Home Blog Page 1955

ભાજપ અને ક્ષત્રિય સમાજ વચ્ચેની બેઠક નિષ્ફળ

રાજકોટઃ રૂપાલાના નિવેદન મુદ્દે ક્ષત્રિયો ટસના મસ નથી થતા. ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો વચ્ચેની બેઠક નિષ્ફળ રહી હતી. ક્ષત્રિય સમાજ રૂપાલાને માફ કરવા તૈયાર નથી. વિવાદ વકરતા જ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બે વખત માફી માગી છે, પણ ક્ષત્રિય સમાજ ભાજપ પાસે રૂપાલાની બેઠક રદ કરવાની માગ પર અડગ છે.

ક્ષત્રિય સમાજની મહિલાઓ, યુવાનો, રાજવી પરિવારો પણ રૂપાલાના વિરોધમાં નિવેદનો અને પ્રદર્શન કરી રહ્યા છે. ભાજપ ડેમેજ કંટ્રોલ કરવા માટે મથામણ કરી રહ્યો છે.  અમદાવાદમાં રાજપૂત સમાજના ભવન ખાતે ક્ષત્રિય સમાજના આગેવાનો અને ભાજપ નેતાઓ વચ્ચે બેઠક થઈ હતી. જોકે આજની આ બેઠક નિષ્ફળ રહી છે. ક્ષત્રિય સમાજે કહ્યું હતું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવી જ પડશે. સર્વાનુમતે માફી આપવાનું મંજૂર નથી. જો ટિકિટ રદ નહીં થાય તો અપક્ષ ઉમેદવારી નોંધાવીશું.’

રૂપાલા ટિકિટ પરત ખેંચે : કરણસિંહ

કરણસિંહ ચાવડાએ કહ્યું હતું કે  આ અમારી નેતાઓ સાથે છેલ્લી બેઠક હતી. હવે રૂપાલાને હટાવવા અંગે કોઈ બેઠક થશે નહીં. આ યુદ્ધનું મેદાન છે, હવે મેદાન માત્ર રાજકોટ નથી ગુજરાત રહેશે. રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય તો ગુજરાતની તમામ સીટો પર અસર દેખાશે. અમારા 400 ભાઈ-બહેન અપક્ષમાં ઉમેદવારી કરશે. ક્ષત્રિયોના સન્માન સાથે કોઈ બાંધછોડ નહીં થાય. આવતી કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં રૂપાલા ટિકિટ પરત ખેંચે.

ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે  ક્ષત્રિય સમાજ સાથે કોઈ સમાધાન થયું નથી. હવે બીજી કોઈ બેઠક નહીં થાય. સંકલન સમિતીના લોકોએ એક જ વાત કરી કે પાર્ટી રૂપાલાને ઉમેદવાર તરીકે હટાવે. અમે જે માફી આપવાની વાત કરી તેને સંકલન સમિતીએ એક સ્વરમાં ફગાવી છે.

 

 

 

 

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ કાર્યકરો કરશે ‘ડોર-ટુ-ડોર’ પ્રચાર

કોંગ્રેસે બુધવારે દિલ્હીના ઉત્તર-પૂર્વીય વિસ્તારોમાં ગેરંટી કાર્ડનું વિતરણ કર્યું. આમાં પાર્ટીએ કહ્યું કે જો તેની સરકાર બનશે તો તે જનતાને કયા વચનો પૂરા કરશે. લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે પાર્ટીએ લોકોની વચ્ચે જઈને કાર્ડનું વિતરણ કર્યું હતું. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે આગામી દિવસોમાં પાર્ટી કાર્યકર્તા ઘરે-ઘરે જઈને કાર્ડનું વિતરણ કરશે.

કોંગ્રેસના ડોર-ટુ-ડોર પ્રચારનું વર્ણન કરતાં ખડગેએ કહ્યું કે, આજે કોંગ્રેસ ઉત્તર પૂર્વ દિલ્હીમાં તેના ગેરંટી કાર્ડનું વિતરણ કરવા માટે આવી છે. અમારો સંદેશ છે – કોંગ્રેસની 5 ગેરંટી હેઠળ, અમે 25 ગેરંટી પૂરી કરીશું. કોંગ્રેસના કાર્યકરો જશે. ઘરે-ઘરે જઈને ગેરંટી કાર્ડનું વિતરણ કરશે અને લોકોને મળશે અને જણાવશે કે જો ભારતમાં ગઠબંધન સરકાર બનશે તો અમે લોકો માટે શું કરીશું. તેમણે કહ્યું, અમારી સરકારે હંમેશા ગરીબો માટે કામ કર્યું છે અને ભવિષ્યમાં પણ આવું જ રહેશે.

કોંગ્રેસ જે કહે છે તે કરે છેઃ ખડગે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું, પીએમ હંમેશા ‘મોદીની ગેરંટી’ની વાત કરે છે. પરંતુ તેઓ જે પણ ગેરંટી વિશે વાત કરે છે તે ક્યારેય પુરી થતી નથી. પીએમએ કહ્યું હતું કે દર વર્ષે 2 કરોડ નોકરીઓ આપશે. 15-15 રૂપિયા દરેકના ખાતામાં લાખ આવશે. ખેડૂતોની આવક બમણી થશે, પરંતુ તેઓએ કંઈ કર્યું નથી, તેઓ માત્ર ખોટા વચનો આપે છે. તેમણે વધુમાં કહ્યું કે, કોંગ્રેસ જે કહે છે તે કરે છે.

કોંગ્રેસની પાંચ ગેરંટી શું છે?

કોંગ્રેસ પાર્ટી દ્વારા જારી કરવામાં આવેલા ન્યાય ગેરંટી કાર્ડમાં પાંચ ગેરંટીનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આમાં સમાનતા ન્યાય, યુવા ન્યાય, ખેડૂત ન્યાય, મહિલા ન્યાય અને શ્રમ ન્યાયનો સમાવેશ થાય છે. શેર જસ્ટિસમાં SC, ST અને OBC અનામત પરની 50 ટકાની મર્યાદાને દૂર કરવાની વાત કહેવામાં આવી છે. જેમાં જણાવાયું છે કે જ્યાં એસટી સમુદાય વધુ છે ત્યાં અનુસૂચિત વિસ્તારો બનાવવામાં આવશે.

તેવી જ રીતે યુથ જસ્ટિસમાં કહેવામાં આવ્યું છે કે યુથ જસ્ટિસ હેઠળ 30 લાખ નવી નોકરીઓ આપવામાં આવશે. પેપર લીકથી સંપૂર્ણ સ્વતંત્રતા રહેશે. ખેડૂત ન્યાય અંગે કોંગ્રેસે વચન આપ્યું છે કે લોન માફી કમિશન બનાવવામાં આવશે અને GST મુક્ત ખેતી થશે. નારી ન્યાય હેઠળ કોંગ્રેસે વચન આપ્યું છે કે કેન્દ્ર સરકારની નવી ભરતીમાં મહિલાઓને 50 ટકા અનામત મળશે. શહેરી રોજગાર ગેરંટી કાયદો શ્રમ ન્યાય હેઠળ લાવવામાં આવશે.

‘માનચેસ્ટર ઓફ UP’ના દેશી નાસ્તાની વિદેશમાં ધૂમ

કાનપુરઃ હોળીમાં દેશભરનાં ઘરોમાં પાપડ બનાવવામાં આવે છે. સામાન્ય રીતે હોળી પછી કેટલાય દિવસો સુધી લોકો ખાવાની સાથે પાપડ લે છે, પણ આ વખતે દેશની સાથે વિદેશમાં પણ મોટી સંખ્યામાં ભારતીય પાપડ માટે ઓર્ડર આવી રહ્યા છે. કાનપુરમાં બનાવવામાં આવી રહેલા આલુના પાપડ અને પાણીપૂરી માટે વિદેશી દેશોથી મોટી સંખ્યામાં ઓર્ડર આવી રહે છે.

અત્યાર સુધી 45 ટનનો ઓર્ડર યુરોપિયન દેશોમાંથી આવી ચૂક્યો છે. 25 ટનનો ઓર્ડર હાલ છે. વેપારીઓએ અપેક્ષા છે કે હવે એ ઓર્ડર પ્રતિ મહિને 25તી 50 ટનની વચ્ચે વિદેશથી મળતો રહેશે.

બડી ઓવરસીઝના માલિક કમલજિત સિંહે જણાવ્યું હતું કે બેલ્જિયમ અને જર્મનીથી મોટી સંખ્યામાં આ વખતે આલુના પાપડની માગ છે. એ સાથે પાણીપૂરીની માગ પણ વધી ગઈ છે. હોળીના પહેલાં 45 ટનનો ઓર્ડર આવી ચૂક્યો હતો. એ ઓર્ડર પૂરો પણ થઈ ચૂક્યો છે. કાનપુરના આ પાપડોનો સ્વાદ હવે વિદેશ સુધી પહોંચી ગયો છે. આવામાં અહીં પાપડ બનાવનારાઓને નફો થશે, બલકે વિદેશોમાં પણ લોકો ભારતીય પાપડનો સ્વાદ લઈ શકશે.

આ સાથે આ વર્ષે  ઉત્તરસંડા ગામના ગૃહ ઉદ્યોગો દ્ધારા માત્ર દિવાળીના તહેવારમાં જ અંદાજિત 500 ટનથી વધુ મઠિયા-ચોળાફળીનું વેચાણ થયું હતું. દિવાળીએ ખાસ કરીને યુકે, યુએસએ, ઓસ્ટ્રેલિયા, ન્યુ ઝીલેન્ડ, સાઉથ આફ્રિકા, કેનેડા અને ગલ્ફના દેશોમાં વસતા ગુજરાતીઓને અમારા ત્યાં બનતા પાપડ, મઠિયા ચોળાફળીનો સ્વાદ ખૂબ સારો લાગે છે.

 

 

 

 

બોક્સર વિજેન્દર સિંહ ભાજપમાં જોડાયા

લોકસભા ચૂંટણી 2024 પહેલા આંતરરાષ્ટ્રીય બોક્સર વિજેન્દર સિંહ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયા છે. વિજેન્દર સિંહ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા અને પાર્ટીની સદસ્યતા લીધી. અગાઉ એવી ચર્ચા હતી કે કોંગ્રેસ વિજેન્દરને મથુરાથી ભાજપના ઉમેદવાર હેમા માલિની સામે મેદાનમાં ઉતારી શકે છે. સિંહને 2019ની લોકસભા ચૂંટણીમાં દક્ષિણ દિલ્હી બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બનાવવામાં આવ્યા હતા. આ ચૂંટણીમાં તેમને ભાજપના રમેશ બિધુરી સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

ભાજપમાં જોડાયા બાદ વિજેન્દર સિંહની પહેલી પ્રતિક્રિયા

ભાજપમાં જોડાયા બાદ વિજેન્દર સિંહે કહ્યું કે, ‘વર્ષ 2019માં હું કોંગ્રેસ તરફથી ચૂંટણી લડ્યો હતો, પરંતુ હું દેશના વિકાસ અને પ્રગતિ માટે કામ કરવા માંગુ છું. હું લોકોનું ભલું કરવા ભાજપમાં જોડાયો છું.

ખેલાડીઓનું ભલું કરવાની વાત

દેશના ખેલાડીઓ મોદી સરકારથી નારાજ છે. જંતર-મંતર પર લાંબા સમય સુધી આ અંગે વિરોધ ચાલુ રહ્યો. વિજેન્દર સિંહ હવે ખેલાડી બનીને શું કરશે? આ સવાલના જવાબમાં તેમણે કહ્યું કે તેઓ પહેલાથી જ ખોટાને ખોટા અને સાચાને સાચા કહેતા આવ્યા છે. હવે ભાજપમાં જોડાઈને તે ખેલાડીઓના કલ્યાણ માટે કામ કરવા માંગે છે.

વિજેન્દર સિંહ દ્વારા જાટ સમુદાયને મદદ કરવાની તૈયારી

બોક્સર વિજેન્દર સિંહ હરિયાણાનો છે અને જાટ સમુદાયનો મોટો ચહેરો છે. આવી સ્થિતિમાં ભાજપ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશ માટે તેમના દ્વારા જાટ સમુદાય સુધી પહોંચી શકે છે. વિજેન્દર સિંહ હંમેશા રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવતા રહ્યા છે. હરિયાણામાં રાજ્ય સરકાર ભાજપની છે અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે. જો કે હવે વિજેન્દર સિંહ પોતે ભાજપમાં જોડાઈ ગયા છે.

રાહુલ ગાંધીએ 24 કલાક પહેલા જ આ પોસ્ટ શેર કરી હતી

નોંધનીય છે કે વિજેન્દર સિંહે તાજેતરમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની પોસ્ટ શેર કરી હતી, જેના દ્વારા તેમણે ભાજપ પર નિશાન સાધ્યું હતું. વાસ્તવમાં એક વીડિયો દ્વારા રાહુલ ગાંધીએ ભાજપ સરકાર સામે સવાલ ઉઠાવ્યો હતો કે યુવાનોને નોકરી કેમ નથી મળી રહી? આ સવાલને સમર્થન આપતા વિજેન્દર સિંહે પણ આ પોસ્ટ શેર કરી છે. બીજા જ દિવસે વિજેન્દ્ર સિંહ ભાજપમાં જોડાયા.

ભ્રષ્ટ નેતાઓ માટે વોશિંગ મશીન છે  ભાજપ?

નવી દિલ્હીઃ ભાજપ એવું વોશિંગ મશીન છે, જ્યાં કોઈ પણ ભ્રષ્ટ નેતા પક્ષમાં સામેલ થાય તો તેની છબિ સાફસૂથરી બની જાય છે. વિપક્ષ એવું કહીને સત્તાધારી ભાજપ પર નિશાન સાધતો રહ્યો છે. વર્ષ 2014થી વિપક્ષના જે 25 નેતાઓ પર ભ્રષ્ટાચારના ગંભીર આરોપ હતા, તેમાંથી 23ને ભાજપના પાલામાં આવવાથી રાહત મળી છે, એમાં 10 કોંગ્રેસી હતા, ચાર-ચાર NCP અને શિવસેનામાં હતા, ત્રણ TMCના હતા, બે TDPના હતા અને એક-એક SP અને YSRPમાં હતા.

લોકસભા ચૂંટણીમાં ભાજપે બીજી પાર્ટીમાંથી આવેલા કેટલાય ભ્રષ્ટ નેતાઓને ઉમેદવાર બનાવ્યા છે. નવીન જિંદાલની સામે CBI અને EDએ ચાર્જશીટ દાખલ કરી છે, પણ તેઓ માર્ચ, 2024માં ભાજપમાં આવ્યા અને થોડા દિવસોમાં પાર્ટીની ટિકિટ મેળવી હતી. આવું જ એક બીજું ઉદાહરણ ગીતા કોડાનું પણ છે, જે કોંગ્રેસથી ભાજપમાં આવતાં ઉમેદવાર બનાવવામાં આવ્યાં હતાં. તેમના પતિ મધુ કોડાની વિરુદ્ધ ભ્રષ્ટાચારના કેટલાક કેસ પેન્ડિંગ છે.

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ ભાજપ પર તીખો હુમલો કરતાં એને ફુલી ઓટોમેટિક વોશિંગ મશીન બતાવ્યું હતું. ભાજપમાં આવ્યા પછી જે ભ્રષ્ટ નેતાઓની કાર્યવાહીમાં સુસ્તી દેખાડવામાં આવી, એમાં તાજું ઉદાહરણ કેજરીવાલનું છે, જેમાં લિકર કેસમાં તેમને મુખ્ય ષડયંત્રકાર બતાવવામાં આવ્યા અને હાલ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે, જ્યારે આસામના મુખ્ય મંત્રી હિમંત બિસ્વા સરમાથી વર્ષ 2014માં ભ્રષ્ટાચારના એક કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી, તેઓ 2015માં ભાજપમાં સામેલ થયા, ત્યારથી તેમના પર કોઈ પગલાં નથી લેવામાં આવ્યાં.

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણીઃ ટિકિટ વહેંચણીમાં નેતાઓનાં પત્ની, પુત્રીઓની બોલબાલા

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે. ભાજપ અને કોંગ્રેસ સહિત ઇન્ડિયા એલાયન્સે મોટે ભાગે પોતપોતાના ઉમેદવારોનાં નામ જાહેર કરી દીધાં છે. બંને તરફથી આઠ મોટાં રાજ્યોમાં આશરે 50 મહિલા ઉમેદવારો ઉતારવામાં આવ્યાં છે.

રસપ્રદ વાત એ છે કે આ આઠ રાજ્યોમાં રાજકીય પક્ષોએ જે મહિલાઓને ટિકિટ આપી છે, એમાં 90 ટકા મહિલાઓ અથવા કોઈ કોઈ મોટા નેતાનાં પત્ની કે પુત્રી છે. બિહારમાં લાલુ યાદવે બંને પુત્રીઓને ચૂંટણીમેદાનમાં ઉતારી છે. લાલુની એક પુત્રી રોહિણીએ સારણ સીટથી ચૂંટણી કેમ્પેન શરૂ કર્યું છે, જ્યારે મિસા ભારતીએ પાટલીપુત્રથી ચૂંટણી લડવાની ચર્ચા છે. આ સાથે બિહારના સમસ્તીપુરના મંત્રી અશોક ચૌધરીની પુત્રી શાંભવી મેદાનમાં છે. શાંભવીને LJPએ ટિકિટ આપી છે.

બિહારમાં એમએલસી દિનેશ સિંહનાં પત્ની વીણા સિંહ વૈશાલીથી LJP (R)ની ટિટિક પર મેદાનમાં છે. આ જ રીતે બાહુબલી આનંદ સિંહનાં પત્ની લવલી આનંદ  JDUથી શિવહરથી લડી રહ્યાં છે. સિવાનથી ભૂતપૂર્વ વિધાનસભ્ય રમેશ કુશવાહાનાં પત્ની વિજય લક્ષ્મીને પણ JDUને ટિકિટ આપી છે.

ઉત્તર પ્રદેશમાં પણ પુત્રી અને પત્નીઓનો દબદબો છે. મિરઝાપુરથી સોનેલાલ પટેલના પુત્રી અનુપ્રિયા NDA ગઠબંધનથી મેદાનમાં છે. કૈરાના સીટથી ભૂતપૂર્વ સાંસદ મુનવ્વર હસનની પુત્રી ઇકરા હસન SPની ટિકિટ પર મેદાનમાં છે. SPએ ગૌડાથી રાકેશ વર્માની પુત્રી શ્રેયા વર્માને ટિકિટ આપી છે. આ જ રીતે MP, રાજસ્થાન, છત્તીસગઢ, મહારાષ્ટ્રમાં પુત્રીઓને નેતાઓએ ટિકિટ આપી છે.

 

 

 

 

 

 

વટાણા કોફ્તા ગ્રેવી

લીલા તાજા વટાણાનું શાક લગભગ દરેકને ભાવતું જ હોય છે. આ જ વટાણાના કોફ્તાનું ગ્રેવી સાથે શાક તો બહુ જ રસદાર સ્વાદિષ્ટ બનશે!

સામગ્રીઃ

  • વટાણા 1 કપ
  • બટેટુ 1
  • લીલા મરચાં 2-2
  • કોથમીર ધોયેલી ½ કપ
  • મીઠું સ્વાદ મુજબ
  • 2 ચપટી હીંગ
  • ચણાનો લોટ 2 ટે.સ્પૂન
  • કાંદા 2
  • લસણની કળી 4-5
  • આદુનો ટુકડો 1 ઈંચ
  • ટામેટાં 2
  • તજનો ટુકડો ½ ઈંચ
  • જીરુ 1 ટી.સ્પૂન
  • તેલ વઘાર માટે
  • લાલ મરચાં પાઉડર 1 ટી.સ્પૂન
  • હળદર પાઉડર ½ ટી.સ્પૂન
  • ધાણાજીરૂ પાઉડર 1 ટી.સ્પૂન
  • પાઉંભાજી મસાલો 2 ટી.સ્પૂન
  • કસૂરી મેથી 2 ટી.સ્પૂન

રીતઃ વટાણાને ધોઈને પાણી નિતારીને એક મિક્સી જારમાં લો. તેમાં બટેટાને નાના ટુકડામાં કટ કરીને લઈ લો. કોથમીર ધોઈને થોડી સમારીને તેમાં લો. તેમજ મરચાં પણ ઉમેરી દો. પાણી નાખ્યા વિના તેને કરકરુંપીસી લો. આ મિશ્રણને એક બાઉલમાં કાઢીને તેમાં હીંગ તેમજ મીઠું ઉમેરી દો. મિશ્રણ ઈડલીના ખીરા જેવું હોવું જોઈએ તેથી એકાદ ચમચી જેટલું પાણી જરૂર મુજબ ઉમેરવું.

મિક્સી જારમાં કાંદા લાંબા જાડા ટુકડામાં કટ કરીને ઉમેરો. તેમાં 2 લીલા મરચાં, આદુ તેમજ લસણની કળી ઉમેરીને પાણી નાખ્યા વિના પીસીને એક બાઉલમાં કાઢી લો. આ જારમાં ટામેટાં પણ મોટા ટુકડામાં કટ કરીને પીસી લો.

વટાણાના ખીરાને ઈડલી સ્ટેન્ડના ખાનામાં રેડીને ઈડલીની જેમ બાફી દો. 5-10 મિનિટમાં થઈ જશે. વટાણાના ખીરાને મુઠીયાની જેમ કઢાઈમાં પણ બાફી શકો છો. થોડું ઠંડું થયા બાદ તેને એક પ્લેટમાં કાઢી લો.

એક કઢાઈમાં 1 ટે.સ્પૂન તેલ ગરમ કરી જીરુ વઘારીને તજનો ટુકડો ઉમેરો. ત્યારબાદ લસણ-કાંદાની પેસ્ટ તેમાં સાંતડો. 2 મિનિટ બાદ તેમાં સૂકા મસાલા સાંતડીને ટામેટાંની ગ્રેવી ઉમેરી દો. ગેસની ધીમી આંચે 5 મિનિટ થવા દો. બધી સામગ્રી શેકાઈ જાય એટલે 1 કપ પાણી ઉમેરીને ગ્રેવીને ઉકળવા દો.

ગ્રેવી ઉકળે એટલે તેમાં વટાણાના કોફતા ઉમેરી દો. 2 મિનિટ બાદ ગેસ બંધ કરીને કોથમીર ભભરાવીને ઢાંકણ ઢાંકીને થોડીવાર 2-3 મિનિટ રહેવા દો. ત્યારબાદ ગરમાગરમ રોટલી સાથે આ શાક પીરસો.

મુંબઈની આ શાળાને સતત ત્રીજીવાર શ્રેષ્ઠ ગુજરાતી શાળાનું બિરૂદ!

મુંબઈ: મુંબઈ ગુજરાતી સંગઠન દ્વારા શ્રી મુમ્બાદેવી મંદિર પ્રાથમિક કન્યાશાળા અને શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળાને મહારાષ્ટ્રની 70 શાળાઓમાંથી સતત ત્રીજી વખત માતૃભાષાની ઉત્તમ શાળાનું બિરૂદ આપવામાં આવ્યું. તે ખૂબ જ ગૌરવની વાત છે. શ્રી પંડિત રત્નચંદ્રજી જૈન કન્યાશાળા વર્ષ 2023- 24 માં શતાબ્દી વર્ષ ઉજવી રહી છે.

શાળાના મેનેજિંગ ટ્રસ્ટી મીનાબેન ખેતાણી, ટ્રસ્ટી ભાવેશભાઈ વોરા, ટ્રસ્ટી પિયુષભાઈ અવલાણીની હાજરીમાં માધ્યમિક શાળાના આચાર્યા નંદાબેન ઠક્કર અને પ્રાથમિક વિભાગના આચાર્યા રીટાબેન રામેકર તેમજ સર્વ શિક્ષિકા બહેનોને મુંબઈ ગુજરાતી સંગઠનના પ્રણેતા ભાવેશભાઈ મહેતાએ ઉત્તમ શાળાની ટ્રોફી એનાયત કરી હતી.

આ સ્પર્ધા માટે માતૃભાષાની ઉત્તમ શાળા માટેના પાંચ માપદંડ રાખવામાં આવે છે. આ માપદંડને લગતી બધી જ પ્રવૃત્તિઓ શાળામાં થાય છે. જેમ કે,
૧) પાયાકિય સુવિધા – મકાન , પુસ્તકાલય , રમત ગમતના સાધનો, કોમ્પ્યુટર લેબ વગેરે અહીં છે
૨) ભણતરનું સ્તર – સર્વાંગીણ વિકાસ, ટેકનોલોજીનો ઉપયોગ, નવી નવી રીત, સમયની સાથે બદલાવ વગેરે
૩) સંચાલક – આચાર્યા – શિક્ષકોનો સમન્વય
૪) સ્વાવલંબી બનાવવા માટેના પગલાં – ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, દાતાઓ , વાલીઓનો સમન્વય
૫) દૂરંદેશી – શાળાની પ્રગતિ માટે કરેલા પ્રયત્નો.

માતૃભાષામાં ભણતરના શિખરો સર કરતાં કરતાં વિવિધ ક્ષેત્રે જેમ કે રમતગમત, નૃત્ય, સંગીત, ચિત્રકલા, સ્પોકન ઈંગ્લિશ, Vedic Maths, scratch graphic course, Advanced Computer, Abacus ના વર્ગો, મૂલ્યો પર આધારિત શિક્ષણ, એકાત્મતા સ્તોત્ર, શ્રીમદ્ ભગવદ્ ગીતા પઠન પણ કરાવવામાં આવે છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાના શ્લોકની અંતાક્ષરી પણ વિદ્યાર્થિનીઓ રમે છે. વિદ્યાર્થિનીઓએ આંતરશાળા સ્તરે, રમત-ગમતમાં જિલ્લા સ્તરે સુવર્ણચંદ્રક, રજતચંદ્રક હાંસલ કર્યા છે. વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, નૃત્ય સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા, એકપાત્રીય અભિનયમાં દર વર્ષે ઇનામો મેળવે છે.

આ વર્ષે આંતરરાષ્ટ્રીય ભજનોત્સવ સ્પર્ધામાં પણ બંને વિભાગના આચાર્યા બહેનો, શિક્ષિકા બહેનો, વિદ્યાર્થિનીઓએ, તેમના પરિવારોએ ઘણાં પારિતોષિક મેળવ્યાં છે. શાળામાંથી N.T.S., N.M.M.S.,શિષ્યવૃત્તિની પરીક્ષાઓ વિદ્યાર્થિનીઓ આપે છે. દર વર્ષે N વોર્ડ દ્વારા વિજ્ઞાન પ્રદર્શનમાં પણ શાળા પારિતોષિક મેળવી રાજ્ય સ્તરે આગળ વધે છે.

આમ શાળા નવી ટેકનોલોજી દ્વારા જમાના સાથે કદમથી કદમ મિલાવી પ્રગતિના શિખરો સર કરી રહી છે. સૌનાં અથાગ પ્રયત્નોથી શાળા આદર્શ શાળા બનવા પામી છે.

ચૂંટણી પંચની રૂપાલાને ક્લીનચિટ છતાં પદ્મિનીબાનું ઉપવાસ આંદોલન

રાજકોટઃ પરસોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના નિવેદન માટે ભાજપના પ્રદેશાધ્યક્ષે માફી માગ્યા પછી પણ વિવાદ શમવાનું નામ નથી લેતો, બલકે રૂપાલાએ કરેલા વિવાદાસ્પદ નિવેદનને લઈને ક્ષત્રિય સમાજના આક્રોશની આગ વધુ ભડકી છે. એક બાજુ રાજકોટ સહિત આણંદના ઉમરેઠમાં પણ રૂપાલા વિરુદ્ધ બેનર લગાવવામાં આવ્યાં છે, ત્યારે બીજી બાજુ રાજકોટમાં કરણી સેનાનાં મહિલા આગેવાન પદ્મિનીબા વાળાએ અન્નનો ત્યાગ કર્યો છે. જ્યાં સુધી રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય ત્યાં સુધી પદ્મિનીબાએ અન્નનો ત્યાગ કરવાનો નિર્ણય કર્યો છે. એટલુ જ નહીં, અમદાવાદમાં આજે મળનારી ક્ષત્રિય સમાજની બેઠક પદ્મિનીબા વાળાને નથી બોલાવવામાં આવ્યાં, પણ તેમણે કહ્યું હતું કે મને કોઈ આમંત્રણ આપવામાં નથી આવ્યું. આ બેઠક ફક્ત ક્ષત્રિય સમાજ વચ્ચે થવી જોઈએ.

રૂપાલાને નહીં બદલવામાં આવે તો રાજ્યમાં રાજપૂત સમાજે વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. ભાજપના મોટા નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલા અત્યારે ગુજરાતમાં ક્ષત્રિયોની વચ્ચે જબરદસ્ત રીતે ઘેરાયેલા છે.  રૂપાલાના

વિરોધમાં રાજ્યમાં પહેલાં ભાવનગર રાજવી પરિવાર વિરોધમાં ઊતર્યો, ત્યાર બાદ વઢવાણ અને હવે આજે લીંબડી સ્ટેટ ઠાકોરસાહેબે પણ વિરોધ નોંધાવ્યો છે.  રાજ્યમાં સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ક્ષત્રિય સમાજ વિરોધ કરી રહ્યો છે. રાજ્યમાં ઠેર-ઠેર ક્ષત્રિય સમાજ દ્વારા આવેદનપત્ર આપીને વિરોધ રેલી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં ક્ષત્રિય સમાજ રેલીઓ કરીને આવેદનપત્ર આપીને ટિકીટ રદ કરવાની માગ કરી રહ્યોં છે, ત્યારે રાજયના ચૂંટણી પંચે રૂપાલાને ક્લીનચિટ આપી છે. જિલ્લા ચૂંટણી અધિકારીના રિપોર્ટને આધારે ક્લીનચિટ મળી છે. ખાસ વાત છે કે ક્ષત્રિય સમાજે રૂપાલા વિરુદ્ધ આ નિવદેન અંગે ફરિયાદ કરી હતી.

 

 

 

અદાણી એનર્જીએ 10,000 મેગાવોટ REના ઉત્પાદનના આંકને વટાવ્યો

અમદાવાદઃ વિશ્વની અગ્રણી રિન્યુએબલ એનર્જી કંપનીઓ પૈકીની એક અદાણી ગ્રીન એનર્જી લિ (AGEL)એ રાષ્ટ્રીય ગ્રીડને વિશ્વસનીય, સસ્તી અને સ્વચ્છ વીજળી પૂરી પાડીને તેના સંચાલકીય પોર્ટફોલિયોના 10,000 મેગાવોટના ગૌરવરૂપ આંકને પાર કર્યો છે. અદાણી ગ્રીન એનર્જીના સંચાલકીય પોર્ટફોલિયોમાં 7393 મેગાવોટ સૌર, 1401 મેગાવોટ પવન  ઊર્જા અને 2140 મેગાવોટ પવન-સૌર હાઇબ્રિડ ક્ષમતાનો સમાવેશ થાય છે. ચાલુ દસકાના આખરે 45,000 MW રિન્યુએબલ એનર્જીના લક્ષ્યવેધ તરફ નિશ્ચિતપણે આગળ ધપી રહેલી AGELઅને તેના વિકાસમાં સહભાગીઓ માટે આ સીમાચિહ્નરુપ ઉપલબ્ધિ હાંસલ કરી છે.

અદાણી એનર્જીનો 10,934 MWનો કાર્યાન્વિત પોર્ટફોલિયો 58 લાખથી વધુ ઘરોને રોશનીથી ઝળાંહળાં કરશે અને સૌથી મહત્વના એવા હવામાંના વાર્ષિક 21 મિલિયન ટન કાર્બનના ઉત્સર્જનને ટાળવા સાથે હવાને પ્રદૂષિત થતી અટકાવવાના પ્રયાસોમાં યોગદાન આપશે. અવનવી ટેક્નોલોજી અપનાવવાનો અભિગમ, અમલની કાર્યક્ષમતાઓ, ડિજિટાઇઝેશન, મજબૂત સપ્લાય ચેન નેટવર્ક અને લાંબા ગાળાના ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે પૂરતા નાણાંનો પ્રવાહ અને ટકાઉ પ્રથાઓના સથવારે ગિગા સ્કેલ ઉપર સ્વચ્છ ઊર્જા સંક્રમણ અને ડિકાર્બોનાઇઝેશનને કેવી રીતે ચલાવી શકાય તેની AGEL એક મિસાલ પ્રસ્થાપિત કરી રહી છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે અમને રિન્યુએબલના ફલકમાં ભારતના પ્રથમ દસ હજાર મેગાવોટ રિન્યુએબલ એનર્જીના ઉત્પાદક હોવાનો ગર્વ છે. તેમણે કહ્યું હતું કે કંપનીએ એક દાયકાથી પણ ઓછા સમયમાં  હરિત ભવિષ્યના નિર્માણની ફક્ત કલ્પના જ નથી કરી, પરંતુ તેને હકીકતમાં પણ સાકાર કરી છે. સ્વચ્છ ઊર્જાનું અન્વેષણ કરવાના માત્ર વિચારથી માંડીને સ્થાપિત ક્ષમતામાં અસાધારણ 10,000 મેગાવોટના ઉત્પાદનનો માનવંતો આંક હાંસલ કરવાનું ભગીરથ કાર્ય પાર પડ્યું છે. આ સિદ્ધિ એ ગતિ અને સ્કેલનું એક નિદર્શન છે કે જે થકી અદાણી ગ્રુપનો ઉદ્દેશ સ્વચ્છ, ભરોસાપાત્ર અને સસ્તી ઊર્જા તરફના ભારતના સંક્રમણના રાહને સરળ બનાવવાનો છે. 2030 સુધીમાં 45,000 મેગાવોટ ઉત્પાદન કરવા તરફના અમારા અભિયાનના એક ભાગરૂપ અમે ખાવડામાં વિશ્વનો સૌથી મોટો રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ બનાવી રહ્યા છીએ. 30,000 મેગાવોટનો આ મહત્વાકાંક્ષી પ્રકલ્પ વૈશ્વિક મંચ પર બેનમુન છે. તેમણે ઉમેર્યું હતુંકે AGEL વિશ્વ માટે માત્ર બેન્ચમાર્ક સેટ જ નથી કરી રહી, પરંતુ તેને  નવેસરથી વ્યાખ્યાયિત કરી રહી છે.

સિંગલ-યુઝ પ્લાસ્ટિક ફ્રી’, ‘ઝીરો વેસ્ટ-ટુ-લેન્ડફિલ’ અને ‘200 મેગાવોટથી વધુ ક્ષમતા ધરાવતા પ્લાન્ટ્સ માટે AGELનો કાર્યરત પોર્ટફોલિયો ‘વોટર પોઝિટિવ’ પ્રમાણિત છે. દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરમાં સૌથી મોટું ગ્રીનફિલ્ડ વિસ્તરણ આગળ વધવાને કારણે કંપની ભારતની સ્થાપિત યુટિલિટી-સ્કેલ સોલર અને વિન્ડ ક્ષમતાના લગભગ 11 ટકાનું પ્રતિનિધિત્વ કરે છે. આ સાથે ભારતના યુટિલિટી-સ્કેલ સોલરની સ્થાપનામાં 15 ટકાથી વધુ ફાળો આપે છે. આ સેક્ટરમાં  3200થી વધુ સીધી નોકરીની તકોનું સર્જન કરવામાં આવ્યું છે.

ગુજરાતના કચ્છમાં ખાવડામાં વેરાન જમીન પર AGEL વિશ્વનો સૌથી મોટો 30,000 મેગાવોટનો રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ વિકસાવી રહી છે. 538 ચોરસ કિમીમાં આકાર પામી રહેલ આ પ્રકલ્પ પેરિસ કરતાં પાંચ ગણો અને મુંબઈ શહેર જેટલો વિરાટ છે. AGELએ કામગીરી આરંભ કર્યાના 12 મહિનામાં 2000 મેગાવોટની અર્થાત આયોજિત 30,000 મેગાવોટના 6 ટકાથી વધુ સંચિત સૌર ક્ષમતા કાર્યરત કરી છે.