Home Blog Page 1985

પાણી પહેલાં પાળઃ ઉનાળામાં વીજ ગૂલ નહીં થાય

નવી દિલ્હીઃ આ વખતે દેશમાં આકરી ગરમી પડવાનાં એંધાણ છે, જેથી પાવરની માગ પિક પર પહોંચવાની અપેક્ષા છે સરકારે ગરમી વધતાં પહેલાં વીજ સપ્લાય વધારવાની તૈયારી શરૂ કરી દીધી છે. કેન્દ્રીય વીજ મંત્રી આરકે સિંહે આ વિશે 22 માર્ચે એક બેઠક બોલાવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગેસથી ઇલેક્ટ્રિક બનાવતી કંપનીઓને બોલાવવામાં આવી હતી. એમાં ગરમી વધતાં પહેલાં કંપનીઓને કુલ એનર્જીમાં ગેસ આધારિત ઇલેક્ટ્રિસિટીનો હિસ્સો વધારવાના ઉપાય કરવાના નિર્દેશ આપવામાં આવ્યા છે.

તેમણે ગેસની કિંમતોમાં નરમાઈને લીધે ગેસની ખરીદદારી વધારવાના નિર્દેશ આપ્યા છે. છેલ્લા છ મહિનામાં નેચલ ગેસની કિંમતોમાં આશરે 30 ટકા ઘટ્યા છે. આ વખતે દેશમાં આકરી ગરમી પડવાનાં એંધાણ છે, જેથી પાવરની માગ પિક પર પહોંચવાની અપેક્ષા છે. આ પહેલાં સરકાર ગેસ આધારિત પાવર ઉત્પાદન વધારીને 10,000 MW કરવા ઇચ્છે છે. સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (CEA)એ 16 માર્ચથી 30 જૂનની વચ્ચે વીજ માગ ઝડપથી વધવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 10,000 મેગાવોટનું એ ઉત્પાદન NTPCની ગેસ આધારિત 5000 MWની ઉત્પાદન ક્ષમતાથી વધારાનું હશે. 

હાલ ગેસથી આશરે 3200-4200 MW વીજનું ઉત્પાદન થઈ રહ્યું છે, એમાંથી આશરે 2000-3000 MWનું ઉત્પાદન NTPC કરી રહી છે. બાકીના 1200 MW સરકાર બહારથી ખરીદી રહી છે. આ બેઠકમાં સામેલ સિનિયર અધિકારીઓએ જણાવ્યું હતું કે વીજ ઉત્પાદન કરતી બધી કંપનીઓને  ગેસ આધારિત પાવર પ્લાન્ટ્સ ચલાવવા માટે નિર્દેશ આપવામાં આવ્યા છે. વિતરણ કંપનીઓ જો એને નહીં ખરીદે તો એને પાવર એક્સચેન્જોને વેચવા માટે કહેવામાં આવ્યું છે.

 

 

 

 

 

 

ડાકોરના પથ પર પદયાત્રીઓ માટે ચાલતો મહાસેવાયજ્ઞ

અમદાવાદ: દર વર્ષે,  હોળી નિમિત્તે લાખો ભક્તો પગપાળા ડાકોર રણછોડજીના દર્શને જતા હોય છે. આ પદયાત્રીઓ માટે રસ્તામાં અનેક સેવાયજ્ઞ સમાન કેમ્પ ચાલતા હોય છે. જેમાં પગપાળા જતાં ભક્તોને મફત જમવાનું તેમજ રહેવાની સગવડ આપવામાં આવે છે. આવો જ એક સેવાયજ્ઞ ચલાવી રહ્યું છે ચિરીપાલ ગ્રુપ.

અમદાવાદથી થોડાક કિલોમીટરના અંતરે સિહુંજ ગામ નજીક આવેલ ચિરીપાલ દેવકીનંદન વિશ્રામ ગૃહ ખાતે આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે. ડાકોરની મુલાકાત લેનારા અસંખ્ય ભક્તોની જરૂરિયાતોને પૂરી કરવા કેમ્પ ચોવીસ કલાક ચાલુ રાખવામાં આવેલ છે. જેમા ચિરીપાલ સેવા શિબિર તમામ ભક્તોને મફત ભોજન અને દવાઓ આપે છે. અહીં ચિરીપાલ જૂથના સેવાભાવી અગ્રણી બ્રિજમોહન ચિરીપાલની દેખરેખમાં 200થી વધુ સ્વયંસેવકો ત્રણ દિવસ દરમિયાન 7 લાખથી વધુ ભક્તોની સેવા માટે ખડેપગે હાજર રાખવામાં આવ્યા છે. આ વર્ષે આ ઉમદા પ્રયાસનું સતત 29મું વર્ષ છે.

આ અંગે ચિરીપાલ ગ્રૂપના પ્રમોટર રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે, “જાહેર સેવા ચિરીપાલ ગ્રૂપના મૂળમાં છે, અને અમે સમાજના લાભ માટે અમારો સમય અને અમારા સંસાધનો આપવા માટે પ્રતિબદ્ધ છીએ. છેલ્લા 29 વર્ષથી અહીં ભક્તોના સમુદાયની સેવા કરવામાં અમને ખૂબ જ આનંદ થાય છે, અને અમે ભવિષ્યમાં પણ આ મહા સેવા કાર્ય કરતા રહીશું.”

ભક્તોની તબીબી જરૂરિયાતો  માટે  ડૉક્ટર્સ,  નર્સિસ અને માલિશ કરનારની સમર્પિત ટીમ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. લાંબી મુસાફરીને કારણે સ્નાયુઓના તાણ અને થાકને દૂર કરવા માટે પગની મસાજ અહીં કરી આપવામાં આવતી હોય છે. જ્યારે સામાન્ય બિમારીઓ માટે મફત દવાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવે છે. શિબિરમાં ભક્તિમય ગીતો અને ભજનો સાથે આધ્યાત્મિક વાતાવરણ હોય છે.

આતંકવાદી હુમલોઃ રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિની યુક્રેનને ધમકી

મિલિટરી યુનિફોર્મ પહેરેલા આતંકીઓ રશિયાની રાજધાની મોસ્કોમાં એક મોટા કોન્સર્ટ હોલમાં ઘૂસી ગયા અને ત્યાં હાજર લોકો પર અંધાધૂંધ ગોળીબાર કર્યો. આ હુમલામાં 70 લોકોના મોત થયા હતા જ્યારે 145થી વધુ લોકો ઘાયલ થયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આ 5 આતંકવાદીઓએ ખુલ્લેઆમ ગોળીબાર કર્યો હતો અને બોમ્બ પણ ફોડ્યા હતા. રશિયામાં આ ઘટના વ્લાદિમીર પુતિન પાંચમી વખત રાષ્ટ્રપતિ બન્યા તેના બે દિવસ બાદ બની છે.

આ મામલે રશિયાના પૂર્વ રાષ્ટ્રપતિ મેદવેદેવે યુક્રેનને ધમકી આપતા કહ્યું કે જો મોસ્કો કોન્સર્ટ હોલ હુમલામાં કિવ શાસનનું નામ આવશે તો યુક્રેનના ટોચના નેતૃત્વનો આતંકવાદીઓની જેમ ક્રૂરતાથી સફાયો કરી દેવામાં આવશે. તે જ સમયે, યુક્રેનના રાષ્ટ્રપતિ સલાહકારે જવાબ આપ્યો કે કિવને મોસ્કોમાં થયેલા હુમલા સાથે કોઈ લેવાદેવા નથી.

ISIS-K એ હુમલાની જવાબદારી લીધી હતી

મોસ્કોમાં થયેલા આતંકવાદી હુમલાની જવાબદારી ISIS-Kએ લીધી છે. તેણે પોતાની ટેલિગ્રામ ચેનલ પર લખ્યું, ઇસ્લામિક સ્ટેટના લડવૈયાઓએ રશિયાની રાજધાની મોસ્કોના ક્રાસ્નોગોર્સ્કમાં સ્થિત ક્રોકસ સિટી હોલમાં ખ્રિસ્તીઓના એક મોટા મેળાવડા પર હુમલો કર્યો. “આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા અને ઘાયલ થયા અને મોટા પ્રમાણમાં વિનાશ થયો.

અમેરિકાએ રશિયા સાથે માહિતી શેર કરી હતી

અમેરિકન ગુપ્તચર એજન્સીના એક અધિકારીએ સમાચાર એજન્સી એસોસિએટેડ પ્રેસ (એપી)ને જણાવ્યું કે અમેરિકન ગુપ્તચર એજન્સીઓને માહિતી મળી હતી કે અફઘાનિસ્તાનમાં આ જૂથની એક શાખા મોસ્કોમાં હુમલાની યોજના બનાવી રહી છે. તેણે આ માહિતી રશિયન અધિકારીઓ સાથે પણ શેર કરી હતી. અમેરિકાનું કહેવું છે કે ISIS-K રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનો વિરોધ કરે છે અને છેલ્લા ઘણા વર્ષોમાં એવું જોવા મળ્યું છે કે તે પોતાના પ્રચારમાં પુતિનની ટીકા કરી રહ્યું છે.

હિમાચલના છ બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં સામેલ

સિમલાઃ હિમાચલ કોંગ્રેસના છ બળવાખોર વિધાનસભ્યો ભાજપમાં સામેલ થયા છે. માહિતી અને પ્રસારણપ્રધાન અનુરાગ ઠાકુરે પાર્ટીની ઓફિસમાં આ છ બળવાખોર વિધાનસભ્યોને દિલ્હીમાં પાર્ટીમાં સામેલ કર્યા હતા. આ બળવાખોર વિધાનસભ્યોએ હિમાચલમાં રાજ્યસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું, જે પછી આ વિધાનસભ્યોને સ્પીકરે સસ્પેન્ડ કર્યા હતા.

હવે કોંગ્રેસના ધર્મશાલાથી સુધીર શર્મા, સુજાનપુરથી રાજિન્દર રાણા, લોહોલ સ્પિતીથી રવિ ઠાકુર, બડસરથી ઇન્દ્રદત્ત લખનપાલ, ગગરેટથી ચૈતન્ય શર્મા અને કુટલહેડથી દેવેન્દ્ર કુમાર ભુટ્ટો હવે ભાજપમાં સામેલ થયા છે. હિમાચલના બળવાખોર વિધાનસભ્ય સુધીર શર્માએ કહ્યું હતું કે અમે હર્ષ મહાજનને એટલા માટે મત આપ્યો હતો, કેમ કે તેઓ અમારા જિલ્લાના છે.

હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ કુલદીપ સિંહ પઠાનિયાએ રાજ્યસભાની ચૂંટણીમાં બળવો કરનાર છ બળવાખોર ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પક્ષપલટાવિરોધી કાયદા હેઠળ છ ધારાસભ્યો વિરુદ્ધ ફરિયાદ ધારાસભ્ય અને મંત્રી હર્ષવર્ધન દ્વારા અમારા સચિવાલયને મળી હતી, ત્યાર બાદ તેમણે બંને પક્ષોને સાંભળ્યા અને પોતાનો નિર્ણય આપ્યો હતો. સસ્પેન્ડ કરાયેલા ધારાસભ્યોએ વ્હીપનું ઉલ્લંઘન કર્યું હતું.

હિમાચલ પ્રદેશ વિધાનસભામાં કોંગ્રેસના 40 ધારાસભ્યો હતા. 68 સભ્યોની વિધાનસભામાં બહુમતી માટે જરૂરી આંકડો 35 હતો. છ ધારાસભ્યોના બળવા પછી કોંગ્રેસ નંબર ગેમમાં 40થી ઘટીને 34 પર આવી ગઈ છે, જે બહુમતી માટે જરૂરી આંકડા કરતાં એક ઓછી છે. પરંતુ બળવાખોર ધારાસભ્યોને સભ્યપદેથી અયોગ્ય ઠેરવ્યા બાદ હવે વિધાનસભાની સંખ્યા 62 થઈ ગઈ છે. આવી સ્થિતિમાં બહુમત માટે જરૂરી આંકડો હવે 32 થઈ ગયો છે. તેથી હાલમાં વિધાનસભામાં માત્ર કોંગ્રેસ જ આગળ છે.

 

 

 

 

 

 

 

 

અમૂલે રચ્યો ઈતિહાસ, હવે અમેરિકા પણ પીશે ભારતીય દૂધ

અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડિયા… ના-ના, હવે માત્ર ભારતના લોકો જ નહીં પણ અમેરિકાના લોકો પણ આ ગીત ગાશે, કારણ કે હવે અમેરિકા પણ આનંદથી અમૂલ બ્રાન્ડનું દૂધ પીશે. આ સાથે અમૂલ બ્રાન્ડના માલિક ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને પણ નવો ઈતિહાસ રચ્યો છે. અમેરિકામાં ભારતીય ડેરી બ્રાન્ડની આ પ્રથમ એન્ટ્રી છે. અમૂલ બ્રાન્ડ, જે ભારતમાં દરરોજ લાખો લિટર તાજા દૂધનો સપ્લાય કરે છે, તે હવે અમેરિકામાં પણ તેની શક્તિનું પ્રદર્શન કરશે. અમૂલ બ્રાન્ડ અહીં તાજા દૂધના સેગમેન્ટમાં કામ કરશે.

108 વર્ષ જૂની ડેરી સાથે ડીલ

ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF) એ અમેરિકામાં અમૂલ બ્રાન્ડનું દૂધ વેચવા માટે અમેરિકાની 108 વર્ષ જૂની ડેરી ‘મિશિગન મિલ્ક પ્રોડ્યુસર્સ એસોસિએશન’ સાથે કરાર કર્યો છે. જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર જયેન મહેતાએ સહકારીની વાર્ષિક બેઠકમાં આની જાહેરાત કરી હતી. આ પ્રથમ વખત છે જ્યારે અમૂલ બ્રાન્ડની તાજા દૂધની શ્રેણી ભારતની બહાર અમેરિકા જેવા બજારોમાં લોન્ચ કરવામાં આવી રહી છે. અમેરિકામાં ભારતીય મૂળના સમુદાયની મોટી વસ્તી છે.

મોસ્કોમાં આતંકી હુમલામાં 115 લોકોના મોત, 11 આરોપીઓ ઝડપાયા

મોસ્કોના ક્રોકસ સિટી હોલ કોન્સર્ટમાં થયેલા હુમલા બાદ અગિયાર લોકોની અટકાયત કરવામાં આવી છે, જેમાં ચાર સીધા સામેલ હતા. વિધાનસભ્ય એલેક્ઝાન્ડર ખિન્શટેને શનિવારે ટેલિગ્રામ પર આની જાણ કરી હતી. રશિયાના બ્રાયન્સ્ક વિસ્તારમાં કારનો પીછો કર્યા બાદ બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. અન્ય આરોપીઓ પગપાળા નજીકના જંગલમાં ભાગી ગયા હતા. ઈસ્લામિક સ્ટેટ ખોરાસાનના આતંકવાદીઓના હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 115 થઈ ગઈ છે. 145 લોકો ઘાયલ થયા છે.

હુમલાનો ડરામણો વીડિયો

હુમલાના સ્થળના વિડિયો ફૂટેજમાં ક્રોકસ સિટી હોલ કોન્સર્ટ સ્થળને આગ લાગતી દેખાઈ હતી, જે હવાને જાડા, કાળા ધુમાડાથી ભરી રહી હતી. તે વિશાળ હોલમાં ગોળીબારના અવાજ વચ્ચે ડરી ગયેલા સ્થાનિકોને ચીસો પાડતા અને ડરતા બતાવે છે. રાજ્ય સંચાલિત RIA નોવોસ્ટીએ અહેવાલ આપ્યો કે સશસ્ત્ર માણસોએ ગોળીબાર કર્યો અને ગ્રેનેડ અથવા આગ લગાડનાર બોમ્બ ફેંક્યો, જેના કારણે આગ લાગી.

ISIS-K આતંકવાદી જૂથ કોણ છે?

ISIS-K આતંકવાદી જૂથની સ્થાપના 2015માં પાકિસ્તાની તાલિબાનના અસંતુષ્ટ સભ્યો દ્વારા કરવામાં આવી હતી. આ જૂથમાં 2 હજાર સૈનિકો સામેલ છે. ન્યૂયોર્ક સ્થિત સુરક્ષા સલાહકાર કંપની સોફન ગ્રુપના આતંકવાદ વિરોધી વિશ્લેષક કોલિન પી. ક્લાર્કે જણાવ્યું હતું કે ISIS-K છેલ્લા બે વર્ષથી રશિયાને નિશાન બનાવવાની યોજના બનાવી રહ્યું હતું. આ જૂથ તેના પ્રચારમાં વારંવાર રશિયન પ્રમુખ વ્લાદિમીર વી. પુતિનની ટીકા કરે છે.

ભાજપનાં રંજન ભટ્ટ, ભિખાજી ઠાકોરનો ચૂંટણી લડવા નનૈયો

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને ઉમેદવારોએ ફોર્મ પણ ભરાવવા માંડ્યા છે. ત્યારે ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવ્યા છે. વડોદરા લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર રંજનબહેન ભટ્ટે ચૂંટણીમાં નહીં ઝંપાવવાનું નક્કી કર્યું છે. તેમણે સોશિયલ મિડિયા અંગત કારણોસર લોકસભાની ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.

આ સાથે જ્યારે સાબરકાંઠા બેઠક પરથી ભિખાજી ઠાકોરે પણ ચૂંટણી લડવાનો ઇનકાર કર્યો છે. ભિખાજી ઠાકોરે અંગત કારણોસર ચૂંટણી લડવાની ના પાડી છે.

સાબરકાંઠા બેઠક પર ભાજપે ભિખાજી ઠાકરોને ઉમેદવાર બનાવ્યા હતા, પરંતુ થોડા જ સમયમાં તેમની અટકને લઈને મતવિસ્તારમાં વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મિડિયા પર ભીખાજી ઠાકોરની જગ્યાએ ડામોર અટક હોવાની વાતો ચર્ચા હતી. આ વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સોશિયલ મિડિયા પર પત્રિકા વોર શરૂ થયું હતું. સાબરકાંઠામાં ભાજપ દ્વારા વર્તમાન સાંસદ દીપસિંહ રાઠોડની ટિકિટ કાપી દીધી હતી અને તેમના બદલે અરવલ્લીના મેઘરજ તાલુકાના ભિખાજી દુધાજી ઠાકોરને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા.

રંજનબહેન વિરુદ્ધ લાગ્યાં હતાં પોસ્ટરો

વડોદરામાં ભાજપના સાંસદ તથા ઉમેદવાર રંજન ભટ્ટનો વિરોધ થયો હતો. તેમના વિરુદ્ધ પોસ્ટરો પણ લાગ્યાં હતાં. બીજી તરફ સોશિયલ મિડિયા પર તેમના સપોર્ટમાં પણ કેમ્પેન શરૂ થયું હતું. મારી સામે ખોટા આક્ષેપો થયા છે. મારી સામે ઘણા લોકોએ વિરોધ પણ વ્યક્ત કર્યો છે. મને વડોદરાની જનતાનો ખૂબ જ પ્રેમ મળ્યો છે. મારા કામને લઈને જ ભાજપે મને ત્રીજી વખત ટિકિટ આપી હતી. જોકે છેલ્લા કેટલાક દિવસથી જે ચાલી રહ્યું છે તે જોતાં મેં મનથી જ ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે.

 

 

 

 

 

રશિયામાં મોટો આતંકવાદી હુમલોઃ 70નાં મોત, 140 ઘાયલ

મોસ્કોઃ રશિયાની રાજધાની મોસ્કો ક્રોકસ સિટી હોલ પર થયેલા આતંકવાદી હુમલામાં 70 લોકોનાં મોત થયાં છે. આ આંકડો વધવાની આશંકા છે. આ ઘટનામાં 140થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલો શુક્રવારની રાત્રે થયો હતો. એની જવાબદારી ISISએ લીધી છે. 

મોસ્કોના ક્રોકસ સિટી હોલમાં પાંચ બંદૂકધારીઓએ ટોળા પર ગોળીબાર કરતાં ઓછામાં ઓછા 70 લોકોનાં મોત થયાં હતાં. આરોગ્ય મંત્રાલયના વડા મુરાશ્કોએ જણાવ્યું હતું કે હોસ્પિટલમાં દાખલ કરાયેલા 140 લોકોમાંથી 60ની હાલત ગંભીર છે. સેનાની વરદી પહેરેલા આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીઓ ચલાવી હતી. તેમણે બોમ્બ ફેંક્યા અને ફરાર થયા હતા.  વડા પ્રધાન મોદીએ આ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કરી હતી. તેમણે આંતકવાદી હુમલાની નિંદા કરી હતી તેમણે કહ્યું હતું કે અમારી સંવેદના પીડિત પરિવારોની સાથે છે. દુઃખની આ ઘડીમાં ભારત રશિયાની સરકાર અને લોકોની સાથે એકજુટતાથી ઊભો છે.

રશિયન નેશનલ ગાર્ડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તેમણે આતંકવાદીઓને પહોંચી વળવા માટે પોતાનું ઓપરેશન પણ શરૂ કરી દીધું હતું. આ કામગીરીમાં હેલિકોપ્ટરની પણ મદદ કરવામાં આવી હતી. 50થી વધુ એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં ઇજાગ્રસ્તોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા.

આ પાંચ હુમલાખોરોમાંથી એકને પકડવામાં આવ્યો છે. રશિયન રોક બેન્ડ ‘પિકનિક’ ના કોન્સર્ટમાં ભાગ લેવા માટે ક્રોકસ સિટી હોલમાં હકડેઠઠ ભીડ એકઠી થઈ હતી ત્યારે આ હુમલો થયો હતો. આ હોલમાં 6 હજારથી વધુ લોકો બેસી શકે છે. લડાકુ જેવા પોશાકમાં ઓછામાં ઓછા પાંચ માણસો કોન્સર્ટ હોલમાં પ્રવેશ્યા અને ગોળીબાર કર્યો હતો.

હાલ મોસ્કો એરપોર્ટને બંધ કરી દેવામાં આવ્યું છે અને ટ્રેનોની અવરજવર પણ બંધ કરી દેવામાં આવી છે. સાથે જ મોસ્કોમાં પણ જાહેર સ્થળો પર લોકોને એકઠા થવાની મનાઈ ફરમાવવામાં આવી છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે આ હુમલાને ‘જઘન્ય અને કાયરતાપૂર્ણ આતંકવાદી હુમલો’ ગણાવીને તેની આકરી નિંદા કરી હતી.

 

 

 

 

 

 

 

કોરાનાના 125 નવા કેસો, બેનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસ ફરી એક વકરવા માંડ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 131 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે બે જણનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,33,332 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિશ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.

હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,537 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,98,985 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 139 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 990 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,66,611 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5619 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

વહીદા રહેમાનની ભૂમિકાઓની વિશેષ વાતો

વહીદા રહેમાનની કારકિર્દીમાં કેટલીક ભૂમિકાઓ મહત્વની રહી છે અને એની પાછળ રસપ્રદ વાતો પણ છે. ફિલ્મ ‘ખામોશી’ (1969) ની નર્સ રાધાની ભૂમિકા વહીદાની કારકિર્દીની શ્રેષ્ઠ ભૂમિકાઓમાં ગણાય છે. ફિલ્મમાં વહીદાએ બહુ સૂક્ષ્મ મનોભાવ વ્યક્ત કર્યા હતા. એમના હોઠ કરતાં આંખો વધુ બોલતી હતી. શ્રેષ્ઠ અભિનેત્રી માટે ફિલ્મફેરમાં વહીદાનું નામાંકન પણ થયું હતું. વહીદાને એ ભૂમિકા બહુ પસંદ રહી છે. જ્યારે વહીદાએ સુચિત્રા સેનની મુખ્ય ભૂમિકાવાળી એક બંગાળી ફિલ્મ ‘દીપ જવલે જાઈ’ (1959) જોઈ હતી અને એને હિન્દીમાં બનાવવા માટે અનેક નિર્માતાઓ- નિર્દેશકોને કહેતા રહ્યા હતા. એની તેલુગુ રિમેક સાવિત્રી સાથે બની ચૂકી હતી. પરંતુ ચાલી ન હતી.

આશુતોષ મુખર્જીની ટૂંકી વાર્તા ‘નર્સ મિત્રા’ પર આધારિત એ ફિલ્મની વાર્તા પોતાના સમયથી ઘણી આગળ હતી. તેથી હિન્દીમાં કોઈ તૈયાર થતું ન હતું. કેમકે એમને એ વિષય ગંભીર લાગતો હતો અને ફિલ્મ ચાલી શકે એમ લાગતી ન હતી. વહીદાએ દલીલ કરી હતી કે તમે હંમેશા ફિલ્મ ચાલશે કે નહીં એવું કેમ વિચાર્યા કરો છો? ત્યારે તેઓ કહેતા હતા કે આ અમારો ધંધો છે. અમારે એ જોવું જ પડે. ત્યારે વહીદાને એમની વાત સાચી લાગી હતી. એ પછી વહીદા કોઈ જગ્યાએ સંગીતકાર હેમંતકુમારને મળ્યા ત્યારે એમને આ બંગાળી ફિલ્મને હિન્દીમાં બનાવવા વિનંતી કરી. એમાં હેમંતકુમારનું જ સંગીત હતું. એમણે તરત જ પૂછ્યું કે તમે કામ કરશો? ત્યારે વહીદાએ કહ્યું કે હું કામ કરવા માગું છું એટલે જ તમને બનાવવા કહી રહી છું. અને એમણે તરત જ નિર્દેશક આસિત સેન સાથે ફિલ્મ ‘ખામોશી’ પર કામ શરૂ કરી દીધું હતું. એમનું જ સંગીત હતું અને ગુલઝારે લખેલા ‘હમને દેખી હૈ ઉન આંખોં કી મહેકતી ખૂશ્બૂ’ વગેરે ગીતો બહુ લોકપ્રિય રહ્યા હતા.

બંગાળી ફિલ્મમાં નિર્દેશક અસિત સેને એક નાની ભૂમિકા કરી હતી એને હિન્દીમાં ધર્મેન્દ્રએ નિભાવી હતી. વહીદા માટે ‘સાહિબ બીબી ઔર ગુલામ’ (૧૯૬૨) ની ‘જબ્બા’ ની ભૂમિકા પણ યાદગાર રહી છે. અસલમાં વહીદા મીનાકુમારીવાળી ‘છોટી બહૂ’ ની ભૂમિકા કરવા માગતી હતી પણ શક્ય બન્યું ન હતું. ફિલ્મમાં વહીદાનું મીનાકુમારી સાથે એકપણ દ્રશ્ય ન હતું. વહીદા એ માટે ગુરુદત્તને વિનંતી કરતી હતી.

ગુરુદત્તનું કહેવું હતું કે ફિલ્મ જે બંગાળી નવલકથા પર આધારિત હતી એમાં એવું દ્રશ્ય ન હતું. વહીદાએ એ માટે એવી દલીલ કરી હતી કે સિનેમામાં સ્વતંત્રતા લઈ શકાય છે. ગુરુદત્ત જ્યારે મીનાકુમારી સાથે વહીદા માટે વાત કરે છે ત્યારે એને મળવા લઈ જાય છે એવું દ્રશ્ય રાખી શકાય છે. પણ ગુરુદત્તે એમ કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. વહીદાની મીનાકુમારી સાથે દ્રશ્ય કરવાની બહુ ઇચ્છા હતી એ પૂરી થઈ શકી ન હતી. ‘સાહિબ બીબી ઔર ગુલામ’ માટે મીનાકુમારીને શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો. જ્યારે વહીદાનું સહાયક અભિનેત્રીમાં નામાંકન થયું હતું.