અમદાવાદઃ સપ્તાહના અંતિમ સપ્તાહમાં શેરબજાર ઘટ્યું હતું. BSE સેન્સેક્સ 793 પોઇન્ટ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી50 ઇન્ડેક્સ 234 પોઇન્ટ ઘટીને 22,519ની સપાટીએ બંધ આવ્યો હતો. વિદેશી રોકાણકારો માટે સૌથી મોટી ચિંતા ભારત-મોરિશિયસ ટેક્સ ટ્રીટીમાં કરેક્શન માટે એક પ્રોટોકોલ લાગુ થવાની શક્યતા છે. જેથી FPIએ શેરોમાં મૂડીરોકાણ માટે વધુ તપાસનો સામનો કરવો પડી શકે છે. BSE પર લિસ્ટેડ કંપનીઓમાં માર્કેટ કેપ આશરે 2.5 લાખ કરોડ ઓછા થઈ ગયા છે.
કેન્દ્ર સરકારે મોરિશિયસથી આવનારા FPI માટે સાત માર્ચે એક કરાર કર્યો હતો. જે મુજબ તેમણે હવે મહત્ત્વની તપાસથી પસાર થવું પડશે. આ સંશોધનમાં પ્રિન્સિપલ પર્પઝ ટેસ્ટ (PPT)નો પ્રસ્તાવ છે. જેનું લક્ષ્ય ટેક્સપેયર્સની સમજૂતીનો ગેરલાભ નહીં ઉઠાવી શકે. આ નિયમ હેઠળ FPIએ ભારતીય ટેક્સ ઓથોરિટીને એ બતાડવું પડશે કે તેઓ માત્ર ટેક્સનો લાભ લેવા માટે ભારતમાં મૂડીરોકાણ માટે ભારત નથી આવી રહ્યા. આ ઉપરાંત અમેરિકી ફેડ રિઝર્વ વ્યાજદરોમાં કાપનો સિલસિલો જલદી શરૂ કરવા ધારે છે, પણ મોંઘવારીના આંકડા અંદાજથી વધુ રહેવાને કારણે વ્યજદરોમાં કાપની આશા નબળી પડી છે, જેને પગલે સેન્ટિમેન્ટ નબળું પડ્યું છે. આ સાથે US બોન્ડ યિલ્ડ વધવાથી ભારત જેવા ઊભરતા દેશોમાં આવનારો વિદેશી મૂડીરોકાણપ્રવાહ ધીમો પડે એવી શક્યતા છે.
બજારમાં આજે બધાં સેક્ટોરિયલ ઇન્ડેક્સ નરમ બંધ રહ્યા હતા. બેન્ક, ફાર્મા, FMCG, મિડિયા, રિયલ્ટી અને ઓઇલ એન્ડ ગેસ શેરોમાં ઇન્ડેક્સમાં એક ટકાથી વધુ નરમ બંધ આવ્યા હતા.
અમદાવાદ: શહેરના પૂર્વ અને પશ્ચિમ બંને તરફના નાના-મોટાં અનેક ગામડાંઓ અમદાવાદની હદમાં ભળી ગયા છે. આ સાથે ગામતળના જૂનાં તળાવો તેમજ મહાનગર પાલિકાઓનો AUDAમાં સમાવેશ થઈ ગયો છે. એમાંના મોટાભાગના તળાવોનું બ્યુટિફિકેશન કરવામાં આવ્યું.વસ્ત્રાપુર, છારોડી ત્રાગડ જેવા ઘણાં વિસ્તારના તળાવને વિકસાવી ફરતે બાગ-બગીચાં બનાવાયા. પરંતુ હાલ, મેમનગર ગામ, વિવેકાનંદ ચોક, શાયોના અંડરપાસ-ચાંદલોડિયા, કાળીગામ, ન્યુ રાણીપ, ચેનપુર, ચાંદલોડિયા ગામ સહિતના અનેક તળાવ સુકાઈ ગયા છે. જ્યારે કેટલાંક તળાવમાં ગટરના પાણી છોડવામાં આવી રહ્યા છે. રામોલ, ચંડોળા જેવા કેટલાંક તળાવ ફરતે ઝુંપડપટ્ટીનું સામ્રાજ્ય જોવા મળે છે.
શહેરના સૌથી પોશ વિસ્તાર ગણાતા વસ્ત્રાપુરનું તળાવ બોટિંગ, બગીચા એમ્યુઝમેન્ટ સહિતની સામગ્રીથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું. થોડા વર્ષો ભંગાર હાલતમાં પડી રહ્યું. હવે ફરીથી રિનોવેશન માટે મહિનાઓ સુધી બંધ રહેશે. લાલ બહાદુર શાસ્ત્રી સ્ટેડિયમ પૂર્વ વિસ્તારનું જાણીતું મેદાન મેળાવડા સભા માટેનું સ્થળ હતું. હાલ તળાવમાં ફેરવાયું એ પણ બિસ્માર હાલતમાં જોવા મળે છે. જેમાં શહેરનું ગંદુ પાણી છોડવામાં આવે છે.શહેરના તળાવો પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરી સુંદરતા વધારવાનો પ્રયાસ કર્યા બાદ ન્યુ રાણીપ અને ચેનપુર જેવા અનેક તળાવો કચરા પેટીમાં ફેરવાઈ ગયા છે.આરંભે શૂરા એવું તંત્ર રાખ રખાવ જાળવણીમાં ઉણું ઉતરતા જ થોડા સમયમાં જ તળાવો સુકાઈ ગયા છે . આસપાસની રેલિંગ સહિતની સામગ્રી જર્જરિત થઈ ગઈ છે.પાણી સંગ્રહ કરવાના પ્લાનિંગ વચ્ચે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હજુ પણ કેટલાક તળાવોમાં એસ.ટી.પી. પ્લાન્ટ તૈયાર કરવાનું વિચારી રહી છે.
રીતઃ ખારેકને ખાંડણીયામાં ખાંડીને તેના નાના ટુકડા કરી લેવા.
એક ફ્રાઈ પેન ગરમ કરી તેમાં બદામ, કાજુ તેમજ પિસ્તા ઉમેરીને ગેસની આંચ ધીમી કરીને 4-5 મિનિટ માટે શેકી લેવા. આ ડ્રાય ફ્રુટ ઠંડા થાય એટલે મિક્સીમાં ખારેકના ટુકડા, વરિયાળી, એલચીના દાણા, કાળા મરી પાઉડર, સૂંઠ પાઉડર, જાયફળનો પાઉડર, હળદર પાઉડર (ઉપવાસમાં હળદર પાઉડર નહિં વાપરવો), કેસરના તાંતણા મેળવીને મિક્સીમાં પલ્સ મોડ (મિક્સર ચાલુ બંધ કરીને) પર થોડા કરકરા પીસી લેવા.
આ મસાલા પાઉડર કાચની નાની જારમાં ભરીને ફ્રીજમાં રાખવી.
મસાલા દૂધ બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકો. તેમાં 2 ચમચી જેટલું ચોખ્ખું પાણી રેડીને તેમાં દૂધ રેડો. ગેસની આંચ તેજ કરી દો. દૂધનો ઉભરો આવે ત્યાંસુધી ઝારા વડે દૂધને હલાવતા રહેવું જેથી દૂધ તળિયે ના ચોંટે.
દૂધમાં ઉભરો આવે એટલે ગેસની આંચ ધીમી-મધ્યમ કરી દો. હવે તેમાં 4 ટે.સ્પૂન દૂધનો મસાલો ઉમેરો અને ઝારા વડે દૂધ હલાવતાં રહેવું જ્યાં સુધી તે ઘટ્ટ ના થઈ જાય. લગભગ 10 મિનિટ લાગશે. તે દરમિયાન કઢાઈને ફરતે મલાઈ જામે તેને પણ ઝારા વડે કાઢીને દૂધમાં મેળવતાં રહેવું.
હવે તેમાં 4 ટે.સ્પૂન સાકર મેળવીને ફરીથી 2-3 મિનિટ દૂધ ઉકળવા દો. ત્યારબાદ ગેસ બંધ કરીને ગરમ દૂધ પીરસવું હોય તો એક ગ્લાસમાં દૂધ રેડીને તેમાં થોડો દૂધનો મસાલો ઉમેરી, તેની ઉપર ગુલાબની પાંખડી ભભરાવી, 2-3 કેસરના તાંતણા મૂકીને દૂધના ગ્લાસ સર્વ કરો.
જો દૂધ ઠંડુ પીરસવું હોય તો તેને રૂમ ટેમ્પરેચર પર લાવીને ઢાંકણવાળા વાસણમાં રેડી, ઢાંકણ બંધ કરીને ફ્રીજમાં 3-4 કલાક માટે ઠંડું કરવા માટે મૂકી દો. ત્યારબાદ તેને પીરસો.
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવતી જાય છે, તેમ-તેમ ચૂંટણીપ્રચારમાં ગરમાવો આવતો જાય છે. રાજકીય નેતાઓના ચૂંટણીપ્રચારમાં આક્ષેપ-પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. ભાજપનો પ્રચાર કરતાં સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ઉત્તરાખંડના ગૌચર પહોંચ્યા હતા.
તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી થોડાં વર્ષોમાં ડાયનાસોરની જેમ ગાયબ થઈ જશે. એ બિલકુલ નજરે નહીં પડે. કોંગ્રેસનો આંતરકલહ ટેલિવિઝન રિયલિટી શો બિગ બોસના ઘર જેવો છે, એમ તેમણે કહ્યું હતું,કોંગ્રેસના નેતાઓનું પલાયન જારી છે. પાર્ટીના એક પછી એક નેતા પાર્ટી છોડીને ભાજપમાં સામેલ થઈ રહ્યા છે. મને ડર છે કે હવે કોંગ્રેસ થોડાં વર્ષોમાં કોંગ્રેસ ડાયનાસોર જેમ ગાયબ થઈ જશે. વર્ષ 2024ની લોકસભા ઇલેક્શન પછી કેટલાંક બાળકો પણ પાર્ટીને નહીં ઓળખે.
કોંગ્રેસના નેતાઓ એકમેકથી લડી રહ્યા છે. તેઓ રોજ એકમેકનાં લૂગડાં ઉતારી રહ્યા છે, એમ તેમણે કહ્યું હતું. તેમનું આ નિવેદન છેલ્લા કેટલાક મહિનાઓમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ નેતાઓએ પાર્ટી છોડી છે, જેમાં મિલિંદ દેવડા, અશોક ચવ્હાણ જેવા મોટા નેતાઓ સામેલ છે. ચવ્હાણ ભાજપમાં સામેલ થયા છે અને પાર્ટીના રાજ્યસભાના સાંસદ બની ગયા છે.
મેં ક્યારેય કોઈ પણ વડા પ્રધાનની ટીકા નથી કરી, પછી ભલે એ કોંગ્રેસ પાર્ટીના હોય કે કોઈ અન્ય પાર્ટીના. કોંગ્રેસના શાસન કાળમાં ભ્રષ્ટાચારની બોલબાલા હતી. વડા પ્રધાન મોદીએ જન-ધનના ખાતાં ખોલાવીને ભ્રષ્ટાચારને સમાપ્ત કરવાનું કામ કર્યું છે. કોંગ્રેસ એટલી વૃદ્ધ થઈ ગઈ છે કે પહાડ ચઢવાનું એનુ કામ નથી, એમ તેમણે કહ્યું હતું.
મુંબઈ: બૉલિવૂડના જાણીતા ફિલ્મ નિર્માતા આનંદ પંડિતની પુત્રી એશ પંડિતે પ્રભુતામાં પગલા માંડ્યા છે. લગ્ન બાદ મુંબઈના સાંતાક્રુઝમાં આનંદ પંડિત દ્વારા ભવ્ય રિસેપ્શન યોજવામાં આવ્યું હતું. જેમાં બૉલિવૂડ હસ્તીઓનો જમાવડો જોવા મળ્યો હતો. રૉમેન્સના કિંગ શાહરુખ ખાનથી લઈ શિલ્પા શેટ્ટી, સુનિલ શેટ્ટી અને પ્રતીક ગાંધી સહિતના સેલેબ્સે રિસેપ્શન પાર્ટીમાં હાજરી આપી હતી.
આનંદ પંડિતની પુત્રી એશ પંડિત સાહિલ સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. લગ્ન બાદ ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. સિલ્વર આઉટફિટમાં એશ ખુબ જ સુંદર લાગી રહી છે.
આનંદ પંડિત દ્વારા આયોજિત રિસેપ્શન પાર્ટીમાં બૉલિવૂડના જાણીતા ચહેરાઓ સામેલ થયાં હતાં.
કિંગ ખાન બ્લેક સુટમાં સજ્જ થઈ રિસેપ્શનમાં પહોંચ્યા હતાં.
અભિનેત્રી શિલ્પા શેટ્ટી પતિ રાજ કુન્દ્રા સાથે રિસેપ્શનમાં પોઝ આપતી જોવા મળી હતી.
અભિનેતા ઈમરાન હાશ્મીએ પણ એશ પંડિતના રિસેપ્શનમાં હાજરી આપી હતી.
‘સ્કેમ 1992’થી બૉલિવૂડમાં પોતાની આગવી ઓળખ બનાવનાર અભિનેતા પ્રતીક ગાંધી પણ રિસેપ્શનમાં સામેલ થયા હતાં.
અભિનેતા સુનિલ શેટ્ટી એશ પંડિતના વેડિંગ રિસેપ્શનમાં સામેલ થયા હતાં.
અભિનેત્રી શ્રીયા સરન ટ્રે઼ડિશનલ અંદાજમાં સજ્જ થઈ રિસેપ્શન પાર્ટીમાં જોવા મળી હતી.
બૉલિવૂડની સુંદર અભિનેત્રી નુસરત ભરુચા પણ રિસેપ્શનને માણવા પહોંચી હતી.
નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસથી જોડાયેલા મની લોન્ડરિંગ મામલે ધરપકડ કરવામાં આવેલાં કે. કવિતાને CBIએ રાઉઝ એવેન્યુ કોર્ટમાં હાજર કર્યાં હતા. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે રૂ. 100 કરોડની હેરાફેરી મામલે કે. કવિતાની મહત્ત્વની ભૂમિકા હતી. CBI એ કે. કવિતાની પાંચ દિવસની કસ્ટડી માગી છે. કે. કવિતાની હિરાસતની માગનો વિરોધ તેમના વકીલોએ કર્યો હતો.
CBIએ કોર્ટમાં કહ્યું હતું કે કે. કવિતા મુખ્ય ષડયંત્રકારોમાંનાં એક છે. એક મોટા બિઝનેસમેને કેજરીવાલથી મુલાકાત કરી હતી અને કેજરીવાલે તેમને આબકારી નીતિ દ્વારા સપોર્ટનું આશ્વાસન આપ્યું હતું. તપાસ એજન્સીએ વધુમાં જણાવ્યું હતું કે આ મામલે જોડાયેલા કેટલાય આરોપીઓનાં નિવેદન નોંધ્યાં છે. CBIએ દાવો કર્યો હતો કે એ બેઠક તાજમાં થઈ હતી. કવિતાએ હૈદરાબાદમાં બિઝનેસમેન સાથે મુલાકાત કરી હતી અને વિજય નાયર કવિતા સાથે સંપર્કમાં હતો.
CBIએ ટ્રાયલ કોર્ટમાં સનસનીખેજ દાવો કર્યો હતો. એજન્સીએ દાવો કર્યો હતો કે આરોપી કવિતાઆ પૈસાની ગોઠવણ કરવામાં મોટી ભૂમિકા ભજવી હતી. ગોવા ચૂંટણી માટે હવાલા દ્વારા પૈસા એકત્ર કરવામાં આવ્યા હતા. વોટ્સએપ ચેટ પણ ફાઇલ કરી છે. એજન્સીએ કહ્યું હતું કે નાણાં AP ગોવાથી જોડાયેલી એક વ્યક્તિને પ્રાપ્ત થઈ હતી.
CBI પછી કે. કવિતાના વકીલોએ પણ દલીલ કરી હતી. તેમના વકીલે કહ્યું હતું કે અમે એક એપ્લિકેશન કરી છે. પહેલાં અમારી માગ પર સુનાવણી થાય, ત્યાર બાદ કવિતાની હિરાસત પર કોઈ આદેશ આપવામાં આવે.
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 51 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક પણ જણનું મોત નથી થયું. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,35,325 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.
છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.
હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.
દેશમાં અત્યાર સુધી 5,33,570 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,45,01,206 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 91 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 617 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.
દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા
દેશમાં અત્યાર સુધીમાં 220,68,93,519 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 11 લોકોને રસી આપવામાં આવી હતી.
દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.
ભારતના ભાગલા બાદ સિંધથી મુંબઈ આવી વસેલા ફતેચંદ રામસિંઘાનીને સાત પુત્રો ને બે પુત્રી. બીજા નંબરના પુત્ર ગંગુનું ગયા અઠવાડિયે 83 વર્ષની વયે અવસાન થયું. અખંડ ભારતનાં કરાચી, લાહોરમાં ઈલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતા ફતેચંદ મુંબઈના લેમિંગ્ટન રોડ પર ઈલેક્ટ્રોનિક્સનો બિઝનેસ કરતા. કુટુંબ મોટું ને આવક એવી કોઈ ખાસ નહોતી. વધુ કમાણી કરવા એમણે 1954માં અમુક સિંધી વેપારીઓ સાથે મળીને ‘શહીદ-એ-આઝમ ભગતસિંહ’ નામની ફિલ્મ બનાવી. ફિલ્મમાં મોહમ્મદ રફીનું હિટ સોંગ “સરફરોશી કી તમન્ના” હોવા છતાં ફ્લૉપ થયેલી. 1963માં ‘રુસ્તમ સોહરાબ’ બનાવી અને 1970માં ‘એક નન્હી મુન્હી લડકી થી’. પૃથ્વીરાજ કપૂર અને મુમતાઝ જેવા કલાકારોને ચમકાવતી આ ફિલ્મ મરાઠી સાહિત્યકાર, લેખક-દિગ્દર્શક વિશ્રામ બેડેકરે ડિરેક્ટ કરેલી. ફિલ્મ સેમી હિટ હતી. આમાં એક ડરામણા સીનના બહુ વખાણ થયેલા એટલે ફતેચંદે નક્કી કર્યું કે બીજી ફિલ્મ ટોટલ ડરામણી બનાવીએ.
-અને 1972માં એમણે રિલીઝ કરીઃ ‘દો ગઝ ઝમીન કે નીચે’. આ વખતે ફતેચંદે નામ ટૂંકાવીને કર્યું એફ.યુ. અને અટક રામસિંઘાનીમાંથી કરી રામસેઃ એફ.યુ. રામસે. ફિલ્મનું ડિરેક્શન સંભાળ્યું ફતેચંદના બેટા શ્યામ અને તુલસીએ.
મહાબળેશ્વરમાં એક સરકારી ગેસ્ટ હાઉસ તથા આસપાસના જંગલમાં માત્ર સાડાત્રણ લાખ રૂપિયા અને 40 દિવસમાં ‘દો ગઝ…’ બનેલી. સાતેય ભાઈઓ નાના-મોટા કલાકારો સાથે બસમાં મુંબઈથી મહાબળેશ્વર જતા, 12-રૂપિયા-પર-નાઈટવાળી રૂમમાં રહેતા. ઍક્ચ્યુઅલ લોકેશન પર શૂટ કરવાના લીધે સેટ્સ બનાવવાના કોઈ ખર્ચા નહોતા, કૉસ્ચ્યુઅમ ડિપાર્ટમેન્ટ જ નહીં. જેને જે પહેરવું હોય તે પહેરવાની છૂટ. હા, કન્ટિન્યુઈટીનું ધ્યાન રાખવામાં આવતું. આમ ટાઈટ બજેટમાં બનેલી ફિલ્મે એ જમાનામાં આશરે ચાળીસ લાખ રૂપિયાનો ધંધો કરેલો.
સાત પુત્રો, બે પુત્રી, પુત્રવધૂ અને પૌત્રોની મદદથી 1970ના દાયકામાં શરૂ થયેલી એફ.યુ. રામસેની હૉરર ફૅક્ટરીમાંથી એક પછી એક ડરામણી ફિલ્મો નીકળતી રહી, ‘રામસે બ્રધ્રર્સ’ એક બ્રાન્ડનેમ બની ગયું. એમના જેવી હોલસેલમાં ગભરાવતી ફિલ્મો કોઈએ બનાવી નથી.
અલબત્ત એ પહેલાં ‘મહલ’, ‘બીસ સાલ બાદ’, ‘કોહરા’, ‘ગુમનામ’, ‘વોહ કૌન થી’ કે એકતા કપૂરની ‘રાગિણી એમએમએસ’ જેવી આંગળીના વેઢે ગણાય એવી અને સહ્ય હૉરર ફિલ્મો બની છે ખરી. આ ફિલ્મોમાં મ્યુઝિક ડિપાર્ટમેન્ટ સ્ટ્રોન્ગ હોય, પણ રામસેભાઈઓ સંગીતમાં ખાસ ધ્યાન આપતા નહીં. ભાગ્યે જ કોઈ ફિલ્મનાં ગીત યાદગાર હશે.
‘દો ગઝ ઝમીન કે નીચે’ હિટ થતાં રામસે બ્રધર્સે નક્કી કર્યું કે આપણે બસ, લોકોને ડરાવો ને બૅન્ક બૅલેન્સ છલકાવતા જાઓ. ‘વીરાના’, ‘દહશત’, ‘બંધ દરવાઝા’, ‘પુરાના મંદિર’, ‘પુરાની હવેલી’, ‘સબૂત’ જેવાં ટાઈટલવાળી મોટા ભાગની ફિલ્મો અમેરિકન અને બ્રિટિશ હૉરર ફિલ્મ્સથી પ્રેરિત રહેતી, પણ એનું પૅકેજિંગ એકદમ ઈન્ડિયન રહેતું. ‘દો ગઝ…’ બાદ બધા જ ટેક્નિકલ ડિપાર્ટમેન્ટ પરિવારજનોએ સંભાળી લીધાઃ કુમાર લખે, કેશુ નિર્માણ કરે, કિરણનો ડિપાર્ટમેન્ટ સાઉન્ડ, હમણાં જેમનું અવસાન થયું એ ગંગુભાઈ સિનેમેટોગ્રાફી કરે ને લાઈટિંગ પણ સંભાળી લે, અર્જુન એડિટિંગ કરે, જ્યારે શ્યામ અને તુલસી ડિરેક્શન સંભાળે. ડરના વાતાવરણને હળવું કરવા ચપટીક કૉમેડી અને સેક્સ ભભરાવવાની જવાબદારી તુલસીભાઈની. આમ એમણે 30થી વધુ ફિલ્મો અને ટેલિવિઝન પર ઝી હૉરર શો ચલાવ્યો.
ગયા અઠવાડિયે પત્રકારમિત્ર દિલીપ ઠાકૂરનો મેસેજ આવ્યોઃ “ગંગુ રામસે ગયા”. મેસેજ વાંચીને આ બધું યાદ આવી ગયું. ગ્રાન્ટ રોડ બ્રિજ નીચે આવેલી રામસે પ્રોડક્શન્સની ઑફિસ, ઑફિસમાં કાજુ-બદામ ચાવતાં ચાવતાં ગંગુભાઈ સાથેની વાતચીત.
પાંચેક વર્ષ પહેલાં એક બ્રદર શ્યામ રામસે 67 વર્ષની વયે 2019માં અવસાન પામેલા. તુલસીભાઈ એની પહેલાં, 2018માં ગયા. કેશુ રામસેએ પરિવારથી નોખા થઈને મોટા બજેટની ફિલ્મો બનાવી. જેવી કે અક્ષયકુમાર-મમતા કુલકર્ણીવાળી ‘ખિલાડી’ અને ‘ખિલાડી’ સિરીઝની લગભગ બધી જ ફિલ્મો. દીકરા આર્યમનને લૉન્ચ કરવા કેશુએ અમિતાભ બચ્ચન-અક્ષયકુમારને લઈને ‘ફૅમિલીઃ ટાઈઝ ઑફ બ્લડ’ બનાવી. ન આર્યમન ચાલ્યો કે ન ફિલ્મ. અને, ફિલ્મ ફ્લૉપ થતાં અક્ષયે એમનો સાથ છોડી દીધો. પરિવારથી નાતો તો ઘણા સમય પહેલાં કપાઈ ગયેલો. સ્વતંત્ર ફિલ્મસર્જનમાં પડ્યા પછી એમણે નામાવલિમાંથી રામસે અટક કાઢી નાખેલીઃ ઑન્લી કેશુ. 2010માં કેશુભાઈનું અવસાન થયું.
છેલ્લે એવું જાણવા મળેલું કે અજય દેવગન આ રામસે બ્રધર્સ પર બાયોપિક બનાવવાના હતા અને, ‘કહાની’, ‘પિન્ક’, ‘રેઈડ’, ‘ઍરલિફ્ટ’ જેવી ફિલ્મોના લેખક રિતેશે શાહ સ્ક્રિપ્ટ લખવાના હતા. સાચું-ખોટું તો દ્વારીકાધીશ જાણે. કંઈ વધારે જાણવા મળશે તો શૅર કરીશ. અત્યારે આટલું જ.
લૂંટીને, ઝૂંટવીને, શાસ્ત્રોનો ડર બતાવીને સંપત્તિ એકત્રિત કરવા વાળાના કાળા કામોથી ઇતિહાસ ભરેલો છે. સાથે જ તે લૂંટેલ મિલકતને પોતાની આંખોની સામે બીજા પાસે જતી જોવાની પીડા ભોગવનારાના ઇતિહાસ પણ આપણે વાંચ્યા છે. સૈકાઓ પહેલા ફક્ત સિકંદર, ઔરંગઝેબ, મહેમુદ ગજનવી વિગેરેએ એજ આ પ્રકારની પીડા ભોગવી છે એવું નથી. તેમના ગયા પછી પણ અનેક લોકોએ આ પ્રકારની પીડા ભોગવી છે. હાલમાં તો આવી વ્યક્તિઓનો વિશાળ સમૂહ ઉભો થઈ ગયો છે. અંતર ખાલી એટલું જ છે કે સિકંદર વગેરેની તલવાર પ્રત્યક્ષ હતી. જ્યારે આજના કહેવાતા સિકંદરોની તલવાર ગુપ્ત છે.પરંતુ લુટવા તથા સંગ્રહ કરવાની પ્રવૃત્તિમાં કોઈ જ અંતર નથી.
વ્યક્તિને જ્યારે ભૂખ લાગે છે ત્યારે તે ખાવાના પદાર્થોને ભેગા કરવા લાગે છે. ભૂખની પણ એક મર્યાદા છે. જ્યારે ભૂખ શાંત થઈ જાય છે ત્યારે ઘણા કલાકૉ સુધી શાંત બની જાય છે. ઘડપણમાં ભૂખ ઘટી જાય છે. પરંતુ સંગ્રહ કરવાની ભૂખનો કોઈ ઈલાજ નથી. ઘડપણ આવ્યા બાદ ભૂખ ઓછી થઈ જશે તેની કોઈ ગેરંટી નથી. ઘડપણમાં સંગ્રહ કરવાની ભૂખ તીવ્ર બની જાય છે. ઘણા ચિંતકોએ આ પ્રવૃત્તિ ઉપર અંકુશ લગાવવાની પ્રેરણા આપી છે. મહાત્મા ગાંધીજીના કહેવા અનુસાર જે ચીજોની આખા જગતને જરૂરિયાત છે તેને ભેગી કરી રાખવી એક પ્રકારની હિંસા છે.. જેવી રીતે હોડીમાં પાણી ભરાઈ જાય છે ત્યારે સમજદારી તેમાંજ છે કે હોડીમાં ભેગું થયેલું પાણી કોઈપણ રીતે બહાર કાઢી નાખીએ. એવી જ રીતે ઘરમાં ધન ખૂબ ભેગું થાય છે ત્યારે તેને પણ પુણ્ય કાર્યોમાં લગાવી દેવું જોઈએ.
ભગવાન કહે છે કે સફળ કરો તો સફળતા મળે. ધન- વૈભવથી ભરેલ સંસાર સાગરમાં મનુષ્ય યોગ રૂપી હોડીમાં બેસીને ઉપર ઉપર તરતો રહે, ન્યારો તથા ઉપરામ રહે, તેમજ તેની શોભા છે. જેવી રીતે મુસાફરી દરમિયાન અનાજને ઉઠાવવું મુશ્કેલ છે, પરંતુ પૈસાને ઉઠાવવા તથા તેનાથી ચીજો ખરીદવી ખૂબ સરળ છે. આત્મા પણ યાત્રી છે. આત્માએ આ શરીર છોડીને નવા જન્મમાં નવું શરીર ધારણ કરીને પાર્ટ ભજવવાનો છે. તો સમજદારી તેમાંજ છે કે ભેગી કરેલ વસ્તુઓ નો સારો ઉપયોગ કરીને પુણ્ય ભેગું કરીએ. ચલણી નોટો, સોનુ-ચાંદી વિગેરે આત્મા નહીં ઉઠાવી શકે પરંતુ ધનને સારા કાર્યોમાં લગાવીને તેને પુણ્યમાં બદલી દઈએ. તે પુણ્ય એટલું હલકું હશે કે જેને આત્મા ઉઠાવી શકશે તથા સાથે લઈ જઈ શકશે.
આજે ઇલેક્ટ્રોનિક સાધન દ્વારા કોઈપણ સંદેશ કે ચિત્ર એક સ્થાનેથી બીજા સ્થાન સુધી પહોંચાડી શકાય છે. જ્યારે સંદેશ સાધન માં નાખવામાં આવે છે તો તેના અક્ષર કે ચિત્ર તરંગોમાં બદલાઈ જાય છે આ સૂક્ષ્મ તરંગો બીજા ઇલેક્ટ્રોનિક સાધન સુધી પહોંચતા જ અક્ષરો કે દ્રશ્યોમાં બદલાઈ જાય છે. તેવી જ રીતે આ શરીર દ્વારા આપણે જે પ્રાપ્ત કર્યું, કમાયા તેને જો આપણે ઈશ્વરીય કાર્યમાં લગાવીએ તો આપણું સ્થૂળ કાર્ય પણ આધ્યાત્મિક તરંગોમાં બદલાઈ જાય છે અને નવું શરીર પ્રાપ્ત થતા જ અનેક ઘણી સુખ-સાધન-સામગ્રી બનીને આપણને મળી જાય છે.
જો કોઈ ખેડૂત બીજનો સંગ્રહ કરી લે પરંતુ તેને વાવે નહીં તો તે બીજ નષ્ટ થઈ જશે અથવા તો તે વ્યક્તિ તે બીજ વાવવા થી મળતી ઉપજ થી વંચિત રહી જશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)