Home Blog Page 2047

‘શાહજહાં શેખની તાત્કાલિક ધરપકડ કરો…’ : કોલકત્તા હાઈકોર્ટ

પશ્ચિમ બંગાળના સંદેશખાલીમાં મહિલાઓ પર અત્યાચારના આરોપી તૃણમૂલ કોંગ્રેસના નેતા શાહજહાં શેખને કોલકાતા હાઈકોર્ટ તરફથી મોટો ઝટકો લાગ્યો છે. કોર્ટે તેમની ધરપકડ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે શેખની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. કોર્ટે શાહજહાં શેખ સામેના સુઓ મોટુ કેસમાં ED, CBI અને રાજ્યના ગૃહ સચિવને પક્ષકાર તરીકે સામેલ કરવાનો પણ નિર્દેશ આપ્યો છે.

શાહજહાં શેખ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં ધરપકડ પર સ્ટેની માંગ કરવામાં આવી હતી, જેને કોલકાતા હાઈકોર્ટે ફગાવી દીધી છે. હાઈકોર્ટના ન્યાયાધીશે તૃણમૂલ સાંસદ અભિષેક બેનર્જી અને રાજ્યના અન્ય બે મંત્રીઓની ટિપ્પણી પર પણ કડક વલણ અપનાવતા કહ્યું કે કોર્ટે શાહજહાં શેખની ધરપકડ પર ક્યારેય રોક લગાવી નથી. તેની ધરપકડ થવી જોઈએ.

આ પહેલા રવિવારે અભિષેક બેનર્જીએ કહ્યું હતું કે ફરાર નેતા શાહજહાં શેખની ધરપકડ કોર્ટના કારણે વિલંબમાં પડી રહી છે. તેમણે કહ્યું હતું કે શાહજહાં શેખને ન્યાયતંત્ર દ્વારા સુરક્ષા આપવામાં આવી રહી છે, જેથી સંદેશખાલીનો મુદ્દો રહે. તેમણે કહ્યું કે જ્યારે ટીએમસીના નેતાઓ પાર્થ ચેટર્જી અને જ્યોતિપ્રિયા મલિકની ધરપકડ કરવામાં આવી ત્યારે શાહજહાં શેખ કોણ છે. તેની તાત્કાલિક ધરપકડ થવી જોઈતી હતી.

તમને જણાવી દઈએ કે સંદેશખાલીની મહિલાઓનો આરોપ છે કે શાહજહાં શેખ અને તેના સાગરિતોએ તેમનું શોષણ કર્યું અને બળજબરીથી તેમની જમીનો હડપ કરી. હાલમાં જ શાહજહાં શેખના ઠેકાણા પર પહોંચેલી EDની ટીમ પર તેના સમર્થકોએ હુમલો કર્યો હતો, જે બાદ તે ફરાર છે.

યુનિવર્સિટીનો પદવીદાન સમારોહઃ સૌપ્રથમ વાર મરણોત્તર ડિગ્રી એનાયત

સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો હતો. નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોને હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૧ પીએચ.ડી. તથા ૪ એમ.ફિલ.ને પદવીઓ એનાયત થઈ હતી. આ અવસરે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી.

સૌપ્રથમ વાર મરણોપરાંત પીએચ.ડી. ડિગ્રી એનાયત

નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમ વાર મરણોપરાંત પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વીર નર્મદ યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ.મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને મરણોપરાંત પીએચ. ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલને હસ્તે આ પદવી તેમના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી.યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦માં સ્વ.મોહિતકુમાર પટેલ પ્લાસ્ટિક વિષય પર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. આ અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડી.નો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેન સ્ટોક આવતાં સારવાર દરમ્યાન તેમનું નિધન થયું હતું.

આ કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું. આ એનાયત થયેલી તમામ ૧૭,૩૭૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજી લોકરમાં ઉપલબ્ધ બનશે. જે લોગઇન IDથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલે રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝિટ કરી હતી.

આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે.

યુનિવર્સિટીના કુલપતિ ડો.કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઊભી કરી છે. આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે રૂ. ૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્વ સ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે.

 

 

 

 

 

 

 

હાઇકોર્ટનો સંદેશખાલી કેસમાં ED, CBIને પક્ષકાર બનાવવા નિર્દેશ

કોલકાતાઃ પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીની સંદેશખાલી મામલે મુશ્કેલીઓમાં વધારો થવાની શક્યતા છે. કલકત્તા હાઇકોર્ટના જસ્ટિસે આદેશ આપ્યો હતો કે સંદેશખાલી મામલામાં શાહજહાં શેખનું નામ ઉમેરવામાં આવે. આ કેસમાં જાહેર નોટિસ આપવામાં આવવી જોઈએ. સંદેશખાલી મામલે કોઈ સ્ટે ઓર્ડર નથી આપ્યો અને શાહજહાં શેખની ધરપકડ થવી જોઈએ.

કોર્ટનું સ્પષ્ટીકરણ ત્યારે આવ્યું, જ્યારે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ અભિષેક બેનરજીએ રવિવારે રાત્રે દાવો કર્યો હતો કે બંગાળ સરકાર શાહજહાંની ધરપકડ કરવામાં અસમર્થ છે, કેમ કે કોર્ટે પોલીસના હાથ બાંધી રાખ્યા છે. તેમણે સંદેશખાલીની તપાસ પર કોર્ટ પર જ તપાસમાં વિલંબ માટે આરોપ લગાવી દીધો હતો.

કોલકાતા હાઇકોર્ટે એ સ્પષ્ટ કર્યું હતું કે સંદેશખાલીમાં અત્યાચાર કરવાના આરોપી TMC નેતા શાહજહાં શેખની ધરપકડ પર કોઈ પ્રતિબંધ નથી મૂક્યો. હાઇકોર્ટે આરોપી શાહજહાં શેખ, ED, CBI અને રાજ્યના ગૃહ સચિવને આ મામલે પક્ષકાર તરીકે સામેલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

TMC નેતા શંકર સરદારના ઘરમાં કેટલીક મહિલાઓએ તોડફોડ કરી હતી. તેમનું ઘર સંદેશખાલી સ્થિત પોલપારા ગામમાં છે. તેમની પત્નીએ આરોપ લગાવ્યો હતો કે કેટલીક લોકલ મહિલાઓએ તેમના ઘરમાં તોડફોડ કરી હતી. એ સમયે પોલીસ ઘટના સ્થળે હાજર હતી.બશીરહાટના SP એચએમ રહેમાને કહ્યું હતું કે ત્યાં કેટલીક મહિલાઓ શંકર સરદારના ઘરમાં ઘૂસી હતી. હું સંદેશખાલીના લોકોને કહી રહ્યો છું કે તેઓ કાયદો હાથમાં ના લે, નહીંતો તેમની વિરુદ્દ પગલાં લેવામાં આવશ.શાહજહાં શેખ વિરુદ્ધ ફરિયાદો મળી, અમે શેખ શાહજહાંની વિરુદ્ધ FIR નોંધી છે.

 

 

 

 

 

ભારતે પાંચ વિકેટથી જીતી ચોથી ટેસ્ટ મેચ

રાંચીઃ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ મેચોની ટેસ્ટ સિરીઝની ચોથી મેચના ચોથા દિવસે ભારતે મેચ જીતી લીધી છે. આ સાથે ભારતે ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પર કબજો કરી લીધો છે. ભારતીય ટીમ એક સમયે સંકટમાં હતી અને ટીમની પાંચ વિકેટ પડી ગઈ હતી. આવામાં શુભમન ગિલ અને ધ્રુવ જુરેલની જોડીની ભાગીદારીએ ભારતને જીત અપાવી હતી. બેન સ્ટોકસની કેપ્ટનશિપમાં પહેલી વાર સિરીઝ ઇંગ્લેન્ડ હાર્યું છે.

ચોથી ટેસ્ટ મેચના ચોથા દિવસે ભારતે 37 ઓવરમાં ત્રણ વિકેટે 118 રન બનાવી લીધા હતા અને જીત માટે 74 રન બાકી હતા. ત્યાર બાદ 120 રને રવીન્દ્ર જાડેજાની ચોથી વિકેટ પડી હતી અને 120 રને જ સરફરાઝ ખાનની પાંચમી વિકેટ પડી હતી.

ત્યાર બાદ શુભમન ગિલે અને ધ્રુવ જુરૈલે બાજી સંભાળી હતી અને ભારતને જીત અપાવી હતી. બીજી ઇનિંગ્સમાં ભારતીય ટીમને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક હતો. બીજી ઇનિંગ્સમાં રોહિત શર્માએ (55) યશસ્વી જયસ્વાલે (37), રજત પાટીદાર (0), રવીન્દ્ર જાડેજા (ચાર), સરફરાઝ ખાન (0) રન બનાવ્યા હતા, જ્યારે શુભમન ગિલ (52) અને ધ્રુવ જુરૈલે નોટ આઉટ (39) રન બનાવ્યા હતા.

આ પહેલાં ઇંગ્લેન્ડે ચોથી ટેસ્ટમાં ટોસ જીતીને બેટિંગ લીધી હતી અને ટીમે 353 રન બનાવ્યા હતા, જ્યારે ભારત 307 રન બનાવ્યા હતા. આમ ઇંગ્લેન્ડને 46 રનની લીડ મળી હતી. જોકે ટીમ એનો લાભ નહોતી ઉઠાવી શકી.

ઇંગ્લેન્ડ બીજી ઇનિંગ્સમાં માત્ર 145 રન બનાવી શકી અને ભારતે આ મેચ પાંચ વિકેટે જીતીને ટેસ્ટ સિરીઝ પર કબજો જમાવ્યો હતો.

 

 

 

ગૃહ મંત્રી શાહ દ્વારા સહકારી બેંકિંગ ક્ષેત્રની છત્ર સંસ્થાનું ઉદઘાટન

અમદાવાદઃ ગૃહ મંત્રી અમિત શાહ બીજી માર્ચે અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન ફોર અર્બન કોઓપરેટિવ બેંકિંગ ક્ષેત્રનું ઉદઘાટન કરશે. તેમની પાસે સહકારનો પોર્ટફોલિયો પણ છે, તેઓ બીજી માર્ચે દિલ્હીમાં શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે છત્ર સંસ્થાનું ઉદઘાટન કરશે.

નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC)ના ચેરમેન  જ્યોતીન્દ્ર મહેતાએ જાહેરાત કરી કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ NUCFDCને NBFC તરીકે કામ કરવા અને ક્ષેત્ર માટે છત્ર સંસ્થા બનવા માટે નોંધણીનું બહુપ્રતીક્ષિત પ્રમાણપત્ર જારી કર્યું છે. જોકે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ અને આરબીઆઈના ગવર્નરની હાજરીમાં શક્તિકાંત દાસની પુષ્ટિની રાહ જોવામાં આવી રહી છે.

તેમણે જણાવ્યું હતું કે આરબીઆઈ દ્વારા સીઓઆર જારી કરવા સાથે,  NUCFDC શહેરી સહકારી બેંકિંગ ક્ષેત્ર માટે અમ્બ્રેલા ઓર્ગેનાઈઝેશન (UO) તરીકે કાર્ય કરશે. તેને સેક્ટર માટે સ્વ-નિયમનકારી સંસ્થા (SRO) તરીકે કામ કરવાની પરવાનગી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સહકારી બેંકો પાસે વિવિધ વિશિષ્ટ કાર્યો અને સેવાઓ પ્રદાન કરવા તેમ જ બેંકો અને રેગ્યુલેટર વચ્ચે સેતુ બનવાની તેમની પોતાની એક સંસ્થા હોવાનો ખ્યાલ ઘણા દેશોમાં પહેલેથી જ પ્રચલિત છે.

અર્બન કોઓપરેટિવ બેંકિંગ સેક્ટર તેની છત્ર સંસ્થા ધરાવે છે, જે શહેરી બેંકોને ફંડ આધારિત અને બિન-ફંડ આધારિત સહાયની સુવિધાઓ પ્રદાન કરશે. આરબીઆઈએ આ ક્ષેત્રને તેની છત્ર સંસ્થા રાખવા માટે પ્રોત્સાહિત કરવામાં પહેલ કરી છે. RBIના માર્ગદર્શનના આધારે, NAFCUB એ એક દરખાસ્ત સબમિટ કરી હતી, જેને મંજૂર કરવામાં આવી હતી અને UOને નેશનલ અર્બન કોઓપરેટિવ ફાઇનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (NUCFDC) નામથી સેક્ટર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું, જેને રૂ.117 કરોડની શેર મૂડી સાથે. શહેરી બેંકો દ્વારા સબ્સ્ક્રાઇબ કરેલ, NUCFDC ને RBI દ્વારા NBFC તરીકે કાર્ય કરવા માટે COR જારી કરવામાં આવી છે. અન્ય 12 મહિનામાં વધુ એકત્રીકરણ દ્વારા શેર મૂડી વધારીને રૂ. 300 કરોડ થવાની છે. RBI એ પહેલેથી જ NUCFDCમાં સબ્સ્ક્રાઇબ કરવા માટે UCB ને કેટલીક છૂટછાટો/નિયમનકારી છૂટછાટો આપી છે. તેમણે માહિતી આપી હતી કે NUCFDC નું સંચાલન બોર્ડ ઓફ ડિરેક્ટર્સ અને CEO દ્વારા કરવામાં આવે છે, જેમણે તેમની નિપુણતાના સંબંધિત ક્ષેત્રોમાં પ્રમાણપત્રો સાબિત કર્યા છે અને RBI દ્વારા નિર્ધારિત યોગ્ય અને યોગ્ય માપદંડો અનુસાર તેમની નિમણૂક કરવામાં આવી છે. સંસ્થામાં ડોમેન જ્ઞાન ધરાવતા વ્યાવસાયિકો દ્વારા રોજબરોજની કામગીરીનું સંચાલન કરવામાં આવશે, જે અત્યાધુનિક IT પ્લેટફોર્મ પર ટેક્નોલોજી આધારિત હશે.

તેમણે ભારત સરકારનો, ખાસ કરીને ગૃહપ્રધાન અમિત ભાઈ શાહ, સહકાર મંત્રાલયના સચિવ અને તેમની ટીમ તેમના નિરંતર સમર્થન માટે આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

 

HCએ મુસ્લિમ પક્ષની અરજી ફગાવીઃ વ્યાસ ભોંયરામાં જારી રહેશે પૂજા

લખનૌઃ વારાણસીના જ્ઞાનવાપી સ્થિત વ્યાસજીના ભોંયરામાં પૂજાની મંજૂરી પર પ્રતિબંધના મામલે અલાહાબાદ હાઇકોર્ટે મુસ્લિમ પક્ષની અરજી ફગાવી છે. જેથી વ્યાસજીના ભોંયરામાં પૂજા જારી રહેશે. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે આ ચુકાદો આપ્યો હતો. આ મામલે વારાણસી જિલ્લા કોર્ટના આદેશને મુસ્લિમ પક્ષે હાઇકોર્ટમાં પડકાર્યો હતો. વારાણસીની જિલ્લા કોર્ટે 31 જાન્યુઆરીએ હિન્દુ પક્ષને જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજાની મંજૂરી આપી હતી.

આ સાથે જિલ્લા મેજિસ્ટ્રેટ ભોંયરાના રિસીવર તરીકે બન્યા રહેશે. આ અમારી સનાતન ધર્મ માટે એક મોટી જીત છે, તેઓ (મુસ્લિમ પક્ષ) નિર્ણયની સમીક્ષા માટે જઈ શકે છે, પણ પૂજા જારી રહેશે, એમ વકીલ પ્રભાષ પાંડેએ જણાવ્યું હતું. બંને પક્ષો વચ્ચે લાંબી ચર્ચા બાદ કોર્ટે 15 ફેબ્રુઆરીએ પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. પાંચ દિવસ સુધી ચાલેલી સુનાવણી બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ સીએસ વૈદ્યનાથન અને વિષ્ણુ શંકર જૈને હિન્દુ પક્ષ વતી દલીલો કરી હતી.

જ્યારે મુસ્લિમ પક્ષ વતી વરિષ્ઠ એડવોકેટ સૈયદ ફરમાન અહેમદ નકવી અને યુપી સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડના એડવોકેટ પુનીત ગુપ્તાએ પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. કાશી વિશ્વનાથ ટ્રસ્ટ વતી એડવોકેટ વિનીત સંકલ્પે દલીલો રજૂ કરી હતી. મુસ્લિમ પક્ષની અંજુમન અંજામિયા મસ્જિદ સમિતિએ વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપવાના જિલ્લા ન્યાયાધીશ વારાણસીના નિર્ણયને પડકાર્યો હતો.

હિન્દુ પક્ષનું પ્રતિનિધિત્વ કરતા વકીલ વિષ્ણુ શંકર જૈન કહે છે, અલાહાબાદ હાઇકોર્ટે અંજુમન ઇંતેજામિયાના આદેશોની પહેલી અપીલ ફગાવી હતી, જે 17 અને 31 જાન્યુઆરીના આદેશની વિરુદ્ધ હતી અને આદેશની અસર એ થઈ કે જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં ચાલી રહેલી પૂજા જારી રહેશે.

 

 

 

 

કોરાનાના 114 નવા કેસો, એકનું મોત

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 114 નવા કેસો નોંધવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાને લીધે એક જણનું મોત થયું છે. દેશમાં અત્યાર સુધીમાં 220.68 કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં અત્યાર સુધીમાં 4,50,29,149 કરોડ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

 દેશનાં કેટલાંય રાજ્યોમાં શીતલહેરનો પ્રકોપ જારી છે, ત્યારે કોરોના વાઇરસ પણ પ્રસરી રહ્યો છે. કોવિડના નવા વેરિયેન્ટ JN.1એ સૌથી વધુ ટેન્શન વધાર્યું છે. અત્યાર સુધી 18 રાજ્યોમાં નવા વેરિયેન્ટના કેસ નોંધાયા હતા. કોરોનાના નવા વેરિયેન્ટ JN.1ના દેશમાં અત્યાર સુધી સૌથી વધુ 2083 દર્દી મળી ચૂક્યા છે.દેશમાં અત્યાર સુધી 5,33,479 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,44,94,744 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 84 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 926 પહોંચી છે. જેથી કોરોનાથી સંક્રમિત થવાની શક્યતા 0.01 ટકા છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.81 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.18 ટકા થયો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 17,605 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 93.58 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 0.25 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 0.50 ટકા છે.

દેશમાં 220.68 કરોડથી રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 220,68,02,664 કરોડ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 10 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોવિડ-19ના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને સરકારે ટેક્નિકલ એડવાઇઝરી કમિટી (TAC) સાથે પરામર્શ કર્યા બાદ ભીડવાળા સ્થળોએ ન જવું અને ફેસ માસ્ક પહેરવા જેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

સુવિચાર – ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

સુવિચાર – ૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

૨૬ ફેબ્રુઆરી, ૨૦૨૪

ઈચ્છુકતા: જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા

સદ્‍ગુરુ: યોગની સમગ્ર પ્રક્રિયા માત્ર પોતાને સોંપી દેવાની છે. જ્યારે હું કહું કે તમે સ્વયંને સોંપી દો ત્યારે લોકોને કદાચ ખબર નથી હોતી કે કેવી રીતે સહજતાથી પોતાને સોંપી શકાય. લોકો સ્વંયને સોંપી દે તેના માટે તેમને અમુક પ્રકારના માર્ગ જોઈતા હોય છે. જીવનમાં તમે જે કંઈ પણ કોઈને આપો છો, પછી તમે પૈસા આપો, ભોજન આપો અથવા તો બીજુ કંઈ આપી શકો, તે બધું તમારું નથી. તમારું શરીર પણ, કારણ કે તે પણ તમે આ પૃથ્વીમાંથી ભેગું કર્યું છે. જતી વખતે તમારે એ પણ અહીં પાછું આપીને જવું પડશે. આ શરીરનો એક કોષ પણ તમે લઈને ન જઈ શકો.

આજે તમારી પાસે જે કંઈ પણ છે તે તમે આ ગ્રહ પરથી ઉધાર લીધું છે. તે હકીકતમાં તમારું નથી. તમે તેનો ઉપયોગ કરી શકો છો, આનંદ માણી શકો છો પરંતુ તમે વાસ્તવિકતામાં તેના પર આધિપત્ય જમાવી શકતા નથી. તમે એવું માનો છો કે તમારા ઘર, કપડાં, પતિ ,પત્નિ કે અન્ય લોકો પર તમારી માલિકી છે. અત્યારે તમે તેમના પર અધિકાર જમાવો છો. પરંતુ હકીકતમાં તમારી માલિકીનું કંઈ છે જ નહીં. તેઓ આજે અહીં છે જેથી તેમની સાથે તમે આનંદ કરી શકો છો, તેમનો ઉપયોગ કરી શકો છો પરંતુ જ્યારે જવાનો સમય થાય ત્યારે તમારે છોડીને જવું પડશે. તેથી તમારું કંઈ છે જ નહીં.  જે તમારું છે જ નહીં, તે તમે આપી ન શકો.

તેથી આપવા જેવું કંઈ ખરેખર છે જ નહીં. હું કોઈક પાસેથી લઈને તમને કંઈક આપી શકું. આ પ્રકારના અર્પણનું કોઈ મૂલ્ય નથી. પરંતુ આપવા માટે તમારી પાસે કોઈ સાધન જોઈએ. મૂળભૂત રીતે માત્ર એક જ ચીજ આપી શકો છો એ છે તમે સ્વયં. પણ સહજતાથી પોતાને કેવી રીતે આપવું તે તમે જાણતા નથી. તેથી તમે પૈસા, કે ભોજન અથવા કોઈ અન્ય રીતે આપો છો. તમે આપવા માટે આ સાધનોનો ઉપયોગ કરો છો. તમે પ્રક્રિયાનો ઉપયોગ સ્વયંને આપવા માટે કરો છો. તમે ગમે તે આપો પરંતુ હકીકતમા તમે સ્વયંને જ આપી શકો છો. જો તમે તેના વિશે જાગૃત ન હો તો આપવું એક સમસ્યા બની જાય છે.

જો સ્વયંને આપવા માટે તમે ઈચ્છુક ન બનો તો આપવાની પ્રક્રિયા અત્યંત કષ્ટદાયક બની જાય છે. જ્યારે તમારી સમજમાં આપવું એટલે માત્ર ચીજો આપવું એવું હશે તો સ્વાભાવિક રીતે તમારી અંદર ડર ઉત્પન્ન થશે. “જો હું બધુ આપી દઈશ તો મારું શું થશે ?” પ્રેમ અને પ્રસન્નતા આપવામાં પણ લોકો કંજૂસ બની ગયા છે કારણ કે આપવાની વાત આવે ત્યારે તેમના મતે માત્ર વસ્તુઓ આપવી એવું હોય છે. આ અર્થવ્યવસ્થાના લીધે આપણે ધીમે ધીમે ઓછા પ્રેમાળ, ઓછા પ્રસન્ન અને અશાંત બની ગયા છીએ.

તમે જે કંઈ કરો છે તેના દ્વારા જ આપી શકો છો. પંરતુ જ્યારે કોઈ ક્રિયા ન હોય ત્યારે લોકોને ખબર નથી પડતી કે પોતાને કેવી રીતે અર્પણ કરવા. તેમને કોઈ ગતિવિધિ જોઈએ જેથી તેઓ કોઈ ચીજ પ્રત્યે સ્વયંને આપી શકે.  તેથી સ્વયંસેવા તે દિશામાં એક પ્રચંડ સંભાવના છે જેમાં તમે સ્વયંને આપી શકો છો અને કામ દ્વારા સાચા અર્થમાં સ્વયંને અર્પિત કરી શકો છો.

તેથી સ્વયંસેવા એક રસ્તો છે જેના માધ્યમથી આપણે જીવનને અર્પણ કરવાની પ્રક્રિયા કેમ બનાવવી તે શીખી શકીએ છીએ. સ્વયંસેવકનો અર્થ એ કે જે ઈચ્છુક છે. માત્ર આ કરવું કે તે કરવું એવું નહીં. તે બસ ઈચ્છુક છે. જ્યાં સુધી કોઈ વ્યક્તિ ઈચ્છુક નહિ બને ત્યાં સુધી કોઈ આધ્યાત્મિક પ્રક્રિયા ઘટિત નહિ થાય.

(સદગુરુ, જગ્ગી વાસુદેવ)

(ભારતના પચાસ સૌથી પ્રભાવશાળી લોકોમાં સ્થાન પામેલા, સદ્‍ગુરુ એક યોગી, દિવ્યદર્શી, યુગદ્રષ્ટા અને ન્યૂયોર્ક ટાઇમ્સના બેસ્ટ સેલિંગ લેખક છે. સદ્‍ગુરુને અસાધારણ અને વિશિષ્ટ સેવા માટે 2017માં ભારત સરકાર દ્વારા ભારતનો સર્વોચ્ચ વાર્ષિક નાગરિક પુરસ્કાર “પદ્મ વિભૂષણ” આપવામાં આવ્યો છે. સાથે જ તેઓ વિશ્વના સૌથી મોટા લોક અભિયાન, કોન્શિયસ પ્લેનેટ – માટી બચાવોના સ્થાપક છે જે ૪ અબજથી વધુ લોકો સુધી પહોંચ્યું છે.)