મુંબઈઃ નેશનલ સ્ટોક એકસચેંજની કંપની NSE ઇન્ડાયસિસ લિમિટેડની ઇન્ડેક્સ મેઇનટેનન્સ સબ-કમિટી (ઈક્વિટી)એ તેની સમયાંતરે કરાતી પુનર્સમીક્ષાને અંતે વિવિધ ઇન્ડાયસિસમાંના સ્ટોક્સને બદલવાનો નિર્ણય કર્યો છે. આ ફેરફાર 28 માર્ચથી અમલમાં આવશે.
બ્રોડ માર્કેટ ઇન્ડાયસિસમાં અર્ધવાર્ષિક પુનર્સમીક્ષાને અંતે નિફ્ટી 50માંથી યુપીએલને બહાર કરીને શ્રીરામ ફાઇનાન્સનો સમાવેશ કરવામાં આવશે.
નિફ્ટી નેક્સ્ટ 50માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઇનાન્સ, પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને શ્રીરામ ફાઈનાન્સને બહાર કરીને અન્ય પાંચ કંપનીઓ અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈનાન્સ કોર્પોરેશન, જિયો ફાઈનાન્સિયલ સર્વિસિસ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
નિફ્ટી 500 ઈન્ડેક્સમાંથી 34 કંપનીઓ દૂર કરવામાં આવશે, જેમાં આરતી ડ્રગ્સ, જી આર ઈન્ફ્રા, ગુજરાત એલ્કલીઝ, ઈન્ગરસોલ રેન્ડ, જમના ઓટો, લક્ષ્મી મશીન, ફાઈઝર, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, રેઈન, રેલિઝ, ટીટીકે પ્રેસ્ટિજ, વિ-ગાર્ડ, વિનાતી ઓર્ગેનિક્સ, ઝાયડસ વેલનેસ અને અન્યોનો સમાવેશ થાય છે.
ઉક્ત 34 કંપનીઓને સ્થાને અન્ય 34 કંપનીઓનો સમાવેશ નિફ્ટી 500 ઈન્ડેક્સમાં કરવામાં આવશે, જેમાં મુખ્યત્વે એક્શન કંસ્ટ્રક્શન્સ, આનંદ રાઠી, એસ્ટ્રાઝેનેકા ફાર્મા, સેલો, ચેન્નઈ પેટ્રોલિયમ, ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ, હેમાદ્રિ સ્પેશિયાલિટી કેમિકલ્સ, ઈન્ડિયન રિન્યુએબલ એનર્જી, જિયો ફાઈનાન્સિયલ, જેએસડબ્લ્યુ ઈન્ફ્રા, મહારાષ્ટ્ર સીમલેસ, નુવાસા વેલ્થ અને અન્ય કંપનીઓનો સમાવેશ થાય છે. આ ફેરફાર નિફ્ટી-500 મલ્ટીકેપને 50:25:25 ઈન્ડેક્સને પણ લાગુ પડશે.
નિફ્ટી 100માંથી પાંચ કંપનીઓ અદાણી વિલ્મર, મુથુટ ફાઈનાન્સ, પીઆઈ ઈન્ડ., પ્રોક્ટર એન્ડ ગેમ્બલ અને યુપીઆઈને બહાર કરી અદાણી પાવર, ઇન્ડિયન રેલવે ફાઈ., જિયો ફાઈ., પાવર ફાઈ. અને આરઈસીનો સમાવેશ કરવામાં આવશે.
નિફ્ટી મિડકેપ 150 ઈન્ડાયસીસમાંથી 14 કંપનીઓ બહાર કરીને અન્ય 14 કંપનીઓ ઉમેરવામાં આવશે.
નિફ્ટી મિડકેપ સિલેક્ટની ચાર કંપનીઓ અબોટ ઈન્ડિયા, બાલકૃષ્ણ ઈન્ડ., બંધન બેંક અને પાવર ફાઈ.ને બહાર કરી, લુપિન, પીઆઈ ઈન્ડ., યુપીઆઈ અને વોડાફોન આઈડિયાનો સમાવેશ કરવામાં આવશે.
નિફ્ટી મિડકેપ 50માંની 10 કંપનીઓને બદલવામાં આવશે અને જે સ્ક્રિપ્સનો સમાવેશ કરાશે, તેમાં મુખ્યત્વે ભેલ, એલએન્ડટી ફાઈ., મેક્સ હેલ્થકેર, પીઆઈ ઈન્ડ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ્સ અને યસ બેન્કનો સમાવેશ થાય છે.
નિફ્ટી મિડકેપ 100માંની 13 કંપનીઓ બદલવામાં આવશે.
નિફ્ટી સ્મોલકેપ 50માંની 23 સ્ક્રિપ્સને બહાર કરી અન્ય 23નો સમાવેશ કરવામાં આવશે.
આ સિવાય નિફ્ટી 200, નિફ્ટી લાર્જ મિડકેપ 250, નિફ્ટી મિડ સ્મોલકેપ 400, નિફ્ટી મિડકેપ 250 અને નિફ્ટી ટોટલ માર્કેટની સ્ક્રિપ્સ અને સેક્ટોરિયલ ઈન્ડાયસીસની યાદીમાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા છે.
મુંબઈઃ NSEના સોશિયલ સ્ટોક એક્સચેન્જ સેગમેન્ટ (SSE) પર એકલવ્ય ફાઉન્ડેશન લિસ્ટિંગ મેળવ્યું છે. આ પૂર્વે 13 ડિસેમ્બર, 2023એ ઉન્નતિ ફાઉન્ડેશન લિસ્ટ થઈ હતી. એકલવ્યના લિસ્ટિંગ પ્રસંગે સ્વૈચ્છિક સંસ્થાઓના અનેક પ્રતિનિધિઓ અને પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઝેરોધા જેવા દાતાઓ, નાબાર્ડ અને અન્ય હિતધારકો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે NSEના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું કે મને નાણાપ્રધાન નિર્મલા સીતારમણના 2019ના બજેટ વખતના ભાષણના શબ્દો યાદ આવે છે, જેમાં તેમણે મૂડીબજારને વિશાળ જનસંખ્યા સુધી લઈ જવાની અને સર્વાંગીણ અને સર્વસમાવેશક વિકાસ સહિતના સામાજિક કલ્યાણનાં લક્ષ્યો સિદ્ધ કરવાનું વિઝન રજૂ કર્યું હતું. એમાંથી SSEનો પ્રાદુર્ભાવ થયો હતો. SSE હકીકત બની શક્યું એ માટે સેબીની ભૂમિકા પણ પ્રશંસનીય રહી છે. એકલવ્ય ફાઉન્ડેશને સફળતાપૂર્વક રૂ. 85.30 લાખ એકત્ર કર્યા હતા. આ ભંડોળ તેલંગણા રાજ્યના આદિવાસી ખે઼ડૂતોને તાલીમ પ્રાપ્ત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. ખેડૂતોને કૃષિ સંબંધિત ક્ષેત્રોની તાલીમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
SSE પ્લેટફોર્મ સતત વૃદ્ધિ પામી રહ્યું છે અને અત્યારે અમારી પાસે 50 રજિસ્ટર્ડ નોન-પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સ (NPO) છે. આમાંની કેટલીક એપીઓએ ફંડ એકત્ર કર્યું છે અને અન્ય ઘણી સંસ્થાઓ ભંડોળ એકત્ર કરવાની પ્રક્રિયામાં છે. SSE પ્લેટફોર્મ નાણાકીય બજારો અને સમાજકલ્યાણ હેતુઓ વચ્ચેના ગેપને પૂરવા પ્રતિબદ્ધ છે, જેના દ્વારા લોકોના વિશાળ વર્ગને નાણાકીય દ્રષ્ટિએ સક્ષમ બનાવી વિકાસ કરી શકાશે.
ગાંધીનગરઃ રાજ્યમાં વર્ષ 2023માં મહિલાઓ માટેની ઇન્ડસ્ટ્રિયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ (ITI)માં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. ગુજરાતના ડિરેક્ટોરેટ ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ ટ્રેનિંગ (DET) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડાંઓ મુજબ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં 24 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે, જે મુજબ રાજ્યમાં આવેલી 19 મહિલા ITIમાં 5049 મહિલાઓએ પ્રવેશ મેળવ્યો હતો.
વર્ષ 2022માં કુલ 4048 મહિલાઓએ આ ITIમાં પ્રવેશ મેળવ્યો હોવાથી એમ કહી શકાય કે તેની સરખામણીએ વર્ષ 2023માં મહિલાઓની ભરતીમાં જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023માં મહિલા ITIમાં મહિલાઓની ટકાવારીમાં 24 ટકાનો વધારો નોંધાયો છે, ત્યારે રાજ્યમાં આવેલી તમામ 288 સરકારી ITIમાં મહિલાઓની ટકાવારી નવ ટકા વધી છે. તેમાં મોટા ભાગે કો-એડ ITIનો સમાવેશ થાય છે.
કોવિડ-19 વૈશ્વિક મહામારીમાં આ સંસ્થાઓમાં પ્રવેશ મેળનારી મહિલાઓની સંખ્યા ઘણી ઘટી ગઈ હતી, પરંતુ DET દ્વારા ઘરે-ઘરે જઇને ઝુંબેશ હાથ ધરવામાં આવતાં છેલ્લાં બે વર્ષમાં તેમાં પ્રવેશ મેળવનારી મહિલાઓની સંખ્યામાં વધારો થયો છે. ક્વેસ્ટ એલાયેન્સના યૂથ પ્રોગ્રામ (ઓપરેશન્સ)ના ડિરેક્ટર સેન્થિલ કુમાર એમ. કે.એ જણાવ્યું હતું કે આ આંકડાઓ સૂચવે છે કે જીવનમાં કંઈક શીખવા માગતી મહિલાઓ ફક્ત તેમના માટેની ITIમાં પ્રવેશવા માટે ઇચ્છુક છે. આ સંસ્થામાંથી કોર્સ પૂરો કર્યા બાદ તેમને ઘણી બધી નોકરીઓ અને સ્વ-રોજગારીની તકો મળી રહેતી હોવાથી તેઓ ITIમાં પ્રવેશ મેળવી રહી છે. ITIમાં મહિલાઓની ભરતી અને સહભાગિતામાં વધારો થવા પાછળનું વઘુ એક મહત્ત્વનું કારણ આ સંસ્થામાંથી અગાઉ તાલીમ મેળવી ચૂકેલી સ્ત્રીઓનો પ્રભાવ છે.
ITIમાં શીખવાના માહોલને સુધારવામાં ફ્યુચર રાઇટ સ્કિલ્સ નેટવર્ક (એફઆરએસએન)ની ભૂમિકા પર પ્રકાશ પાડતાં તેમણે જણાવ્યું હતું કે ITIની અંદર જ પ્લેસમેન્ટ ઓફિસરો માટેના વિશિષ્ટ પ્રકારના તાલીમ કાર્યક્રમોનું અમલીકરણ થવાથી સંસ્થા અને ઉદ્યોગજગત વચ્ચેનો સંબંધ સુધર્યો છે, જેને પરિણામે સાલ-દર-સાલ પ્લેસમેન્ટનો દર સતત સુધર્યો છે. આથી વિશેષ અમે પ્રિન્સિપલ લીડરશિપ પ્રોગ્રામ પણ હાથ ધરીએ છીએ, જેને લીધે સંસ્થાના અગ્રણીઓ તેમની સંસ્થા માટે એક સ્પષ્ટ દ્રષ્ટિકોણ વિકસાવી શક્યા છે અને ખૂબ મોટા પાયે પરિવર્તન લાવવા માટે વ્યૂહાત્મક ક્ષેત્રોની સાથે અસરકારક રીતે સંકળાઈ શક્યા છે, જેના પગલે ITIમાં એકંદર ગુણવત્તા ઘણી સુધરી છે.’
DETનાં ડિરેક્ટર ગાર્ગી જૈન (IAS)એ જણાવ્યું હતું કે ગુજરાતની ITIમાં મહિલાઓની ભરતીમાં ઉછાળો જોઇને હું ખૂબ જ રોમાંચિત છું, આ હકારાત્મક વલણ અમારી શૈક્ષણિક સંસ્થાઓમાં સમાવેશી અને સક્ષમ માહોલની રચના કરવાના મહત્ત્વ પર પ્રકાશ પાડે છે. આ કાર્યક્રમ દરમિયાન પ્રિન્સિપાલ્સ, પ્લેસમેન્ટ ઓફિસરો અને એમ્પ્લોયેબિલિટી સ્કિલ ટ્રેનરોને પુરસ્કૃત કરવામાં આવશે. આ સમિટ યોજવા પાછળનો હેતુ ડીઇટી ગુજરાત અને એફઆરએસએન વચ્ચેના સફળ સહયોગનો સારાંશ રજૂ કરવાનો છે.
અમદાવાદઃ માર્ચ સિરીઝના પહેલા દિવસે સ્થાનિક શેરબજારોએ અત્યાર સુધીની નવી ઊંચી સપાટીએ પહોંચ્યા હતા. ઘરેલુ અર્થતંત્રના ડિસેમ્બર ત્રિમાસિકમાં અંદાજથી પ્રોત્સાહક પ્રદર્શન, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની શેરોમાં લેવાલી અને વૈશ્વિક બજારોના તેજીના સંકેતને કારણે શેરોની જાતેજાતમાં લેવાલી થઈ હતી. જેથી સેન્સેક્સ અને નિફ્ટી ઇન્ડેક્સ દોઢ-દોઢ ટકાથી વધુ ઊછળ્યા હતા. રોકાણકારોની સંપત્તિમાં પણ રૂ. 4.15 લાખ કરોડનો વધારો નોંધાયો હતો.
માર્ચ સિરીઝના પહેલા દિવસથી જ બજારમાં આગઝરતી તેજી થઈ હતી. છેલ્લા કલાકમાં સેન્સેક્સે 73,819.21 અને નિફ્ટે 22,353.3ની સપાટી સર કરી હતી. તાતા સ્ટીલની આગેવાનીમાં મેટલ શેરોમાં ભારે તેજી થઈ હતી. મેટલ ઇન્ડેક્સ 3.6 ટકા વધીને બંધ રહ્યો હતો, જ્યારે ઓટો, ફાઇનાન્શિયલ સર્વિસ, બેન્ક, PSU બેન્ક અને ખાનગી ક્ષેત્રની બેન્કના ઇન્ડેક્સ 2-2 ટકાથી વધુ વધીને બંધ રહ્યા હતા. બીજી બાજુ આઇટી, ફાર્મા અને મિડિયા ક્ષેત્રના શેરોમાં વેચવાલી થઈ હતી.
ગઈ કાલે ડિસેમ્બર ત્રિમાસિકમાં ભારતીય અર્થતંત્ર 8.4 ટકાના દરે વિકાસ પામ્યું હતું અને આજે મેન્યુફેક્ચરિંગ PMIના ડેટા પ્રોત્સાહક આવતાં શેરોની તેજીમાં ઘી ઉમેર્યું હતું. વળી, વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. 3568 કરોડના શેરો ખરીદ્યા હતા. છેલ્લા 10 વર્ષોમાં FII આઠ વાર માર્ચ મહિનામાં શુદ્ધ ખરીદદાર સાબિત થયા છે અને આ વર્ષે પણ લોકસભાની ચૂંટણીને લીધે આ જ વલણ રહેવાની શક્યતા છે.
BSE સેન્સેક્સ 1245.05 પોઇન્ટ અથવા 1.72 ટકા ઊછળીને 73,745 અને નિફ્ટી 355.95 પોઇન્ટ એટલે કે 1.62 ટકા ઊછળીને 22,338.75ની ઓલ ટાઇમ ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ટ્રેડિંગ સેશન દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં સેન્સેક્સ 73,819.21એ પહોંચ્યો હતો, જ્યારે નિફ્ટી 22,353.30ના મથાળે પહોંચ્યો હતો. નિફ્ટી બેન્ક 1166 પોઇન્ટ ઊછળી 47,286.90 બંધ રહ્યો હતો.
નવી દિલ્હીઃ ઇઝરાયેલ અને હમાસની વચ્ચે જારી રહેલા યુદ્ધમાં 100થી વધુ લોકોનાં મોત થયાના અહેવાલ છે. લોકોની ખાદ્યખોરાકી અને રાહત સામગ્રી લેવા માટે ઊમટેલી ભીડમાં 100થી વધુ લોકોનાં મોત થયાં છે. ગાઝામાં હમાસ દ્વારા સંચાલિત આરોગ્ય મંત્રાલયે 112 લોકોનાં મોત અને 760 લોકોના ઘાયલ થવાના આંકડા જારી કરતાં ઇઝરાયેલ પર નરસંહારનો આરોપ લગાવ્યો છે. ઇઝરાયેલી સેના (IDF) મુજબ ધક્કા-મુક્કી અને ટ્રકની નીચે આવવાને કારણે લોકોનાં મોત થયાં છે.
આ ઘટના 29 ફેબ્રુઆરીની છે અને ગાઝા શહેરના દક્ષિણ-પશ્ચિમી કિનારા પર નબુલસી ચાર રસ્તાની પાસેની છે. મિસ્રથી રાહત સામગ્રીથી ભરેલી 30 ટ્રકોનો એક કાફલો માનવ વસાહતોથી થતો ઉત્તર તરફ જઈ રહ્યો હતો. એ દરમ્યાન લોકોની ભીડ જમા થઈ હતી, ત્યારે ઇઝરાયેલી હુમલામાં 100થી વધુ લોકોનાં મોત થયાં હતાં.
This morning humanitarian aid trucks entered northern Gaza, residents surrounded the trucks and looted the supplies being delivered. As a result of the pushing, trampling and being run over by the trucks, dozens of Gazans were killed and injured.
IDFના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીએ કહ્યું હતું કે કેટલાક લોકોએ હિંસક રૂપથી ધક્કામુક્કી કરી અને માલસામાનની લૂંટફાટ કરી હતી. આ દુર્ઘટનામાં અનેક ગાઝાવાસીઓના માર્યા ગયા હતા અને ઘાયલ થયા હતા.
ડો. મોહમ્મદ સલહાએ કહ્યું હતું કે હોસ્પિટલમાં 161 ઘાયલોને હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવ્યા છે, જેમને જોઈ લાગ્યું કે તેમને ગોળી વાગી છે. પેલેસ્ટાઇન ઓથોરિટીના અધ્યક્ષ મહમૂદ અબ્બાસે ઇઝરાયેલી દળો પર જઘન્ય નરસંહારનો આરોપ લગાવ્યો હતો.
I condemn Thursday’s incident in Gaza in which more than 100 people were reportedly killed or injured while seeking life-saving aid.
The desperate civilians in Gaza need urgent help, including those in the north where the @UN has not been able to deliver aid in more than a week.
યુનાઇટેડ નેશન્સના સેક્રેટરી એન્ટોનિયો ગુટેરેસે પણ આ ઘટનાની નિંદા કરતાં કહ્યું હતું કે હું ગાઝામાં ગુરુવારની દુર્ઘટનાની નિંદા કરું છે, જેંમણે જીવન રક્ષક મદદ માગતાં 100થી વધુ લોકો માર્યા ગયા છે અથવા ઘાયલ થયા છે.
કમ્બખ્ત આ ગોઝારો ફરવરી. કેટલા મિત્રો, સ્નેહીજનોની વિદાય જોઈ આ મહિનાએઃ અમીન સાયાણી, પંકજ ઉધાસ, મુંબઈ-ગુજરાતના ચાર પત્રકાર ભેરુ અને છેલ્લે, જામનગરનો ઍક્ટર-મિત્ર જય વિઠલાણી. ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા’થી અમારી દોસ્તી થયેલી. વિરલ રાચ્છે એનું ઓળખાણ કરાવ્યાનું સ્મરણ છે. આ વર્ષની નાટ્યસ્પર્ધામાં જયના દીકરાએ ‘અલિખિત’ શીર્ષકવાળા જામનગરના જ નાટકમાં અભિનય કરેલો. મળવાનું ઓછું થતું, પણ મેસેજની આપ-લે થતી. છેલ્લો મેસેજ ‘કમઠાણ’ ફિલ્મ વિશે હતો, જેમાં જયે ભૂમિકા ભજવેલી. જીવનના રંગમંચ પરથી જયને 42 વર્ષની વયે આમ અચાનક એક્ઝિટ કરાવવાની કુદરતની રીત જરીકેય ન ગમી.
-અને હવે પંકજભાઈ. થોડાં વર્ષ પહેલાં એક વિષય પર એમનો ઈન્ટરવ્યુ લેવા લેન્સમૅન સનત તન્ના સાથે મુંબઈમાં એમના નિવાસસ્થાને ગયો ત્યારે ફેડેડ જીન્સ, નેવી બ્લુ પૉલો ટી-શર્ટમાં સજ્જ પંકજભાઈએ આવકાર આપતાં કહ્યું, “ઈન્ટરવ્યુ પછી. પહેલાં આ જો”… અને એમણે કમ્પ્યૂટર સ્વિચઑન કર્યું, “આજકાલ આત્મકથા લખી રહ્યો છું”. એક-બે ફકરા વાંચીને અચાનક બોલી ઊઠ્યાઃ “મારી સંગીતસફરમાં મકર સક્રાંતિનો એટલે કે પતંગનો મોટો ફાળો છે”.
(જય વિઠલાણી)
“વૉટ? ગઝલગાયકી અને પતંગ”?
કૉફીની ચુસકી લેતાં એ કહેઃ “યસ, નાનો હતો ત્યારે રાજકોટમાં કપાયેલો પતંગ પકડવા દોડ્યો ને એવો પડ્યો કે પગનું હાડકું ભાંગેલું. એક મહિનો બેડરેસ્ટ. પલંગમાં પડ્યો પડ્યો હું રૂમની એક દીવાલે ગોઠવાયેલા દિલરુબાને જોયા કરતો. મારા પિતા દિલરુબા છેડતા, દાદીમા ગાતાં. માતા (જિતુબહેન)ને પણ સંગીતનો શોખ. આમ, પતંગના લીધે ખાટલો થયો ને એમાંથી સંગીતનો પરિચય થયો. જો કે મારે બનવું હતું ડૉક્ટર, પણ”…
જેતપુરમાં ટેક્સટાઈલ કન્ટ્રોલરની ગવર્નમેન્ટ જૉબ કરતા કેશુભાઈ ઉધાસને ત્રણ દીકરા. મનહર, નિર્મલ અને પંકજ. ઉધાસબંધુના દાદાજી ભાવનગર સ્ટેટના વહીવટકર્તા હતા. ચરખડીમાં જન્મ બાદ ચાર-પાંચ વર્ષના પંકજ પિતાની બદલી થતાં રાજકોટ આવ્યા. અહીં એમણે પહેલી ફિલ્મ જોઈ ‘નાગિન’. ફિલ્મનું સોંગ ‘મેરા દિલ યે પુકારે આજા’થી પ્રભાવિત થયેલા.
જો કે પિતાની સ્પષ્ટ સૂચના કે સંગીત-બંગીત ઠીક, ભણવાનું, ડિગ્રી તો લેવાની જ. મનહરભાઈ મિકેનિકલ એન્જિનિયરિંગ ભણ્યા. નિર્મલભાઈ પણ ભણવામાં હોંશિયાર, પણ પંકજ એવરેજ સ્ટુડન્ટ. ગીત-સંગીત સાથે ભણવાનું ચાલુ હતું. મેટ્રિકમાં પંચોતેર ટકા આવતાં સાયન્સમાં ઍડ્મિશન લીધું. ડૉક્ટર બનવાનો નિર્ધાર તો હતો જ, પરંતુ જાતજાતના સંગીતકાર્યક્રમોમાં ગાવા-વગાડવાની વ્યસ્તતા વચ્ચે ભણતરના સૂર બરાબર મળતા નહોતા. ઈન્ટર સાયન્સમાં માત્ર પંચાવન ટકા આવતાં મેડિકલનું માંડી વાળવું પડ્યું.
તે પછી પંકજ મુંબઈ આવ્યા. તે પહેલાં કલ્યાણજી-આણંદજીના સહયોગથી મનહરભાઈ મુંબઈમાં ગાયક તરીકે ઠીક ઠીક જામી ગયેલા. સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં ઍડ્મિશન લઈને પંકજ બી.એસસી. થયા, સાથે પ્રોગ્રામ કર્યા, નાની-મોટી સ્પર્ધા જીત્યા. મુંબઈમાં એમને રમેશ સાહની નામના મિત્ર મળ્યા, જેમની પાસે બેગમ આખ્તરનું કલેક્શન હતું. ગઝલસમ્રાજ્ઞી બેગમ અખ્તરને પંકજ સાંભળતા. તે વખતે મનહરભાઈ ઉર્દૂ શીખતા. બેગમ અખ્તરની ગઝલમાં અમુક ઉર્દૂ શબ્દ ન પકડાય તો એ મૌલવી સાહેબને પૂછી લેતા.
ધીમે ધીમે નાની નાની પાર્ટીમાં, બેઠકોમાં ગઝલ ગાતા, પણ કંઈ જામતું નહોતું. થોડો સમય એક પ્લાયવૂડ કંપનીમાં નોકરી કરી. ૪૦૦ રૂપિયા પગાર, પણ સંઘર્ષ પૂરો થતો નહોતો. એક તબક્કે એ એટલા કંટાળી ગયા કે મિત્ર રમેશ સાહનીના નિમંત્રણથી કેનેડા જતા રહ્યા. રમેશ કેનેડામાં સૅટલ થયેલા. એક ટ્રાવેલ એજન્ટે ઉધારીમાં વિમાનની રિટર્ન ટિકિટ કરી આપી. આ વાત હશે ૧૯૭૬ની. વિઝા મહિનાના હતા, પરંતુ રમેશે ઓળખીતા-પાળખીતામાં ગોઠવેલી બેઠકો એવી જામી કે દસ મહિના રહી પડ્યા.
હવે એ એક ન્યુ, ઈમ્પ્રુવ્ડ પંકજ ઉધાસ હતા, પણ મુંબઈમાં તે વખતે જગજિતસિંહ, નીના-રાજેન્દ્ર મહેતા, તલત અઝીઝ અને અનુપ જલોટાના નામના સિક્કા પડતા. આમાં નવાસવા પંકજ ઉધાસનો ક્યાં ગજ વાગે? ફુલ નવરાશના એ દિવસોમાં પંકજભાઈ નવા શાયરોને વાંચતા, એમની ગઝલો સ્વરબદ્ધ કરતા. લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે, તાજ મહંમદ ખાં, ફૈય્યાઝ અહમદ ખાં જેવા કિરાણા ઘરાણાના ઉસ્તાદોનાં ગીતસંગીત કાનમાં જમા કરતા. પદ્ધતિસરની તાલીમ સંગીતગુરુ માસ્ટર નવરંગ નાગપુરકર પાસેથી મેળવી. જેમણે શિષ્યને પહેલો પાઠ શીખવ્યો ખમાજ રાગમાં “કૌન ગલી ગયો શ્યામ”… ઠૂમરી.
એમ તો લતા મંગશેકરને પણ એ ગુરુ માનતાં. લતાજીના અવસાન વખતે મેં એમને ફોન કરી લતાજી સાથેનાં ડ્યુએટ્સ વિશે બોલવા કહ્યું, પંકજભાઈ કહેઃ “લતા મંગેશકર મારા મનોમન ગુરુ હતાં. હું મારી જાતને નસીબદાર માનું છું કે મેં એમની સાથે ડ્યુએટ્સ ગાયાં છે. જેમ કે 1990ના દાયકાની ‘થાનેદાર’ (“ઔર ભલા ક્યા માઁગુ મૈં રબ સે”), ‘ઘાયલ’ (“માહિયાઁ તેરી કસમ”) વગેરે, પણ અમે ક્યારેય સાથે રેકોર્ડિંગ કર્યું નહોતું.”
1970ના દાયકામાં મુંબઈના રંગભવનમાં લતાજીના એક કાર્યક્રમમાં એમણે લતાજીનો ભેટો કરાવવાની મનહરભાઈ આગળ જિદ કરી. ઈન્ટરવલમાં બન્ને ભાઈ બૅકસ્ટેજમાં ગયા. સ્ટેજ પર લતાજી એક ખુરશીમાં બેઠેલાં. ગરમી અસહ્ય હતી, પ્રખ્યાત કવયિત્રી પદ્મા સચદે સાડીના પાલવથી પંખો નાખી રહ્યાં હતાં. મનહરભાઈએ ઓળખાણ કરાવી “આ મારો નાનો ભાઈ પંકજ”. પંકજભાઈએ ડરતાં ડરતાં લતાજીને ઑટોગ્રાફ આપવા કહ્યું. લતાજીએ એમનું ટ્રેડમાર્ક સ્માઈલ ફરકાવી સ્વાક્ષર આપતાં લખ્યુઃ “અચ્છા ગાતે રહો, ખુશ રહો”. પંકજભાઈના કહેવા મુજબ, જીવનમાં મેં લીધેલા એ પહેલા હસ્તાક્ષર હતા”.
તે પછી 1980માં એક સુવર્ણ તક પંકજભાઈના ઘરનાં બારણાં ખખડાવતી આવી. મુંબઈમાં રજનીભાઈ કોઠાવાલાને ત્યાં એક બેઠક, જેમાં અનુપ જલોટા અને તલત અઝીઝ મહેમાનોને ડોલાવતા હતા. આમાં એમને એક-બે ગઝલ ગાવાની તક મળી. એ સાંભળીને ઈન્ડિયા બુક હાઉસ (આઈ.બી.એચ.)ના એક ડાયરેક્ટરે પંકજને કૅસેટ બનાવવાની ઑફર કરી. પંકજભાઈને પ્રોફેશનલી પરફેક્ટ એવી કૅસેટ કાઢવી હતી, પણ એ માટે પૈસા કાઢવા ક્યાંથી?
અહીં એમની મદદે આવ્યાં ઍર હૉસ્ટેસ પારસી ફ્રેન્ડ ફરીદા (જે પછી પંકજનાં અર્ધાંગિની બન્યાં) અને પ્રખ્યાત શાયર-પત્રકાર શેખાદમ આબુવાલા. એમણે ખૂટતી રકમની વ્યવસ્થા કરી આપી. આમ એમની પહેલી કૅસેટ રિલીઝ થઈઃ ‘આહટ’.
તે પછી પંકજ ઉધાસ ટોચના બીજા ગઝલગાયકોની હરોળમાં આવી ગયા. એક પછી એક લૉન્ગ પ્લે (એલપી) રેકર્ડ અને કૅસેટ્સ આવવા માંડીઃ ‘મુકર્રર’, ‘મહેફિલ’, ‘બેસ્ટ ઑફ પંકજ’, ‘નાયાબ’, ‘આફરીન’, ‘સગુફતા’… વચ્ચે વચ્ચે ટિન્સેલ ટાઉનમાંથી કહેણ આવતાં. ‘નામ’ (એકએક પંક્તિમાંથી ટપકતા મેલોડ્રામાવાળું ‘ચિઠ્ઠી આયી હૈ’), ‘સાજન’ (‘જિયે તો જિયે કૈસે’) ‘મોહરે’ (‘ના કજરે કી ધાર’), વગેરે…
1990ના રિમિક્સના એક પાગલ દૌર (‘કલિયોં કા ચમન’, ‘કાંટા લગા’, ‘કભી આર કભી પાર’, વગેરે) વચ્ચે પણ પંકજભાઈ અચ્છી ગાયકી-સંગીતની સરિતા વહાવતા રહ્યા. જેમ કે, ‘સ્ટૉલન મોમેન્ટ્સ’. આ આલબમની એક નઝમ ‘ઔર આહિસ્તા કીજે બાતેં’ (ઝફ્ફર ગોરખપુરી)ની મ્યુઝિક વિડિયો સરસ હતી. છોકરો-છોકરી પહેલી વાર મળે ત્યારથી ઋજુ પ્રણય આગળ વધે એની રજૂઆત કરતી મ્યુઝિક વિડિયો ઑસ્ટ્રેલિયામાં શૂટ થયેલી. ૨૦૦૩માં ‘ઈન સર્ચ ઑફ મીર’ (સૂફી શાયર મીર તકી મીરની દસ ગઝલ) આલબમ માટે ‘પરિણીતા’ ફેમ દિગ્દર્શક સ્વ. પ્રદીપ સરકારે મ્યુઝિક વિડિયો બનાવી.
૧૯૮૧માં પિતા કેશુભાઈના અવસાન બાદ પંકજભાઈ ‘કૅન્સર પેશન્ટ્સ એઈડ ઍસોસિયેશન’ સંસ્થા માટે કામ કરતા. ૧૯૮૭થી એમણે થેલેસેમિક બાળકો તથા કૅન્સર પેશન્ટ માટે એક ઉમદા પ્રવૃત્તિ નામે ‘ખઝાના’ શરૂ કરેલી.
26 ફેબ્રુઆરીએ જેમનું જીવનસંગીત સમાપ્ત થયું એવા ગઝલસમ્રાટ અને ઉમદા ઈન્સાન પંકજ ઉધાસને તથા અમીન સાયાણી, પત્રકારમિત્રો અને, જય વિઠલાણીને ‘ચિત્રલેખા’ની આદરાંજલિ.
કાનપુરઃ આવકવેરા વિભાગે કાનપુરની એક તંબાકુ કંપનીમાં દરોડા પાડ્યા છે. આ દરોડામાં મળેલા માલસામાન જોઈને આંખો પહોળી થઈ જશે. IT વિભાગે કાનપુર સ્થિત બંસીધર તંબાકુ કંપની કેટલાંય સ્થળો પર દરોડા પાડ્યા હતા. કાનપુર સહિત પાંચ રાજ્યોમાં 15થી 20 ટીમો દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી હતી. નયાગંજ સ્થિત બંસીધર એક્સપોર્ટ અને બંસીધર તંબાકુને ત્યાં આવકવેરા વિભાગની કાર્યવાહી હજી પણ જારી છે.
IT વિભાગે પાડેલા દરોડામાં રૂ. 60 કરોડથી વધુની કિંમતની લક્ઝરી કારો મળી છે. આ કારો દિલ્હી સ્થિત નિવાસસ્થાને રાખી હતી. આ કારોમાં સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ ફેન્ટમ છે, જેની કિંમત રૂ. 16 કરોડ છે. કંપનીના માલિક કે. કે. મિશ્રાના પુત્રના ઘરે દરોડામાં મેક્લરેન, લેમ્બોર્ગિની અને ફરારી જેવી કારો મળી છે, જેની કિંમત કરોડો રૂપિયામાં છે. વિભાગે આ સાથે દરોડામાં કુલ રૂ. 4.5 કરોડની રોકડ પણ જપ્ત કરી છે. આ સાથે વિભાગે કેટલાક દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે.
વિભાગ કંપનીના અન્ય મોટા પાન-મસાલાનાં ઉત્પાદકોને પણ સપ્લાય કરી રહી છે. કંપનીનું ટર્નઓવર રૂ. 20-25 કરોડ બતાવી રહી છે, પણ વાસ્તવમાં કંપનીનું ટર્નઓવર રૂ. 100-150 કરોડની આસપાસ હોવાની શક્યતા છે.
કંપની મોટા પાયે GSTના નિયમોનું ઉલ્લંઘન કરતી હતી અને કરચોરી કરતી હોવાનું ધ્યાનમાં આવ્યું છે. કંપની અન્ય કંપનીઓને પણ કાચો માલ પૂરો પાડતી હતી.
ભારતીય સંસ્કૃતિનો ઈતિહાસ અધુરો લાગે છે, કારણકે એની શરૂઆતનો સમય ભારતીય માન્યતા પ્રમાણે અને વિદેશી માન્યતા પ્રમાણે અલગ છે. વળી નાસાનું સંસોધન પણ રામસેતુનો સમય રામાયણ કાળનો જ સમય દર્શાવે છે. તો પછી આપણે યુગ વિશેની વાતને સમજવાને બદલે પાંચ હજાર વરસ કેમ પકડીને બેઠા છીએ? ઓસ્કારની પાછળ ગાંડા થવાના બદલે આપણે આપણા દેશના નાગરિકોની પસંદને કેમ પ્રાધાન્ય નથી આપતા? આપણે જ આપણી સંસ્કૃતિને પ્રાધાન્ય ન આપીએ તો વિદેશીઓ શા માટે આપે. પોતાપણા માટેનું માન ખુબ જ જરૂરી છે. આપણી સંસ્કૃતિના પુરાવા માંગતી સંસ્કૃતિઓ એમના પુરાવા આપણને આપે છે ખરી? જેમને સંસ્કૃતનું જ્ઞાન હોય એમને કોમ્પ્યુટરની ભાષા શીખવી સહેલી પડે છે. જયારે અંગ્રેજીમાં તો જે લખાય છે એ બોલાતું નથી અને જે બોલાય છે એ સમજાતું નથી. તો પણ આપણે આપણી ભાષાઓ કરતા એને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. ભારતમાં નારી સન્માન વિષે ઘણી વાતો જોવા મળે છે. એ વાતમાં પણ ઘણા દેશો હજુ પછાત છે. શું આપણે ભારતીય વિચારધારા સાથે ન જીવી શકીએ?
મિત્રો, આ વિભાગ આપનો જ છે. આપને પણ કોઈ સમસ્યા કે સવાલ હોય તો આપ નીચે જણાવેલા ઈમેઈલ પર પૂછી શકો છો.
સવાલ: મેં આઝાદી પહેલાનું ભારત જોયું છે. એ વખતે સુવિધાઓ ઓછી હતી. પણ માણસોમાં ખુમારી હતી. કોઈને તકલીફ હોય તો બધા મદદ કરવા તૈયાર થઇ જાય. હું અંગ્રેજી શીખેલી. અને આજે પણ જુવાનીયાઓ કરતા વધારે સારી રીતે અંગ્રેજી બોલી શકું છું. પણ એ ભાષા અમારા માથા પર નહોતી ચડી ગઈ. એક સામાન્ય ભાષા છે. જેમાં બહુ બધું મુન્જવણ ભર્યું છે. સાલે લખે અને બોલે સેલ. લોવે લખે અને બોલે લવ. સાયકોલોજી પી થી શરુ થાય. એને સાયલેન્ટ કહે. એમનામાં છુપાવવાનું બહુ છે. આપણી ભાષામાં એવું અળવીતરું કશું જ નથી. બનાના માં કેટલા ના આવે એ મને તો ખબર જ નહોતી પડતી. કર્નલમાં આર છે જ નહિ. તોએ આપણે એ ભાષાને મહાન બનાવી દીધી.
જ્યાં સુધી દેશનો દરેક માનસ પોતાના દેશને, સંસ્કૃતિને, ભાષાને, પહેવેશને, અને સભ્યતાને માન નહિ આપે ત્યાં સુધી આ દેશનું કશું જ નહિ થાય. આપણા શાસ્ત્રોને વખોડવા અથવા તો એના માટેના જાત જાતના તર્ક ઉભા કરીને એને વિદેશી માન્યતાઓ સાથે જોડવાના પોકળ હવાતિયા જોઇને લાગે છે કે આઝાદી પહેલા પોતાના વિશેની સમજણ વધારે હતી. વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન સામાન્ય માણસને પણ હતું. દેશ ગુલામ હતો. પણ લોકો તન અને મનથી મજબુત હતા. આપણા દેશમાં એવા તો કેવા ફેરફાર થયા કે આપણે આપણી સંસ્કૃતિથી વિમુખ થઇ રહ્યા છીએ?
જવાબ: ઈતિહાસ રચવા માટે મહાન થવું પડે છે. અને આપની વાત પ્રમાણે દરેક વ્યક્તિ મહાન હતી. આઝાદી મળ્યા પછી ધીમે ધીમે એ પ્રક્રિયા વિસરાતી ગઈ. સંઘર્ષ વિના જે કાઈ મળે છે એની કીમત નથી રહેતી. હજારો વરસના સંઘર્ષ પછી રચાયેલા શાસ્ત્રો વાંચવા સક્ષમ ન હોય એવી પેઢી આવી. જે સંસ્કૃત ભણે છે એ પણ એને સમજે છે ખરા? એ શબ્દ સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. વિદેશ તરફની આંધળી દોટ આનું એક કારણ છે. બીજું એ પ્રકારની માન્યતાઓમાં કોઈ બંધનો નથી. સંસ્કૃતિ હોય ત્યાં બંધારણ પણ હોય. અને નિયમો પણ હોય. નારી અને નર બંનેને સમાન માનતી આપણી સંસ્કૃતિને વખોડી અને બંને જાતિને ખેંચાણ તરફ ધકેલવામાં આવી. જેનું એક પરિણામ સજાતીય આકર્ષણ તરફ પણ દેખાયું. લાગણી, પ્રેમ, આકર્ષણ એ બધું સહજ છે. જો અન્ય જાતી માટે નફરત છે તો એનો એક માત્ર પર્યાય આ જ રહેવાનો છે.
આપણી વિચારધારા બદલાઈ છે. માતૃભાષામાં રચાયેલ સાહિત્ય આપણી સંસ્કૃતિ તરફ લઇ જશે. અને અન્ય ભાષાનું સાહિત્ય તો એમની જ વાત કરશે. મારા બાળપણમાં ઇતિહાસના ભાગ રૂપે હું રામાયણ ભણ્યો છુ. કદાચ એ સમજણ વિનાના લોકો પુસ્તકોની પસંદગીમાં જોડાયા હશે. આવા ઘણા બધા જો અને તો આપણી સામે છે. શાસ્ત્રોને સમજવા માટે એના ભાષાંતર કે ભાવાનુવાદ કરતા એને મૂળ સ્વરૂપે સમજવા પડે. વિદેશી ભાષામાં લખાયેલા શાસ્ત્રો એમના તર્ક સાથેજ વાંચવા મળે. આપની ચિંતા સાચી છે. જ્યાં સુધી વિદેશ તરફની દોટ પૂરી નહિ થાય ત્યાં સુધી ગુલામીનું માનસ પૂરું નહિ થાય.
સુચન: રિલ્સ મનોરંજન માટે છે. એમાંથી શાસ્ત્ર ન જ શીખાય.
નવી દિલ્હીઃ દેશનાં 485 શહેરોમાંથી 46 શહેરના લોકો જ સ્વચ્છ પાણી પી રહ્યા છે. શહેરોમાંથી લેવામાં આવેલાં 25,000 સેમ્પલ ચેક કર્યા બાદ એ માલૂમ પડ્યું છે કે માત્ર 10 ટકા શહેરોનાં સેમ્પલ જ 100 ટકાની સાથે પાસ થયાં છે. સેમ્પલ અને 5.2 લાખ લોકોથી વાત કરવાને આધારે અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે, એમ કેન્દ્રીય શહેરી અને આવાસ મંત્રાલયના સેક્રેટરી મનોજ જોશીએ જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે પાંચ માર્ચે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ પેય જળ સર્વેક્ષણ એવોર્ડ એનાયત કરશે. સપ્ટેમ્બર, 2022થી નવેમ્બર, 2023 દરમ્યાન કરવામાં આવેલા સર્વે માટે એ 485 શહેરો અને નગર નિગમોને પસંદ કરવામાં આવ્યાં હતા, જ્યાં વસતિ એક લાખથી વધુની છે. આ સર્વેમાં માલૂમ પડ્યું હતું કે 95 ટકાથી 100 ટકા શહેરોમાં લોકોને ટેપ વોટર એટલે કે નળથી પાણીની સુવિધા મળી રહી છે. મંત્રાલયે દરેક શહેરમાં કમસે કમ એક મ્યુનિસિપલ વોર્ડમાં 24 કલાક પાણીની સુવિધાનું લક્ષ્ય રાખ્યું હતું અને પુરી, નવી મુંબઈ, કોઇમ્બતુર, પુણે, નાગપુર અને સુરત જેવાં શહેરોના કેટલાક વોર્ડોના લોકોને 24 કલાક પાણીની સુવિધા આપવામાં અગ્રણી ભૂમિકા ભજવી હતી.
મંત્રાલયે જળ પુરવઠાની ગુણવત્તા, માત્રા અને કવરેજમાં સર્વિસના સ્તરની સુવિધાઓનું મૂલ્યાંકન કરવા માટે સર્વેક્ષણ કર્યો હતો. આ સર્વેમાં સિવરેજ અને સેપ્ટેજ મેનેજમેન્ટ, અપશિષ્ટ જળના પુનઃઉપયોગ અને શહેરની અંદર જળ સંસ્થાઓના સંરક્ષણને સામેલ કરવામાં આવી હતી.
ફેશનનો એક જ હેતુ હોય છે કે બીજાને આપણા તરફ આકર્ષિત કરવા. કેટલી આશ્ચર્યની વાત છે કે, લોકો પોતાના ધનને છુપાવીને રાખે છે કે ક્યાંક ઠગની નજર તેના ઉપર ન પડે, અને તે લૂંટી ન જાય. પરંતુ શરીર જે ધન સંપત્તિથી પણ મૂલ્યવાન છે, જેની સાથે આપણું ચરિત્ર જોડાયેલ છે, જેને ગુમાવ્યા બાદ ફરી જેને મેળવી શકાતું નથી તેને આપણે જાણી જોઈને લોકોની લોભામણી નજરનો શિકાર બનાવવા માંગીએ છીએ. આપણે “આ બેલ મુજે માર.” એ કહેવતને સાકાર કરીએ છીએ.
લોકો એમ માને છે કે, ચરિત્ર ગયું તો કંઈ નથી ગયું. ધન ગયું તો બધું જ ગયું. પરિણામે પૈસાને છુપાવીને રાખે છે તથા શરીરને પ્રદર્શનની વસ્તુ બનાવી જાહેરમાં તેની હરાજી કરવામાં આવે છે. આજના સમાજમાં મોટાભાગની અનૈતિકતાનું મૂળ કારણ ફેશન જ છે. જે સમય, ધન, ચરિત્ર, દયા વિગેરેનું ગળું દબાવી છે. તે મનુષ્યને માત્ર શરીરના આધારે જીવવા વાળો સ્વાર્થી , હદની બુદ્ધિ વાળો પશુ બનાવી દે છે. આ પ્રકારની વ્યક્તિ સુતા – જાગતા, ઉઠતા – બેસતા શરીરને આકર્ષિત બનાવવાની વાતો જ વિચારે છે. અને તે પૂરી કરવા માટે કોઈ પણ હદ સુધી પતનની ખાડીમાં જઈ શકે છે. તે ગુણોથી નહીં પરંતુ ફેશનના બળે માન મેળવવા ઈચ્છે છે. અને જો ઈચ્છા મુજબનું માન-સન્માન ન મળે તો અપમાનની લાગણી અનુભવે છે.
ફેશનની સ્પર્ધામાં કોઈ બીજાને પોતાનાથી આગળ નીકળતો જુએ છે ત્યારે તેની આંખોમાં લોહી નીકળી આવે છે. અને તે એવી વ્યક્તિને મિત્ર બનાવવાના બદલે દુશ્મન બનાવે છે. તે આવી વ્યક્તિને નીચે દેખાડવા માટે તથા પછાડવા માટે પુરા પ્રયત્નોમાં લાગી જાય છે.
સુંદરતા ખરાબ નથી પરંતુ ફક્ત શરીરની સુંદરતા ઉપર સમય, શક્તિ તથા ધન વેડફવું તે મદડાનેને શણગાર કરવા જેવું છે. રોટી, કપડા, મકાન, શિક્ષણ તથા સ્વસ્થ શરીરએ જીવનની મૂળભૂત જરૂરિયાતો છે. પરંતુ ફેશન જરૂરી નથી. જેના માટે આખા સંસારની સંપત્તિ સ્વાહા કરી દઈએ તો પણ ઓછી પડે તેમ છે.
કલ્પના કરો કે એક એવો દીવો કે જેની જ્યોત હોલવાઈ ગઈ છે પરંતુ તે દીવાને રંગોથી સજાવવામાં આવી રહ્યો છે. એક એવો રથ કે જેનો ચલાવનાર બેહોશ પડ્યો છે પરંતુ તે રથને અલગ-અલગ ચિત્રો, મોતિઓ તથા ફૂલો દ્વારા સજાવવામાં આવી રહ્યો છે. તો શું જ્યોત વગરનો દિપક કોઈ અંધારાને રોશન કરી શકશે? તથા જ્ઞાનરૂપી હોશ ગુમાવનાર રથવાન શું રથને લક્ષ સુધી પહોંચાડી શકશે? શરીર પણ એક દીપક છે, રથ છે જેની શોભા આત્માના કારણે છે. આત્મા આ શરીરને ચલાવનાર રથી છે.
આત્મા ને જ્ઞાન, ગુણ શક્તિઓ થી તથા આધ્યાત્મિક જ્ઞાનના પ્રકાશથી પ્રકાશિત કર્યા વગર ફક્ત શરીરને સજાવવું શું યોગ્ય છે? આ શરીરની અંતિમ વિધિ એક મુઠ્ઠી રાખના રૂપમાં થવા વાળી છે. તે એડી થી ચોટી સુધી બનાવટી રંગો, સાધનો, શૃંગારની આઈટમોનો ભાર ઉઠાવી રહેલ હોય કે સાદા ડ્રેસમાં હોય, પાપ-પુણ્યના હિસાબ સમયે એ ગણતરી કરવામાં આવશે કે તે વ્યક્તિએ બીજાને મદદ કેટલી કરી, કેટલાના આંસુ લુછયા, કેટલાના આશાના દિપક જગાડ્યા, દુઆઓ કેટલાની લીધી ? પોતાની ઈચ્છા પૂરી અધૂરી રાખી કેટલાની શુભ ઈચ્છાઓ પૂરી કરી? પરંતુ જો કોઈ વ્યક્તિ આ બધી બાબતોને નજર અંદાજ કરી ફક્ત શરીરના શણગાર પાછળ તન-મન ધન લગાવી દે છે તો તેનું કર્મ પાપના ખાતામાં જ ગણાશે.
(બી. કે. શિવાની)
(બ્રહ્માકુમારી શિવાનીદીદી વરિષ્ઠ પ્રેરક વક્તા અને આધ્યાત્મિક શિક્ષિકા છે. રાષ્ટ્રપતિ દ્વારા નારી શક્તિ પુરસ્કાર ૨૦૧૮ દ્વારા સન્માનીત શિવાનીદીદી અનેક સેમિનાર અને ટેલિવિઝનનાં કાર્યક્રમો દ્વારા લાખો લોકોનું જીવન બદલનાર કુશળ, લોકપ્રિય વક્તા છે.)