Home Blog Page 1906

વિશ્વ પુસ્તક દિવસ: લેખકોએ તો ઉપાડી કલમ…પણ શું આપણે ઉઘાડી આંખ?

“જેવું વાવો તેવું ઊગે”કહેવતને માત્ર કહેવત ગણવાં કરતા અનુભવ વધારે કહી શકીએ. એને જ ધ્યાને રાખી એવું કહેવામાં જરાય અતિશયોક્તિ નથી કેજીવનમાં જેવા વિચારો વાવીએ તેવી જિંદગી ઊગે. જીવનનું ઘડતર કરવા વિચારશક્તિનો એક મજબુત સ્ત્રોત છે પુસ્તકો. પુસ્તકોને મિત્ર, માર્ગદર્શક, શિક્ષક અને સાથી જેવી અનેક ઉપમાઓ આપવામાં આવી છે. અનેક લોકોના જીવનમાં પુસ્તકોએ મહત્વની ભૂમિકા ભજવી છે. જેમણે પણ પુસ્તકનો સહારનો લીધો તે માનવી ક્યારેય નિરાશ નથી થયો. પુસ્તકો હંમેશા આપણને કંઈકને કઈંક આપે છે. કલમ ઉપાડી પુસ્તક સર્જન કરવાનો પ્રયાસ ન કરી શકીએ પરંતુઆંખ ઉઘાડી પુસ્તકને વાંચવાની ક્ષમતા તો બધા પાસે છે જ. આ વિશ્વ પુસ્તક દિવસ (World Book Day)નિમિત્તે ચિત્રલેખાએ ગુજરાતી સાહિત્યને અનેક નવાં વિચારો અને કલ્પનાશક્તિ પ્રદાન કરનાર લેખકો સાથે પુસ્તકના મહત્વ વિશે વાત કરી હતી. આજે ટેક્નોલોજીના યુગમાં પુસ્તકના મહત્વ પર લેખકોનું શું કહેવું છે અને તેમનું પ્રિય પુસ્તક કયું છે તે જાણીએ.

અમારું બાળપણ રમકડાંને બદલે પુસ્તકો સાથે જ વીત્યું છે. જોકે, અમારા જમાનામાં એવાં કોઈ ખાસ રમકડાં નહોતાં. ત્યારે દેશી રમતો હતી. પપ્પા લેખક હતાં એટલે ઘરમાં પુસ્તકો અને મેગેઝિન બહુ આવતાં હતાં. વાંચતાં વાંચતાં જ જાણે અમે ભણ્યા હોય એવું લાગતું. તમારી પાસે એક જ જિંદગી છે. પણ જ્યારે પુસ્તકો વાંચો છો ત્યારે અનેક જિંદગીના જુદા જુદા પાંસા અને રૂપ રંગ જોઈ શકો છો.પાત્રોના દુ:ખ સુખને જોઈ શકો છો. પુસ્તકો વાંચ્યા બાદ તમને ક્યારેય એકાંત નહીંલાગે,એવું લાગે કે જાણે એક વિશાળ કુટુંબનો ભાગ બની ગયા હોય.પુસ્તકો અનેક દિશાના દરવાજા ખોલે છે. તમારી અંદર રહેલી તમારી શક્તિને જાગૃત કરવામાં મદદ કરે છે.પુસ્તકો દ્વારા વિવિધ દુનિયા જોવા મળે છે. આપણી પાસે તો એક જ જીવન છે, જેમાં બધું નથી જોઈ શકતાં. પણ પુસ્તકો દ્વારા નવી દુનિયાના દર્શન થાય છે.પુસ્તક એ સોશિયલ ડોક્યુમેન્ટ પણ છે. સંસ્કૃતિથી માંડીને ભૂગોળ સહિતની તમામ ગતિવિધિઓ સાથે પુસ્તકોમેળાપ કરાવે છે.તેમજ પુસ્તક સમયને સાથે લઈને ચાલે છે. સોશિયલ મીડિયાના યુગમાં વાંચકોની સંખ્યા ઘટી છે, પરંતુ હજી પણ પુસ્તક પ્રેમીઓ છે જ. મારા પ્રિય પુસ્તકની વાત કરું તો મને એલેક્સ હેલેઈનું ‘રૂટ્સ’ બહુ ગમે છે- લેખિકા,વર્ષા અડાલજા

પુસ્તકોની બાદબાકી કરો તો જીવનમાં કંઈ રહેતું જ નથી. કોઈ પણ સ્વરુપે પુસ્તકની જરૂર પડે છે. આજે તમે ફોનમાં કે કમ્પ્યુટરમાં વાંચતાં હોય કે પછી કવિતા સાંભળતા હોય તો તે પુસ્તક જ છે. કાગળમાં મુદ્રિત થયેલા અક્ષરોને જ પુસ્તક કહેવાય એવું ન માની લેવાય. પુસ્તકો પાસેથી આપણે માનસિકતા પ્રાપ્ત કરીએ છીએ. જો પુસ્તકો આપણી પાસે ન હોય તો માનસિકતામાં શુન્યાવકાશ આવી જાય છે. તો બીજી બાજુ, જે લોકો પુસ્તકો નથી વાંચતા એ લોકોમાં શુન્યાવકાશ હશે એવું કહેવું પણ વહેલું થઈ જાય. પુસ્તક વાંચી પણ શકાય અને વિચારી પણ શકાય. ઘણાં અભણ લોકો પુસ્તક વાંચતા નહીં હોય પણ વિચારતા હોય એવું બની શકે. જો તમે પુસ્તક વિચારો છો, તો પણ તે વિચારશક્તિ પર પ્રભાવ પાડે જ છે. પુસ્તકનો સીધો સંબંધ વિચારશક્તિ સાથે છે. કોઈ એક પ્રિય પુસ્તકનું નામ લેવું એટલે બગીચામાં સુગંધ આપતાં તમામ ફૂલોમાંથી એક ફૂલની પસંદગી કરવા સમાન અઘરું છે. પણ લલિત સાહિત્યની વાત કરીએ તો ઉમાશંકર જોશીની કૃતિ “પ્રાચીના” અને ઝવેરચંદ મેઘાણીની “યુગવંદના” આ બધાં પુસ્તકો બાળપણમાં એટલે કે 1955ની આસપાસ વાંચેલા અને ત્યારથી લઈ અત્યાર સુધી લગભગ પચાસેક વખત વાંચ્યા હશે- લેખક, દિનકર જોશી

પુસ્તક મને આ જીવનથી વિકેન્દ્રિતકરી જે-તે વાર્તાના વિશ્વમાં લઈ જાય છે.કહેવાય છે ને કે જ્યારે યોગીઓ ધ્યાન કરે ત્યારે આ દુનિયાથી વિકેન્દ્રિત થઈ નવી દુનિયામાં પ્રવેશે છે, મારા જીવનમાં પુસ્તકની એ જ ભૂમિકા છે.જ્યારે પણ હું કોઈ વાર્તા કે નવલકથા વાંચું છું ત્યારે લાગે છેકે જાણે હું એ દ્રશ્યો નિહાળી રહ્યો છું, એનો ભાગ બની ગયો છું. જેને કારણે વ્યક્તિગત વાચક તરીકે ઈમોશનલ પાંસાઓ વધારે મજબુત બને છે. પીડા હોય કે પ્રેમ, સુખ હોય કે દુ:ખ,ભલે આપણી સાથે ન થયું હોય પણ એ તમામ ભાવનાઓમાં આપણે ઘુંટાતા જઈએ છીએ. કોઈ પણ પ્રકારના ઈમોશનમાંથી કેવી રીતે બહાર નિકળવું તે પરોક્ષ રીતે પુસ્તક શીખવે છે. તેમજ જ્યારે સુખની વાત કરીએ તો તેને કેવી રીતે પચાવવું તે પણ પુસ્તક શીખવે છે. પુસ્તક મને અલગ વિશ્વમાં લઈ જાય છે, જેને માણવું ખૂબ ગમે છે, એવું લાગે કે આ દૂનિયાનો ક્યારેય અંત જ ના આવે.પુસ્તકથી કલ્પના શક્તિ વિકસે છે. મને લાગે છે પુસ્તક જીવનની બ્લુ પ્રિન્ટ છે, નકશો છે આપણા જીવનનો. મારા માટે પુસ્તક એક સાધના સમાન છે. ગમતા વિષયોની વાત કરું તો મને વાસ્તવદર્શી કથા વધારે ગમે છે. વાસ્તવિક કથાઓ પ્રત્યે વધારે ઝૂકાવ હોય છે. કોઈ એક પ્રિય પુસ્તકનો ઉલ્લેખ કરવો ખૂબ જ અઘરું છે, પણ જો કોઈ એકની જ પસંદગી કરવી પડે તો હું કહીશ “સૌરાષ્ટ્રની રસધાર”- લેખક, રામ મોરી

 

પુસ્તક માણસને સંવેદનશીલ બનાવે છે. એ સંવેદનશીલતાને કારણે સમાજમાં સારો બદલાવ આવી શકે છે. એક પુસ્તક માણસના જીવનમાં ઘણો મોટો બદલાવ લાવી શકે છે. પુસ્તક વાંચનારા અને ન વાંચનારોની જ્યારે સરખામણી કરીએ ત્યારે ખ્યાલ આવે કે કેટલો તફાવત જોવા મળે છે. મૂળ તો સંવેદનશીલતા એ ખૂબ મોટું પાસું છે. ઘણી વખત લેખક એના આખાં જીવનનો જે નીચોડ હોય તે વાંચકો સમક્ષ પુસ્તક દ્વારા મૂકે છે. તો ઘણી વખત સમયખંડની વાત હોય તો જે-તે સમયનો ચિતાર વાંચકને આપે છે. આઝાદી પહેલાનું કોઈ પુસ્તક વાંચો તથા સાદત હસન મન્ટોની વાર્તા વાંચો તો તેમણે ભાગલા સમયે અનુભવેલી અનુભૂતિમાંથી આવતાં આલેખનનો ખ્યાલ આવે. અનુભૂતિનો રણકો વિશિષ્ટ હોય છે. આ પ્રકારના પુસ્તક વાંચીએ ત્યારે તે સમયની વેદના અને પીડાનો અનુભવ કરીએ છીએ. ટૂંકમાં, પુસ્તક સંવેદનશીલ તો બનાવે જ છે સાથે સાથે વિવિધ સંસ્કૃતિ અને ભાવનાઓનો પરિચય પણ કરાવે છે. મારું પ્રિય પુસ્તક અમૃતલાલ વેગડનું ‘સૌંદર્યની નદી નર્મદા’છે. જે તમને પ્રકૃતિની નજીક લઈ જાય છે- કવિ/લેખક, સંજય પંડ્યા

આપણો સાચો મિત્ર પુસ્તક છે. એ આપણને ક્યારેય એકાંત અનુભવવાં દેતું નથી. બીજી દુનિયા માટે એક બારી અને બારણું ખોલી આપે છે, જ્યાં ચાલ્યા વગર આપણે પહોંચી શકીએ છીએ. પુસ્તક એક સાચો વફાદાર મિત્ર છે. જેને વાંચવાનો શોખ હોય તે વ્યક્તિ ક્યારેય એકલી નથી પડતી. વાંચન ખૂબ જ જરૂરી છે. હું લેખિની (મહિલાઓ લેખન વાંચન પ્રવૃત્તિમાં જોડાય તે માટે ચલાવવામાં આવતું એક પ્લેટફોર્મ) સાથે જોડાયેલી છું. જયાં પણ અમે ‘વાંચો, વિચારો અને વ્યક્ત થાઓ’ના નારા સાથે કામ કરીએ છીએ. હું સતત વાંચતી રહું છું. વિવિધ વિષયો પર વાંચવાથી લેખન શક્તિનો પણ વિકાસ થાય છે. મારું પ્રિય પુસ્તક ધીરુબેન પટેલનું ‘કાર્તિક અને બીજા બધા’છે. તે કિશોરોની હાસ્ય નવલ છે. ગુજરાતી સાહિત્યમાં બંનેનું ખેડાણ ઓછું થયું છે. કિશોર સાહિત્યનો અભાવ જોવા મળે છે અને સાથે જ હ્યુમર કૃતિઓનું ખેડાણ પણ ઓછું થયું છે. કિશોર સાહિત્યનું સર્જન ઓછું એ એક કારણ પણ છે, કિશોરોનો સાહિત્યમાં ઓછો રસ હોવાનું. ઝવેરચંદ મેઘાણી, કનૈયાલાલ મુનશી તથા હાલના ઈલાબેન, વર્ષા બેન, ધીરુબેન સહિતના લેખકોના પુસ્તકો વાંચ્યા છે. જેમાંથી ઘણું બઘું શીખવા મળે છે. મારું પહેલુ પુસ્તક ‘મધ્યાહને સૂર્ય’લખવાની પ્રેરણા ધીરુબેનના માર્ગદર્શન હેઠળ પ્રાપ્ત થઈ અને પછી તો એમાં ઊંડા ઉતરતાં ગયા. સાહિત્ય સંગીત જેવું છે. જેટલાં તમે એમાં ઊંડા ઉતરો એટલો તમને રસ પડતો જાય- લેખિકા, પ્રીતિ જરીવાલા

 

લેખકો તેમની કલમ ઉપાડી સર્જન કરી રહ્યાં છે. વાંચક તરીકે આપણે આંખ ઉઘાડીને એ સર્જનને અને નવા વિચારોને તથા કલ્પના શક્તિને વાંચવાની જરૂર છે.

 

ભૂપત ભાયાણીએ કર્યો બફાટ, જૂનાગઢથી રાજકારણ ગરમાયું

રૂપાલા વિવાદમાંથી ભાજપ બહાર નીકળ્યું નથી. ત્યાં સૌરાષ્ટ્રના વધુ એક ભાજપ નેતાના વિવાદિત નિવેદનથી ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. વિસાવદરના આમ આદમી પાર્ટીના પૂર્વ ધારાસભ્ય અને ભાજપ નેતા ભૂપત ભાયાણીનો બફાટ સામે આવ્યો છે. જૂનાગઢના વિસાવદર ખાતે ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે યોજાયેલી ચૂંટણી સભાને સંબોધિત કરતાં તેમણે કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને ‘નપુંસક’ ગણાવ્યા હતા. ભૂપત ભાયાણીના નિવેદન બાદ હોબાળો મચી ગયો છે. ભૂપત ભાયાણીએ કહ્યું ‘રાહુલ ગાંધી જેવા નપુંસક વ્યક્તિના હાથમાં દેશની કમાન સોંપી શકાય નહીં’.

વિવાદિત નિવેદન પર કોંગ્રેસની પ્રતિક્રિયા 

લોકસભા ચૂંટણી નજીક આવતા આરોપ-પ્રત્યારોપનો દોર શરૂ થઈ ગયો છે. ત્યારે ભાજપના રાજકોટ બેઠકના ઉમેદવારને લઈ કોંગ્રેસ સહિત તમામ પાર્ટીઓ ભાજપને ઘેરી રહી છે. ત્યારે ભાજપના વધુ એક નેતાના વિવાદિત નિવેદનને લઈ કોંગ્રેસ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ભૂપત ભાયાણીના નિવેદનને લઈ વિપક્ષ ભાજપ પર આકરા પ્રહાર કરી રહ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ (ટ્વીટર) પર પોસ્ટ કરી ભાજપ પર રોષ ઠાલવ્યો છે. તેમણે પોસ્ટમાં લખ્યું છે કે, “Oyo રૂમમાં યુવતી સાથે પકડાયેલા આરોપી અને વિસાવદરની જનતાના ગદ્દાર અને ભાજપના ઉમેદવાર પાસેથી આ પ્રકારની નિમ્નતા અપેક્ષિત જ હોય.” તેમણે પોસ્ટમાં કટાક્ષ કરતા લખ્યું કે, “કોઈ માનસિક બિમારી હોય તો કોંગ્રેસના ઉપપ્રમુખ ડૉ. હેમાંગ વસાવડા મફત ઈલાજ કરી આપશે.” આ ઉપરાંત ચૂંટણી પરિણામને લઈ તેમણે કહ્યું કે પ્રજા તેમનો ઈલાજ કરશે.

સુઝલોન ગ્રુપના ગિરિશ તંતી GWECના વાઇસ ચેરમેન ચૂંટાયા

નવી દિલ્હીઃ સુઝલોન ગ્રુપના વાઇસ ચેરમેન ગિરિશ તંતી આ વર્ષે અબુ ધાબીમાં આયોજિત ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC)ની વાર્ષિક બોર્ડ મિટિંગમાં વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તંતી પાસે વૈશ્વિક રિન્યુએબલ એનર્જી ક્ષેત્રમાં 30 વર્ષથી વધુનો અનુભવ છે. તેઓ યુરોપ, અમેરિકા અને એશિયામાં રહીને કામ કરી ચૂક્યા છે, એમ GWECએ કહ્યું હતું.

આ વિશ્વ માટે બહુ કટોકટીનો સમય છે, કેમ કે આપણું ભવિષ્ય ઝડપથી ટ્રાન્ઝિટ થઈ રહેલા વિશ્વ પર નિર્ભર છે. હું GWECના વાઇસ ચેરમેનના રૂપે કાર્યભાર સંભાળતા ઉત્સાહિત છું, કેમ કે એ વિન્ડ એનર્જીના વૈશ્વિક એજન્ડા માટે બહુ અસરકારક પ્લેટફોર્મ છે, એમ GWECના વાઇસ ચેરમેન ગિરિશ તંતીએ કહ્યું હતું. તેઓ કેટલાય પ્રતિષ્ઠિત અર્ધસરકારી અને ખાનગી ઓર્ગેનાઇઝેશનોના સભ્ય તરીકે નીતિને પ્રોત્સાહન આપે છે અને તેઓ વિશ્વની એનર્જી ટ્રાન્ઝિશનની યાત્રાને સક્ષમ બનાવવા માટે પ્રતિબદ્ધ છે. રિન્યુએબલ્સના કટોકટી સમયે મારું GWECના વાઇસ ચેરમેન તરીકે ચૂંટાઈ આવવું એ ઘણા સન્માનની વાત છે અને બોર્ડે મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, એના માટે હું તેમનો આભારી છું. હું રિન્યુએબલ એનર્જી ટ્રાન્ઝિશનના લક્ષ્યને પૂરાં કરવા માટે ઉત્સુક છું, એમ તેમણે કહ્યું હતું.

તેમણે કંપનીના સહસંસ્થાપક તરીકે 1995માં રિન્યુએબલ એનર્જીનો વ્યવસાય શરૂ કર્યો હતો. કંપની 2000ના દાયકાના પ્રારંભથી રિન્યુએબલ એનર્જી ક્ષેત્રની અગ્રણી પાંચ અગ્રણી કંપનીઓ પૈકીની એક છે.

વિશ્વ આજે ક્લાયમેટ ચેન્જની અસરોથી પરેશાન છે, ત્યારે  એનો મુકાબલો કરવા માટે રિન્યુએબલ્સ એકમાત્ર સ્વચ્છ એનર્જીનો હાલ વિકલ્પ છે. એ માટેની ભૂમિકા બહુ મોટી જવાબદારી છે, જેનો  વિનમર્તાપૂર્વક સ્વીકાર કરું છું, જે માત્ર અર્થતંત્રો અને દેશો પર જ નહીં, પણ સંપૂર્ણ માનવતા પર અસર કરશે. મને આ તક કંપનીના દિવંગત સંસ્થાપક ના વારસાને આગળ વધારવામાં મદદ કરશે, એમ તેમણે કહ્યું હતું. GWEC સભ્ય 80 દેશોમાં 1500થી વધુ કંપનીઓ, સંગઠનો અને સંસ્થાઓનું પ્રતિનિધિત્વ કરે છે.

 

 

 

 

 

 

કેજરીવાલ અને કે. કવિતાને કોર્ટમાંથી ફરી ઝટકો

દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં મંગળવારે ફરી એક ઝટકો લાગ્યો છે. કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ મામલાને લગતા ED કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 7 મે સુધી લંબાવી છે.

બીઆરએસ નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી પણ વધી

સીએમ કેજરીવાલની સાથે, રાઉઝ એવન્યુ કોર્ટે એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત CBI કેસમાં BRS નેતા કે. કવિતાની જ્યુડિશિયલ કસ્ટડી પણ 7 મે સુધી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત આરોપી ચેનપ્રીત સિંહની ન્યાયિક કસ્ટડી પણ 7 મે સુધી લંબાવવામાં આવી છે. ત્રણેયને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે જેલ અધિકારીઓને કેજરીવાલ અને કે. 7 મેના રોજ બપોરે 2 કલાકે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા કવિતા રજૂ કરવાની રહેશે.

કેજરીવાલની 21 માર્ચે ધરપકડ કરવામાં આવી હતી

નોંધનીય છે કે એક્સાઇઝ પોલિસી કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ 2 કલાકની પૂછપરછ બાદ 21 માર્ચે સાંજે સીએમ કેજરીવાલની ધરપકડ કરી હતી. ત્યારથી તે કસ્ટડીમાં છે.

 

2જી કૌભાંડ કેસ : 12 વર્ષ બાદ સરકાર SCમાં પહોંચી

2જી કૌભાંડ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણયના 12 વર્ષ બાદ કેન્દ્ર સરકારે આદેશમાં સુધારાની માગણી સાથે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. કેન્દ્ર સરકારે સ્પેક્ટ્રમ સંસાધનોની ફાળવણી માટે હરાજીનો માર્ગ અપનાવવો જરૂરી છે તે શરતમાં સુધારો કરવા માંગે છે. કેન્દ્રએ કાયદા મુજબ વહીવટી પ્રક્રિયા દ્વારા ફાળવણી કરવાની માંગ કરી છે.

કેન્દ્ર સરકારે 2જી સ્પેક્ટ્રમ સંબંધિત 2012ના નિર્ણયમાં સુધારો કરવા માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો છે. જેમાં સરકારને દેશના પ્રાકૃતિક સંસાધનોને સ્થાનાંતરિત કરવા અથવા દૂર કરવા માટે હરાજીનો માર્ગ અપનાવવાનું કહેવામાં આવ્યું હતું. કેન્દ્રએ જણાવ્યું હતું કે આ નિર્ણયમાં સુધારાની જરૂર છે કારણ કે સ્પેક્ટ્રમની ફાળવણી માત્ર કોમર્શિયલ ટેલિકોમ સેવાઓ માટે જ નહીં પરંતુ સુરક્ષા, આપત્તિની સજ્જતા જેવા જાહેર હિતના કાર્યો માટે બિન-વ્યાવસાયિક ઉપયોગ માટે પણ જરૂરી છે.

કેન્દ્રએ તેની અરજીમાં ભારપૂર્વક જણાવ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષા, સલામતી અને આપત્તિની તૈયારીના ઉદ્દેશ્યોને હાંસલ કરવા તેમજ ભારતને જરૂરિયાત મુજબ ગતિશીલ નિર્ણયો લેવા સક્ષમ બનાવવા માટે ટેલિકોમ્યુનિકેશનની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવો જોઈએ, જેથી સામાન્ય લોકોનું શ્રેષ્ઠ કલ્યાણ થઈ શકે.

અમદાવાદના હનુમાન મંદિરોમાં જન્મોત્સવની અભૂતપૂર્વ ઉજવણી

અમદાવાદ: શહેરના હનુમાન મંદિરો ચૈત્ર સુદ પૂનમ કષ્ટભંજન, પવનપુત્રનો જન્મોત્સવ ઉજવી રહ્યા છે. કળયુગમાં સૌથી વધારે પૂજાતા ચિરંજીવ હનુમાનના જન્મોત્સવની ઠેર-ઠેર ભારે ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે શહેરના મોટાભાગના હનુમાન મંદિરેથી દર વર્ષ કરતાં મોટી સંખ્યામાં શોભાયાત્રા નીકળી. મારૂતિ યજ્ઞો, સુંદર કાંડના પાઠ થયા. ધ્વજારોહણ, મંગળા આરતી, છપ્પનભોગના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. હનુમાન મંદિરોની બહાર યજ્ઞોની સાથે વિશાળ ભંડારા, મહાપ્રસાદીના આયોજનો જોવા મળ્યા.શહેરના કેમ્પના હનુમાન, છબીલા હનુમાન, નાગરવેલ હનુમાન, પંચમુખી હનુમાન જેવા અનેક હનુમાન મંદિરોએ દર્શન માટે ભક્તોની ભીડ જોવા મળી. કેમ્પના હનુમાનના સંચાલકોએ હનુમાન જન્મોત્સવ પહેલાં ૨૨મીને સોમવારના રોજ વિશાળ શોભાયાત્રાનું આયોજન કર્યુ હતું. મંગળવારે હનુમાનજીને ૧૦૧ કિલોનો મહાલાડુ ધરાવાશે. મારૂતિ યજ્ઞ, ધ્વજારોહણ બાદ ભંડારો કરવામાં આવશે.પૂર્વ વિસ્તારના અમરાઈવાડી રખિયાલ રોડ પર આવેલા જાણીતા નાગરવેલ હનુમાન મંદિર ખાતે મારૂતિ યજ્ઞ અને ૧૧૦૦૦ દીવડાંની આરતીનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપરાંત ભાટ ખાતે સુંદરકાંડ પાઠ મહા આરતી થશે, મહા પ્રસાદ અપાશે.થલતેજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે અંજની માતાના મંદિરમાં સંતવાણીના કાર્યક્રમમાં સાંઈરામ દવેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)

સચિન તેંડુલકર હેફેલના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા

મુંબઈઃ ક્રિકેટના દિગ્ગ્જ સચિન તેન્ડુલકર વૈશ્વિક ઇન્ટિરિયર સોલ્યુશન્સ સેગમેન્ટની અગ્રણી હેફેલની ભારતીય સબસિડિયરી કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યાછે. કંપની ઇન્ટિરિયર સોલ્યુશન્સ સેગમેન્ટમાં 100 વર્ષથી કામગીરી કરી રહી છે. કંપની એના કમિટમેન્ટ, ગુણવત્તા અને મૂલ્ય માટે માટે જાણીતી છે. આંતરરાષ્ટ્ર્રીય સ્તરે સચિન તેંડુલકર ‘ગોડ ઓફ ક્રિકેટ’ તરીકે જાણીતા છે અને 20 વર્ષની કેરિયરમાં તેનું પર્ફોર્મન્સ અદ્વિતીય રહ્યું છે. તેની કારકિર્દી કંપની સાથે મેળ ખાતી છે. કંપનીના પરિવારમાં સચિનને આવકાર આપતાં કંપનીના સાઉથ એશિયાના MD ફ્રેન્ક શ્રોડરે કહ્યું હતું કે અમારું માનવું છે કે બ્રાન્ડના મૂલ્યના ઉદ્દેશને આગળ વધારવા માટે તે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે એકદમ યોગ્ય છે. ખાસ કરીને ગ્રાહકો ઇન્ટિરિયર સોલ્યુશન્સનાં સમાધાનોને શોધવા માટે તે પ્રોત્સાહિત કરશે. કંપની પરિવાર સચિનનું સ્વાગત કરતા ગર્વ અનુભવે છે. અમારી બ્રાન્ડ માટે તે એકદમ યોગ્ય વ્યક્તિ છે. ખાસ કરીને ફૂડ અને કૂકિંગ માટે તેનું ઝનૂન કાબિલેદાદ છે, એમ તેમણે કહ્યું હતું.

હું કંપની સાથે ભાગીદારી કરતાં બહુ ખુશ છું. અમે સાથે યાત્રા એટલે શરૂ કરી હતી, કેમ કે અમારી બંનેની ટીમો વચ્ચે ઘણુંબધું સામ્ય છે. મને ભોજન અને કુકિંગનો શોખ છે, એ સારી રસોઈ દરેક પરિવારને સ્વાદિષ્ટ ખુશી આપી શકે છે.  ભારતીય યુવા દરેક કામને સર્વશ્રેષ્ઠ બનાવવાની અપેક્ષા રાખે છે. હું SRT સ્પોર્ટ્સ મેનેજમેન્ટ (SRTSM) અને હેફેલેની ટીમોને શુભકામનાઓ આપું છું અને અમે અમારા ઉદ્દેશોને પૂરા કરવા માટે કામ કરવાનું જારી રાખીશું, એમ સચિન તેંડુલકરે કહ્યું હતું.

 

 

 

 

 

 

 

કચ્છ: કોને ફળશે?

કચ્છ: વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી લોકસભા અને ગુજરાતમાં ૨૬ સીટ પૈકીના પ્રથમ ક્રમમાં આવેલી કચ્છની બેઠક આમ તો 1996થી ભાજપના જ કબજામાં છે. કચ્છ લોકસભા સીટ ભારતની ત્રીજી સૌથી મોટી લોકસભા સીટ છે. જેનું ક્ષેત્રફળ 45,652 km2 છે. જે ડેન્માર્કથી પણ વધુ છે. આ બેઠક ઉપર ક્ષત્રિય, દલિત, મુસ્લિમ, આહિર, પટેલ, બ્રાહ્મણ, વણિક, લોહાણા અને અન્ય જાતિઓના લોકો વસે છે. ક્ષત્રિય અને દલિત મતદાતાઓ પ્રભાવી છે. આમ જોવા જઈએ તો કચ્છની બેઠક પર કોઈ એક જ્ઞાતિના મતદારોનું પ્રભુત્વ નથી અને જુદી જુદી જ્ઞાતિઓની બનેલી આ બેઠક એસ.સી. માટે અનામત છે. પરંતુ જ્ઞાતિવાદી સમીકરણો અહીં કામ કરતાં નથી. આ બધી જ્ઞાતિઓના મતદારોની સંખ્યા 7-8 ટકાની આસપાસ રહેતી હોય છે. કચ્છમાં દલિત અને મુસ્લિમ મતદારોની સંખ્યા પણ નોંધપાત્ર છે.

ઉમેદવાર:–

ભાજપ: વિનોદ ચાવડા 

કચ્છ લોકસભા સીટ પર ભાજપે બે ટર્મથી સાંસદ વિનોદ ચાવડાને યથાવત રાખ્યા છે. વિનોદ ચાવડાએ સૌપ્રથમ 2014 અને પછી 2019ની લોકસભામાં ચૂંટણી લડી હતી અને શાનદાર જીત મેળવી હતી. વિનોદ ચાવડાએ એલ.એલ.બી સુધી અભ્યાસ કર્યો છે. મુળ તેમનું ગામ કચ્છના નખત્રાણા તાલુકાના સુખપર રોહા છે. જે અબડાસા વિધાનસભા ક્ષેત્રમાં આવે છે.

કોંગ્રેસ: નીતિશ લાલણ 

કચ્છ લોકસભા બેઠક પરથી આ વખતે યુવા ચહેરાને તક આપવામાં આવી છે. યુવા નેતા નીતિશ લાલણ સક્રિય સભ્ય તરીકે પક્ષમાં સતત કાર્યરત રહ્યા છે. 2012માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સભ્ય તરીકે જોડાયા હતા. મતદાન એજન્ટ તરીકે જમીનીસ્તર પર કામ કર્યું છે. તમામ ચૂંટણીઓમાં બૂથનું સંચાલન પણ સંભાળ્યું છે. હાલમાં પૂર્વ કચ્છ જિલ્લા ભારતીય યુવા કોંગ્રેસ પ્રમુખ તરીકે કાર્યરત છે. ગાંધીધામ એસેમ્બલી ભારતીય યુવા કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ છે. યુથ કોંગ્રેસના પ્રમુખ તરીકે મહત્વનું યોગદાન આપ્યું છે. તેઓ શિપિંગ અને લોજિસ્ટિક્સના વ્યવસાય સાથે જોડાયેલા છે.

PROFILE

  • કચ્છ લોકસભા મતવિસ્તારમાં 7 વિધાનસભા મતવિસ્તારોનો સમાવેશ થાય છે. અબડાસા, માંડવી, ભૂજ, રાપર, ગાંધીધામ(SC), અંજાર અને મોરબી
  • 2019માં યોજાયેલી 17મી લોકસભા ચૂંટણીમાં ભાજપના વિનોદ ચાવડા આ બેઠક પરથી વિજેતા બન્યા હતા. તેઓ 3,05,513 વોટની લીડથી જીત્યા હતા.

મતદારોની સંખ્યા

  • કુલ મતદારો 19,34,444
  • પુરુષ મતદાર 9,96,628
  • સ્ત્રી મતદાર 9,37,791

 

  • વિધાનસભા બેઠકોની સ્થિતિબેઠક
    બેઠક પક્ષ    વિજેતા વોટ લીડ
    અબડાસા ભાજપ પી. એમ. જાડેજા 80,195 9,431
    માંડવી ભાજપ અનિરૂદ્ધ દવે 90,303 48,297
    ભૂજ ભાજપ કેશુભાઈ પટેલ 96,582 59,814
    અંજાર ભાજપ ત્રિકમ છાંગા 99,076 37,709
    ગાંધીધામ(SC) ભાજપ માલતી મહેશ્વરી 83,760 37,831
    રાપર ભાજપ વીરેન્દ્રસિંહ જાડેજા 66,961 577
    મોરબી ભાજપ કાન્તિલાલ અમૃતિયા 1,14,538 62,079

કચ્છ બેઠકની વિશેષતા

  • કચ્છની લોકસભા બેઠક પર 1952માં પહેલી વખત ચૂંટણી યોજાઈ હતી. તે વખતે સામાન્ય બેઠક હતી અને પ્રથમ યોજાયેલ ચુંટણીમાં કોંગ્રેસ જીતી હતી.
  • ૧૯૬૨ની લોકસભા ચુંટણીમાં સ્વતંત્ર પાર્ટીનો વિજય થયો હતો.
  • અહીં લોકસભા અને વિધાનસભામાં પરિણામ એકબીજાથી વિપરીત હોય છે.
  • કચ્છ બેઠક પર છેલ્લે 1991માં કોંગ્રેસના ઉમેદવાર વિજેતા બન્યા હતા. ત્યાર બાદથી આજ સુધી ભાજપના ઉમેદવારો જ વિજેતા બનતા આવ્યા છે.
  • આ બેઠક પર પ્રથમ વખત 1989માં ભાજપ તરફથી બાબુભાઈ શાહ ચૂંટાઈ આવ્યા હતા.
  • સૌથી વધુ વખત ભાજપના પુષ્પદાન ગઢવી સાંસદ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ 1996, 1998, 1999 અને 2004 એમ ચાર વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા.

હવે ભાજપની આ પ્રચાર સામગ્રી પહોંચશે ઘર-ઘર સુધી!

દેશ સહિત રાજ્યમાં ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે, તમામ પાર્ટીના ઉમેદવારો શક્તિ પ્રદર્શન કરી પ્રચાર કરી રહ્યા છે. ત્યારે આજે ગાંધીનગર ભાજપ કાર્યલય કમલમ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ભાજપના સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિ લૉન્ચ કરી. સાથે ભાજપના પ્રચાર માટે પાંચ નવા સોંગ લૉન્ચ કર્યા.

આ ઉપરાંત ઘર-ઘર સુધી પહોંચાડવા માટે અલગ-અલગ સામગ્રી એકત્ર કરી એક પ્રચાર કીટ બનાવવામાં આવી છે. જેમાં 80 વસ્તુનો સમાવેશ થાય છે. આ પ્રચાર કીટમાં ભાજપના અલગ-અલગ સાહિત્ય, ભાજપનો કેસરિયો ખેસ, ધ્વજ જેવી અનેક વસ્તુઓનો સમાવેશ થાય છે. તો હવે થી દરેક લોકસભા બેઠક પર ટેબ્લોથી પ્રચાર-પ્રસાર કરવામાં આવશે.

ચૂંટણી નજીક આવતા તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચાર માટે એડી-ચોટીનું જોર લગાવે છે. ઉમેદાવારોના પ્રચાર સમયે જુદા-જુદા રંગ પણ જોવા મળતા હોય છે. કોઈ ઉમેદાવાર આસુથી પ્રજાને રિઝવાનો પ્રયાસ કરે, તો કોઈ ઉમેદવાર વાયદાઓથી રીઝવાનો પ્રયાસ કરે. તો વળી કોઈ પાર્ટીના ઉમેદાવાર શક્તિ પ્રદર્શન કરી પ્રજાનું આકર્ષણ ખેંચવાના પ્રયાસ કરતા હોય છે. ત્યારે ભાજપે પ્રચાર માટે નવો પ્રયોગ કર્યો છે.

ભાજપે પ્રચાર માટે સંકલ્પ પત્રની ગુજરાતી આવૃતિનું અનાવરણ કર્યું. જેમાં મોદી સરકાર દ્વારા કરેલા વાયદાઓનો ઉલ્લેખની કરવામાં આવ્યો છે. આ સાથે ભાજપના પ્રચાર માટે પાંચ અલગ-અલગ સોંગ પણ લૉન્ચ કરવામાં આવ્યા છે. સાથે જ ઘર-ઘર જઈ પ્રચાર કરવા માટે જુદી-જુદી વસ્તુ એકત્ર કરી એક પ્રચાર કીટ બનાવવામાં આવી છે. તો હવે ભાજપના ઉમેદવારો પ્રચાર કીટ અને નવા ગીત સાથે પ્રચંડ પ્રચાર કરશે.

વિશ્વ પુસ્તક દિવસ: આ પુસ્તકાલયને નથી કોઈ પૂછનાર…

અમદાવાદ: શહેરની મધ્યમાં ટ્રાફિકથી ધમધમતા એવા રાયપુર કાંકરિયા રોડ પર ખંડેર હાલતમાં એક પુસ્તકાલયની ઈમારત આવેલી છે. ઈમારત ખંડેર થઈ છે, પરંતુ તેનો ભૂતકાળ ભવ્ય હશે એમ તેને જોતાં જ ખ્યાલ આવી જાય. ‘આપારાવ ભોલાનાથ પુસ્તકાલય’ લખેલી આ ઈમારતને અડીને આવેલા ફૂટપાથ પર રાયપુર દરવાજાનું AMTSનું બસ સ્ટેન્ડ આવેલું છે. લારી ખુમચાવાળા ફેરિયાઓ આ ફૂટપાથ રોકીને બેઠા હોય છે.બંધ દરવાજા ખંડેર જેવી વેરવિખેર ઈમારતમાં કોઈ છે? એમ પૂછતાં જ લારીવાળાએ તરત જ કહ્યું, “એક માણસ અંદર રહે છે.” પુસ્તકાલયનું બારણું ખખડાવ્યું માણસ બહાર આવ્યો.

આ પુસ્તકાલય કેમ બંધ અને ખંડેર હાલતમાં છે…?
પ્રશ્નના જવાબમાં ઈમારતમાં રહેતા સુરેશ ઠાકોરે કહ્યું કોઈ સંચાલકોને આ લાઈબ્રેરી ચલાવવામાં રસ નથી. છેલ્લા વીસ વર્ષોથી ‘આપારાવ ભોળાનાથ પુસ્તકાલય’ બંધ છે. હજારો ચોપડીઓ છે એ બધી ઉપરના માળે મુકેલી છે. અમે મૂળ સૈજપુરના પણ અમારી ત્રીજી પેઢીનો હું માણસ છું, જે આ પુસ્તકાલયની ઈમારતમાં રહીએ છીએ.આ પુસ્તકાલયને સંચાલન કરતી કમિટીમાંના એક સભ્ય ડોક્ટર ચૈતન્ય પટેલ ચિત્રલેખા.કોમ ને કહે છે કમિટીમાં હવે હું એકલો જ રહ્યો છું. બાકીના લોકો ગુજરી ગયા. આ વિસ્તારમાં હું અને મારા પિતાજી બંને પ્રતિષ્ઠત ડોક્ટર સાથે સમાજ સેવક. આ લાઈબ્રેરીને બચાવવા અને ચાલુ રાખવા અથાગ પ્રયત્ન કર્યા. ટ્રસ્ટમાં હોવાને કારણે સરકારી અને ખાનગી લોકો પાસેથી આ ઈમારતની રૂમો જગ્યાઓ ખાલી પણ કરાવી. હવે આ વિસ્તારના બાળકો યુવાનો વિદ્યાર્થીઓ વાંચી શકે ભણી શકે એવી કોમ્પ્યુટર સાથેની અદ્યતન લાઈબ્રેરી વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છીએ. સરકાર વાંચે ગુજરાત જેવા કાર્યક્રમો કરે છે. એ સાથે પુસ્તકાલયોને પ્રોત્સાહિત કરવા અનુદાન તેમજ સગવડો આપે તો આવનારી પેઢીઓને લાભ થાય. ઈતિહાસ અને પુરાતત્વમાં રસ ધરાવતા લોકોના મતે રાયપુરનું આ પુસ્તકાલય 150 વર્ષ કરતાંય જૂનું છે. ભોળાનાથ એક વિદ્વાન વડનગરા નાગર હતા. જે સંસ્કૃતિ, સાહિત્યને જાળવવામાં માનતા હતા. લોકો સુધી જ્ઞાન પહોંચે એ માટે દિકરાના નામ પરથી આપારાવ ભોળાનાથ પુસ્તકાલય નામ આપ્યું હતું એવું માનવામાં આવે છે. સ્માર્ટ સિટી, હેરિટેજ સિટીનો દરજ્જો ધરાવતા અમદાવાદનું આ ખાનગી પુસ્તકાલય એકદમ કાંકરિયા તરફ જતાં માર્ગને અડીને જ આવેલું છે. જેના પગથિયાંથી માંડી આખી ઈમારત ખંડેર હાલતમાં છે, છોડ અને ઝાડ ઉગી ગયા છે. જ્ઞાન પીરસતી આ ઈમારત તો ખાનગી છે. જે ખંડેર હાલતમાં ફેરવાઈ ગઈ છે. સૌથી મજાની વાત એ છે કે આ પુસ્તકાલયને કોઈ પુછનાર નથી. હેરિટેજ ઈમારતની કોઈને દરકાર નથી. પણ…આજ ઈમારતથી થોડે જ દૂર મનોરંજન, મોજ, મસ્તી અને રમત-ગમતને વિકસાવવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે.

(પ્રજ્ઞેશ વ્યાસ – અમદાવાદ)