Home Blog Page 196

ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને બોમ્બથી ઉડાવવાની ધમકી

અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટ અને અમદાવાદ ગ્રામ્ય કોર્ટને ઇ-મેલ મારફતે બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળી છે. આ ધમકી મળતા જ નવરંગપુરા પોલીસ, બોમ્બ અને ડોગ સ્કવોર્ડ દ્વારા તાત્કાલિક ધોરણે સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી.

ધમકીના પગલે કોર્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. કોર્ટના તમામ ગેટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો અને કોઈપણ વ્યક્તિને કોર્ટમાં પ્રવેશ આપવામાં આવ્યો નહોતો. સાવચેતીના ભાગરૂપે, તમામ વકીલો અને પક્ષકારોને તાત્કાલિક બહાર મોકલી કોર્ટ પરિસર ખાલી કરાવી દેવાયું છે.

આ ધમકીભર્યા ઇ-મેલમાં પાકિસ્તાન અને ISIનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ઈમેલમાં જણાવાયું છે કે, ISI એ અન્ય રાજ્યની કોર્ટ અને ન્યાયિક કચેરીઓમાં વિસ્ફોટ કરીને તમિલનાડુ મુદ્દેથી ધ્યાન હટાવવાનું નક્કી કર્યું છે. વધુમાં, ઈમેલમાં લખ્યું છે કે અજમલ કસાબ એક આતંકવાદી હતો, પરંતુ તમિલનાડુમાં અજીત કુમાર નામના વ્યક્તિની ખોટી રીતે ચોરીના કેસમાં માર મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યાનો બદલો લેવા માટે આ પગલું ભરવામાં આવી રહ્યું હોવાનો ઉલ્લેખ આ ઇમેલમાં કર્યો છે.

અમદાવાદ ઉપરાંત, રાજ્યના અન્ય ભાગોમાં પણ આવી જ ધમકી મળી છે. અમરેલી જિલ્લા કોર્ટ અને દાહોદ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ મેઈલ મળતા જ સમગ્ર ન્યાયિક પરિસરમાં દોડધામ મચી ગઈ હતી. પોલીસ તંત્ર તરત જ સક્રિય બન્યું હતું. સુરક્ષાના કારણોસર આ બંને જિલ્લાની કોર્ટ પરિસરને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા છે. હાલ પોલીસ દ્વારા આ ઇમેલ ક્યાંથી આવ્યો અને તેની પાછળ કોનો હાથ છે તે દિશામાં ઉંડી તપાસ ચાલી રહી છે.

ઇઝરાઇલ–ઇરાન યુદ્ધ પર ભારતની ચાંપતી નજરઃ વિદેશપ્રધાન

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સંસદમાં પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અંગે સત્તાવાર નિવેદન આપ્યું હતું. વિદેશ મંત્રી એસ. જયશંકરે રાજ્યસભામાં ઇઝરાઇલ–ઇરાન યુદ્ધ અંગે બોલતાં જણાવ્યું હતું કે ખાડી દેશોમાં હાલ પરિસ્થિતિ ચિંતાજનક છે અને ભારત શાંતિના પક્ષમાં છે. રાજ્યસભામાં પશ્ચિમ એશિયાની હાલની સ્થિતિ અંગે નિવેદન આપતાં તેમણે કહ્યું હતું કે 28 ફેબ્રુઆરીથી વિસ્તારમાં તણાવપૂર્ણ વાતાવરણ છે અને ખાડી પ્રદેશના અનેક દેશોમાં પરિસ્થિતિ ચિંતાજનક બની છે. તેમણે જણાવ્યું કે ભારત સરકાર સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને ત્યાં રહેતા ભારતીયોની સુરક્ષા તેની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.

આ મુદ્દે સુરક્ષા મામલાઓની કેબિનેટ સમિતિ (Cabinet Committee on Security)ની બેઠકમાં પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને સંબંધિત તમામ વિભાગોને જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. વિદેશ મંત્રીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં ચાલી રહેલી ઘટનાઓ દરેક માટે ગંભીર ચિંતાનો વિષય છે. ભારતનું માનવું છે કે કોઈ પણ વિવાદનો ઉકેલ વાતચીત અને કૂટનીતિક પ્રયાસોથી જ શક્ય છે. પરિસ્થિતિ પર નજર રાખવા માટે સરકારે એક વિશેષ કન્ટ્રોલ રૂમ પણ બનાવ્યો છે, જે વિસ્તારમાં રહેલા ભારતીયો સાથે સતત સંપર્કમાં રહી તેમને જરૂરી મદદ પહોંચાડશે.

વિશેષ કન્ટ્રોલ રૂમ બનાવાયો

તેમણે કહ્યું હતું કે ભારત માને છે કે તમામ મુદ્દાઓનો ઉકેલ ચર્ચા અને સંવાદ દ્વારા જ આવવો જોઈએ. પશ્ચિમ એશિયામાં સંઘર્ષ શરૂ થયા બાદથી ભારત સરકાર પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહી છે. ખાસ કન્ટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. ભારત શાંતિ, સંવાદ અને કૂટનીતિ દ્વારા ઉકેલનો સમર્થક છે. હાલની પરિસ્થિતિમાં તણાવ ઘટાડવા, સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા ભારત ભાર મૂકે છે.

તેમણે જણાવ્યું હતું કે ખાડી દેશોમાં લગભગ 1 કરોડ ભારતીયો રહે છે અને સરકાર તેમની સુરક્ષા માટે સતત સંપર્કમાં છે. પશ્ચિમ એશિયામાં વધતા તણાવની અસર સામાન્ય જીવન અને વેપાર પર પણ પડી રહ્યો છે. સપ્લાય ચેન પર પણ દબાણ જોવા મળી રહ્યું છે. ભારત પોતાની ઊર્જા જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

લોકસભામાં ઓમ બિરલા સામેના પ્રસ્તાવ પર આજે થશે નિર્ણય

નવ દિલ્હીઃ સંસદના બજેટ સત્રના બીજા તબક્કાના પ્રથમ દિવસે સોમવારે લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાને પદ પરથી હટાવવા સંબંધિત પ્રસ્તાવ રજૂ કરવા માટે વિરોધ પક્ષના સભ્યો દ્વારા આપવામાં આવેલી નોટિસ પર વિચાર કરશે. સંસદના હાલના બજેટ સત્રનો બીજો તબક્કો આજે શરૂ થઈ રહ્યો છે અને પ્રથમ દિવસની કાર્યવાહી દરમિયાન જ આ મુદ્દો સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

તો પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં

પીઠાસીન સભાપતિ દ્વારા બોલાવવામાં આવે ત્યારે સંસદના ઓછામાં ઓછા 50 સભ્યોને નોટિસના સમર્થનમાં ઊભા રહેવું પડશે. ત્યાર બાદ આ પ્રસ્તાવને સંસદના વિચાર માટે સ્વીકારાયેલો માનવામાં આવશે. ત્યાર પછી પ્રસ્તાવ પર ચર્ચા અને મતદાન થશે. જો 50 સભ્યો સમર્થનમાં ઊભા નહીં રહે તો પ્રસ્તાવ રજૂ કરી શકાશે નહીં.

સત્તારૂઢ ભાજપ  અને મુખ્ય વિરોધ પક્ષ કોંગ્રેસ બંનેએ પોતાના લોકસભા સાંસદોને આ મુદ્દા પર ચર્ચા વખતે સંસદમાં હાજર રહેવા માટે વ્હિપ (Whip) જાહેર કર્યો છે. સંસદમાં સંખ્યાબળ સરકારના પક્ષમાં વધુ હોવાથી માનવામાં આવે છે કે આ પ્રસ્તાવ પરાજિત થવાની સંભાવના વધારે છે.

ઓમ બિરલાને અધ્યક્ષ પદ પરથી હટાવવાનો પ્રસ્તાવ લાવવા માટે કોંગ્રેસના ત્રણ સાંસદ — મોહમ્મદ જાવેદ, કે. સુરેશ અને મલ્લુ રવિ — સદનની મંજૂરી માગશે. ઓછામાં ઓછા 50 સભ્યોના સમર્થન પછી તેઓ આ પ્રસ્તાવને સદનમાં ચર્ચા અને મતદાન માટે મૂકવામાં આવશે.

વિરોધ પક્ષના આરોપ

શિવસેના (UBT)ના નેતા અરવિંદ સાવંતે જણાવ્યું હતું કે લોકસભા સ્પીકર ઓમ બિરલા બંધારણથી ઉપર નથી. તેમણે કહ્યું હતું કે સ્પીકર સામે લાવવામાં આવતું આ નો-કોન્ફિડન્સ મોશન સત્તાના કથિત દુરુપયોગ સામે છે. સાવંતે જણાવ્યું હતું કે વ્યક્તિગત રીતે ઓમ બિરલાનું સન્માન કરી શકાય છે અને તેમની સત્તાઓ સમજાય છે, પરંતુ તેઓ બંધારણથી ઉપર નથી. આ પ્રસ્તાવ સત્તાના દુરુપયોગ સામે છે.

આગામી લક્ષ્ય ઓલિમ્પિક ગોલ્ડ છેઃ સૂર્યકુમાર યાદવ

અમદાવાદઃ દેશના T20I કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઇતિહાસ રચ્યો છે. રવિવાર (8 માર્ચ)એ તે ICC T20 વર્લ્ડ કપ જીતનાર ત્રીજો ભારતીય કેપ્ટન બન્યો છે. હવે સૂર્યા મહેન્દ્ર સિંહ ધોની અને રોહિત શર્મા જેવા દિગ્ગજ ખેલાડીઓના ક્લબમાં સામેલ થયો છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં T20 વર્લ્ડ કપની ફાઇનલ જીત્યા પછી સૂર્યકુમાર યાદવ ટીમ ઇન્ડિયાના હેડ કોચ ગૌતમ ગંભીર સાથે પ્રેસ કોન્ફરન્સમાં હાજર રહ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન સૂર્યકુમારે એક મોટું એલાન કર્યું હતું.

સૂર્યકુમારે કહ્યું હતું કે કે હવે તેમનું આગળનું લક્ષ્ય લોસ એન્જેલેસમાં 2028માં યોજાનારા ઓલિમ્પિક્સમાં ભારતને ગોલ્ડ મેડલ અને ટ્રોફી અપાવવાનું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મિડિયાથી વાત કરતાં સૂર્યકુમારે કહ્યું હતું કેઆગળનું લક્ષ્ય ઓલિમ્પિક… ઓલિમ્પિક ગોલ્ડ અને તે જ વર્ષે યોજાનારો T20 વર્લ્ડ કપ પણ છે. આ વાત ભૂલતા નહીં. જ્યારે તિલક વર્માએ જેકબ ડફીનો કેચ પકડીને T20 વર્લ્ડ કપમાં ભારતની જીત પર મહોર મારી, ત્યારે કેપ્ટન સૂર્યકુમાર યાદવના ચહેરા પર શરારતી સ્મિત ફેલાયુ હતું. આ સ્મિત અનેક ગેરસમજો તોડીને મળેલા ખિતાબી જીતનું હતું.

આ સ્મિત એવા કેપ્ટનનું હતું જેણે બેટ્સમેન તરીકે ખરાબ પ્રદર્શન માટે ભારે ટીકા સહન કર્યા છતાં ટીમને ખિતાબ જિતાડીને ટીકા કરનારાઓનો મોં બંધ કરી દીધા હતા. જીત હોય કે હાર, સૂર્યકુમાર પોતાની લાગણીઓ પર કાબૂ રાખવામાં નિષ્ણાત છે. વર્લ્ડ કપ પહેલાં દ્વિપક્ષી સિરીઝમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર અને છેલ્લાં બે વર્ષમાં મોટી ઇનિંગ્સ ન રમવાને કારણે સૂર્યકુમાર પર ભારે દબાણ હતું.

દિલ્હી નજીક ભૂકંપના આંચકાઃ ઘરોથી બહાર નીકળ્યા લોકો

નવી દિલ્હી: દિલ્હીથી થોડા અંતરે આવેલા રેવાડીમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. સોમવાર સવારે આ આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના રેવાડીમાં જમીનથી આશરે પાંટ કિમીની ઊંડાઈએ હતું. સવારે 7.01 કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 2.8 નોંધવામાં આવી છે.

ભૂકંપ કેમ આવે છે?
છેલ્લા કેટલાક દિવસોમાં દેશ-વિદેશના અનેક વિસ્તારોમાં ભૂકંપની ઘટનાઓમાં વધારો જોવા મળ્યો છે. પૃથ્વીના અંદર 7 ટેક્ટોનિક પ્લેટ્સ છે. આ પ્લેટ્સ સતત પોતાની જગ્યાએ હલનચલન કરતી રહે છે. ક્યારેક આ પ્લેટ્સ એકબીજા સાથે અથડાય છે અથવા ઘર્ષણ થાય છે, જેને કારણે પૃથ્વી પર ભૂકંપ આવે છે. ભૂકંપથી સામાન્ય જનજીવનને સૌથી વધુ નુકસાન થાય છે. મકાનો તૂટી પડે છે અને તેમાં દબાઈને હજારો લોકોનાં મોત પણ થઈ શકે છે.


દેશમાં ભૂકંપના ઝોન
ભૂગર્ભ વૈજ્ઞાનિકોના જણાવ્યા મુજબ ભારતના કુલ ભૂભાગનો લગભગ 59 ટકા વિસ્તાર ભૂકંપ માટે સંવેદનશીલ માનવામાં આવે છે. વૈજ્ઞાનિકોએ ભારતમાં ભૂકંપના વિસ્તારોને ઝોન-2, ઝોન-3, ઝોન-4 અને ઝોન-5 એમ ચાર ભાગમાં વહેંચ્યા છે. તેમાં ઝોન-5 સૌથી વધુ સંવેદનશીલ ગણાય છે જ્યારે ઝોન-2 ઓછું સંવેદનશીલ માનવામાં આવે છે. દેશની રાજધાની દિલ્લી ઝોન-4માં આવે છે. અહીં 7થી વધુ તીવ્રતાનો ભૂકંપ પણ આવી શકે છે, જેને કારણે મોટી તબાહી થઈ શકે છે. ભારતમાં હિમાલય વિસ્તાર અને કેટલાક ફોલ્ટ લાઇન (જેમ કે કચ્છ અને પૂર્વોત્તર ભારત)ને કારણે ભૂકંપની સંભાવના વધુ છે, કારણ કે ભારતીય પ્લેટ યુરેશિયન પ્લેટ સાથે અથડાઈ રહી છે.

T20 World Cup: ભવ્ય જીત બાદ મેદાનમાં જ હાર્દિક પંડ્યાએ કર્યા ગરબા

T20 વર્લ્ડ કપ 2026 માં ભવ્ય જીત બાદ ભારતીય ટીમના સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા અનોખા અંદાજમાં વિજયની ઉજવણી કરતા જોવા મળ્યા. ક્યારેક તેણે મેદાન પર ગરબા કર્યા, તો ક્યારેક તેણે તેની ગર્લફ્રેન્ડને ચુંબન કરીને પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો.

8 માર્ચ, 2026, ભારતીય ક્રિકેટના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરોમાં લખાયેલો દિવસ છે. ભારતે T20 વર્લ્ડ કપ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું ન્યૂઝીલેન્ડને 96 રનથી હરાવ્યું અને ત્રીજી વખત T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 255 રન બનાવ્યા. જવાબમાં ન્યૂઝીલેન્ડ 159 રનમાં સમેટાઈ ગયું, જેના કારણે ભારત મેચ જીતી શક્યું. વિજય બાદ ભારતીય ખેલાડીઓ અનોખી રીતે ઉજવણી કરતા જોવા મળ્યા.

 

View this post on Instagram

 

A post shared by ICC (@icc)

T20 વર્લ્ડ કપ 2026 ફાઇનલ જીત્યા બાદ હાર્દિક પંડ્યાના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં તે તેની ગર્લફ્રેન્ડ માહિકા શર્માને કિસ કરતો જોવા મળે છે. આ દ્રશ્ય દરમિયાન સ્પોર્ટ્સ એન્કર અને પ્રેઝન્ટર જતીન સપ્રુ પણ તેમની સાથે જોવા મળે છે. માહિકા બ્લુ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી છે.

હાર્દિક પંડ્યાના ઉજવણીનો વધુ એક વીડિયો સોશિયલ મીડિયા પર હેડલાઇન્સમાં છવાઈ રહ્યો છે. તેમાં તે તેના સાથીદાર ઇશાન કિશન સાથે ગરબા કરતો જોવા મળે છે. તેની ગર્લફ્રેન્ડ મહિકા પણ તેની સાથે લય સાથે ડાન્સ કરતી જોવા મળે છે. હાર્દિક પંડ્યાના ઉજવણીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, અને લોકો તેને અભિનંદન પાઠવી રહ્યાં છે.

હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતો જોવા મળ્યો હતો. ન્યુઝીલેન્ડ સામેની ફાઇનલમાં તેણે 4 ઓવરમાં 36 રન આપીને એક વિકેટ લીધી હતી. તેણે 13 બોલમાં 18 રન પણ બનાવ્યા હતા. તેણે આખા વર્લ્ડ કપમાં 9 મેચમાં 217 રન બનાવ્યા હતા. તેણે 9 વિકેટ પણ લીધી હતી. તેણે નામિબિયા સામે ગ્રુપ સ્ટેજ મેચમાં અડધી સદી પણ ફટકારી હતી. આ ઉપરાંત તેણે ઝિમ્બાબ્વે સામે 50 રનની અણનમ અડધી સદીની ઇનિંગ પણ રમી હતી. બોલિંગમાં, તેણે ઇંગ્લેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં 2 વિકેટ લીધી હતી.

રાશિ ભવિષ્ય 09/03/2026 થી 15/03/2026

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા

મહત્વના નિર્ણયો લેતા સમયે ખાસ કાળજી રાખવી જરૂરી છે. વિદ્યાર્થીવર્ગને ધારેલી સફળતા મેળવવા વધુ મહેનત કરવી પડી શકે છે. યાત્રા અથવા જાત્રાના યોગ બની શકે છે અને તેમાં ધાર્યા કરતાં વધુ ખર્ચ થઈ શકે. મગજમાં વધુ વિચારો આવવાને કારણે માનસિક થાક અનુભવાઈ શકે છે. નાની-નાની બાબતોમાં ગુસ્સો ન આવે તેનું ધ્યાન રાખવું. વાહન ધીમે ચલાવવું અને મુસાફરી દરમિયાન તકેદારી રાખવી જરૂરી છે. વેપાર કરતી વખતે ધ્યાન ઓછું રહેતાં ઉતાવળિયા નિર્ણયો લેવાઈ જાય તેવી લાગણી થઈ શકે છે. લોન લેવા કે ચૂકવવા બાબતે દ્વિધા રહી શકે છે. કોઈને વણમાંગી સલાહ ન આપવી શ્રેયસ્કર છે.


માનસિક ચિંતા હળવી કરવા માટે તમે મનોરંજન અને અન્ય પ્રવૃત્તિઓમાં વધુ રસ લો તેવું બની શકે છે. મિત્રતા કે સગાસ્નેહીઓ સાથેના સંબંધોમાં તેમના વર્તનથી થોડો કંટાળો અનુભવાઈ શકે. જૂની યાદો તમને લાગણીશીલ બનાવી શકે છે. સામાજિક અથવા ધાર્મિક પ્રસંગોમાં જવા માટે આળસ અનુભવાઈ શકે છે. વેપારના કામમાં ઉત્સાહ થોડો ઓછો રહી શકે. જૂના મતભેદો ભૂલવાની તક મળી શકે છે. નવી નોકરી અથવા ફેરબદલી માટે ધીરજ રાખવી યોગ્ય રહેશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લોકો માટે કંઈક નવું શીખવાનો સમય સારો છે. કાયદાકીય બાબતોમાં યોગ્ય સલાહ લઈને આગળ વધવું.


નોકરી અથવા વેપારમાં ફેરફારના સારા સમાચાર મળી શકે છે. ઘર અને કુટુંબમાં સુખદ માહોલ રહેશે. ઉતાવળમાં કામ કરતાં ગેરસમજ ઊભી થઈ શકે છે. ક્યાંક અચાનક ખર્ચ પણ થઈ શકે. પ્રેમસંબંધોમાં થોડા ઉતાર-ચઢાવ આવી શકે છે તેથી સાવચેતી રાખવી. લગ્નસંબંધિત વાતચીતમાં તમારી વાત આગળ વધવાની શક્યતા છે. ધાર્મિક ભાવના વધે અને ધાર્મિક સ્થળની મુલાકાતનો યોગ બની શકે. ગેસ અથવા અપચાની તકલીફથી બચવું. પસંદગીની કોઈ વસ્તુ ખરીદવાની તક મળી શકે છે.


સમય સકારાત્મક જણાય છે. કાર્યક્ષેત્રમાં કોઈ બદલાવ આવી શકે છે. નવી ઓળખાણ થવાથી લાભદાયી ચર્ચા થઈ શકે છે. કુટુંબ કે આસપાસના કોઈ જાહેર કાર્યક્રમમાં જવાનો યોગ છે, જેમાં તમને થાક વધુ અનુભવાઈ શકે છે. વેપારમાં ઉત્સાહ થોડો ઓછો રહે અને આળસ પણ અનુભવાઈ શકે છે. યુવાવર્ગને મિત્રવર્તુળમાંથી કોઈ સારી માહિતી મળી શકે છે, પરંતુ તેમાં પૂરતો સહયોગ ન મળે. નજીકના સગાસ્નેહીના સ્વાસ્થ્ય અંગે ચિંતા થઈ શકે, પરંતુ મોટી સમસ્યા ન હોવાથી રાહત અનુભવાશે.


ક્યાંકથી માન-સન્માન મળવાની સંભાવના છે. વેપારમાં ઉત્સાહ અને ઉમંગ રહેશે અને તેનો સારો પ્રભાવ કામકાજમાં જોવા મળશે. આરોગ્ય સંબંધિત કોઈ તકલીફ હોય તો તેમાં રાહત મળી શકે છે. ભાગીદારી કે દામ્પત્ય જીવનમાં તમારી લાગણી અને ભાવનાની કદર થશે. પ્રભુભક્તિ તરફ મન વધુ રહેશે. ધીરજ અને આત્મવિશ્વાસ રાખશો તો કામ સરળ બની રહેશે. મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે અને માનસિક થાક અનુભવાઈ શકે છે. લગ્નસંબંધિત મુલાકાતમાં તમારી પ્રતિભા સામેની વ્યક્તિને પ્રભાવિત કરી શકે છે.


વિદ્યાર્થી અને યુવાવર્ગમાં ઉત્સાહ સારો જોવા મળશે. સામાજિક કે ધાર્મિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવાની ઈચ્છા થશે. વેપારમાં કોઈ સમાચાર તમને નવા વિચાર અને ઉત્સાહ આપી શકે છે. નોકરીયાત વર્ગે ઉપરી અધિકારીઓ સાથે અનાવશ્યક તણાવથી બચવું. જૂની ઓળખાણ ફરી તાજી થવાથી મન ખુશ થશે. નવી નોકરી કે વ્યવસાયની તક દેખાય, પરંતુ ઉતાવળ ન કરવી અને યોગ્ય વ્યક્તિની સલાહ લેવી. ઘરની જવાબદારીઓ તરફ વધુ ધ્યાન આપવું પડી શકે છે.


આર્થિક બાબતો અંગે ચિંતા થઈ શકે છે, પરંતુ નવા આયોજનમાં અન્યનો સહયોગ મળશે. મિલકત સંબંધિત કોઈ અટકેલ પ્રશ્નનો ઉકેલ મળી શકે છે. યુવાવર્ગ માટે સારા સંજોગો ઉભા થઈ શકે છે. જૂના કામોના ઉકેલમાં અન્યનો સહયોગ ઓછો મળી શકે છે. વેપારમાં ગણતરીપૂર્વક અને આયોજનથી કામ કરવું યોગ્ય રહેશે. મુસાફરીના યોગ બનશે, પરંતુ તેમાં ઉત્સાહ ઓછો રહી શકે છે. માર્કેટિંગ ક્ષેત્રમાં ધીરજ રાખવી પડશે અને સમયનો થોડો વ્યય પણ થઈ શકે છે.


કામકાજમાં અચાનક સારા સમાચાર મળી શકે છે. કોઈની લાગણી દુભાય નહીં અને ઉશ્કેરાટમાં આવી ન જવાય તેનું ધ્યાન રાખવું. ઘર કે સગાસ્નેહીઓ સાથેનો કોઈ મનદુઃખ સુધારવાનો પ્રયાસ સફળ થઈ શકે છે. વેપારમાં યોગ્ય પ્રતિસાદ મળશે. તમે કરેલા કાર્યથી પ્રતિષ્ઠા અને માનમાં વધારો થશે. નવા કાર્યમાં અન્યનો સહયોગ અને માર્ગદર્શન મળશે. વ્યવસાયિક યાત્રા લાભદાયી બની શકે છે.


પરિવારમાં કોઈની ચિંતા થવાથી થોડું બેચેની અનુભવાઈ શકે છે. મહત્વના કાર્યમાં સફળતા મળવાની શક્યતા છે. સરકારી અથવા રાજકીય કામમાં અનુકૂળ પરિણામ મળવાથી ઉત્સાહ વધશે. મન મોજશોખ તરફ દોરાઈ શકે છે અને તેમાં ખર્ચ પણ થઈ શકે છે. પ્રિયજન તમારી લાગણીઓને સારી રીતે સમજી શકશે. કોઈ કાર્યમાં ધીરજ અને અનુભવ સૌથી વધુ મદદરૂપ બનશે. નવી ઓળખાણ લાભદાયી બની શકે છે. મુસાફરીના યોગ છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે સમય અનુકૂળ છે. માર્કેટિંગ ક્ષેત્રમાં આયોજનપૂર્વક કામ કરવાથી સારા પરિણામ મળશે.


સ્થાન પરિવર્તનના યોગ બની રહ્યા છે. આર્થિક બાબતો પર ખાસ ધ્યાન આપવું. નાણાકીય આયોજનમાં થોડી અવઢવ થઈ શકે છે. વેપારમાં લાભની ચર્ચા થઈ શકે છે. સ્પર્ધાત્મક પરીક્ષા આપનાર માટે વધુ મહેનત સારું પરિણામ આપી શકે છે. અગત્યની મુલાકાત કે ચર્ચામાં અન્યનો સહયોગ લેવો ફાયદાકારક રહેશે. વિદેશ જવા ઈચ્છુક લોકો માટે કોઈ કાર્યવાહી કરશો તો સારો પ્રતિસાદ મળી શકે છે. ધીરજથી કામ કરશો તો સફળતા સરળ બનશે. યાત્રા અથવા જાત્રાનું આયોજન થઈ શકે છે.


કામકાજમાં ચતુરાઈથી કામ લેવું પડશે. સહયોગ થોડો ઓછો મળે, પરંતુ ધીરજ અને આત્મવિશ્વાસથી કાર્ય કરતા રહેશો તો સફળતા મળી શકે છે. ઘરનાં વડીલો અથવા ઓફિસના અધિકારીઓ સાથે મતભેદ થઈ શકે છે, પરંતુ પરિસ્થિતિ સુધરી જશે. આવક વધારવા વધુ પ્રયત્ન કરવો પડશે અને તેમાં સફળતા મળી શકે છે. મનપસંદ વ્યક્તિ તરફથી સારો પ્રતિભાવ મળશે. પ્રભુભક્તિ તરફ મન આકર્ષિત થઈ શકે છે. પ્રિયજન સાથે સુમેળભર્યો સમય પસાર થશે.


સપ્તાહ દરમિયાન મિત્રો અને સગાસ્નેહીઓ સાથે મુલાકાતમાં તમારી વાત રજૂ કરવાની તક મળશે. વેપારમાં ઉત્સાહ જોવા મળશે. વાતચીત દરમિયાન શબ્દપ્રયોગ પર ધ્યાન આપવું જેથી ગેરસમજ ન થાય. મુસાફરીનું આયોજન થઈ શકે છે. પેટ અથવા અપચાની તકલીફથી બચવું. વડીલવર્ગને જૂની યાદો તાજી થઈ શકે છે. કામમાં વધુ મહેનત પછી સફળતા મળશે. કામનો ભાર રહેશે, પરંતુ તેમાં સહયોગ પણ મળશે. કામ માટેની મુસાફરી થોડી કંટાળાજનક બની શકે છે અને નવા કામમાં રસ થોડો ઓછો રહી શકે છે.

 

 

પંચાંગ 09/03/2026

૦૯ માર્ચ ૨૦૨૬

ચક દે ઈન્ડિયા ! ન્યુઝીલેન્ડને હરાવી ભારત બન્યું વર્લ્ડ ચેમ્પિયન

ક્રિકેટ ઈતિહાસમાં એક વધુ સોનેરી પાનુ ઉમેરતાં ભારતે ICC Men’s T20 World Cupના ફાઈનલ મુકાબલામાં શાનદાર જીત મેળવી ત્રીજી વખત ટ્રોફી પર કબજો કર્યો છે. અમદાવાદના ભવ્ય Narendra Modi Stadium ખાતે રમાયેલી આ હાઈ વોલ્ટેજ મેચમાં ટીમ ઈન્ડિયાએ બેટિંગ અને બોલિંગ બંનેમાં દમદાર પ્રદર્શન કરીને ન્યૂઝીલેન્ડને એકતરફી મુકાબલામાં હરાવ્યું હતું. ભારતે 20 ઓવરમાં 5 વિકેટે 255 રન કર્યા હતા અને ન્યુઝીલેન્ડને જીત માટે 256 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં ન્યુઝીલેન્ડની ટીમ 159 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ન્યુઝીલેન્ડે ટોસ જીતીને બોલિંગ પસંદ કરીને ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ફાઈનલમાં પહેલા બેટિંગ કરતા ભારતીય ટીમે શરૂઆતથી જ આક્રમક અંદાજ અપનાવ્યો હતો. ભારત તરફથી Sanju Samsonએ તોફાની ઈનિંગ રમતા માત્ર 46 બોલમાં 89 રન ફટકાર્યા હતા. તેમની ઈનિંગ દરમિયાન 8 ભવ્ય સિક્સર અને 5 ફોર જોવા મળી હતી, જેના કારણે ભારતીય ટીમનો સ્કોર ઝડપથી આગળ વધ્યો હતો અને ન્યૂઝીલેન્ડના બોલરો પર ભારે દબાણ ઊભું થયું હતું.

ઓપનર તરીકે મેદાનમાં ઉતરેલા Abhishek Sharmaએ પણ ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. તેમણે માત્ર 21 બોલમાં 52 રનની તોફાની ઈનિંગ રમી જેમાં 3 સિક્સર અને 6 ફોરનો સમાવેશ થયો હતો. બીજી તરફ Ishan Kishanએ પણ મહત્વપૂર્ણ યોગદાન આપતા 25 બોલમાં 54 રન બનાવ્યા હતા અને પોતાની ઈનિંગમાં 4 ફોર તથા 4 સિક્સર ફટકાર્યા હતા. જોકે ટીમના કેપ્ટન Suryakumar Yadav માટે આ મેચ ખાસ રહી નહોતી કારણ કે તેઓ ઇનિંગના પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા હતા.

ટોપ ઓર્ડરની આક્રમક બેટિંગના કારણે ભારતે ફાઈનલ જેવી મોટી મેચમાં વિશાળ સ્કોર ઉભો કર્યો હતો. ત્યારબાદ ભારતીય બોલરો પણ જોરદાર લયમાં જોવા મળ્યા અને ન્યૂઝીલેન્ડની ટીમને દબાણમાં રાખી મોટી જીત સુનિશ્ચિત કરી. આ જીત સાથે ભારતે ફરી એકવાર વિશ્વ ક્રિકેટમાં પોતાની શક્તિ સાબિત કરી અને ત્રીજી વખત T20 વર્લ્ડકપ ટ્રોફી જીતવાનો ગૌરવ પ્રાપ્ત કર્યો.