૦૫ એપ્રિલ, ૨૦૨૪
૦૫ એપ્રિલ, ૨૦૨૪
Chitralekha Gujarati – 15 April, 2024
વાસ્તુ: શું ઈશાનના બધા દ્વારા સકારાત્મક હોય છે?
કાળઝાળ ગરમી અને અછત વચ્ચે જીવતો માણસ ક્યારેક અંતિમ નિર્ણય લેવાનો વિચાર કરે છે. પણ અંતિમ એટલે શું?
દરેક વ્યક્તિ માટે તેની વ્યાખ્યા અલગ અલગ હોઈ શકે. કોઈને બધુજ છોડી દેવાનો વિચાર આવે તો કોઈને લડી લેવાનો. રામાયણ તરફ નજર કરીએ તો સમજાય છે કે સહજતા, સન્માન અને કર્તવ્યનિષ્ઠ હોવું એ વ્યક્તિત્વ નિખારવામાં મદદરૂપ થાય છે. પિતાના સન્માન માટે રામ વનમાં ગયા પણ એમણે વનવાસ દરમિયાન અન્યનું ભલું ચાહ્યું. ભરતને ગાદી મળી હોવા છતાં એણે એને રામની અમાનત સમજી, જટાયુએ સીતાજીનું રક્ષણ કરવા પ્રાણ ત્યાગી દીધા, રાવણ બ્રાહ્મણ ધર્મ નિભાવવા પોતાના પ્રતિસ્પર્ધીને પણ વિજય માટેની પૂજા કરાવે, સુષેણ વૈદ્ય રાવણનો વૈદ્ય હોવા છતાં લક્ષ્મણની સારવાર માટે આવે, વિગેરે પ્રસંગો આપણી સાચી સંસ્કૃતિ છે. આ બધા જ નિર્ણય અંતિમ હોઈ શકે, પણ સકારાત્મક હતા. એવા સકારાત્મક નિયમોનું શાસ્ત્ર એટલે વાસ્તુ શાસ્ત્ર.
મિત્રો, આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ જરૂરથી નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મારા વડવાઓ ભારતીય હતા. મધ્યકાળમાં મારા દાદા વિદેશ ગયા અને પછી અમારા વિચારો બદલાયા. હું ભારત પાછી આવી મને ભારતીય રીતે રહેવાનું ગમ્યું. પણ મારા કેટલાક મિત્રો મને એ કરવાની ના પાડે છે. તમારા એક લેખમાં મેં વાસ્તુ વિષે વાંચ્યું હતું. હવે મને કહેવામાં આવ્યું છે કે વાસ્તુના નિયમો માત્ર ભારતમાં રહેતા લોકો માટે જ છે. મારે શું કરવું જોઈએ? મને વાસ્તુ આધારિત ફેરફાર કરવાથી લાભ તો થયો જ છે. પણ એવું કરવાથી કોઈ પાપ તો ન લાગે ને? મહેરબાની કરીને સમજાવો ને.

જવાબ: ભારતીય શાસ્ત્રો માનવ જાતિને મદદ કરવા માટે રચાયેલા છે. જો તમે માનવ છો તો વાસ્તુના નિયમો તમારા માટે છે જ. આ કામ આ જ વ્યક્તિ કરી શકે એવું ક્યારેય નિશ્ચિત નથી હોતું. હા. જે તે વ્યક્તિની આવડત, ઈચ્છા અને સુઝ જોવી પડે. પણ એ વિદેશી છે એટલે ભારતીય શાસ્ત્રોનું પાલન ન કરી શકે એવું ન હોય. સૂર્ય કોનો છે? એના પ્રકાશ વિષે વાસ્તુશાસ્ત્રમાં સમજણ આપી છે. જો તમે સૂર્યની હાજરીને નહિ સમજો તો શું અંધારામાં કામ કરશો? જો કે ઘણી બધી બંધિયાર જગ્યાઓમાં લોકો માત્ર ઇલેક્ટ્રિક પ્રકાશમાં કામ કરે છે. પણ એ એમની મજબૂરી છે. ચંદ્ર કોનો છે? ભારતીય પંચાંગનો આધાર એ જ છે ને? જો સૂર્ય અને ચંદ્ર બંનેની ગેરહાજરીમાં કામ કરવાનું હોય તો માત્ર અમાસની રાત્રી જ બચે. પણ ત્યારે અન્ય પરિબળો તો કાર્યરત હશે જ. હવે વાત રહી ઘરની અંદરના નિયમોની.
જો ભારતમાં રહેતી વ્યક્તિઓ ભારતીય છે તો એમના સારા સ્વાસ્થ્ય અને સુખના નિયમો પણ સમાન જ હોય ને? જ્યાં સુધી આપણે સભાનપણે કોઈનું નુકશાન નથી કરતા ત્યાં ડરવાની જરૂર નથી. વળી આપ પોતે જ કહો છો કે વાસ્તુના નિયમોથી આપને લાભ થયો છે. તો બસ, આપના અનુભવ પર વિશ્વાસ કરો.
સવાલ: મારા ઘરનો દરવાજો ઈશાનમાં ઉત્તર તરફ છે. મેં જયારે ફ્લેટ લીધો ત્યારે બિલ્ડરે કહ્યું હતું કે આ દ્વાર વાસ્તુ આધારિત છે. પણ આ ઘરમાં આવ્યા પછી કોઈને કોઈ સમસ્યા આવ્યા કરે છે. થાકીને મેં ઘર વેંચવા કાઢ્યું છે પણ એમાં પણ મારા અંગત લોકોજ વચ્ચે આવે છે. મારે એ જાણવું છે કે મારું દ્વાર સકારાત્મક ગણાય કે નહિ?

જવાબ: જી. નહિ. ઈશાનમાં ઉત્તર તરફનું દ્વાર આપના અનુભવ મુજબનું જ ગણાય છે. પોતાની અંગત વ્યક્તિ પીઠ પાછળ બદલાઈ જાય એવું બને. જો કે ગભરાવાની જરૂર નથી. ભારતીય વાસ્તુમાં એનો ઉપાય છે.
સુચન: એક એવી ગેર માન્યતા છે કે ઈશાનના બધા દ્વાર સકારાત્મક છે. બરાબર ઇશાન ખૂણામાં આવેલ દ્વાર માટે આ વાત સાચી નથી.
આપના સવાલ મોકલી આપો Email: vastunirmaan@gmail.com
રાશિ ભવિષ્ય 05/04/2024
રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા
![]()
આજનો દિવસ તમારા માટે સામાન્ય છે, કામમાં વ્યસતા વધુ રહે તેવું બની શકે છે, વેપારમાં નાનું કામ કરવું હિતાવહ છે, કોઈ જાહેરપ્રસંગમાં જવાના યોગ છે તેમાં જરૂરપુરતીજ વાર્તાલાપ કરવી યોગ્ય છે કોઈની મશ્કરીકે ખોટીદોરવણીમાં ના આવી જવાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, શાંતિ અને ધીરજ રાખવી સારી.
આજનો દિવસ સામાન્ય રીતે પસાર થાય, તમને તમારા કોઈ કામકાજમાં મિત્રોનો સહકાર સારો મળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં તમારું સારું પ્રભુત્વ જણાય, કોઇ પ્રસંગઅર્થે પ્રવાસનું આયોજન થઈ શકે છે,મનની ઈચ્છા પૂરી થાય તેવા કોઈ એંધાણ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય કહી શકાય.
આજનો દિવસ તકેદારી અને સાવચેતી સૂચક કહી શકાય, તમારા ગુસ્સાને કાબુમાં રાખવો જરૂરી છે જેથી ખોટાવિવાદ ટાળી શકાય, વાહન ધીમે ચલાવવું અગત્યનું છે, ખટપટથી દુર રહેવું ડહાપણ ભર્યું છે, વણમાગી સલાહસુચનના આપવું, વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું જરૂરી છે.
આજનો દિવસ તમારા માટે સારો કહી શકાય, તમારામાં આજે આત્મવિશ્વાસ સારો દેખાય, જૂનીઓળખાણ અચાનક તાજી થાય, મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કોઈ કામ કરોતો તેમાં તમને લાભ થઈ શકે છે, યુવાવર્ગને પસંદગીના કામકે વાત થાય તેવું બની શકે છે.
આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય, તમારા કુટુંબકે મિત્રો સાથેની મિલનમુલાકાતમાં નાણાકીયખર્ચ થાય તેવું બની શકે છે, ધાર્મિકકે સામાજિક કામકાજ અર્થે પ્રવાસનું આયોજન થઇ પણ શકે, માર્કેટિંગક્ષેત્રમાં સારો ઉત્સાહ જોવા મળે, વેપારમાં નાનું કામકાજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સાવચેતી અને ધીરજથી પસાર કરવો ઇચ્છનીય છે, ઉશ્કેરાટના ભોગના બનાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે, ઘરકે ઓફીસમાં વાર્તાલાપ દરમિયાન શાંતિ જાળવવી કોઈની સાથે વધુ દલીલબાજીના કરવી, વેપારમાં જોખમ ભર્યા કામન કરવા, જીવનસાથી સાથે દલીલબાજીના કરવી ઇચ્છનીય છે.
આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમય વ્યસ્તા ધાર્યા કરતા વધુ જોવા મળી શકે તેને કારણે થોડી માનસિક અશાંતિ જેવું રહે, વાણીવર્તણુકમાં ધીરજનો અભાવ જોવા મળે અને તેના કારણે ક્યાંક અણગમતા વર્તનના ભોગ ના બનવું પડે, વેપારમાં નાનું કામ અનુભવના આધારેજ કરવું યોગ્ય છે.
આજનો દિવસ સારો છે, થોડી મજાકમસ્તીની વૃતિ જોવા મળે પરંતુ કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે , જુનામતભેદ સુધારવાની તકમળી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં સારો પ્રતિભાવ જોવા મળે, વેપારમાં લાભ થઈ શકે છે, યુવાવર્ગને અચાનક કોઈ જૂનીઓળખાણ તાજી થવાથી ઉત્સાહી થઈ જવાય.
આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમને કંટાળાજનક સ્થિતિનો સામનો કરવો પડે, ઓફીસમાં પરાણે કામકાજ કરતા હોવ તેવી લાગણી ઉદભવે, સહકર્મચારી સાથે કામની બાબતમાં થોડો અસતોષ રહે, વેપારમાં જોખમભર્યા કામન કરવા, વડીલવર્ગ આજે થોડી કામ ટાળવાની વૃત્તિ રાખે તેવું બની શકે છે.
આજનો દિવસ સારો છે, તમારા કામની કદર પ્રત્યક્ષકે પરોક્ષ રીતે થાય, કોઈ કામની જૂની ગુંચ હોય તને ઉકેલી શકાય તેવા સંજોગો બને, માંર્કેટિંગક્ષેત્રમાં સારું પ્રભુત્વ જણાય, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં સમય વધુ ફાળવોતો કોઈ વિષયપર આવડત વધી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે, કામમાં ઉત્સાહ સારો રહે.
આજનો દિવસ સાવચેતી અને શાંતિથી પસાર કરવો, ખોટાવિવાદથી દુર રહેવું શાણપણ ભર્યું છે, વાહન ધીમે ચલાવવું, આરોગ્યબાબતે થોડું સાચવવું, વેપારમાં જોખમન કરવું, માર્કેટિંગક્ષેત્રમાં થોડી મેહનત વધુ પડે અને તેને કારણે ઉત્સાહ ઓછો જોવા મળી શકે, બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું વધુ સારું.
આજનો દિવસ સારો છે, તમારામાં ઉત્સાહ અને ઉમંગ સારા જોવા મળે, કોઈ કારણોસર મુસાફરી થઈ શકે છે, ધાર્યાકામ થાય તેવું બની શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં ઓળખાણમાં કામકાજ કરવાથી સારું ફળ મળી શકે તેમજ નવીનકાર્યની તક પણ મળી શકે છે, વેપારમાં લાભ થઈ શકે છે.
પરશોત્તમ રૂપાલા સામેના ક્ષત્રિય આંદોલનના કોણ છે મુખ્ય ચહેરા?
રાજકોટ: લોકસભા ચૂંટણી 2024 માટે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલા છે. જેમણે વાલ્મીકી સમાજના એક કાર્યક્રમમાં કરેલી ટિપ્પણીનો વિવાદ હવે રાજકોટ કે ગુજરાત પૂરતો સીમિત નથી રહ્યો. આ આંદોલનની આગ હવે રાજસ્થાન સુધી પણ પહોંચી છે. છેલ્લા દસ દિવસથી ચાલતું ક્ષત્રિય સમાજનું આંદોલન શમવાનું નામ નથી લેતું. ત્યારે જાણીએ કે ક્ષત્રિય સમાજના આ આંદોલનના કોણ છે ચર્ચિત ચહેરાઓ. રાજકોટમાંથી આંદોલન શરૂ થયું છે ત્યારે રાજકોટ – સૌરાષ્ટ્રના મુખ્ય ત્રણ આગેવાનો આ આંદોલનમાં સક્રિય અને ચર્ચામાં રહ્યા છે. આ ઉપરાંત ગાંધીનગરથી આંદોલનની કમાન તૃપ્તીબા રાઓલે સંભાળી છે.
પી. ટી. જાડેજા: રાજકોટના ક્ષત્રિય સમાજ માટે પી. ટી. જાડેજાનું નામ અજાણ્યું નથી. રાજકોટમાં ક્ષત્રિય સમાજના વિદ્યાર્થીઓ માટે એક મોટી છાત્રાલય ચાલે છે તેઓ તે સંસ્થાના મુખ્ય ટ્રસ્ટી છે. આ ઉપરાંત ગુજરાત રાજપૂત યુવા સંઘના આંતરરાષ્ટ્રીય પ્રમુખની જવાબદારી સંભાળી રહ્યા છે. નવરાત્રી કે શરદ પૂનમના રાસોત્સવના આયોજનમાં મહત્વની ભૂમિકા અદા કરે છે. સમાજની અનેક સંસ્થાઓ સાથે જોડાઈને તેઓ સામાજિક પ્રવૃતિ કરી રહ્યા છે. પી. ટી. જાડેજા ગોંડલમાં પોલીસમેન તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે. પોલીસ વિભાગમાંથી સ્વેચ્છાએ તેમણે રાજીનામું આપ્યું હતું. તેઓ ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે અને હાલ રાજકોટમાં કાલાવડ રોડ ઉપર આવેલી સાઈનગર સોસાયટીમાં રહે છે.
પદ્મિનીબા વાળા: ક્ષત્રિય સમાજના આંદોલનને ઉગ્ર બનાવવામાં રાજકોટના પદ્મિનીબા વાળાની સક્રિય ભૂમિકા રહી છે. તેઓ ગુજરાત રાજપૂત કરણી સેનાના મહિલા પાંખના અધ્યક્ષ છે. આ ઉપરાંત રાજકોટમાં રાજશક્તિ મહિલા મંડળના પ્રમુખની છેલ્લા દસ વર્ષથી જવાબદારી સંભાળી રહ્યા છે. મૂળ તેઓ જાડેજા પરિવારના દીકરી છે. સંતાનમાં બે પુત્રો છે. તેમના પતિ ગિરિરાજસિંહ વાળા ખાનગી વ્યવસાય સાથે જોડાયેલા છે. મૂળ વતન ઉપલેટા પાસે આવેલા ગધેથડ નજીક તંણસવા ગામ છે. ફેબ્રુઆરી ૨૦૨૪માં તેઓ ભાજપમાં જોડાયા હતા.
નયનાબા જાડેજા: રાજકોટમાં રૂપાલાના બૉયકોટના પોસ્ટર લગાવનાર અને ક્ષત્રિય સમાજના આંદોલનમાં સક્રિય નયનાબા જાડેજા જાણીતા ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના બહેન છે. અગાઉ તેઓ જામનગર રહેતા હતા. પરંતુ હાલ તેઓ રાજકોટ રહે છે. તેઓ તેમના માતાની સ્મૃતિમાં રચેલા શ્રી લતાબા એ. જાડેજા એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી છે. આ ટ્રસ્ટ મારફત તેઓ સમાજ સેવાના કર્યો કરી રહ્યા છે. આ ઉપરાંત તેઓ કોંગ્રેસ સાથે જોડાયેલા છે. રાજકોટ જિલ્લા મહિલા સેવાદળના પ્રમુખ છે. અગાઉ જામનગર જિલ્લા કોંગ્રેસના સંગઠનમાં પણ મહત્વના હોદા ઉપર રહી ચૂક્યા છે.
તૃપ્તિબા રાઓલ: મૂળ માણસાના રહેવાસી તૃપ્તિબા રાઓલ હાલ ગાંધીનગર રહે છે. ભાવનગર સ્થિત નંદકુવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલયમાંથી અભ્યાસ કર્યા બાદ મનોવિજ્ઞાન વિષયમાં તેઓ સ્નાતક થયા છે. આ ઉપરાંત તૃપ્તિબા રાઓલ ‘નારીશક્તિ એજ્યુકેશન ટ્રસ્ટ’ના પ્રમુખ છે. દર વર્ષે તેઓ 100 ક્ષત્રિય નારી રત્નોની પસંદગી સમગ્ર ગુજરાતમાંથી કરીને તેઓની પ્રતિભા અને પ્રશંસનીય કાર્યોને પુસ્તકના માધ્યમથી પ્રકાશિત કરે છે. આગામી 7મી એપ્રિલના રોજ તૃપ્તિબાને ‘અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ’ એનાયત કરવામાં આવશે. તેઓને આ એવોર્ડ હેરિટેજ સંવર્ધક તરીકે આપવામાં આવશે.

હાલ તો આ તમામ લોકોની બસ એક જ માંગ છે કે રાજકોટથી પરશોત્તમ રૂપાલાને આપવામાં આવેલી ચૂંટણીની ટિકિટ કેન્સલ કરો.
દેવેન્દ્ર જાની (રાજકોટ)
તસવીરો: નિશુ કાચા
કોંગ્રેસે ગુજરાતમાં ત્રણ બેઠકો પર ઉમેદવાર જાહેર કર્યા
કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની 13મી યાદી જાહેર કરી છે. ગુરુવારે રાત્રે જારી કરાયેલી આ યાદી દ્વારા વધુ ત્રણ ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હતી. આ ત્રણેય ઉમેદવારોને ગુજરાતની ત્રણ લોકસભા બેઠકો (સુરેન્દ્રનગર, જૂનાગઢ અને વડોદરા) પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પાર્ટીએ સુરેન્દ્રનગરથી ઋત્વિકભાઈ મકવાણા, જૂનાગઢથી હીરાભાઈ જોટવા અને વડોદરાથી જસપાલસિંહ પઢિયારને ટિકિટ આપી છે. કોંગ્રેસે અત્યાર સુધીમાં કુલ 235 ઉમેદવારોની જાહેરાત કરી છે. પાર્ટીએ અગાઉ 12 અલગ-અલગ લિસ્ટમાં 232 ઉમેદવારોની જાહેરાત કરી હતી, જ્યારે દેશમાં 18મી લોકસભાની સામાન્ય ચૂંટણી 19 એપ્રિલથી શરૂ થશે. 26 એપ્રિલ, 7 મે, 13 મે, 20 મે, 25 મે અને 1 જૂનના રોજ વધુ છ તબક્કામાં મતદાન થશે અને મત ગણતરી 4 જૂન, 2024ના રોજ થશે.

સુરેન્દ્રનગર બેઠક પર ઋત્વિકભાઈ મકવાણાનો મુકાબલો ભાજપના ચંદુભાઈ સિહોરા સાથે થશે. જૂનાગઢ બેઠક પર હીરાભાઈ જોટવાનો મુકાબલો ભાજપના વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમા સાથે થશે. વડોદરા બેઠક પર જશપાલસિંહ પઢિયારનો મુકાબલો ભાજપના હેમાંગ જોશી સાથે થશે.
તમને જણાવી દઈએ કે ગુજરાતમાં કોંગ્રેસે આમ આદમી પાર્ટીને બે સીટો આપી છે. AAP એ ભરૂચ અને ભાવનગર બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. બાકીની બેઠકો પર કોંગ્રેસ પોતાના ઉમેદવારો ઉભા રાખશે. ભાજપે રાજ્યની તમામ બેઠકો પર પોતાના ઉમેદવારો ઉભા રાખ્યા છે. ગુજરાત ભાજપનો ગઢ ગણાય છે. ગત લોકસભા ચૂંટણીમાં ભાજપે તમામ બેઠકો પર જીત મેળવી હતી.
ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા પર પાટીદાર vs ક્ષત્રિય
ગુજરાતમાં રાજકોટ લોકસભા સીટ પર જંગ છે. અહીં ક્ષત્રિય સમાજે ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજને ખુશ કરવા ભાજપ રૂપાલાને હટાવવાનો નિર્ણય લઈ શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ બીજી તરફ ખુદ પરષોત્તમ રૂપાલાએ આ વાતને નકારી કાઢી છે અને દાવો કર્યો છે કે તેઓ આ બેઠક પરથી ચૂંટણી લડશે અને જીતશે પણ. જ્યારે રૂપાલા સામે ક્ષત્રિય સમાજની માંગ હવે રાજ્યવ્યાપી અને ત્યાંથી પણ દેશભરમાં ઉઠી રહી છે.

રૂપાલાને બદલવું કે નહીં એ ભારતીય જનતા પાર્ટી માટે અઘરી બાબત બની ગઈ છે. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ રૂપાલાની બદલીને કારણે પાટીદાર સમાજમાં નારાજગી સર્જાય તેવી દહેશત છે. સૌરાષ્ટ્રમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચેની સામાજિક લડાઈ બે દાયકા જૂની છે. જો તેમના સ્થાને પરષોત્તમ રૂપાલાને લેવામાં આવે તો આ લડાઈ વધી શકે છે. ભાજપના ખડતલ ક્ષત્રિયો કરતાં પાટીદારો પરિણામો અંગે વધુ નિર્ણાયક છે.

રૂપાલાને હટાવવાની શું અસર થશે?
પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની માંગણી તેજ બની છે પરંતુ આ નિર્ણય ભાજપ માટે ઘણો મુશ્કેલ સાબિત થઈ શકે છે. ક્ષત્રિય સમાજનો દાવો છે કે જો ભાજપ આ નિર્ણય પાછો નહીં ખેંચે તો તેઓ ગુજરાતની 8 બેઠકો પર નિર્ણાયક ભૂમિકા ભજવશે. પરંતુ આ થોડી અતિશયોક્તિ હશે. લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજ કોઈ પણ બેઠક પર ભાજપને સીધું મોટું નુકસાન કરે તેવી શક્યતા બહુ ઓછી છે, પરંતુ રૂપાલાની ટિકિટ કપાઈ જવાથી પાટીદાર સમાજ નારાજ થાય તો ભાજપને મોટું નુકસાન વેઠવું પડી શકે છે.
સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં કડવા પાટીદારો અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં લેઉવા પાટીદારોની મોટી વસ્તી છે. કેટલીક બેઠકો પર પાટીદાર સમાજ નિર્ણાયક ભૂમિકા ભજવે છે. જો રૂપાલાને ભાજપ દ્વારા હટાવી દેવામાં આવે છે અને તેમનો સંદેશો પાટીદાર સમાજમાં ભાજપ વિરોધી છે તો તેમાં કોઈ શંકા નથી કે ભાજપ માટે 26 લોકસભા બેઠકો જીતવી મુશ્કેલ બની જશે. રાજકોટ લોકસભા બેઠક પર ક્ષત્રિય સમાજના મતદારોની સંખ્યા 22 લાખની સામે 1.80 લાખ હોવાનો અંદાજ છે, જેની સરખામણીમાં પાટીદાર સમાજના મત 7 લાખથી વધુ છે, જે તદ્દન સૂચક છે.
સૌરાષ્ટ્રમાં પાટીદાર vs ક્ષત્રિય
પોપટભાઈ સોરઠીયા 1985ની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાયા હતા. નવા સત્તા સમીકરણમાં ક્ષત્રિયોનું કદ વધ્યું અને પાટીદારોનું કદ ઘટ્યું, જેની સીધી અસર જ્ઞાતિના સમીકરણોથી ઝઝૂમી રહેલા સૌરાષ્ટ્રમાં જોવા મળી. અહીં પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચે હિંસક અથડામણ થઈ હતી.
આ સમય દરમિયાન, જામનગર જિલ્લાની કાલાવડ બેઠકના અપક્ષ ધારાસભ્ય ભીમજીભાઈ પટેલની એસટી બસ સ્ટેશન પર છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી અને એક ક્ષત્રિય યુવકને દોષી ઠેરવવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભાવનગર જિલ્લાના ચૌમલ ગામમાં પટેલો દ્વારા ત્રણ ગરાસિયાઓની હત્યા કરવામાં આવી હતી, જેના બદલામાં માનગઢ (ભાવનગર)માં ધાર્મિક વિધિથી પરત ફરી રહેલા પાટીદારોના ટ્રેક્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં 11 પાટીદારોના મોત થયા હતા. જેના કારણે પાટીદારો અને ક્ષત્રિયો વચ્ચેનું અંતર વધ્યું.
કોંગ્રેસના ધારાસભ્યની હત્યા કરવામાં આવી હતી
આ પછી, 15 ઓગસ્ટ, 1988 ના રોજ, ગોંડલની સંગ્રામસિંહ હાઈસ્કૂલમાં સ્વતંત્રતા દિવસના કાર્યક્રમ દરમિયાન, 22 વર્ષીય ક્ષત્રિય યુવક અનિરુદ્ધસિંહ જાડેજા (પસલી)એ કોંગ્રેસના ધારાસભ્ય પોપટભાઈ સોરઠીયાની નજીકથી ગોળી મારીને હત્યા કરી હતી. પપટભાઈ સોરઠીયાની હત્યાના એક વર્ષ બાદ 26 નવેમ્બર 1989ના રોજ પડધરીના હડમતીયા ગામમાં પીઢ પાટીદાર નેતા અને પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલની હત્યા કરવામાં આવી હતી. હત્યાના આરોપી યુવકનું નામ પણ અનિરુદ્ધ સિંહ હતું.
આ પછી 15 એપ્રિલ 1995ના રોજ આશાપુરા ડેમ પાસ પાસેથી જેન્તીભાઈ વડોદરિયાની હત્યા કર્યા બાદ લાશ મળી આવી હતી. તેઓ યુવા અને આશાસ્પદ પાટીદાર નેતા હતા. કેશુભાઈએ કાલાવડ, ગોંડલ અને ટંકારા બેઠકો પરથી ચૂંટણી લડીને પોતાને એક પાટીદાર નેતા તરીકે સ્થાપિત કર્યા, જ્યાં એક પાટીદાર ધારાસભ્યની હત્યા થઈ હતી, અને તેઓ મુખ્યમંત્રી પદ સુધી પણ પહોંચ્યા હતા.
બંને સમાજના મતદારો ભાજપની પરંપરાગત વોટબેંક
સૌરાષ્ટ્રના રાજકારણમાં પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વર્ષોથી શીતયુદ્ધ ચાલી રહ્યું છે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે પરંતુ જૂની વાતો આજે પણ લોકોના દિલમાં જીવંત છે. સમયની સાથે ભાજપ પાટીદાર અને ક્ષત્રિય સમાજને મનાવવામાં સફળ રહ્યું છે અને ભાજપ બંને સમાજના મતદારોને પોતાની પરંપરાગત વોટ બેંક માની રહી છે. જો ભાજપ ક્ષત્રિય સમાજના સમર્થનમાં કોઈ નિર્ણય લેશે તો પાટીદાર સમાજ તેનાથી નારાજ થાય તેવી પૂરી સંભાવના છે, જેની ભાજપને મોટી અસર થઈ શકે છે.
ઈરાનમાં મોટો આતંકવાદી હુમલો, 27 લોકો માર્યા ગયા
ઈરાનના ચાબહાર અને રસ્ક શહેરોમાં આતંકી હુમલા થયા છે. સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ સુન્ની મુસ્લિમ આતંકવાદીઓએ ગુરુવારે દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચેમાં ઇરાનના રિવોલ્યુશનરી ગાર્ડના મુખ્યાલય પર હુમલો કર્યો હતો, જેમાં 11 સુરક્ષા કર્મચારીઓ અને 16 નાગરિકોના મોત થયા હતા.
ઈરાનના સરકારી ટીવી અનુસાર ચાબહાર અને રસ્ક શહેરમાં જૈશ અલ-અદલ જૂથ અને સુરક્ષા દળો વચ્ચે રાતોરાત અથડામણ થઈ હતી. “આતંકવાદીઓ ચાબહાર અને રસ્કમાં ગાર્ડ હેડક્વાર્ટરને કબજે કરવાના તેમના ધ્યેયને હાંસલ કરવામાં નિષ્ફળ ગયા,” નાયબ ગૃહ પ્રધાન માજિદ મીરહમાદીએ રાજ્ય ટીવીને જણાવ્યું. સ્થાનિક મીડિયાએ જણાવ્યું હતું કે ગરીબ વિસ્તારમાં લડાઈમાં 10 અન્ય સુરક્ષા અધિકારીઓ પણ ઘાયલ થયા છે, જે મુખ્યત્વે સુન્ની મુસ્લિમ છે.
જૈશ અલ-અદલ કહે છે કે તે શિયા પ્રભુત્વ ધરાવતા ઈરાનમાં વંશીય લઘુમતી બલુચીઓ માટે વધુ અધિકારો અને જીવનની સારી સ્થિતિ ઈચ્છે છે. તેણે સિસ્તાન-બલુચેસ્તાનમાં ઈરાની સુરક્ષા દળો પર તાજેતરના વર્ષોમાં અનેક હુમલાઓની જવાબદારી સ્વીકારી છે. અફઘાનિસ્તાન અને પાકિસ્તાનની સરહદે આવેલો આ પ્રદેશ લાંબા સમયથી ઈરાની સુરક્ષા દળો અને સુન્ની આતંકવાદીઓ તેમજ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓ વચ્ચે અવારનવાર અથડામણનું સ્થળ છે.
ઈરાન અફઘાનિસ્તાનથી પશ્ચિમ અને અન્ય સ્થળોએ દાણચોરી કરવામાં આવતા માદક દ્રવ્યોનો મુખ્ય પરિવહન માર્ગ છે. ડિસેમ્બરમાં આતંકવાદી જૂથે રસ્ક શહેરમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો, જેમાં 11 સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા. જાન્યુઆરીમાં, ઈરાને પાકિસ્તાનમાં બે આતંકવાદી જૂથના ઠેકાણાઓ પર મિસાઈલોથી હુમલો કર્યો, ઈરાનમાં અલગતાવાદી આતંકવાદીઓને નિશાન બનાવતા ઈસ્લામાબાદ તરફથી ઝડપી સૈન્ય પ્રતિક્રિયા આપવામાં આવી.



