આ વર્ષે જયપુરમાં ગઈ હતી.શાદી કા મૌસમ. રાજસ્થાને પોતાની ડેસ્ટિનેશન વેડિંગનું મનગમતું સ્થળ બનાવી દીધું છે. આથી આપણે દરેક ક્યારેક રાજસ્થાની શાદીનો અનુભવ લઈ શકીએ છીએ. હું અને સુધીર નીકળ્યાં હતાં રાજસ્થાનના એક રિસોર્ટમાં પંજાબી શાદીની મજા માણવા.
અમારા એસોસિયેટ નરેશ અરોરાના દીકરાનાં લગ્ન હતાં. આ એક જ ફંકશન માટે અમે ગયા હતા, કારણ કે બીજા દિવસે ફરી પ્રવાસમાં નીકળવાનું હતું. મુંબઈ-જયપુરનો પ્રવાસ અમે ઈન્ડિગો એરથી કર્યો. વિંડો સીટનું આકર્ષણ આપણે ગમે તેટલો પ્રવાસ કરીએ અથવા ગમે તેટલી ઉંમર થઈ હોય છતાં આપણા દરેકને હોય જ છે. સામાન્ય રીતે આપણા ભારતના વિમાન પ્રવાસમાં એક સાઈડમાં ત્રણ અને બીજી સાઈડમાં ત્રણ સીટ્સ એમ થ્રી બાય થ્રી કોન્ફિગરેશન હોય છે સીટ્સનું. અમને એક વિંડો અને એક વચ્ચેની સીટ હતી. હવે ત્રીજું કોણ હશે તે આઈલસીટ પર તેની પર મને વિંડો મળશે કે સુધીરને તે નક્કી થવાનું હતું.
હું મનમાં ને મનમાં આઈલ સીટ પર કોઈક પુરુષ પ્રવાસી આવે એવી પ્રાર્થના કરતી હતી, જેથી સુધીરને વચ્ચે બેસવું પડશે અને મને વિંડો સીટ મળવાની હતી. માંડ બે કલાકનો પ્રવાસ પણ મારા અંતર્મનમાં બાળહઠ ગમે તેમ પૂરો થવા તૈયાર નહોતો. જો કે આમ પણ તે ક્યારેય પૂરો નહીં થવો જોઈએ. મનના એક ખૂણામાં આ બાળસુલભ જિજ્ઞાસા કુતૂહલ ઉત્સુકતા જીવંત રહેવી જોઈએ. તે દિવસે સુધીરનું નસીબ બળવત્તર હતું. આઈલ સીટ પર છોકરી આવી, મને ચૂપચાપ વચ્ચેની સીટ પર બેસવું પડ્યું અને સુધીરની સવારી, `જો, હું ક્યારેય અપેક્ષા કરતો નથી તેથી મને કાયમ સારું જ મળે છે,’ એમ વિજયી ભાવ ચહેરા પર લઈને વિંડો સીટ પર બિરાજમાન થયો. નસીબ ખરાબ એવું વિચારીને હું મારી સેન્ડવિચ સીટ પર `લેટ્સ એન્જોય રીડિંગ’ એવું મનમાં કહીને ઈન્ડિગોની ફ્લાઈટ મેગેઝીન લઈને બેઠી. આગામી બે કલાક અથથી ઈતિ સુધી મેગેઝીન વાંચી નાખ્યું. પાઈલટે `થોડા જ સમયમાં આપણે જયપુરમાં ઊતરીશું’ એવી અનાઉન્સમેન્ટ કરી. વિમાન નીચે ઊતરતું હતું ત્યારે સુધીરે કહ્યું, `જયપુર હવે અગાઉ જેવું ગુલાબી રહ્યું નથી.’આ વાક્ય એકાદ વેદનાની જેમ મને ખૂંચ્યું. કોઈક ગાયકને `તારો સૂર હવે પહેલા જેવો રહ્યો નથી’ એવું કહેતાં કેવું મહેસૂસ કરશે તેવું જ કાંઈક મને મહેસૂસ થયું. દુનિયાના અલગ અલગ દેશમાંથી આવનારા પર્યટકોને `પિંક સિટી જયપુર’ જોવાનું હોય છે અને વિમાનમાંથી તે પિંક દેખાય નહીં તો પછી તે લેબલનો રુઆબ છાંટવાનો શો અર્થ?
જયપુરે, રાજસ્થાને અને ભારતે પણ સિરિયસલી તેની પર વિચાર કરવો જોઈએ. કલરફુલ ક્નટ્રી તરીકે આપણા ભારત તરફ જોવામાં આવે છે અને તેનું મોટા ભાગનું શ્રેય રાજસ્થાનને જાય છે. મહારાજા સવાઈ રામસિંગે 1876માં ક્વીન વિક્ટોરિયાનો મોટો દીકરો ભવિષ્યનો રાજા પ્રિન્સ ઓફ વેલ્સ આલ્બર્ટ એડવર્ડ જ્યારે ભારતની મુલાકાતે જયપુરમાં આવવાનો હતો ત્યારે તેના સ્વાગતમાં રાજસ્થાની અગત્યશીલતા અને આતિથ્યનો રંગ તરીકે આખું જયપુર શહેર ગુલાબી કરી નાખ્યું. તે એટલું સુંદર દેખાવા લાગ્યું કે જયપુરની રાણીએ પ્રશ્ન કર્યો કે આવનારી દરેક વાસ્તુ આ જ રંગથી કેમ રંગવી નહીં જોઈએ? એક-એક કરીને ગુલાબી ઘરોની સંખ્યા વધવા લાગી, કારણ કે રાણીના આગ્રહ ખાતર રાજાએ કાયદો જ પસાર કરી નાખ્યો. આમ તો જયપુરમાં ઘણી વાર જવાનું થયું છે અને તેથી જ કદાચ જયપુરના ગુલાબી રંગનું પ્રોમિનન્સ એટલું દેખાતું નથી અથવા વિમાનમાંથી તો તે દેખાતું નથી એવું સુધીરના વાક્યથી જણાયું. પિંક સિટી જયપુરની ઓળખ છે. આગામી પેઢી દર પેઢી માટે તે તેવું જ રહેવું જોઈએ તેથી સરકારે કાયદો અને તેની અમલ બજાવણી પર સખત નજક રાખવી જોઈએ. દોઢસો વર્ષ પૂર્વે, ઝાઝી સુખ સુવિધાઓ નહોતી છતાં મહારાજા સવાઈ રામસિંગ દ્વિતીયએ આખું શહેર ગુલાબી કરીને બતાવવાનો ચમત્કાર કર્યો હોય તો આજની સરકારે તેની આગળની પાયરી ચઢવી જોઈએ નહીં? અગાઉ રાજા મહારાજા અંબારીમાંથી, ઘોડા પરથી ફરતા. ટૂંકમાં રસ્તા પરથી પસાર થતા.તેમની અને જનતાની આંખે તે ગુલાબી શહેર મસ્ત દેખાતું. હવે આપણે અથવા દેશ-વિદેશના પર્યટકો મોટે ભાગે વિમાનમાંથી જયપુરમાં ઊતરે છે. તેમને જયપુર પિંક શહેર પરથી આકાશમાંથી ગુલાબી દેખાવું જોઈએ.
રાજસ્થાનમાં જયપુર જેમ પિંક સિટી તરીકે ઓળખવામાં આવે છે તેમ જોધપુર બ્લુ સિટી તરીકે ઓળખવામાં આવે છે. જોધપુરના મેહરાંગડ ફોર્ટ પરથી આ બ્લુ સિટીનો નજારો તમને જોવા મળે છે. શહેરના આ બ્લુ ઘરો અગાઉ ફક્ત ઉચ્ચ વર્ણીઓ માટે બાંધવામાં આવતાં હતાં,પરંતુ સમયાંતરે તે બદલાયું. બધાં જ ઘર બ્લુ થઈ ગયાં અને જોધપુરને `બ્લુ સિટી’નું લેબલ લાગ્યું. ઉદયપુર અને આજુબાજુનો વિસ્તાર એટલે રાજસ્થાનના માર્બલ સામ્રાજ્યનું પિયર. અહીંની મોટા ભાગની ઈમારતો વ્હાઈટ માર્બલથી સજી છે અને ઉદયપુરને `વ્હાઈટ સિટી’ નામ મળ્યું. સોનાર ફોર્ટ સોનેરી કિલ્લાને કારણે અને મોટા ભાગનાં પીળા રંગનાં ઘરોને કારણે જેસલમેર બન્યું `ગોલ્ડન સિટી’ અથવા`યેલો સિટી.’ અજમેર ફોર્ટના લાલ રંગ પરથી અજમેરને `રેડ સિટી’નું માન મળ્યું. આથી જ તો ભારતને કલરફુલ ક્નટ્રી કહેવાય છે, જેમાં રાજસ્થાનનો સિંહફાળો છે.
સરકારના અનેક પ્રોજેક્ટ્સ ચાલતા હોય છે, તો પછી એક કલરફુલ સિટીઝનો આ પ્રોજેક્ટ હાથમાં કેમ નહીં લેવો જોઈએ? શહેરમાં એકાદ રસ્તો, પહાડ પરનું એકાદ ગામ, એકાદ કોસ્ટલાઈન કલરફુલ કેમ નહીં બનાવવાનું? આપણા દેશમાં કમસેકમ પચ્ચીસ ટકા રાજ્યોમાં અથવા શહેરોમાં આપણે આ રંગ ભરી દઈએતો ભારત દેશ ભવિષ્યમાં વધુ વિદેશી પર્યટકોને આકર્ષિત કરશે અને આ એક બાબત ભારતના ખજાનામાં ફોરેન એક્સચેન્જનો પણ ઉમેરો કરશે. દુનિયામાં અનેક ઠેકાણે આ રંગોએ પોતાની એક ઓળખ જે તે ઠેકાણાને આપી છે અને દુનિયાના અસંખ્ય પર્યટકો આવાં ઠેકાણાં પોતાની બકેટ લિસ્ટમાં સમાવિષ્ટ કરી રહ્યા છે. અમે પર્યટકોને આવાં અનેક ઠેકાણે લઈ જતા હોઈએ છીએ. તેમાંથી અમુક દાખલા આપવા હોય તો આ રીતે…
મોરોક્કોમાં, પંદરમી સદીમાં જ્યુ લોકોએ વસાવેલું શેફશાવન બ્લુ શહેર મોરોક્કોની ઓળખ બની ગયું છે અને લાખ્ખો પર્યટકો આ ઠેકાણાની મુલાકાત લેતા હોય છે. શિપયાર્ડમાંના સ્ક્રેપ મટીરિયલથી ઊભા કરાયેલા આર્જેન્ટિનાનું બ્યુનોસ આયર્સમાંનું કલરફુલ `લા બોકા.’લાલ પીળા ભૂરા નારંગી એમ એકદમ બ્રાઈટ કલર્સ સાથેનું આ સ્થળ આર્જેન્ટિનાની સહેલગાહમાં મસ્ટ વિઝિટ ડેસ્ટિનેશન છે. મેક્સિકોમાં `લાસ પાલ્મિતાસ’ શહેર અથવા બસ્સો નેઉ ઘરોનું એક ટેકરી પરનું ગામ,લોઅર ઈન્કમવાળા લોકોનાં ઘરો હોવાથી,તેનો એકંદર નજારો યથા-તથા જ, એટલે કે, ઝૂંપડપટ્ટીનો. ગ્રાફિટી માટે ફેમસ ત્યાંના એક યુથ ઓર્ગેનાઈઝેશને એકત્ર આવીને મેક્સિકો સરકારની મદદથી આ સાદું ઘર રંગ્યું અલગ-અલગ ઘેરા રંગોમાં અને તે ટેકરી તે રંગેલાં ઘરોને લીધે એક મ્યુરલમાં ક્નવર્ટ થયું. યુવાનોને કામ મળ્યાં, ક્રાઈમ રેટ ઓછો થયો અને એક આદર્શ દાખલો દુનિયા સામે આવ્યો. સ્પેનમાં હુસ્કાર શહેરની તો વાત જ ન્યારી છે. સોની પિક્ચર્સે તેમની હોલીવૂડ મુવી`ધ સ્મફર્સ’ માટે આ શહેર રંગ્યું સંપૂર્ણ ભૂરા રંગમાં. ઘરના માલિકોએ તેમને કહ્યું કે શૂટિંગ અને પ્રમોશન પૂરું થયા પછી અમે ફરી તમારું ગામ અને બધાં ઘર હતાં તે સ્વરૂપમાં કરી આપીશું, પરંતુ પ્રમોશન પૂરું થયું ત્યારે ગામના બધા ઘરમાલિકોએ એકત્ર આવીને સોનીને કહ્યું, `અમારાં ઘરોને ઓરિજનલ કલર નથી જોઈતો, બ્લુ ટાઉન તરીકે જ તેને રહેવા દો.’ અને હવેઆ બ્લુ સિટી રીતસર `કસ્ટમાઈઝ્ડ હોલીડે’ લઈને જતા પર્યટકોની યાદીમાં સમાવિષ્ટ થયું છે.
કોલંબિયામાં ગુઆતાપે નામે કલરફુલ શહેરની વાત જ અલગ છે. ત્યાં શ્રીમંતોનાં ઘરો મસ્ત રંગમાં રંગેલાં રહેતાં, તેની પર અત્યંત સુંદર નક્શી કામ કરાતું. ત્યાંનાં મેયરને ગરીબ અને શ્રીમંતોમાંની આ દર્શનીય દૂરી મિટાવવાની હતી, જેથી તેમણે બધાને સાધનસામગ્રી પૂરી પાડી અને પછી બધાનાં જ ઘરો સુંદર દેખાવા લાગ્યાં. હવે તે શહેર દુનિયાભરના ટુરિસ્ટોનું આકર્ષણ બની ગયું છે. મને વધુ એક વાતએ ગમે છે કે તે પેસ્ટલ શેડમાં રંગેલા `રેનબો રો’ નામે ચાર્લ્સટન સાઉથ કેરોલિનામાંના રસ્તાઓ. એક જજે અહીં ઘર લીધું અને તે પેસ્ટલ શેડમાં રંગ્યું. તે પાડોશીને એટલું ગમ્યું કે તેણે પણ બીજા રંગના પેસ્ટલ શેડમાં પોતાનું ઘર રંગ્યું.તે ઘર એટલું સુંદર દેખાવા લાગ્યું કે આજુબાજુના લોકોએ પણ પોતાનાં ઘરોના રંગ પેસ્ટલ શેટ્સમાં કરી નાખ્યા અને રસ્તામાં જાણે પ્રાણ ફૂંકાયો. ગ્રીનલેન્ડ એટલે બરફનો ડેપો. ત્યાંનાં ઘરો અર્થાત ડેન્માર્ક કોપનહેગનની ધરતી પર બાંધવામાં આવ્યાં છે. ત્યાંના નૂક ગામમાં અલ્ટ્રામોડર્ન ઝૂંપડી જેવાં દેખાતાં ડ્રિફ્ટવૂડનાં ઘરો તેમણે બ્રાઈટ કલરથી રંગ્યાં અને ફક્ત એકજ ફેરફાર કર્યો, તે એટલે તે બિલ્ડિંગના ઉપયોગ પ્રમાણ રંગ આપ્યો. એટલે કે, હોસ્પિટલ્સ ક્લિનિક્સ, ડોક્ટર્સનાં ઘરોને પીળો રંગ, કમર્શિયલ બિલ્ડિંગ્સ, શાળા, ચર્ચીસ, ટીચર્સ અને મિનિસ્ટર્સનાં ઘરોને લાલ રંગ, ટેલિકમ્યુનિકેશન બિલ્ડિંગ્સને લીલો,જ્યારે ફિશ ફેક્ટરીઝને ભૂરો. કેટલો મસ્ત વિચાર છે નહીં?
ગ્રીસમાં ઉનાળામાં સૂર્યપ્રકાશ પરાવર્તિત કરવા માટ અને તાપની દાહકતાઓછી કરવા માટે વ્હાઈટ વોશ્ડ હાઉસીસ બનાવવામાં આવ્યાં છે. સમુદ્રનો ભૂરો રંગ,સફેદ ઘરો, વચ્ચેથી ડોકાવતા બ્લુ ડોમ્સ અને ગુલાબી રંગની અનેક છટા બતાવતાં બોગનવેલીનાં ફૂલો. ભારતીયો આજકાલ ગ્રીસમાં અમસ્તા જ જતા નથી. પીળા સફેદ રંગનું સ્પેનિશ-પોર્તુગીઝ આર્કિટેક્ચર,પછી તે કેલિફોર્નિયામાંનું સાંતા બારબારા હોયકે આપણા ભારતમાંના ગોવા કે પોંડિચેરી,તેમને વાત જ ન્યારી છે. દુનિયામાં કોઈ પણ સ્પેનિશ-પોર્તુગીઝ રાજની સત્તા રહી હોય તેવું શહેર લો. ત્યાં પર્યટકોની ગિરદી નહીં હોય એવું બને જ નહીં. પોર્તુગીઝોએ પોતાની છાપ છોડીને તે શહેરોને કાયમની અલગ ઓળખ આ રીતે આપી છે. બ્રાઈટન બીચ મેલબર્ન ઓસ્ટે્રલિયામાં સમુદ્રકિનારા પર લોકોએ કલરફુલ બોક્સીસ નિર્માણ કર્યાં છે, તે પણ એટલા મસ્ત દેખાય છે કે પર્યટકોનું ધ્યાન ત્યાં નહીં ખેંચાય તો જ નવાઈ. આપણા પૂર્વજોએ આ રંગોનો મસ્ત ઉપયોગ કરીને પોતાનું અનોખાપણું દુનિયાની સામે મૂક્યું છે. હવે સમય છે તે રંગોને વધુ ઉઠાવ આપવાનો, સુંદર બનાવવાનો, વધુ સારું નિર્માણ કરવાનો.
(વીણા પાટીલ)
veena@veenaworld.com
(વીણા પાટીલ, નીલ પાટીલ અને સુનિલા પાટીલના દર અઠવાડિયે અખબારોમાં પ્રસિદ્ધ થતા લેખ વીણા વર્લ્ડની વેબસાઇટ veenaworld.com પર વાંચવા માટે ઉપલબ્ધ છે.)