Home Blog Page 1927

પરેશ ધાનાણી ખોડલધામે દર્શન કરી ચૂંટણી પ્રચાર આરંભશે

રાજકોટ: લોકસભાની આ હાઈ પ્રોફાઈલ બેઠક હાલ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બની છે. ત્યારે પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસે અહીં પરેશ ધાનાણીને મેદાને ઉતાર્યા છે. તેઓ 16મી એપ્રિલના રોજ કાગવડ ખોડલધામ ખાતે માં ખોડલના દર્શન કરીને ચૂંટણી પ્રચાર શરૂ કરવાના છે.રાજકોટમાં રૂપાલાને ટક્કર આપવા મેદાને ઉતરેલા વિધાનસભાના પૂર્વ વિપક્ષી નેતા પરેશ ફોર્મ ક્યારે ભરશે તે તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી. પરંતુ તેઓ મંગળવારથી ચૂંટણી પ્રચાર શરૂ કરી દેશે. બપોરે 3 વાગ્યે તેઓ ખોડલધામ જઈને કુળદેવી ખોડલ માતાજીના દર્શને કરશે. ત્યાંથી વીરપુર જલારામ મંદિર થઈને રાજકોટ આવશે. રાજકોટમાં પાંચ વાગ્યે રામનાથ મહાદેવ મંદિરે દર્શન કરીને બાદમાં જે મંદિરે ક્ષત્રિય મહિલાઓએ રૂપાલા વિરુદ્ધ ધરણાં કર્યા હતાં, તે આશાપુરા માતાજીના મંદિરે જઈને દર્શન કરશે.પરેશ ધાનાણી મંગળવારે જ સાંજે વાંકાનેર ઉર્ષમાં પણ હાજરી આપશે. વેલનાથ મહાદેવના મંદિરે જશે અને રાત્રે રાજકોટ પરત આવશે. તારીખ 17મીએ તેઓ રાજકોટમાં સરદારની પ્રતિમાને ફૂલહાર કરશે અને સવારે 10 વાગ્યે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરશે. રાજકોટ લોકસભાના જંગમાં રૂપાલાએ પ્રચારના લગભગ બે રાઉન્ડ પૂર્ણ કરી દીધા છે. ત્યારે હવે પરેશ ધાનાણી પણ નામ જાહેર થયા બાદ ઝંઝાવતી પ્રચાર શરૂ કરી રહ્યા છે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ )

પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ભાજપનો ચંટણી મેદાને હૂંકાર

લોકસભા ચૂંટણી શંખદાન થઈ ચૂક્યો છે. અને તમામ પક્ષો પોતાની એડીચોટીનું જોર લગાડી પ્રચાર-પ્રસાર કરી રહ્યા છે. ત્યારે તારીખ 12 થી 19 એપ્રિલ સુધી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર નોંઘવાની તારીખ જાહેર કરવામાં આવી હતી.

નોંઘનીય છે કે ભાજપના કેટલાક ઉમેદવારો પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે અને પોતાના સમર્થકો સાથે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારી ફોર્મ ભર્યા. ઉમેદવારોએ અલગ-અલગ રીતે રેલી કરીને શક્તિ પ્રદર્શન સાથે ભગવાનના દર્શન કરી સારા મુહુર્તમાં ફોર્મ ભરવાની કામગીરી પૂર્ણ કરી હતી. ત્યારે કેટલાક ઉમેદવારો સમર્થોકનું અભિવાદન જીલતા ખુશીની લાગણી અનુભવી, તો કેટલાક ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ જંગી સભામાં સંબોધન કરતા બહુમતી સાથે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો.

ભરૂર લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મનસુખ વસાવાએ રાજપીપળામાં ગરસિદ્ધિ માતાજીના દર્શન કરીને રેલી નિકાળી ઉમેદવારી પત્રક ભર્યુ. પોરબંદર બેઠકના ઉમેદવાર મનસુખ માંડવિયા અને વિધાનસભા બેઠકના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ સુદામા ચોકમાં જાહેરમાં સભા અને રોડ શો કરી ઉમેદવારપત્રક ભર્યુ. તો વલસાડ બેઠકના ઉમેદવાર ધવલ પેટલે કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની હાજરી પોતાનું નામાંકન ફોર્મ ભર્યું હતું.

આ ઉપરાંત રાજ્યમાં વિધાનસભાની ખાલી પડેલી સીટો પર પેટા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર અર્જૂન મોઠવાડિયાએ પણ આજે પોતાનું નામાંકન પત્ર નોંધાવ્યું. આ પ્રસંગે જિલ્લાના પ્રભારી શ્રી પ્રદીપભાઈ ખીમાણી અને આગેવાનો, હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા. આજ રીતે ગુજરાતની જુદી જુદી સીટો પર રંગેચંગે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક ભરી ચૂંટણી જંગનો આગાઝ કર્યો હયો.

‘મારો 100 દિવસનો પ્લાન તૈયાર છે…’ : PM મોદી

સરકાર દ્વારા લોકોને જેલમાં મોકલવાના વિરોધ પક્ષોના આરોપોને નકારી કાઢતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા નોંધાયેલા મોટાભાગના કેસો તે વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ છે જેનો રાજકારણ સાથે કોઈ સંબંધ નથી. ઈન્ટરવ્યુમાં PM મોદીએ કહ્યું કે ઈમાનદાર વ્યક્તિને ડરવાની કોઈ વાત નથી, પરંતુ ભ્રષ્ટાચારમાં સામેલ લોકોને પાપથી ડરવું જ જોઈએ. આ દરમિયાન પીએમ મોદીએ સ્પષ્ટ કર્યું કે તેમણે તેમના ત્રીજા કાર્યકાળની તૈયારીઓ શરૂ કરી દીધી છે. 100 દિવસની યોજના વિશે વાત કરવા સાથે, તેમણે ઘણા મુદ્દાઓ વિશે પણ વાત કરી.


ભાષણોમાં લક્ષ્યાંક 2047 નહીં પણ 2024 હોવાના ઉલ્લેખ અંગે પીએમ મોદીએ કહ્યું કે 2024 અને 2047 અલગ છે. જ્યારે દેશ આઝાદીના 75 વર્ષ પછી અમૃત મહોત્સવ ઉજવી રહ્યો હતો, તે જ સમયે મેં આ વિષય સૌની સમક્ષ મૂકવાનું શરૂ કર્યું કે આજથી એક-બે વર્ષ પછી 2047માં દેશ આઝાદીના 100 વર્ષ પૂરા કરશે. સ્વાભાવિક રીતે આવા સીમાચિહ્નો હોય છે, તે એક રીતે વ્યક્તિને નવા ઉત્સાહ અને નવા સંકલ્પથી ભરી દે છે. હવે જ્યારે આપણે આઝાદીના 100 વર્ષ પૂર્ણ કર્યા છે, તો આપણે આ 25 વર્ષનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરીશું? દરેક વ્યક્તિએ પોતાના માટે એક લક્ષ્ય બનાવવું જોઈએ. ઉદાહરણ તરીકે, ગામના વડાએ લક્ષ્ય નક્કી કર્યું છે કે તે 2024 સુધીમાં તેના ગામમાં ઘણું બધું કરશે.

Prime Minister Narendra Modi 

પીએમ મોદીએ ત્રીજી ટર્મ માટે તૈયારીઓ કરી લીધી છે. આ અંગે તેણે પોતાનો 100 દિવસનો પ્લાન જણાવ્યો. તેણે કહ્યું કે મને વિશ્વાસ નથી થતો કે મેં હજી બધું જ કરી લીધું છે. મારે હજુ ઘણું કરવાનું બાકી છે. કારણ કે હું જોઉં છું કે મારા દેશને હજુ કેટલી જરૂર છે. દરેક પરિવારનું સપનું, તે સપનું કેવી રીતે પૂરું થશે તે મારા હૃદયમાં છે. એટલા માટે હું કહું છું કે જે થયું તે ટ્રેલર છે. હું ઘણું બધું કરવા માંગુ છું. મેં ચૂંટણીમાં જતા પહેલા પ્લાનિંગ શરૂ કરી દીધું હતું. હું 2047ને ધ્યાનમાં રાખીને છેલ્લા બે વર્ષથી કામ કરી રહ્યો હતો. તેથી જ મેં દેશના લગભગ 15 લાખ લોકો પાસેથી સૂચનો લીધા છે કે તેઓ આગામી 25 વર્ષમાં દેશને કેવી રીતે જોવા માંગે છે. 15-20 લાખ લોકોએ પોતાના સૂચનો આપ્યા છે.

પીએમ 25 વર્ષના વિઝન માટે દસ્તાવેજ તૈયાર કરી રહ્યા છે

પીએમ મોદીએ કહ્યું કે AIની મદદથી મેં સૂચનોને વિષય મુજબ બનાવ્યા. આગામી 25 વર્ષના વિઝન માટે દરેક વિભાગમાં અધિકારીઓની સમર્પિત ટીમ બનાવવામાં આવી હતી. હું તેની સાથે બેઠો અને રજૂઆતો લીધી. હું ઈચ્છું છું કે આ દસ્તાવેજ જે હું મારા વિઝનને લઈને બનાવી રહ્યો છું, તે 15-20 લાખ લોકોના વિચારોથી બનેલો હોવો જોઈએ. હું તેને દસ્તાવેજના રૂપમાં તૈયાર કરાવી રહ્યો છું. ચૂંટણીઓ પૂરી થતાં જ હું ઈચ્છું છું કે રાજ્યો આના પર કામ કરે. રાજ્યો આ વિશે શું વિચારે છે, શું થઈ શકે છે. આ તમામ રાજ્યોમાં મોકલવામાં આવશે. ત્યારબાદ નીતિ આયોગની બેઠક બોલાવવામાં આવશે અને વ્યાપક ચર્ચા કરવામાં આવશે. પછી અંતિમ આઉટપુટ બહાર આવશે.

 

પીએમ મોદીએ કહ્યું કે 2019ની ચૂંટણીમાં પણ હું 100 દિવસનું કામ આપીને ચૂંટણી મેદાનમાં ઉતર્યો હતો. હું પાછો આવ્યો કે તરત જ કલમ 370 પહેલા 100 દિવસમાં થઈ ગઈ. પ્રથમ 100 દિવસમાં ટ્રિપલ તલાકમાંથી મુક્ત થયેલી બહેનો. સુરક્ષા સંબંધિત UAPA બિલ 100 દિવસમાં પસાર થયું. બેંકોનું મર્જર એક મોટું કામ હતું, અમે 100 દિવસમાં તે કરી લીધું. એટલું જ નહીં, હું લગભગ 15 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કરીને પ્રાણીઓના રસીકરણ માટે એક મોટું અભિયાન ચલાવી રહ્યો છું. મેં આ બધું પહેલા 100 દિવસમાં કર્યું. તેથી 100 દિવસમાં મારે કયું કામ કરવાનું છે તેનું આયોજન કરું છું.

આનંદોઃ ચોમાસા પર દેખાશે લા-નીનોની અસર

નવી દિલ્હીઃ દેશમાં આ વર્ષે દક્ષિણ-પશ્ચિમી મોન્સુન સામાન્ય રહેશે. દેશમાં આ વર્ષે 106 ટકા વરસાદ થવાની વકી છે. આ વર્ષે મોન્સુનના પહેલા મહિને જૂનમાં આશરે 95 ટકા વરસાદ થશે, જ્યારે જુલાઈમાં 105 ટકા વરસાદ થવાની શક્યતા છે. જ્યારે ઓગસ્ટમાં 98 ટકા અને સપ્ટેમ્બરમાં 106 ટકા વરસાદ વરસવાની સંભાવના છે.

IMDએ પત્રકાર પરિષદમાં કહ્યું હતું કે આ વર્ષે જૂનથી સપ્ટેમ્બરમાં મોન્સૂન સામાન્યથી વધુ સારું રહેવાની અપેક્ષા છે. આ વર્ષે ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની સંભાવના છે. આ સિવાય ઉત્તર-પૂર્વ રાજ્યોમાં પણ વરસાદ થવાની સંભાવના છે.હવામાન વિભાગે કહ્યું હતું કે અલ-નીનો જે ભૂમધ્ય રેખાની પાસે પ્રશાંત મહાસાગરમાં છે, જે હવે નબળું પડી રહ્યું છે. ખેડૂતો માટે સારો વરસાદ એ રાહતના સમાચાર ચછે. મોન્સુન બીજા ભાગમાં લા-નીનોની સ્થિતિ બને એવી શક્યતા છે. પાણી પર્યાપ્ત રહેવાથી જનજીવન અને અર્થતંત્ર પર પ્રોત્સાહક અસર પડશે.

સ્કાયમેટના અંદાજ અનુસાર દેશનાં 20 રાજ્યોમાં સામાન્યથી વધુ વરસાદ થશે, જ્યારે ચાર રાજ્યોમાં સામાન્ય વરસાદનું અનુમાન છે, જ્યારે છ રાજ્યોમાં સામાન્યથી ઓછો વરસાદ થવાની શક્યતા છે. ભારતીય અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનો હિસ્સો 20 ટકા છે, જ્યારે દેશની અડધી વસતિને કૃષિ ક્ષેત્ર રોજગારી આપે છે. સારો વરસાદનો અર્થ છે કે ગ્રામીણ લોકોની આવકમાં નોંધપાત્ર વધારો થશે, જેથી તેમની ખર્ચ કરવાની ક્ષમતા વધે છે, જે અર્થતંત્રને મજબૂતી આપે છે.હવામાન વિભાગે આ વર્ષે વધુ ગરમીનું આકલન કર્યું છે. એપ્રિલથી જૂનની વચ્ચે ત્રણ મહિના તાપમાન વધુ રહેવાની સંભાવના છે, જેમાં 20 દિવસો સુધી લૂની સંભાવના છે.

 

 

 

 

 

 

 

 

 

 

ચૂંટણીનું સાચું ‘મહાભારત’ અહીં સર્જાશે: સ્વજનો આવ્યા સામસામે

અમદાવાદ: દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશભરમાં 19 એપ્રિલથી 1 જૂન સુધી સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે. અનેક બેઠકો પરના ચહેરાઓએ રાજકીય લડાઈ રસપ્રદ બનાવી છે. ઘણી જગ્યાએ પરિવારના સભ્યો સામ-સામે છે. ચાલો જાણીએ આવી કેટલી સીટો છે. જ્યાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થાય છે? આ ઉમેદવારો કયા પક્ષના છે?

ભાભી અને નણંદ સામ-સામે આવી ગયા

મહારાષ્ટ્રની બારામતી સીટ પર ભાભી અને નણંદ વચ્ચેનો રાજકીય મુકાબલો રસપ્રદ બન્યો છે. અહીં રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP-અજિત પવાર કેમ્પ)એ સુનેત્રા પવારને લોકસભા ચૂંટણી 2024 માટે પોતાના ઉમેદવાર બનાવ્યા છે. સુનેત્રા મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પત્ની છે. સુનેત્રા સામે તેમના નણંદ સુપ્રિયા સુલે ચૂંટણી લડી રહ્યા છે. સુપ્રિયા શરદ પવારના પુત્રી છે. બારામતી લોકસભા મતવિસ્તારના વર્તમાન સાંસદ છે. 2019માં સુપ્રિયાએ ભાજપના કંચન રાહુલ કૂલને હરાવ્યા હતા.

દિયર-ભાભી વચ્ચે ચૂંટણીનો જંગ

મહારાષ્ટ્રમાં જ નણંદ-ભાભીની જેમ દિયર-ભાભી વચ્ચેનો મુકાબલો પણ રોચક બન્યો છે. આ મુકાબલો છે ધારાશિવ બેઠક પર, જેને ઉસ્માનાબાદ તરીકે પણ ઓળખવામાં આવે છે. શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથે ઓમ રાજે નિમ્બાલકરને અહીંથી ઉમેદવાર બનાવ્યા છે. તેમની સામે મહારાષ્ટ્રના મહાયુતિ ગઠબંધને અજિત પવાર જૂથના NCP પક્ષની ટિકિટ પર અર્ચના પાટીલને મેદાનમાં ઉતાર્યા છે. અર્ચના પાટીલ ધારાશિવના પૂર્વ મંત્રી ડો. પદમ સિંહ પાટીલના પુત્રવધૂ અને ભાજપના ધારાસભ્ય રાણા જગજીત સિંહ પાટીલના પત્ની છે. આ સંબંધને કારણે બંને વચ્ચે દિયર-ભાભીનો સંબંધ છે.

ભાઈબહેન વચ્ચે રાજકીય સંઘર્ષ

આંધ્રપ્રદેશની કડપા લોકસભા સીટ પર પણ પરિવારના સભ્યો વચ્ચે ટક્કર થવાની છે. કોંગ્રેસે વાય. એસ. શર્મિલાને તેમના પરિવારના ગઢ કડપા બેઠક પરથી ઉમેદવાર તરીકે ઉતાર્યા છે. શર્મિલા આંધ્ર પ્રદેશ કોંગ્રેસ એકમના પ્રમુખ છે. તે કોંગ્રેસના પૂર્વ મુખ્યમંત્રી વાય. એસ. રાજશેખર રેડ્ડીના પુત્રી અને વાય.એસ.આર. કોંગ્રેસ પાર્ટીના વડા વાય. એસ. જગન મોહન રેડ્ડીના બહેન છે. શર્મિલા આ ચૂંટણીમાં તેમના પિતરાઈ ભાઈ વાય. એસ. અવિનાશ રેડ્ડી સામે ચૂંટણી લડી રહ્યા છે. Y. S. R. કોંગ્રેસે અવિનાશ રેડ્ડીને મેદાનમાં ઉતાર્યા છે. અવિનાશ રેડ્ડીએ 2019થી આ સીટ જીતી હતી. વાય. એસ. આર. માંથી ચૂંટણી લડી રહેલા અવિનાશે TDPના આદિ નારાયણ રેડ્ડીને હરાવ્યા હતા.

ચૌટાલા પરિવારના સભ્યો ચૂંટણી મેદાનમાં

હરિયાણાની હિસાર બેઠક પર ચૌટાલા પરિવાર વચ્ચે મુકાબલો જોવા મળી રહ્યો છે. ભાજપે અહીં ઓમપ્રકાશ ચૌટાલાના પુત્ર રણજીત ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે. જેઓ હરિયાણા સરકારમાં સ્વતંત્ર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી રહી ચૂક્યા છે. ભાજપમાં જોડાયા બાદ તેમને હિસાર બેઠક પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. જ્યારે ઈન્ડિયન નેશનલ લોકદળ (INLD)એ સુનૈના ચૌટાલાને મેદાનમાં ઉતાર્યા છે. સુનૈના INLDની મહિલા પાંખના મુખ્ય મહાસચિવ છે. રણજીત ચૌટાલા સુનૈનાના કાકા સસરા છે. જનનાયક જનતા પાર્ટી (JPP) પણ ઓમ પ્રકાશ ચૌટાલાની બીજી વહુ નૈના ચૌટાલાને હિસાર સીટ પરથી ઉતારવાની તૈયારી કરી રહી છે.પૂર્વ પતિ-પત્ની એકબીજાની વિરુદ્ધ થઈ ગયા

પશ્ચિમ બંગાળની બિષ્ણુપુર સીટ પર પૂર્વ પતિ-પત્ની વચ્ચે રાજકીય સ્પર્ધા છે. બિષ્ણુપુરથી ભાજપના વર્તમાન સાંસદ સૌમિત્ર ખાન ફરી ચૂંટણી મેદાનમાં છે. તો બીજી તરફ તૃણમૂલ કોંગ્રેસે તેમના પૂર્વ પત્ની સુજાતા મંડલને ટિકિટ આપીને સ્પર્ધાને રસપ્રદ બનાવી છે. ગત લોકસભા ચૂંટણીમાં સૌમિત્ર ખાને તૃણમૂલ કોંગ્રેસના ઉમેદવાર શ્યામલ સંત્રાને હરાવ્યા હતા.ઓડિશામાં ભાઈ-ભાઈ આમને-સામને

ઓડિશામાં પણ સંબંધો વચ્ચે ચૂંટણી જંગ આવી ગયો છે. લોકસભાની સાથે-સાથે અહીં વિધાનસભાની ચૂંટણી પણ 4 જૂને યોજાવાની છે. અહીંની ચિકિત્તી વિધાનસભા સીટ પર બે સગા ભાઈઓ એકબીજા સામે લડી રહ્યા છે. આ હરીફાઈ રવીન્દ્રનાથ દેન સામાંતરે અને તેમના ભાઈ મનોરંજન દેન સામાંતરે વચ્ચે છે. રવીન્દ્રનાથ કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી રહ્યા છે, જ્યારે મનોરંજન ભાજપની ટિકિટ પર ભાઈને પડકાર આપી રહ્યા છે. સામાંતરે ભાઈઓ ઓડિશાના કોંગ્રેસના અગ્રણી નેતા અને વિધાનસભા અધ્યક્ષ ચિંતામણી દેન સામાંતરેના પુત્રો છે.

મિડલ-ઇસ્ટના ટેન્શને સેન્સેક્સ 845 પોઇન્ટ તૂટ્યો

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે પહેલાં ટ્રેડિંગ સેશનમાં ભારતીય શેરબજારો ખરાબ વૈશ્વિક સંકેતોને પગલે એક ટકાથી વધારે તૂટીને બંધ રહ્યા હતા. નિફ્ટી પણ એક ટકાથી વધુ તૂટીને 22,300ની નીચે ચાલી ગયો. હતો. મિડકેપ, સ્મોલકેપ શેરોમાં પણ વેચવાલી જોવા મળી હતી. સેન્સેક્સ રેકોર્ડ હાઇથી 1724 પોઇન્ટ તૂટી ચૂક્યો છે. રોકાણકારોની સંપત્તિમાં રૂ. પાંચ લાખ કરોડનો ઘટાડો થયો હતો. આજના ઘટાડા સાથે બજાર બે સપ્તાહના નીચલા સ્તરે પહોંચ્યું છે. વોલિટિલિટી ઇન્ડેક્સ આઠ ટકા વધીને બંધ રહ્યો હતો.

ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષને કારણે બજારમાં રોકાણકારોએ સાવચેતીરૂપી નફારૂપી વેચવાલી કાઢી હતી. આ સાથે આગામી કેટલાંક ટ્રેડિંગ સેશનમાં ભારતીય બજાર દબાણમાં રહે એવી શક્યતા છે. મિડલ ઇસ્ટમાં જારી ઘટનાક્રમ પછી વૈશ્વિક બજારોમાં વેચવાલી જોવા મળી હતી. આ સાથે ક્રૂડ ઓઇલની કિંમતોમાં વધારાએ રોકાણકારોની ચિંતા વધારી દીધી હતી. ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય બજારોમાં ક્રૂડ ઓઇલની કિંમતો છ મહિનાના ઊંચા સ્તરે પહોંચી હતી. માર્ચમાં ફ્યુઅલની કિંમતો છ ટકા અને એપ્રિલમાં અત્યાર સુધી ત્રણ ટકાથી વધુનો વધારો થયો છે.

સેન્સેક્સ સવારના ટ્રેડિંગ સેશનમાં 900થી વધુ પોઇન્ટ તૂટીને 73,315.16 પર ખૂલ્યો હતો. ટ્રેડિંગ સેશનના અંતે 845.12 પોઇ તૂટીને 73,399.78ના સ્તર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી ઇન્ડેક્સ 246.90 પોઇન્ટના ઘટાડા સાથે 22,272.50ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટી 50 શેરો પૈકી 44 શેરો ઘટીને બંધ થયા હતા.

BSE પર કુલ 4049 શેરોમાં કામકાજ થયાં હતાં, એમાં 917 શેરો વધીને બંધ રહ્યા હતા, જ્યારે 2984 શેરોમાં ઘટાડો જોવા મળ્યો હતો અને 148 શેરો સપાટ બંધ રહ્યા હતા. આ સિવાય 164 શેરોએ 52 સપ્તહાની ઊંચી સપાટી સર કરી હતી, જ્યારે 26 શેરો 52 સપ્તાહની નવી નીચલી સપાટીએ પહોંચ્યા હતા.

 

 

 

 

 

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ મામલે પોલીસ એક્શન મોડમાં

સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગનો મુદ્દો હવે જોર પકડી રહ્યો છે. મુંબઈ પોલીસ પણ હવે એક્શન મોડમાં આવી ગઈ છે. પોલીસે આજે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગમાં અજ્ઞાત વ્યક્તિઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલી મોટરસાઇકલના માલિકની પૂછપરછ કરી છે.

આ મોટરસાઇકલ પનવેલ વિસ્તારના રહેવાસીની છે

અધિકારીએ જણાવ્યું હતું કે અભિનેતાના ઘરથી લગભગ એક કિલોમીટર દૂર માઉન્ટ મેરી ચર્ચ પાસે મોટરસાઇકલ છોડી દેવામાં આવી હતી. પોલીસને જાણવા મળ્યું કે મોટરસાઇકલ નવી મુંબઈના પનવેલ વિસ્તારમાં રહેતા એક વ્યક્તિના નામે નોંધાયેલ છે. પનવેલના આસિસ્ટન્ટ પોલીસ કમિશનર અશોક રાજપૂતે જણાવ્યું હતું કે આ વ્યક્તિએ હાલમાં જ ટુ-વ્હીલર બીજા કોઈને વેચ્યું હતું.

આરોપીની સમગ્ર પ્રવૃતિ પ્રકાશમાં આવી હતી

અધિકારીઓના જણાવ્યા અનુસાર શકમંદો મોટરસાઇકલને ચર્ચ પાસે છોડીને થોડે દૂર ચાલીને બાંદ્રા રેલ્વે સ્ટેશન પર ઓટોરિક્ષા લઈને ગયા હતા. તેણે જણાવ્યું કે તે બોરીવલી તરફ જતી ટ્રેનમાં ચડ્યો પરંતુ સાંતાક્રુઝ રેલ્વે સ્ટેશન પર ઉતરીને બહાર નીકળી ગયો.

અનેક લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે

હવે પોલીસ આ કેસમાં અન્ય ઘણા લોકોની પૂછપરછ કરી રહી છે અને તેમના નિવેદનો રેકોર્ડ કરી રહી છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે ઘટનાની તપાસ માટે એક ડઝનથી વધુ ટીમો બનાવી છે અને કેટલીકને બિહાર, રાજસ્થાન અને દિલ્હી મોકલવામાં આવી છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. જો કે, પોલીસે કહ્યું કે હજુ સુધી અમે આ કેસમાં કોઈની ધરપકડ કરી નથી કે અટકાયત કરી નથી. પરંતુ ઘણા લોકોની પૂછપરછ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે રવિવારે સવારે લગભગ 5 વાગ્યે બાંદ્રામાં સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટ હાઉસની બહાર બે લોકોએ ચાર રાઉન્ડ ફાયરિંગ કર્યું અને ઘટનાસ્થળેથી ભાગી ગયા.

સોશિયલ મીડિયામાં છવાયેલી ગુજરાતી યુવતી રિદ્ધિ પટેલ કોણ છે?

છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર એક ગુજરાતી યુવતીના નામની ચર્ચા ચાલી રહી છે. સોશિયલ મીડિયાના અનેક પ્લેટફોર્મ પર રિદ્ધિ પટેલ હવે જાણીતું નામ બની ગયું છે. ખાસ કરીને આજકાલ ભારતીય અને અમેરિકન મીડિયામાં આ નામનો ઉલ્લેખ વધુ કરવામાં આવી રહ્યો છે. ત્યારે વિચાર એ આવે કે આખરે આ રિદ્ધિ પટેલ છે કોણ? અને એના નામની આટલી ચર્ચા શા માટે થઈ રહી છે ?

ઇઝરાયલ-ગાઝાના મુદ્દે સમગ્ર વિશ્વમાં દરેકના જુદા-જુદા વિચારો છે. કેટલાક દેશો ગાઝાની તરફેણ કરે છે તો કેટલાક ઈઝરાયેલની તરફેણમાં છે. જ્યારે કેટલાક દેશો તટસ્થ રહે છે. જો અમેરિકી સરકારની વાત કરીએ તો એ ખુલ્લેઆમ ઈઝરાયેલને સમર્થન આપી રહી છે. ત્યારે રિદ્ધિ પટેલે ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવને સમર્થન ન આપવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

કોણ છે રિદ્ધિ પટેલ?

બેકર્સફીલ્ડમાં રહેતી 28 વર્ષિય રિદ્ધિ પટેલ પૅલેસ્ટાઇનની સમર્થક છે. એનો જન્મ આ જ શહેરમાં થયો છે અને સ્ટૉકડેલ હાઈ સ્કૂલમાં અભ્યાસ કર્યા બાદ એણે ૨૦૧૭માં સેન્ટ લુઈ યુનિવર્સિટીમાંથી ન્યુરોસાયન્સમાં ગ્રૅજ્યુએશન કર્યું છે. ૨૦૧૯માં એ ફરી આ શહેરમાં આવી હતી. બેકર્સફીલ્ડમાં ઇઝરાયલ સામેનાં વિરોધ-પ્રદર્શનોમાં તે ભાગ લેતી હોય છે. રિદ્ધિ સેન્ટર ફૉર રેસ, પૉવર્ટી ઍન્ડ ધ એન્વાયર્નમેન્ટ સંસ્થામાં ઇકૉનૉમિક ડેવલપમેન્ટ 2020થી કો-ઑર્ડિનેટર છે. આ સંસ્થા ઓછી આવક ધરાવતા લોકોને કાનૂની સહાયતા કરે છે.

શું છે સમગ્ર મામલો?

બેકર્સફિલ્ડ એ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં આવેલું એક શહેર છે. એની સિટી કાઉન્સિલમાં એન્ટિફા એટલે કે ડાબેરી સંગઠનના લોકોએ માંગ કરી હતી કે આ સિટી કાઉન્સિલમાં ઇઝરાયલ વિરુદ્ધ ઠરાવ પસાર કરવામાં આવે. આ અંગે ચર્ચા ચાલી રહી હતી ત્યારે ભાષણો પણ આપવામાં આવી રહ્યા હતા. એ દરમિયાન રિદ્ધિ પટેલ સ્પીચ આપવા આવે છે. એ ગાઝા પેલેસ્ટાઈનની તરફેણમાં વાત કરે છે. ઉપરાંત સિટી કાઉન્સિલમાં બેઠેલા મેયર અને અન્ય પ્રતિનિધિઓને ધમકી આપી કે, ‘જો તમે ઇઝરાયેલની નિંદા નહીં કરો તો હું તમને મારી નાખીશ.’ તમે લોકો પેલેસ્ટાઈન વિશે વિચારતા નથી. રિદ્ધિના ભાષણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

રિદ્ધિએ પોતાનો આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ‘હું આશા રાખું છું કે એક દિવસ કોઈ ગિલોટીન લાવશે અને તમને બધાને મારી નાખશે.’ (ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન, જે વસ્તુથી અમુક વર્ગના લોકોને જાહેરમાં મારવામાં આવ્યા હતા તેને ગિલોટિન કહેવામાં આવે છે.) રિદ્ધિએ નવરાત્રિને અત્યાચાર પર વિજયનો તહેવાર ગણાવ્યો હતો. ઉપરાંત, સિટી કાઉન્સિલના સભ્યોને ધમકી આપતા પહેલા, એણે મહાત્મા ગાંધી અને ઈસુ ખ્રિસ્તનો પણ ઉલ્લેખ કર્યો હતો. અને તમામ સભ્યોને ધમકી આપી હતી.

આ ભાષણ બાદ રિદ્ધિ પટેલને કસ્ટડીમાં લેવામાં આવી હતી. કાઉન્સિલ મેયરે પોલીસને રિદ્ધિ સામે કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો. એના પર 16 કાઉન્ટનો આરોપ મૂકવામાં આવ્યો છે. અને ધમકીઓના માધ્યમથી આતંક ફેલાવવાના ઈરાદાના આઠ ગુનાઓની શંકાના આધારે એને જેલમાં ધકેલી દેવામાં આવી છે. હવે રિદ્ધિને આગામી 16, 24 અને 25 એપ્રિલે કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવશે.

CM કેજરીવાલ જેલમાં જ રહેશે, કોર્ટે ન્યાયિક કસ્ટડી વધારી

કોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP) ના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની ન્યાયિક કસ્ટડી 23 એપ્રિલ સુધી લંબાવી છે. 15 દિવસની ન્યાયિક કસ્ટડી પૂરી થયા બાદ આજે (15 એપ્રિલ) તિહાર જેલમાંથી વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા તેને રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો.

સીએમ કેજરીવાલની 21 માર્ચે દિલ્હી એક્સાઇઝ પોલિસી કેસમાં ED દ્વારા તેમના નિવાસસ્થાનેથી ધરપકડ કરવામાં આવી હતી. આ પછી કોર્ટે તેને બે વખત ED રિમાન્ડ પર મોકલ્યો હતો. આ પછી કોર્ટે તેને 1 એપ્રિલે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધો હતો. ત્યારથી કેજરીવાલ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે.

શું કહ્યું ભગવંત માન?

આજે ખુદ પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તેમને મળ્યા હતા. આ પછી તેણે દાવો કર્યો કે કેજરીવાલને સખત અપરાધીની જેમ જેલમાં રાખવામાં આવ્યા છે. જેલમાં આતંકવાદીઓને જે સુવિધાઓ આપવામાં આવે છે તે સુવિધાઓ પણ મુખ્યમંત્રીને નથી મળી રહી. ભગવંત માને કહ્યું, તેને જોઈને હું ભાવુક થઈ ગયો. તેની સાથે કઠોર ગુનેગાર જેવો વ્યવહાર કરવામાં આવી રહ્યો છે. તેમની ભૂલ શું છે? શું એ તેમની ભૂલ છે કે તેઓએ મોહલ્લા ક્લિનિક બનાવ્યા? AAP નેતા માનએ કહ્યું કે તેઓ કેજરીવાલને અડધો કલાક મળ્યા હતા પરંતુ તેમની વચ્ચે કાચની દિવાલ હતી અને બંને નેતાઓ વચ્ચે ફોન કોલ્સ દ્વારા વાતચીત થઈ હતી.

 

રામ નવમી પર રામ મંદિરમાં ભક્તોને નહીં મળે આ સુવિધા

અયોધ્યા: રામ નવમીના પાવન પર્વ નિમિત્તે અયોધ્યાના રામ મંદિરમાં રામ લલ્લાના દરબારમાં 15થી 18 એપ્રિલ સુધી વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. રામ મંદિર ટ્રસ્ટ દ્વારા ગાઈડલાઈન જારી કરી જણાવાયું છે કે સોમવારથી ચાર દિવસ સુધી વીઆઈપી દર્શન માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવશે નહીં. જે લોકોએ 15થી 18 એપ્રિલના વીઆઈપી પાસ બનાવડાવ્યાં છે તે લોકોના પાસ માન્ય ગણાશે નહીં.

ચૈત્ર શુકલ સપ્તમી એટલે કે સોમવારથી અયોધ્યા રામ મંદિરમાં ભક્તોની ભીડ થવાની ભારે સંભાવના છે. જેને ધ્યાને રાખી ટ્રસ્ટે વીઆઈપી દર્શન પર પ્રતિબંધ મૂક્યો છે. ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયએ અપીલ કરી છે કે ઉલ્લેખ કરવામાં આવેલી તિથિ દરમિયાન વીઆઈપી પ્રોટોકલ ધારકોને વીઆઈપી સુવિધા નહીં મળે. શ્રદ્ધાળુઓની ભીડમાં વીઆઈપી દર્શનની વ્યવસ્થા ચાલુ રાખવી સંભવ નથી. પહેલેથી બનાવવામાં આવેલા વીઆઈપી પાસ 18 એપ્રિલ સુધી માન્ય રહેશે નહીં. તેમજ અન્ય પાસધારકોને પણ વીઆઈપી સુવિધા આપવામાં આવશે નહીં.

રામજન્મોત્સવને લઈ રામ મંદિરને ભવ્ય રીતે શણગારવામાં આવી રહ્યું છે. રામજન્મભૂમિ પથ પર 80 કરતાં પણ વધારે સીસીટીવી લગાવવામાં આવ્યાં છે. તેમજ 50 સ્થાનો પર વૉટર કૂલર પણ સ્થાપિત કરવામાં આવ્યાં છે.

રામલલ્લાના દર્શનનો સમય બદલાશે

આવતીકાલે એટલે કે 16 એપ્રિલથી શ્રીરામના દર્શન કરવાનો સમય બદલાશે. રામલલ્લાના દર્શન અવધિમાં ફેરફારની વિચારણા કરવામાં આવી અને રવિવારે રામ મંદિર ટ્રસ્ટ તથા પોલીસ વચ્ચે એક બેઠક યોજાઈ. પરિસરમાં યોજાયેલી બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે 16 એપ્રિલથી રામલલ્લાના દર્શન સમયમાં બદલાવ કરવામાં આવશે. જોકે આ બદલાવ, પહેલા 15 એપ્રિલથી જ કરવાનો હતો પરંતુ શ્રદ્ધાળુઓની સંખ્યામાં ભારે વધારો થયો ન હોવાથી આ નિર્ણયનો અમલ કરવામાં આવ્યો નહીં. તેના બદલે 16 એપ્રિલથી દર્શન અવધિમાં ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ભક્તોની સંખ્યાને ધ્યાને રાખી 16 એપ્રિલથી મંદિરને 20 કલાક સુધી ખુલ્લુ રાખવાની યોજના બનાવાઈ છે. જેથી કરીને રામ નવમી પર વધુ સંખ્યામાં ભક્તો શ્રી રામના દર્શન કરી શકે.

ઉલ્લેખનીય છે કે, ભગવાન રામનો જન્મ ચૈત્ર માસના શુક્લ પક્ષની નવમી તારીખે થયો હતો. આ વર્ષે ચૈત્ર માસની નવમી તિથિ 16 એપ્રિલ બપોરના 1:23 વાગ્યાથી શરૂ થઈને 17 એપ્રિલ બપોરે 3:17 વાગ્યા સુધી માન્ય છે. આવી સ્થિતિમાં ઉદયતિથિને આધારે 17 એપ્રિલના રોજ ભગવાન રામની પૂજા કરવામાં આવશે.