Home Blog Page 2050

ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે મૂકેશ પટેલને નિયુક્ત કરવામાં આવ્યા

અમદાવાદ : ઈન્ડો-જાપાન ફ્રેન્ડશીપ એસોસિએશન (IJFA) ગુજરાતના પ્રમુખ મૂકેશ પટેલને ભારતમાં જાપાનના માનદ્ કોન્સલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિમણુંક જાપાનના વિદેશ મંત્રી દ્રારા પાંચ વર્ષની મુદત માટે કરવામાં આવી છે અને તેની જાહેરાત જાપાનના મહામહિમ સમ્રાટના જન્મદિવસની યાદમાં જાપાનના રાષ્ટ્રીય દિવસની ઉજવણી દરમિયાન મુંબઈમાં જાપાનના કોન્સલ જનરલ ડૉ. યાસુકાતા ફુકાહોરી અને દિલ્હીમાં જાપાનના રાજદૂત હિરોશી સુઝુકી દ્વારા કરવામાં આવી હતી.

કોન્સલ જનરલે જાહેરાત કરી કે ભારતમાં માનદ્ કોન્સલ તરીકે જાપાનની આ સૌ પ્રથમ નિમણુંક છે. 1952 માં શરૂ થયેલા જાપાન-ભારત રાજદ્રારી સંબંધો હાલમાં 72માં વર્ષમાં પ્રવેશી ચૂક્યા છે. જાપાનના રાજદૂતે તેમના અભિવાદન સંબોધનમાં જણાવ્યું હતું કે આ એક ઉજવણી કરવા માટેના સમાચાર છે, કારણ કે આ નિમણુંકથી ગુજરાત અને જાપાન વચ્ચેની મિત્રતા વધુ ગાઢ બનશે. તેમની નિમણુંકના પ્રત્યુતરમાં મૂકેશ પટેલે જણાવ્યું હતું કે તેઓ 1972 માં તેમના વિદ્યાર્થીકાળથી 51 વર્ષથી વધુ સમય માટે જાપાન સાથે સંકળાયેલા છે અને ગુજરાતને ભારતનું મિની-જાપાન બનાવવાના વિઝન અને મિશનને આગળ વધારતા દ્રિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા માટે સમર્પણ સાથે કાર્ય કરી રહેલ છે. તેમને આપવામાં આવેલ આ વિશેષાધિકૃત દરજ્જો તેમને વધુ ઉત્સાહ સાથે આ કાર્યને આગળ વધારવા માટે પ્રોત્સાહિત કરશે.

2017 માં મૂકેશ પટેલને શૈક્ષણિક, વ્યાપારી અને સાંસ્કૃતિક ક્ષેત્રે જાપાન ઈન્ડિયા ફ્રેન્ડશીપને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રશંસનીય સેવાઓની કદરરૂપે જાપાનના સમ્રાટ દ્રારા ‘ઓર્ડર ઓફ ધ રાઈઝિંગ સન’નું વિશિષ્ટ સન્માન આપવામાં આવ્યું હતું. મૂકેશ પટેલે હ્યોગો-ગુજરાત સિસ્ટર-સ્ટેટ અને કોબે-અમદાવાદ સિસ્ટર-સિટી સંબધોને પ્રોત્સાહિત કરવામાં તેમજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે જાપાન ઇન્ફર્મેશન એન્ડ સ્ટડી સેન્ટર, ભાષા અને સાંસ્કૃતિક કેન્દ્રો તથા ઝેન ગાર્ડન અને કાઇઝેન એકેડેમીની સ્થાપનામાં પણ ચાવીરૂપ ભૂમિકા ભજવી છે.

દેશમાં 1 જુલાઈથી નવો ફોજદારી કાયદો થશે લાગુ

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા, ભારતીય ન્યાય સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1 જુલાઈથી દેશમાં અમલમાં આવશે. કેન્દ્ર સરકારે શનિવારે આ અંગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ત્રણેય કાયદાઓને ગયા વર્ષે 21 ડિસેમ્બરે સંસદની મંજૂરી મળી હતી અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 25 ડિસેમ્બરે તેમની મંજૂરી આપી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જારી કરાયેલી સમાન ત્રણ સૂચનાઓ અનુસાર નવા કાયદાની જોગવાઈઓ 1 જુલાઈથી અમલમાં આવશે. આ કાયદા અનુક્રમે સદીઓ જૂના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ 1872નું સ્થાન લેશે. આ ત્રણેય કાયદાઓનો ઉદ્દેશ્ય વિવિધ ગુનાઓ અને તેમની સજાઓને વ્યાખ્યાયિત કરીને દેશમાં ફોજદારી ન્યાય પ્રણાલીને સંપૂર્ણપણે બદલવાનો છે.

ગયા વર્ષે ચોમાસુ સત્ર દરમિયાન આ બિલ રજૂ કરવામાં આવ્યું હતું

નવા કાયદાઓનો ઉદ્દેશ્ય આતંકવાદની સ્પષ્ટ વ્યાખ્યા આપીને રાજદ્રોહને નાબૂદ કરીને અને અન્ય કેટલાક ફેરફારો સાથે રાજ્ય વિરુદ્ધ અપરાધ નામની નવી કલમ દાખલ કરીને બ્રિટિશ યુગના ઘણા કાયદાઓને સંપૂર્ણ રીતે બદલવાનો છે. આ ત્રણ કાયદા અંગે સરકારે ગયા વર્ષે સંસદના ચોમાસુ સત્ર દરમિયાન બિલ રજૂ કર્યું હતું. સંસદમાં રજૂ કર્યા બાદ તેને ગૃહ મામલાની સંસદીય સ્થાયી સમિતિને પણ મોકલવામાં આવી હતી. સમિતિ દ્વારા કરવામાં આવેલી અનેક ભલામણોને સામેલ કર્યા બાદ તેને સંસદના શિયાળુ સત્રમાં પસાર કરવામાં આવી હતી.

નવા કાયદાના મહત્વના મુદ્દા

ભારતીય ન્યાયિક સંહિતા 2023 જે ભારતીય દંડ સંહિતા 1860નું સ્થાન લેશે. રાજદ્રોહ દૂર કરવામાં આવ્યો છે પરંતુ અલગતાવાદ, વિદ્રોહ અને ભારતની સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા વિરુદ્ધ કામ કરનાર વ્યક્તિઓને સજા કરવા માટે નવી જોગવાઈ દાખલ કરવામાં આવી છે. સગીરો પર ગેંગ રેપ અને મોબ લિંચિંગ માટે મૃત્યુદંડની જોગવાઈ છે.

UP પોલીસ ભરતી પરીક્ષા રદ, CM યોગીએ કહ્યું- છ મહિનામાં ફરીથી યોજાશે

ઉત્તર પ્રદેશ પોલીસ ભરતી પરીક્ષા શનિવારે રદ કરવામાં આવી છે. રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું છે કે છ મહિનામાં સંપૂર્ણ સ્વચ્છતા સાથે ફરીથી પરીક્ષા લેવામાં આવશે. મુખ્યમંત્રીનું કહેવું છે કે યુવાનોની મહેનત અને પરીક્ષાની પવિત્રતા સાથે ખેલ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ખરેખર, હાલમાં પેપર લીકમાં સંડોવાયેલા લોકો STFના રડારમાં છે. અત્યાર સુધીમાં ઘણી મોટી ધરપકડો કરવામાં આવી છે. યુવાનો સતત વિરોધ કરી રહ્યા હતા અને આ ભરતી રદ કરવાની માંગ કરી રહ્યા હતા.

ભરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો

યુપી સરકારના ગૃહ વિભાગ દ્વારા કહેવામાં આવ્યું હતું કે પોલીસ ભરતી પરીક્ષા સંબંધિત તથ્યોની તપાસ કર્યા પછી, પારદર્શિતાના ઉચ્ચ ધોરણોને ધ્યાનમાં રાખીને ભરતી રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સરકારે ભરતી બોર્ડને જે પણ સ્તરે બેદરકારી દાખવી હોય તેમની સામે FIR દાખલ કરવા સૂચના આપી છે. તેમજ કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ.

પેપર લીકની તપાસ STF દ્વારા કરાવવાનો નિર્ણય

સરકારે કહ્યું છે કે તેણે પેપર લીકની તપાસ STF દ્વારા કરાવવાનો નિર્ણય લીધો છે. દોષિત વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે. યુપી સરકારે કહ્યું છે કે આગામી છ મહિનામાં યોજાનારી ભરતી માટે, પરિવહન વિભાગને ઉમેદવારોને મફત સુવિધાઓ આપવાનું કહેવામાં આવ્યું છે. સીએમ યોગીએ ટ્વીટ કરીને લખ્યું છે કે પરીક્ષાઓની પવિત્રતા સાથે કોઈ સમજૂતી કરી શકાય નહીં. યુવાનોની મહેનત સાથે ખેલ કરનારાઓને કોઈ પણ સંજોગોમાં બક્ષવામાં આવશે નહીં, આવા બેફામ તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તે નિશ્ચિત છે.

48 લાખથી વધુ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી

પરીક્ષામાં બેઠેલા લાખો યુવાનોએ પેપર લીક થવાની ફરિયાદ કરી હતી. યુપી બોર્ડના જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 1495 ફરિયાદો મળી છે. શરૂઆતમાં પોલીસ ભરતી બોર્ડ પેપર લીકના સમાચારને ફગાવતું હતું. વધી રહેલા હંગામાને જોઈને તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે 48 લાખથી વધુ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેણે પરીક્ષા આપી હતી, પરંતુ પેપર લીકની ફરિયાદ બાદ તેનું ભવિષ્ય શંકાસ્પદ હતું. નોકરીની આશા રાખતા યુવાનો નિરાશ થયા હતા, આથી ન્યાયની માંગણી સાથે યુવાનો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

વિશ્વ માતૃભાષા દિવસ નિમિત્તે અકાદમી, અસ્મિતા ગુજરાતી અને રામજી આસર વિદ્યાલયે યોજ્યું કવિ સંમેલન

ગુજરાતી કાવ્ય નરસિંહ મહેતાના ‘ જાગ રે જાદવા’ થી આજનાં ‘ ગોતી લ્યો….તમે ગોતી લ્યો, ગોતી લ્યો ‘ સુધી પહોંચ્યું છે!

૨૧ ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ નિમિતે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય  અકાદમી દ્વારા અસ્મિતા ગુજરાતી મુલુંડ અને રામજી આસર વિદ્યાલય વાડી ટ્રસ્ટના સહયોગથી  રામજી આસર વિદ્યાલયમાં કવિ સંમેલન આયોજિત કરવામાં આવ્યું હતું. જાણીતા કવિઓ સંદીપ ભાટિયા , મુકેશ જોષી, ભરત વ્યાસ , ચેતન ફ્રેમવાલા અને ચિંતન નાયકે કવિતાઓ, ગઝલોની ધુંઆધાર રજૂઆત કરી શ્રોતાઓને જકડી રાખ્યાં હતાં.

સોમૈયા કૉલેજ વિદ્યાવિહારની વિદ્યાર્થિની ધર્મી પાતાણીએ તરન્નુમમાં માતૃભાષા ગીત તથા એક ગઝલ ગાઈ માહોલ જમાવી દીધો હતો. યુવાન કવિ ચિંતન નાયકે અને ચેતન ફ્રેમવાલાએ ત્રણ ગઝલ‌ રજૂ કરી હતી. ઘણા વખતે જાહેર મંચ પરથી રજૂ થયેલા ગઝલકાર ભરત વ્યાસે કેટલીક ઉમદા ગઝલ રજૂ કરી શ્રોતાઓની જબરી દાદ મેળવી.

દોલત ખુદાએ દીધી
આ સમજી વિચારીને
મારા હૃદયના જખમોને
તું ના નજર લગાડ!

ત્યાર બાદ રજૂ થયેલા વરિષ્ઠ કવિ સંદીપ ભાટિયાએ મા વિશેનાં બે ગીતો રજૂ કર્યાં. સંદીપ ભાટિયાનો એમનાં જ મુક્તક દ્વારા પરિચય સંચાલકે આપ્યો…

શબ્દની ભોગળ ખૂલે છે, સાવધાન!
આપણાં પોકળ ખૂલે છે,
સાવધાન!
ચીર પૂરે એવું અહીંયા કોણ છે?
શબ્દની સાથળ ખૂલે છે સાવધાન!

કવિ મુકેશ જોષીએ કૃષ્ણ દવેનું એક કાવ્ય અને પોતાનાં બે કાવ્યો રજૂ કર્યાં.‌ એમનો પરિચય પણ એમનાં ગીત ” એક ગમતીલું ગામ ….” ગીત દ્વારા અપાયો.

શરૂઆતમાં રામજી આસર વિદ્યાલયના ધોરણ પાંચના બે વિદ્યાર્થીઓ કેવલ લિંબડ અને જૈની પટેલે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના ચારણ કન્યા રજૂ કરી શ્રોતાઓની અઢળક દાદ મેળવી હતી. પ્રાથમિક વિભાગની બે વિદ્યાર્થીનીઓ નિશી પટેલ અને અંકિતા ચૌરસિયાએ કવિ સાંઈરામ દવેની રચના લીલા શાકભાજી રજૂ કરી હતી.
કાર્યક્રમનું સંચાલન કરતાં કવિ સંજય પંડ્યાએ માતૃભાષાને લગતા અનેક પ્રસંગો ટાંકી વાતાવરણ જીવંત રાખ્યું હતું.

ગુજરાતી કાવ્ય ‘જાગને જાદવા’થી ‘ ગોતી લ્યો…..તમે ગોતી લ્યો, ગોતી લ્યો ‘ સુધી પહોંચ્યું છે એવું એમણે વિધાન કર્યું હતું. ‘ ગોતી લ્યો..’ ગીતના ઉલ્લેખથી શ્રોતાઓ રોમાંચિત થઈ ગયાં હતાં. સંચાલકે બે કિશોરીઓને મંચ પર બોલાવી એ ગીત ગવડાવ્યું તો ૨૦૦ જેટલાં શ્રોતાઓએ સાથે ગાન કર્યું.

સંચાલક સંજય પંડ્યાએ પોતાના બે ત્રણ દોહા પણ આજનાં પ્રચલિત સ્વરાંકનમાં ગાઈ સંભળાવ્યાં હતાં અને શ્રોતાઓએ સાથે તાલ આપ્યો હતો. એમણે શ્રોતાઓ તથા વિદ્યાર્થીઓને ભાષાના ‘ બ્રાન્ડ એમ્બેસેડર ‘ કહ્યાં હતાં અને જણાવ્યું હતું કે નવી પેઢીને ગુજરાતી ભાષા અને સાહિત્યથી પરિચિત કરાવવાની આપણી સહુની જવાબદારી છે.

શરૂઆતમાં સહુનું સ્વાગત રામજી આસર વિદ્યાલય ગુજરાતી શાળાનાં આચાર્યા શ્રીમતી ભાવના કકકડે કર્યું હતું. એમનાં ૭૦/૮૦ જેટલાં વિદ્યાર્થીઓ પણ કાવ્યો સાંભળવા બેઠાં હતાં.અસ્મિતા ગુજરાતીના દિલીપ દોશીએ આભાર વિધિ કરી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.

શાળાનાં શિક્ષકો, સેક્રેટરી દીપકભાઈ વસા, ગઝલકાર રાજેશ હિંગુ, સ્વામી વિઠ્ઠલ,જૈન મહિલા મંડળના નીલુબહેન, કલાગુર્જરીના વિનયભાઈ પાઠક , ગાયિકા દર્શના પુરોહિત, ગાયક સ્વરકાર કાનજીભાઈ ગોઠી વગેરે શ્રોતાઓએ પણ કાર્યક્રમ માણ્યો હતો .પારુબહેન તથા સુપર્ણાબહેને વિશેષ સહયોગ આપ્યો હતો.
કાર્યક્રમનું સંકલન કવિ હિતેન આનંદપરાએ કર્યું હતું.

વર્ષના એક દિવસ માટે નહિ પણ સતત ૩૬૫ દિવસ માતૃભાષા હૃદયમાં રહેવી જોઈએ એવો સંદેશ લઈને સહુ છૂટાં પડ્યાં હતાં.

પીએમ બે દિવસ સૌરાષ્ટ્રના પ્રવાસે: કાલે બેટ દ્વારકા બ્રીજનું કરશે લોકાર્પણ,રાજકોટમાં જાહેર સભા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તારીખ 22 મી ફેબ્રુઆરીએ ગુજરાત પ્રવાસે આવ્યાને હજુ 48 કલાક પૂરા થયા છે ત્યાં ફરી તેઓ ગુજરાત – સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે. આજે રાત્રે તેઓ જામનગર આવી રાત્રિ રોકાણ કરશે. વડાપ્રધાનના સૌરાષ્ટ્રના પ્રવાસને લઈને વહીવટી તંત્રએ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે.

 

આજે શનિવારે રાત્રે 8 વાગ્યા આસપાસ તેઓ જામનગર આવી સર્કિટ હાઉસ ખાતે રાત્રિ રોકાણ કરશે. રવિવારે તા.25 મી એ તેઓ બેટદ્વારકા , દ્વારકા અને રાજકોટની મુલાકાતે આવશે. વડાપ્રધાન સૌરાષ્ટ્રને આ પ્રવાસ દરમિયાન બેટ દ્વારકામાં સિગ્નેચર બ્રિજ અને રાજકોટમાં એઇમ્સ માં આઇપીડી સહિતના મહત્વના પ્રોજેક્ટ નું લોકાર્પણ કરશે. રાજકોટથી વડાપ્રધાન મોદી સમગ્ર સૌરાષ્ટ્રના કેન્દ્ર અને રાજ્ય હસ્તકના 70 જેટલા પ્રોજેક્ટ આશરે રૂપિયા 48000 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેમાં ગુજરાતને 35700 કરોડના પ્રકલ્પોની ભેટ મળશે.

દ્વારકાથી બપોરે 3.20 કલાકે વડાપ્રધાન હેલિકોપ્ટર મારફત સીધા રાજકોટ નજીક AIIMS ના પરિસરના હેલિપેડ પર પહોંચશે. આશરે રૂપિયા 1000 કરોડના ખર્ચે તૈયાર થનાર એઈમ્સ માં આઇપીડી ( ઈન્ડોર પેશન્ટ વિભાગ ) સહિત અનેક વિભાગોમાં સુવિધાઓનું લોકાર્પણ કરશે. અગાઉ નરેન્દ્ર મોદીએ વર્ષ 2020માં રાજકોટ એઈમસનું ખાતમુહુર્ત કર્યું હતું. બાદમાં આરોગ્ય તંત્રએ કોરોના કાળમાં ઓપીડી શરૂ કરી દીધી હતી. તા. 25 મી એ વડાપ્રધાન રાજકોટથી દેશમાં વધુ પાંચ AIIMS ની જાહેરાત કરશે.

રાજકોટમાં મોદી જૂના એરપોર્ટેથી રેસકોર્સ સુધીનો રોડ શો યોજશે. બપોરે 4 કલાકે રેસકોર્સ ખાતે વિશાળ જાહેર સભાને સંબોધન કરશે.

રાજકોટથી જે પ્રોજેક્ટ નુ લોકાર્પણ અને ખાતમુહૂર્ત થવાનું છે તેમાં કેન્દ્રના ઊર્જા વિભાગ ના 16295 કરોડના 10 પ્રોજેક્ટ, પેટ્રો કેમિકલ્સ વિભાગ ના 9028 કરોડ , શ્રમ અને રોજગાર વિભાગના 2280 કરોડના 21 પ્રોજેક્ટ, રેલવેના 20109 કરોડ ના ચાર પ્રોજેક્ટ, નેશનલ હાઈ વે ના 3882 કરોડ ના વિકાસ કામોને લીલીઝંડી આપશે.

આ ઉપરાંત ગુજરાત સરકારના આરોગ્ય વિભાગના રૂપિયા 1584 કરોડના 12 પ્રોજેક્ટ, પાણી પુરવઠા વિભાગ ના 287 કરોડના ત્રણ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.

રાજકોટ ખાતેની સભામાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા , મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ , પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ સહિતના નેતાઓ હાજર રહેશે. સૌરાષ્ટ્રમાં થી આશરે એક લાખ લોકો હાજર રહે તેવી વ્યવસ્થા ભાજપ સંગઠને ગોઠવી છે. વડાપ્રધાનનું રાજકોટમાં કાઠિયાવા ડી પરંપરા મુજબ ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

(દેવેન્દ્ર જાની – રાજકોટ)
(તસવીરોઃ નીશુ કાચા)

UP માં શ્રદ્ધાળુઓથી ભરેલી ટ્રેક્ટર-ટ્રોલી ખાડામાં પડી, 15ના મોત, અનેક ઘાયલ

ઉત્તર પ્રદેશના કાસગંજ જિલ્લામાં શનિવારે એક મોટો અકસ્માત થયો હતો. પટિયાલી પોલીસ સ્ટેશન વિસ્તારના દરિયાગંજમાં ભક્તોથી ભરેલી ટ્રેક્ટર ટ્રોલી પલટી ગઈ. આ અકસ્માતમાં 7 બાળકો સહિત 15 લોકોના મોત થયા હતા. ટ્રેક્ટર ટ્રોલીમાં ત્રણ ડઝનથી વધુ શ્રદ્ધાળુઓ મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ શ્રદ્ધાળુઓ કાદરગંજ ઘાટ પર ગંગા સ્નાન કરીને પરત ફરી રહ્યા હતા. ટ્રેક્ટરની ટ્રોલી અચાનક પલટી જતાં મોટો અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ ડીએમ અને એસપી સહિત વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે.

પોલીસ ટીમ અને સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચ્યા અને ઘાયલોને જિલ્લાના સામુદાયિક આરોગ્ય કેન્દ્રમાં દાખલ કર્યા. અકસ્માત સ્થળેથી મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. દુર્ઘટના અંગે પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે ટ્રેક્ટર ટ્રોલી પલટી જતાં જ ચીસો પડી ગઈ હતી. ટ્રોલીમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો મુસાફરી કરી રહ્યા હતા.

દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન

લોકસભા ચૂંટણી 2024ને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. આજે દિલ્હીમાં બંને પક્ષોએ સંયુક્ત પત્રકાર પરિષદ યોજીને બેઠકોની વહેંચણી અંગે માહિતી આપી હતી. AAP તરફથી આતિશી, સંદીપ પાઠક અને સૌરભ ભારદ્વાજ, કોંગ્રેસ તરફથી મુકુલ વાસનિક, દીપક બાબરિયા અને અરવિંદર સિંહ લવલીએ પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હતી. કોંગ્રેસના નેતા મુકુલ વાસનિકે કહ્યું કે ઈન્ડિયા બ્લોકમાં સમાવિષ્ટ પક્ષો વચ્ચે સીટ વહેંચણી અંગે ચર્ચા થઈ રહી છે. બે દિવસ પહેલા લખનૌમાં સપા-કોંગ્રેસ ગઠબંધનની જાહેરાત કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે AAP અને કોંગ્રેસ વચ્ચે સીટ વહેંચણી પર લાંબી ચર્ચા થઈ હતી અને સીટ વહેંચણી કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.

દિલ્હી સહિત પાંચ રાજ્યોમાં AAP-કોંગ્રેસનું ગઠબંધન

મુકુલ વાસનિકે કહ્યું કે AAP અને કોંગ્રેસ ગુજરાત, દિલ્હી, હરિયાણા, ગોવા અને ચંદીગઢમાં ગઠબંધન કરીને ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટી દિલ્હીમાં 4 સીટો પર ચૂંટણી લડશે. કોંગ્રેસે ચાંદની ચોક સહિત 3 બેઠકો જીતી છે. જ્યારે કોંગ્રેસ ચંદીગઢ લોકસભા સીટ અને ગોવાની બંને સીટ પર ઉમેદવારો ઉભા રાખશે. હરિયાણામાં કોંગ્રેસ 9 સીટો પર અને આમ આદમી પાર્ટી 1 સીટ પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી બે અને કોંગ્રેસ 24 બેઠકો પર ચૂંટણી લડશે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં લોકસભાની 26, હરિયાણામાં 10, દિલ્હીમાં 7, ગોવામાં 2 અને ચંદીગઢમાં 1 સીટો છે.

દિલ્હીમાં AAP 4 અને કોંગ્રેસ 3 સીટો પર ચૂંટણી લડશે

આમ આદમી પાર્ટી દિલ્હીમાં નવી દિલ્હી, પશ્ચિમ દિલ્હી, દક્ષિણ દિલ્હી અને પૂર્વ દિલ્હી લોકસભા બેઠકો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ ઉત્તર પૂર્વ, ઉત્તર પશ્ચિમ અને ચાંદની ચોક બેઠકો પર ચૂંટણી લડશે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી ભરૂચ અને ભાવનગર લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે હરિયાણામાં તે કુરુક્ષેત્ર લોકસભા સીટ પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે. મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે ભારતીય લોકતંત્રની સામે હાલમાં જે પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે તેનો સામનો કરવા માટે AAP-કોંગ્રેસે સાથે મળીને લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. તેમણે કહ્યું કે અમે પોતપોતાના પ્રતીકો પર ચૂંટણી લડીશું, પરંતુ એક થઈને લડીશું અને ભાજપને હરાવીશું.

AAP-કોંગ્રેસે પંજાબને લઈને કોઈ માહિતી આપી નથી

બંને પક્ષોએ પંજાબને લઈને કોઈ માહિતી આપી નથી, જેના પછી સ્પષ્ટ થઈ ગયું છે કે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ આ સરહદી રાજ્યમાં ‘એકલા ચલો રે’ની રણનીતિ અપનાવવાનો નિર્ણય કર્યો છે. તમને જણાવી દઈએ કે ભગવંત માનની આગેવાનીવાળી આમ આદમી પાર્ટી સાથે ગઠબંધનને લઈને કોંગ્રેસની રાજ્ય એકમે પંજાબના ટોચના નેતૃત્વને ઘણી વખત વિરોધ દર્શાવ્યો છે. પંજાબ કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે માન સરકારે તેમના ઘણા નેતાઓ સામે બદલો લેવાની કાર્યવાહી કરી છે. કોંગ્રેસના અનેક નેતાઓ જેલમાં છે. આવી સ્થિતિમાં જો રાજ્યમાં AAP સાથે ગઠબંધન થશે તો કોંગ્રેસને ફાયદાના બદલે નુકસાન થશે.

આસામ સરકારે મુસ્લિમ લગ્ન-છૂટાછેડાનો કાયદો રદ કર્યો

આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ સદીઓ જૂના આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ 1935ને રદ કરવાનો નિર્ણય લીધો છે. શુક્રવારે આસામ કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.આસામમાં બાળ લગ્ન પર પ્રતિબંધ મૂકવાની દિશામાં આ એક મોટું અને મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રી સરમાના આ પગલાને યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) તરફનું પગલું ગણાવ્યું છે. મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

UCC તરફ પ્રથમ મોટું પગલું

બેઠક બાદ મીડિયાને સંબોધતા રાજ્ય મંત્રી જયંત મલ્લબારુઆએ તેને UCCની દિશામાં એક મોટું પગલું ગણાવ્યું. મલ્લબારુઆએ કહ્યું કે મુખ્યમંત્રીએ તાજેતરમાં કહ્યું હતું કે અમે સમાન નાગરિક સંહિતા તરફ આગળ વધી રહ્યા છીએ. આ પ્રવાસમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ નિર્ણય છે. આસામ મુસ્લિમ મેરેજ એન્ડ ડિવોર્સ રજીસ્ટ્રેશન એક્ટ, 1935 આજે રદ કરવામાં આવ્યો છે.

મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે હવે મુસ્લિમ લગ્ન અને છૂટાછેડાની નોંધણી જિલ્લા કમિશ્નર અને જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા કરવામાં આવશે. મલ્લબારુઆએ એમ પણ કહ્યું કે આ છૂટાછેડા નોંધણી અધિનિયમ હેઠળ કામ કરતા 94 મુસ્લિમ રજીસ્ટ્રારને હટાવવામાં આવશે અને તેના બદલે તે બધાને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. તમને જણાવી દઈએ કે તાજેતરમાં સ્વતંત્ર ભારતમાં ઉત્તરાખંડ યુનિફોર્મ સિવિલ કોડ પર કાયદો પસાર કરનાર પ્રથમ રાજ્ય બન્યું છે. થોડા દિવસો પછી, આસામે પણ સમાન કાયદા તરફ પહેલું પગલું ભર્યું છે અને મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા કાયદાને રદ કરવાનો નિર્ણય લીધો છે.

ઈરાને ફરી પાકિસ્તાનમાં ઘૂસીને કરી એરસ્ટ્રાઈક

ઈરાનીએ ફરી એકવાર પાકિસ્તાનમાં ઘુસીને પ્રહારો કર્યા છે. તેમની સેનાએ જૈશ-અલ-અદલના ઠેકાણાઓ પર હુમલો કરીને આતંકી સંગઠનના કમાન્ડર ઈસ્માઈલ શાહબક્ષ અને તેના કેટલાક અન્ય સહયોગીઓને મારી નાખ્યા છે. ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ માહિતી બહાર આવી છે. અહેવાલ છે કે ઈરાનની સેનાએ શુક્રવારે સાંજે સીસ્તાન-બલુચિસ્તાનના સરહદી પ્રાંતની નજીક પાકિસ્તાનમાં ઘૂસીને આતંકવાદી શાહબક્ષને ઠાર માર્યો હતો. તાજેતરમાં બંને દેશોએ એકબીજા પર હવાઈ હુમલા કર્યા હતા.


અલ અરેબિયા ન્યૂઝના અહેવાલ મુજબ, જૈશ અલ-અદલની રચના વર્ષ 2012માં થઈ હતી. ઈરાને તેને આતંકવાદી સંગઠન જાહેર કર્યું છે. આ એક સુન્ની આતંકવાદી જૂથ છે. આ સંગઠન ઈરાનના દક્ષિણ-પૂર્વ પ્રાંત સિસ્તાન-બલુચિસ્તાનથી સંચાલિત છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જૈશ અલ-અદલે ઈરાની સેનાના જવાનોને નિશાન બનાવ્યા છે અને તેમના પર હુમલા કર્યા છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં જૈશ અલ-અદલે સિસ્તાન-બલુચિસ્તાનમાં એક પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો હતો અને તેની જવાબદારી લીધી હતી. આ હુમલામાં ઓછામાં ઓછા 11 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા.

પાકિસ્તાન અને ઈરાન વચ્ચે સમજૂતી થઈ હતી

મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે ગયા મહિને એકબીજાના વિસ્તારોમાં આતંકવાદી ટાર્ગેટ પર હવાઈ હુમલા બાદ પાકિસ્તાન અને ઈરાન સુરક્ષામાં સહયોગ કરવા માટે સંમત થયા હતા. આ કરારની જાહેરાત પાકિસ્તાનના વિદેશ મંત્રી જલીલ અબ્બાસ જિલાની અને તેમના ઈરાનના સમકક્ષ હોસૈન અમીર-અબ્દુલ્લાહિયાને સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કરી હતી. આ પત્રકાર પરિષદ પાકિસ્તાનના વિદેશ કાર્યાલયમાં યોજાઈ હતી. આ દરમિયાન જિલાનીએ કહ્યું હતું કે ઈરાન અને પાકિસ્તાન બંને જલદી ગેરસમજ દૂર કરી શકે છે. બંને દેશો પોતપોતાના ક્ષેત્રમાં આતંકવાદ સામે લડવા અને એકબીજાની ચિંતાઓને દૂર કરવા પણ સંમત થયા હતા.

જો કે ઈરાનના હુમલા બાદ ફરી એકવાર બંને દેશો વચ્ચે તણાવ વધવાની પૂરી શક્યતાઓ છે. સમજૂતી પહેલા તેહરાન અને ઈસ્લામાબાદ વચ્ચે તણાવ વધી ગયો હતો. ઈરાને જૈશ અલ-અદલના બે હેડક્વાર્ટરને નષ્ટ કરવા માટે 16 જાન્યુઆરીની મોડી રાત્રે પાકિસ્તાનમાં મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા હતા. પાકિસ્તાને આરોપ લગાવ્યો હતો કે ઈરાનના હુમલામાં બે બાળકોના મોત થયા છે અને ત્રણ છોકરીઓ ઘાયલ થઈ છે.

આજે ખિનૌરી અને શંભુ બોર્ડર પર ખેડૂતોની કેન્ડલ માર્ચ

ખેડૂતોના આંદોલનનો આજે બારમો દિવસ છે. ખેડૂતોએ 29 ફેબ્રુઆરી સુધી દિલ્હી કૂચ કરવાનો નિર્ણય મોકૂફ રાખ્યો છે. જેને લઈને ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી રહી છે. સરહદો પર ભીડ ઘટીને માત્ર ત્રણસોથી ચારસોની વચ્ચે રહી ગઈ છે. ગઈકાલે મળેલી બેઠકમાં ખેડૂતોએ આગામી દિવસોનો પ્લાન તૈયાર કર્યો હતો. યોજના હેઠળ, ભટિંડાના યુવક શુભકરણ સિંહના મૃત્યુને લઈને ખેડૂતો આજે ખનૌરી અને શંભુ બોર્ડર પર કેન્ડલ માર્ચ યોજશે.

સરહદો પર કેન્ડલ માર્ચ થશેઃ સર્વન સિંહ પંઢેર

ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેરે કહ્યું કે શંભુ અને ખનૌરીમાં મોરચાનો આ 12મો દિવસ છે. ગઈકાલે કિસાન મજદૂર મોરચા અને એસકેએમ (નોન-પોલિટિકલ) એ નિર્ણય લીધો હતો કે આજે સાંજે બંને સરહદો પર કેન્ડલ માર્ચ કાઢવામાં આવશે. તેમણે કહ્યું કે આ પછી 25 ફેબ્રુઆરીએ અમે બંને સરહદો પર કોન્ફરન્સ યોજીશું કારણ કે 26 ફેબ્રુઆરીએ WTO પર ફરીથી ચર્ચા થશે.

તેમણે કહ્યું કે તે દિવસે સવારે WTO, કોર્પોરેટ ગૃહો અને સરકારોના બાયર્સ બહાર કાઢીને બાળી નાખવામાં આવશે. બપોરે બંને સરહદો પર 20 ફૂટથી વધુ ઊંચા પૂતળાઓનું દહન કરવામાં આવશે. 27 ફેબ્રુઆરીના રોજ, કિસાન મજદૂર મોરચા, SKM (બિનરાજકીય) દેશભરના તેના તમામ નેતાઓની બેઠક યોજશે. આગામી 28 ફેબ્રુઆરીએ બંને ફોરમ બેસીને ચર્ચા કરશે. આગામી પગલું 29 ફેબ્રુઆરીએ નક્કી કરવામાં આવશે.