેન્ક બંધ કરી

ન્યુ યોર્કઃ અમેરિકી નિયામકે અમેરિકાની એક બેન્ક રિપબ્લિક ફર્સ્ટ બેન્કને બંધ કરી દીધી છે. એ એક રિજનલ ધિરાણકર્તા હતી, જેનો બિઝનેસ ન્યુ યોર્ક, ન્યુ જર્સી અને પેન્સિલવેનિયા જેવાં મોટાં શહેરોમાં ફેલાયેલો હતો. ફેડરલ ડિપોઝિટ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન (FDIC)એ શુક્રવારે કહ્યું હતું કે ફિલાડેલ્ફિયાની રિપબ્લિક બેન્કને સીઝ કરી દેવામાં આવી છે. બેન્કની પાસે 31 જાન્યુઆરી સુધી 400 કરોડ ડોલરની ડિપોઝિટ હતી અને 600 કરોડ ડોલરની એસેટ્સ હતી.

એજન્સીએ જણાવ્યું હતું કે પેન્સિલવેનિયાના લેન્ચેસ્ટરમાં સ્થિત ફુલ્ટન બેન્કે આ બેન્કની બધી જમા રકમને પર્યાપ્ત રૂપે લઈને અને એની બધી સંપત્તિ ખરીદવા માટે સહમત થઈ છે. ફુલ્ટન બેન્કે રિપબ્લિક બેન્કની બધી ડિપોઝિટ્સ અને એસેટ્સ લેવા માટે સહમતી આપી છે. હવે શનિવારથી રિપબ્લિક બેન્કની બધી 32 શાખા ફુલ્ટન બેન્કની બ્રાન્ચ તરીકે ખૂલશે. FDICએ કહ્યું હતું કે જે પૈસા રિપબ્લિક ફર્સ્ટ બેન્કમાં જમા છે. એ શુક્રવારે રાતે ચેક કે ATM દ્વારા કાઢી શકે છે.

રિપબ્લિક બેન્કના બંધ થવાથી ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ફંડને 66.7 કરોડ ડોલરનો આંચકો લાગવાની શક્યતા છે. આ વર્ષે એ પહેલી બેન્ક છે, જે બંધ થઈ છે અને FDIC હેઠળ હતી. હાલ વધતા વ્યાજદરો અને કોમર્શિયલ પ્રોપર્ટીઝની કિંમતોમાં ઘટાડાને કારણે રિજનલ અને કો-ઓપરેટિવ બેન્કો માટે નાણાકીય જોખમ વધારી દીધું છે. બેન્ક માટે જે મિલકત સામે લોન આપી હતી, એ મિલકતને પગલે રિફાઇનાન્સમાં મુશ્કેલીઓ આવી રહી છે.

 

 

 

 

બીજા તબક્કામાં કેટલું થયું મતદાન?, ગરમીથી 9ના મોત

દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે તારીખ 26 એપ્રિલના બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ચૂક્યું છે. ઉલ્લેખનીય છે તમામ EVM ખામી બોગસ મતદાના આરોપો વચ્ચે શાંતિ પૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ થયું હતું. લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં 13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શુક્રવારે પૂર્ણ થઇ ગયું છે. બીજા તબક્કામાં સરેરાશ મતદાન 61 ટકા નોંધાયું છે.

મતદાન પ્રક્રિયા દરમિયાન EVM સાથે ચેડા અને બોગસ વોટિંગના કેટલાક આરોપો થયા હતા. ઉત્તર પ્રદેશના મથુરા, રાજસ્થાનના બાંસવાડા અને મહારાષ્ટ્રના પરભાનીમાં કેટલાક ગ્રામીણ વિસ્તારોના લોકોએ વિવિધ પ્રશ્નોને લઇને મતદાનનો બહિષ્કાર કર્યો હતો. આ સાથે જ મતદાન દરમિયાન કોઈ પણ હિંસાના બનાવો બન્યા ન હતા. તો બીજી બાજુ લોકસાહિના પર્વની ઉજવણી કરતા 9 લોકોએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે. સૂત્રો પ્રમાણે ભારે ગરમી અને ઉંમરના કારણે 9 લોકોના મોત થયા છે.

ત્યારે ત્રિપુરામાં સૌથી વધુ 78.53, મણિપુરમાં 77.18 જ્યારે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રમાં મામૂલી 53 ટકા જેટલું મતદાન થયું છે. પ્રાપ્ત આંકડા અનુસાર સરેરાશ મતદાનની ટકાવારી 60.96 સુધી પહોંચી છે. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે આંકડો હજુ વધી શકે છે. કેરળની તમામ 20 બેઠકો પર, કર્ણાટકની 28, રાજસ્થાનની 13, મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશની 8-8, મધ્ય પ્રદેશની 6 આસામ અને બિહારની 5-5, છત્તીસગઢ અને બંગાળની 3-3 બેઠકો પર મતદાન યોજાયું હતું. જ્યારે મણીપુર, ત્રિપુરા, જમ્મુ કાશ્મીરમાં 1-1 બેઠક પર મતદાન થયું હતું.

જ્યારે કેરળની વાત કરીએ તો કેરળમાં કુલ 65.23 ટકા મતદાન થયું હતું. જેમાં કેટલા વિસ્તારોમાં EVM ખરાબ થયા સાથે બોગસ વોટિંગ થવાના આરોપ લાગ્યા હોવાનું સામે આવ્યું. આરોપા બાદ કેટલાક પ્રભાવિત મતદાન મથકો પર મતદાન પ્રક્રિયાને અસર પહોંચી હતી. લોકશાહિના મહા પર્વમાં ભાગ લેવા ભારે ગરમીનો સામનો કરી મતદાન મથક પહોંચ્યા હતા. જેમાંથી ગરમી અને વધુ ઉંમરને કારણએ 8 જેટલા લોકોના મૃત્યું થયા હોવાનું સામે આવ્યું.  આ ઉપરાંત એક પોલિંગ એજન્ટનું મોત થયાનું સામે આવ્યું છે. કર્ણાટકમાં 64.85 ટકા મતદાન થયું હતું અહીંયા બેંગ્લોર દક્ષિણના ભાજપના વર્તમાન સાંસદ અને ઉમેદવાર તેજસ્વી સૂર્યા સામે ધર્મના નામે મત માગવા બદલ ફરિયાદ દાખલ થયાનું ચૂંટણી પંચે જણાવ્યું હતું.

મારી ભૂલની સજા PM મોદીને ના આપતાઃ રૂપાલા

રાજકોટઃ લોકસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન ગઈ કાલે પૂરું થયું છે. ગુજરાતની રાજકોટની લોકસભા સીટથી ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા ફરી એક વાર ક્ષત્રિય સમાજની માફી માગી છે. જસદણમાં આયોજિત એક ચૂંટણી સભાને સંબોધિત કરતાં રૂપાલાએ કહ્યું હતું કે ભૂલ મેં કરી હતી, જાહેરમાં માફી પણ માગી છે. મારે કોઈ ભૂલ કરવાનો ઇરાદો નહોતો. મેં ક્ષત્રિય સમાજની વચ્ચે જઈને ક્ષમાયાચના માગી છે. તેમણે મને પ્રતિસાદ પણ આપ્યો હતો, પરંતુ વડા પ્રધાન મોદીનો વિરોધ કેમ?

તેમણે કહ્યું હતું કે તમે તમારા રાષ્ટ્રના યોગદાનને યાદ કરો. ભાજપના વિકાસમાં તમારું મોટું યોગદાન છે. 18 કલાક કામ કરવાવાળા વડા પ્રધાન મોદી જ્યારે દેશ સિવાય કંઈ ના વિચારતા હોય, ત્યારે 140 કરોડ લોકોને પોતાનો પરિવાર સમજતા હોય, ત્યારે તેમનો વિરોધ મારે કારણે કેમ ? મોદીની વિકાસ યાત્રામાં અનેક ક્ષત્રિય સાથે રહ્યા છે. મારી ભૂલ હું સ્વીકારું છું, પણ વડા પ્રધાન મોદીની વિરુદ્ધ ક્ષત્રિય સમાજને ઊભો કરવો એ મને યોગ્ય નથી લાગતું. તેમની સામે દર્શાવવામાં આવી રહેલા આક્રોશને લઈને પુનર્વિચાર કરો, એમ તેમણે કહ્યું હતું.

ભાજપના ડેમેજ કન્ટ્રોલના તમામ પ્રયાસો છતાં ગુજરાત, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન જેવાં રાજ્યોમાં ક્ષત્રિય સમાજનો ગુસ્સો શાંત નથી થઈ રહ્યો. છેલ્લા કેટલાંક સપ્તાહોમાં આ રાજ્યોમાં ભાજપની વિરુદ્ધ સમાજ તરફથી વિરોધ-પ્રદર્શન જોવા મળ્યું હતું. જેથી ભાજપના કોર વોટ બેન્ક રાજપૂત પહેલા બે તબક્કામાં મતદાન કેન્દ્રોથી દૂર રહ્યા છે.

 

શા માટે ઉજવવામાં આવે છે વિશ્વ ડિઝાઈન દિવસ?

વિશ્વ ડિઝાઇન દિવસ (World Design Day) દર વર્ષે 27 એપ્રિલે ઉજવવામાં આવે છે.ડિઝાઈન કેવી રીતે આપણી દુનિયાને બદલી શકે તેનું મહત્વ સમજાવવા પર ભાર મૂકે છે આ દિવસ. આપણે સમજીએ છીએ તેના કરતાં વધુ ડિઝાઈનની આપણા રોજિંદા જીવન પર દૂરગામી અસર પડે છે. ડિઝાઇન એ વિચારવાનો એક માર્ગ છે, જે સમસ્યાઓ હલ કરે છે અને જીવનને વધુ સારું બનાવે છે. તે નવીનતાને જન્મ આપે છે અને સુંદર બનાવે છે. વિશ્વ ડિઝાઇન દિવસ ડિઝાઇનર્સના અસાધારણ કાર્યની પ્રશંસા કરવાની તક આપે છે. આ એવા લોકો છે જે આપણી આસપાસની દુનિયાને આકાર આપે છે. આ દિવસ આપણને ડિઝાઇનની શક્તિ વિશે વિચારવાની તક પણ આપે છે અને વિશ્વને વધુ સારું સ્થાન બનાવવા માટે આપણે તેનો ઉપયોગ કેવી રીતે કરી શકીએ.

વિશ્વ ડિઝાઇન દિવસ શા માટે ઉજવવામાં આવે છે?

આ દિવસ સુંદરતા અને કાર્યક્ષમતાનો સંગમ છે. ડિઝાઇન વસ્તુઓને સુંદર તો બનાવે જ છે,પણ સાથે સાથે તેને વધુ કાર્યાત્મક અને ઉપયોગી પણ બનાવે છે. ઉદાહરણ તરીકે, સારી રીતે ડિઝાઇન કરેલી ખુરશી માત્ર સુંદર જ નથી લાગતી પણ તેના પર બેસવામાં પણ આરામદાયક છે. ડિઝાઇનનો ઉપયોગ સમસ્યાઓ હલ કરવા માટે થાય છે. ઉદાહરણ તરીકે, ગ્રાફિક ડિઝાઇનનો ઉપયોગ માહિતીને સ્પષ્ટ અને અસરકારક રીતે સંચાર કરવા માટે થાય છે, જ્યારે પ્રોડક્ટ ડિઝાઇનનો ઉપયોગ એવા ઉત્પાદનો બનાવવા માટે થાય છે જે વપરાશકર્તાઓના જીવનને સરળ બનાવે છે. સારી ડિઝાઇન આપણા જીવનની ગુણવત્તા સુધારી શકે છે. તે આપણા ઘરો, કાર્યસ્થળો, શહેરો અને આપણા ડિજિટલ વિશ્વને વધુ રહેવા યોગ્ય અને સુખદ બનાવી શકે છે.1995 થી આ દિવસ વિશ્વને ડિઝાઇનના મૂલ્ય અને તેના યોગદાનને ઓળખવાની તક આપે છે.

1963માં સ્થપાયેલ ગ્રાફિક ડિઝાઇનની વૈશ્વિક સંસ્થા ‘ઇકોગ્રાડા’ (Icograda)ની વર્ષગાંઠની ઉજવણી રૂપે આ દિવસ ઉજવવામાં આવે છે. જેની શરૂઆત 1995થી થઈ હતી. આ દિવસ ગ્રાફિક ડિઝાઇન અને માહિતી રૂપરેખાનાં વ્યવસાયની ઉજવણી કરે છે.

પ્રથમ પહેલ ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ગ્રાફિક ડિઝાઇન એસોસિએશન વી.પી. કિમ પોલસેન દ્વારા શરૂ 1995માં કરવામાં આવી હતી.વિશ્વ ડિઝાઇન દિવસની પ્રથમ થીમ ‘વર્લ્ડ ગ્રાફિક્સ ડે’ હતી. ડિઝાઇનના મૂલ્ય વિશે જાગૃતિ લાવવા અને જીવનની ગુણવત્તામાં સુધારો કરવાના માર્ગ તરીકે સારી ડિઝાઇનને પ્રોત્સાહન આપવા માટે આ દિવસની સ્થાપના કરવામાં આવી હતી.

કોરાનાના 120 નવા કેસો, એક પણ મોત નહીં

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 120 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,707 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,585 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,503 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 117 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 741 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,911 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 22 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

પદમિનિ ‘એક દુજે કે લિયે’ કરી ના શકી

પદમિનિ કોલ્હાપુરેએ બાળ કલાકાર તરીકે ઘણી ફિલ્મો કરી હતી. એ જ્યારે યુવાનીમાં પ્રવેશી રહી હતી ત્યારે હીરોઈન તરીકે એને એકસાથે અનેક ફિલ્મો મળી હતી. એમાંથી ‘એક દુજે કે લિયે’ (૧૯૮૧) એક કારણથી છોડવી પડી હતી અને બીજી ફિલ્મ સ્વીકારી લીધી હતી. પદમિનિને હીરોઈન તરીકે સૌથી પહેલાં નિર્માતા એલ. વી. પ્રસાદે એમની કે. બાલાચંદરના નિર્દેશનમાં બનનારી ફિલ્મ ‘એક દુજે કે લિયે’ માટે સાઇન કરી લીધી હતી. એનું શુટિંગ શરૂ થયું ન હતું ત્યારે રિશી કપૂરે પદમિનિને ફિલ્મ ‘ઇન્સાફ કા તરાજૂ’ (૧૯૮૦) ના સેટ પર ઝીનત અમાનની બહેનની ભૂમિકામાં એક ગીતના ફિલ્માંકનમાં જોઈ હતી.

નિર્દેશક નાસિર હુસેને ત્યારે ‘જમાને કો દિખાના હૈ’ (૧૯૮૧) ની હીરોઇન માટે વાત કરી ત્યારે રિશીએ એનું નામ આપ્યું હતું. પદમિનિ જ્યારે નાસિરને મળવા ગઈ ત્યારે એમણે એક નહીં ત્રણ ફિલ્મો માટે કરારબધ્ધ કરીને સાઇન કરી લીધી હતી. એમાં એક શરત એવી હતી કે યુવા હીરોઇનના રૂપમાં ‘જમાને કો દિખાના હૈ’ પદમિનિની પહેલી રજૂ થનારી ફિલ્મ રહેશે. પરંતુ એના એક મહિના પહેલાં પદમિનિએ ‘એક દુજે કે લિયે’ મેળવી હતી. એ માટે કોઈ કરાર કર્યો ન હતો. એટલે આ વાત જ્યારે પદમિનિએ એલ.વી. પ્રસાદને કરી ત્યારે એ પોતાની ફિલ્મને મોડી રજૂ કરવા તૈયાર ન હતા. દક્ષિણમાં ફિલ્મો ઝડપથી બનતી હતી અને રજૂ પણ તરત થતી હતી. એ કારણે પદમિનિ ‘એક દુજે કે લિયે’ કરી શકી ન હતી.

‘જમાને કો દિખાના હૈ’ શરૂ થઈ ત્યારે મોટી જાહેરાત કરવામાં આવી કે રિશી કપૂર સાથે નવી હીરોઈન પદમિનિ પહેલી વખત ચમકી રહી છે. દરમ્યાનમાં રાજ કપૂરને ખબર પડી કે એમની ફિલ્મ ‘સત્યમ શિવમ સુંદરમ’ (૧૯૭૮) ની ‘બેબી રૂપા’ હીરોઈન બની ગઈ છે. એમણે પદમિનિને બોલાવીને કહ્યું કે તું ક્યારે મોટી થઈ ગઈ એની ખબર જ ના પડી. અને એમણે ‘પ્રેમરોગ’ (૧૯૮૨) માટે સ્ક્રિન ટેસ્ટ લીધો. કેમકે એક વિધવાની ભૂમિકામાં તે યોગ્ય રહેશે કે નહીં એ ચકાસવું પડે એમ હતું. એમણે સફેદ સાડીમાં પદમિનિનો સ્ક્રિન ટેસ્ટ લીધો ત્યારે નિર્દેશન એ પોતે કરવાના ન હતા.

લેખક જૈનેન્દ્ર જૈન નિર્દેશક હતા. આરજે અનમોલ સાથેની એક મુલાકાતમાં પદમિનિએ એની શરૂઆતની ફિલ્મો વિશે આ વાત કરતાં કહ્યું હતું કે પાછળથી એમણે જ નિર્દેશનની બાગડોર સંભાળવાનો નિર્ણય કર્યો હતો. અને બંને ફિલ્મો સાથે જ શરૂ થઈ હતી. સંજોગો એવા ઊભા થયા કે નાસિર હુસેનની ‘જમાને કો દિખાના હૈ’ પદમિનિની રજૂ થનારી પહેલી ફિલ્મ બની શકી નહીં. કેમકે પદમિનિએ ત્રીજી ફિલ્મ ‘આહિસ્તા આહિસ્તા’ (૧૯૮૧) પણ મેળવી હતી અને એનું શુટિંગ શરૂ થઈ ગયું હતું. પદમિનિની એકસાથે ત્રણ ફિલ્મો બની રહી હતી. એમાં ‘આહિસ્તા આહિસ્તા’ સૌથી પહેલાં બનીને તૈયાર થઈ ગઈ એટલું જ નહીં ઓક્ટોબર માસમાં રજૂ પણ પહેલી થઈ. જ્યારે ‘જમાને કો દિખાના હૈ’ ડિસેમ્બરમાં આવી. નવાઈની વાત એ રહી કે પદમિનિ સાથેની પોતાની ફિલ્મ સૌથી પહેલી રજૂ ના થઈ એ બાબતે નાસિર હુસેને વાંધો ઉઠાવ્યો નહીં.

૨૭ એપ્રિલ, ૨૦૨૪

૨૭ એપ્રિલ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 27/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 27/04/2024

હું કોંગ્રેસનો સૈનિક છું : નિલેશ કુંભાણી

સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ શિસ્ત સમિતિએ કાર્યવાહી કરીને કુંભાણીને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા અને એ સાથે જ છેલ્લા છ દિવસથી ગાયબ કુંભાણી અચાનક વિડિયો રૂપે પ્રગટ થયા છે. 5 મિનિટ 15 સેકન્ડના વીડિયો દ્વારા એમણે પોતાનો પક્ષ રજૂ કર્યો સાથે કોંગ્રેસ પર આક્ષેપ પણ મૂક્યા અને પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો રાગ આલાપ્યો હતો.

નિલેશ કુંભાણીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો ? અમારી સભા કે ડોર ટુ ડોર કેમ્પેનમાં એકપણ આગેવાન આવ્યા નહોતા. મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો.

નિલેશ કુંભાણી વધુમાં જણાવે છે કે,  2017માં પણ ભાજપની ઓફર હતી. અપક્ષ લડવા અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપવાની વાત છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નહોતું.’

પ્રતાપ દૂધાત બાબતે કહ્યું કે, મેં પ્રતાપભાઈને ઘણીવાર કીધું કે, તમે સભાઓમાં મારી સાથે આવો તો તેમણે કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલી પછીની તારીખ લેજે એટલે મેં તેને પૂછીને ત્યાર પછીની તારીખ લીધી. પરંતુ તેઓએ મારો ફોન નહોતો ઉઠાવતા એટલે મેં મોવડી મંડળને કહ્યું કે, તમે પ્રતાપ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જાવ ત્યારે મારી સાથે હાજર રહે. પરંતુ તેઓ આવ્યા નહીં અને તેઓ જે મને મારી નાંખવાની ધમકી આપે છે જો તેઓ હાજર રહ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.

વીડિયોમાં છેલ્લે એમણે પોતે કોંગ્રેસના સૈનિક હોવાનું જણાવીને કહ્યું કે,  હું ચૂંટણી જીત્યો કે હાર્યો વરાછા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી હતી. હું એકપણ નિવેદન મારી કોંગ્રેસને નુકસાન થાય એવું નહીં આપ્યું. આ બધું થયું છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.

ઘોડા છૂટી ગયા પછી હાજર થયેલા કુંભાણીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. પણ એમના કહેવામાં શું સાચું શું ખોટું એ તો હાથ જાણે કે કમળ જાણે!

(અરવિંદ ગોંડલિયા, સુરત)