Home Blog Page 1965

કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપમાંથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં કેન્દ્રીય મંત્રી અને રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પુરૂષોત્તમ રૂપાલાના નિવેદન મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. રૂપાલાના નિવેદનના વિરોધના પગલે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપતા જ ભાજપમાં મોટો ખડભડાટ જોવા મળી રહ્યો છે. તેમણે રૂપાલાની ટિકિટ રદ કરવા માંગ કરી છે. ગોંડલમાં ગઈ કાલે યોજવામાં આવેલી ક્ષત્રિય સમાજની બેઠકને કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપ પ્રેરિત ગણાવીને વિરોધ કર્યો હતો.ક્ષત્રિય સમાજના આગવાનોનું કહેવું છે કે, આ આંદોલન હવે દરેક જિલ્લાએ પહોંચ્યું છે આ મુદ્દો પતી જાય તેમ નથી. આ મામલે ફરી ક્ષત્રિય સમાજના સંગઠનના આગેવાનોની બેઠક યોજશે ત્યારબાદ નિર્ણય લેવામાં આવશે.

વચ્ચેનો રસ્તો કાઢી ગમે તે રીતે હું સમજાવીશ

ગોંડલ ખાતે જયરાજસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં ભાજપના ધારાસભ્યો, સંસદસભ્યો તેમજ ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિય સમાજના આગેવાનો અને નેતાઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. એમાં પુરુષોત્તમ રૂપાલાએ હાજરી આપી જાહેરમાં ફરી એક વખત માફી માગી રંજ વ્યક્ત કર્યો હતો. તેમણે રાત્રિના તેઓ ક્ષત્રિય સમાજની આસ્થાનું કેન્દ્ર સમાન ગધેથડ આશ્રમ ખાતે લાલબાપુની મુલાકાત લીધી હતી અને તેમના આશીર્વાદ મેળવ્યા હતા. આ સમયે વિવાદના પગલે કોઈ નિવેદન કરવાને બદલે લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને આશ્વાસન આપ્યું હતું.લાલબાપુએ પુરુષોત્તમ રૂપાલાને જણાવ્યું હતું કે સમાજ માટે હું સમાજને ખૂબ સમજાવીશ અને એના માટે અમે મહેનત કરીશ. બને એટલી કોશિશ કરીશું કે સમાજ સમજે એવી અમારી ભાવના અને લાગણી છે એટલે એ અમે કરીશું, કારણ કે સમાજની જે ગરીમા એ સમજે અને હું સમજુ એ પ્રમાણેનો વચ્ચેનો રસ્તો કાઢીને ગમે તે રીતે મારી રીતે હું સમજાવીશ.

ક્ષત્રિયોની બેઠકમાં ગઈકાલે સાંજે પહોંચેલા રૂપાલાએ ફરીવાર માફી માગતાં જણાવ્યું હતું કે હું મારી વાત શરૂ કરું એ પહેલાં મને જે ફીલિંગ આવી છે એ વ્યક્ત કરી દઉં, પછી મારી વાત શરૂ કરું. મારા એક નિવેદનને કારણે જે ક્ષત્રિય સમાજમાં રોષ ફેલાયો એની મેં અનુભૂતિ પણ કરી છે. અત્યારસુધી જે ચાલ્યું અને અત્યારે હું આવું એવી મારે જયરાજસિંહભાઈ સાથે વાત થઈ હતી કે તમારે 7 વાગ્યે પહોંચવું એવી વાત થઈ હતી. હું ચૂંટણીસભામાં જતો હોવ અને ઢોલ-નગારાં સાથે મારું જે સ્વાગત થાય એ ક્ષત્રિયો સિવાય કોઈ કરી ન શકે, એ શક્ય જ નથી. મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભથી આ વાક્ય નીકળ્યું. મારી આખી જિંદગીમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી.

અભિજીતને કારણે ‘યે દિલ્લગી’ માં ‘ઓલે ઓલે’ આવ્યું

અભિજીતને તેની ગાયિકીને કારણે હિન્દી ફિલ્મોના કેટલાક ગીતો મળ્યા હતા અને લોકપ્રિય થયા હતા. ‘યે દિલ્લગી’ ના ‘ઓલે ઓલે’ ઉપરાંત અનેક લોકપ્રિય ગીતો પાછળ રસપ્રદ વાત છુપાયેલી છે. અભિજીતને સલમાનની ‘બાગી: એ રિબેલ ફોર લવ’ (૧૯૯૦) ના ગીતોથી ગાયક તરીકે પહેલી સફળતા મળી હતી. અસલમાં અભિજીત ત્યારે સંઘર્ષ કરી રહ્યો હતો અને ખાસ તક મળતી ન હતી. એક દિવસ એના ઘરે સંગીતકાર આનંદ- મિલિન્દને ત્યાંથી ફોન આવ્યો અને મહેબૂબ સ્ટુડિયોમાં રેકોર્ડિંગ માટે બોલાવ્યો હતો. અભિજીત પહોંચ્યો ત્યારે ગીતકાર સમીર અને નિર્દેશક દીપક શિવદાસાની સહિત બધાં લોકો ગીત પર ચર્ચા કરતા બેઠા હતા.

અભિજીતને ત્યારે સ્પષ્ટ કહેવામાં આવ્યું કે અમિતકુમાર વ્યસ્ત છે એટલે આ ગીતનું રિહર્સલ કરીને તારે ગાવાનું છે. એ પછીથી આવીને ડબ કરશે. ગીતકાર- સંગીતકારે અભિજીતને કહ્યું કે બરાબર ગાજે અમારી પણ ઈજ્જતનો સવાલ છે. અને અભિજીતે ‘હર કસમ સે બડી હૈ કસમ પ્યાર કી’ ગીત પોતાની રીતે સરસ ગાયું. હવે બીજા ગાયકે એનું ડબિંગ કરવાનું મુશ્કેલ બને એમ હતું. બધાંએ બેસીને બેઠક કરી અને નક્કી કર્યું કે હવે અભિજીતના સ્વરમાં જ રહેશે. એટલું જ નહીં બીજું ગીત ‘ચાંદની રાત હૈ, તૂ મેરે પાસ હૈ’ પણ અભિજીત પાસે જ ગવડાવવું. અને એ જ દિવસે એ ગીત રેકોર્ડ કરવામાં આવ્યું હતું. ફિલ્મમાં અમિતકુમારે ‘કૈસા લગતા હૈ’ ગાયું હતું પણ અભિજીતના ગીતોએ વધારે ધૂમ મચાવી હતી. પાછળથી અમિતકુમાર એને મજાકમાં કહેતા હતા કે હું જો એ દિવસે રેકોર્ડિંગમાં પહોંચી ગયો હોત તો તું આજે આ સ્થાન પર ના હોત!

‘યે દિલ્લગી’ (૧૯૯૩) માટે અભિજીતે જ્યાં સુધી ‘ઓલે ઓલે’ ગીત ગાયું ન હતું ત્યાં સુધી એને ફિલ્મમાંથી કાઢી નાખવાનું નક્કી થઈ ગયું હતું. કેમકે સંગીતકાર દિલીપ સેન- સમીર સેન આ ગીતને ચાર-પાંચ જાણીતા ગાયકો પાસે ગવડાવી ચૂક્યા હતા અને યશરાજ ફિલ્મ્સમાં કોઈને પસંદ આવ્યું ન હતું. સેન ભાઈઓએ આખરે અભિજીતને યાદ કર્યો. ત્યારે અભિજીતને એટલી ખબર હતી કે એમણે યશરાજ ફિલ્મ્સની ‘આઈના’ કરી હતી અને ઉદીત કે કુમાર સાનૂ પાસે જ ગીતો ગવડાવતા રહ્યા છે. અભિજીત ત્યાં પહોંચ્યો ત્યારે એક જાણીતા ગાયકે અગાઉ ગાયું હતું એ રેકોર્ડિંગ સંભળાવવામાં આવ્યું.

અભિજીતે એનું મુખડું સાંભળીને કહી દીધું કે આગળ સંભળાવશો નહીં. એની સાથે મારાથી સરખામણી થઈ જશે. એ કારણે દિલીપ સેને જે ડમી ગીત ગાયું હતું એ સંભળાવ્યું. પહેલી વખત અભિજીત પાસે કોઈ પેપી ગીત આવ્યું હતું. અને અભિજીતે એકદમ અલગથી એટલે કે શ્વાસને પણ સાથે રાખીને ‘ઓલે ઓલે’ ગાયું. રેકોર્ડિંગ આર્ટિસ્ટ સૂદ એના આ પ્રયોગથી બહુ પ્રભાવિત થયા હતા. અસલમાં ‘ઓલે ઓલે’ ને જે રીતે ગાવું જોઈતું હતું એ રીતે કોઈ ગાઈ રહ્યું ન હોવાથી એને ફિલ્મમાંથી કાઢી નાખવાનો નિર્ણય થયો હતો. પણ અભિજીતે ગાયા પછી એને ફિલ્મમાં રાખવાનો નિર્ણય લેવાયો હતો.

મુખ્તારને ઝેર આપવામાં આવ્યું, અમારી પાસે પુરાવા : અફઝલ અન્સારી

મુખ્તાર અંસારીના મૃત્યુ બાદ પ્રથમ વખત તેમના ભાઈ અફઝલ અંસારીનું નિવેદન સામે આવ્યું છે. અફઝલ અંસારીએ આરોપ લગાવ્યો છે કે મુખ્તારની હત્યા ઝેર આપીને કરવામાં આવી છે. તેણે કહ્યું કે જ્યારે સમય આવશે ત્યારે અમારી પાસે એ સાબિત કરવા માટે મજબૂત પુરાવા હશે કે તેની હત્યા ઝેર આપીને કરવામાં આવી હતી. અફઝલ અંસારીએ કહ્યું કે બધું ટેબલ પર છે. જાણકારી માટે તમને જણાવી દઈએ કે મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. મુખ્તાર બાંદા જેલમાં બંધ હતો.

 

મુખ્તારના ભાઈએ પ્રશ્ન ઉઠાવ્યો અને કહ્યું કે એક વાર પૂછવું જોઈએ કે તેમને 26મીએ મેડિકલ કોલેજમાં કેમ મોકલવામાં આવ્યા હતા. અફઝલ અન્સારીએ કહ્યું કે જ્યારે તેમની તબિયત બગડી ત્યારે તેઓ કોઈક રીતે તેમને 5 મિનિટ સુધી મળવામાં સફળ રહ્યા. તેમણે કહ્યું કે અમે વિનંતી કરી હતી કે જો તમે તેમની તબિયત સુધારવા માંગતા હોવ તો તેમને સમયસર બીજે ક્યાંક રિફર કરો, પરંતુ તેમણે કહ્યું કે અમે તેમને 3-4 દિવસમાં સાજા કરી દઈશું.

તમે 11 કલાકમાં કેવી રીતે ફિટ થયા?

મુખ્તાર અંસારીના ભાઈ અફઝલ અંસારીએ કહ્યું કે જ્યારે હું તેમને મળવા ગયો ત્યારે તેમનામાં જરા પણ તાકાત નહોતી, પરંતુ મારી મુલાકાતના બે કલાકમાં જ ડોક્ટરોએ કહ્યું કે તેઓ ફિટ છે. અફઝલ અંસારીએ સવાલ ઉઠાવ્યો કે જે વ્યક્તિ ન તો બેડ પર બેસી શકે છે અને ન તો કંઈ કરી શકે છે, તેને 11 કલાક પછી સંપૂર્ણ રીતે ફિટ કેવી રીતે જાહેર કરવામાં આવ્યો. અફઝલ વધુમાં કહે છે કે આ એક ડ્રામા છે. જ્યાં એક તરફ ડોક્ટરોએ કહ્યું હતું કે હું ફિટ છું, તો બીજી તરફ જ્યારે મુખ્તારને તેના પુત્ર સાથે વાત કરવામાં આવી ત્યારે તેણે એ જ દર્દભર્યા સ્વરે કહ્યું હતું કે, દીકરા, મારું શરીર મને છોડીને જઈ રહ્યું છે.

અફઝલ અંસારીએ મુખ્તારના મોત પર કહ્યું કે જો ભગવાન ક્યાંક છે તો તે જોઈ રહ્યો છે. તે જ સમયે, તેમણે કહ્યું કે જો કોઈને લાગે છે કે આ નિયમો અનુસાર છે, તો તે કરવું જોઈએ. બે-ચાર ગુનેગારોને બચાવવા મુખ્તારની હત્યા કરવામાં આવી છે. રાજકીય લાભ માટે, તેઓ બુલડોઝર લાવશે અને તેમને જમીન પર તોડી નાખશે. આ પહેલા મુખ્તાર અંસારીના પુત્ર ઓમર અંસારીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે અમને શંકા નથી, અમને ખાતરી છે કે આ કુદરતી મૃત્યુ નથી પરંતુ આયોજનબદ્ધ હત્યા છે. તેમણે કહ્યું કે અમે તપાસની માંગ કરીશું.

મુખ્તારનું મૃત્યુ કેવી રીતે થયું?

મુખ્તાર અંસારી 2005માં મૌના રમખાણોમાં આરોપી બન્યો હતો અને ત્યારથી તે જેલમાં હતો. હાલમાં તે બાંદા જેલમાં બંધ હતો, જ્યાં ગુરુવારે તેની તબિયત બગડી હતી, ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં 9 ડોક્ટરોની ટીમ તેને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેને બચાવી શકાયો નહોતો. એવું કહેવામાં આવ્યું હતું કે મુખ્તારને હાર્ટ એટેક આવ્યો હતો. જે બાદ શુક્રવારે મુખ્તારના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. શુક્રવારે રાત્રે 1.15 વાગ્યે મુખ્તારના મૃતદેહને ગાઝીપુર સ્થિત તેના ઘરે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં શનિવારે કાલીબાગ કબ્રસ્તાનમાં તેમની દફનાવવામાં આવી હતી.

વિવાદિત નિવેદન માટે રૂપાલાએ માફી માંગી, જાણો શું કહ્યું ?

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ થોડા દિવસ પહેલા આપેલા તેના વિવાદિત નિવેદનના કારણે ક્ષત્રિય સમાજ આગબબુલા થયો છે. રાજ્યભરમાં તેમનો વિરોધ થઈ રહ્યો છે અને રૂપાલાની ટિકિટ પરત ખેંચવી જોઈએ તેવી માંગ ઉગ્ર બની છે. તેવામાં આજે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાની આગેવાનીમાં આ વિવાદને લઈ ક્ષત્રિય સમાજની જાહેર સભા યોજાઈ હતી જેમાં ફરી એકવાર રૂપાલાએ બે હાથ જોડી ક્ષત્રિય સમાજની માફી માંગી હતી.

ગોંડલમાં ક્ષત્રિય સમાજની બેઠકમાં રૂપાલાએ નિવેદન આપતાં જણાવ્યું કે, મારા નિવેદન બાદ મે માફી પણ માગી છે. ક્ષત્રિય સમાજે મારૂ ઢોલ નગારા સાથે સ્વાગત કર્યું છે. મારા નિવેદનના કારણે સમાજમાં રોષ ફેલાયો છે. મને એક વાતનો મોટો રંજ છે. મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. સમાજ સામે બે હાથ જોડીને માફી માગું છું. વધુમાં રૂપાલાએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, મારી જીભથી આ વાક્ય નીકળ્યું તેનો રંજ છે. મને આજે આ વાતનો અફસોસ છે. મારા કારણે પાર્ટીને સાંભળવાનું થયું છે. મારી તરફેણમાં આવેલા લોકોનો આભાર માનું છે. કોઇ અંડર ટેબલ સમાધાનથી નથી આવ્યા, એક ક્ષત્રિયને છાજે તેવી રીતે સંમેલનનું આયોજન કર્યું છે. આજે સભાનો મહોલ છે પણ સંબોધન નહીં કરૂ. મારી જિંદગીમાં મેં નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો કોઈ રેકોર્ડ નથી. મેં પહેલા જ માફી માગી છે, આ મારી ક્ષતિ છે અને હું જ જવાબદાર છું. આ આયોજન કરવા બદલ હું જયરાજસિંહ જાડેજાનો આભાર માનુ છું.

આ વિવાદ અહીં પૂરો : જયરાજસિંહની જાહેરાત

પરષોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય નેતા જયરાજસિંહે જણાવ્યું કે, રૂપાલાએ સમાજની માફી માગી છે. રૂપાલા સાહેબની માફી સાથે મુદ્દો અહીં પુરો થાય છે. હવે સમાજમાં કોઈ રોષ નથી અને આ સાથે જ હવે આ વિવાદ સમાપ્ત થયો છે. આ આખા રાજપૂત સમાજનો નિર્ણય છે. જેને સૌ કોઈ માન્ય રાખે.

 

ઈન્સ્ટન્ટ રવા મીની હાંડવો

બાળકોનું ટિફીન અથવા રવિવારનો બ્રેકફાસ્ટ બનાવવા માટે સમય ઓછો હોય. એટલે કે, ઘણું જ મોડું થઈ ગયું હોય. તો રવાનો આ ટેસ્ટી નાસ્તો ઈન્સ્ટન્ટ બની શકે છે! 

સામગ્રીઃ

  • ઝીણો રવો 1 કપ
  • દહીં 1 કપ
  • કાંદો 1
  • ટામેટું 1
  • ગાજર 1
  • બાફેલા લીલા વટાણા ½ કપ
  • લીલા મરચાં 2-3
  • સિમલા મરચું 1 નાનું
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન
  • કાળા મરી પાઉડર ¼ ટી.સ્પૂન
  • આદુનો ટુકડો ½ ઈંચ
  • મીઠું સ્વાદ મુજબ
  • ધોઈને સમારેલી કોથમીર 2 ટે.સ્પૂન
  • બેકીંગ સોડા અથવા ઈનો 2 ચપટી

વઘાર માટેઃ

  • તેલ
  • રાઈ
  • જીરુ
  • સફેદ તલ
  • કળી પત્તાના પાન

રીતઃ એક બાઉલમાં દહીં લઈ તેને ફેંટી લેવું જેથી તેમાં ગઠ્ઠા ના રહે. તેમાં કાંદો, સિમલા મરચું તેમજ ટામેટું ઝીણા ચોરસ સમારીને, ગાજર ખમણીને તેમજ બાફેલા લીલા વટાણા ઉમેરી દો. લીલા મરચાંને ઝીણાં સમારી ઉમેરી દો. આદુને ખમણીને અથવા ઝીણું સમારીને ઉમેરો. થોડું પાણી મેળવીને સહેજ ઢીલું કરીને આ મિશ્રણ ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દો.

10 મિનિટ બાદ આ મિશ્રણ ઘટ્ટ થયું હશે. હવે તેમાં ચાટ મસાલો, કાળા મરી પાઉડર, સ્વાદ મુજબ મીઠું તેમજ કોથમીર મેળવી દો. હવે તેમાં ઈનો પાઉડર નાખીને ઉપર 1 ટી.સ્પૂન તેલ રેડીને ચમચી વડે મિશ્રણમાં મેળવી દો. જો વધુ ઘટ્ટ હોય તો થોડુંક પાણી ઉમેરી લેવું.

એક નાનું વઘારીયું લો અથવા નાની કઢાઈ લો. તેમાં 1 ટી.સ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરુ, રાઈ તેમજ સફેદ તલ બધું મળીને ¼ ટી.સ્પૂન જેટલી આ ત્રણેય સામગ્રી લઈ તેનો તેલમાં વઘાર કરી 3-4 પાન કળી પત્તાના નાખી દો. હવે તેની ઉપર 1 થી 1½ કળછી જેટલું ખીરું રેડીને એક ઢાંકણ ઢાંકીને ½ મિનિટ થવા દો. ગેસની આંચ એકદમ ધીમી રાખવી. હવે ઢાંકણ ખોલી દો અને રવા મીની હાંડવો ઉથલાવીને ફરીથી તેને સોનેરી રંગનો થવા દો. 2 મિનિટ બાદ તૈયાર મીની હાંડવાને એક પ્લેટમાં ઉતારી લો. આ જ રીતે બાકીના મીની હાંડવા બનાવી લો.

આ મીની હાંડવો લીલી ચટણી અથવા ટોમેટો કેચ-અપ સાથે પીરસો.

૩૦ માર્ચ, ૨૦૨૪

૩૦ માર્ચ, ૨૦૨૪

રાશિ ભવિષ્ય 30/03/2024

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કુટુંબ, મિત્રો સાથે સામાજિકકે ધાર્મિકકામમાં મિલન મુલાકાત થઇ શકે, માંર્કેટિંગ ક્ષેત્રમાં પરિચિતકે જુનાસંપર્કમાં કામકાજ કરવામાં આવે તો સારું પરિણામ જોવા મળી શકે છે, પ્રવાસ થઈ  શકે છે, વેપારમાં નાનું કામ કરવુ જ યોગ્ય છે ,વડીલવર્ગે બિનજરૂરી વાર્તાલાપથી દુર રહેવું.


આજનો દિવસ થોડો ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે ખાસ કરીને વાણી સયમ રાખવો જરૂરી છે તદુપરાંત ગુસ્સા પર કાબુ રાખવો અગત્યનો છે, ડાયાબીટીસના દર્દી એ થોડી તકેદારી રાખવી, વેપારમાં કોઇપણ પ્રકારના જોખમથી દુર રહેવું, માર્કેટિંગક્ષેત્રમાં સમયનો દુર્વ્યય વધુ થાય.


આજનો દિવસ સામાન્ય છે, મન થોડું અશાંત  રહે પરંતુ દિવસ રાબેતામુજબ શાંતિથી પસાર થાય, કામકાજમાં  સમયનો દુર ઉપયોગ થવાથી થોડી ઉશ્કેરાટ અનુભવો, વેપારમાં નાનું અને ગણતરી પુર્વાક્નુજ  કામ કરવુ  યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપમાં શાંતિ રાખવી અને તેમના કામમાં સહકાર આપવો યોગ્ય છે.


આજનો દિવસ સરસ છે, તમને ઉત્સાહ સારો જોવા મળે અને તેની સારી અસર તમારા વ્યવહાર અને કામકાજ પર પડે જેને કારણે તમને અન્યનો સાથસહકાર સારી રીતે મેળવી શકો, તમારી કોઈ જૂની ઓળખાણ તાજી થાય, વેપારના કામકાજમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ ધીરજ અને સાવચેતીથી પસાર કરવો ઇચ્છનીય છે, તમને આજે થોડો ગુસ્સો કોઈ બાબત પર જોવા મળે જેને કારણે કોઈની લાગણીના દુભાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું તેમજ  મુસાફરીમાં ધ્યાન રાખવું, વેપારના કામકાજમાં જોખમી પરિબળથી દુર રહેવું સલાહભર્યું છે.


આજનો દિવસ સરસ છે તેમાં પણ તમારા ધાર્યાકામ થાય તેવા સંજોગો બની શકે છે, પ્રિયજનનો સાથ તમને કોઈ કામમાં જોવા પણ મળી શકે છે, યુવાવર્ગ માટે પોતાની પસંદગીની કોઈવાત ક્યાંક રજુ કરવાની હોય તેમાં પણ તક દેખાઈ શકે છે, વેપારના કામકાજમાં લાભ મળી શકે તેવા યોગ પણ છે.


આજનો દિવસ શાંતિ અને સાવચેતીથી પસાર કરવો અગત્યનો છે, ક્યાય ઉતાવળિયો નિર્ણયના લેવાય તેનું ધ્યાન રાખવું, વાહન ધીમે ચલાવવું અને કોઈની સાથે ઉગ્રતાના થાયતે બાબતની કાળજી રાખવી, માર્કેટિંગ ક્ષેત્રમાં કંટાળાજનક પરિસ્થિતિ જોવા મળે શકે છે , વેપારમાં જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે, ક્યાંક પ્રવાસ પણ થઈ શકે છે, તમારા મનની કોઈ ઈચ્છા પૂરી થઇ શકે તેવું પણ બની શકે છે, તમારી કરેલી મહેનતનું  ફળ સારું મળે, યુવાવર્ગને અન્યનો સાથસહકારકે માર્ગર્દર્શન સારું મળવાથી કામ પ્રત્યે ઉત્સાહ સારો જોવા મળે, વેપારમાં કોઈ લાભની વાત જાણવા મળે તેવા યોગ છે.


આજનો દિવસ તમારા માટે થોડો સામાન્ય છે, રોજબરોજના કામમાં દિવસ પસાર થઇ જાય, તમારા કામમાં થોડા વ્યસ્ત રહો તેવું પણ બની શકે છે, વેપારમાં નાનું અને ગણતરી પૂર્વકનું કામજ યોગ્ય છે, વડીલવર્ગને  માનસિકથાકની લાગણી વધુ લાગે તેવું બની શકે છે, ઉતાવળ અને ઉશ્કેરાટથી દુર રહેવું યોગ્ય છે.


આજનો દિવસ સામાન્ય છે, મિત્રોથી કોઈ કામકાજમાં તમને લાભ થઈ શકે છે, ક્યાંક મુસાફરી થાય તેવા યોગ પણ બને છે, માર્કેટિંગક્ષેત્રમાં સારા કામકાજ કર્યાનો સંતોષ મળે, વેપારમાં નાનુંજ કામ કરવું યોગ્ય છે, ક્યાય કોઈની સાથે ગેરસમજના થાય તેબાબત તકેદારી રાખવી સારી કહી શક્ય.


આજનોદિવસ શાંતિ અને સાવચેતીમાં પસાર કરવો ઇચ્છનીય છે, વિવાદથી દુર રહેવું સલાહ ભર્યું છે, ક્યાય  પાડવા-વાગવાના યોગ છે માટે તકેદારી રાખવી, આજે નકારત્મક વિચાર વધુ રહે અને તેની અસર તમારા કામકાજ પર પણ પડી શકે છે, વેપારમાં કોઈપણ પ્રકારના જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સરસ છે તમારો આત્મવિશ્વાસ પણ સારો જોવા મળે, સ્પર્ધાત્મકપરીક્ષાની તૈયારીમાં વધુ સમય ફાળવો, કંઇક સારું શીખવાની અપેક્ષા પૂરી થાય, માર્કેટિંગક્ષેત્રમાં આયોજનબદ્ધ કામકરવાથી સારું પરિણામ મળી રહે, વેપારમાં અનુભવ મુજબ કામ કરવાથી કામ કર્યાનો સારો સંતોષ થાય.

પંચાંગ 30/03/2024

બંગલાદેશમાં ભારતીય ચીજવસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ

ઢાકાઃ બંગલાદેશના વિરોધ પક્ષના નેતાઓનું કહેવું છે કે ભારતના સમર્થનને કારણે બંગલાદેશની એકતરફી ચૂંટણી અને શેખ હસિનાની સરકારને વૈશ્વિક માન્યતા મળી છે. એટલા માટે ઇન્ડિયા આઉટ કેમ્પેનના માધ્યમથી ભારત અને એનાં ઉત્પાદનોનો બહિષ્કાર થવો જોઈએ.

વિશ્લેષકોનું કહેવું છે કે હાલનાં વર્ષોમાં બંગલાદેશના લોકોમાં ભારતવિરોધી ભાવના વધી છે. એનું પાછળનું કારણે ભાજપની મુસ્લિમવિરોધી હોવાનો આરોપ છે, જે મુસલમાનોને માફક નથી આવી રહ્યો, પરંતુ ભારતવિરોધની સૌથી મોટું કારણ ભારતનું શેખ હસીનાની પાર્ટી અવામી લીગનું સમર્થન આપવું છે, જે 15 વર્ષથી સત્તા પર છે.બંગલાદેશની મુખ્ય વિપક્ષી પાર્ટી BNP અને તેના સહયોગી દળના નેતાઓ ત્યાં ભારતનો પ્રભાવ ઓછો કરવા માટે ‘ઈન્ડિયા આઉટ કેમ્પેન’ ચલાવી રહ્યા છે. જેથી શેખ હસીના સરકારનું આ પગલું મહત્ત્વનું બની રહેશે. આ કેમ્પેન અંતર્ગત તેઓ બંગલાદેશમાં ભારતીય વસ્તુઓનો બહિષ્કાર કરવાની અપીલ કરી રહ્યા છે. તાજેતરમાં BNP નેતા રૂહુલ કબીર રિઝવીએ કાશ્મીરી શાલ સળગાવી હતી.

ભારતે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો છે. પરંતુ બંગલાદેશ અને UAEને રાહત આપતા રમજાન અને ઈદ પહેલાં ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે. બંગલાદેશના વિપક્ષી નેતાઓએ ભારત પર આરોપ લગાવ્યો છે કે ભારત શેખ હસીનાની પાર્ટી બંગલાદેશ અવામી લીગને સમર્થન આપે છે, બંગલાદેશના લોકોને નહીં. આ જ કારણ છે કે બંગલાદેશના કેટલાક વિપક્ષી નેતાઓ ‘ઈન્ડિયા આઉટ’ અભિયાન ચલાવી રહ્યા છે તેમ જ ભારતીય ઉત્પાદકોનો બહિષ્કાર કરીને પોતાનો ગુસ્સો કાઢી રહ્યા છે.

 

 

 

 

ગુનાઇત ઇતિહાસની વિગતો હવે ગુજરાતીમાં

અમદાવાદ: મતદારોના “જાણવાના અધિકાર” ને મહત્વ આપીને માનનીય સર્વોચ્ચ અદાલતે WRIT PETITION (CIVIL) NO. 536 OF 2011 અને CONTEMPT PET. (C) NO. 2192 OF 2018માં ચુકાદો આપ્યો કે મતદારોને ઉમેદવારો વિશે જરૂરી માહિતી હોવી જોઈએ. આ ચૂકાદો 25મી સપ્ટેમ્બર 2018 અને 13મી ફેબ્રુઆરી 2022ના રોજ આપવામાં આવ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે મતદારોને ઉમેદવારો વિશે જરૂરી માહિતી જેવી કે તેમનં કેટલું શિક્ષણ છે, તેમના પર કેટલાં અને કયા કેસ દાખલ કરેલા છે, તેઓ કેટલી સંપત્તિ ધરાવે છે, વગેરે હોવી જોઈએ. તેથી દરેક ઉમેદવારે તમના પરના ગુનાની વિગતો સમાચાર પત્રો અને સોશિયલ મીડિયા અને વેબસાઇટ પર મૂકવી જોઈએ.ચૂંટણી પંચે ઉમેદવારોની ગુનાની વિગતો પ્રસિદ્ધ કરવા માટે રાજકીય પક્ષો માટે C2 ફોર્મ અને જે તે ઉમેદવારો માટે C7 ફોર્મ બહાર પાડ્યું છે. સાથે વિગતવાર ગાઈડલાઇન પણ આપવામાં આવી છે. પણ તેમ છતાં એ ધ્યાનમાં આવ્યું છે, કે રાજકીય પક્ષો આ બાબતને ગંભીરતાથી લેતા નથી. વર્ષ 2022 માં થયેલ ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન પ્રસિદ્ધ કરેલા ફોર્મની નકલો પરથી મુખ્યત્વે ત્રણ પ્રકારની ક્ષતિઓ સામે આવી છે.

  1. કેટલાક ઉમેદવારોએ ગુનાઇત ઇતિહાસની વિગતો પ્રસિદ્ધ કરતા નથી.
  2. ગુનાઇત ઇતિહાસની વિગતો માત્ર અંગ્રેજી ભાષામાં જ પ્રસિદ્ધ કરવામાં આવે છે.
  3. ઉમેદવારો ગુનાઇત ઇતિહાસની વિગતો એક કે બે વાર છપાવે છે. જ્યારે કે સર્વોચ્ચ અદાલતે ત્રણ વખત છાપવાનું કહ્યું છે.

માહિતી અધિકાર ગુજરાત પહેલ નામની સંસ્થા દ્વારા આ ક્ષતિઓ અંગે વિગતવાર પત્ર લખીને રજૂઆત/ફરિયાદ કરવામાં આવી. સાથે RTI માં મળેલા પુરાવા પણ જોડવામાં આવ્યા હતાં. તાજેતરમાં લોકસભાની ચૂંટણીઓ જાહેર થતાં રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારો નક્કી કરવાના શરૂ કર્યા. તેમાંથી જે ઉમેદવારોના ગુનાઇત ઇતિહાસ છે, તેમની વિગતો પક્ષ અને ઉમેદવારે પ્રસિદ્ધ કરવાની થાય. પણ ફરીથી રાજકીય પક્ષો અને ઉમેદવારો દ્વારા સર્વોચ્ચ અદાલત અને ECI ના આદેશનો ભંગ કરવામાં આવતા માહિતી અધિકાર ગુજરાત પહેલે ECI અને CEO ગુજરાતને પત્ર અને ઈમેલથી ફરિયાદ દાખલ કરી હતી. તેના અનુસંધાનમાં CEO ગુજરાત દ્વારા 28મી માર્ચ, 2024ના રોજ INC, BJP, AAP, BSP, NPP રાજકીય પક્ષોને ગુજરાતી ભાષામાં “ગુનાઇત ઇતિહાસની વિગતો છાપવા” જણાવ્યુ છે.