Home Blog Page 2039

ડૉ.અંજૂ શાઝો અને ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાન્સના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરાયા

MGIS ના ડિરેક્ટર ડૉ. અંજૂ શાઝો અને MGIS ના સ્થાપક ટ્રસ્ટી તથા ફ્રેન્ચ સિવિલ સર્વન્ટ ડૉ.પાસ્કાલ શાઝોને ફ્રાંસ સરકાર દ્વારા ફ્રાંસનો સર્વોચ્ચ નાગરિક સન્માન એનાયત કરવામાં આવ્યો છે. જે અમદાવાદ અને મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કુલ (MGIS) બંને માટે ગૌરવભરી ક્ષણ છે. મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ અમદાવાદમાં આવેલા હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ્સ સેન્ટર ખાતે આયોજિત સત્તાવાર પુરસ્કાર સમારંભ દરમિયાન આ બંને મહાનુભાવોને સન્માનિત કર્યા હતા. ડૉ. અંજૂ શાઝોને શવાલીયે દૉ લૉર્દ્ર દે પાલ્મ આકાદેમીકથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં. જે ફ્રાંસની સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા એનાયત થતું સર્વોચ્ચ નાગરિક સન્માન છે. આ પુરસ્કારને એકેડેમિક્સ, સંસ્કૃતિ અને શિક્ષણના ક્ષેત્રોમાં ઉત્કૃષ્ટ સેવા પૂરી પાડનારા નાગરિકોને સન્માનિત કરવા માટે વર્ષ 1806માં નેપોલીયન દ્વારા સ્થાપવામાં આવ્યો હતો.

મુંબઈ ખાતેના ફ્રાંસના માનનીય કોન્સુલ જનરલ જૉ-માર્ક સેરે-શાર્લેએ જણાવ્યું હતું કે, ભારત અને ફ્રાંસ વચ્ચેના સંબંધો અસાધારણ છે. ફ્રાંસના માનનીય રાષ્ટ્રપ્રમુખે હાલમાં જ ભારતના ગણતંત્ર દિવસ નિમિત્તે ભારતની મુલાકાત લીધી હતી અને ગત વર્ષે ભારતના વડા પ્રધાને ફ્રાંસની મુલાકાત લીધી હતી, જે બંને દેશ વચ્ચેના ઘનિષ્ઠ સંબંધોનો પુરાવો છે. સંરક્ષણ, શસ્ત્રો અને પરમાણુ ઊર્જા જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસ વચ્ચે દ્વિપક્ષીય સંબંધો છે. જોકે બંને દેશના લોકો વચ્ચેના જોડાણને પ્રોત્સાહન આપવા માટે શિક્ષણના ક્ષેત્રમાં બંને દેશ વચ્ચે સહયોગ સાધવો એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ બની જાય છે. ડૉ. અંજૂ અને ડૉ. પાસ્કાલએ તેમની વિશિષ્ટ સ્કુલ મારફતે આ મામલે ઘણી મોટી ભૂમિકા ભજવી છે, જ્યાં બાળકોને ફ્રેન્ચ ભાષા શીખવવામાં આવે છે અને અત્યાધુનિક શિક્ષણ પણ પૂરું પાડવામાં આવે છે. તેઓ ભારતમાં વસતાં ફ્રાંસના એવા નાગરિકો છે, જેઓ આ ઉમદા કાર્યને પ્રોત્સાહન આપી રહ્યાં છે.

ફ્રાંસના વડા પ્રધાન દ્વારા ડૉ.અંજુ શાઝોને ફ્રાંસ સરકારના વેપારી સલાહકાર તરીકે નામાંકિત કરવામાં આવ્યાં છે. આ હોદ્દા પર તેઓ બિઝનેસ, વેપાર, ઉદ્યોગ, શિક્ષણ અને તાલીમ જેવા ક્ષેત્રોમાં ભારત અને ફ્રાંસના સંબંધોને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. UK, લંડનમાં આવેલી કિંગ્સ કૉલેજમાંથી શિક્ષણમાં ડૉક્ટરેટ થયેલા તેઓ શિક્ષકોની તાલીમમાં કુશળતા ધરાવે છે. તેમની પાસે બે ડિગ્રીઓ છે – એક ફ્રાંસની સ્ટ્રૉસબર્ગ યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અને બીજી ફ્રાંસમાં યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી શિક્ષણના વિજ્ઞાનમાં માસ્ટર્સ ડિગ્રી. તેમને પ્રતિષ્ઠિત વિદ્વાનોને ફ્રાંસ ગણરાજ્ય દ્વારા એનાયત થતું મેડલ ઑદ્રે દે પાલ્મ્સ આકાદેમિક એનાયત કરવામાં આવ્યું છે. ડૉ.અંજૂને FICCI તરફથી શીરાઇઝ એવોર્ડ અને ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ (વર્ષ 2016) પણ પ્રાપ્ત થયો છે.

આ સન્માન અંગે પ્રતિક્રિયા આપતાં ડૉ. અંજૂ શાઝોએ જણાવ્યું હતું કે, એકેડેમિક્સ અને શિક્ષણના ક્ષેત્રમાં મારી સમગ્ર વિકાસયાત્રા દરમિયાન ફ્રાંસની સરકારે મારું ખૂબ જ સમર્થન કર્યું છે તથા ભણતર અને શિક્ષણમાં અમારા નવા યુગના અભિગમોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે ભારત અને ફ્રાંસના વિદ્યાર્થીઓના આદાનપ્રદાનને પ્રોત્સાહન આપવાના, કૌશલ્ય વિકાસના કાર્યક્રમો તથા ગુજરાત અને ભારતમાં રોકાણ કરવા માટે ફ્રાંસના બિઝનેસોને સુવિધા પૂરી પાડવાના મારા પ્રયાસોને હંમેશા પ્રોત્સાહન આપ્યું છે. આ પુરસ્કાર મારા માટે ખૂબ મોટું સન્માન છે અને અમારા પ્રયાસોનો પુરાવો પણ છે અને આથી પણ વિશેષ, શિક્ષણના ક્ષેત્રમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરવાની દિશામાં આગળ વધવા તથા આ ક્ષેત્રમાં ભારત અને ફ્રાંસ વચ્ચે તાલમેલ સ્થાપિત કરવા માટે અમને સોંપવામાં આવેલી એક જવાબદારી છે. આ વિકાસયાત્રા આવી જ રીતે આગળ વધતી રહેશે તેવી મને અપેક્ષા છે.

શિક્ષણ, સંસ્કૃતિ અને બિઝનેસના મોરચે ભારત અને ફ્રાંસ વચ્ચે સાધવામાં આવેલો સહયોગ અને બંને દેશ વચ્ચે થતું આદાનપ્રદાન ફ્રાંસના રાષ્ટ્રપ્રમુખ અને ભારતના માનનીય વડા પ્રધાન બંને દ્વારા ભારત અને ફ્રાંસની વચ્ચે થયેલા દ્વિપક્ષીય કરારોની સાથે સુસંગત છે. ડૉ. પાસ્કાલ શાઝો શિક્ષણ અને આંતરરાષ્ટ્રીય સહકારના ક્ષેત્રમાં 30 વર્ષથી પણ વધુનો અનુભવ ધરાવે છે. તેઓ ફ્રાંસના સિવિલ સર્વન્ટ છે અને ફ્રાંસના રાષ્ટ્રીય શિક્ષણ મંત્રાલયમાં કેટેગરી A અધિકારી છે. યુનિવર્સિટી ઑફ પેરિસમાંથી સાઇકોલોજી ઑફ એજ્યુકેશનમાં પીએચડી થયેલા ડૉ.પાસ્કાલની થીસીસને યુનિવર્સિટી પેરિસ નોર્ડ તરફથી શ્રેષ્ઠ ડૉક્ટરલ રીસર્ચ બદલ મેડલ એનાયત કરવામાં આવ્યું હતું. તેઓ ફ્રેન્ચ ઓવરસીઝ માટે ચૂંટાયેલા સંસદસભ્ય રહી ચૂક્યાં છે અને નેશનલ કમિશન ફૉર ટ્રેનિંગ એન્ડ એમ્પ્લોયમેન્ટ ઇન ફ્રાંસના સભ્ય પણ રહી ચૂક્યાં છે. ત્યારબાદ તેમણે દક્ષિણ એશિયામાં વસતાં ફ્રાંસના નાગિરકો માટે ચૂંટાયેલા કોન્સુલર કાઉન્સિલર તરીકે સેવા આપી.

મુંબઈમાં થયેલા આતંકવાદી હુમલા વખતે બચાવ કામગીરી માટે તેમણે કરેલા પ્રયાસો બદલ તેમને ફ્રાંસની સરકાર તરફથી પ્રેસિડેન્ટ્સ મેડલ ઑફ ઑનર એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમને ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ સ્વ.ડૉ.એ.પી.જે.અબ્દુલ કલામના હસ્તે ભારતના ચૂંટણીપંચ તરફથી સિવિલ સોસાયટી એવોર્ડ પણ પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે વાત કરતાં ડૉ. પાસ્કાલ શાઝોએ જણાવ્યું હતું કે, મને આ સન્માન આપવા બદલ હું ફ્રાંસની સરકારનો ખૂબ આભારી છું. બદલાતા જતાં સમયમાં શિક્ષણમાં નવા મોરચાઓ શોધવા એ એક એવું મિશન છે, જેના માટે મેં મારી જાતને છેલ્લાં એક દાયકાથી પણ વધારે સમયથી સમર્પિત કરી દીધી છે. અમારા દરેક પ્રયાસોમાં ફ્રાંસની સરકારે અમને ખૂબ જ સપોર્ટ પૂરો પાડ્યો છે અને વાસ્તવમાં તો તેમણે અમને અમદાવાદમાં ભારત અને ફ્રાંસની વચ્ચે સાંસ્કૃતિક આદાનપ્રદાની એક સમૃદ્ધ સંસ્કૃતિ ઊભી કરવામાં ખૂબ જ મદદ કરી છે. આગામી વર્ષોમાં આ વારસો આગળ વધારવામાં આવે તેવી મારી હૃદયપૂર્વકની આશા છે.

63 મૂન્સ ટેક્નો.નો સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ, અમદાવાદમાં રોડ-શો

નવી દિલ્હીઃ 63 મૂન્સ ટેક્નોલોજીસ લિમિટેડ હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે ફ્રેન્ચાઇઝી મોડેલનો પહેલી માર્ચ, 2024થી પ્રારંભ કરી રહી છે. ફ્રેન્ચાઇઝીની નિમણૂક કરવા માટેના આ કાર્યની શરૂઆત દેશમાં ઝડપથી વિકસી રહેલા અમદાવાદથી થઈ રહી છે. કંપનીએ  નવીનતા અને પરિવર્તન લાવનારી ટેક્નોલોજી લાવવાની પરંપરા જાળવીને હવે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પદાર્પણ કર્યું છે. કંપનીએ જણાવ્યા મુજબ પ્રથમ રોડ-શો પહેલી માર્ચે અમદાવાદમાં વસ્ત્રાપુર સ્થિત હયાત અમદાવાદમાં યોજાઈ રહ્યો છે. ત્યાર બાદ દેશભરમાં રોડ-શો યોજાશે.

કંપનીના CEO નિહાર પઠારે આ અંગે જણાવે છે કે દેશભરમાં 20 લાખ ટ્રેડિંગ ટર્મિનલ્સ ધરાવતા ઓડિન ટ્રેડિંગ પ્લેટફોર્મ અને એમસીએક્સ, આઇઈએક્સ, ડીજીસીએક્સ, એસએમએક્સ, એમસીએક્સએસએસ, વગેરે જેવાં એકસચેન્જોની શૃંખલા રચનારા અમારા સ્થાપક જિજ્ઞેશ શાહના વિઝનને અનુલક્ષીને ડિજિટલ ઈકોનોમી ક્ષેત્રે ક્રાંતિ સર્જવાના હેતુસર 63 મૂન્સે સાયબર સિક્યોરિટી ક્ષેત્રે પ્રવેશ કર્યો છે, એમાં જિજ્ઞેશ શાહ કોચ અને મેન્ટર તરીકેની ભૂમિકા ભજવી રહ્યા છે. 

હાલના સમયમાં વ્યક્તિઓ હોય, કંપનીઓ હોય કે પછી રાષ્ટ્ર હોય, દરેકની સામે સાયબર એટેક્સનું જોખમ ઘણું જ વધારે અને ગંભીર સ્વરૂપનું છે. આ હકીકતને ધ્યાનમાં રાખીને 63 મૂન્સે પોતાની ત્રણ અદભુત પ્રોડકટ્સ અને સર્વિસનો પ્રારંભ કર્યો છે. એમાં CYBX (દરેક મોબાઇલ હેન્ડસેટ માટે), 63 SATS (દરેક એન્ટરપ્રાઇઝ સર્વર માટે) અને CYBERDOME (દરેક શહેર, રાજ્ય અને દેશ માટે)નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુઓને મળ્યું છે સેન્ટ્રલાઇઝડ સિક્યોરિટી ઓપરેશન્સ નર્વ સેન્ટર (એસઓસી)નું પીઠબળ અને વિકેન્દ્રિત ફ્રેન્ચાઇઝી નેટવર્કનો સહયોગ.

સાયબરસિક્યોરિટી માટેની કંપનીની આ પ્રોડકટ્સ અને સર્વિસીસનું સર્જન ઇઝરાયલથી લઈને અમેરિકા સુધીની વિશ્વની સાયબર સિક્યોરિટી ક્ષેત્રની 10 ઉત્તમ કંપનીઓના સહયોગથી કરવામાં આવ્યું છે. બ્લેકબેરી, રિસિક્યોરિટી, મોરફિસેક, વગેરે જેવી સાયબર સિક્યોરિટીની વિશ્વની અગ્રણી કંપનીઓનો આ કાર્યમાં સાથ મળ્યો છે.

ભારતીય સાયબર સિક્યોરિટી માર્કેટનું કદ વર્ષ 2029 સુધીમાં 1 લાખ કરોડ રૂપિયાનું થવાનો અંદાજ છે. આ જ રીતે વર્ષ 2030 સુધીમાં વૈશ્વિક સ્તરે આ માર્કેટ 42 લાખ કરોડ રૂપિયાના મૂલ્યની થવાની ક્ષમતા ધરાવે છે. કંપની દેશમાં પથરાયેલું ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઓફર કરી રહી છે. કંપનીએ 1 માર્ચ, 2024થી શરૂ કરીને દેશનાં 52 શહેરોમાં રોડ-શો રાખવાનું નક્કી કર્યું છે. એમાં ફ્રેન્ચાઇઝી નેટવર્ક ઊભું કરવાનું અને એના મારફતે પ્રોડકટ્સ અને સર્વિસીસ પૂરી પાડવાનું કંપનીનું લક્ષ્ય છે.

 

 

 

 

 

 

 

લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસમાં બળવો

નવી દિલ્હીઃ હાલના સમયે સિમલામાં જબરદસ્ત રાજકીય હલચલ છે. કોંગ્રેસ સરકાર બચાવવા માટે હવાતિયાં મારી રહી છે. ભાજપ હાલ થોભો અને રાહ જુઓની મુદ્રામાં છે. ભાજપ પાસે હિમાચલમાં 25 જ વિધાનસભ્યો છે, તેમ છતાં રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર હર્ષ મહાજનને જિતાડવામાં સફળ રહ્યો છે. કોંગ્રેસના છ વિધાનસભ્યોએ ક્રોસ મતદાન કર્યું છે.

ઉત્તર પ્રદેશની રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે તેના બધા આઠે ઉમેદવારોને જિતાડ્યા છે. ભાજપને આઠમા ઉમેદવારને જિતાડવા માટે નવ મતોની જરૂર હતી. એ પછી પણ ભાજપે 10 મતોના અંતરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવારને હરાવ્યો હતો. SPના છ બળવાખોર વિધાનસભ્યો ઉપ મુખ્ય મંત્રી બ્રજેશ પાઠકની સાથે વિધાનસભામાં મત આપવા પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથના ચક્રવ્યૂહમાં અખિલેશ યાદવની સાઇકલ ખરાબ રીતે ફસાઈ ગઈ.

ક્રોસ વોટિંગ તો કર્ણાટકમાં પણ થયું, પરંતુ એનાથી ચૂંટણીનાં પરિણામો પર ફોઈ ફરક ના પડ્યો.કર્ણાટકમાં રાજ્યસભાની ચાર સીટો પર મતદાન થયું, એમાં કોંગ્રેસના ત્રણ અને ભાજપને એક સીટ મળી. જનતા દળ-એસનો ઉમેદવાર હારી ગયો હતો.

બિહારમાં RJD વિધાનસભ્ય સંગીતા કુમારી અને કોંગ્રેસના બે વિધાનસભ્યો મુરારી પ્રસાદ ગૌતમ અને સિદ્ધાર્થ સૌરવ ભાજપમાં સામેલ થયા. બિહારમાં કોંગ્રેસના કુલ 19 વિધાનસભ્યો છે અને લોકસભા ચૂંટણી પહેલાં 19માંથી 12 વિધાનસભ્યો કોંગ્રેસ છોડે એવી શક્યતા છે.

બિહાર સિવાય મહારાષ્ટ્રમાં પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બસવરાજ પાટિલ પણ પાર્ટી છોડી ભાજપમાં સામેલ થયા છે. તેઓ મંત્રી રહી ચૂક્યા છે. આ પહેલાં ભૂતપૂર્વ CM અશોક ચવ્હાણ અને મિલિંદ દેવડા કોંગ્રેસ છોડીને ભાજપમાં અને શિવસેનામાં સામેલ થયા છે. આ સિવાય ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નારણભાઈ રાઠવા પણ કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા છે.

 

 

 

 

દિલ્હીમાં પાણી પર રાજકીય જંગઃ AAP વિ LG

નવી દિલ્હીઃ દિલ્હીમાં હાલમાં પાણીનાં બિલોની વન ટાઇમ સેટલમેન્ટ (OTS) સ્કીમને લઈને રાજકીય જંગ છેડાયો છે. આપ સરકારનું કહેવું છે કે OTSને LG તરફથી મંજૂરી નથી મળી રહી. ભાજપનું કહેવું છે કે વધેલાં બિલ જળ બોર્ડનાં નવા મીટરોને કારણે આવી રહ્યાં છે.

દિલ્હીમાં કુલ પાણીના ઘરેલુ વપરાશકર્તા 27.69 લાખ છે, જેમાં 21.82 લાખ પાણીના મીટરવાળા ઉપભોક્તા છે, જ્યારે 5.87 લાખ ઘરેલુ ઉપભોક્તા પાસે મીટર નથી, જ્યારે ગેરકાયદે કોલોનીઓમાં 6.59 લાખ મીટર ગેરકાયદે છે. શહેરમાં 58.28 ટકા પાણીની ચોરી થાય છે અથવા પાણી વેડફાઈ જાય છે.

દિલ્હીમાં બાકી બિલોનાં સેટલમેન્ટ માટે વન ટાઇમ સેટલમેન્ટની યોજના લાઇમલાઇટમાં છે. સરકાર અને અધિકારીઓ ઉપ રાજ્યપાલ પર આ યોજના અટકાવવાનો આરોપ લગાવી રહી છે. બીજી બાજુ મફત પાણી યોજનાથી દિલ્હી જળ બોર્ડની આર્થિક સ્થિતિ સારી નથી. જો જળ બોર્ડ અને સરકાર સેટલમેન્ટની યોજના લાવવા ઇચ્છે તો જળ બોર્ડે પાણીનાં મીટર બદલવા જોઈએ અને એમાં કોઈ અડચણ નથી, પણ હવે આ મુદ્દાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.

તેમણે કહ્યું હતું કે મત બેન્કના રાજકારણમાં યોજના લટકી રહી છે. જોકે બાકી બિલોની ચુકવણી માટે વન ટાઇમ સેટલમેન્ટ સમસ્યાનું નિદાન નથી, કેમ કે એનાથી જળ બોર્ડનું આર્થિક નુકસાન વધશે. એનાથી ભવિષ્યમાં સમસ્યો પણ વધે એવી સંભાવના છે.

સિટીજન્સ ફ્રંટ ફોર વોટર ડેમોક્રસીના સંયોજક એસએ નકવીએ જણાવ્યું હતું કે વર્ષ 2013માં ઉપભોક્તાઓને મોકલવામાં આવેલાં ખોટાં બિલ, ખોટાં રીડિંગ રાજકીય મુદ્દો બન્યો હતો અને આપ પાર્ટી એ મુદ્દો ઉઠાવીને સત્તા સુધી પહોંચી હતી. આ સમસ્યાઓનું સમાધાન કરવું એની ફરજ છે, પણ સ્થિતિ સુધરી નથી.

 

 

 

કૃષિમંત્રી રાઘવજીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી

ગુજરાતના કૃષિ મંત્રી રાઘવજી પટેલને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટની એક હોસ્પિટલમાં 19 દિવસ સારવાર ચાલી રહી હતી. તેઓ સ્વસ્થ થઇ જતા આજે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાઘવજી પટેલને બ્રેન સ્ટ્રોક આવતા તેઓને તાત્કાલીક પહેલા જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.

જામનગરમાં કાર્યક્રમ દરમિયાન સ્ટ્રોક આવ્યો હતો

ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે, કૃષી મંત્રી રાઘવજીને 10મી તારીખે રાતે જામનગરમાં એક કાર્યક્રમમાં હતા તે દરમિયાન સ્ટ્રોક આવ્યો હતો. જેથી તેમને જામનગરની જીજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજકોટની સીનર્જી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. ડોક્ટરે વધુમાં જણાવ્યુ કે, તેમને મેજર બ્રેઇન સ્ટ્રોક હતો. જેથી તેની અસર હતી. આઇસીયુમાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં વિવિધ ડોક્ટરોની ટીમની દેખરેખ હેઠળ તેમની સારવાર કરવામાં આવી.

તબિયત સ્થિર થતા ડિસચાર્જ કરવામાં આવ્યા

હવે તેમની તબિયત સ્થિર થતા તેમને ડિસચાર્જ કરવામાં આવ્યા છે.રાઘવજી પટેલને દાખલ કર્યા બાદ રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું હતુ કે, રાઘવજી પટેલ હાલ સ્વસ્થ છે. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે પણ સવારે ડોક્ટર જોડે વાત કરી હતી. રાઘવજીભાઈ એક લડાયક નેતા છે. લાખો લોકોના આશીર્વાદ તેમના ઉપર છે. ગુજરાતના ખૂણે ખૂણેથી તેમના સ્વસ્થ માટે પ્રાર્થના કરવામાં આવી રહી છે.

હારીજમાં કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરાયું

રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે વીઆર ઓલ હ્યુમન (WAAH) ફાઉન્ડેશન અને વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર (VASCSC)ના સહયોગ દ્વારા પાટણ જિલ્લાના હારીજ માં શ્રી સરસ્વતી શીશુ મંદિર ખાતે 19 માં WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. WAAH CSC એ STEM અને આધુનિક ટેકનોલોજી થી તૈયાર કરવામાં આવેલી શૈક્ષણિક સેન્ટર છે. જેમાં 150 થી વધારે ટીચિગ અને લર્નિંગ મટીરીયલનો TML સમાવેશ થાય છે.

આ સંસાધનોમાં મોડેલ્સ, શિક્ષણ સહાયક વિવિધ કદના ઈન્ટરેક્ટિવ પ્રદર્શન, પ્રયોગ કીટ, સાધનો, કોયડાઓ, પેનલ્સ, ચાર્ટસ નમૂનાઓ, પ્રકાશનો જેવી વિજ્ઞાનની ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ તમામ ચીજવસ્તુઓ વિદ્યાર્થીઓ માટે વિનામૂલ્યે છે.

વિજ્ઞાન લોકો સુધી પહોંચે અને લોકોને ઉપયોગી બને એ માટે વિક્રમ સારાભાઈ એ અથાગ પ્રયત્નો કર્યા છે. WAAH ફાઉન્ડેશનના પ્રમુખ પ્રફુલ્લભાઈ કહે છે વિજ્ઞાન, પ્રયોગોના સાધનો જેટલા પ્રમાણમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પૂરા પાડવામાં આવશે એટલું શોધ સંશોધન વધશે. વિકસિત ભારત માટે આ પ્રતિબધ્ધતા ખૂબ જ જરૂરી છે.

વિક્રમ સારાભાઈ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર દિલીપ સુરપુરે કહે છે WAAH કોમ્યુનિટી સાયન્સ સેન્ટર નવા NEP 2020 ની માર્ગદર્શિકા અનુસાર બનાવવામાં આવ્યા છે. વિજ્ઞાનના સેન્ટર ગામે ગામ પહોંચે અને સૌથી વધારે વિદ્યાર્થીઓ લાભ લેવા પ્રયત્ન કરે એવા પ્રયાસ થઇ રહ્યા છે. હારીજ જેવા અનેક વિજ્ઞાનના સેન્ટર પ્રયોગ શાળાઓ શોધ સંશોધન માટે વિધાર્થીઓ અને શિક્ષકોને ઉપયોગી થશે.

ઇન્ડિયા ગઠબંધનની સરકાર બની તો જૂની સંસદથી થશે બધાં કામ

નવી દિલ્હીઃ નવું સંસદ ભવન ફાઇવસ્ટાર જેલ જેવું છે, જ્યાં તમે કામ જ નથી કરી શકતા. જો વિરોધ પક્ષોનું  ઇન્ડિયા ગઠબંધન કેન્દ્રમાં સત્તામાં આવશે તો સંસદીય સત્રોનું આયોજન જૂના સંસદ ભવનમાંથી થશે, એમ શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે નવા સંસદની ભવનની ટીકા કરતાં કહ્યું હતું.

અમારી પાર્ટી ઇચ્છે છે કે જો લોકસભાની ચૂંટણી પછી અમે સરકાર બનાવીશું તો એ નક્કી છે કે અમે ઐતિહાસિક સંસદમાં સંસદીય સત્રોનું આયોજન ફરી શરૂ કરીશું. વડા પ્રધાન મોદીએ મે, 2023માં દિલ્હીમાં દેશના નવા સંસદ ભવનનું ઉદઘાટન કર્યું હતું.આ ઐતિહાસિક ઇમારત બનાવવામાં રૂ. 971 કરોડનૌ ખર્ચ થયો છે અને એમાં લોકસભામાં 888 સભ્યો અને રાજ્યસભામાં 300 સભ્યો માટે સુરક્ષિત છે.

સપ્ટેમ્બરમાં સંસદના વિશેષ સત્ર દરમ્યાન કાર્યવાહી નવા ભવનમાં સ્થાનાંતરિત થયા પછી કેટલાય વિરોધ પક્ષના સાંસદોએ ફરિયાદ કરી હતી કે ભવનમાં એકમેકને જોવા માટે દૂરબીનની જરૂર પડે છે.

નવી સંસદની ટીકા કરતાં તેમણે ભાજપના 400થી વધુ સીટો જીતવાના દાવાની મજાક ઉડાડી હતી. તેમણે કટાક્ષમાં કહ્યું હતું કે જો મહારાષ્ટ્રના લોકો 543 સભ્યો લોકસભામાં 600 સીટો જીતવાના દાવા કરતા તો તેઓ તાળીઓ વગાડતા. વડા પ્રધાન મોદીએ ચૂંટણી માટે 400ની જગ્યાએ 600નું લક્ષ્ય રાખવું જોઈએ. મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી (MVA) ગઠબંધનના સભ્યો માટે લોકસભાની ચૂંટણીમાં સીટ વહેંચણી પર સહમતી સધાઈ છે અને એની ઘોષણા ટૂંક સમયમાં કરવામાં આવશે.

 

 

 

 

IND vs ENG: KL રાહુલ પાંચમી ટેસ્ટમાંથી બહાર, બુમરાહ પરત ફર્યો

ભારતનો સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ પણ ઈંગ્લેન્ડ સામેની પાંચમી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈએ ગુરુવારે આ વાતની પુષ્ટિ કરી. એવી અટકળો હતી કે રાહુલ છેલ્લી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. રાહુલ ઈજાના કારણે પ્રથમ ટેસ્ટ રમ્યા બાદથી ટીમની બહાર છે. આ સાથે જ જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. તેને ચોથી ટેસ્ટ માટે આરામ આપવામાં આવ્યો હતો. તેની જગ્યાએ આકાશ દીપ રમ્યો હતો. હવે બુમરાહની વાપસીથી ટીમ મજબૂત બની છે. આ સિવાય બીસીસીઆઈએ પણ મોહમ્મદ શમીની ઈજાને લઈને અપડેટ આપી છે.

ગુરુવારે એક પ્રેસ રિલીઝ દ્વારા, BCCIએ કહ્યું – કેએલ રાહુલ, જેને ફિટનેસના આધારે છેલ્લી ટેસ્ટમાં તક આપવામાં આવી હતી, તે ધર્મશાલામાં રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. બીસીસીઆઈની મેડિકલ ટીમ તેની નજીકથી દેખરેખ રાખી રહી છે અને તેની સંભાળ માટે લંડનમાં નિષ્ણાતો સાથે પરામર્શ કરી રહી છે. બોર્ડે કહ્યું કે ચોથી ટેસ્ટ માટે ટીમમાંથી બહાર કરાયેલા જસપ્રીત બુમરાહ ધર્મશાલામાં રમાનારી પાંચમી ટેસ્ટ માટે ટીમ સાથે જોડાશે.

BCCIએ કહ્યું- વોશિંગ્ટન સુંદરને પણ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. તે 2 માર્ચથી મુંબઈ સામે શરૂ થનારી રણજી ટ્રોફી સેમિફાઈનલમાં તમિલનાડુ સાથે જોડાશે. જો જરૂર પડશે તો તે ઘરેલું મેચો પૂર્ણ થયા બાદ પાંચમી ટેસ્ટ માટે ભારતીય ટીમ સાથે જોડાશે. બોર્ડે કહ્યું- મોહમ્મદ. 26 ફેબ્રુઆરીએ શમીની સર્જરી સફળ રહી હતી. તેને તેની જમણી એડીમાં સમસ્યા હતી. તે સ્વસ્થ થઈ રહ્યો છે અને ટૂંક સમયમાં તેની પુનર્વસન પ્રક્રિયા શરૂ કરવા બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA) માં જોડાશે.

પાંચમી ટેસ્ટ માટે ભારતની ટીમઃ

રોહિત શર્મા (કેપ્ટન), જસપ્રિત બુમરાહ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, સરફરાઝ ખાન, ધ્રુવ જુરેલ (વિકેટકેટર), કેએસ ભરત (વિકેટકીન), દેવદત્ત પડિકલ, આર. અશ્વિન., રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, શાર્દુલ ઠાકુર, સિરાજ, મુકેશ કુમાર, આકાશ દીપ.

ગુજરાતના સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 % વધારો જાહેર

મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના કર્મચારીઓ કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં 4 ટકા વધારાનો લાભ 1 જુલાઈ 2023થી આપવાની જાહેરાત કરી છે. આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.45 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.63 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે.

મોંઘવારી ભથ્થાની 8 માસની એટલે કે 1 જુલાઈ 2023થી ફેબ્રુઆરી-2024 સુધીની તફાવતની રકમ ત્રણ હપ્તામાં પગાર સાથે ચૂકવવામાં આવશે.જુલાઈ-2023થી સપ્ટેમ્બર-2023 સુધીની તફાવત રકમ માર્ચ-2024ના પગાર સાથે, ઓક્ટોબરથી ડિસેમ્બર 2023ની એરિયર્સની રકમ એપ્રિલ-2024ના પગાર સાથે તેમ જ જાન્યુઆરી અને ફેબ્રુઆરી-2024ના મોંઘવારી ભથ્થાની એરિયર્સની રકમ મે-2024ના પગાર સાથે કર્મયોગીઓને ચુકવાશે.મુખ્યમંત્રીએ નવી વર્ધિત-પેન્શન યોજના એન.પી.એસ.માં કર્મચારી અને રાજ્ય સરકારના ફાળા અંગે પણ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્મચારીઓની માંગણીઓને પ્રતિસાદ આપતા કર્યો છે.

હવે એન.પી.એસ. અન્વયે કર્મચારીએ 10 ટકા ફાળો ભરવાનો રહેશે અને રાજ્ય સરકાર તેની સામે 14 ટકા ફાળો આપશે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બે મહત્વપૂર્ણ નિર્ણયો ઉપરાંત કર્મચારીઓને એલ.ટી.સી. માટે 10 પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતરણ ચૂકવણી અગાઉ 6ઠ્ઠા પગાર પંચના પગાર ધોરણ અનુસાર થતી હતી, તે હવેથી સાતમા પગાર પંચના સુધારેલા પગાર મુજબ ચૂકવવાનો પણ અગત્યનો નિર્ણય જાહેર કર્યો છે.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના આ કર્મચારી હિતકારી નિર્ણયોના અમલ અંગે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે.

રિલાયન્સ, ડિઝનીની દેશમાં રૂ. 70,000 કરોડના સંયુક્ત સાહસની જાહેરાત

મુંબઈઃ  રિલાયન્સ ઇન્ડ. લિમિટેડ (RIL), વાયાકોમ18 મિડિયા પ્રા. લિમિટેડ (Viacom18) અને ધ વોલ્ટ ડિઝની કંપની  (Disney)એ વાયાકોમ18 અને સ્ટાર ઈન્ડિયાના વ્યવસાયોને જોડતા સંયુક્ત સાહસની રચના કરવા માટે સમજૂતી કરારો પર હસ્તાક્ષર કર્યા છે. આ ટ્રાન્ઝેક્શનના ભાગરૂપે Viacom18ના મિડિયાને કોર્ટ દ્વારા મંજૂર કરાયેલી સ્કીમ ઓફ એરેન્જમેન્ટના અન્વયે સ્ટાર ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ (SIPL)માં મર્જ કરવામાં આવશે.

કંપની (RIL) આ સંયુક્ત સાહસમાં રૂ. 11,500 કરોડ (US $ 1.4 બિલિયન)નું રોકાણ કરશે. આ ટ્રાન્ઝેક્શનમાં પોસ્ટ-મની બેસીસ પર (રોકાણનું મૂલ્ય ગણતરીમાં લીધા બાદ) સંયુક્ત સાહસનું મૂલ્ય રૂ. 70,352 કરોડ (US $ 8.5 બિલિયન) આંકવામાં આવ્યું છે. આ  સંયુક્ત સાહસ RIL દ્વારા નિયંત્રિત થશે અને તેમાં RIL 16.34 ટકા, Viacom18 46.82 ટકા અને ડિઝની 36.84 ટકા હિસ્સાની માલિકી પ્રાપ્ત કરશે.

ડિઝની આ સંયુક્ત સાહસમાં અમુક વધારાની મિડિયા સંપત્તિઓનું યોગદાન પણ આપી શકે છે, જે નિયમનકારી અને થર્ડ-પાર્ટી મંજૂરીઓને આધીન રહેશે. નીતા એમ. અંબાણી સંયુક્ત સાહસના અધ્યક્ષ હશે તેમ જ  ઉદય શંકર ઉપાધ્યક્ષ તરીકે સંયુક્ત સાહસને વ્યૂહાત્મક માર્ગદર્શન પૂરું પાડશે.

આ સંયુક્ત સાહસ ભારતમાં એન્ટરટેઇનમેન્ટ અને સ્પોર્ટ્સ કન્ટેન્ટના અગ્રણી ટીવી અને ડિજિટલ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પૈકીનું એક હશે, જે જિયો સિનેમા અને હોટસ્ટારના માધ્યમથી ટેલિવિઝન અને ડિજિટલ પ્લેટફોર્મ્સમાં સૌથી વધારે અપેક્ષિત ઇવેન્ટ્સના એક્સેસ સહિત એન્ટરટેઇનમેન્ટ (દા.ત. કલર્સ, સ્ટારપ્લસ, સ્ટારગોલ્ડ) અને સ્પોર્ટ્સ (દા.ત. સ્ટાર સ્પોર્ટ્સ અને સ્પોર્ટ્સ18) એસેટ્સને એકસાથે લાવશે. સંયુક્ત સાહસના ભારતમાં 750 મિલિયનથી વધુ દર્શકો હશે અને તે વિશ્વમાં ભારતીય ડાયસ્પોરાને સેવા આપશે.

આ JV ભારતમાં મિડિયા અને મનોરંજન ઉદ્યોગમાં ડિજિટલ પરિવર્તનના યુગનું નેતૃત્વ કરશે અને ઉપભોક્તાઓને કોઈ પણ સમયે અને કોઈ પણ સ્થળે હાઈ-ક્વોલિટી અને કોપ્રિહેન્સિવ કન્ટેન્ટ ઓફરિંગ્સ પ્રસ્તુત કરશે. આ JVને 30,000 કરતાં વધુ ડિઝની કન્ટેન્ટ એસેટ્સના લાઇસન્સની સાથે, ભારતમાં ડિઝની ફિલ્મ્સ એન્ડ પ્રોડક્શન્સને ડિસ્ટ્રિબ્યુટ કરવાના એક્સક્લુઝિવ રાઈટ્સ પણ પ્રાપ્ત થશે, જેને પગલે ભારતીય ઉપભોક્તાઓને મનોરંજનનો સંપૂર્ણ ગુચ્છો ધરાવતા વિકલ્પો પ્રાપ્ત થશે.

આ JV વિશે, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને MD મુકેશ ડી અંબાણીએ જણાવ્યું હતું કે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં નવા યુગના આગમનની ઘોષણા કરતો સીમાચિહ્નરૂપ કરાર છે. રિલાયન્સ ગ્રુપના ચાવીરૂપ ભાગીદાર તરીકે અમે ડિઝનીનું સ્વાગત કરીએ છીએ.

વોલ્ટ ડિઝની કંપનીના CEO  બોબ ઈગરે જણાવ્યું હતું કે ભારતીય બજાર અને ગ્રાહકોની નાડ રિલાયન્સ સારી રીતે પારખે છે અને સાથે મળીને અમે દેશની અગ્રગણ્ય મિડિયા કંપની બનાવીશું, જે અમને ડિજિટલ સર્વિસીઝના વિશાળ પોર્ટફોલિયો તેમ જ મનોરંજન અને સ્પોર્ટ્સ કન્ટેન્ટ સાથે ઉપભોક્તાઓને વધુ સારી સેવા પૂરી પાડવાની તક આપશે. આ ટ્રાન્ઝેક્શન નિયમનકારી, શેરધારકો તેમ જ ગ્રાહકોને લગતી મંજૂરીઓને આધીન છે.