Home Blog Page 1900

શું સરકાર ખાનગી સંપત્તિને જપ્ત કે પુનર્વિતરિત કરી શકે? જાણો…

નવી દિલ્હીઃ બંધારણનો ઉદ્દેશ સામાજિક પરિવર્તનની ભાવના લાવવાનો છે અને એ કહેવું ખતરનાક હશે કે કોઈ વ્યક્તિની ખાનગી સંપત્તિને સમાજ કે ભોતિક સંસાધનોના રૂપે ના માની શકાય અથવા જાહેર ભલાઈ માટે રાજ્ય દ્વારા એના પર કબજો ના કરી શકાય, એમ સુપ્રીમ કોર્ટે બુધવારે કહ્યું હતું.

આ ટિપ્પણની મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી નવ જજોની ખંડપીઠ દ્વારા કરવામાં આવી છે. કોર્ટમાં મુંબઈના પ્રોપર્ટી ઓનર્સ એસોસિયેશન સહિત અન્ય પક્ષકારોએ દલીલ કરી છે કે બંધારણની યોજનાને નામે રાજ્યના અધિકારી દ્વારા ખાનગી મિલકત પર કબજો ના કરી શકાય. એસોસિયેશનનું કહેવું છે કે અનુચ્છેદ-39 B અને 31 Cની બંધારણીય યોજનાઓ હેઠળ સંપત્તિ પર કબજો ના કરી શકાય.

ખંડપીઠ જટિલ કાનૂની સવાલ પર વિચાર કરી રહી છે કે શું ખાનગી સંપત્તિઓને બંધારણના અનુચ્છેદ (B) હેઠળ સમુદાય કે ભૌતિક સંસાધન માની શકાય, જે રાજ્ય નીતિના સિદ્ધાંતો (DPSP)નો હિસ્સો છે.

ખંડપીઠે કહ્યું હતું કે બંધારણનો ઉદ્દેશ સામાજિક પરિવર્તન લાવવાનો હતો અને સંપત્તિ ખાનગી રીતે રાખ્યા પછી અનુચ્છેદ 39 (B)નો ઉપયોગ ના થઈ શકે, એમ અમે નથી કહેતા. એમાં કહેવામાં આવ્યું છે કે અધિકારીઓએ જર્જરિત ઇમારતોને પોતાના કબજામાં લેવાનો અધિકાર મહારાષ્ટ્રમાં કાયદેસર છે કે નહીં,- એ સંપૂર્ણપણે અલગ મુદ્દો છે અને એનો નિર્ણય સ્વતંત્ર રીતે કરવામાં આવવો જોઈએ.

 

 

અમદાવાદ લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર

અમદાવાદ: ઔદ્યોગિક એકમોના કર્મચારીઓ તેમજ શ્રમયોગી લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહભેર ભાગીદારી નોંધાવવા તૈયાર છે. જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા મતદાન જાગૃતિ માટે વિવિધ ઓદ્યોગિક એકમોમાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં અમદાવાદના ૫૦ હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓ  ‘મતદાન અવશ્ય કરીશું’નો સંકલ્પ લઈ ચૂક્યા છે.

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર અમદાવાદ તેમજ ચૂંટણી શાખા અને અમદાવાદ કલેકટર દ્વારા જિલ્લાના અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમને લઇને  બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક બાદ અમદાવાદ જિલ્લાની ઔદ્યોગિક વસાહતો તથા અન્ય ઔદ્યોગિક વિસ્તારોનો જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા રૂબરૂ સંપર્ક કરવામાં આવ્યો હતો.

જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની અલગ અલગ ટીમો દ્વારા નરોડા જી.આઈ.ડી.સી., વટવા જી.આઈ.ડી.સી., ઓઢવ જી.આઈ.ડી.સી., કઠવાડા જી.આઈ.ડી.સી.માં અલગ અલગ ઔદ્યોગિક એકમોમાં તેમજ અન્ય ઔદ્યોગિક વિસ્તારો જેવા કે નારોલ, પિરાણા, પીપળજ, બાકરોલ વગેરે વિસ્તારોમાં આવેલા ઔદ્યોગિક એકમોને રૂબરૂ સંપર્ક કરી લોકસભાચૂંટણી 2024માં મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. આ કાર્યક્રમો થકી ઔદ્યોગિક કર્મચારીઓ તેમજ શ્રમયોગીઓમાં મતદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવી હતી.

“અવસર લોકશાહીનો, મારા ભારતનો’’, ’’ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ’’ જેવા સ્લોગનો સાથે ઔદ્યોગિક એકમોમાં કામ કરતાં લગભગ 50 હજારથી વધુ કર્મચારીઓ તથા શ્રમયોગીઓને લોકસભા ચૂંટણીમાં મતદાન અવશ્ય કરવાના શપથ લેવડાવવામાં આવ્યા હતા.

સુરતમાં મતદાન નહીં થાય અને થશે પણ!

સુરત: લોકસભા ચૂંટણી-2024માં ભાજપને દેશની પ્રથમ જીત અહીંથી મળી ગઈ છે. ભાજપના ઉમેદવાર આ બેઠક પરથી બિનહરીફ વિજેતા જાહેર થયા છે. ત્યારે સુરતના ૧૭.૬૭ લાખ મતદારો મતદાનથી વંચિત રહેશે. જો કે સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના ૧૫.૨૪ અને નવસારી લોકસભાના ૧૪.૧૬ લાખ મતદારો હોવાથી આ બન્ને લોકસભાના સુરત જિલ્લામાં રહેતા ૨૯.૪૦ લાખ મતદારો મતદાન કરી શકશે.સુરત શહેર અને જિલ્લામાં કુલ ૧૬ વિધાનસભાનો મત વિસ્તાર છે. જેમાં ઓલપાડ, પૂર્વ સુરત, ઉતર સુરત, વરાછા, કરંજ, કતારગામ અને પશ્ચિમ સુરત આ સાત વિધાનસભામાં આવતા ૧૭.૬૭ લાખ મતદારોએ મતદાન કરવાનું નથી. જયારે આ સિવાયના નવ વિધાનસભા સમાવિષ્ટ મતદારો મતદાન કરી શકશે. માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા વિધાનસભાના કુલ ૧૫.૨૪ લાખ મતદારો બારડોલી લોકસભા માટે જ્યારે લિંબાયત, ઉધના, મજુરા અને ચોર્યાસી વિધાનસભાના ૧૪.૧૬ લાખ મતદારો નવસારી લોકસભા માટે મતદાન કરી શકશે.એ રીતે સુરત જિલ્લાની કુલ ૧૬ વિધાનસભા બેઠકના કુલ ૪૭.૦૮ લાખ મતદારોમાંથી સુરત બેઠકના ૧૭.૬૭ લાખ મતદારોને બાદ કરતા બાકીના ૨૯.૪૦ લાખ મતદારો 7મી મેના રોજ પોતાની આંગળી પર શાહી લગાવીને લોકશાહી ઉત્સવમાં ભાગ લઈ શકશે.

(અરવિંદ ગોંડલિયા – સુરત)

જૂનાગઢ નું રાજકારણ ગરમાયું, ભાયાણી સામે કાર્યવાહી તો કિરીટ પટેલને ક્લિનચીટ

રાજ્યમાં ગરમી સાથે રાજકારણનો પારો પણ ઉપર જતો જોવા મળી રહ્યો છે. જ્યાં ભાજપ પોતાના નેતાઓના નિવેદનનો લઈ ડેમજ કંટ્રોલ કરી રહ્યા છે. પહેલા રાજકોટ બેઠકના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાના નિવેદન મામલે વિરોધના વંટોળ ઠંડા પડ્યા નથી. તો બીજી બાજુ જૂનાગઢમાં બે નેતાઓ એક જ મંચ પર ભાન ભૂલ્યા હતા. નેતાના વિવાદીત નિવેદન લઈ ફરી કોંગ્રેસના ભાજપ પર તિખા પ્રહારો શરૂ થઈ ચૂક્યા છે.

શું છે નિવેદનનો વિવાદ?

જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધિત કરતાં આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીએ કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું ‘રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં’. આટલુ જ નહિં સભા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે રાજા અને તેની પટરાણીઓ વિશે વિવાદીત નિવેદન કર્યું હતું.

ભાજપ નેતા પર કાર્યવાહી

ભૂપત ભાયાણી અને કિરીટ પટેલ સામે ચૂંટણી તંત્રમાં આચારસંહિતા ભંગ અંગે ફરિયાદ કરવામાં આવી હતી. જે બાદ આ અંગેનો રિપોર્ટ વિસાવદર એ.આર.ઓ.ને આપ્યો હતો. ભુપત ભાયાણીએ રાહુલ ગાંધી વિશે વ્યક્તિગત નિવેદન જાહેરમાં આપ્યું હોવાથી આચારસંહિતાનો ભંગ હોવાનું જાણવા મળી રહ્યું છે. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે કોઇના પર વ્યક્તિગત નિવેદન કર્યું ન હોવાથી આ કિસ્સામાં આચારસંહિતા ભંગ લાગતો ન હોવાનો રિપોર્ટ આપવામાં આવ્યું છે. આ રિપોર્ટ જિલ્લા નોડલ અધિકારીને મોકલવામાં આવ્યો છે. નોંધનિય છે કે અરજદારે જિલ્લા ભાજપ પ્રમુખને અપાયેલી ક્લીનચીટ સામે વાંધા અરજી કરી વિરોધ નોંધાવ્યો છે.

લોકસભા ચૂંટણીઃ ભાજપ, કોંગ્રેસે કાયદાનું કર્યું ઉલ્લંઘન

નવી દિલ્હીઃ ચૂંટણીમાં ડિજિટલ વર્લ્ડની ભૂમિકા અસરકારક થઈ રહી છે. હવે વાદવિવાદ સોશિયલ મિડિયાના ઉપયોગ અને દુરુપયોગથી આગળ નીકળી ચૂકી છે. હવે સોશિયલ મિડિયા પર ઓળખ છુપાવીને ખોટી માહિતી ફેલાવવા સુધી સીમિત નથી, પણ હવે મોટા-મોટા રાજકીય પક્ષ આયોજનબદ્ધ રીતે ડિજિટલ પ્લેટફોર્મોનો ઉપયોગ કરીને આચારસંહિતાનો છડેચોક ભંગ કરી રહ્યા છે.

મતદાન શરૂ થવાના 38 કલાક (સાયલન્સ પિરિયડ) પહેલાં ચૂંટણીપ્રચાર બંધ થઈ જાય છે. આ સમયગાળામાં ટેલિવિઝન કે આ પ્રકારના કોઈ પણ ઉપકરણના માધ્યમથી ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ લાગે છે.

ચૂંટણી પંચે વિવિધ નોટિફિકેશનોમાં સ્પષ્ટ કર્યું છે કે કલમ 126 સોશિયલ મિડિયા પર પણ લાગુ છે, પરંતુ રાજકીય પક્ષો ચૂંટણી પંચના નોટિફિકેશનને સતત ઠેંગો બતાવી રહ્યા છે. સાયલન્સ પિરિયડ દરમ્યાન રાજકીય પ્રચાર અટકાવવાવાળા સ્પષ્ટ નિયમો છતાં પાર્ટીઓ આ દરમ્યાન સોશિયલ મિડિયા પર જાહેરાત કરીને મબલક પૈસા ખર્ચી રહી છે.

એક અભ્યાસમાં માલૂમ પડ્યું હતું કે પહેલા તબક્કાના મતદાન પહેલાંના સાયલન્સ પિરિયડમાં ભાજપે 64 ટકા જાહેરાતો અને કોંગ્રેસે 32 ટકા જાહેરાત પોસ્ટ કરી હતી. આ ઉપરાંત ભાજપે 17-19 એપ્રિલ, 2024ની વચ્ચે ગૂગલ પર 60,500 જાહેરાત અને મેટા પ્લેટફોર્મ પર 6808 જાહેરાત પોસ્ટ કરવામાં આવી હતી, જ્યારે કોંગ્રેસ આ સમયગાળામાં 1882 અને 114 જાહેરાત પોસ્ટ કરી હતી. ભાજપ અને કોંગ્રેસે આ જાહેરાતો માટે રૂ. 1-1 કરોડથી વધુનો ખર્ચ કર્યો હતો.

આદર્શ આચારસંહિતાનું ઉલ્લંઘન કરવાવાળા ભાજપની 64 જાહેરાતોમાંથી 27 ઉત્તર પ્રદેશ માટે હતી, જ્યારે કોંગ્રેસનું ફોકસ મણિપુર હતું.

 

 

 

 

 

 

 

IPL મામલે સાઈબર પોલીસે અભિનેત્રી તમન્ના ભાટિયાને પાઠવ્યું સમન

મુંબઈ: મહારાષ્ટ્ર સાયબર સેલે બૉલિવૂડ અભિનેત્રી તમન્ના ભાટિયાને ફેરપ્લે એપ પર IPL 2023ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના સંબંધમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે.અભિનેત્રીને 29 એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવા માટે કહેવામાં આવ્યું છે. વાસ્તવમાં 2023માં ફેરપ્લે એપ પર IPLના ગેરકાયદેસર સ્ટ્રીમિંગના મામલામાં તમન્નાને પૂછપરછ માટે બોલાવવામાં આવી છે.

શું છે સમગ્ર મામલો

મહારાષ્ટ્ર સાયબર ફેરપ્લે એપ પર IPL 2023 ની ગેરકાયદેસર સ્ટ્રીમિંગના મામલામાં વાયકોમને કરોડો રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું હતું. પોલીસે હવે આ કેસમાં તમન્ના ભાટિયાને પૂછપરછ માટે બોલાવી છે. જો કે તમન્ના પહેલા પણ આ મામલે અનેક કલાકારોને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. હકીકતમાં, પોલીસ એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે શું આ કલાકારોને ફેરપ્લે એપ દ્વારા IPL 2023 ના ગેરકાયદેસર સ્ટ્રીમિંગની અગાઉથી જાણકારી હતી.

તમન્ના પહેલા સંજય દત્તની પૂછપરછ કરવામાં આવી હતી

આ મામલે તમન્નાએ 29મી એપ્રિલે મહારાષ્ટ્ર સાયબર સમક્ષ હાજર થવું પડશે. આ સંબંધમાં તમન્ના પહેલા અભિનેતા સંજય દત્તને પણ 23 એપ્રિલે બોલાવવામાં આવ્યા હતા,પરંતુ તે તેમની સામે હાજર થયા ન હતા. આ માટે સંજય દત્તે પોતાનું નિવેદન નોંધવા માટે નવી તારીખ અને સમયની માંગણી કરી છે.કારણ કે જે તારીખે સંજય દત્તને મહારાષ્ટ્ર સાયબર પોલીસ દ્વારા બોલાવવામાં આવ્યા હતા તે તારીખે તે ભારતમાં નહોતા.

ચાહકો તમન્નાને લઈને ચિંતિત

તમન્ના ભાટિયાને આ મુશ્કેલીમાં જોઈને તેના ફેન્સ સોશિયલ મીડિયા પર તેના પર કોમેન્ટ કરી રહ્યા છે અને તેને સપોર્ટ પણ કરી રહ્યા છે. એક પ્રશંસકે લખ્યું, “મારી નૉન કન્ટ્રોવર્સિયલ અભિનેત્રી ફાઇનલી કન્ટ્રોવર્સિયલ બની ગઈ છે”, અન્ય એક યૂઝરે લખ્યું, “ખતમ ટાટા બાય-બાય”, જ્યારે કેટલાક ચાહકો તમન્નાએ જે કર્યું તેના પર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે.

ફેરપ્લે એપ શું છે

ફેરપ્લે એક ઑનલાઇન સ્પોર્ટ્સબુક પ્લેટફોર્મ છે. ફેરપ્લે પર મેચોને ગેરકાયદેસર રીતે સ્ટ્રીમ કરવામાં આવી હતી. આ મામલે ડિજિટલ પાયરસીનો કેસ નોંધવામાં આવ્યો હતો. વાયકોમ 18 નેટવર્કે ફેરપ્લે નામની સટ્ટાબાજીની એપ પર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની મેચ જોવાને કથિત રીતે પ્રમોટ કરવા બદલ અનેક કલાકારો સામે એફઆઈઆર નોંધાવી હતી.

કોરાનાના 79 નવા કેસો, એકનું મોત   

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 79 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,272 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,585 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,284 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 87 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 718 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,862 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 35 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

અદ્શ્ય જોનારા અશક્ય કાર્ય કરી શકે…

બે દિવસ પહેલાં દેશ-વિદેશનાં અખબારોમાં 17 વર્ષી ડી. ગુકેશના સમાચાર હતા. કેનેડાના ટોરન્ટો શહેરમાં પ્રતિષ્ઠિત કેન્ડિડેટ ચેસસ્પર્ધા જીતીને ચેન્નઈનો ડી. ગુકેશ વર્લ્ડ ટાઈટલને પડકારનારો સૌથી યુવા ચેસખેલાડી બન્યો. દંતકથા સમા રશિયન ચેસ ચૅમ્પિયન ગૅરી કાસ્પારોવે કહ્યું કે “ટોરન્ટોમાં સર્જાયેલો આ ભારતીય ભૂકંપ છે”. આવતા મહિને અઢાર વર્ષનો થનારો ગુકેશ સાત વર્ષની વયથી ચેસ રમે છે. એ વયે ગુકેશે નક્કી કરી લીધેલું મારે શતરંજમાં જ આગળ વધવું છે. આ એના જીવનનો ઉદ્દેશ હતો.

બૉબ રિચર્ડ્સ તેમના પુસ્તક ‘હાર્ટ ઑફ અ ચૅમ્પિયન’માં ઑલિમ્પિક્સ ચૅમ્પિયન ચાર્લી પેડોકની વાત કરે છે. અમેરિકન એથ્લીટ ચાર્લીનો જન્મ 1900માં થયો અને અવસાન 1943માં. આટલા અલ્પાયુમાં એ બબ્બે વાર ઑલિમ્પિક ચૅમ્પિયન બન્યો.

એક વાર અમેરિકાના ક્લિવલૅન્ડમાં વિદ્યાર્થીઓને સંબોધન કરતાં ચાર્લીએ કહેલું, “જો તમે ધારો કે મારે આ કરવું જ છે, તો તમે કરી જ શકો. જો તમે દઢતાથી કોઈ લક્ષ્ય નક્કી કરો તો તે તમારા જીવનમાં સિદ્ધ થાય જ”. સંબોધનના અંતે તેણે કહ્યું, “શી ખબર, કદાચ અત્યારે આપણી વચ્ચે ભવિષ્યનો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન પણ બેઠો હોય.”

(ચાર્લી પેડોક)

થોડી વાર બાદ એક દૂબળો-પાતળો બાળક ચાર્લીની પાસે આવ્યો ને ઉત્સાહથી કહ્યું, “મિસ્ટર પેડોક, હું પણ તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું”. તે બાળકને પ્રેરણા મળી ગઈ અને એનું જીવન બદલાયું. ૧૯૩૬માં તેણે બર્લિન ઑલિમ્પિક્સની ટ્રૅક ઍન્ડ ફિલ્ડ ઈવેન્ટમાં ચાર ગોલ્ડ મેડલ મેળવ્યા. તેનું નામઃ જેસી ઓવેન્સ. જેસી ઓવન્સના વિજય સરઘસ દરમિયાન એક બાળક તેની પાસે આવ્યો અને કહ્યું, “મિસ્ટર ઓવેન્સ, હું તમારા જેવો ઑલિમ્પિક્સ ચૅમ્પિયન બનવા માગું છું અને તે માટે હું કંઈ પણ કરવા તૈયાર છું”.

ઓવન્સે કહ્યું, “બેટા, હું તારાથી સહેજ મોટો હતો ત્યારે હું પણ આવી જ અદમ્ય ઈચ્છા રાખતો હતો. જો તું મહેનત કરીશ અને ધારીશ તો એક દિવસ જરૂર તારા લક્ષ્યને વીંધી શકીશ”.

૧૨ વર્ષ પછી લંડનના વેમ્બલી સ્ટેડિયમમાં છ દૌડવીરો ૧૦૦ મીટરની દોડ માટે મેદાનમાં ઊતર્યા… અને જે દૌડવીર જીત્યો તે બીજો કોઈ નહીં, વિજય સરઘસમાં જેસી ઓવેન્સ પાસેથી પ્રેરણા લાનાર પેલો બાળક જ હતો. તેનું નામ હૅરિસન બોન્સ ડિલેર્ડ.

આજે માણસની એક મોટી સમસ્યા એ છે કે તેને ખૂબ જ કંટાળો આવે છે, કંઈ કરવાનું સૂઝતું નથી. તેથી ટીવી પર ચૅનલો બદલ્યા કરે છે અથવા મોબાઈલ મચડ્યા કરે છે, કાં રીલ જોયા કરે છે કાં રીલ બનાવ્યા કરે છે. ટૂંકમાં, નિરર્થક પ્રવૃત્તિમાં એ સમય વ્યય કરે છે, કારણ એના જીવનનો ઉદ્દેશ શું છે એની તેને ખબર નથી. માત્ર એક જીવન-ઉદ્દેશની કમીને કારણે આજે માણસ પાસે બધું હોવા છતાં પણ તે જીવનમાં આગળ વધી શકતો નથી.

તેથી જ કોઈકે લખ્યું છે કે ઑન્લી ધોઝ હુ કૅન સી ધ ઈન્વિસિબલ કૅન ડુ ઈમ્પોસિબલ અર્થાત્ જે અદ્શ્ય જોઈ શકે, તે અશક્ય વસ્તુ કરી શકે.

કુદરતી બક્ષિસ કે સ્રોત કે માણસમાં ધરબાયેલી પ્રતિભામાં ખામી નથી, જે તેને સુખી, સમૃદ્ધ અને સફ્ળ થતાં રોકે. ક્યારેક ખોટા, નકારાત્મક વિચારો તેને સર્વોચ્ચ સિદ્ધિથી વંચિત રાખે છે. તેવા નકારાત્મક વિચારોને અળસાવવાનો અને આપણી સુષુપ્ત ક્ષમતાને વિસ્તારવાનો મુખ્ય રસ્તો છે જીવન-ઉદ્દેશનો નિર્ણયઃ તમારા જીવનનો ઉદ્દેશ શું છે? જીવનમાં તમે શું કરવા માગો છો? અથવા ભવિષ્યમાં અમુક સમયે તમે ક્યાં હોવાનું ઈચ્છો છો? તેનું સ્પષ્ટ ચિત્ર. સંકલ્પનું ચિત્ર જેટલું સ્પષ્ટ તેટલું તેનું કાર્ય સહેલું અને ત્વરિત સિદ્ધ થાય. દુનિયામાં જે મહાન પુરુષોએ ઈતિહાસ સરજ્યા છે, તેનું એક કારણ તેમની પાસે જીવનનો એક ઉદ્દેશ હતો.

આપણને જીવન-ઉદ્દેશની પસંદગી કરવાની આઝાદી આપવામાં આવી છે. તે પસંદગીને સાકાર કરવા જેટલા પ્રયાસ કરીને આપણા ભવિષ્ય પ્રતિ આપણી સંપૂર્ણ તાકાતને જેટલી કામે લગાડીએ તેટલું આપણે આપણા તેમ જ આપણી આસપાસના લોકો માટે એ ભાવિનું નિર્માણ કરીએ છીએ.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

સુવિચાર – ૨૫ એપ્રિલ, ૨૦૨૪

સુવિચાર – ૨૫ એપ્રિલ, ૨૦૨૪

પંચાંગ 25/04/2024