Home Blog Page 2010

TMKOC: બબિતાજીની જેઠાલાલના પુત્ર ટપુ સાથે સગાઈ?

વડોદરાઃ ‘તારક મહેતાના ઊલ્ટા ચશ્માં’ સિરિયલની બબિતા અને ટપુએ સગાઈ કરી લીધી છે. મુનમુન દત્તા અને રાજ અનડકટની લવ સ્ટોરી ઘણી અનોખી છે. બંને વચ્ચે નવ વર્ષનો ગેપ છે. મુનમુન દત્તા 36 વર્ષની છે અને રાજ 27 વર્ષનો છે. બંને ગણ પોતાના ફેમિલીની હાજરીમાં સગાઈ કરી લીધી છે.

રાજે ડિસેમ્બર, 2022માં ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો છોડી દીધો હતો. તે આ હિટ સિરિયલમાં જેઠાલાલના દીકરાનો રોલમાં હતો. આમ તો સિરિયલમાં બબિતા જેઠાનો ક્રશ હતી. ત્યારે આવા સમયે રિયલ લાઇફમાં આવેલા આ ટ્વિસ્ટથી ફેન્સ ખૂબ જ આશ્ચર્યચકિત થયા છે.

એક્ટર્સની નજીકના લોકો પાસેથી જાણકારી મળી છે કે  મુનમુન અને રાજે મુંબઈ બહાર એક સાદા સમારંભમાં સગાઈ કરી લીધી છે. હજુ થોડા દિવસ પહેલાં જ સગાઈ થઈ હતી. બંનેએ વડોદરામાં એકબીજાને સગાઈની રિંગ પહેરાવી હતી. મુનમુન દત્તા અને રાજના પરિવારે તેમના સંબંધને સ્વીકારી લીધો છે અને તે પણ સગાઈમાં હાજર રહ્યા હતા.

રાજના ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’માં સામેલ થયા બાદથી બંને ડેટિંગ કરી રહ્યા છે. સેટ પર તમામ લોકોને તેના વિશે ખબર હતી. હકીકતમાં જોઈએ તો અમુક લોકોને વિશ્વાસ નહોતો કે મુનમુન દત્તા અને રાજ આખરે લગ્ન કરી લેશે.

મુનમુન દત્તા અને રાજ અનડકટના કથિત રીતે ડેટિંગના સમાચાર સૌથી પહેલા સપ્ટેમ્બર, 2021માં આવ્યા હતા. જોકે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં’ ટીમના દરેક સભ્યને બંનેના સંબંધ વિશે ખબર હતી. જોકે એ વખતે મુનમુન દત્તાએ આ રિપોર્ટને ફગાવી દીધો હતો અને પોતાના સોશિયલ મિડિયા હેંડલ પર તેણે આ વાત કહી હતી.

 

 

PM મોદીએ ધોલેરામાં દેશના પ્રથમ સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ભૂમિપૂજન કર્યું

આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ધોલેરામાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું વર્ચ્યુઅલ ભૂમિપૂજન કર્યું હતું. ધોલેરા 91 હજાર કરોડનું દેશનું પ્રથમ કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ હશે. કેન્દ્રીય કેબિનેટે 29 ફેબ્રુઆરી ચિપ પ્લાન્ટ માટે ત્રણ દરખાસ્તોને મંજૂરી આપી છે. આ ત્રણેય પ્લાન્ટને ‘ડેવલોપમેન્ટ ઓફ સેમિકન્ડક્ટર્સ એન્ડ ડિસ્પ્લે મેન્યુફેક્ચરિંગ ઇકોસિસ્ટમ ઇન ઇન્ડિયા’ હેઠળ મંજૂરી આપવામાં આવી છે. ત્રણ પ્લાન્ટમાંથી બે ગુજરાતમાં અને એક આસામમાં બનાવવામાં આવશે. આ ત્રણ ચિપ પ્લાન્ટની અંદાજિત કિંમત 1.26 લાખ કરોડ રૂપિયા છે.

હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે

વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, ભારત ગ્લોબલ સપ્લાય ચેઈનની મજબૂતી માટે કામ કરે છે. 21મી સદી ટેકનોલોજીની સદી છે. મેડ ઈન ઇન્ડિયા ચીપ ભારતને આત્મનિર્ભર બનાવશે. હવે ભારત ચોથી ઔદ્યોગિક ક્રાંતિનું નેતૃત્વ કરશે. ઔદ્યોગિક ક્રાંતિ સમયે ભારત અનેક કારણોસર પાછળ હતું. અમે 2 વર્ષ પહેલા સેમિકન્ડક્ટરનું મિશન શરૂ કર્યું હતું. કેન્દ્રીય IT મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, ટાટાનું સંયુક્ત સાહસ દેશનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. ધોલેરામાં માઈક્રોનના સેમિકન્ડક્ટર પ્લાન્ટ બાદ અહીં ફેબ્રિકેશન પ્લાન્ટ બનાવવામાં આવશે. અમેરિકન ચિપ કંપની માઈક્રોન ધોલેરામાં રૂ. 22,516 કરોડના ખર્ચે ચિપ એસેમ્બલી પ્લાન્ટ બનાવી રહી છે.

દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા

ટાટા ગ્રુપ સંયુક્ત સાહસમાં બે પ્લાન્ટ બનાવશે. એક ગુજરાતમાં અને એક આસામમાં. સીજી પાવર પણ સંયુક્ત સાહસમાં ગુજરાતમાં પ્લાન્ટ બનાવશે. ત્રણેય પ્લાન્ટનું કામ 100 દિવસમાં શરૂ થઈ જશે.ટાટા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન (PSMC) વચ્ચેનું સંયુક્ત સાહસ 91,000 કરોડના રોકાણ સાથે ગુજરાતના ધોલેરામાં ચિપ ફેબ્રિકેશન પ્લાન્ટનું નિર્માણ કરશે. PSMC તાઈવાનમાં 6 ચિપ ફાઉન્ડ્રી ધરાવે છે. જ્યારે ગુજરાતમાં પ્લાન્ટ બનશે ત્યારે તેની દર મહિને 50 હજાર વેફર બનાવવાની ક્ષમતા હશે. આ PSMCનો પ્રથમ સેમિકન્ડક્ટર ફેબ્રિકેશન પ્લાન્ટ પણ છે.

દિલ્હી હાઈકોર્ટથી કોંગ્રેસને મોટો ઝટકો, 103 કરોડ ચૂકવવા પડશે

કોંગ્રેસને દિલ્હી હાઈકોર્ટ તરફથી વધુ એક ઝટકો લાગ્યો છે. દિલ્હી હાઈકોર્ટે પાર્ટી પાસેથી રૂ. 105 કરોડની લેણી રકમની વસૂલાત માટે ઈન્કમટેક્સ ડિમાન્ડ નોટિસ પર સ્ટે મૂકવાની કોંગ્રેસની અરજીને ફગાવી દીધી છે. દિલ્હી હાઈકોર્ટે ITATના આદેશને યથાવત રાખ્યો છે. દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસ પાર્ટીને ITATમાં ફરીથી પોતાની દલીલો રજૂ કરવા કહ્યું છે. ગઈકાલે પણ હાઈકોર્ટમાંથી કોંગ્રેસને ઝટકો લાગ્યો હતો. તમને જણાવી દઈએ કે ગઈ કાલે દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસને ફટકાર લગાવી હતી અને પૂછ્યું હતું કે શું તે ત્રણ વર્ષથી ઊંઘી રહી છે. ઈન્કમટેક્સ એપેલેટ ટ્રિબ્યુનલ દ્વારા તેની અરજી ફગાવી દેવાને લઈને કોંગ્રેસે કોર્ટનો સંપર્ક કર્યો હતો. ગઈકાલે ટ્રિબ્યુનલે કોંગ્રેસને રૂ. 105 કરોડથી વધુના બાકી વેરાની વસૂલાત અંગે નોટિસ પાઠવી હતી.

ગઈ કાલે જસ્ટિસ યશવંત વર્મા અને પુરૂષેન્દ્ર કુમાર કૌરવની બેન્ચે આ વાત કહીને નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. કોર્ટે પૂછ્યું હતું કે શું આવકવેરા અપીલ ટ્રિબ્યુનલના આદેશમાં કોઈ ખામી નથી. કોર્ટે નોંધ્યું કે કોંગ્રેસ વિરુદ્ધ આ કાર્યવાહી વર્ષ 2021માં શરૂ કરવામાં આવી હતી. કોર્ટે આ અંગે કડક વલણ અપનાવ્યું હતું અને પૂછ્યું હતું કે શું તે હજી સૂઈ રહ્યો છે. બેન્ચે એમ પણ કહ્યું હતું કે આ કેસને ખૂબ જ ખોટી રીતે હેન્ડલ કરવામાં આવ્યો છે.

ગઈ કાલે ચુકાદો સંભળાવતી વખતે ખંડપીઠે કહ્યું હતું કે અરજદારે પોતાને દોષી ઠેરવવો જોઈએ. આ મામલો 2021નો છે અને લાગે છે કે તમે આ માટે કોઈ પ્રયાસો કર્યા નથી. એવું લાગે છે કે 2021 થી અરજદારની ઓફિસમાં કોઈ સૂઈ રહ્યું હતું. આ દરમિયાન બેન્ચે સંકેત આપ્યો કે કેસનો અંતિમ નિર્ણય આજે એટલે કે 13 માર્ચે આવી શકે છે. જે બાદ આજે આ મામલે નિર્ણય આવ્યો છે.

 

અજય દેવગનની ‘શૈતાન’ રૂ. 100 કરોડ ક્લબમાં લેશે એન્ટ્રી?

નવી દિલ્હીઃ બોલીવૂડ એક્ટર અજય દેવગન અને આર. માધવન અને જ્યોતિકાની હોરર થ્રિલર ફિલ્મ ‘શૈતાન’ થિયેટરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આઠ માર્ચે રિલીઝ થઈ હતી.  માત્ર પાંચ દિવસોમાં આ ફિલ્મે બજેટ કલેક્શન પોતાને નામે કરી લીધું છે. આ ફિલ્મ વર્લ્ડવાઇડ રૂ. 100 કરોડની કલબમાં સામેલ થવાની બહુ નજીક છે. ફિલ્મ દર્શકોને ઘણી પસંદ પડી રહી છે.

આ ફિલ્મે પહેલા દિને રૂ. 22.5 કરોડની કમાણી કરી હતી. બીજા દિવસે પણ ‘શૈતાને’ રૂ. 25.4 કરોડની કમાણી કરી હતી. ત્રીજા દિવસે રૂ. 27.1 કરોડનું કલેક્શન થયું હતું, જ્યારે ચોથા દિવસે રૂ. 13 કરોડનું કલેક્શન કર્યું હતું અને પાંચમા દિવસે આ ફિલ્મે રૂ. આઠ કરોડની કમાણી કરી હતી. અજય દેવગન અને આર. માધવન સ્ટારર ફિલ્મ ‘શૈતાને’ પાંચ દિવસોમાં કુલ રૂ. 96 કરોડની કમાણી કરી હતી. એ સાથે આ ફિલ્મ રૂ. 100 કરોડની ક્લબમાં સામેલ થવા બહુ નજીક પહોંચી ગઈ છે.‘શૈતાન’ની વાર્તા

‘શૈતાન’ એક થ્રિલર એક્શન ફિલ્મ છે, જેમાં આર માધવન ‘શૈતાન’ બનીને અજય દેવગનની ફેમિલીને ડરાવે છે. આ ફિલ્મમાં અજય દેવગન કબીરની ભૂમિકામા છે, જે ફેમિલી સાથે ફાર્મ હાઉસ પર વેકેશન પર નીકળે છે. એ દરમ્યાન તેની મિત્રતા એક અજાણ્યા શખસ સાથે થાય છે અને તે એને ફાર્મ હાઉસમાં આશરો આપે છે. ત્યાર બાદ એ અજાણ્યો માણસ કબીરની પુત્રીને પોતાના વશમાં કરી લે છે.

 

 

 

મનોહર લાલ ખટ્ટરે વિધાનસભામાંથી રાજીનામું આપ્યું

હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે કરનાલ વિધાનસભા બેઠક પરથી રાજીનામું આપી દીધું છે. બુધવારે હરિયાણા વિધાનસભામાં ફ્લોર ટેસ્ટ પાસ કર્યા બાદ મનોહર લાલ ખટ્ટરે પોતાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું હતું. ગૃહમાં પોતાના સંબોધન દરમિયાન પૂર્વ સીએમ ખટ્ટરે કહ્યું કે મારી જે પણ નવી જવાબદારી હશે તે નક્કી કરવામાં આવશે. તે વધુ સરળતાથી પૂર્ણ કરશે. તેમણે કહ્યું કે હવે નાયબ સૈની કરનાલના લોકોની સેવા કરશે. ખટ્ટરે કહ્યું કે ભાજપનું સંસદીય બોર્ડ નક્કી કરશે કે કરનાલથી લોકસભાની ચૂંટણી લડવી કે નહીં.

બીજી તરફ અનિલ વિજે ગૃહની બહાર કહ્યું કે પૂર્વ સીએમ લાલ ખટ્ટરે વિધાનસભાના સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. અગાઉ, મંગળવારે ચર્ચા દરમિયાન પૂર્વ સીએમ ખટ્ટરે કહ્યું હતું કે પાર્ટી દ્વારા તેમને કેટલીક અન્ય જવાબદારી આપવામાં આવશે. તેમણે કહ્યું હતું કે તેમને લોકસભા ચૂંટણી લડવાની જવાબદારી આપવામાં આવી શકે છે. સાડા ​​9 વર્ષના કાર્યકાળમાં ઘણી બધી નવી બાબતો કરવામાં આવી છે. હું નિશ્ચિતપણે કહી શકું છું કે લોકસભાની 10માંથી 10 બેઠકો અમે જીતીશું.

ઉલ્લેખનીય છે કે મનોહર લાલ ખટ્ટર બે વખત હરિયાણાના સીએમ રહી ચૂક્યા છે. 2014માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની જીત બાદ ભાજપે તેમને હરિયાણાના સીએમ બનાવ્યા હતા. આ પછી તેઓ કરનાલથી વિધાનસભા ચૂંટણી લડ્યા અને જીત્યા. વર્ષ 2019માં પણ તેમણે કરનાલથી ચૂંટણી લડી હતી અને જીતી હતી. ત્યારબાદ ફરી હરિયાણાના સીએમ બન્યા. ખટ્ટર મૂળ હરિયાણાના રોહતકના છે. ભાગલા બાદ તેમનો પરિવાર પાકિસ્તાનથી અહીં આવીને સ્થાયી થયો હતો.

સેન્સેક્સ 906 પોઇન્ટ તૂટ્યોઃ રોકાણકારોના 14 લાખ કરોડ સ્વાહા

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં શેરોમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. મિડકેપ અને સ્મોલકેપ શેરોએ બજારનું સેન્ટિમેન્ટ બગાડવાનું કામ કર્યું હતું. સેન્સેક્સ અને નિફ્ટી આશરે 1.5 ટકા તૂટીને બંધ થયા હતા. મિડકેપ ચાર ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 5.5 ટકા તૂટ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 14 લાખ કરોડનો ઘટાડો થયો હતો. નિફ્ટી 22,000ની નીચે બંધ થયો હતો.

અમેરિકામા ફેબ્રુઆરી મહિનામાં મોંઘવારી દરમાં મામૂલી વધારો થયો હતો, જેથી રોકાણકારોને આશંકા છે કે મોંઘવારી દર વધવાને કારણે US ફેડ રિઝર્વ વ્યાજદરો ઘટાડવામાં વિલંબ થઈ શકે છે. આ સિવાય ED અને શેરબજારમાં પૈસા લગાવનારા કેટલાક હવાલા વેપારીઓથી જોડાયેલી કંપનીઓ અને સેબી તરફથી સ્મોલ અને મિડકેપ યોજનાઓને લઈને ચેતવણી ઉચ્ચારી હતી, જેણે સેન્ટિમેન્ટ ખરડ્યું હતું.આજના ઘટાડા સાથે મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સ વર્ષ 2024 માટે નકારાત્મક થઈ ચૂક્યા છે. સ્મોલકેપ ઇન્ડેક્સ ડિસેમ્બર, 2022 પછી એક દિવસમાં સૌથી વધુ તૂટ્યો હતો. SME સ્ટોક ઇન્ડેક્સ આશરે છ ટકા તૂટ્યો હતો.

BSE સેન્સેક્સ ટ્રેડિંગ સેશનને અંતે 906.07 પોઇન્ટ તૂટીને 72,761.89ના મથાળે બંધ થયો હતો, જેયારે NSEનો 50 શેરોનો ઇન્ડેક્સ 338 પોઇન્ટ તૂટીને 21,997.70ના સ્તરે બંધ થયો હતો.

PSUના માર્કેટ કેપમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો

સરકારી કંપનીઓમાં વેલ્યુએશન વધુ હોવાની ચિંતાની વચ્ચે સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી PSU ઇન્ડેક્સ સાત ટકા ઘટીને બંધ થયો હતો. PSU કંપનીઓના કુલ માર્કેટ કેપમાં રૂ. છ લાખ કરોડનો ઘટાડો થયો હતો. જ્યારે અદાણી ગ્રુપના કુલ માર્કેટ કેપમાં રૂ. 1.2 લાખ કરોડનો ઘટાડો થયો હતો.

Sensex nifty crash

 

 

 

 

 

પાઉંભાજી પરોઠા

પાઉંભાજીની ભાજી બનાવવાની કડાકૂટ ના કરવી હોય તો એ જ સ્વાદમાં થોડી ઓછી જહેમત સાથે પાઉંભાજી પરોઠા બનાવી લો!

સામગ્રીઃ

  • સિમલા મરચું 1
  • ફ્લાવર 200 ગ્રામ
  • વટાણા 200 ગ્રામ
  • બાફેલા બટેટા 4-5
  • ½ ટી.સ્પૂન હળદર પાઉડર
  • મીઠું સ્વાદ મુજબ
  • લીલા મરચાં 2-3
  • કાંદો 1
  • માખણ 1 ટે.સ્પૂન
  • પાઉંભાજી મસાલો 2 ટે.સ્પૂન
  • ચાટ મસાલો 1 ટી.સ્પૂન અથવા લીંબુનો રસ
  • ઘઉંનો લોટ 2 કપ
  • ધોઈને બારીક સમારેલી કોથમીર 1 કપ

સોસ બનાવવા માટેઃ માખણ 3 ટે.સ્પૂન, લીલું લસણ પાંદડી સહિત અથવા સૂકું લસણ 2 ટે.સ્પૂન, ચિલી ફ્લેક્સ 1 ટી.સ્પૂન

રીતઃ એક બાઉલમાં એક ગ્લાસ પાણીમાં ½ ટી.સ્પૂન હળદર પાઉડર તેમજ ½ ટી.સ્પૂન મીઠું મેળવી લો.

ફ્લાવરને છૂટું કરીને વટાણા સાથે આ પાણીમાં મેળવીને 10 મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ પાણી નિતારીને તેને બાફી લો. પ્રેશર કૂકરમાં 2 સીટીમાં બફાઈ જશે. હવે તેને મેશ કરી લો.

એક ફ્રાઈ પેનમાં 1 ટે.સ્પૂન માખણ ગરમ કરીને તેમાં કાંદો તેમજ સિમલા મરચું ઝીણાં સુધારીને તેમાં મરચાં ગોળ સમારીને સાંતળી લો. હવે મેશ કરેલાં શાકભાજી તેમાં ઉમેરીને સાંતડી લો. જેથી તેમાંનું પાણી સૂકાઈ જાય. ત્યારબાદ બાફેલા બટેટાને ખમણીને અથવા બારીક છૂંદો કરીને કોથમીર સાથે તેમાં ઉમેરી દો. પાઉંભાજી મસાલો 1 ટે.સ્પૂન તેમજ ચાટ મસાલો અથવા લીંબુનો રસ તેમજ મીઠું સ્વાદ મુજબ ચાખીને ઉમેરો. કારણ કે, શાકભાજીમાં મીઠું મેળવ્યું હતું. આ મિશ્રણ સરખું સાંતડીને ગેસ બંધ કરી દો.

બટર સોસ માટે એક પેનમાં બટર ગરમ કરી તેમાં એકદમ બારીક સુધારેલું લસણ ઉમેરીને સાંતડો. પાંચેક મિનિટ બાદ તેમાં ચિલી ફ્લેક્સ મેળવીને 1 મિનિટ સાંતડીને ગેસ બંધ કરી તેને ઉતારી લો અને એક નાના બાઉલમાં કાઢી લો.

પરોઠા માટે લોટ બાંધવા માટે તેમાં 1 ટે.સ્પૂન પાઉંભાજી મસાલો અને મીઠું સ્વાદ મુજબ મેળવીને લોટ બાંધી લો અને 1 ટી.સ્પૂન તેલનું મોણ આપી દો.

લોટનો લૂવો લઈ તેને પુરી સાઈઝનો વણી લો. એમાં પાઉંભાજીવાળું મિશ્રણ 1 ટે.સ્પૂન જેટલું લઈ ઉમેરીને ગોળો વાળીને બંધી કરીને તેનું પરોઠું વણી લો અને તૈયાર કરેલું બટર સોસ વાપરીને તવામાં આ પરોઠું શેકી લો.

આ પરોઠા બુંદીના રાયતા, દહીં અથવા લીલી ચટણી સાથે પીરસો.

PM મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ

કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે બેઠક બાદ જણાવ્યું કે પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. દેશની રાજધાનીમાં એક મોટું મેટ્રો નેટવર્ક છે. હાલમાં દિલ્હીમાં 945 કિમીની મેટ્રો લાઇન કામ કરી રહી છે અને 919 કિમીના નેટવર્ક પર કામ ચાલી રહ્યું છે. કેબિનેટની બેઠકમાં વધુ બે કોરિડોરને મંજૂરી આપવામાં આવી છે. જેમાં લાજપત નગરથી સાકેત અને ઈન્દ્રલોકથી ઈન્દ્રપ્રસ્થ સુધીની લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આ બંને કોરિડોર 2029 સુધીમાં પૂર્ણ થઈ જશે. આમાં દરરોજ લગભગ 2.5 લાખ લોકો મુસાફરી કરી શકશે.

અનુરાગ ઠાકુરે કહ્યું કે એલિવેટેડ મેટ્રો લાઇનના પ્રોજેક્ટને કેન્દ્ર સરકારની મંજૂરી મળી ગઈ છે. આ મેટ્રો કોરિડોર 20.7 કિલોમીટર લાંબા હશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે દિલ્હી મેટ્રોના ફેઝ-4 પ્રોજેક્ટના બે નવા કોરિડોરને મંજૂરી આપી હતી. જેના કારણે રાષ્ટ્રીય રાજધાનીમાં મેટ્રો કનેક્ટિવિટીમાં વધુ સુધારો થવાની આશા છે. આ બે કોરિડોર છે:
1) ઇન્દ્રલોક- ઇન્દ્રપ્રસ્થ 12.377 કિ.મી.
2) લાજપત નગર- સાકેત જી બ્લોક 8.385 કિમી.

પ્રોજેક્ટ ખર્ચ અને ભંડોળ

દિલ્હી મેટ્રોના ફેઝ-4 પ્રોજેક્ટના આ બે કોરિડોરનો કુલ પ્રોજેક્ટ ખર્ચ રૂ. 8,399 કરોડ છે. જે ભારત સરકાર, દિલ્હી સરકાર અને આંતરરાષ્ટ્રીય ફંડિંગ એજન્સીઓ પાસેથી લેવામાં આવશે. આ બે લાઇન 20.762 કિલોમીટરને આવરી લેશે. ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ કોરિડોર ગ્રીન લાઇનનું વિસ્તરણ હશે અને તે લાલ, પીળી, એરપોર્ટ લાઇન, મેજેન્ટા, વાયોલેટ અને બ્લુ લાઇન સાથે ઇન્ટરચેન્જ પ્રદાન કરશે, જ્યારે લાજપત નગર – સાકેત જી બ્લોક કોરિડોર સિલ્વર, મેજેન્ટા, પિંકને જોડશે. અને જાંબલી રેખાઓ. લાજપત નગર-સાકેત જી બ્લોક કોરિડોર સંપૂર્ણપણે એલિવેટેડ હશે અને તેમાં આઠ સ્ટેશન હશે. ઈન્દ્રલોક-ઈન્દ્રપ્રસ્થ કોરિડોરમાં 11.349 કિમી લાંબી ભૂગર્ભ લાઈનો અને 1.028 કિમી લાંબી એલિવેટેડ લાઈનો હશે, જેમાં 10 સ્ટેશન હશે.

દિલ્હી મેટ્રો હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું નેટવર્ક છે

ઇન્દ્રલોક-ઇન્દ્રપ્રસ્થ લાઇન હરિયાણાના બહાદુરગઢ પ્રદેશને વધુ સારી કનેક્ટિવિટી પ્રદાન કરશે. કારણ કે આ વિસ્તારોમાંથી મુસાફરો ઈન્દ્રપ્રસ્થ તેમજ મધ્ય અને પૂર્વ દિલ્હીના અન્ય વિવિધ વિસ્તારોમાં જવા માટે સીધી ગ્રીન લાઇન પર મુસાફરી કરી શકશે. આ કોરિડોર પર ઈન્દ્રલોક, નબી કરીમ, નવી દિલ્હી, દિલ્હી ગેટ, ઈન્દ્રપ્રસ્થ, લાજપત નગર, ચિરાગ દિલ્હી અને સાકેત જી બ્લોકમાં આઠ નવા ઈન્ટરચેન્જ સ્ટેશન બનાવવામાં આવશે. આ સ્ટેશનો દિલ્હી મેટ્રો નેટવર્કની તમામ ઓપરેશનલ લાઇન્સ વચ્ચેની ઇન્ટરકનેક્ટિવિટીમાં નોંધપાત્ર સુધારો કરશે. દિલ્હી મેટ્રો તેના વિસ્તરણના ચોથા તબક્કા હેઠળ 65 કિલોમીટરનું નેટવર્ક પહેલેથી જ બનાવી રહી છે. આ નવા કોરિડોર માર્ચ 2026 સુધીમાં તબક્કાવાર પૂર્ણ થવાની અપેક્ષા છે. હાલમાં, DMRC 391 કિલોમીટરનું નેટવર્ક ચલાવે છે જેમાં 286 સ્ટેશન છે. દિલ્હી મેટ્રો હવે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતા મેટ્રો નેટવર્કમાંથી એક છે. દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (DMRC) એ પહેલેથી જ પ્રી-બિડ પ્રવૃત્તિઓ અને ટેન્ડર દસ્તાવેજોની તૈયારી શરૂ કરી દીધી છે.

કોંગ્રેસનાં ચૂંટણી વચનોઃ મહિલાઓને સર્વે વગર અનામત અપાશે

નવી દિલ્હીઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે મહિલા ન્યાય ગેરંટી યોજનાની ઘોષણા કરી હતી. આ યોજના હેઠળ ગરીબ મહિલાઓને રૂ. એક લાખ, સરકારી નોકરીઓમાં 50 ટકા અનામત અને મહિલાઓને હોસ્ટેલની સુવિધા આપવાનાં વચનો આપ્યાં હતાં. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ પ્રસંગે કહ્યું હતું કે કોંગ્રેસ આજે નારી ન્યાય ગેરન્ટીનું એલાન કરી રહી છે. જે હેઠળ પાર્ટી દેશમાં મહિલાઓ માટે નવો એજન્ડા નક્કી કરશે.

મહારાષ્ટ્રના ધુળેમાં ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે અમારી બીજી ભારત જોડો યાત્રામાં અમે એક નવો શબ્દ ન્યાય જોડ્યો છે, અમને પહેલી યાત્રામાં ખેડૂતો, યુવા હોય અથવા મહિલા બધાએ કહ્યું કે હિંસા અને નફરતનું કારણ છે, અન્યાય. 90 ટકા ભારતીયોને પ્રતિ દિન અન્યાયનો સામનો કરવો પડે છે. દેશના 22 અગ્રણી લોકોની સંપત્તિ 70 કરોડ લોકોની સંપત્તિના બરાબર છે.મહારાષ્ટ્રમાં ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધતાં કહ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીએ લોકસભામાં બહુ ધામધૂમથી અનામત આપી હતી, પરંતુ તમને કહેવામાં આવ્યું કે સર્વે પછી જ અનામત આપવામાં આવશે. તેમણે વધુમાં કહ્યું હતું કે જો કોંગ્રેસ પાર્ટીની સરકાર આવશે તો તરત જ તમને અનામત આપશે. કોઈ પણ સર્વેની જરૂર રહેશે નહીં.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું હતું કે નારી ન્યાય ગેરંટી હેઠળ કોંગ્રેસની પાંચ ઘોષણા કરી હતી, જેમાં પહેલી, મહાલક્ષ્મી ગેરંટી, જેના હેઠળ દરેક ગરીબ પરિવારની એક-એક મહિલાને વાર્ષિક રૂ. એક લાખની મદદ કરવામાં આવશે, બીજી અડધી વસતિને –નવી ભરતોમાં મહિલોને અધિકાર હશે.

ત્રીજી યોજના હેઠળ આંગનવાડી, આશા અને મિડ-ડે મીલ કાર્યકર્તાઓની માસિક આવક કેન્દ્ર યોગદાન બે ગણું કરવામાં આવશે. ચોથી, દરેક પંચાયતમાં મહિલાની નિયુક્તિ કરાશે અને પાંચમી, સાવિત્રીબાઈ ફુલે હોસ્ટેલનું જિલ્લા મથકે બાંધવામાં આવશે.

 

 

 

 

UCC ને રાષ્ટ્રપતિની મંજૂરી, ઉત્તરાખંડ લાગુ કરનાર પ્રથમ રાજ્ય

યુનિફોર્મ સિવિલ કોડ કાયદો લાગુ કરનાર ઉત્તરાખંડ પ્રથમ રાજ્ય બન્યું છે. બુધવારે રાષ્ટ્રપતિએ સિવિલ કોડ બિલને મંજૂરી આપી દીધી છે. રાજ્યના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ આ માહિતી આપી છે. સીએમ ધામીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ માહિતી આપી હતી. સીએમ ધામીએ લખ્યું છે કે રાજ્યના તમામ લોકો માટે આ ખૂબ જ આનંદ અને ગર્વની ક્ષણ છે કે અમારી સરકાર દ્વારા ઉત્તરાખંડ વિધાનસભામાં પસાર કરાયેલ સમાન નાગરિક સંહિતા બિલને આદરણીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

યુસીસી મહિલાઓની સ્થિતિ બદલશે

સીએમ ધામીએ વધુમાં લખ્યું છે કે નિશ્ચિતપણે રાજ્યમાં સમાન નાગરિક સંહિતા કાયદાના અમલીકરણ સાથે તમામ નાગરિકોને સમાન અધિકાર આપવા સાથે મહિલાઓ પર થતા અત્યાચારને પણ અંકુશમાં લેવાશે. #UniformCivilCode રાજ્યમાં સામાજિક સમાનતાના મહત્વને સાબિત કરીને સંવાદિતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આદરણીય વડાપ્રધાન શ્રી જીના વિઝન મુજબ, અમારી સરકાર નાગરિકોના હિતોનું રક્ષણ કરવા અને ઉત્તરાખંડના મૂળ સ્વરૂપને જાળવી રાખવા માટે સંકલ્પબદ્ધ છે.

સીએમ ધામીએ 6 ફેબ્રુઆરીએ બિલ રજૂ કર્યું હતું

જણાવી દઈએ કે 6 ફેબ્રુઆરી 2024ના રોજ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા, ઉત્તરાખંડ-2024 બિલ રજૂ કર્યું હતું. મુખ્ય પ્રધાન પુષ્કર સિંહ ધામીએ ગૃહમાં રજૂ કરેલા બિલમાં 392 વિભાગો હતા, જેમાંથી એકલા ઉત્તરાધિકાર સંબંધિત વિભાગોની સંખ્યા 328 હતી. આ બિલમાં મહિલાઓના અધિકારોની સુરક્ષા પર મુખ્ય ધ્યાન આપવામાં આવ્યું છે. કુલ 192 પાનાના આ બિલને ચાર વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું છેઃ લગ્ન અને છૂટાછેડા, ઉત્તરાધિકાર, લિવ-ઇન રિલેશનશિપ અને પરચુરણ.