Home Blog Page 2029

અમે રામના દુશ્મનઃ એ. રાજાનું વિવાદિત નિવેદન

ચેન્નઈઃ સુપ્રીમ કોર્ટે DMK નેતા ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદન મામલે ફટકાર લગાવી છે. તેમ છતાં DMKના નેતાઓના સનાતન ધર્મ પરનાં નિવેદનો અટકી નથી રહ્યાં. DMK નેતા એ રાજા ફરી એક વાર લાઇમલાઇટમાં છે. તેમણે ભારત અને સનાતન ધર્મને લઈને વિવાદિત નિવેદન આપ્યાં છે. એ. રાજાએ હાલમાં એક નિવેદનમાં કહ્યું હતું કે ભારત એક રાષ્ટ્ર છે નહીં. ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે હિન્દુ માન્યતાઓની ટીકા કરીને વડા પ્રધાન મોદી પર નિશાન સાધ્યું હતું.

DMK નેતા એ રાજા વિડિયોમાં કહે છે કે જો તમે કહેશો કે આ તમારા ઇશ્વર છે અને ભારત માતાની જય તો અમે એ ઇશ્વર અને ભારત માતાનો ક્યારેય સ્વીકાર નહીં કરીએ. કહી દો, આ બધાને કે અમે રામના શત્રુ છીએ. તેમણે કહ્યું હતું કે મને રામાયણ અને ભગવાન રામ પર વિશ્વાસ નથી. તેમણે ભગવાન હનુમાનની તુલના બંદરથી કરતાં ‘જય શ્રીરામ’ના સૂત્રોચ્ચારને ઘૃણાસ્પદ બતાવ્યો હતો.

ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી એ રાજાએ વિવાદિત નિવેદન આપતાં કહ્યું હતું કે ભારત ક્યારેય એક રાષ્ટ્ર હતું જ નહીં, એક રાષ્ટ્રનો અર્થ, એક ભાષા, એક પરંપરા અને એક સંસ્કૃતિ, ત્યારે એક રાષ્ટ્ર હોત. ભારત એક રાષ્ટ્ર નહીં બલકે એક ઉપ મહાદ્વીપ છે. તેમણે એનું કારણ જણાવતાં કહ્યું હતું કે અહીં તમિળ એક રાષ્ટ્ર અને એક દેશ છે. મલયાલમ એક ભાષા, એક રાષ્ટ્ર અને એક દેશ છે. ઉડિયા એક ભાષા અને એક દેશ છએ.આ બધાં રાષ્ટ્ર મળીને ભારત બનાવે છે તો ભારત દેશ નહીં, આ એક મહાદ્વીપ છે. તેમણે કહ્યું હતું કે આપણા દેશમાં અનેકતામાં એકતા હોવા છતાં આપણી વચ્ચે મતભેદ છે, એનો સ્વીકાર કરો.

તેમનું નિવેદન એ સમયે સામે આવ્યું છે, જ્યારે સુપ્રીમ કોર્ટે તામિલનાડુના CM એમકે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને સનાતનવિરોધી નિવેદનો પર ફટકાર કરતાં કહ્યું હતું કે તેમને તેમના નિવેદનોનાં પરિણામ વિશે માલૂમ હોવું જોઈએ. કોર્ટે કહ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો દુરુપયોગ કર્યો છે અને હવે તમે રાહત માગી રહ્યા છો. તમે સામાન્ય વ્યક્તિ નહીં પણ એક નેતા છો.

 

 

 

 

 

 

‘ઉષા પર્વ’માં 30 મહિલા અચિવર્સનું સન્માન

અમદાવાદ: મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ચૌદ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચિવર એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત પંદરમાં વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટે ટ્રસ્ટી ઉષાબેન ધ્રુવકુમાર જોશીની સ્મૃતિમાં “ઉષાપર્વ”નું આયોજન કર્યું હતું. ઉષા પર્વ -૧૪ ઉદગમ વુમન્સ એચિવર એવૉર્ડથી બિઝનેસ, સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, કલા, ફેશન વગેરે ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરનાર 30 મહિલાઓ અને ૧ પુરૂષનું બહુમાન કરવામાં આવ્યુ છે.

આ કાર્યક્રમમાં અધ્યક્ષ પદે ગુજરાત સરકારના આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી ડો. કુબેરભાઈ ડીંડોર હાજર રહ્યા હતા. મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકાર સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચ શિક્ષણ, અને પ્રૌઢ શિક્ષણના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ્લ પાનશેરિયા પણ ઉપસ્થિત રહ્યા હતા. અતિથિ વિશેષ તરીકે બ્રિટિશ હાઈ કમિશનના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટીવ હિકલિંગ, સ્વદેશી જાગરણ મંચ ગુજરાત પ્રદેશ સંગઠક મનોહર લાલજી, ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જસવંતભાઈ પટેલ અને પી.સી. સ્નેહલ ગ્રુપના એમ. ડી. ચિરંજીવ પટેલ ઉપસ્થિત હતા.

ઉદ્દગમ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી ડો. મયુર જોષીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે ઉદગમ ટ્રસ્ટ દ્વારા વિવિધ ક્ષેત્રમાં અથાગ પ્રયાસો થકી વિશિષ્ઠ યોગદાન આપનાર મહિલાઓને ૧૫ વર્ષથી “ઉદ્દગમ વિમેન્સ એચિવર્સ એવોર્ડથી સન્માનિત કરવાનો ઉદગમનો નમ્ર પ્રયાસ છે. જ્યારે એવોર્ડ સમારોહના મુખ્ય અતિથિ ડો. કુબેરભાઈ ડીંડોરે જણાવ્યું હતું કે, આપણે વિચારી પણ ના શકીએ એવા વ્યવસાયો અને ક્ષેત્રોમાં મહિલાઓ માટે હવે પહેલા કરતાં વધુ તકો છે અને મહિલાઓ તેનો મહત્તમ ઉપયોગ કરી રહી છે.

એવોર્ડ વિજેતાઓની પસંદગી માટે એક ખાસ જ્યુરી બનાવવામાં આવી હતી. જેમાં બિઝનેસ વુમન અને સામાજિક કાર્યકર પૂર્વા શાહ પટેલ, આર્કિટેક્ટ અને ડિઝાઇનર અર્ચના શાહ, અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેષ દીક્ષિત, શિક્ષણવિદ ડૉ. ગીતિકા સલુજા, સામાજિક કાર્યકર પરમજીત કૌર છાબડા તથા સામાજિક કાર્યકર અને લેખક વૈજયંતિ ગુપ્તેનો સમાવેશ થાય છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દેવેન્દ્ર પારેખે કર્યું હતું.

વિધાનસભામાં કોંગ્રેસનું ઘટતું સંખ્યાબળ!

અમદાવાદ: 2022ના ચૂંટણી પરિણામો બાદ ગુજરાત વિધાનસભામાં ભાજપના 156 ધારાસભ્યો, કોંગ્રેસના 17 ધારાસભ્યો, આપના 5 ધારાસભ્યો હતા. જ્યારે અપક્ષ 3 ધારાસભ્યો અને ખુંટિયાથી સમાજવાદી પાર્ટીના કાંધલ જાડેજા ધારાસભ્ય તરીકે ચૂંટાયને આવ્યા હતા. પરંતુ જેમ-જેમ લોકસભા ચૂંટણી નજીક આવી રહી છે તેમ-તેમ એક બાદ એક રાજીનામા પડી રહ્યા છે અને વિધાનસભામાં ધારાસભ્યોની સંખ્યા ઘટી રહી છે.

કોંગ્રેસના 3, AAPના 1 ધારાસભ્ય રાજીનામા આપી ચૂક્યા છે. તેમજ એક અપક્ષ ધારાસભ્યે રાજીનામું આપ્યુ હતું. કોંગ્રેસના ખંભાતનાં ધારાસભ્ય ચિરાગ પટેલ, કોંગ્રેસના વિજાપુરના ધારાસભ્ય સી. જે. ચાવડા અને હવે કોંગ્રેસના પોરબંદરથી ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપ્યું છે. આ ઉપરાંત આપના વિસાવદરના ધારાસભ્ય ભૂપત ભાયાણી અને વાઘોડિયાના અપક્ષ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા રાજીનામું આપી ચૂક્યા છે. પરિણામે ગુજરાત વિધાનસભામાં હાલની સ્થિતિએ કુલ 177 સભ્યો છે.  ભાજપના 156 ધારાસભ્યો છે. કોંગ્રેસના 14 ધારાસભ્યો, AAPના 4 ધારાસભ્યો છે. અપક્ષ 2 ધારાસભ્યો અને SPના એક ધારાસભ્ય છે.

એક તરફ લોકસભા ચૂંટણીને લઈ તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આ દરમિયાન હવે 5 વિધાનસભા બેઠકો (ખંભાત, વિજાપુર, વિસાવદર, વાઘોડિયા અને પોરબંદર ) પર પેટા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે. ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું સંખ્યાબળ સતત ઘટી રહ્યું છે. 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનું કંગાળ પ્રદર્શન રહ્યું હતું. જેમાં 17 બેઠકો પર જ કોંગ્રેસને જીત મળી હતી. કોંગ્રેસનો આ આંકડો સતત ઘટી રહ્યો છે. વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યા બળ 14 પર પહોંચ્યું છે અને આવનારા સમયમાં તે વધુ ઘટે તેવી શક્યતાઓ હાલ દેખાય રહી છે.

અર્જુન મોઢવાડિયા સહિત ત્રણ ભૂતપૂર્વ વિધાનસભ્યો ભાજપમાં સામેલ

અમદાવાદઃ લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક પછી એક આંચકા લાગી રહ્યા છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રની ગુજરાતમાં એન્ટ્રી પહેલાં પાર્ટીના સ્ટેટ ચીફ અંબરીશ ડેર અને ભૂતપૂર્વ વિધાનસભ્ય અર્જુન મોઢવાડિયા પર ભાજપમાં સામેલ થઈ ગયા છે.

લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ખૂબ જ મોટો ઝટકો મળ્યો છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ અર્જુન મોઢવાડિયા અને અંબરીશ ડેરે ભાજપનો ખેસ ધારણ કર્યો છે.ગાંધીનગરમાં કમલમ ખાતે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં બંને નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ ઉપરાંત આહિર અગ્રણી મૂળુભાઈ કંડોરિયા ભાજપમાં જોડાયા છે. મૂળુભાઈ કંડોરિયા કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર તરીકે પણ ચૂંટણી લડી ચૂક્યા છે.

કોંગ્રેસ છોડતાં પહેલાં અર્જુન મોઢવાડિયાએ કોંગ્રેસના રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં બહિષ્કારના નિર્ણયની ભારે ટીકા કરી હતી. આ પહેલાં કેન્દ્રીય મંત્રી નારણ રાઠવા તેમના પુત્ર અને કાર્યકર્તો સાથે ભાજપમાં સામેલ થયા હતા.

કમલમમાં આ બંને દિગ્ગજ નેતાઓએ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો છે. તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળુ કંડોરિયાએ પણ ભાજપમાં જોડાયા છે.

પ્રદેશાધ્યક્ષે આ સમારંભમાં કાર્યકર્તાઓનું સ્વાગત કરતાં જણાવ્યું હતું કે  લોકોને મદદ કરવાની ભાવના માટેનું પ્લેટફોર્મ મળે એ માટે તમે પીએમ મોદીની આગેવાનીમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે તે બદલ આપનું સ્વાગત છે.

આહિર, મેર સમાજના આગેવાનો

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ જેવી સ્થિતિ છે. OBC સમાજના બે નેતા, આહિર અને મેર સમાજના આ આગેવાનોના કોંગ્રેસ છોડવાથી પોરબંદર અને અમરેલી બેઠક પર ભાજપની સીધો લાભ થશે. કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશપ્રમુખ અને પોરબંદર કોંગ્રેસના MLAપદેથી અર્જુન મોઢવાડિયાએ ગઈ કાલે જ રાજીનામું આપ્યું હતું. જ્યારે રાજુલા બેઠકના પૂર્વ ધારાસભ્ય અંબરીશ ડેરે પણ ગઈ કાલે રાજીનામું આપ્યું હતું.

 

 

 

 

ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં ચૂંટણીની તારીખોનું એલાન કરશે?

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન ટૂંક સમયમાં થાય એવી શક્યતા છે. લોકસભાની ચૂંટણી 14-15 માર્ચની આસપાસ ઘોષણા થવાની સંભાવના છે. ચૂંટણી પંચ સતત લોકસભા ચૂંટણીની તૈયારીમાં લાગેલું છે અને એ અંતિમ તબક્કામાં છે. ચૂંટણી પંચના અધિકારી સામાન્ય ચૂંટણીની તૈયારી સમીક્ષા માટે અનેક રાજ્યોની મુલાકાત લઈ રહ્યા છે.

લોકસભા ચૂંટણીની તૈયારીને લઈને ચૂંટણી પંચ આજે પત્રકાર પરિષદ કરશે. જોકે એ સ્પષ્ટ નથી કે ચૂંટણી પંચ પત્રકાર પરિષદમાં લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન કરશે કે નહીં. જોકે ચૂંટણી પંચ સામાન્ય ચૂંટણીની જાહેરાત આગામી સપ્તાહે કોઈ પણ દિવસે તારીખોનું એલાન કરે એવી શક્યતા છે.પશ્ચિમ બંગાળમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે પંચના સભ્યોએ સોમવારે રાજકીય પક્ષોના પ્રતિનિધિઓની સાથે મુલાકાત કરી હતી. એ સાથે ચૂંટણી પંચની ટીમ ઉત્તર પ્રદેશ અને પછી જમ્મુ-કાશ્મીરની મુલાકાત પણ લેશે. બીજી બાજુ ભાજપ ને કોંગ્રેસ સહિત બધા રાજકીય પક્ષો લોકસભાની ચૂંટણીની તૈયારીમાં લાગેલા છે. કોંગ્રેસ વિરોધ પક્ષોના ગઠબંધનના સાથીઓ સાથે સીટ વહેંચણીને અંતિમ રૂપ આપવામાં લાગેલી છે. જોકે કોંગ્રેસે ઉમેદવારોની યાદી જારી નથી કરી.

બીજી બાજુ ભાજપ લોકસભા ચૂંટણી માટે 195 ઉમેદવારોની પહેલી યાદી જારી કરી ચૂકી છે. ભાજપની આ પહેલી યાદીમાં વડા પ્રધાન મોદી સહિત અનેક દિગ્ગજોનાં નામ છે.

ચૂંટણી પંચ મેમાં થનારી લોકસભાની ચૂંટણી પહેલાં સ્વતંત્ર અને નિષ્પક્ષ સંચાલન માટે AI ટેક્નિકનો ઉપયોગ કરે એવી શક્યતા છે. સોશિયલ મિડિયા અને ડિજિટલ પ્લેટફોર્મ પર ખોટી સૂચનાને દૂર કરવા માટે AI માટે એક વિભાગ બનાવે એવી શક્યતા છે.

 

 

 

 

 

 

કોરાનાના 120 નવા કેસો, ત્રણનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 178 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,30,332 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

છેલ્લાં ચાર વર્ષ કરતાં વધુ સમયથી કોરોના સંક્રમણ વૈશ્વિક સ્તરે આરોગ્ય માટે ગંભીર જોખમ બનેલું છે. વર્લ્ડોમીટર કોરોના અપડેટ્સના અનુસાર અત્યાર સુધી વિસ્વમાં 70 કરોડથી વધુ લોકો આ સંક્રમક રોગના શિકાર થઈ ચૂક્યા છે. સંક્રમણ અને એનાં ગંભીર જોખમોને કારણે 70 લાખથી વધુ લોકોનાં મોત પણ થઈ ચૂક્યા છે.હાલમાં એક અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે સંક્રમણની સ્થિતિમાં એક દવાના ઉપયોગથી ગંભીર રોગ વિકસિત હોવાથી અને હોસ્પિટલમાં દાખલ થવાના જોખમને ઓછું કરી શકાય છે. અમેરિકામાં આ દવાનો ઉપયોગ 12 વર્ષ અને એનાથી વધુ વયના લોકો માટે કરવામાં આવી રહ્યો છે. રિપોર્ટ અનુસાર પેક્સલોવિડ દવાનો ઉપયોગ કરનારા રોગીઓમાં કોવિડ19ને કારણે હોસ્પિટલમાં દાખલ થવાનું જોખમ 84 ટકા ઓછું જોવા મળ્યું છે.

દેશમાં અત્યાર સુધી 5,33,499 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,95,915 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 92 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1053 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,07,115 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 227 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

 

 

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૦૫ માર્ચ, ૨૦૨૪

રેણુકા શહાણેને હાસ્યએ પહેલી ફિલ્મ અપાવી

સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘હમ આપકે હૈ કૌન’ (૧૯૯૪) માં સલમાન ખાનની ભાભીની ભૂમિકા રેણુકા શહાણેને એના હાસ્યને કારણે મળી હતી. ફિલ્મના પાત્રોની પસંદગી થઈ રહી હતી ત્યારે ‘પૂજા’ ના પાત્ર માટે પહેલાં કોઈ જાણીતા ચહેરાને લેવાનો વિચાર કર્યો હતો. અનુપમ ખેરે પણ એવું જ સૂચન કર્યું હતું. પરંતુ કોઈ જાણીતી હીરોઈન ‘ભાભી’ ની અને તે પણ સલમાનની ભાભી તરીકે કામ કરવા તૈયાર થાય એમ ન હતી. કેમકે પછી ભાભી તરીકે જ કામ મળવાનું હતું. તેથી રાજકુમાર બડજાત્યાએ સૂરજને કહ્યું કે ‘નદિયા કે પાર’ ની જેમ નવોદિતને જ આ ભૂમિકા માટે લેવી જોઈએ.

અસલમાં સૂરજ જ્યારે ‘મૈંને પ્યાર કિયા’ ને અન્ય ભાષાઓમાં ડબ કરી રહ્યા હતા ત્યારે રાજકુમારે પૂછ્યું હતું કે હવે કયા વિષય પર ફિલ્મ બનાવીશ? ત્યારે સૂરજે આ ફિલ્મ પૂરી થયા પછી વિચાર કરવાનું કહ્યું હતું. પણ રાજકુમારે રાજશ્રી પ્રોડકશનની ‘નદિયા કે પાર’ ની રિમેક બનાવવા સૂચન કર્યું હતું. એ સાંભળી સૂરજને એમ થયું હતું કે પોતે હિટ ફિલ્મનો નિર્દેશક છે તો રિમેક શા માટે બનાવે? પણ એમણે સમજાવ્યું કે ‘નદિયા કે પાર’ ને આધુનિક રીતે બનાવવાની છે. અને સૂરજે એના પર કામ શરૂ કર્યું હતું. અઢી વર્ષની મહેનત પછી સ્ક્રિપ્ટ તૈયાર કરી કલાકારોમાં સલમાન- માધુરીને પસંદ કરી લીધા હતા.

ભાભીની ભૂમિકા માટે શોધ ચાલુ હતી ત્યારે એક જ દિવસે સૂરજને રાજશ્રીની ત્રણ વ્યક્તિ તરફથી રેણુકા શહાણેના નામની ભલામણ મળી હતી. આર્ટ ડાયરેક્ટર બિજોનદાસ ગુપ્તા, મેકઅપમેન જયંતિભાઈ અને પ્રોડકશન મેનેજર પી. કે. ગુપ્તાએ રેણુકાના હાસ્યસભર ચહેરાની વાત કરી સૂચન કર્યું હતું કે એને મળી લેવું જોઈએ. રેણુકા ત્યારે ‘સુરભિ’ કાર્યક્રમ ઉપરાંત ‘સર્કસ’ સિરિયલ કરી રહી હતી. સૂરજને આ વાતની ખબર ન હતી. એમણે ‘સુરભિ’ નો એપિસોડ જોઈને રેણુકાને મળવા બોલાવી હતી. રેણુકા મરાઠી હતી પણ કાર્યક્રમમાં હિન્દીમાં બોલતી હતી એ વાત એમને વધુ ગમી હતી.

રેણુકા જ્યારે રાજશ્રીની ઓફિસમાં પહોંચી ત્યારે સારો આવકાર આપ્યો અને એના વિષે જાણકારી પૂછી. રેણુકાએ પોતાના અભ્યાસ અને નાટક- સિરિયલ વગેરેની માહિતી આપી. એ પછી ત્યાં ટેબલમાં મૂકેલું નવલકથાનું જૂનું પુસ્તક કાઢી એમાંથી એક પાનું વાંચવા કહ્યું. રેણુકાએ હિન્દીમાં સરસ રીતે પઠન કર્યું એનાથી તે ખુશ થયા અને કહ્યું કે આ નવલકથામાંથી રાજશ્રીની દરેક હીરોઈને પઠન કર્યું છે.

સૂરજ બડજાત્યાએ રેણુકાને પહેલાં જ સ્પષ્ટ કરી દીધું હતું કે ફિલ્મમાં તેની ભાભીની ભૂમિકા માટે પસંદગી થઈ શકે છે. સૂરજે ‘મોહનીશની પત્ની’ શબ્દ પણ વાપર્યો નહીં. રેણુકાએ હા પાડ્યા પછી ફિલ્મની વાર્તા સંભળાવી હતી અને એના ત્રણ પ્રકારના ટેસ્ટ લેવામાં આવ્યા હતા. એકમાં માત્ર સંવાદ બોલાવવામાં આવ્યો હતો. બીજો ગેટઅપનો અને ત્રીજો માથા પર સાડીનો પાલવ મૂકી ટેસ્ટ લીધો હતો. રેણુકા બધી રીતે યોગ્ય લાગ્યા પછી એને પસંદ કરી લેવામાં આવી હતી.

દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

દેખાદેખી સાધે જોગ, પડે પંડને લાધે રોગ

 

કોઇની પણ નકલ કરવી નહીં અને તેમાં પણ આર્થિક, શારીરિક કે અન્ય રીતે આપણા કરતાં ખૂબ સબળ હોય તેવી વ્યક્તિની નકલ કરવા જતાં ખૂબ ખેંચાઇ જવાય અને આવી આંધળી નકલ કરનાર દયાજનક પરિસ્થિતીમાં મૂકાય. આમ તો યોગ આસન શરીર સૌષ્ઠવ વધારે છે પણ એ આસન કરવા માટેની ક્ષમતા કેળવવી પડે. એકાએક કોઈ કરે છે એનું જોઈને તમે યોગ સાધના કરવા જાવ તો શરીરને ઇજા થાય અને શરીર શક્તિ વધવાને બદલે માંદા પડાય એ સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

આવી જ લગભગ સમાનર્થી કહેવત છે ‘લાંબા વાંહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો થાય.’ અને ‘કોઈનો મહેલ જોઈને આપણું ઝુંપડું પાડી ના નખાય”

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)