આમ આદમી પાર્ટીના નેતાઓની મુશ્કેલી દિવસે દિવસે વધી રહી છે. તેમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલથી લઈને મનિષ સિસોદિયા સુધી તમામ નેતાઓ પર ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. ગઈકાલે અરવિંદ કેજરીવાલની કસ્ટડી 7 મે સુધી વધારવામાં આવી હતી તો આજે કોર્ટે મનિષ સિસોદિયાની કસ્ટડી પણ 7 મે સુધી લંબાવી દીધી છે. રાઉઝ એવન્યુ કોર્ટે દિલ્હી લિકર પોલિસી સંબંધિત CBI કેસમાં આરોપો ઘડવાની માંગણી કરતી અરજી પર કેન્દ્રીય તપાસ એજન્સી પાસેથી જવાબ માંગ્યો છે. કોર્ટે આ કેસમાં મનિષ સિસોદિયાની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.
ઉલ્લેખનિય છે કે આરોપીના વકીલે સુનાવણી દરમિયાન ન્યાયાધીશને કહ્યું કે અમારે કોર્ટ રૂમમાંથી બહાર જવું જોઈતું ન હતું. આ માટે અમે માફી પણ માંગીએ છીએ. નારાજગી વ્યક્ત કરતા ન્યાયાધીશે કહ્યું કે અમે આ પ્રકારનું વર્તન પહેલીવાર જોયું છે. તમારી દલીલો પૂરી થતાં જ તમે કોર્ટમાંથી બહાર નીકળી ગયા. આ દરમિયાન અરજદારે દલીલ કરી હતી કે હજુ તપાસ ચાલુ છે. જ્યારે CBIએ આ દલીલનો વિરોધ કર્યો હતો.
ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે
અરજદારના વકીલે કોર્ટને કહ્યું કે કેસની સુનાવણી દરમિયાન IOએ કહ્યું હતું કે ત્રણ-ચાર મહિનામાં તપાસ પૂરી થઈ જશે. પરંતુ હજુ સુધી કેસની તપાસ ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોર્ટના આદેશ બાદ આ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને 164નું નિવેદન પણ નોંધવામાં આવ્યું હતું. કેસમાં આરોપો ઘડવાની સુનાવણી હવે શરૂ થવી જોઈએ નહીં.
બહુચરાજી: ગુજરાતનાં પવિત્ર તિર્થસ્થાનો પૈકી એક એટલે શક્તિ પીઠ બહુચરાજી. મહેસાણા જિલ્લામાં આવેલું આ પ્રાચીન તિર્થસ્થાન ‘મા બહુચર’ના જયકાર વચ્ચે યાત્રિકોની મોટી સંખ્યામાં ધસારા સાથે સતત ભક્તિમય રહે છે. એક માન્યતા પ્રમાણે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનાં પગલાં થયાં હતા. દર વરસે ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોત્સવ ઊજવાય છે. આ વર્ષે પણ તા. 21 એપ્રિલ થી 23 એપ્રિલ દરમિયાન ત્રણ દિવસનો ચૈત્રી પૂનમનો મેળો ભરાયો હતો. બહુચરાજી માતાજીની સવારી સમયે મહેસાણા સંસદીય મત વિસ્તારના જનરલ ઓબ્ઝર્વર આદિત્ય નેગી, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી વિવેક બારહટ અને પ્રાંત અધિકારી ઋતુરાજસિંહ જાદવે માતાજીની પૂજા-અર્ચના કરી આશિર્વાદ મેળવ્યા હતા.ચૈત્રી પૂનમના મેળાના અંતિમ દિવસે પૂનમની રાત્રે મા બહુચરની શાહી સવારીએ બહુચરાજી મંદિરથી નીકળી શંખલપુર જવા પ્રસ્થાન કર્યું હતું. આ સમયે માતાજીની સવારીને પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યુ્ં હતું. માતાજીની સવારીમાં પોલીસ જવાનો, ઘોડેસવાર તેમજ બેન્ડવાજા સામેલ થયા હતા. ચૈત્ર સુદ પૂણિમાનો ભવ્ય લોકમેળામાં બહુચર માતાજીની ભવ્ય સવારી બે કિ.મી દૂર માતાજીના મૂળ સ્થાનક શંખલપુર ગામે ટોડા માતાજીના સ્થાનકે ગઇ હતી. જયાં માતાજીની સવારીનું ગ્રામજનો દ્વારા ભવ્યાતિભવ્ય સામૈયુ કરવામાં આવ્યું હતું. શક્તિ પીઠના મોટા મહોત્સવ ચૈત્રી પૂનમ નિમિત્તે બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા હાઇવે પર શક્તિચોકની બાજુમાં આવેલા અન્નપુર્ણા ભોજનાલયમાં વિનામૂલ્યે ભોજન-પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી. જેનો લાખો શ્રદ્ધાળુઓએ લાભ લીધો હતો.મા બહુચરના ઐતિહાસિક મહત્વ વિશે વાત કરીએ તો સુધાસિંધુમાં મણિદ્વીપ પરના ચિંતામણિ ભુવનમાં બિરાજતાં માતા જગદંબા અસુરોનો વિનાશ કરી ત્યાંથી નીકળી ધર્મારણ્યમાં ચુંવાળ પ્રદેશ (આજનો બહુચરાજી આસપાસનો વિસ્તાર)માં આવીને વસ્યાં. અહીં તેઓ બાળા ત્રિપુરા અને આજે બાળા બહુચરા નામે વિખ્યાત બન્યાં છે. બહુચર માતાજીએ બાળારૂપ ધારણ કરી દંઢાસુર નામના રાક્ષસને હણી ઋષિ-મુનિઓને તેના ત્રાસમાંથી મુક્ત કરાવ્યા. તે પછી સિદ્ધહસ્ત મુનિ કપિલ ભગવાનના હસ્તે બહુચર માતાજીના ગોખની સ્થાપના થઈ. વરખડીવાળા સ્થાનની પ્રસિદ્ધિ થયા પછી જગદંબાને ગુપ્ત રહેવાની ઇચ્છા થઈ. ધીરે-ધીરે આ સ્થાન વિસારે પડી ગયું. કાળક્રમે માતાજીને પુન:પ્રગટ થવાની ઇચ્છા થઈ. તદાનુસાર કાલરીના સોલંકી કુંવર તેજપાલને નારીમાંથી નર એટલે કે પુરુષાતન આપી પરચો પૂર્યો હતો. આ શુભ દિવસ ચૈત્રી પૂનમ હોવાની માન્યતા છે. ત્યારથી દર ચૈત્ર માસની પૂનમે અહીં માતાજીનો પ્રાગટ્યોઉત્સવ ઊજવાય છે.ધાર્મિક મહત્વ વિશે બહુચરાજી માતાજીનું સ્થાનક ભારતભરના તમામ શક્તિપીઠોમાંનું એક છે. જ્યાં દક્ષ કન્યા મા ભગવતી સતીના હાથના અવયવો પડેલા છે. જેથી આ સ્થળ એક સિદ્ધિ શક્તિપીઠ કહેવાય છે. આ યાત્રાધામમાં માતાજીનાં સંકુલમાં મુખ્યત્વે ત્રણ મંદિરો, આદ્યસ્થાન, મધ્યસ્થાન અને મુખ્ય મંદિર આવેલ છે. જેમાં સ્ફટિક નિર્મિત સુવર્ણ જડીત બાલાયંત્રની પૂજા કરવામાં આવે છે. સૃષ્ટિની દશ મહાશક્તિઓમાં શ્રી બાલાત્રિપુરા સુંદરી – શ્રી બહુચરમાં સ્વયં સિદ્ધિશક્તિ છે. અહીં લાખો ભાવિક યાત્રાળુઓ દર્શન માટે આવે છે. ધાર્મિક મહત્ત્વ તથા પવિત્રતાની દ્ષ્ટિએ આ સ્થળ ખૂબ જ અદકેરું મહત્ત્વ ધરાવે છે. શ્રી બહુચરા માતાજીનું વાહન કૂકડો છે. સોલંકી યુગ-ગુજરાતનાં સુવર્ણ યુગમાં રાજ્યનાં પ્રતિક તરીકે ધજામાં કુકડાનું ચિહ્ન આલેખાતુ હતુ. માતાજીના કુકડાને બહુચરાજીના ભક્તો અતિ પવિત્ર માને છે. તથા મંદિરના પ્રાંગણમાં કુકડાઘરનું જતન કરવામાં આવે છે. સંતાન વિહોણા દંપતીઓ સંતાન પ્રાપ્તિ માટે, નવજાત શિશુના સ્વાસ્થ્ય માટે, આંખના દર્દ તથા ફુલાં માટે, બોબડા અથવા તોતળાપણા માટે, બહેરાપણા માટે, હાથપગની ખોડખાંપણ માટે તેમજ અનેક આધિ વ્યાધિ માટે અપાર શ્રદ્ધાથી લોકો માતાજીની બાધા આખડી રાખે છે અને મનોવાંચ્છિત ફળ પ્રાપ્ત કરે છે. હિન્દુ ધર્મના સોળ સંસ્કારમાંના એક એવા બાબરી સંસ્કારની વિધિ બાળકોના મુંડન દ્વારા મંદિરની પાસે આવેલા પવિત્ર માનસરોવર કુંડના કિનારે કરવામાં આવે છે. કહેવાય છે કે ભગવાન શ્રીકૃષ્ણની બાબરી અહીં ઉતારવામાં આવેલ હતી. શ્રી બહુચરાજી માતાજી ગુજરાતની અનેક જ્ઞાતિઓના કુળદેવી છે. જેથી તેઓ શ્રદ્ધાપૂર્વક અહીં બાબરી ઉતારવા તથા દર્શન કરવા માટે આવે છે. સ્ત્રીને પૂજામાં ત્રણ વિવિધ સ્વરૂપે પૂજ્ય ભાવે પૂજવવામાં આવે છે. પ્રથમ ભાવ બાલા કે કૌમારીનો, બીજો ભાવ સુંદરી કે સૌભાગ્યવતીનો અને ત્રીજો ભાવ પ્રૌઢા કે જનનીનો. ગુજરાતના ત્રણ શક્તિપીઠોમાં બહુચરાજી બાલાનો, અંબિકામાં યુવતિનો અને કાલિકામાં પ્રૌઢા જનનીનો ભાવ છે. મા બહુચર આ યાત્રાધામમાં બાલ્ય સ્વરૂપે બિરાજમાન છે.દેશમાં હાલ જે રીતે યાત્રાધામનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. એમાં ગુજરાત યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરાત સરકાર બહુચરાજી શક્તિ પીઠને પણ ભવ્ય મંદિર, સુવિધાઓથી સજ્જ કરવાનું આયોજન કરી રહી છે.
છેવટે ચૂંટણીના આ મહાભારતમાં કોંગ્રેસની આબરુહરણનો સીન સુરતમાં ભજવાઇ ગયો છે. કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી રદ થઇ અને એ પછી જે રાજકીય ડ્રામા સર્જાયો એ આમ તો લોકશાહીનું વસ્ત્રાહરણ છે, પણ કોંગ્રેસ એમાં ઓછી કસૂરવાર નથી. બુધવાર, 24 એપ્રિલની બપોરે આ લખાઇ રહ્યું છે ત્યારે સુરતમાં નિલેશ કુંભાણીનો અતોપતો નથી અને એ ભાજપમાં જોડાઇ રહ્યા હોવાની વાતો પૂરજોશમાં ચાલી રહી છે.
લોકસભા જેવી મહત્વની ચૂંટણીમાં પક્ષનો ઉમેદવાર ફોર્મ ભરે ત્યારે એના ટેકેદારો કોણ છે એની જો ગુજરાત કોંગ્રેસના મોવડીઓને ખબર ન પડે, તમારો ઉમેદવાર ચૂંટણી લડવા માટે કેટલો ગંભીર છે એ તમે માપી ન શકો કે ફોર્મ ભર્યા પછી તમારો ઉમેદવાર જ કોની સાથે સંપર્કમાં છે એ તમે જાણી ન શકો તો ફક્ત ભાજપ પર દોષનો ટોપલો ઢોળવાનો અર્થ નથી. અમદાવાદ (પૂર્વ) ની બેઠક પર ય ઉમેદવાર તરીકે રોહન ગુપ્તાના નામની જાહેરાત કરાય એ પછી ઉમેદવાર પોતે જ ગળે ન ઉતરે એવું કારણ આપીને પાછો હટે અને થોડાક જ દિવસમાં ભાજપમાં જોડાઇ જાય અને આ બનાવ પછી ય કોંગ્રેસનું નેતૃત્વ સાવધ ન થાય એ કેવું? અરે, અગાઉ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિસાવદર બેઠક પર પક્ષના ઉમેદવાર ફોર્મ ભરવા ગયા ત્યારે શેરીનું એક ટેણિયું મેન્ડેટનો કાગળ આંચકી ગયેલું!
આ બધામાં ભાજપનો હાથ હોય તો પણ કોંગ્રેસની નેતાગિરી એની જવાબદારીમાંથી છટકી શકે નહીં. ચૂંટણીમાં તમે જ્યારે દેશનું સુકાન સંભાળવાનો ચુકાદો માગતા હો અને પક્ષની આવી આંતરિક બાબતોને સરખી રીતે ન સંભાળી શકો તો એ એક અર્થમાં લોકશાહીની મજાક જ છે.
અલબત્ત, આ મજાક માટે ભાજપ પર પણ એટલા જ સવાલ ઉઠાવી શકાય એમ છે. સૌથી મોટો સવાલ એ છે કે, સુરત બેઠક પર ભાજપની જીત સામે કોઇનેય શંકા નહોતી. આટલી સુરક્ષિત બેઠક પર આવો રાજકીય ડ્રામા કરવાની પક્ષને કેમ જરૂર પડી? કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થવામાં પક્ષનો કોઇ હાથ ન હોવાની ભાજપની દલીલ સાચી લાગતી નથી, પરંતુ જો એ સાચી હોય તો પણ, ચોવીસ જ કલાકમાં બાકીના આઠ અપક્ષ ઉમેદવાર ફોર્મ પાછા ખેંચે અને ભાજપના ઉમેદવાર બીનહરીફ ચૂંટાઇ જાય એ બધું આપમેળે જ થયું હોય એ વાત માની શકાય એમ નથી.
એક તરફ, મજબૂત સ્થિતિમાં હોવા છતાં કોંગ્રેસના નેતાઓને ભાજપમાં લાવવા સામે પક્ષમાં જ આંતરિક કચવાટ વધી રહ્યો છે ત્યારે બીજી તરફ, સુરત જેવી આસાન બેઠક પર આવું કરવાની શું જરૂર હતી એવો સવાલ પણ ભાજપમાં જ અંદરખાને ઉઠી રહ્યો છે.
જે હોય તે, પણ લોકશાહી માટે જો સ્થિતિ સારી નથી તો ભાજપ કે કોંગ્રેસ માટે પણ એ સ્થિતિ સારી તો નથી જ નથી.
ભારતમાં દર વર્ષે 24 એપ્રિલના રોજ પંચાયતી રાજ મંત્રાલય દ્વારા “રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ” (National Panchayati Raj Day 2024) ઉજવવામાં આવે છે. આ દિવસ બંધારણમાં 73મો સુધારો અધિનિયમ, 1992 પસાર થયાની યાદમાં ઉજવવામાં આવે છે. પંચાયતી રાજ પ્રણાલી એ ભારત સરકારનું ત્રિ-સ્તરીય વહીવટી માળખું છે. પંચાયતી રાજ મંત્રાલયના એક અધિકૃત નિવેદન અનુસાર,“2014થી, કેન્દ્ર સરકારે પંચાયતી રાજના મુખ્ય ઉદ્દેશો પ્રાપ્ત કરી શકાય તે માટે શક્ય તેટલી શ્રેષ્ઠ રીતે પંચાયતી રાજ સંસ્થાઓ (PRIs) ને સમર્થન આપવાના પ્રયાસો વધુ તીવ્ર કર્યા છે.
ભારતના તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહે 24 એપ્રિલ 2010ના રોજ પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની જાહેરાત કરી હતી.વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2015ના રોજ ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધિત કરતી વખતે,સત્તા માટે ચૂંટાયેલા લોકોની ક્રિયાઓ પર અયોગ્ય પ્રભાવનો ઉપયોગ કરતી “સરપંચ પતિ” ની પ્રથાને સમાપ્ત કરવા હાકલ કરી હતી.
પંચાયતી રાજને 1993ના 73મા બંધારણીય સુધારા અધિનિયમ દ્વારા બંધારણીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ બિલ લોકસભા દ્વારા 22 ડિસેમ્બર 1992ના રોજ અને રાજ્યસભા દ્વારા 23 ડિસેમ્બર 1992ના રોજ પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને 17 રાજ્યોની એસેમ્બલીઓએ મંજૂરી આપી હતી અને રાષ્ટ્રપતિની સંમતિ મળી હતી. આ કાયદો 24 એપ્રિલ 1993 ના રોજ અમલમાં આવ્યો. ત્યારબાદ, ભારતના વડાપ્રધાન મનમોહન સિંહે 24 એપ્રિલ 2010ને પ્રથમ રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસ તરીકે જાહેર કર્યો. ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 24 એપ્રિલ 2015 ના રોજ “મહિલા સરપંચોના પતિ” અથવા “સરપંચ પતિ” ની પ્રથાને સમાપ્ત કરવા માટે હાકલ કરી હતી.
શું છે આ દિવસનું મહત્વ?
પંચાયત રાજ પ્રણાલીએ ગ્રામીણ વિસ્તારોમાં લોકોને તેમના મંતવ્યો વ્યક્ત કરવા અને વિકાસ અને સશક્તિકરણનો ભાગ બનવાની જગ્યા પૂરી પાડીને તેમના ઉત્થાનમાં મદદ કરી છે. ગ્રામ પંચાયતની પ્રાથમિક ભૂમિકા શિક્ષણ, વાહનવ્યવહાર, આરોગ્ય સંભાળ, પાણી, કૃષિ અને સ્વચ્છતા સુવિધાઓ જેવી પાયાની સેવાઓ પૂરી પાડવાની અને ગામના સાંસ્કૃતિક અને આર્થિક વિકાસમાં મદદ કરવાની છે. 73મા બંધારણીય સુધારા અનુસાર, પ્રાથમિક સ્તરની સંસ્થા “ગ્રામ પંચાયત” ત્રિ-સ્તરીય પંચાયતી રાજમાં સૌથી મહત્વપૂર્ણ સંસ્થા છે.
ત્રણ પ્રકારની પંચાયતો છે
પંચાયતી રાજ વ્યવસ્થા ત્રણ સ્તરે અસ્તિત્વ ધરાવે છે. તળિયે ગ્રામ પંચાયત છે, તેની ઉપર પંચાયત સમિતિ છે અને સૌથી ઉપર જિલ્લા પરિષદ છે. 20 લાખથી વધુ વસ્તી ધરાવતા તમામ રાજ્યોમાં ગામ,બ્લોક અને જિલ્લા સ્તરે પંચાયતોની રચના કરવામાં આવે છે.
રાજ્યમાં વધતી ગરમી સાથે રોગચાળો વધી રહ્યો છે. તો બીજી બાજુ હાર્ટ એટેકથી મૃત્યુનો સિલસિલો પણ યથાવત્ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે ડૉક્ટરોના સૂત્રો અનુસાર હાર્ટ એટેકના કેસ શિયાળામાં જોવા મળતા હોય છે. પણ હાલ ના સમયમાં આ અણધારી મોતની આફત કોઈ પણ સમયે આવવાનો ભય વધ્યો છે. રાજ્યમાં પાછલા થોડાક સમયમાં લભગભ 6 જેટલા લોકો હાર્ટ એટેકથી મૃત્યુ થયાના સમાચાર સામે આવ્યા છે.
રાજકોટના ભવાનીનગરમાં રહેતા સંજય ભરતભાઈ પરમાર (ઉં.વ.30) જેએ ગઈકાલે રાત્રે સુતા બાદ સવારે મૃત આવસ્થામાં મળ્યા હતા. તો બીજી બાજુ કિરણબેન ચંદ્રેશભાઈ રાજા (ઉં.વ. 46) ઘરમાં તેઓ બેભાન થતા હોસ્પિટલ ખેસડવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા. શાકભાજીનો ધંધો કરતા અજય શ્યામનારાયણ ગોસ્વામી (ઉ.વ.૪૫) રાત્રે ઘરે બેભાન થઈ જતા હોસ્પિટલે ખસેડતા જ્યાં તેમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું. રાજ્યમાં માત્ર રાજકોટ જ નહિં પણ અનેક જગ્યા પર આવી અણધારી બિમારીથી લોકો મૃત્યુ પામે છે.
રાજ્યમાં ચૂંટણીની ધમધમાટ ચાલી રહી છે. ત્યારે ચૂંટણી કાર્યમાં વ્યસ્ત ભાજપ આગેવાન રત્નભાઈ દેવશીભાઈ કાલોતરાને (ઉં.વ.49) ઘરે છાતીમાં દુખાવો ઉપડતા સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમણે મૃત્યુ જાહેર કરાયા હતા. તો બીજી બાજુ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિતા શાહના સાણંદના રોડ શોમાં VVIP બંદોબસ્તમાં હોમગાર્ડ જવાનને હૃદય હુમલો આવતા મોત થયું છે. સાણંદ યુનિટ હોમગાર્ડમાં 6 વર્ષ થી ફરજ બજાવતા હતા. તો નવસારીમાં પ્રોફેસર રાજેન્દ્ર પટેલ ગણદેવીના સાલેજ ગામમાં બુથ પર ફર્નિચરની સુવિધા જોવા પહોંચ્યાં હતાં. આ દરમિયાન અચાનક ઢળી પડ્યા. જો કે સારવાર મળે એ પહેલા જ મૃત્યુ નિપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે એર રિપોર્ટ અનુસાર ગરમી વધે છે ત્યારે હૃદયને પણ વધુ કામ કરવું પડે છે. જેના કારણે તેના પર દબાણ વધી જાય છે. આ દબાણ કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમ પર તાણ લાવે છે, જે સાયલન્ટ હાર્ટ એટેક તરફ દોરી શકે છે.
નવી દિલ્હીઃ દેશના ગૃહ મંત્રી અમિત શાહે ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સેમ પિત્રોડાના નિવેદનની કડક ટીકા કરી છે. સેમના નિવેદનથી કોંગ્રેસની અસલી માનસિકતા સામે આવી ગઈ છે. સેમ પિત્રોડાની ટિપ્પણી પછી કોંગ્રેસ સંપૂર્ણપણે બેનકાબ થઈ ગઈ છે.
પહેલાં તેમના ઘોષણાપત્રમાં સર્વેક્ષણનો ઉલ્લેખ, મનમોહન સિંહનું જૂનું નિવેદન- જે કોંગ્રેસની વિરાસત છે, એ એ છે કે દેશનાં સંસાધનો પર પહેલો અધિકાર અલ્પસંખ્યકોનો છે અને હવે સેમ પિત્રોડાની અમેરિકાનો હવાલો દેતાં ટિપ્પણી કે પૈસાની વહેંચણી પર વિચારવિમર્શ થવો જોઈએ. એનાથી કોંગ્રેસની માનસિકતા માલૂમ પડે છે, એમ તેમણે કહ્યું હતું.
I mentioned US inheritance tax in the US only as an example in my normal conversation on TV. Can I not mention facts ? I said these are the kind of issues people will have to discuss and debate. This has nothing to do with policy of any party including congress.
લોકસભા ચૂંટણીમાં હાલના સમયે કોંગ્રેસનું ઘોષણાપત્ર વિવાદોમાં બનેલું છે. વડા પ્રધાન મોદીએ આરોપ લગાવ્યો હતો કે કોંગ્રેસ ભારતના નાગરિકોની સંપત્તિ ગરીબોમાં વહેંચી દેશે. એ દરમ્યાન કોંગ્રેસ નેતા સેમ પિત્રોડાનું એક નિવેદન વાઇરલ થયું છે.
સેમ પિત્રોડાએ કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ ચાલે છે. જો કોઈની પાસે 100 મિલિયન ડોલરની સંપત્તિ છે તો એના મર્યા બાદ 45 ટકા સંપત્તિ બાળકો પાસે જાય છે, તો 55 ટકા ફી સરકાર પણ લે છે. આ ઘણો રસપ્રદ કાયદો છે. કાયદો કહે છે કે તમારે તમારી બધી સંપત્તિ બાળકો માટે વારસામાં નહીં આપવાની, પણ અડધી પબ્લિક માટે છોડી દેવી જોઈએ.
ભારતમાં એવો કોઈ કાનૂન નથી. જો તમે એક કરોડની પણ કમાણી કરી રહ્યા હો તો મર્યા પછી એ બધા પૈસા બાળકોને મળે છે. પબ્લિક પાસે કંઈ જતું નથી. લોકોએ એના પર ડિબેટ કરવી જોઈએ. હવે મને માલૂમ નથી કે એનો નિષ્કર્ષ શો નીકળશે, પરંતુ કોંગ્રેસ સંપત્તિ વહેંચવાની વાત કરે છે. વાત નવા કાયદાની છે. એ કાયદા આમ આદમીના હિતમાં હોય છે. માત્ર શ્રીમંતોના હિતમાં નહીં, એમ તેમણે કહ્યું હતું.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 81 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,36,272 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,584 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,02,197 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 68 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 694 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,828 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 35 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
તેમનો જન્મ સુરતમાં. બે ભાઈ, બે બહેનનું કુટુંબ. પિતા સુરતની નિરંજન મિલમાં મેનેજર હતા. દસ વર્ષની બાળવયે તેમણે માતાને ખોયાં, પણ સંયુક્ત કુટુંબમાં ઉછેર થયો એટલે બાળપણ આનંદમાં ગયું. જીવન-ભારતી સ્કૂલ અને પછી ગર્લ્સ હાઇસ્કુલમાંથી SSC સુધીનો અભ્યાસ કર્યો. એક વર્ષ SNDT કોલેજમાં ગયાં. પતિના ચાલુ અભ્યાસને કારણે વિવાહ બાદ પાંચ વર્ષે ડોક્ટર વિનોદભાઈ સોમાણી સાથે લગ્ન કર્યાં. સરકારી મેડિકલ-ઓફિસરની નોકરીમાં બે-ત્રણ વર્ષે બદલી થાય. પહેલું પોસ્ટિંગ રણોલીમાં હતું. ત્યારબાદ વાંસદા, લીમઝર, ગઢડા, ભુજ, મસ્કા વગેરે સ્થળોએ ફર્યાં. 1962માં પતિએ અમદાવાદ કોર્પોરેશનમાં હેલ્થ-ઓફિસરની નોકરી સ્વીકારી પછી અમદાવાદ આવી સ્થિર થયાં. 1962ના વોરના સમયમાં મદદરૂપ થવા તેમણે નર્સિંગનો કોર્સ કર્યો. બે પુત્ર(એક પરદેશ), ત્રણ પૌત્રીઓ અને પાંચ પ્રપૌત્ર-પ્રપૌત્રીઓનું ભર્યું-ભાદર્યું કુટુંબ છે. ઘરમાં ડોક્ટરોનું ચલણ વધારે છે. પતિ ડોક્ટર હતા, દીકરો અને વહુ પણ ડોક્ટર, પૌત્રી પણ ડોક્ટર! સાથે રહેતાં દીકરો-વહુ (પરેશ-મોના) તેમનું ઘણું ધ્યાન રાખે છે.
નિવૃત્તિની પ્રવૃત્તિ :
તેઓ સવારે 6:30 વાગે ઊઠે, ચા-નાસ્તાની તૈયારી કરે. પાણી ભરે. દૂધ ગરમ કરે. નાહી-ધોઈને રસોડામાં કામ હોય તો મદદ કરે, નહીં તો પૂજા-પાઠ અને માળામાં તેમનો સમય જાય. જમીને છાપુ હાથમાં લે. રોજ ક્રોસ-વર્ડ તો કરે જ! તેમની ગમતી પ્રવૃત્તિ! અઢી વાગે થોડીવાર સુઈ જાય. ઊઠીને કપડાં વાળે, નાસ્તો બનાવે, રસોઈમાં મદદ કરે. તેઓ એકદમ સોશિયલ છે. ઘેર આવેલાં મહેમાનો તથા દીકરાનાં મિત્રો સાથે હળવા-મળવાનું બહુ ગમે. ટીવી જોવું ગમે. સમાચાર કે મેચ જોતાં-જોતાં સૂઈ જાય.
શોખના વિષયો :
રસોઈ કરવાનું બહુ ગમે. જમવા-જમાડવાનાં શોખીન. શિવણનો શોખ હતો. ઘરના પડદા, સીટ-કવર વગેરે જાતે સીવતાં. ગરબા કરવા ગમે. મહેંદી અને રંગોળી કરવી પણ ગમે. મહેંદી-હરિફાઈમાં ઇનામ પણ મળ્યું છે! વાંચનનો ઘણો શોખ. ક્રોસ-વર્ડ તેમની ગમતી પ્રવૃત્તિ! ફરવાનું ગમે. યુવાનીમાં તો બે દિવસની રજા પડી નથી ને ફરવા ઊપડી જતાં! પિક્ચરો પણ બહુ જોતાં. સોસાયટીના મહિલા-મંડળની લાઇબ્રેરી તેઓ પોતાના ઘેરથી ચલાવતાં. મેડિકલ એસોસિએશનની લેડીઝ-વિંગની પ્રવૃત્તિઓમાં પણ ખાસ્સાં સક્રિય હતાં.
ઉંમર સાથે કેવી રીતે કદમ મિલાવો છો?:
હસતાં-હસતાં કહે છે: હરતી-ફરતી છું અને રસોઈ કરી શકું છું એટલે તબિયત સારી છે એમ સમજવાનું! અત્યાર સુધી 10 ઓપરેશન થઈ ગયાં છે! (પથરીનાં બે, ઘૂંટણનાં ચાર, મોતિયાનાં બે, હૃદયમાં સ્ટેન્ટ મૂક્યો, મ્યુકર માઈકોસિસ…) બીપી અને ડાયાબિટીસ પણ ખરાં! સંભળાય ઓછું…..પણ, આનંદ છે!
યાદગાર પ્રસંગ:
પતિને રણોલીમાં પહેલી નોકરી હતી. આંબાવાડીમાં એટલી બધી કેરીઓ થાય કે આંબો નમી પડે. નાનાં બાળકો જમીન પર ઊભાં-ઊભાં કેરી તોડી શકે! અમદાવાદથી એકલાં, પહેલીવાર દીકરાને ઘેર દુબઈ ગયાં, ત્યારે વ્હીલ-ચેર બુક કરી હોવાં છતાં વિમાનમાંથી ઉતર્યાં ત્યારે તેમને વ્હીલ-ચેર મળી નહીં. હાથમાં સામાન લઈ ધીમે-ધીમે તેઓ દુબઈ એરપોર્ટ પર જતાં હતાં તે એરપોર્ટ-ઓફિસરે જોયું. તેમણે બહુ મદદ કરી. ઈમિગ્રેશન-ક્લિયરન્સ અને લગેજ-કલેક્શન વગેરેમાંથી તેમને ઝટપટ પાસ કરાવી દીકરો લેવા આવ્યો હતો તેના હાથમાં સોંપ્યાં! આભાર એરપોર્ટ-ઓફિસરનો!
નવી ટેકનોલોજી કેટલી વાપરો છો ?:
ટીવી ઉપર જરૂરી ચેનલો જાતે સેટ કરી લે. પોતાની દવાઓ જાતે મેનેજ કેરે. દવા ખૂટવા આવે ત્યારે દવા લાવવાનું સમયસર યાદ પણ કરાવી દે! પોતાની બેંક-બુક વ્યવસ્થિત રાખે, નિયમિત અપડેટ કરાવી લે. પોતાની FD અને ઇન્વેસ્ટમેન્ટની ફાઈલ જાતે સંભાળે. તેમના મતે: કોરોના પછી યાદદાસ્ત થોડી ઢીલી થઈ ગઈ છે. બાકી દીકરા-વહુના રાજમાં ખાઈ-પીને લહેર છે!
શું ફેર લાગે છે “ત્યાર”માં અને “અત્યાર”માં?
આજકાલ છોકરાંઓને કંઈ કહેવાય નહીં! વડીલોએ જ એડજસ્ટ થઈને રહેવું પડે! તેમના માટે તો દુબઈ એ જ એક મોટો ચેન્જ હતો! જાતજાતની અજાયબીઓ જોવા મળે! ચાલવામાં થોડી તકલીફ પડે, પણ ત્યાં જોવા-જાણવાનું ઘણું છે!
આજની પેઢી સાથે સંકળાયેલા છો?
બાળકો સાથે ગમે અને યુવાનો સાથે ફાવે! બાળકોને વાર્તા કહે, સ્તવન સંભળાવે. પૌત્રીઓ તો ઊંઘ આવે ત્યારે જ્યોતિબા પાસે આવે અને સ્તવન ગવડાવે! જ્યારે જુઓ ત્યારે જ્યોતિબા હસતાં અને હસતાં એટલે સૌને ગમે!
સંદેશો :
હસતાં રહેવું, ગુસ્સો ના કરવો અને જતું કરવું. બધાં પોતપોતાની રીતે રહે છે. એમની જોડે એમની રીતે રહીએ તો જ રહેવાય!
આજના દિવસમાં તમને થોડો વધુ ઉત્સાહ જોવા મળી શકે છે અને તેમાં પણ તમે વાર્તાલાપમાં સારો સમય પસાર કરીદો તો નવાઈ નહિ, તમારી કોઇ જૂનીઓળખાણ તાજી થાય અને તે મિલનમુલાકાત દરમિયાન જૂનીયાદોના સુખદસ્મરણોથી આનંદની લાગણી તમારામાં વધુ જોવા મળે તેવું બની શકે છે.
તમારા સગાસ્નેહી, જુનાપરિચિત સાથે હરવા-ફરવાના યોગ છે અને તેમાં તમને સારો ઉત્સાહ જોવા મળે તેમજ તમને કોઈ તક મળતા તમારા મનની કોઈવાત પણ ક્યાંક રજુ કરો તેવું બની છે, આરોગ્યબાબત થોડા મોજમસ્તીના મુડમાં હોવાથી કયાંક બેદરકાર પણ બનો, યુવાવર્ગને પસંદગીના કામ થઈ શકે.
નાનીમોટી મુસાફરીના યોગ છે, મુસાફરી દરમિયાન નવીનઓળખાણ પણ થઈ શકે છે, વડીલવર્ગ સાથે અતિઉત્સાહમાં વિવેકનો અતિરેકના થાય તેનું ધ્યાન રાખ્વવું, આકસ્મિકખર્ચા થવાથી તમને મનમાં ખર્ચ થયાનો રંજ રહ્યા કરે, કામકાજ દરમિયાન થોડી અશાંતિનો સામનો કરવો પડે.
લોકોમાં તમારો અલગ પ્રભાવ જોવા મળશે, તેમાંપણ તમારા કામકાજકે વાર્તાલાપ દરમિયાન તમારી વાતને યોગ્યપ્રતિસાદ મળી શકે છે, કઈક લાભની વાત આપલે થઇ શકે છે, વર્તણુકમાં થોડા લાગણીશીલ બની શકો છો અને કોઈની મદદ કરવાની તમારામાં થોડી વૃતિ પણ જાગી શકે છે.
મિત્રો સાથે સમય વધુ ફાળવાય અને કયાંક કોઈકારણસર મુસાફરીના યોગ બની શકે છે, કોઈની પાછળ કોઈ કારણસર આકસ્મિકખર્ચકે ધાર્યા કરતા વધુ ખર્ચા થઇ શકે છે, કોઈજગ્યાએથી મનને ગમતી વાત સંભાળવા મળે અને તેમાં તમારી ખુશીની કોઈ સીમાના રહે તેવું બની છે.
આજના દિવસે નાનીનાની વાતમાં ગુસ્સો આવી શકે છે માટે થોડી ધીરજ અને શાંતિ રાખવી જરૂરી બને છે, કોઈ મશ્કરી કરેતો વાણીવિલાસના થાય તેનું ધ્યાન રાખવું ઈચ્છાનીય છે, કામકાજમાં તેમજ અંગત વ્યવહારમાં કોઈની સાથે મતભેદના થાય તેની કાળજી રાખવી, વેપારમાં જોખમથી દુર રહેવું યોગ્ય છે.
આજના દિવસમાં આત્મવિશ્વાસ વધુ જોવા મળે અને તેના કારણે તમને કઈક નવીનકાર્ય કરવાની ઈચ્છા પ્રબળ થાય, તમારા કોઈ કામકાજમાં અન્યનો સાથસહકાર અને માર્ગદર્શન પણ સારું મળી શકે છે, કોઈની સાથે થયેલ આકામિક મિલનમુલાકાત આનંદદાયી અને યાદગાર બની રહે તેવું પણ બનવા જોગ છે.
આજે તમે મજાક કરવાની વૃતિમાં જોવા મળો અને તેમાં કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું વડીલ કે પરિચિત સાથે ફરવાના યોગ પણ બને છે તેમાં તમારા માટે કોઈ લાભકારી વાતચિત થાય અને તેનો તમને ક્યાંક ફાયદો પણ થઈ શકે છે, તમારા અટકેલા કોઈકામ આગળ વધારવાની કોશિશ કરવી સારી.
મુસાફરી દરમિયાન બહુ જૂનીઓળખાણકે યાદતાજી થાય તેવું બને, નજીકના સગાકે પડોસી સાથે વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી જેથી કોઈ બાબતપર કોઈ ગેરસમજ ટાળી શકાય, મનમાંને મનમાં કોઈ વાત રહેલી હોય તેનો ક્યાયક ખુલાસો કરવાની તક મળી શકે છે, વેપારમાં ધીરજ રાખી કામકાજ કરવું યોગ્ય છે.
થોડી માનસિક અશાંતિ રહી શકે છે કારણકે તમને મનમાં કોઈક વાતનો અજંપો પરેશાન કરતો હોય, વાર્તાલાપ દરમિયાન ક્યાય ગેરસમજના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, દિવસ દરમિયાન કામમાં એકાગ્રતા રાખવી, વેપારમાં ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું ઇચ્છનીય છે.
ધાર્મિકસ્થળની મુલાકાત થઈ શકે છે, સંતાન સાથે વાર્તાલાપકે ખરીદી કરવાના યોગ બની શકે છે, આજે પોતાની પસંદગીની કોઈવાત સંભાળવા મળે તેમાં તમને ખુશીની લાગણી અનુભવાય અને તમને કોઈ સારા કામમાટેની ઈચ્છા થાય અને તમારા મનના રહેલા દુખ ભુલાઈ જાય.
તમને કોઈનો સાથ સહકાર મળે જેણે કારણે તમે થોડા ઉત્સાહી બનો અને જુનાઅટકેલા કામ બાબત કોઈ વાત આગળ વધે તેવા સંજોગ બની શકે છે, તમારામાં રહેલી લાગણીની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થવાથી તમારામાં થોડી પરોપકારી વૃતિ પણ જાગે તેવા સંજોગો બની શકે છે, આનંદમય દિવસ બની શકે છે.
લોકસભા ચૂંટણી 2024ની ચર્ચા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે આજે વાત કરીએ ગુજરાતની. આ ચૂંટણીમાં ગુજરાતમાથી કેટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યા, કેટલાએ પરત લીધા કેટલી મહિલાઓને આ વખતે ચૂંટણી લડવાની તક મળી એ વિગતે જાણવું રસપ્રદ છે.
ઉમેદવારી પત્રક પરત ખેંચાયા
આ વખતે લોકસભાની 26 બેઠકો માટે 433 ઉમેદવારો અને વિધાનસભા માટે 37 ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. જેમાં ચકાસણી પછી લોકસભામાં 266 અને વિધાનસભામાં 27 ઉમેદવારો મેદાનમાં રહ્યાં. નોંધનીય છે કે ચૂંટણી પંચે 105 ઉમેદવારી પત્રો રિજેક્ટ કર્યા હતા. જ્યારે 62 ઉમેદવારી પત્રો પાછા ખેંચવામાં આવ્યા હતા.
આ બેઠક પર સૌથી વધુ ઉમેદવાર
લોકસભાની સામાન્ય ચૂંટણી માટે કુલ 266 ઉમેદવારો તથા વિધાનસભા પેટા ચૂંટણી માટે 24 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે. જેમાં અમદાવાદ (પૂર્વ) લોકસભા બેઠક પર સૌથી વધુ 18 ઉમેદવારો અને સૌથી ઓછા બારડોલી લોકસભા બેઠક પર 3 ઉમેદવાર ચૂંટણી લડશે એ જ રીતે વિધાનસભા બેઠક પર વિજાપુરમાં સૌથી વધુ 8 ઉમેદવાર અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર સૌથી ઓછા 2 ઉમેદવાર વચ્ચે ચૂંટણી યોજાશે. અત્રે ઉલ્લેખનીય છે કે સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનું ઉમેદવારી પત્રક રદ થયુ છે. તો બીજી બાજુ અન્ય પક્ષ તથા અપક્ષના 8 ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પરત લેતા આ બેઠક પરના ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.
મહિલા ઉમેદવાર
વાત કરીએ મહિલા ઉમેદવારોની તો સમગ્ર ગુજરાતની 25 બેઠકોમાંથી માત્ર આઠ મહિલાઓને ટિકિટ આપવામાં આવી છે. જેમાં ભાજપે ચાર અને કોંગ્રેસે ચાર મહિલાઓને ટિકિટ આપી છે. 11 મહિલાઓએ અન્ય અને અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે. જેમાં બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, કચ્છ, ખેડા, નવસારી અને સાબરકાંઠા બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસમાંથી ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. જો કે સમગ્ર ચિત્ર જોતા ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે આ વખતે મોટાભાગે ભાજપ અને ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવારો વચ્ચે કાંટાની ટક્કર છે.
મહિલાઓને ટિકિટ આપવામાં રાજકીય પક્ષ પહેલેથી જ ઉદાસીનતા દાખવે છે. ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડવને યથાવત રાખીને એમને ફરી વખત જામનગરથી ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડો. રેખાબહેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે. જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, અમરેલીથી જેનીબહેન ઠુંમ્મર, દાહોદથી ડો. પ્રભા તાવડિયા અને ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ ફાળવી છે. આમ બંને પક્ષે ચાર-ચાર મહિલા ઉમેદવાર છે.
અન્ય પક્ષ પણ મેદાને
અન્ય અને અપક્ષ મહિલા ઉમેદવારની વાત કરીએ તો બારડોલીથી બહુજન સમાજ પક્ષમાંથી રેખાબહેન ચૌધરી, ભરૂચ માલવા કોંગ્રેસ પક્ષમાંથી ગીતાબહેન માછી, ગાંધીનગર બેઠક પરથી પ્રજાતંત્ર આધાર પાર્ટીમાંથી સુમિત્રા મૌર્યા, ખેડા બેઠક પર ગરિબ કલ્યાણ પાર્ટીમાંથી ઈન્દિરાબહેન વ્હોરા, નવસારીમાં સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટીમાંથી સુમનબહેન ખુશવા, સાબરકાંઠા બેઠક પર ઇન્સાનિયત પાર્ટીમાંથી ઈન્દિરાબહેન ઠાકોરે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે સાબરકાંઠા બેઠક પર જ ભાવનાબહેન પરમારે અપક્ષમાંથી ચૂંટણી લડશે. ભગવતી બહેન બ્રહ્મક્ષત્રિય ભાવનગરથી અપક્ષ, સુહાના મન્સુરી ગાંધીનગરથી અપક્ષ, હિરાબહેન વણઝારા અને કવિતાબહેન મચ્છોયા કચ્છ બેઠક પરછી અપક્ષ ચૂંટણી લડશે. આમ 11 મહિલાઓએ જાતે જ લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. 19 મહિલાઓ પૈકી સૌથી વધુ 3 ગાંધીનગર અને 3 સાબરકાંઠા પર ચૂંટણી લડશે.