Home Blog Page 1970

IPL 2024 : સનરાઈઝર્સ હૈદરાબાદે મુંબઈ ઈન્ડિયન્સને 31 રને હરાવ્યું

IPL 2024 ની 8મી મેચમાં સનરાઇઝર્સ હૈદરાબાદે મુંબઇ ઇન્ડિયન્સને 31 રનથી હરાવ્યું. આ મેચમાં હૈદરાબાદે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 3 વિકેટે 277 રન બનાવ્યા હતા. જવાબમાં મુંબઈની ટીમ 20 ઓવરમાં 246/5 ​​રન જ બનાવી શકી હતી. તિલક વર્માએ મુંબઈ માટે લાંબા સમય સુધી પ્રયાસ કર્યો અને 64 રનની શાનદાર ઈનિંગ પણ રમી, પરંતુ ટીમને વિજય રેખા પાર ન લઈ શક્યા. આ મેચમાં મુંબઈએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે કદાચ મેચમાં તેમના માટે મોટી ભૂલ સાબિત થઈ હતી. પ્રથમ બેટિંગ કરીને હૈદરાબાદે IPLના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર બોર્ડ પર મૂક્યો, જેનો મુંબઈ પીછો કરી શક્યું ન હતું. જો કે મુંબઈના બેટ્સમેનો ટીમને જીત અપાવવા માટે અંત સુધી પ્રયાસ કરતા રહ્યા, પરંતુ જીતી શક્યા ન હતા.

278 રન એટલે કે IPL ઈતિહાસના સૌથી મોટા ટોટલનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે સારી શરૂઆત કરી. રોહિત શર્મા અને ઈશાન કિશને પ્રથમ વિકેટ માટે 56 (20 બોલ)ની ભાગીદારી કરી હતી. પરંતુ તેનો પહેલો ફટકો ચોથી ઓવરમાં ઈશાનના રૂપમાં લાગ્યો હતો જે 13 બોલમાં 2 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 34 રન બનાવીને આઉટ થયો હતો. ત્યારબાદ મુંબઈએ રોહિત શર્માના રૂપમાં બીજી વિકેટ ગુમાવી હતી. જે પાંચમી ઓવરમાં 1 ફોર અને 3 સિક્સરની મદદથી 26 રન (12 બોલ) બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તિલક વર્મા અને નમન ધીરે ત્રીજી વિકેટ માટે 84 રન (37 બોલ)ની ભાગીદારી કરી, જેણે ફરી એકવાર ચાહકોની આશાઓ વધારી. પરંતુ આ ભાગીદારી 11મી ઓવરમાં નમન ધીરની વિકેટ સાથે સમાપ્ત થઈ, જે 2 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 30 રન (14 બોલ) બનાવીને આઉટ થયો હતો.

આ પછી તિલક વર્મા 15મી ઓવરમાં પેવેલિયન પરત ફર્યો જેણે 34 બોલમાં 2 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકારીને 64 રન બનાવ્યા. આ પછી 18મી ઓવરમાં કેપ્ટન હાર્દિક પંડ્યાના રૂપમાં ટીમને પાંચમો ઝટકો લાગ્યો હતો. કેપ્ટન પંડ્યાએ 20 બોલમાં 1 ફોર અને 1 સિક્સર ફટકારીને 24 રન બનાવ્યા હતા. આઉટ થતા પહેલા હાર્દિકે ટિમ ડેવિડ સાથે પાંચમી વિકેટ માટે 42 (23 બોલ)ની ભાગીદારી કરી હતી.

હૈદરાબાદે IPLનો સૌથી મોટો સ્કોર બનાવ્યો

સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં બોર્ડ પર 277/3 રન બનાવ્યા, જે આઈપીએલના ઈતિહાસમાં સૌથી વધુ સ્કોર હતો. હેનરિક ક્લાસને ટીમ માટે સૌથી મોટી ઇનિંગ્સ રમી, જેણે 34 બોલમાં 4 ચોગ્ગા અને 7 છગ્ગા સાથે 80* રન બનાવ્યા. આ સિવાય અભિષેક શર્માએ 23 બોલમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 63 રન બનાવ્યા હતા. ઓપનિંગમાં આવેલા ટ્રેવિસ હેડે 24 બોલમાં 9 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.

અમદાવાદ એરપોર્ટના નામે વધુ એક કિર્તીમાન!

અમદાવાદ: સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટે તાજેતરમાં એક મહત્વપૂર્ણ રેકોર્ડ સર્જ્યો છે. સોમવારે એક જ વર્ષમાં અત્યાર સુધીના સૌથી વધુ મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. અગાઉ, 2019-20માં અમદાવાદ એરપોર્ટ ખાતે સૌથી વધુ 87,634 એરક્રાફ્ટ ટ્રાફિક મૂવમેન્ટ્સ (ATM) સાથે 1,15,63,887 મુસાફરોને સેવા આપવાનો રેકોર્ડ હતો. જો કે લેઝર અને બિઝનેસ પ્રવાસીઓ માટે SVPIAની ઉત્તમ સુવિધાઓને કારણે હવાઈ ટ્રાફિકમાં નોંધપાત્ર વધારો થયો છે.25મી માર્ચે SVPIAએ ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં ગયા વર્ષની સરખામણીએ 14 ટકાની વૃદ્ધિ સાથે 1,15,87,899 મુસાફરોને સેવા પૂરી પાડવાનો વિક્રમ સર્જ્યો છે. જેમાં અમદાવાદ એરપોર્ટ ખાતે 1,01,78,749 મુસાફરો નોંધાયા હતા. ગત નાંણાકીય વર્ષ 2022-23ની સરખામણીએ 7% ની વૃદ્ધિ સાથે અમદાવાદ ખાતે 88,305 ફ્લાઇટ્સનું આવાગમન નોંધાયું હતું.

પ્રવાસીઓની સંખ્યામાં આ અભૂતપુર્વ વૃદ્ધિ એરપોર્ટમાં કરાયેલા કાયાકલ્પ અને કનક્ટિવીટી વધારવાની કટિબદ્ધતા દર્શાવે છે. SVPI એરપોર્ટ 245થી વધુ દૈનિક ઉડાનની સુવિધા પૂરી પાડે છે. એરપોર્ટના બે ટર્મિનલ દ્વારા 32,150 સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય મુસાફરોને પરિવહનની સેવા આપવામાં આવે છે. જનરલ એવિએશન ટર્મિનલ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ, જી-20, યુ-20 અને વર્લ્ડ કપ મેચ જેવી મુખ્ય ઘટનાઓને ટેકો આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. ગત વર્ષે પેસેન્જર્સની સંખ્યામાં વધારો તેના કારણે નોંધાયો હતો.છેલ્લાં થોડાં વર્ષોમાં SVPIA એ પેસેન્જર અનુભવને સુધારવા ડિજી યાત્રા, સેલ્ફ-બેગેજ ડ્રોપ, પિકઅપ અને ડ્રોપ માટે ખાસ લેન, ઈ-ગેટ્સની સંખ્યામાં વધારો, ઉત્કૃષ્ટ બેગેજ સર્વિસીઝ, ફોરકોર્ટ વિસ્તરણ અને આગમન પ્લાઝા જેવાં કેટલાંક માળખાગત સુધારાઓ કરીને વધારાની સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે. આ ઉપરાંત ઇન્ટરનેશનલ ટર્મિનલ (T-2) ના આધુનિકીકણ સાથે મોટા સુધારાઓ કરાયા છે, જેમાં નવા આગમન અને પ્રસ્થાન ઇમિગ્રેશન વિસ્તાર સાથે મુસાફરોની સુવિધામાં વધારો થયો છે. આગામી ઉનાળામાં અમદાવાદ એરપોર્ટ 8 એરલાઇન્સ અને 16 આંતરરાષ્ટ્રીય ઍરલાઇન્સ દ્વારા 40થી વધુ ડોમેસ્ટિક સ્થળોને જોડતી સેવા પૂરી પાડશે. જેમાં ગ્વાલિયર, નાંદેડ, સિલીગુરી, રાજકોટ અને ઔરંગાબાદમાં ડાયરેક્ટ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવી રહી છે જ્યારે જબલપુર, વિશાખાપટ્ટનમ અને કોઇમ્બતૂરને પણ ફ્લાઇટ્સ દ્વારા જોડવામાં આવશે. અમદાવાદ એરપોર્ટ પર હૈદરાબાદ, ભોપાલ, ગોવા, વારાણસી, બેંગલુરુ, કોલકાતા અને પૂણેની વધારાની ફ્લાઇટ શરૂ થશે.

કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે આઠમી યાદી જાહેર કરી

કોંગ્રેસે લોકસભા ચૂંટણી 2024 માટે ઉમેદવારોની આઠમી યાદી બહાર પાડી છે. આ યાદીમાં કુલ 14 નામ છે જે બુધવારે મોડી રાત્રે આવ્યા હતા. આ ઉમેદવારો કુલ ચાર રાજ્યોના છે, જેમાં ઝારખંડ, મધ્યપ્રદેશ, તેલંગાણા અને ઉત્તર પ્રદેશની બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે.

કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા સામે મધ્યપ્રદેશની ગુના સીટ પરથી રાવ યાદવેન્દ્ર સિંહને તક આપવામાં આવી છે, જ્યારે કોંગ્રેસે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ સામે વિદિશાથી પ્રતાપ ભાનુ શર્માને મેદાનમાં ઉતાર્યા છે. કોંગ્રેસના ઉમેદવારોની આઠમી યાદી નીચે મુજબ છે. આના એક દિવસ પહેલા કોંગ્રેસે 26 માર્ચ, 2024ના રોજ ‘કેન્દ્રીય ચૂંટણી સમિતિ’ (CEC)ની બેઠકમાં સામાન્ય ચૂંટણી માટે ઉમેદવારોના નામોની સાતમી યાદી બહાર પાડી હતી, જેમાં પાંચ નામ હતા. ચાર નામ છત્તીસગઢના હતા જ્યારે એક નામ તમિલનાડુનું હતું.

VVPAT મશીન ગાયબ થવાથી લોકસભા ચૂંટણી પહેલા હડકંપ

પૂર્વોત્તર રાજ્ય આસામની 14 લોકસભા બેઠકો માટે ત્રણ તબક્કામાં મતદાન થશે. પ્રથમ તબક્કા હેઠળ, 19 એપ્રિલના રોજ 5 બેઠકો પર મતદાન થશે, પરંતુ ચૂંટણી પહેલા, દારાંગ-ઉદલગુરી લોકસભા બેઠકના ભેરગાંવમાંથી મતદાર વેરિફાયેબલ પેપર ઓડિટ ટ્રેલ (VVPAT) મશીન કથિત રીતે ગાયબ થવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. સામે આવી છે. VVPAT મશીનો ગાયબ થયા બાદ લોકસભા ચૂંટણીની પારદર્શિતા પર સવાલો ઉઠી રહ્યા છે.

આસામની દારાંગ-ઉદલગુરી સંસદીય બેઠક માટે બીજા તબક્કા હેઠળ 26 એપ્રિલે ચૂંટણી યોજાશે. આ સીટ સિવાય આ દિવસે દિપુ, કરીમગંજ, સિલચર અને નાગાંવ લોકસભા સીટ પર પણ મતદાન થશે. આસામમાં છેલ્લા તબક્કાની ચૂંટણી ત્રીજા તબક્કા હેઠળ 7 મેના રોજ યોજાશે જેમાં કોકરાઝાર, ધુબરી, બરપેટા અને ગુવાહાટી લોકસભા બેઠકો મુખ્યત્વે સામેલ છે. આ તમામ બેઠકોના પરિણામો 4 જૂન, 2024ના રોજ એકસાથે જાહેર કરવામાં આવશે.

લોકશાહી પ્રક્રિયામાં વિશ્વાસ કેળવવા તાત્કાલિક તપાસની માંગ

અહેવાલ મુજબ, વિતરણ સમયપત્રક મુજબ, ભેરગાંવને કુલ 267 મશીનો ફાળવવામાં આવ્યા હતા, જેમાંથી એક મશીનની ઓળખ હાલમાં જાણીતી નથી. ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે આ બાબતની તાત્કાલિક તપાસ કરવાની માંગ પણ કરવામાં આવી છે. લોકતાંત્રિક પ્રક્રિયામાં અવિશ્વાસ ન સર્જાય તે માટે આનો તાત્કાલિક ઉકેલ લાવવા પર ભાર મૂકવાની પણ માંગણી છે.

ફરજમાં બેદરકારી સાંખી લેવામાં આવશે નહીં

આ મામલે આસામના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) એ કહ્યું કે ઉદલગુરી જિલ્લામાં એક VVPAT મશીનની અછત અંગે મીડિયામાં કેટલાક અહેવાલો પ્રસારિત થયા છે. આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સીઈઓએ કહ્યું કે જો ઈવીએમને લઈને કોઈપણ પ્રકારની ગેરરીતિ કે બેદરકારી કરવામાં આવશે તો તેને બિલકુલ સાંખી લેવામાં આવશે નહીં. આ અંગે સ્પષ્ટ અને સ્પષ્ટ આદેશો જારી કરવામાં આવ્યા છે. ફરજમાં બેદરકારી દાખવનાર સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

વિશ્વ થિયેટર દિવસ: થિયેટરને સમર્પિત છે આ ગુજરાતી યુવતી

મુંબઈ:  “હું સ્ટેજ પર પર્ફોમ કરું છું ત્યારે મારાં શરીરનો દરેક સેલ જીવંત થાય છે.200 માણસો વચ્ચે અભિનય કર્યા બાદ જ્યારે તેઓ તમારા કામના વખાણ કરે ત્યારે તે અનુભવને શબ્દોમાં વર્ણવી ન શકાય.” આ શબ્દો છે વેદિકા કૌલ વ્યાસના,જે પ્રતિભાથી ભરપૂર એક ગુજરાતી ઉભરતી અભિનેત્રી અને થિયેટર આર્ટિસ્ટ છે.

વર્લ્ડ થિયેટર ડે 2024 નિમિત્તે ચિત્રલેખા.કોમે વેદિકા સાથે વાતચીત કરી અને તેના સંઘર્ષની ગાથાને નજીકથી જાણવાનો પ્રયત્ન કર્યો. વેદિકા અમદાવાદમાં જ મોટી થઈ. તેનું સ્કૂલિંગ અને કોલેજ પણ અમદાવાદમાં જ થયા છે. પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીમાંથી તેણે ગ્રેજ્યુએશન કર્યું છે. આ અભ્યાસ દરમિયાન પ્રથમ વખત તેનો પરિચય નાટક સાથે થયો. જાણીતા ગુજરાતી નાટ્ય દિગ્દર્શક સૌમ્ય જોશી તેમને ભણાવવા માટે આવ્યા અને ત્યાર બાદ જે થયું તે વેદિકા માટે ઈતિહાસ બની ગયું. સૌમ્ય જોશી બાદ વેદિકાએ અભિનય બેંકર પાસેથી નાટકના ક્લાસ કર્યા. આ દરમિયાન તેને એ વાતનો અનુભવ થઈ ગયો કે જીવનમાં બસ હવે તેને આ જ કરવું છે. તેણે અભિનય બેંકર સાથે 2015માં નટરાણી થિયેટર ખાતે નાટકના વર્કશોપ પણ કર્યા. આ દરમિયાન 2016માં તેને ભાવના પરમારની શોર્ટ ફિલ્મ ‘રંગ તો છે ને’માં લીડ રોલ કરવાની તક મળી. આ શોર્ટ ફિલ્મ બાદમાં ફ્રાન્સમાં કાન્સ ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં રજૂ થઈ હતી. આ દરમિયાન વેદિકાનો અભ્યાસ ચાલુ હતો. અભ્યાસની સાથે-સાથે તેમણે અમદાવાદમાં મોડલિંગ શરૂ કરી દીધી હતી. સાથે જ એક્ટિંગ શીખવા માટેની મહેનત પણ ચાલુ જ હતી.

વેદિકાએ 2017માં ‘મેરી ફેવરિટ શર્ટ’ નામના નાટકથી સ્ટેજ પરની અભિનય યાત્રા શરૂ કરી. આ નાટક અભિનેતા, દિગ્દર્શક અને લેખક માનવ કૌલની ‘ત્રાસદી’ નામની ટૂંકી વાર્તાનું રૂપાંતરણ હતું. આ નાટકને અંકિત ગોર દ્વારા દિગ્દર્શિત કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ 2019માં તેમણે અદિતિ દેસાઈ દ્વારા દિગ્દર્શિક ‘ધાડ’ નાટકમાં એક કચ્છી યુવતીનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલાં વેદિકાએ અદિતી દેસાઈના નાટક સમુદ્રમંથનનું ગુજરાતીમાંથી અંગ્રેજીમાં અનુવાદ કર્યો હતો. આ ઉપરાંત તેમણે હર્ષિલ ભટ્ટ દ્વારા નિર્દેશિત હેરોલ્ડ પિન્ટરના રેવ્યુ સ્કેચનું રૂપાંતરણ ‘પાતળી પિન કા ચાર્જર’ નાટકમાં પણ કામ કર્યું હતું.

વેદિકાના થિયેટર પ્રત્યેના સમર્પણને જોઈને તેમના પિતાએ તેમને આ જ વિષયમાં આગળ વધારે અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપ્યું. આથી 2019 માં વેદિકા લોસ એન્જલસમાં ધ લી સ્ટ્રાસબર્ગ થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટમાં આગળ ભણવા માટે ગયા. ત્યાં તેમને વર્લ્ડ થિયેટરને વધુ નજીકથી જોવાની અને જાણવાની તક મળી. સાથે જ તેનો એક ભાગ પણ બન્યા. 2020 માં, વેદિકા ન્યૂયોર્ક ગયા અને ત્યાં અભિનયનો અભ્યાસ ચાલુ રાખ્યો. 2020માં કોવિડને કારણે તે ભારત પાછી ફરી. જો કે આ દરમિયાન પણ તેમણે થિયેટર કરવાનું ચાલુ રાખ્યું હતું. વેદિકાએ રોશન અબ્બાસ અને ટેસ જોસેફ દ્વારા સંચાલિત કોમ્યુન ઈન્ડિયા સાથે ઓનલાઈન નાટક કર્યું. આ નાટક શીના ખાલિદ દ્વારા સંચાલિત કોમ્યુન ડ્રામેટિક રીડિંગ્સનો એક ભાગ હતું. કોવિડ પછી ફાઈનલી વેદિકા મુંબઈ મુવ થઈ ગઈ પોતાના પેશનને વધુ નજીકથી ફૉલો કરવા માટે.

હવે શરૂ થઈ ખરી સ્ટ્રગલ. રોજ ઓડિશન આપવા. કામ માટે લોકોનો અપ્રોચ કરવો. જેમાં એક નાની સફળતા પણ મળી. સલીમ સુલેમાન (મર્ચન્ટ રેકોર્ડ્સ) લેબલ હેઠળ રાજ પંડિતના ‘માહૌલ’ નામના ગીતમાં વેદિકાને લીડ રોલ મળ્યો. જો કે ત્યારબાદ કોઈ મોટું કામ મળ્યું નહીં. સંઘર્ષ ચાલુ જ રહ્યો. કાસ્ટિંગ ડિરેક્ટર્સને મળવાથી કોઈ ફાયદો થતો ન દેખાતા. વેદિકાએ રાઈટર્સ-ડિરેક્ટર્સને સીધો અપ્રોચ કરવાનો શરૂ કર્યો. આ દરમિયાન તેણે પોતાની યુટ્યુબ ચેનલ પર બ્લોગ બનાવવાના પણ શરૂ કર્યા. જેથી કરીને તે લોકો સાથે કનેક્ટ રહી શકે. પોતાની એક્ટિંગ, એડિટિંગ, મ્યૂઝિકની સમજ લોકો સુધી પહોંચાડી શકે.

છ વર્ષના લાંબા અંતરાળ પછી વેદિકાને ફેબ્રુઆરી-2024માં રોહન ત્રિવેદી દ્વારા દિગ્દર્શિત નાટ્યકાર નીલ લાબુટેના ‘ધ શેપ ઓફ થિંગ્સ’ નાટકમાં કામ મળ્યું છે. જેના ગત 23 અને 24મી માર્ચના રોજ મુંબઈના ખારના ધ જેફ ગોલ્ડબર્ગ સ્ટુડિયોમાં હાઉસ ફુલ શો થયા. વેદિકાને પોતાની ધીરજનું ફળ મળ્યું હોય તેવું લાગ્યું. હાલમાં વેદિકા નાટક ‘ધ શેપ ઓફ થિંગ્સ’ પર કામ કરી રહી છે. આ એક અંગ્રેજી નાટક છે તેથી તેને વિશ્વના અન્ય દેશોમાં ભજવવાના પણ તેમના પ્લાનિંગ છે. એ સિવાય કેટલીક એડ્સમાં પણ તેણે કામ કર્યું છે.

પોતાની એક્ટિંગ સ્કીલને વધારે તીક્ષણ બનાવવા માટે જો કોઈ રોલ મોડલ્સની વાત કરવામાં આવે તો તે વેદિકા માટે કોંકણા સેન શર્મા છે. તેમનો અભિનય વેદિકાને વધુ સારા કલાકાર બનવા માટેની પ્રેરણા આપે છે. આ સિવાય સ્ટેજ પર તેમના રોલ મોડલ નસીરુદ્દીન શાહ, રત્ના પાઠક છે. તેમનું કલા પ્રત્યેનું સમર્પણ અને પ્રેમ હંમેશા તેમના અભિનયમાંથી સ્પષ્ટ દેખાય છે. વેદિકાનું કહેવું છે કે તેઓ મારા જેવા યુવા કલાકારોને પ્રેરણા આપે છે અને હું એવી જ તીવ્રતા અને તાજગી સાથે કામ કરવાનું ઈચ્છા રાખું છું. ગુજરાતી થિયેટરમાં સૌમ્ય જોશી અને અભિનય બેંકર સાથે કામ કરવાની ઈચ્છા વેદિકા રાખે છે. સાથે જ ફિમેલ કેરેક્ટર્સમાં દેવકી તેની રોલ મોડલ છે. અદિતીબેન દેસાઈ સાથે કામ કરવા મળ્યું તે માટે વેદિકા પોતાને ભાગ્યશાળી માને છે.

વેદિકાને ફિલ્મોમાં કામ કરવું છે તેમ છતાં તેની પ્રથમ પસંદ થિયેટર છે. સ્ટેજ પર પર્ફોમ કરવું એ તેની માટે એક બૂસ્ટર ડોઝ સમાન છે. થિયેટરે જ વેદિકાને એ અનુભવ કરાવ્યો કે તે પોતે એક સારી કલાકાર બનવા માંગે છે.

વિશ્વ રંગભૂમિ દિવસ પર અમે જ્યારે અમે વેદિકાને પૂછ્યું કે તને ક્યારેય ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાં કામ કરવાની ઈચ્છા ન થઈ. ત્યારે તેણે કહ્યું કે, ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝમાંથી ક્યારેય તેને કોઈપણ પ્રકારના કામની ઓફર જ મળી નથી. જો કે વેદિકાની પોતાની ઈચ્છા  જાતને મુંબઈમાં સ્થાપિત કરીને ત્યાં કામ કરવાની હતી. આ માટે તેને ઘણો સંધર્ષ કરવો પડ્યો છે અને એ સંધર્ષ હજુ પણ ચાલું જ છે. તેમ છતાં તેણે ધીરજ રાખીને પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા છે. તેને વિશ્વાસ છે કે એકના એક દિવસ તેને પોતાને ગમે તેવો દમદાર રોલ કરવાની તક મુંબઈ નગરી આપશે.

રાધિકા રાઓલ (અમદાવાદ)

ચૂંટણી પંચની સુપ્રિયા શ્રીનેત, દિલીપ ઘોષને નોટિસ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચની વારંવારની ચેતવણી છતાં નેતાઓનાં વાંધાજનક નિવેદનોનો સિલસિલો જારી છે. ચૂંટણી પંચે કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને નોટિસ મોકલી છે.

સુપ્રિયા શ્રીનેતને બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલની મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રણોતને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જ્યાર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા દિલીપ ઘોષે CM મમતા બેનરજીને લઈને અમર્યાદિત વાત કહી હતી.

ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેત અને દિલીપ ઘોષને નોટિસ મોકલીને પૂછ્યું છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ના કરવામાં આવે? ડેડલાઇન સુધી કોઈ પ્રતિક્રિયા ના મળવાની સ્થિતિમાં એ માનવામાં આવશે કે તેમની પાસે કહેવા માટે કંઈ છે નહીં.

સુપ્રિયા શ્રીનેતે શું કહ્યું?

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મિડિયા અકાઉન્ટથી એક્ટ્રેસ કંગના રણોતને લઈને એક વાંધાજનક પોસ્ટ શેર કર્યા પછી વિવાદ થયો હતો. એના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે દરેક મહિલા ગરિમાની હકદાર છે. જોકે વિવાદ વધતાં સુપ્રિયાએ એ પોસ્ટ કાઢી નાખી હતી. સુપ્રિયાએ કહ્યું હતું કે હું આવું નથી કરી શકતી. મારા એકાઉન્ટમાંથી બીજા કોઈએ આવું કર્યું છે. મને ખબર પડતાં  પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

દિલીપ ઘોષે શું કહ્યું હતું?

સોશિયલ મિડિયા પર વિડિયોમાં દિલીપ ઘોષે એક સભામાં CM મમતા બેનરજીની પરિવારની પૃષ્ઠભૂમિની મજાક ઉડાડી હતી. એને લઈને વિવાદ થયો હતો. એ પછી ભાજપે નોટિસ જારી કરીને દિલીપ ઘોષથી ટિપ્પણીને લઈને સ્પષ્ટીકરણ માગ્યું હતું.

 

 

 

 

 

 

 

ED કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત બગડી

EDની કસ્ટડીમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની તબિયત લથડી છે. આ દાવો આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો છે. પાર્ટીએ કહ્યું છે કે અરવિંદ કેજરીવાલનું શુગર લેવલ સતત ઉપર અને નીચે જઈ રહ્યું છે. એવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે કે સીએમ કેજરીવાલનું શુગર લેવલ 46 પર પહોંચી ગયું છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની ટીમે લગભગ બે કલાકની પૂછપરછ બાદ 21 માર્ચની રાત્રે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી હતી. હાલ તે EDની કસ્ટડીમાં છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના કાર્યકરોએ મોટો દાવો કર્યો છે. પાર્ટીએ કહ્યું છે કે કસ્ટડીમાં અરવિંદ કેજરીવાલની તબિયત સતત બગડી રહી છે. તેમનું શુગર લેવલ 46 પર પહોંચી ગયું છે. ડોક્ટર્સનું કહેવું છે કે શુગર લેવલ આટલું ઓછું થઈ જવું એ ખૂબ જ ખતરનાક છે.

હાઈકોર્ટ પોતાનો ચુકાદો આપવા જઈ રહી છે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની અરજી પર હાઈકોર્ટનો નિર્ણય ટૂંક સમયમાં આવવાનો છે. આ અરજીમાં કેજરીવાલે પોતાની ધરપકડને ગેરકાયદે ગણાવીને હાઈકોર્ટમાં પડકારી હતી. જસ્ટિસ સ્વર્ણકાંત શર્માની ખંડપીઠે આ કેસની સુનાવણી પૂર્ણ કરીને નિર્ણય સુરક્ષિત રાખ્યો છે. કોર્ટમાં કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવી અને એડિશનલ સોલિસિટર જનરલ એસપી રાજુએ ED વતી દલીલો કરી હતી.

કેજરીવાલ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં છે

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ 28 માર્ચ સુધી EDની કસ્ટડીમાં રહેશે. તેને ગુરુવારે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. કોર્ટમાં, EDએ કેજરીવાલના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા, જો કે, કોર્ટે 6 દિવસના રિમાન્ડ આપ્યા હતા, જે ગુરુવારે પૂર્ણ થશે.

ટોલ ટેક્સ પર કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીનું મોટું નિવેદન

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરીએ ટોલ ટેક્સને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટોલ નાબૂદ કરવા જઈ રહી છે. મહારાષ્ટ્રના નાગપુરમાં તેમણે કહ્યું – અમે ટોલ નાબૂદ કરવા જઈ રહ્યા છીએ. હવે આ કામ સેટેલાઇટના આધારે કરવામાં આવશે. અમે સેટેલાઇટ આધારિત ટોલ કલેક્શન સિસ્ટમ દ્વારા આ કરીશું. પૈસા તમારા ખાતામાંથી સીધા જ કપાઈ જશે અને વ્યક્તિ જેટલા કિલોમીટરની મુસાફરી કરશે તેના આધારે ચાર્જ વસૂલવામાં આવશે.

સેટેલાઇટ ટોલ કલેક્શન સિસ્ટમથી લોકોને કેવી રીતે ફાયદો થશે?

કેન્દ્રીય મંત્રીએ વધુમાં દાવો કર્યો કે આ નવી સિસ્ટમ હેઠળ સમય અને નાણાંની બચત થશે. જો કે, પહેલા મહારાષ્ટ્રના મુંબઈથી પુણે સુધીની મુસાફરીને પૂર્ણ કરવા માટે નવ કલાકનો સમય લાગતો હતો, પરંતુ હવે તે માત્ર બે કલાકમાં પૂર્ણ કરી શકાય છે.

મોદી સરકાર તમામ શહેરો અને લાંબા રૂટમાં ઈ-બસ ચલાવશે

કેન્દ્રીય મંત્રીએ અગાઉ 18 માર્ચ, 2024 ના રોજ કહ્યું હતું કે મોદી સરકાર આગામી પાંચ વર્ષમાં તમામ ભારતીય શહેરોમાં અને દિલ્હી-શિમલા, દિલ્હી-ચંદીગઢ તેમજ મુંબઈ-પુણે જેવા કેટલાક લાંબા રૂટ પર ઇલેક્ટ્રિક બસો શરૂ કરવાની યોજના ધરાવે છે.

 

લોકસભા ચૂંટણી 2024: વિવાદાસ્પદ બોલ મોંઘા પડ્યા!

લોકસભા ચૂંટણી 2024: કેન્દ્રીય ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને નોટિસ પાઠવી તેમના જવાબો માંગ્યા છે. કેન્દ્રીય ચૂંટણી પંચે કંગના રનૌત વિશે કરેલી પોસ્ટ માટે સુપ્રિયા શ્રીનેટના ભૂતપૂર્વને નોટિસ પાઠવી છે. ચૂંટણી પંચને ગુરુવારે સાંજે 5:00 વાગ્યા સુધીમાં જવાબ આપવા માટે કહેવામાં આવ્યું છે.

દિલીપ ઘોષે મમતા બેનર્જી પર ટિપ્પણી કરી હતી

મમતા બેનર્જીએ આપેલા ઉપરોક્ત નિવેદન બદલ પશ્ચિમ બંગાળના નેતા દિલીપ ઘોષને નોટિસ જારી કરવામાં આવી છે. TMC વતી, દિલીપ ઘોષ વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે આદર્શ આચાર સંહિતા (MCC)નું ઉલ્લંઘન કર્યું છે. ટીએમસીએ આરોપ લગાવ્યો છે કે પશ્ચિમ બંગાળ એકમના ભૂતપૂર્વ પ્રમુખ દિલીપ ઘોષે ટીએમસીના ચૂંટણી સૂત્ર બાંગ્લા નિઝર મેકે ચાય (બંગાળને તેની પુત્રી જોઈએ છે)ની મજાક ઉડાવી છે.

ભાજપે માંડી છે દખ્ખણભણી દોટ

હોળી-ધૂળેટીના તહેવારમાં જેમ રંગોનું વૈવિધ્ય માણવા મળે એમ લોકશાહીમાં ચૂંટણી એવો તહેવાર છે, જેમાં અનેકવિધ રંગોનું મિશ્રણ જોવા મળે છે. 16 માર્ચે ચૂંટણી પંચે આ ‘પંચવર્ષીય ધૂળેટી’ નું એલાન કર્યું એની સાથે વિવાદના ગુલાલ ઉડવાના પણ શરૂ થઇ ચૂક્યા છે.

ચૂંટણીના આ તબક્કે પહેલી નજરે શું દેખાય છે?

દેખીતી રીતે જ, નરેન્દ્ર મોદી અને ભાજપનો અશ્વ આગળ દેખાય છે. ચૂંટણીના અસલી રંગો તો રાજકીય નેતાઓ જાહેરસભાઓમાં અને કાર્યકર્તાઓ સોશિયલ મિડીયામાં આક્ષેપ-પ્રતિઆક્ષેપની પિચકારીઓ મારશે ત્યારે દેખાશે, પણ હાલની સ્થિતિએ સત્તારૂઢ એનડીએ અને વિરોધીદળ ઇન્ડિયા એલાયન્સ ક્યાં છે એ સમજવા એમની ચૂંટણી રણનીતિ સમજવાનો પ્રયત્ન કરીએ.

એકઃ દખ્ખણભણી મીટ

અબ કી બાર ચારસો કે પાર કરવા જંગે ચડેલી મોદીસેનાએ હકીકતમાં 400 પ્લસ બેઠક લાવવી હોય તો દક્ષિણ ભારતમાં ફતેહ કર્યા વિના છૂટકો નથી એ વાત ભાજપ નેતૃત્વ જાણે છે. ઉત્તરભારતના હિન્દીભાષી રાજ્યોમાં ભાજપ ટોચ પર છે, એનાથી ઉપર જઇ શકાય એમ નથી એટલે 400 પ્લસ માટે દક્ષિણમાં ભગવો લહેરાવવો જ પડે.

એ માટે ભાજપનું પહેલું લક્ષ્ય છે કોઇપણ હિસાબે તામિલનાડુમાં એન્ટ્રી કરવાનું. ગયા વર્ષે નવા સંસદભવનમાં સ્પીકરની ખુરશી પાસે તામિલનાડુના ચોલા વંશના રાજદંડ સેંગોલની પ્રતિષ્ઠા પછી ભાજપ તામિળ મતદારોના રીઝવવા આકાશપાતાળ એક કરી રહ્યો છે. પાંચ રાજ્યની 129 બેઠક પૈકી કર્ણાટકમાં પક્ષ પાસે જનાધાર છે, પણ આંધ્ર, તેલંગણા, તામિળનાડુ અને કેરળમાં એ નરેન્દ્ર મોદીની લોકપ્રિયતા થકી જનાધાર ઉભો કરવા મથી રહ્યો છે. તમે જાણો જ છો કે, જાન્યુઆરીમાં રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા પહેલાં અને એ પછી હમણાં સુધી વડાપ્રધાન દક્ષિણ ભારતના મોટાભાગના મંદિરોમાં માથું ટેકવી આવ્યા છે.

બેઃ અવધ મેં હોલી ખેલે રઘુવીરા

ઉત્તર ભારતમાં અમુક અંશે પંજાબ સિવાય ભાજપ માટે બહુ મુશ્કેલી નથી કેમ કે, રામમંદિરનો જે મુદ્દો 90ના દાયકામાં વિરોધી છાવણીમાં ભાજપ પાસે હતો એમ આજે શાસક છાવણીમાં ય ભાજપ પાસે છે. રામમંદિર મુદ્દે બહારથી ચૂંટણીલક્ષી જુવાળ ન દેખાય તો પણ પાંચસો વર્ષ પછી અયોધ્યામાં રઘુવીર હોલી ખેલી રહ્યા છે એ વાત ભાજપના નેતાઓ ભૂલવા દેતા નથી. ઉત્તર પ્રદેશના મેરઠમાં રામાયણ સિરીયલના રામ, અરુણ ગોવિલને ટીકીટ એનું પ્રતીક છે. રામમંદિરની પ્રતિષ્ઠા વખતે ઘેર ઘેર ભગવો ધ્વજ અને એ પછી ઘેર ઘેર પ્રસાદ એટલું જ ભાજપ માટે પર્યાપ્ત હતું.

ત્રણઃ નેતાઓ નિશાને પે

વિરોધ પક્ષના મહત્વના નેતાઓને એમના જ મતવિસ્તારમાં વ્યસ્ત રાખવા એ ભાજપની રણનીતિનો ત્રીજા મહત્વનો ભાગ છે. કેરળમાં શશી થરુરની સામે કેન્દ્રિય મંત્રી રાજીવ ચંદ્રશેખર રાજ્યસભામાં ચૂંટાયેલા હોવા છતાં ય લડે છે. બારામતીમાં શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે સામે અજીત પવારના ભાભીને ઉભા રાખવા એના ઉદાહરણો છે. બંગાળમાં સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને એ જ વિસ્તારમાંથી ઉમેદવાર બનાવી ભાજપે મમતાની મુશ્કેલી જ વધારી છે તો રાયબરેલીમાં કોંગ્રેસ સોનિયાના સ્થાને કોને ઉતારે છે એની ભાજપ રાહ જોઇ રહ્યો છે. અમેઠીની બેઠક જે રીતે સ્મૃતિ ઇરાનીએ કબજે કરી એ જ રીતે રાયબરેલી ભાજપનું નવું નિશાન છે. વિરોધ પક્ષના મહત્વના નેતાઓને એમના જ મતવિસ્તારમાં પડકારીને વ્યસ્ત રાખવા અને એ રીતે મનોવૈજ્ઞાનિક દબાણ ઉભું કરવું એ ભાજપની રણનીતિનો જ એ ભાગ છે.

ચારઃ વિરોધીઓની કમર તોડો

ભાજપ જાણે છે કે કોંગ્રેસ હોય કે સમાજવાદી, આરજેડી, શરદ પવારનું એનસીપી જેવા સાથી પક્ષો અત્યારે એના અસ્તિત્વની લડાઇ લડી રહ્યા છે, કાં તો લડવાનું ઝનૂન ખોઇ બેઠા છે. એવામાં એમના મહત્વના નેતાઓને યેનકેન પ્રકારે તોડીને પક્ષમાં લવાય તો વિરોધીઓનું મનોબળ તૂટે. બિહારમાં નીતિશકુમારનો ખેલ પાડ્યા પછી મધ્યપ્રદેશમાં કમલનાથના નજીકના લોકો સહિત વિરોધ પક્ષના નેતાઓને જે રીતે ભાજપ પ્રવેશ આપી રહ્યો છે એમાં આ જ ગણિત છે. મહારાષ્ટ્રમાં શરદ પવાર હકીકતમાં કઇ તરફ છે એ હજુ પવાર સિવાય કોઇ સમજી શક્યું નથી. આમેય, પવારદાદા હવે નિવૃત્તિમોડ તરફ છે. અરવિંદ કેજરીવાલની ચૂંટણીટાણે જ ધરપકડ એ ગણતરીપૂર્વકનું જોખમ છે. કેજરીવાલની ધરપકડનો મુદ્દો બહુ બહુ તો દિલ્હી અને પંજાબમાં અસર કરે, પણ દિલ્હીમાં ભાજપ પાસે સાતે સાત બેઠક છે. દિલ્હી વિધાનસભામાં આપની બહુમતી છતાં, કેન્દ્રમાં દિલ્હીવાસીઓની પસંદ મોદી છે એ ભૂતકાળમાં સાબિત થઇ ગયું છે. પંજાબમાં આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધન ન થાય તો ભાજપ માટે ખાસ કાંઇ ગુમાવવાનું નથી. વિરોધ પક્ષને તોડવાથી ભાજપના મતોની સંખ્યા વધે એના કરતાંય વિરોધીઓની કમર તૂટે એ ભાજપ માટે લાંબાગાળે ફાયદાકારક છે અને એટલે જ ઇન્ડિયા એલાયન્સને નબળું પાડવાની એકપણ તક ભાજપ ચૂકતો નથી. અમેરિકન નાટ્યકર્મી ટોમ સ્ટોપાર્ડનું મશહૂર વિધાન છે કે, ‘લોકશાહીમાં મતદાન નહીં, સંખ્યાની ગણતરી મહત્વની છે.’ ભાજપની ચૂંટણીલક્ષી રણનીતિ આ સંખ્યાની ધરી ફરતે જ ઘડાય છે.

પાંચઃ મોદી હી મોદી

અલબત્ત, આ રણનીતિમાં હજુ પણ સૌથી મોટું ટ્રમ્પકાર્ડ તો નરેન્દ્ર મોદી જ છે. બધાં ચોકઠાં ગોઠવ્યા પછી ય, જે તે વિસ્તારમાં ઉમેદવાર કોણ છે એ વાત મહત્વનો ભાગ ભજવે છે. ઉમેદવારની છાપ સારી ન હોય, એન્ટી ઇન્કમ્બન્સી હોય કે કાર્યકર્તાઓમાં ઉમેદવાર માટે બહુ સારી છાપ ન હોય તો પાસાં અવળાં ય પડે. અહીં આ કાર્ડનો ઉપયોગ મતદારોના ફોનમાં વ્યક્તિગત મેસેજ કે ડોર ટુ ડોર સંપર્કથી થાય છે. આપણે જાણીએ છીએ કે આપણા વિસ્તારના ઉમેદવાર કોણ છે, પણ આપણે ઉમેદવારને નહીં, નરેન્દ્ર મોદીને જીતાડવાના છે એ ધ્યાનમાં રાખજો.’ આ મતલબનો મેસેજ જે તે મતવિસ્તારના મતદારો સુધી અસરકારક રીતે પહોંચે એ વાતની પક્ષનું ચૂંટણી મેનેજમેન્ટ સંભાળતા લોકો ધ્યાન રાખે છે. બાકીનું કામ નરેન્દ્રભાઇ એમની જાહેરસભાઓમાં પૂરું કરી દે છે.

અલબત્ત, હજુ તો ચૂંટણીની શરૂઆત છે અને છેવટે તો એ ઊંડા પાણીનો ખેલ છે. જેમ જેમ એનો ઘૂઘવાટ (કે ઘોંઘાટ) વધતો જશે એમ આપણે એ સમજવાનો પ્રયત્ન કરતાં જઇશું. હવે પછી વાત કરીશું કોંગ્રેસ ગઠબંધનની રણનીતિની.

(લેખક ચિત્રલેખા.કોમના એડિટર છે.)