સુરતના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણી સામે કોંગ્રેસ શિસ્ત સમિતિએ કાર્યવાહી કરીને કુંભાણીને પક્ષ માંથી 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી દીધા અને એ સાથે જ છેલ્લા છ દિવસથી ગાયબ કુંભાણી અચાનક વિડિયો રૂપે પ્રગટ થયા છે. 5 મિનિટ 15 સેકન્ડના વીડિયો દ્વારા એમણે પોતાનો પક્ષ રજૂ કર્યો સાથે કોંગ્રેસ પર આક્ષેપ પણ મૂક્યા અને પોતે કોંગ્રેસના જ સૈનિક હોવાનો રાગ આલાપ્યો હતો.

નિલેશ કુંભાણીએ વીડિયો મેસેજમાં કહ્યું કે, હું મોવડી મંડળના સંપર્કમાં જ હતો. બાબુભાઈ માંગુકિયા સાથે મારી વાત થઈ હતી. આવતીકાલે સવારે હું અમદાવાદ જવા નીકળીશ. મારા સગા અને સંબંધીઓને મેં કીધું હતું કે, કોંગ્રેસ પાર્ટી આપણી સાથે છે. આપણે કંઈ ડરવાની જરૂર નથી. બધાના સાથ સહકાર લઈ પિટિશન દાખલ કરવા હું અમદાવાદ રવાના થયો ત્યારે કોના ઇશારે કોંગ્રેસના કાર્યકરોએ મારા ઘરે આવી મને પરત ફરવા મજબૂર કર્યો ? અમારી સભા કે ડોર ટુ ડોર કેમ્પેનમાં એકપણ આગેવાન આવ્યા નહોતા. મને એકલો મૂકી દીધો હતો અને હું એકલો પ્રચાર કરતો હતો.
નિલેશ કુંભાણી વધુમાં જણાવે છે કે, 2017માં પણ ભાજપની ઓફર હતી. અપક્ષ લડવા અથવા કોંગ્રેસ વિરુદ્ધ નિવેદન આપવાની વાત છતાં મેં કોંગ્રેસ વિરુદ્ધ એકપણ નિવેદન આપ્યું નહોતું.’
પ્રતાપ દૂધાત બાબતે કહ્યું કે, મેં પ્રતાપભાઈને ઘણીવાર કીધું કે, તમે સભાઓમાં મારી સાથે આવો તો તેમણે કીધું કે હું ફોર્મ ભરતી વખતે તારી સાથે આવીશ. તું અમરેલી પછીની તારીખ લેજે એટલે મેં તેને પૂછીને ત્યાર પછીની તારીખ લીધી. પરંતુ તેઓએ મારો ફોન નહોતો ઉઠાવતા એટલે મેં મોવડી મંડળને કહ્યું કે, તમે પ્રતાપ દૂધાતને કહો કે હું ફોર્મ ભરવા જાવ ત્યારે મારી સાથે હાજર રહે. પરંતુ તેઓ આવ્યા નહીં અને તેઓ જે મને મારી નાંખવાની ધમકી આપે છે જો તેઓ હાજર રહ્યા હોત તો આ પરિસ્થિતિનું નિર્માણ ન થયું હોત.
વીડિયોમાં છેલ્લે એમણે પોતે કોંગ્રેસના સૈનિક હોવાનું જણાવીને કહ્યું કે, હું ચૂંટણી જીત્યો કે હાર્યો વરાછા રોડમાં કોંગ્રેસની કાર્યાલય સતત ખુલી રાખી હતી. હું એકપણ નિવેદન મારી કોંગ્રેસને નુકસાન થાય એવું નહીં આપ્યું. આ બધું થયું છતાં હું કોંગ્રેસનો સૈનિક છું અને રહેવાનો છું. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે.
ઘોડા છૂટી ગયા પછી હાજર થયેલા કુંભાણીનો આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. પણ એમના કહેવામાં શું સાચું શું ખોટું એ તો હાથ જાણે કે કમળ જાણે!
(અરવિંદ ગોંડલિયા, સુરત)


અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમાં યોજાનારા વિવિધ વિષયો પર ચિરાગ શાહ( નવજીવન) , વ્યોમ સોની( અંધજન મંડળ ) અને દ્રષ્ટિ શાહ( નવજીવન) નામના કલાકારોએ ભાગ લીધો છે. આ ચિત્રોના પ્રદર્શનને જાણીતા આર્ટિસ્ટ, ડિઝાઈનર, વિઝ્યુલાઈઝર કુલીન પટેલ તેમજ આર્ટિસ્ટ ભારતી પ્રજાપતિના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.
દિવ્યાંગ બાળકોના આ ચિત્ર કોઈ ચોક્કસ થીમ નથી. પરંતુ એક કલાકારે સાંપ્રત ચૂંટણીમાં મતદાન જાગૃતિનો સંદેશ પોતાની પીંછીથી આપવાનો પ્રયાસ કર્યો છે.












બે દિવસ પહેલાં લોકસભાની ચૂંટણી ટાળે જ પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સંગઠનમાં મોટું ગાબડું પડ્યું હતું. જેમાં પ્રદેશ કોંગ્રેસના ડેલિગેટ મેમ્બર તેમજ શહેરા વિધાનસભા બેઠકના કોંગ્રેસના પૂર્વ ઉમેદવાર દુષ્યંતસિંહ ચૌહાણ સહિત 70 જેટલાં કાર્યકરોએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે આ તમામ કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો શનિવારે કેસરિયા કરશે તેવી માહિતી સામે આવી છે. આગામી લોકસભાની ચૂંટણીપ્રચાર અર્થે ભાજપના સ્ટારપ્રચારક તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી શનિવારે ગોધરા શહેરમાં લુણાવાડા રોડ પર આવેલા ગ્રાઉન્ડ ખાતે જાહેરસભાને સંબોધન કરવાના છે. પંચમહાલ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર રાજપાલસિંહ જાદવના ચૂંટણી પ્રચારાર્થે અમિત શાહ ગોધરા ખાતે સભા ગજવશે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો કેસરિયા ધારણ કરીને ભાજપમાં જોડાશે.
દુષ્યંતસિંહ કોંગ્રેસ દ્વારા પંચમહાલ લોકસભા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણને ટિકિટ અપાતા નારાજ હતા. નારાજગી બાદ દુષ્યંતસિંહે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું, શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડ સામે વિધાનસભાની ચૂંટણી લડેલા દુષ્યંતસિંહ હવે ભાજપનો પ્રચાર કરતા જોવા મળશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દુષ્યંતસિંહ ચૌહાણ મળ્યા હતા. આ મુલાકાત દરમિયાન કાર્યકરો અને વિવિધ હોદ્દેદારો, મહિલા હોદ્દેદારો, શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડ પણ હાજર રહ્યા હતા.