Home Blog Page 1916

BDIPSના ઓપ્ટોમેટ્રી વિભાગની નેશનલ લેવલના સાયન્ટીફીક સેશનમાં ઝળહળતી સિદ્ધિ

ચાંગા: ચાંગાસ્થિત ચારુસેટ યુનિવર્સિટી સંલગ્ન બાપુભાઈ દેસાઈભાઈ પટેલ ઈન્સ્ટીટ્યુટ ઓફ પેરામેડિકલ સાયન્સ (BDIPS)ના ઓપ્ટોમેટ્રી વિભાગે તાજેતરમાં ચેન્નઈમાં આયોજિત નેશનલ લેવલના સાયન્ટીફીક સેશનમાં ભાગ લઇ ઝળહળતો પ્રશંસનીય દેખાવ કરી કોલેજનું નામ રોશન કર્યું હતું.

ચેન્નઈના શંકરા નેત્રાલયમાં આયોજિત 22 માં ડો.ઈ.વૈથીલિંગમ મેમોરિયલ સાયન્ટીફીક સેશનમાં ભાગ લેનારા ડેલિગેટ્સમાં ઓપ્ટોમેટ્રી વિભાગના બે ફેકલ્ટી સભ્યો અને એક વિદ્યાર્થીનીનો સમાવેશ થતો હતો. ઓપ્ટોમેટ્રી વિભાગમાં આસીસ્ટન્ટ પ્રોફેસર દેવાંશી દલાલ, ઓપ્ટોમેટ્રીમાં ક્લિનિકલ ઇન્સ્ટ્રક્ટર નીતા મકવાણા અને ઓપ્ટોમેટ્રીના અંતિમ વર્ષની વિદ્યાર્થિની ખદીજા અસગરભાઈ દુધિયાવાલાએ ઇવેન્ટમાં ભાગ લીધો હતો. દેવાંશી દલાલે તેમનું રીસર્ચ ‘Cyclodamia In Differential Diagnosis Of Binocular Vision Anomalies’ વિષય પર રજૂ કર્યું હતું. ખદીજા દુધિયાવાલાને પોસ્ટર પ્રેઝન્ટેશન માટે માર્ગદર્શન આપ્યું હતું.

આ સેશનમાં વિદ્યાર્થીની ખદીજા દુધિયાવાલાએ પ્રશંસનીય પ્રદર્શન અને પોસ્ટર પ્રેઝન્ટેશન કર્યું હતું. જેનો વિષય  ‘Beyond Braille: Exploring The Potential Of Virtual Reality In Education For Corneal Anaesthesia Syndrome – A Case Study’ હતો. પોસ્ટર પ્રેઝન્ટેશન ઇવેલ્યુએશનના આધારે ખદીજા દુધિયાવાલને એસિલોર ટ્રાવેલ ગ્રાન્ટ એવોર્ડ (Essilor Travel Grant Award) પ્રાપ્ત થયો હતો. તેમનું યોગદાન અને માન્યતા ઓપ્ટોમેટ્રીમાં તેમના જ્ઞાન અને શ્રેષ્ઠતાને આગળ વધારવાની પ્રતિબદ્ધતાને પ્રદર્શિત કરે છે તેમજ શૈક્ષણિક આદાનપ્રદાન અને વ્યવસાયિક વૃદ્ધિ માટેના પ્લેટફોર્મને પ્રોત્સાહન આપે છે.

આ  સેશનમાં નિષ્ણાતો દ્વારા આપવામાં આવેલા વિવિધ લેક્ચર્સમાં  માયોપિયાના વિકાસ, પ્રગતિ અને વ્યવસ્થાપન, ઓપ્ટોમેટ્રીના 100 વર્ષની ઉજવણી, વૃદ્ધાવસ્થાની સંભાળનો સમાવેશ કરવામાં આવ્યો હતો અને પરંપરાગત ઓપ્ટોમેટ્રી પ્રેક્ટિસની બહાર જઈને ઓપ્ટોમેટ્રિસ્ટની ભજવવાની ભૂમિકાની શોધ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. આ સેશનમાં ઓપ્ટોમેટ્રી અને આંખની સંભાળના વિવિધ પાસાઓ વિશે નોંધપાત્ર માહિતી દર્શાવવામાં આવી હતી.

‘પુષ્પા 2: ધ રૂલ’ ડિજિટલ રાઇટ્સનો કરોડોમાં રેકોર્ડ સોદો

નવી દિલ્હીઃ સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’નો આતુરતા ફેન્સ રાહ જોઈ રહ્યા છે. પહેલા ભાગની સફળતા પછી હવે બીજા ભાગ પર ફેન્સની નજર છે. આ ફિલ્મ આ વર્ષે 15 ઓગસ્ટે વિશ્વભરનાં થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મના ડિજિટલ રાઇટ્સ OTT પ્લેટફોર્મ નેટફ્લિક્સને કરોડો રૂપિયામાં વેચવામાં આવ્યા છે.

પિન્કવિલાના અહેવાલ અનુસાર ‘પુષ્પા 2: ધ રૂલ’ના ડિજિટલ રાઇટ્સ નેટફ્લિક્સને રૂ. 250 કરોડની બેસ પ્રાઇસમાં વેચવામાં આવ્યા હતા, જેને રૂ. 300 કરોડ સુધી વધારવામાં આવે એવી શક્યતા છે. આ બધા ભાષાઓમાં એક રેકોર્ડ ડીલ છે. આ સોદો બોક્સ ઓફિસ પ્રદર્શનને આધારે બદલી શકાય છે.

કેટલાક દિવસો પહેલાં નેટફ્લિક્સે એક પોસ્ટ શેર કરી હતી, જેમાં લખ્યું હતું કે જો ‘પુષ્પા 2’ને તમે થિયેટરમાં ના જોઈ શકો તો એને OTT પ્લેટફોર્મ પર રિલીઝના થોડા સમય પહેલાં નેટફ્લિક્સ પર જોઈ શકાશે. આવામાં એના રાઇટ્સે નેટફ્લિક્સે ખરીદ્યા છે, પણ કિંમત વિશે સ્પષ્ટતા નથી થઈ શકી.

પુષ્પાનો પહેલો ભાગ વર્ષ 2021માં રિલીઝ થયો હતો. આ ફિલ્મના ગીતોથી માંડીને ડાયલોક સોશિયલ મિડિયા પર વાઇરલ થયા હતા. પહેલા ભાગમાં અલ્લુ અર્જુની સાથે રશ્મિકા મંદાના હતી. જ્યારે સામંથા રૂથ પ્રભુએ એક આઇટમ સોન્ગ કર્યું હતું, જે ઘણું લોકપ્રિય થયું હતું. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર રૂ. 373 કરોડની કમાણી કરી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

બિઝનેસમાં સફળ થવું હોય તો મુકેશ અંબાણીની આ મહત્વની સલાહ જાણી લો

મુંબઈ: એશિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક મુકેશ અંબાણીને કોઈ પરિચયની જરૂર નથી, તેમનું નામ જ કાફી છે. તેમની પાસે જેટલા પૈસા છે તેનાથી સમગ્ર દેશ ટકી શકે છે.મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના માલિક છે,પરંતુ આટલા મોટા સામ્રાજ્યએ એક દિવસમાં રાતોરાત આટલા કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરી નથી. સખત મહેનત અને આયોજન બનાવી આ મુકામ હાંસલ કર્યુ છે. મુકેશ અંબાણી જેટલા સારા બિઝનેસમેન છે તેટલા જ સારા અને સકારાત્મક વ્યક્તિ પણ છે, જેઓ જીવન પ્રત્યે એક અલગ દ્રષ્ટિકોણ ધરાવે છે અને તેમનો અંદાજ જ તેમને આ પદ પર લાવ્યા છે. આજે મુકેશ અંબાણીના 67મા જન્મદિવસ પર જાણીએ તેમના સફળતાના મંત્રો.

  • મોટા સપના જુઓ અને તેને પૂરા કરવાની હિંમત રાખો.

 

  • મને લાગે છે કે સૌથી મોટો પડકાર માનસિકતા છે. આપણે સકારાત્મકતા, આશાવાદ, પોતાની જાતમાં વિશ્વાસ લાવવો પડશે.

 

  • નિષ્ફળતા સ્વીકાર્ય છે. આપણે બધા આપણા પ્રથમ પ્રયાસમાં સફળ થતા નથી. હું તમને કહી શકું છું, હું પોતે નિષ્ફળ ગયો છું. મેં કરેલી દરેક 10 વસ્તુઓ માટે હું છ કે સાત વખત નિષ્ફળ ગયો છું. હું ત્રણ વખત ખૂબ જ સફળ થયો છું કારણ કે હું ખૂબ નસીબદાર હતો. જો આપણે આપણા અભિગમમાં એકંદરે સકારાત્મકતા અને આશાવાદ લાવીએ તો આપણી સાચી સંભાવનાને સાકાર કરવા માટે આપણે શું કરી શકીએ તેનો અંદાજ આવી જાય.

 

  • મેં મારા પિતા પાસેથી જે સૌથી મહત્વપૂર્ણ પાઠ શીખ્યા છે તેમાંનો પહેલો પાઠ છે હિંમત. કોઈએ ક્યારેય ધંધામાં કે જીવનના કોઈપણ ક્ષેત્રમાં હિંમત વિના કંઈ પણ મોટું હાંસલ કર્યું નથી. અલબત્ત, જ્યારે પણ તમે કંઈ પણ મોટું કરો છો, ત્યારે તમને થોડો ડર લાગે છે. પરંતુ તમારી અંદર છુપાયેલા હીરોને શોધવા માટે તમારે ડર પર વિજય મેળવવો પડશે. જો તમે ધ્યેય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો તમે તમામ અવરોધોને દૂર કરી શકશો.જો તમે અવરોધો પર ધ્યાન કેન્દ્રિત કરશો,તો તમે ક્યારેય તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં.

 

  • હિંમત, આત્મવિશ્વાસ અને કરી શકવાની ભાવનાથી તમે કોઈપણ પ્રતિકૂળતાને પાર કરી શકો છો. અશક્ય પર વિજય મેળવવો એ તમારું ભાગ્ય છે.

 

  • ભૂતકાળની ભૂલોનું પોસ્ટમોર્ટમ કરવામાં તમારી શક્તિ વેડફશો નહીં. તેના બદલે એ જ ભૂલોનું પુનરાવર્તન ન કરવાનું શીખો.

 

  • તમારા વર્તમાન અને ભવિષ્યના ધ્યેયોને અનુસરવામાં હિંમતવાન અને સાહસિક બનો. હંમેશા એકબીજાને ટેકો આપો. જ્યારે આપણે સાથે મળીને કામ કરીએ છીએ ત્યારે ભૂલો થવાની શક્યતાઓ પણ ઓછી થઈ જાય છે.

 

  • અવસરમાંથી આવક આવે છે… એકવાર તમે તક ઊભી કરો તો સંપત્તિ આવશે.

 

  • ભારતમાં દરેક નાના વેપારી અને ઉદ્યોગસાહસિક પાસે ધીરુભાઈ અંબાણી કે બિલ ગેટ્સ બનવાની ક્ષમતા છે. તે જ ભારતને બાકીના વિશ્વથી અલગ પાડે છે.

 

  • આજના જમાનામાં નાણાકીય સંસાધનો સૌથી ઓછા મહત્વના છે. આ વિશ્વ વિચારની શક્તિ તરફ આગળ વધ્યું છે.

 

  • એક ઉદ્યોગસાહસિક તરીકે તમે જે સમસ્યાનું નિરાકરણ કરવા માંગો છો,કે જેના વિશે તમે જુસ્સાદાર છો તે સમસ્યા શોધવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. કામ સમસ્યાનું નિરાકરણ શોધવાનું નથી, સમસ્યા શોધવાનું છે. પહેલા સમસ્યા શોધો અને પછી તેને સોલ્વ કરો.

 

 

 

 

મતદાનઃ77 વર્ષમાં 70 ટકા મતદાને પણ નથી પહોંચ્યું ભારત?

નવી દિલ્હીઃ ભારત આઝાદ થયાનાં 77 વર્ષ પછી પણ 70 ટકા મતદાને નથી પહોંચી શક્યું. સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ મતદાનનો રેકોર્ડ 67.36 ટકા થયું છે. લોકસભા ચૂંટણી 2019માં આશરે 30 કરોડ લોકોએ મત નથી નાખ્યા. ચૂંટણી પંચના તમામ પ્રયાસો છતાં મતદાનની ટકાવારીમાં ઝાઝો ફરક નથી આવ્યો. વર્ષ 1967ની સામાન્ય ચૂંટણીમાં 61.33 ટકા લોકોએ મતો નાખ્યા હતા. એના પાંચ દાયકા પછી પણ વર્ષ 2019માં 6.03 ટકા વધુ લોકોએ મતદાન કર્યું હતું.

1962થી 2019 સુધી લોકસભા ચૂંટણીનો રેકોર્ડ જોઈએ તો સરેરાશ મતદાન 59 ટકા છે. હવે સવાલ એ છે કે વસતિનો એક મોટો હિસ્સો હજી પણ મત આપવા કેમ નથી જતો?રાજકીય પક્ષો કે ઉમદેવારોથી મોહભંગ થઈ જાય છે અથવા મતદાતાને લાગે છે કે તેનો મતનું કંઈ વજૂદ નથી, ત્યારે તે તેની આસપાસના મુદ્દાઓની પરવા નથી કરતો.

દેશમાં 1962 પછી મતદાતાઓની સંખ્યામાં ચાર ગણી વૃદ્ધિ જોવા મળી હતી. 2023માં એ સંખ્યા 94.5 કરોડને પાર થઈ ગઈ હતી. મતદાનને 75 ટકા સુધી લઈ જવાની ચર્ચાની વચ્ચે ચૂંટણી પંચે કબૂલ કર્યું હતું કે 2019માં 30 કરોડ મતદાતાઓએ તેમના મતાધિકારનો ઉપયોગ નહોતો કર્યો, એમાં શહેરી વિસ્તારના લોકો, યુવા મતદાતા અને પ્રવાસીઓનો એક મોટો હિસ્સો હતો.

દેશના સૌથી યુવા મતદાતાઓ લોકતાંત્રિક પ્રક્રિયામાં ભાગ લેવામાં ઓછો રસ લઈ રહ્યા છે. એક અહેવાલ મુજબ દેશના 18થી 19 વર્ષના 40 ટકા કરતાં પણ ઓછા લોકોએ મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

 

 

 

 

 

આખરે આજે વિજય મુહૂર્તમાં ભર્યું સી.આર.પાટીલે ફોર્મ

સૂરત: લોકસભા ચૂંટણીનો શંખદાન થઈ ચૂક્યો છે. ત્રીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવા માટે આજે છેલ્લો દિવસ છે. આજે ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ નવસારી બેઠક પર ફોર્મ ભરવા પહોંચ્યા હતા. તેમણે વિજય મુહૂર્ત 12:39ના સમયમાં પોતાનું નામાંકન નોંધાવ્યું. તેમની સાથે ફોર્મ ભરતા સમયે રાજ્ય સરકારના મંત્રી કનુભાઈ દેસાઈ, ધારાસભ્ય નરેશભાઈ પટેલ, રાકેશભાઈ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા.

સી.આર.પાટીલ 18 એપ્રિલના રોજ ઉમેદવારી નોંધાવવાના હતા. પરંતુ જંગી રેલીના કારણે તેઓ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા અને તેમણે ઉમેદવારી પત્ર ભર્યુ ન હતું. ગુરૂવારે યોજેલી જંગી રેલીમાં સી.આર પાટીલ સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી સહિત હજારો સમર્થકો જોડાયા હતા. રેલી દરમિયાન લોક ગાયક ગીતા રબારી અને કિર્તીદાન ગઢવીએ પોતાના સૂરીલા અંદાજમાં પાટીલનું સમર્થન કર્યું હતું. આ ઉપરાંત તેમણે બહુમતીથી જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.

રજનીકાંત, કમલ હાસનથી લઈને ધનુષે ઉત્સાહભેર કર્યું મતદાન

દિલ્હી: લોકસભા ચૂંટણી-2024માં આજે પ્રથમ તબક્કાનું મતદાન યોજાયું. કુલ 102 બેઠક પર યોજાયેલા મતદાનમાં કેટલાંક મંત્રીઓના ભાવી પણ EVMમાં કેદ થયા છે. આજના મતદાનમાં વયોવૃદ્ધથી લઈને નવ પરિણીત યુગલોએ વોટ કરીને લોકો માટે પ્રેરણારૂપ બન્યા છે. ત્યારે સાઉથ સુપર સ્ટાર્સ પણ ક્યાંય પાછા પડ્યા ન હતા. અભિનેતા કમલ હસને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચેન્નઈ MNM ચીફ અને અભિનેતા કમલ હાસને પોતાનો મત બારપેટા સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળામાં આપવા પહોંચ્યા હતા.અભિનેતા ધનુષ પણ મતદાન કરવા પહોંચી ગયા હતા. તેમણે ચેન્નાઇના અલવરપેટ ખાતેના મતદાન મથક પર મતદાન કર્યું.

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતે ચેન્નાઈના સ્ટેલા મૈરિસ કોલેજમાં પોલિંગ બૂથ પર પોતાનો વોટ આપ્યો હતો. મતદાન કર્યા બાદ તેમણે પોતાની આંગળી પર શાહીનું નિશાન બતાવીને લોકોને મતદાન કરવા માટે પ્રેરિત કર્યા હતા.

અજિત કુમાર પણ વોટ આપવા માટે ચેન્નાઈ પોલિંગ બૂથ પહોંચ્યા હતા. સોશિયલ મીડિયા પર તેમની તસવીરો જોવા મળી રહી છે.સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણીના આજે પ્રથમ તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 બેઠક પર આજે ચૂંટણી યોજાઈ.

અમિત શાહે નોંધાવી ઉમેદવારી, વિજય મુહૂર્તમાં ભર્યુ ફોર્મ

ગાંધીનગર: રાજ્યમાં લોકસભા ચૂંટણી માટે તમામ પક્ષોને ઉમેદવારી નોંધાવવા માટેનો આજે છેલ્લો દિવસ હતો. ત્યારે 18 એપ્રિલના રોજ ગાંધીનગર અને અમદાવાદમાં અમિત શાહે પ્રચંડ શક્તિ પ્રદર્શન કર્યું હતું. જે બાદ તેમણે વિજય મુહૂર્તમાં ગાંધીનગર કલેક્ટર કચેરી ખાતે જઈ નામાંકન નોંધાવ્યું.

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગઈકાલથી ગુજરાત મુલાકાતે છે.  ગાંધીનગર લોકસભા મતક્ષેત્રમાં તેમણે 6 મેગા રોડ શૉનું આયોજન કર્યું. વેજલપુર વિસ્તારમાં તેમણે જંગી જનમેદનીને સંબોધન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, “ફોર્મ ભરતા પહેલાં તમારા આશીર્વાદ લેવા આવ્યો છું. ભવ્ય રોડ શૉ માટે તમામ કાર્યકર્તાઓનો આભારી છું. સાતમી તારીખે ગુજરાતમાં મતદાન છે. 7મી તારીખે 26 કમળ ખીલવવાના છે. ગુજરાતની 26માંથી 26 બેઠકોનો નરેન્દ્ર મોદીને આશીર્વાદ મળવાનો છે. સાત તારીખે મતદાનના તમામ રેકોર્ડ તોડી નાખવાના છે.”

આજે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં કેન્દ્રય ગૃહ મંત્રી અને ભાજપના ગાંધીનગર બેઠકના ઉમેદવાર અમિત શાહે ફોર્મ ભર્યુ. ફોર્મ ભર્યા બાદ અમિત શાહે કહ્યું હતું, “મારા માટે આ ગૌરવની વાત છે. આ બેઠક પર PM મોદી પોતે મતદાતા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ અપાર પ્રેમ આપ્યો છે. ગુજરાતમાં ભાજપની સરકારે ઘણા કાર્યો કર્યા છે. છેલ્લા પાંચ વર્ષમાં 22 હજાર કરોડથી વધુના વિકાસકાર્યો થયા છે. ગાંધીનગર બેઠકના મતદાતાઓએ મને આશીર્વાદ આપ્યા છે. આ ચૂંટણી PM મોદીને ત્રીજી વખત PM બનાવવાની ચૂંટણી છે. મોદીજીએ દેશને સમૃદ્ધ બનાવવાનું કાર્ય કર્યુ છે. મોદીજીને ત્રીજી વખત PM બનાવવા દેશની જનતા ઉત્સુક છે.”

ફોર્મ ભરતા સમયે અમિત શાહ સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પેટલ સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા.

લોકસભા ચૂંટણીઃ આ દિગ્ગજ રાજનેતાઓનું નસીબ EVMમાં બંધ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીના પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. કુલ 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત ક્ષેત્રોની 102 સીટો માટે પહેલા તબક્કામાં મતદાન થઈ રહ્યું છે, એમાંથી 39 સીટો તામિલનાડુ, 12 સીટો રાજસ્થાન, આઠ ઉત્તર પ્રદેશ, છ મધ્ય પ્રદેશ, ઉત્તરાખંડ, આસામ અને મહારાષ્ટ્રમાં પ્રત્યેકમાં પાંચ-પાંચ, બિહારમાં ચાર, પશ્ચિમ બંગાળમાં ત્રણ સીટો સામેલ છે. ઉત્તર-પૂર્વ રાજ્યો અને જમ્મુ અને કાશ્મીરમાં ફણ એક-એક સીટો પર મતદાન થઈ રહ્યું છે.

કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઇવેઝ પ્રધાન નીતિન ગડકરી ફરીથી નાગપુરથી ચૂંટણી લડી રહ્યા છે. ગડકરી ભાજપના સૌથી સિનિયર લીડર્સમાંના એક છે. આ વખતે ગડકરીનો મુકાબલો કોંગ્રેસના વિલાસ ઠાકરે સામે છે. જે હજી નાગપુર વેસ્ટની વિધાનસભાની સીટથી વિધાસભ્ય છે.

UPના નગીના સીટ પર આઝાદ સમાજ પાર્ટી (કાંશીરામ)ના ઉમેદવાર ચંદ્રશેખર આઝાદ ઊભા છે. તેઓ છેલ્લા કેટલાંક વર્ષોમાં મોટા દલિત નેતા તરીકે ઊભર્યા છે. અરુણાચલ વેસ્ટથી કેન્દ્રીય વેસ્ટથી કેન્દ્રીય મંત્રી કિરણ રિજીજુ ચૂંટણી લડી રહ્યા છે.  છિંદવાડાથી કોંગ્રેસના નકુલ નાથ ચૂંટણી લડી રહ્યા છે. મધ્ય પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય મંત્રી કમલનાથના પુત્ર છે. ઉત્તર પ્રદેશની પીલીભીત સીટે પર મેનકા ગાંધી ચૂંટણી લડી રહ્યા છે. કોઇમ્બતુરને ભાજપે પાર્ટીના અધ્યક્ષ કે. અન્નામલાઇને ટિકિટ આપી છે. તેમનો મુકાબલો DMKના ગણપતિ પી. રાજકુમાર સાથે છે.

 

 

 

 

મળો ‘મૈદાન’ ફિલ્મમાં બાજી મારનાર મુંબઈના આ ગુજરાતી યુવા અભિનેતાને

મુંબઈ: અજય દેવગન સ્ટારર બૉલિવૂડ ફિલ્મ ‘મૈદાન’ખૂબ ચર્ચામાં છે. ભારતના ફુટબૉલ કૉચ સૈયદ અબ્દુલ રહીમ પર આધારિત ફિલ્મની વાર્તા દર્શકોને પસંદ આવી રહી છે. આ સાથે જ ચાહકો ફિલ્મના કલાકારોના અભિનયની પણ પ્રશંસા કરી રહ્યાં છે. જોકે,આપણે આ ફિલ્મ વિશે નહીં પણ ફિલ્મમાં અજય દેવગન સાથે કામ કરનાર મુંબઈના ગુજરાતી એક્ટર રિષભ જોશી અંગે વાત કરીશું. બોરિવલીમાં રહેતા મુળ ગુજરાતી રિષભ જોશી એક અભિનેતા છે, જે ગુજરાતી રંગભૂમિ સાથે જોડાયેલા છે અને ગુજરાતી, હિન્દી ફિલ્મ તથા વેબ સીરિઝમાં પણ કામ કરી એક્ટર તરીકે આગવી ઓખળ ઉભી કરી રહ્યા છે.

’20 વર્ષનો હતો ત્યારે આ ફિલ્મનું શૂટિંગ કર્યુ હતું. આજથી પાંચ વર્ષ પહેલા મૈદાન ફિલ્મના શૂટિંગમાં મેં મારા ગોલ્ડન દિવસો પસાર કર્યા. ફિલ્મ રિલીઝ થયા બાદ પરિણામ પણ એવું જ આવ્યું છે. ફિલ્મમાં વાર્તાથી માંડીને એ.આર રહેમાનનું મ્યુઝિક, અમિત શર્માનું ડિરેક્શન અને અજય દેવગન સહિત બધા જ કલાકારોની દમદાર એક્ટિંગ બધું જ અદ્ભૂત છે.”આ શબ્દો છે રિષભ જોશીના.

કેવી રીતે મળી ફિલ્મ?

ચિત્રલેખા સાથે વાત કરતા અભિનેતા રિષભ જોશી જણાવે છે કે “મને બાળપણથી જ એક્ટિંગનો શોખ હતો. ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે નાટકથી મેં મારા અભિનય કરિયરની શરૂઆત કરી હતી. કોલેજ દરમિયાનની મારી ફ્રેન્ડ,જે કાસ્ટિંગ કંપનીમાં કામ કરતી હતી તેણીએ મને કહ્યું કે અમે એક ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યાં છીએ. તારું ઓડિશન મોકલ. મેં ફૂટબોલ રમતો એક વીડિયો બનાવી તે કાસ્ટિંગ કંપનીમાં મોકલી આપ્યો. થોડા જ દિવસોમાં તેમણે મને ઓડિશન માટે બોલાવ્યો અને મને ખબર પડી કે અજય દેવગન સ્ટારર ફિલ્મ છે,જે ફૂટબોલ કૉચ સૈયદ અબ્દુલ રહીમની બાયોપિક છે. હું ખુબ જ નર્વસ હતો. પરંતુ તેમ છતાં ક્યારેક તો આ સ્થિતિનો સામનો કરવો જ પડશે એવું વિચારીને હિંમત ભેગી કરી અને ઓડિશન આપ્યું. આ ઓડિશન ફૂટબોલ કોચના પુત્રના પાત્ર માટે હતું. સમય વીત્યો પણ કઈં જ જવાબ ન આવ્યો. પરંતુ મારી આશા જીવંત હતી કે કંઈક થશે. આખરે બન્યું એવું કે મને જાણ થઈ કે તે પાત્ર માટે મારું સિલેક્શન થઈ ગયું છે. આ સમાચાર બાદ મારી ખુશીનો પાર જ નહોતો.”

અજય દેવગન સાથે કામ કરવાનો અનુભવ

વધુમાં રિષભ જણાવે છે કે સૌ પહેલા તો અમને બધાને ફૂટબોલની ટ્રેનિંગ આપવામાં આવી. બાદમાં લખનઉ સહિત વિવિધ શહેરોમાં ફિલ્મનું શૂટિંગ અને ટ્રનિંગ બંને સાથે ચાલતું ગયું. ફિલ્મમાં અજય દેવગન એસ.એ. રહીમના પાત્રમાં અને હું તેમના પુત્ર એસ.એ હકીમના પાત્રમાં. મારો પહેલો જ સીન અજય દેવગન સાથે હતો. આટલા મોટા દિગ્ગજ અભિનેતા સાથે પહેલી વાર કામ કરવાનો ડર હતો. પરંતુ તે અજય દેવગન નહીં મારા પિતા એસ. એ. રહીમ છે એવું વિચારીને આખો સીન તેમની સાથે કર્યો હતો. તેમની સાથે કામ કરવાનો અનુભવ ખુબ જ અદ્ભૂત હતો. તેમણે મને ખુબ જ કન્ફર્ટેબલ ફીલ કરાવ્યું. અમારા બંને વચ્ચે ભાવુક સીન હતો.આખો સીન કરવામાં તમનો ખુબ જ સારો સપોર્ટ રહ્યો. અજય દેવગનની એક વાત મને બહુ જ ગમી કે તે પોતાના કો-એક્ટરને સીન દરમિયાન સ્પેસ અને સહકાર આપે છે.

યુવાઓ માટે પ્રેરણા સમાન અભિનેતા રિષભ જોશી બાળપણથી જ અભિનયક્ષેત્ર સાથે જોડાયેલા છે. તે મુંબઈમાં નાટકોમાં સક્રિય છે. તેમજ ગુજરાતી ફિલ્મ ‘હેલ્લો’, ‘બેસ્ટ ઓફ લક લાલુ’માં તેમણે કામ કર્યુ છે. સુશાંત સિંહ રાજપૂત સ્ટારર ફિલ્મ છિછોરેમાં પણ રિષભે અભિનય કર્યો છે. આ સિવાય વેબ સિરીઝ ‘અવરોધ’માં પણ ભૂમિકા નિભાવી છે અને’બિગ ગર્લ ડોન્ટ ક્રાય’માં કામ કર્યુ છે. ઉપરાંત નેટફ્લિક્સ ફિલ્મ ફ્રાઈડે નાઈટ પ્લાનમાં બાબિલ સાથે સ્ક્રીન શેર કરી છે.

(નિરાલી કાલાણી)

 

 

રાજકોટમાં રૂપાલા સામે કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું

રાજકોટ: લોકસભા ચૂંટણી માટે અંતે ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી નોંધાવી છે. આમ હવે રાજકોટ બેઠક ઉપર રૂપાલા અને ધાનાણી વચ્ચે જંગ નક્કી થઈ ગયો છે.આજે સવારે 11 વાગ્યે શહેરના બહુમાળી ભવન ચોકમાં ઇન્ડિયા ગઠબંધનની એક વિશાળ સભા યોજાઈ હતી. આ સભામાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ ઉપરાંત જગદીશ ઠાકોર, સિદ્ધાર્થ પટેલ, જીગ્નેશ મેવાણી, પ્રતાપ દુધાત ઉપરાંત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. સૌરાષ્ટ્રભરમાંથી આગેવાનો અને ક્ષત્રિય મહિલાઓ મોટી સંખ્યામાં સભામાં હાજર રહી હતી. નેતાઓએ પરેશભાઈને જીતાડી ભાજપનો અહંકાર ઓગાળવા લોકોને અપીલ કરી હતી.સભામાં મંચ ઉપર ક્ષત્રિય સંમેલન યોજાયું. તેમાં કેસરી સાડીમાં મહિલાઓ હાજર હતી. તેનું મોટું બેનર સહુ કોઈનું ધ્યાન ખેંચ્યું હતું. સભામાં ક્ષત્રિય મહિલાઓએ પરેશ ધાનાણીને રાખડી બાંધી હતી અને ઓવારણાં લીધા હતા.વિશાળ જનસભા એક તરફ ચાલુ જતીન પ્રદેશના નેતાઓ ભાષણ આપતા હતા. ત્યારે ચાલુ સભાએ પરેશ ધાનાણી રાજકોટ કોંગ્રેસના આગેવાનોને સાથે રાખીને કલેકટર કચેરીએ 12.30 કલાકે પહોંચી ગયા હતા. ફોર્મ ભરવામાં મોડું ન થાય એટલે આવી રણનીતિ અપનાવી હતી.

શક્તિસિંહ ગોહિલ રાજકોટની સભામાં હાજર હોવા છતાં તેમણે કે બીજા નેતાઓએ ધાનાણી ફોર્મ ભરે ત્યારે હાજર રહેવાનું ટાળી સમય અને વ્યવસ્થા સાચવી હતી. ચાલુ સભાએ ધાનાણીએ કલેકટર સમક્ષ ઉમેદવારી નોંધાવી હતી.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરો – નીશુ કાચા)