Home Blog Page 1922

રાશિ ભવિષ્ય 18/04/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસ્તા વધુ રહે તેવું બની શકે છે, માથા, હાડકા, લોહીની બીમારીવાળાએ થોડી તકેદારી રાખવી ઇચ્છનીય છે, સરકારીકામકાજ, સોના,ઝવેરાત જેવા ક્ષેત્રમાં કામકાજ કરનારને માનસિકથાક વધુ લાગે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.


આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.


આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય તેવું બની શકે છે, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો પણ બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવી શક્યતા પણ રહેલી છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી, કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, ગેસ,અપચા,વાયુ,જેવા દર્દથી સાચવવું, વેપારમાં જોખમભર્યા કામન કરવાની સલાહ છે.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તતા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી  માનસીક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગના બનવું પડે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, આજે ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે,  થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, ખેતી, બાંધકામ, જમીન, વાહન, ધાતુ જેવા કામ કરનારને ઉત્સાહ રહે, વેપારમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, પરિચિત તરફ થી કઈ સમાચાર મળે તેવું બની શકે છે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહ કર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા સલાહભર્યા છે.


આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈકામ જૂની ગુંચ હોય તને  ઉકેલી શકાય તેવા સંજોગો બને  છે, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વસ્તુ પર આવડત વધે , વેપારમાં લાભ થઈ શકે, પ્રિયજનની યાદ વધુ રહે.


આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, પગ, સાંધા, સ્નાયુ, ગેસની તકલીફ વાળાએ આરોગ્ય બાબતે થોડું સાચવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળે.


આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યા કામ થાય તેવી શક્યતા વધુ રહેલી છે,માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી  સારું રહે, નવીનકાર્યની તક મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, મિત્રો તરફથી સહકાર મળી શકે છે.

પંચાંગ 18/04/2024

ચૂંટણીના સટિક અનુમાન, ભવિષ્યવાણી માટે મશહૂર ફલોદી સટ્ટા માર્કેટ

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીઓને લઈને પણ સટ્ટાબજાર સજ્જ થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન જલદી થવાનું છે. આ પહેલાં રાજકીય ગરમાવો છે. એક બાજુ મોદીની ગેરંટી છે તો બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનના ચૂંટણીવચનોની રેવડી.

લોકસભાની ચૂંટણીમાં સૌનું ધ્યાન ઉત્તર પ્રદેશ પર છે. ભાજપે આ વખતે UPમાં મિશન-80નું સૂત્ર આપ્યું છે, જ્યારે ઇન્ડિયા ગઠબંધન પણ જીતનો દાવો કરી રહ્યું છે.

રાજસ્થાનનું ફલોદી એશિયાનું સૌથી મોટું સટ્ટાબજાર છે. આ સટ્ટાબજાર સટિકતા અને ભવિષ્યવાણી માટે દેશ-વિદેશમાં મશહૂર છે.  અહીં નાનીથી મોટી દરેક વાત પર સટ્ટો લાગે છે. ફલોદી સટ્ટાબજારનું અનુમાન છે કે ભાજપને UPમાં 68 70 સીટો મળવાનો અંદાજ છે. અહીં કરોડો રૂપિયાનો સટ્ટો લાગે છે.

સટ્ટાનું કામ કરતા લોકો અહીં બુકી અને દલાલો દ્વારા આ કામ કરે છે. સટ્ટા માર્કેટ દેશભરમાં એકલા ભાજપની 315થી 355 સીટો આવવાનો દાવો કરી રહ્યા છે. રાજસ્થાનમાં 22થી 23 અને કોંગ્રેસની બેથી ત્રણ સીટ આવવાનો દાવો કરી રહ્યું છે. કેન્દ્રમાં ફરી એકવાર મોદી સરકારની જીત પાક્કી હોવાનું અનુમાન સટ્ટાબજારથી પણ આવી રહ્યું છે. રાજ્યમાં  સાત મે સહિત કુલ સાત તબક્કામાં મતદાન થવાનું છે. ત્યાર પછી ચોથી જૂને મતગણતરી થાય તે પહેલાં ચૂંટણી સટ્ટામાં IPLથી વધુ રકમની ઊથલપાથલ થવાનું સટ્ટા બજારનું અનુમાન છે.

 

 

સોનું નવા શિખરો પર, કોણે આપ્યો તેજીને સપોર્ટ?

સોનું પાછલાં કેટલા સમયથી નવા દિવસે નવા શિખરો બનાવતું જાય છે. એક બાજુ લગ્ન સિઝન અને બીજી બાજુ સોનાની વણથંભી તેજી. સોનાએ પાછલા એક વર્ષમાં રોકાણકોરાને તો હાશકારો આપ્યો છે. ત્યારે લગ્નના તાતણે બંધાનારાઓ માટે સોનાની ખરીદી એક પડકાર રૂપ બની છે. સોનાની આંધણી દોડથી લોકોના બજેટ પર તો જાણે પાટુ પડ્યું હોય. વધતા સોનાના ભાવથી સોનીઓની હાલત કફોડી બની છે. લોકો લોભામણી યોજનાઓથી પણ સોનાની ખરીદી કરવા માટે આવી રહ્યા નથી. જ્યારે વાત થાય વૈશ્વિક બજારની તો વૈશ્વિક બજારમાં પણ સોનાની કિંમતો રોજ નવા શિખરો પર સર કરે છે.  બીજી તરફ સોનાના પગલે ચાંદીમાં પણ તેજીનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આથી લોકો સોના સાથે ચાંદીની ખરીદીને ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે.

આ વણથંભી તેજીના કારણો જાણવા માટે ચિત્રલેખા.કોમે કુંવરજી ગ્રુપના રવિ દિયોરા સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન રવિ દિયોરાએ તેજીના કારણો જણાવતા કહ્યું કે, હાલ દુનિયામાં ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે. એકતરફ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. તેમાં હવે ઈરાને પણ ઈઝરાયેલ સામે યુદ્ધ શરૂ કર્યું છે. આ જ ભૌગોલિક તણાવ સોનાની કિંમતોને સપોર્ટ કરતા જોવા મળી રહ્યા છે. વધુમાં તેમણે જણાવ્યું કે ચીનની સેન્ટ્રલ બેન્કની ખરીદી પણ સોનાની કિંમતોને સપોર્ટ આપતી જોવા મળી રહી છે.

આ ઉપરાંત ગોલ્ડ ETFs ફ્લૉ પણ હવે પોઝિટિવમાં આવી રહ્યો છે. છેલ્લાં બાવીસ મહિનાથી ગોલ્ડ ETFs ફ્લૉ વીસ મહિના સુધી નેગેટિવમાં રહ્યો હતો. જે હાલ પોઝિટિવ થતો જોવા મળી રહ્યો. લોકસભા ચૂંટણીને લઈ રવિ દિયોરાએ જણાવ્યું કે સોનાની કિંમતો પર ચૂંટણીની વધુ અસર જોવા નહીં મળે. સાથે જ વધતા ડૉલર ઈન્ડેક્સથી સોનાની કિંમતો પર મામૂલી અસર જોવા મળી શકે છે.

ઉમેદવારોની પસંદગીઃ કોંગ્રેસ મેદાનમાં છે?

આ ચૂંટણીમાં ગુજરાતને લાગેવળગે છે ત્યાં સુધી રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિયોના પ્રકરણના કારણે બાકીની 25 બેઠક પર શું ચાલી રહ્યું છે એના તરફ કોઇનું જાણે ધ્યાન જ નથી! નથી બીજા કોઇ મુદ્દે ક્યાંય ચર્ચા થતી.

એટલી હદ સુધી કે ભાજપ માટે એકતરફી મનાતા આ મુકાબલામાં, જો રૂપાલાજીએ આ વિધાન ન ઉચ્ચાર્યું હોત તો કોણ, ક્યાં ચૂંટણી લડે છે એની ય કોઇને ખબર ન પડેત આ તો ભલું થજો, ભાજપના અસંતુષ્ટોનું કે એમણે વડોદરા, સાબરકાંઠા, વલસાડ, સુરેન્દ્રનગર એમ અમુક અમુક સ્થળોએ પક્ષે પસંદ કરેલા ઉમેદવારો સામે નારાજગી વ્યક્ત કરી અને બધાનું ધ્યાન ગયું!

આ હાલતમાં કોંગ્રેસના ઉમેદવારોની તો વાત જ શું કરવાની?

છેક હમણાં સુધી મનાતું હતં કે, ગુજરાતમાં કોંગ્રેસની કથળેલી હાલત જોતાં પક્ષને છવ્વીસ બેઠક પર ઉમેદવારો શોધવામાં ફાંફા પડશે. અમુક અંશે વાત સાચી ય હતી. મોદી-શાહના જુવાળમાં કોંગ્રેસના આગેવાનો જ ભાજપમાં જોડાવા દોટ મૂકતા હોય એવા માહોલમાં ચૂંટણી લડવાનું જોખમ લેવા કોઇ તૈયાર ન થાય, પરંતુ ઉમેદવારોની યાદી જોયા પછી કોંગ્રેસ રહી રહીને ચૂંટણી મેદાનમાં પાછી ફરી હોય એવું ચિત્ર ઉપસે છે. યાદ રહે, ભરુચ અને ભાવનગર એ બે બેઠક પર ગઠબંધન વતી આમ આદમી પાર્ટીની ઉમેદવારો લડે છે એટલે કોંગ્રેસના ચોવીસ ઉમેદવારો આ વખતે મેદાનમાં છે.

ભાજપ માટે ગુજરાતમાં જંગ આસાન હોવા છતાં કોંગ્રેસ સાવ વોક ઓવર આપી દેશે એવી અગાઉની માન્યતા બદલાતી હોય એવું લાગે છે. એમાંય, ક્ષત્રિય સમાજના આંદોલન પછી ગુજરાતમાં કોંગ્રેસ ક્ષત્રિય, ઠાકોર, ઓબીસી, મુસ્લિમ, દલિત અને આદિવાસી મતો પર મદાર રાખીને બેઠી છે.

કોંગ્રેસનો આ આશાવાદ ખાસ કરીને, બનાસકાંઠા, પાટણ, વલસાડ, સાબરકાંઠા, દાહોદ, અમરેલી, સુરેન્દ્રનગર અને આણંદ જેવી બેઠકો પર વધારે છે. બનાસકાંઠામાં ધારાસભ્ય ગેનીબેન ઠાકોર વ્યક્તિગત રીતે મજબૂત ઉમેદવાર છે અને એમણે ચૂંટણી લડવા લોકો પાસે સ્વૈચ્છિક ફાળો માગવાની અપીલ કરી એ પછી એમની ઝોળી છલકાઇ રહી છે. ચૂંટણીમાં આ પ્રકારે ક્રાઉડ ફન્ડીંગનો ઉપયોગ કરીને ગેનીબહેને બધાનું ધ્યાન ખેંચ્યું છે. રાજકોટમાં રૂપાલા સામે ક્ષત્રિય આંદોલનના હજુ મંડાણ થતાં હતા ત્યાં જ ગેનીબહેને અઢારેય વર્ણ મારું મામેરું ભરશે એ પ્રકારની અપીલ કરીને ભાજપને પડકાર ફેંક્યો છે.

એવી જ રીતે, સાંબરકાંઠામાં કોંગ્રેસ ડો. તુષાર ચૌધરીની વ્યક્તિગત સરળ છાપ અને અમરસિંહ ચૌધરી માટે સ્થાનિક લોકોના લગાવ ઉપરાંત ભાજપના ઉમેદવાર શોભનાબહેન બારૈયા સામે ભાજપમાં જ અસંતોષના મુદ્દા પર લાભ લેવાની ગણતરી રાખે છે. તુષાર ચૌધરી જેવી જ વ્યક્તિગત રીતે સારી ઇમેજ ધરાવતાં દાહોદના ડો. પ્રભા તાવિયાડને પણ આ ઇમેજનો ફાયદો થશે એવું કોંગ્રેસના નેતાઓ માને છે. વલસાડમાં અનંત પટેલની વ્યક્તિગત તાકાત ઉપરાંત દાહોદથી વલસાડ સુધીના પટ્ટામાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો લાભ મળશે એવો પ્રદેશ નેતાગિરીને વિશ્વાસ છે.

કોંગ્રેસની આ વખતની રણનીતિ જે તે બેઠક પર ઉમેદવારની સામે ઉમેદવારને આગળ ધરીને લજવાની છે. ઉદાહરણ તરીકે, અમરેલીમાં ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનું નામ ખુદ ભાજપના જ વર્તુળોમાં નવાઇ પમાડે એવું હતું એની સામે કોંગ્રેસે પરદેશથી ઉચ્ચ શિક્ષણ મેળવીને આવેલાં પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ જેની ઠુમ્મરને મતદારો સમક્ષ મૂક્યા છે. જેનીબહેનને પિતા વીરજી ઠુમ્મરના રાજકીય અનુભવ ઉપરાંત પરેશ ધાનાણી અને પ્રતાપ દૂધાત જેવા અગ્રણીઓના ટેકા પર આશા છે. પોતાની કાવ્યાત્મક ટ્વિટ માટે હમણાંથી ખૂબ ચર્ચામાં રહેતા પરેશ ધાનાણી રાજકોટ જતાં પહેલાં જેનીબહેન માટે આખાય વિસ્તારનો આંટો મારી ચૂક્યા છે. આ બેઠકોની સાથે રાજકોટ બેઠક પર ય રૂપાલા વિરુધ્ધ ધાનાણીના જંગ પર બધાની નજર છે, પણ એનું કારણ ક્ષત્રિય આંદોલન વધારે છે.

તો, આણંદમાં ભરત સોલંકીનો ગઢ પાછો લેવા કોંગ્રેસે એ જ પરિવારના અમિત ચાવડાને મેદાનમાં ઉતાર્યા છે. અમિતભાઇ અહીં રૂપાલા વિરુધ્ધ ક્ષત્રિય ફેક્ટરનો લાભ લેવા પહેલા દિવસથી જ ક્ષત્રિયોના સ્વાભિમાનનો મુદ્દો લઇને લડી રહ્યા છે.

જો કે, ફક્ત આટલા કારણસર કોંગ્રેસ માટે આ લડત આસાન હોવાનું માની શકાય એમ નથી. ચૂંટણી લડવા જરૂરી બૂથ મેનેજમેન્ટ અને રણનીતિમાં એ હજુ ભાજપ કરતાં ક્યાંય પાછળ છે. વળી, છેલ્લાં કેટલાંક સમયથી જે રીતે પક્ષના તાલુકા-જિલ્લા કક્ષાના કાર્યકરો ભાજપમાં જોડાઇ ચૂક્યા છે એ જોતાં કોંગ્રેસ માટે ગામડાઓમાં બૂથ લેવલે પાયાના કાર્યકરોની ફોજનો અભાવ એ સૌથી મોટો પડકાર બની શકે એમ છે.

હાલ તો, ગુજરાતમાં આ ચૂંટણીમાં બે પડકાર ઉભરીને સામે આવી રહ્યા છેઃ ભાજપ માટે ક્ષત્રિયોનું આંદોલન અને કોંગ્રેસ માટે લડતના મેદાનમાં ટકી રહેવાનો પડકાર. જેમ જેમ પ્રચારમાં રંગ જામશે એમ નવા મુદ્દાઓ પણ ઉમેરાશે.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)

એપ્રિલમાં દુબઈમાં પૂરઃ ઓમાનમાં 18 લોકોનાં મોત

દુબઈઃ સંયુક્ત આરબ અમિરાત (UAE)માં છેલ્લા સાત દાયકાઓમાં સૌથી ખરાબ વરસાદ પડ્યો છે. UAEના મુખ્ય શહેર દુબઈની સ્થિતિ ભયાવહ થઈ ગઈ છે. દુબઈના રસ્તા, ઘર મોલ અને એરપોર્ટમાં જળભરાવો થયો છે. વરસાદને કારણે રણનું શહેર ડૂબી ગયું છે. જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ટ્રાફિક સંપૂર્ણ રીતે પ્રભાવિત થયો છે.

UAEમાં પડેલા ભારે વરસાદને કારણે કેટલાય લોકો લાપતા થયા છે. દુબઈ સિવાય ઓમાનમાં પણ ભારે વરસાદનો કહેર જારી છે. ઓમાનમાં 18 લોકોનાં મોત થયાં છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ બે વર્ષનો વરસાદ માત્ર 24 કલાકમાં થવાને કારણે મંગળવારે શહેરમાં પૂર આવ્યું હતું. સોમવારે રાત્ર 10 કલાકથી 24 કલાકની અંદર સવા છ ઇંચ વરસાદ નોંધાયો છે.સામાન્ય રીતે રણ વિસ્તારમાં વાર્ષિક 3.12 ઇંચ વરસાદ થયા છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર દુબઈમાં એપ્રિલમાં માત્ર 0.13 ઇંચ વરસાદ થાય છે. જોકે મંગળવારે રાત સુધી 75 વર્ષોમાં સૌથી ભારે વરસાદ જોવા મળ્યો હતો. દુબઈમાં શોપિંગ મોલ, રસ્તા, મેટ્રો સ્ટેશન એરપોર્ટ અને રહેઠાણ વિસ્તારમાં ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં.શહેરમાં લોકો ઘેર પહોંચવા માટે ઉતાવળા થયા હતા. વરસાદને કારણે દુબઈ ઇન્ટરનેશનલ એકપોર્ટની 25 મિનિટ સુધી કામગીરી બંધ કરવી પડી હતી. મેટ્રો ટ્રેનોની સ્થિતિ પણ ખરાબ થઈ હતી. વીજ કનેક્શનને ઘણું નુકસાન થયું હોવાથી મેટ્રોની કેટલીય ટ્રેનો હંગામી ધોરણે બંધ કરવામાં આવી હતી. સ્કૂલોને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. દુબઈના દુબઈ મોલ અને મોલ ઓફ એમિરેટ્સ- બંનેએ પૂરનો સામનો કરવો પડ્યો હતો.

TMC એ લોકસભા ચૂંટણી 2024 માટે મેનિફેસ્ટો બહાર પાડ્યો

મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કોંગ્રેસે બુધવારે લોકસભા ચૂંટણી 2024 માટે પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો. ટીએમસીએ તેના ઢંઢેરામાં વચન આપ્યું છે કે જો કેન્દ્રમાં સરકાર રચાશે, તો તે CCA (નાગરિકતા સુધારો કાયદો) રદ કરશે. સાથે જ NRC (નેશનલ રજિસ્ટર ઑફ સિટિઝન)ની પ્રક્રિયા પણ બંધ થઈ જશે. તૃણમૂલ કોંગ્રેસે તેના મેનિફેસ્ટોમાં યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) લાગુ નહીં કરવાનું વચન આપ્યું છે. TMCએ લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કાની શરૂઆતના બે દિવસ પહેલા પોતાનો મેનિફેસ્ટો બહાર પાડ્યો છે. તમને જણાવી દઈએ કે પહેલા તબક્કામાં પશ્ચિમ બંગાળના કૂચ બિહાર, અલીપુરદ્વાર અને જલપાઈગુડીમાં 19 એપ્રિલે મતદાન થશે.

ટીએમસીના ઢંઢેરામાં કરવામાં આવેલા વચનો

1. 25 વર્ષ સુધીના તમામ સ્નાતક અને ડિપ્લોમા ધરાવતા યુવાનોને માસિક સ્ટાઈપેન્ડ સાથે 1 વર્ષની એપ્રેન્ટિસશીપ (કોઈપણ ક્ષેત્રમાં તાલીમ) આપવામાં આવશે.

2. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા વિદ્યાર્થીઓને 10 લાખ રૂપિયા સુધીનું સ્ટુડન્ટ ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે.

3. ઉચ્ચ શિક્ષણ લઈ રહેલા SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિની રકમ ત્રણ ગણી કરવામાં આવશે.

4. પેટ્રોલ, ડીઝલ અને એલપીજી સિલિન્ડરના ભાવ એટલી મર્યાદામાં નક્કી કરવામાં આવશે કે સામાન્ય નાગરિકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે. ભાવની વધઘટને રોકવા માટે ‘પ્રાઈસ સ્ટેબિલાઈઝેશન ફંડ’ની સ્થાપના કરવામાં આવશે.

5. સ્વામીનાથન કમિશનની ભલામણો મુજબ, ભારતના ખેડૂતોને MSP ની કાનૂની ગેરંટી આપવામાં આવશે, જે તમામ પાકોના ઉત્પાદન ખર્ચ કરતાં ઓછામાં ઓછા 50% વધુ હશે.

6. મનરેગા હેઠળ, તમામ જોબ કાર્ડ ધારકોને 100 દિવસનું કામ આપવામાં આવશે અને તમામ કામદારોને દરરોજનું લઘુત્તમ વેતન ₹400 મળશે.

7. દેશભરના દરેક ગરીબ પરિવારને પ્રતિષ્ઠિત આવાસ સુનિશ્ચિત કરવામાં આવશે, જેનાથી બધા માટે કાયમી અને સલામત મકાનો સુનિશ્ચિત થશે.

કઈ ચૂંટણીમાં કેટલા મહિલા-પુરુષ ઉમેદવાર?

લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યાં છે. ગુજરાતની બધી જ બેઠકોના ઉમેદવાર જાહેર થઈ ચૂકયા છે. ત્યારે આજે અહીં વાત કરવી છે મહિલા ઉમેદવારોની. ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષે ચાર ચાર મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવી છે. લોકસભા ચૂંટણીના ઈતિહાસમાં અત્યાર સુધી કેટલી મહિલા ઉમેદવારોને તક મળી એ વિશે જાણવું રસપ્રદ છે.

મહિલાઓને ટિકિટ આપવામાં નિરસતા

એકબાજુ  રાજકીય પક્ષ સંસદમાં મહિલા સશક્તિકરણની અને 33 ટકા અનામતની વાતોના બણગા ફૂંકે છે. જ્યારે મહિલા ઉમેદવારોને ટિકિટ ફાળવણીની વાત આવે ત્યારે એમને ખુણામાં ધકેલી દે છે. ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે મહિલાઓને ટિકિટ આપવામાં નિરસતા દાખવી છે. ભાજપની વાત કરીએ તો વર્તમાન સાંસદ પૂનમ માડવને યથાવત રાખીને એમને ફરી વખત જામનગરથી ચૂંટણી લડવાની તક આપી છે. જ્યારે અન્ય ત્રણ નવા ચહેરા પૈકી બનાસકાંઠાથી ડો. રેખાબહેન ચૌધરી, સાબરકાંઠાથી શોભનાબહેન બારૈયા અને ભાવનગર બેઠક પરથી નીમુબહેન બાંભણિયાને ટિકિટ આપવામાં આવી છે.

જ્યારે કોંગ્રેસની વાત કરીએ તો બનાસકાંઠાથી ગેનીબહેન ઠાકોર, અમરેલીથી જેનીબહેન ઠુંમ્મર, દાહોદથી ડો. પ્રભા તાવડિયા અને ગાંધીનગર બેઠક પર અમિત શાહની સામે સોનલ પટેલને ટિકિટ ફાળવી છે. અહીં એક ચિત્ર સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ ભાજપમાં બંને પક્ષ બધી જ રીતે અલગ છે પરંતુ મહિલાઓને જ્યારે ટિકિટ ફાળવણી કરવાની વાત આવે ત્યારે બંને પક્ષમાં સમાનતા જોવા મળે છે.

રાજકારણના ઈતિહાસમાં ડોકિયુ કરીએ તો મહિલાઓની ટિકિટ ફાળવણીમાં રાજકીય પક્ષોએ હંમેશા પીછેહટ જ કરી છે. શરૂઆત કરીએ પ્રથમ લોકસભા ચૂંટણીની તો 1962માં ગુજરાતમાં પ્રથમ વખત લોકસભા ચૂંટમી યોજાઈ હતી. ત્યારથી લઈને 2019 સુધીમાં કુલ 3562 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાં મહિલા ઉમેદવારી માત્ર 160 હતી.

લોકસભા ચૂંટણીમાં મહિલા ઉમેદવાર

1962માં અમરેલી બેઠક પરથી જયાબહેન શાહ અને બનાસકાંઠા બેઠક પરથી જોહરાબહેન ચાવડાએ ઉમેદવારી નોંધાવી હતી અને તેઓ વિજતા પણ બન્યા હતા. 1977ની લોકસભામાં મહેસાણા બેઠક પરથી મણીબહેન પટેલ એક માત્ર વિજયી મહિલા ઉમેદવાર હતા. જ્યારે 1980ની લોકસભા ચૂંટણીમાં છ મહિલા ઉમેદવાર હતા પરંતુ એક પણ મહિલા ઉમેદવાર સાંસદ બન્યા ન હતા. તો વળી 1984ની વાત કરીએ તો 11 મહિલા ઉમેદવારોને ટિકીટ આપવામાં આવી જેમાં કચ્છ બેઠક પરથી ઉષાબહેન ઠક્કર વિજેતા થયા હતા. 1998-99 અને 2004 એમ ત્રણ વર્ષ સળંગ ટર્મમાં વડોદરા બેઠક પરથી જયાબહેન ઠક્કર સાંસદ રહ્યાં. ગુજરાતમાં 1962માં બે, 1984માં બે, 1991માં એક, 1996માં બે, 1998માં ચાર, 1999માં ત્રણ, 2004માં એક, 2009માં ચાર, 2014માં ચાર, 2019માં છ મહિલા સાંસદો બન્યા બતાં.

અન્ય નોંધનીય બાબત એ પણ છે કે ગુજરાત મહિલાઓ ઉમેદવારોને વિજેતા બનાવવામાં થોડી ઉદાસીનતા દાખવે છે. જેના કારણે અમદાવદ પશ્રિમ, ગાંધીનગર, પોરબંદર, પાટણ, પંચમહાલ, ખેડા, ભરૂચ, વલસાડ અને નવસારી બેઠક પરથી ક્યારેય મહિલા ઉમેદવારને ચૂંટીને સાંસદમાં મોકલવામાં નથી આવ્યા.

પાકિસ્તાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર મુક્યો પ્રતિબંધ

પાકિસ્તાન દ્વારા સોશિયલ મીડિયા X પર મોટી કાર્યવાહી કરતા તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. પાકિસ્તાન બ્લોક્સ X ને બ્લોક કરવાનું કારણ રાષ્ટ્રીય સુરક્ષા છે. જોકે, પાકિસ્તાનની સિંધ હાઈકોર્ટે સરકારને એક્સ પરનો પ્રતિબંધ રદ કરવાનો નિર્દેશ આપ્યો છે.રિપોર્ટ અનુસાર કોર્ટે પાકિસ્તાન સરકારને એક સપ્તાહની અંદર પ્રતિબંધ હટાવવા માટે કહ્યું છે.

પાકિસ્તાનના આંતરિક મંત્રાલયે અગાઉ કોર્ટને જાણ કરી હતી કે તેણે X પર પ્રતિબંધ મૂકવો પડશે, જે અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતું હતું. કારણ કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ સરકારની કાયદેસર સૂચનાઓનું પાલન કરવામાં નિષ્ફળ ગયું. પાકિસ્તાન સરકારે X પર પ્રતિબંધ મૂક્યો હતો અને કહ્યું હતું કે તે રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

રાજ્યમાં ગરમી સાથે વધ્યું રોગચાળાનું જોર!

રાજ્યમાં હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગરમીનો પારો ધીમે ધીમે ઉંચાઈકાઈ રહ્યો છે. ત્યારે વધતી ગરમી સાથે રાજ્યમાં રોગચાળે પણ માથું ઉંચક્યું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગઈકાલે રાજ્યના 9 શહેરમાં પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો હતો. ત્યારે મહુવા 43 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 41.3 ડિગ્રી પહોંચ્યું છે. પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. સૂત્રોની માહિતી પ્રમાણે તાપમાનમાં એક કે બે ડિગ્રી વધી કે ધટી શકે પણ ગરમીનું જોર યથાવત્ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ત્યારે ચિત્રલેખા.com સાથે વાત કરતા અમદાવાદ સવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશી એ કહ્યું કે હાલ રાજ્યમાં હવામાન વિભાગ તરફથી ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદ સહિત રાજ્યમાં રોગચાળો વધતો જોવા મળી રહ્યો છે. તેમને કહ્યું કે હાલ પાણીજન્ય રોગચાળો ફેલાય રહ્યો છે. જેમાં વાયર ફ્લૂ, ડયરા, વોમેટીગ, કમળો જેવા રોગના કેસ વધુ નોંધાઈ રહ્યા છે.

heat wave

જ્યારે રાકેશ જોશીએ વધુમાં જણાવ્યું કે બપોરે 12 વાગ્યાથી 4 વાગ્ય સુધી બહાર નીકળવાનું ટાળવુ જોઈએ, ખાસ કરીને વૃધ્ધો, સગર્ભા મહિલા, બાળકોએ બહાર ન નિકળવું જોઈએ. જો ફરજિયાત પણે નિકળવુ પડે તો છાયામાં ચાલવાનું રાખવુ અથવા સફેદ સુતરાવ કપડા પહેરવા જોઈએ. આ સાથે માથા પર રૂમાલ, છત્રી, ટોપી જેવી ગરમીથી બચવતી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. જ્યારે ખોરાકને લઈ તમને જણાવ્યું કે ગરમીના સમયમાં ડિહાઈડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. દિવસ દરમિયાન પાણી, છાશ, લીંબુ સરબત જેવી વસ્તુનું સેવન કરતું રહેવું જોઈએ. આ ઉપરાંત હોટલનો ખોરાક લેતા પહેલા હોટલની સ્વચ્છતાને લઈ તકેદારી રાખવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે અમદાવામાં પાછલા 17 દિવસમાં કમળાના લગભગ 104 કેસ નોંધવામાં આવ્યા છે. તો ઝાડા ઉલટીના 154 કેસ નોઁધવામાં આવ્યા છે. જ્યારે ગત માર્ચમાં કમળાના 184 કેસતો ઝાડા ઉલટીના 288 કેસ નોંધવામાં આવ્યા છે.