Home Blog Page 1942

કેજરીવાલની ધરપકડને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી

નવી દિલ્હીઃ દિલ્હી લિકર કેસમાં મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને હાઇકોર્ટથી આંચકો લાગ્યો છે. કોર્ટે ED દ્વારા ધરપકડ અને હિરાસતને પડકાર આપતી અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ સ્વર્ણ કાંતા શર્માએ ચુકાદો આપતાં કહ્યું હતું કે એ કેન્દ્ર સરકાર અને કેજરીવાલની વચ્ચેનો મામલો નથી. બલકે ED અને તેમની વચ્ચેનો મામલો છે. તેમની મની લોન્ડરિંગ મામલે એજન્સીએ ધરપકડ કરી છે. કોઈને પણ વિશેષાધિકાર ના આપી શકાય. EDની પાસે પર્યાપ્ત પુરાવા છે. તપાસમાં પૂછપરછથી મુખ્ય મંત્રીને રાહત ના આપી શકાય. જજ કાયદાથી બંધાયેલા છે, રાજકારણથી નહીં.

હાઇકોર્ટએ કહ્યું હતું કે ED દ્વારા એકત્ર કરવામાં આવેલી સામગ્રીથી માલૂમ પડે છે કે કેજરીવાલ સાઉથ ગ્રુપથી લાંચ માગવામાં સામેલ હતા. કોર્ટે કહ્યું હતું કે આ મામલે કેટલાંય નિવેદનો નોંધવામાં આવ્યાં હતાં, જેમાં રાઘવ મુંગઠા અને શરત રેડ્ડીનાં નિવેદનો. હાઇકોર્ટે કહ્યું હતું કે અપ્રુવરનું નિવેદન ED નહીં, બલકે કોર્ટ લખે છે. જો તમે તેના પર સવાલ ઊભા કરો છો તો તમે જજ પર સવાલ ઉઠાવી રહ્યા છો. રેડ્ડીના નિવેદનને લઈને પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે. કેજરીવાલની પાસે એ અધિકાર છે કે તેઓ સાક્ષીઓને ક્રોસ કરી શકે, પણ નીચલી કોર્ટમાં નહીં કે હાઇકોર્ટમાં. તપાસ કોઈ વ્યક્તિની સુવિધાને અનુસાર ના ચાલી શકે. તપાસ દરમ્યાન એજન્સી કોઈના પણ ઘરે જઈ શકે.

આ પહેલાં લિકર કેસમાં એક સપ્તાહમાં કોર્ટે બે ચુકાદા આપ્યા હતા, જેમાં સુપ્રીમ કોર્ટે આપના રાજ્યસભાના સાંસદ સંજય સિંહને રાહત મળી છે અને જામીન મળી ગયા છે, જ્યારે BRS નેતા કે. કવિતાની જામીન અરજીને ટ્રાયલ કોર્ટે ફગાવી દીધી હતી.

 

 

 

 

 

 

 

પોતાના જ નેતાની વિરુદ્ધ ચૂંટણીપ્રચાર કરશે રાહુલ ગાંધી?

નવી દિલ્હીઃ બિહારની પૂર્ણિયા સીટ અને પપ્પુ યાદવ કોંગ્રેસ માટે માથાનો દુખાવો બનતો જઈ રહી છે. હાલમાં જ કોંગ્રેસ પક્ષમાં સામેલ થયેલા પપ્પુ યાદવે પહેલાં RJDના હિસ્સાવાળી પૂર્ણિયા સીટ પર અપક્ષ ઉમેદવાર તરીરે નામાંકન દાખલ કર્યું છે, જ્યારે RJDએ અહીંથી બીમા ભારતીને મેદાનમાં ઉતાર્યાં હતાં. સંભાવના એવી હતી કે પપ્પુ યાદવે નોમિનેશનના છેલ્લા દિવસે પોતાનું નામ પરત ખેંચી લેશે, પણ એવું નહીં થયું.

હવે RJDએ પૂર્ણિયામાં નવી વ્યૂહરચના અપનાવી છે. RJDએ કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને અરજ કરી છે કે રાહુલ ગાંધી પપ્પુ યાદવની વિરુદ્ધ પૂર્ણિયામાં તેજસ્વીની સાથે ચૂંટણી સભા કરે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે શું રાહુલ ગાંધી પોતાના જ નેતાની વિરુદ્ધ સભા કરવા માટે તૈયાર થાય છે કે નહીં?

RJDએ કોંગ્રેસને પ્રપોઝલ આપી છે કે ઇન્ડિયા એલાયન્સ સાથેની ચૂંટણી સભા પૂર્ણિયામાં કરવામાં આવે, જેમાં રાહુલ ગાંધી હાજર હોય. બિહારમાં સીટ શેરિંગમાં કોંગ્રેસ સતત પ્રયાસ કરી રહી છે કે પૂર્ણિયા સીટ કોંગ્રેસને મળે, પરંત વાતચીતની અંતિમ ચર્ચા સુધી એવું થઈ ના શક્યું. ત્યાર બાદ JDUથી RJD સામેલ થયેલી બીમા ભારતીને RJDએ પૂર્ણિયા સીટથી ઉમેદવાર બનાવી છે. બીમા ભારતી હવે ઇન્ડિયા એલાયન્સની સત્તાવાર ઉમેદવાર છે.

કોંગ્રેસ પપ્પુ યાદવ સામે શિસ્તભંગનાં પગલાં લેવા માટે પાર્ટીના કેટલાક નેતાઓ કહી રહ્યા છે, કેમ કે પપ્પુ યાદવ પૂર્ણિયાથી ઉમેદવારી કરીને ગઠબંધનના ધર્મનું પાલન નથી કરી રહ્યા. પપ્પુ યાદવે તેમની પાર્ટીનો વિલય કોંગ્રેસમાં કર્યો હતો, પણ તેમણે કોંગ્રેસનું સભ્યપદ નથી લીધું, એમ સૂત્રોએ કહ્યું હતું.

 

 

 

 

 

રૂપાલાનો વિરોધ : કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતની અટકાયત

રાજકોટ બેઠકના લોકસભાના ઉમેદવાર રૂપાલાએ કરેલા નિવેદનનો વિવાદ હવે વધુ ગંભીર બની રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શનો શરૂ થયાં છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે 2 વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જોડાવવા કહ્યું છે. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચતા જ તેમને નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડ ક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસ વેનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી ઉતરી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી.

રાજ શેખાવતે અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો. રાજ શેખાવતે વધુમાં જણાવ્યું હતું કે, મેં કહ્યું હતું સરકાર અને પ્રશાસનને કે, મને અને મારા ક્ષત્રિયોને કમલમ સુધી પહોંચવામાં તમે રૂકાવટ બનશો તો હું આત્મદાહ કરી લઈશ. એટલે મને મજબૂર ના કરો. જે આક્રોશ સાથે રજૂઆત અમારે કરવાની છે એ રજૂઆત કરવા માટે અમને કમલમ સુધી જવાનો જે રસ્તો છે એ સાફ કરી આપો. અમારે કોઈ રૂકાવટ જોઈતી નથી. તો મિત્રો આપણે જે કહ્યું છે એ કરીશું. આ નિર્ણાયક લડત છે અને આ લડતમાં આપણે સફળતા પણ હાંસલ કરીશું. આપ સૌની ઉપસ્થિતિ જ આપણને સફળતા અપાવશે, તો 2 વાગે કમલમ ખાતે મળીએ.

મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z શ્રેણીની સુરક્ષા મળી

ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના ધમકીના અહેવાલ બાદ ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z શ્રેણીની સુરક્ષા આપી છે. તમને જણાવી દઈએ કે આ સમયે ટીએમસીની સાથે સાથે ઘણા રાજકીય પક્ષો પણ હંગામો મચાવી રહ્યા છે. તેને ધ્યાનમાં રાખીને IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો, જેના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરક્ષા આપવામાં આવી છે.

Z કેટેગરીની સુરક્ષામાં શું હશે?

Z શ્રેણીની સુરક્ષા માટે કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત છે. સશસ્ત્ર દળોના 10 સશસ્ત્ર સ્ટેટિક ગાર્ડ VIPના ઘરે રોકાયા છે. 6 રાઉન્ડ ધ ક્લોક PSO, 12 સશસ્ત્ર એસ્કોર્ટ કમાન્ડો ત્રણ શિફ્ટમાં, 2 પાળીમાં વોચર્સ અને 3 પ્રશિક્ષિત ડ્રાઇવરો ચોવીસ કલાક હાજર રહે છે.

તમને જણાવી દઈએ કે આ સમયે દેશ ચૂંટણીના મોડમાં છે. દેશમાં 7 તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેનો પ્રથમ ચરણ 19 એપ્રિલે શરૂ થશે. જ્યારે બીજો તબક્કો 26મી એપ્રિલે, ત્રીજો તબક્કો 7મી મેના રોજ, ચોથો તબક્કો 13મી મેના રોજ, પાંચમો તબક્કો 20મીએ, છઠ્ઠો તબક્કો 25મી મે અને સાતમો તબક્કો યોજાશે. 1લી જૂને થશે. તમામ તબક્કાના મતદાનની મતગણતરી 4 જૂને થશે.

આપ પાર્ટીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસનનો સતાવી રહ્યો છે ડર

નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય મંત્રી કેજરીવાલ જેલમાં ગયા છે, એ પછી આમ આદમી પાર્ટીની મુસીબતો ઓછું થવાની નામ નથી લેતી. હવે આમ આદમી પાર્ટીને દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગવાનો ડર સતાવી રહ્યો છે. દિલ્હીના ઉપ રાજ્યપાલ વિનયકુમાર સકસેનાએ ગૃહ મંત્રાલયને એક પત્ર લખ્યો છે, જે પછી રાષ્ટ્રપતિ શાસનનો લાગવાની અટકળો તેજ થઈ ગઈ છે.

દિલ્હીના ઉપ રાજ્યપાલ વીકે સકસેનાએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને દિલ્હીની હાલની સ્થિતિની માહિતી આપી હતી. તેમણે પત્રમાં દિલ્હી સરકારના મંત્રીઓ પર આરોપ લગાવ્યો છે કે તેઓ બેઠકમાં ભાગ લેવાનો ઇનકાર કરી રહ્યા છે. ઉપ રાજ્યપાલે જળ, શિક્ષણ, આરોગ્ય, પરિવહન અને વન વિભાગથી સંબંધિત દિલ્હી સરકારના મંત્રીઓની બેઠક બોલાવવાનો નિર્ણય કર્યો હતો, પણ મંત્રીઓએ ચૂંટણી આચારસંહિતાનો હવાલો આપતાં બેઠકમાં સામેલ થવાનો ઇનકાર કર્યો હતો.

તેમણે પત્રમાં લખ્યું હતું કે તેઓ એટલા માટે બેઠક બોલાવી રહ્યા છે, કેમ કે કેજરીવાલની ધરપકડને કારણે શાસનનાં નિયમિત કાર્યોમાં કોઈ અડચણ ના આવે. જ્યારે LGના પત્ર પર દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે LGએ બંધારણ સમજવું જોઈએ. તો પાણી, આરોગ્ય, પર્યાવરણનો ઉલ્લેખ કરી રહ્યા છે, જે ચૂંટાયેલી સરકારનો વિષય છે. તેમણે કહ્યું હતું કે LGને મંત્રીઓની બેઠક બોલાવવાનો અધિકાર નથી.બીજી બાજુ, આપના વિધાનસભ્ય મદનલાલે દાવો કર્યો હતો કે ભાજપ કેજરીવાલની ધરપકડ પછી તેમને રાજીનામું આપવા મજબૂર કરી રહ્યો છે. દિલ્હીમાં ભાજપ રાષ્ટ્રપતિ શાસન લગાવવા ઇચ્છે છે. આપ પાર્ટીને ડરાવવામાં આવી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

મુખ્તારના પુત્ર અબ્બાસને ત્રણ દિવસની રાહત

સુપ્રીમ કોર્ટે મુખ્તાર અંસારીના મોટા પુત્ર અબ્બાસ અંસારીને ત્રણ દિવસ માટે વચગાળાની રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે અબ્બાસ અંસારીને તેમના પિતા મુખ્તાર અંસારીની કબર પર ફાતિહા વાંચવાની મંજૂરી આપી હતી. અબ્બાસ 10 એપ્રિલે મુખ્તાર અંસારીની કબર પર ફાતિહા વાંચશે. સુપ્રીમ કોર્ટે આદેશમાં કહ્યું કે અબ્બાસ અંસારીને સંપૂર્ણ સુરક્ષા હેઠળ લાવવામાં આવે.

10 એપ્રિલે ફાતિહા વાંચ્યા બાદ અબ્બાસ અન્સારીને ગાઝીપુર જિલ્લા જેલમાં પાછા રાખવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે અબ્બાસ અંસારી 11 અને 12 એપ્રિલે તેમના પરિવારને મળશે. દરમિયાન, 13 એપ્રિલે અબ્બાસ અન્સારીને કાસગંજ જેલમાં પરત લાવવામાં આવશે. અબ્બાસ અંસારી વચગાળાના જામીન દરમિયાન કોઈ મુલાકાત કે ઈન્ટરવ્યુ નહીં આપે.

સુપ્રીમ કોર્ટે યુપી સરકારને આજે સાંજે 5 વાગ્યા પહેલા કાસગંજ જેલમાંથી અબ્બાસને મુક્ત કરવા જણાવ્યું હતું. સુપ્રીમ કોર્ટે કહ્યું કે તમે કાર્યક્રમમાં હાજરી આપી શકો છો પરંતુ સાંજે તમારા ઘરે રહી શકતા નથી. સાંજે લોકઅપમાં રહેશે.

‘ગુડી પડવો’ તહેવારની ઉજવણીમાં ધર્મ સાથે વૈજ્ઞાનિક મહત્વ

અમદાવાદ: હિંદુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ ગુડી પડવાનો તહેવાર ઉજવવામાં આવે છે. આ તહેવારને હિંદુ કેલેન્ડર અનુસાર હિંદુઓના નવા વર્ષ તરીકે પણ ઉજવવામાં આવે છે. એ જ સમયે, આ દિવસ ચૈત્ર નવરાત્રીનો પ્રથમ દિવસ પણ છે. એવું માનવામાં આવે છે કે ગુડી પડવાના તહેવારની ઉજવણી કરવાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને ઘરમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે ઉજવાતા ગુડી પડવાના તહેવારને  દુનિયાભરના મહારાષ્ટ્રીયન લોકોએ ઉત્સાહ અને ઉમંગથી ઉજવ્યો.    ગુજરાતના કલોલમાં રહેતા મહારાષ્ટ્રીયન પરિવારના પૂજા નિફાડકર ચિત્રલેખા.કોમને કહે છે ગુડી પડવોએ મહારાષ્ટ્રીયન લોકોનું નવ વર્ષ છે. રામના અયોધ્યા પ્રવેશના ઉમંગની ઉજવણી સાથે આ તહેવારમાં વૈજ્ઞાનિક મહત્વ પણ છે. લીમડો મોરની કડવાસ અને હાયડાનું ગળપણ ગુડી પડવા સાથે જોડાયું છે. મહારાષ્ટ્રમાં તો ગુડીની શ્રેષ્ઠ સજાવટ અને ઉંચાઈની સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવે છે.વર્ષ 2024માં ગુડી પડવો: મંગળવાર, 9 એપ્રિલ, ચૈત્ર માસની પ્રતિપદા તિથિ છે. આજથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો છે અને આ દિવસથી હિંદુ નવું વર્ષ પણ શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી. હિંદુ કેલેન્ડર મુજબ, આજે  હિંદુ નવા વર્ષ વિક્રમ સંવત 2081નો પહેલો દિવસ છે. મહારાષ્ટ્રમાં આ દિવસને ગુડી પડવા તરીકે ઉજવવામાં આવે છે. મરાઠી લોકો આ દિવસે ગુડી બનાવે છે. ગુડી બનાવવા માટે પિત્તળના વાસણને થાંભલા પર ઊંધું રાખવામાં આવે છે, તેને ઘેરા રંગના રેશમી, લાલ, પીળા કે કેસરી કાપડ અને ફૂલોની માળા અને અશોકના પાંદડાઓથી શણગારવામાં આવે છે. ગુડીને બ્રહ્મધ્વજ પણ કહેવામાં આવે છે.  શુભ સમય: ગુડી પડવાના દિવસે, 9 એપ્રિલ, 2024 ના રોજ, શુભ સમય સવારે 09.12 થી બપોરે 01.58 સુધીનો છે. આ સમય દરમિયાન ઘરમાં સુંદર મૂર્તિ લગાવો અને તેની પૂજા કરો. આ ગુડી વિજયનું પ્રતિક છે. આ તહેવાર પર, લોકો તેમના ઘરને કેરીના પાંદડાના હારથી શણગારે છે.  રંગોળી બનાવે છે. ગુડી પડવાના દિવસે ઘરમાં મીઠી પુરણ પોળી, શ્રીખંડ બનાવવાની અને લીમડાના પાન ખાવાની પરંપરા છે. ગુડીની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને વિજયના આશીર્વાદ મળે છે.મહત્વ: આ દિવસે ભગવાન બ્રહ્માએ સૃષ્ટિની રચના કરી હતી, હિંદુ નવું વર્ષ પણ ગુડી પડવાથી શરૂ થાય છે. એવું માનવામાં આવે છે કે ગુડી પડવાના દિવસે સુંદરકાંડ, રામરક્ષાસ્તોત્ર અને દેવી ભગવતીના મંત્રોનો જાપ કરવાથી વર્ષ દરમિયાન દરેક ક્ષેત્રમાં સફળતા મળે છે. ગુડી પડવા પર સૂર્ય ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે લોકો ગુડી પડવા પર સૂર્ય ભગવાનની પૂજા કરે છે તેમને આરોગ્ય, સારું સ્વાસ્થ્ય અને સુખ અને સમૃદ્ધિ મળે છે. મરાઠી લોકોનું નવું વર્ષ ગુડી પડવાથી શરૂ થાય છે. દક્ષિણ ભારતના પ્રદેશમાં એવું માનવામાં આવે છે કે તે ચૈત્ર શુક્લ પ્રતિપદાનો દિવસ હતો જ્યારે ભગવાન શ્રી રામે બાલીનો વધ કર્યો હતો. આ સાથે  દક્ષિણ ભારતના લોકોને મુક્ત કર્યા હતા. હિંદુ નવું વર્ષ વિક્રમ સંવત 2081 ગુડી પડવાથી જ શરૂ થશે. આ નવા વર્ષના પ્રથમ દિવસના સ્વામીને સમગ્ર વર્ષનો સ્વામી માનવામાં આવે છે.

પ્રજ્ઞેશ વ્યાસ (અમદાવાદ)

રાજકોટ: ચૂંટણી ‘મહાભારત’માં હવે ધાનાણીનું ‘ધનુષ’ ટકરાશે?

રાજકોટ: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાને ટક્કર આપે તેવા ઉમેદવાર કોંગ્રેસ હજુ શોધી શકી નથી. ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે આગામી 16મી એપ્રિલના રોજ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરવા જશે તેવી જાહેરાત થતાં કોંગ્રેસ હવે એક્ટિવ બની છે.

રાજકોટ લોકસભાની પ્રતિષ્ઠાભરી બેઠક માટે કોંગ્રેસ પરેશ ધાનાણીને મેદાનમાં ઉતારવા સમજાવવા અમરેલી પહોંચી છે. પરેશ ધાનાણીએ અગાઉ અમરેલી ધારાસભાની ચુંટણીમાં રૂપાલાને હરાવ્યા છે. આથી રાજકોટ કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી, પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા સહિતના 50 જેટલા આગેવાનો આજે સવારે રાજકોટથી અમરેલી પહોંચ્યા હતા.રાજકોટ કોંગ્રેસના આગેવાનોએ પરેશ ધાનણીને નવા રાજકીય સમીકરણોમાં રાજકોટ લોકસભા લડવા સજાવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના આદેશથી આ કવાયત કરવામાં આવી છે. બેઠક બાદ પરેશ ધાનાણી રાજકોટથી ચુંટણી લડવા સહમત થયા હોવાનું કોંગી આગેવાનો હાલ તો કહી રહ્યા છે. જો કે સત્તાવાર જાહેરાત થાય તેની રાહ જોવાઇ રહી છે. એવું જાણવા મળ્યું છે કે ધાનાણી એ શરતે સહમત થયા છે કે જો રૂપાલા રાજકોટથી લડે તો જ તે ઉમેદવાર બનશે.હાલ રૂપાલા અને ક્ષત્રિયો વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં પરેશ ધાનાણી સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ છે અને ભાજપનો વિરોધ કરી રહેલાં ક્ષત્રિયોને ટેકો આપી રહ્યા છે. સોશિયલ મીડિયા પર તેમણે “ભારતના સંસ્કાર, પાલનના પડકાર” તેમણે એક કવિતા પણ મૂકી છે.ગુજરાતમાં કોંગ્રેસ નવસારી, મહેસાણા , અમદાવાદ પૂર્વ સહિતની ચાર જેટલી બેઠક માટે ઉમેદવારની પસંદગી પ્રક્રિયા તેજ બનાવી છે.

દેવેન્દ્ર જાની (રાજકોટ)

ગુજરાતમાં આગ ઉગળતી ગરમી, તાપમાન 40 ડિગ્રી પાર

ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રી પાર થયુ છે. જેમાં સૌથી વધુ તાપમાન ભુજમાં 41.7 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ડિસ્કમ્ફર્ટ કન્ડિશનની આગાહી કરવામાં આવી છે. તથા ડીસામાં 41.1, અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું છે. રાજકોટમાં 41, સુરેન્દ્રનગરમાં 41.1 ડિગ્રી તાપમાન સાથે ભુજમાં 41.7ડિગ્રી, કંડલામાં 40.7 ડિગ્રી તાપમાનથી લોકો ત્રાહિમામ થયા છે. ચૈત્ર માસના પ્રારંભ પૂર્વે જ સૂર્યનારાયણના આકરા તેવર જોવા મળ્યા છે. રાજ્યના 7 શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યો હતો. ઉત્તર ગુજરાતના મહેસાણા અને પાટણમાં ગરમીનો પારો 42 ડિગ્રીને આંબી ગયો હતો. મહત્તમ તાપમાનમાં આગામી પાંચ દિવસ સુધી કોઈ મોટો ફેરફાર જોવા નહીં મળે.

heat

હવામાન ખાતાની આગાહી મુજબ રાજ્યમાં વાતાવરણ સુક્કું રહેશે. પવનની દિશા ઉત્તર-પશ્ચિમની રહેશે. તાપ અને ભેજયુક્ત હવાની સ્થિતિ દરિયાકાંઠા વિસ્તારોમાં આગામી પાંચ દિવસ અનુભવાશે. તા.12ના રોજ નવસારી, વલસાડ, સુરતમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. તા.13ના રોજ બનાસકાંઠા અને કચ્છમાં હળવો વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદમાં ગરમીનો પારો 40 ડિગ્રીને આંબી ગયો હતો. પાટનગરમાં 39.3 ડિગ્રી ગરમી નોંધાઈ હતી.

 

MVA ગઠબંધનમાં સીટ શેરિંગ પર બની સહમતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી હવે નજીક છે, ત્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની વચ્ચે સીટ વહેંચણી થઈ ચૂકી છે, એમ સંજય રાઉતે જણાવ્યું હતું. ઉદ્ધવ ઠાકરે જૂથ 21 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસ 17 સીટો પર ચૂંટણી લડશે, જ્યારે શરદ પવારની NCP કુલ 10 સીટો પર ચૂંટણી લડશે.

એ દરમ્યાન કોંગ્રેસ નેતા નાના પટોલેએ કહ્યું હતું કે કોંગ્રેસ રાષ્ટ્રીય પાર્ટી છે. અમારે તાનાશાહ સામે લડવાનું છે. તેઓ અમારા ગઠબંધનને મુસ્લિમ લીગ બતાવી રહ્યા છે. તેઓ ભયભીત છે. મતો તબદિલ થશે. અમારી સાથે અસલી શિવસેના અને અસલી NCP છે.

બીજી બાજુ, શિવસેના (UBT) નેતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે સીટો પર લડવાની ઇચ્છા બધાને છે અને એમાં કશું ખોટું નથી, પણ જીતની ક્ષમતાને પ્રાથમિકતા અપાવી જોઈએ. અમારી લડાઈ મહત્ત્વની છે. વડા પ્રધાને ભ્રષ્ટ જનતા પાર્ટી અને એની સાથે વસૂલી સેના છે. તેમની પાસે એક વોશિંગ મશીન છે. તેમની સાથે ‘दाग अच्छे हैं’ વાળો વોશિંગ પાઉડર છે.

મુંબઈના શિવાજી પાર્કમાં યોજાનારી રાજ ઠાકરે સભામાં તેઓ NDAમાં સામેલ થવાનું એલાન કરે એવી શક્યતા છે. થોડા દિવસ પહેલાં રાજ ઠાકરેએ દિલ્હી આવીને ગૃહપ્રધાન અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. જો રાજ ઠાકરે NDAમાં સામેલ થશે તો તેમના માટે રેડ કાર્પેટ બિછાવવામાં આવશે, એમ રાજ્યના ઉપ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.