Home Blog Page 2052

પંચાંગ 24/02/2024

પંજાબ, હરિયાણામાં ખેડૂતોના ઉગ્ર દેખાવો પર ટિયર ગેસનો મારો

નવી દિલ્હીઃ પંજાબ અને હરિયાણાના ખેડૂતોની MSP અને અન્ય માગોને લઈને દેખાવો જારી છે. હરિયાણામાં ખેડૂતોનું પ્રદર્શન ઉગ્ર થઈ રહ્યું છે. એના પર હિસાર પોલીસે ખેડૂતો પર ટિયર ગેસના શેલ છોડ્યા છે, જેના જવાબમાં હજારોની સંખ્યામાં ખેડૂતો ખેડી ચોપટા બોર્ડરે પર એકત્ર થયા હતા.

ખેડૂત આંદોલનને લઈને હજારની સંખ્યામાં ખેડૂતો શંભૂ બોર્ડર પર ઊમટ્યા છે અને દિલ્હી કૂચના પ્રયાસ કરી રહ્યા છે., સુપ્રીમ કોર્ટમાં ખેડૂત આંદોલનને લઈને અરજી દાખલ કરવામાં આવી છે. અરજીમાં માગ કરવામાં આવી છે કે સુપ્રીમ કોર્ટ ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવા માટે કેન્દ્ર સરકારને આદેશ આપે. આ સિવાય ખેડૂતોની માગ પર સરકારને વિચાર કરવા માટે પણ કહેવામાં આવ્યું છે. આ અગાઉ હાઈકોર્ટમાં પણ એક અરજી થઈ હતી.

બીજી બાજુસ હરિયાણા અને કેન્દ્ર સરકાર તરફથી દાખલ અરજી પર પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે તાત્કાલિક સુનાવણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. હાઈકોર્ટે કહ્યું હતું કે સરકાર પોતાની જવાબદારી નિભાવવાને બદલે કોર્ટનો ઉપયોગ કરવામાં લાગી છે. તમામ આ મામલે રાજકારણ કરી રહ્યા છે.

પાંચ ખેડૂતોનાં મોત

ખેડૂતોની ‘દિલ્હી ચલો’ કૂચના એલાન બાદ અત્યાર સુધીમાં પાંચ ખેડૂતોના મોત થયા છે. મૃતક ખેડૂતની ઓળખ દર્શન સિંહ તરીકે થઈ છે જેની આશરે ઉમર 62 વર્ષ છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર મૃતક ખેડૂત પંજાબના ભટિંડાના અમરગઢ ગામના રહેવાસી હતા. દર્શન સિંહનો પરિવાર 8 એકર જમીન ધરાવે છે અને હાલમાં તેમના પરિવાર પર 8 લાખ રૂપિયાનું દેવું છે. તેણે થોડા દિવસ પહેલા જ પુત્રના લગ્ન કર્યા હતા.

ખેડૂત સંગઠને દર્શન સિંહના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. સંગઠને મૃતક ખેડૂતના પરિવારને વળતરની માંગ કરી છે. સંગઠનના જિલ્લા મહાસચિવ રેશમ સિંહે કહ્યું કે, સરકારે ખેડૂતોને સરહદ પર મરતા અટકાવવા તેમની માંગણીઓ સ્વીકારવી જોઈએ.

 

 

 

 

 

 

 

ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડે વળતી લડત આપતાં 302/7: રૂટની સદી

રાંચીઃ ભારત-ઇંગ્લેન્ડની વચ્ચે પાંચ ટેસ્ટ મેચોની સિરીઝની ચોથી મેચ રાંચીના GSCA ઇન્ટરનેશનલ સ્ટેડિયમ કોમ્પ્લેક્સમાં આજથી શરૂ થઈ છે. દિવસના અંતે ઇંન્ગ્લેન્ડે સાત વિકેટે 302 રન બનાવી લીધા છે. જો રૂટ 106 અને ઓલી રોબિન્સન 31 રન સાથે ક્રીઝ પર ઊભા છે. બંનેની વચ્ચે 57 રનની ભાગીદારી થઈ છે. છેલ્લા સેશનમાં બે વિકેટ પડી હતી.

ઇંગ્લેન્ડે ટોસ જીતીને બહેલાં બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જોકે ઇંગ્લેન્ડે લંચ બ્રેક સુધી 24.1 ઓવરમાં પાંચ વિકેટ 112 રનમાં ગુમાવી દીધી હતી. જેક ક્રોલીએ 42, જોની બેરિસ્ટોએ 38, બેન ડકેટ 11 અને બેન સ્ટોક્સ ત્રણ રન બનાવીને આઉટ થયા હતા.

ફાસ્ટ બોલર આકાશ દીપે ઈંગ્લેન્ડ સામેની પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યુ કર્યું હતું. કોચ રાહુલ દ્રવિડ અને કેપ્ટન રોહિત શર્માએ રાંચી ટેસ્ટ મેચમાં અનુભવી બોલર જસપ્રીત બુમરાહને આરામ આપવાનો નિર્ણય કર્યો હતો. આ મેચનું પહેલું સેશન ભારતને નામ રહ્યું હતું, જેમાં બુમરાહની જગ્યાએ આવેલા આકાશદીપને ત્રણ વિકેટ મળી હતી. જ્યારે જાડેજા અને અશ્વિનને એક-એક વિકેટ મળી હતી.  આકાશ દીપે ઈંગ્લેન્ડના ટોપ-3 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મોહમ્મદ સિરાજને બે સફળતા મળી.  જ્યારે કુલદીપ યાદવ વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યો હતો.

જો રૂટે સદી ફટકારી

ઇંગ્લિશ બેટ્સમેનો નિયમિત અંતરે પેવેલિયન પરત ફરતા રહ્યા, ત્યારે જો રૂટ મક્કમતાથી એક છેડો સાચવીને રમી રહ્યો હતો. બેન ફોક્સ ઉપરાંત જો રૂટે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે ઉપયોગી ભાગીદારી કરી અને ટીમના સ્કોરને સન્માનજનક સ્કોર સુધી લઈ ગયો હતો.

 

 

 

 

 

 

 

ઉનાળા પહેલાં પાણીની પારાયણઃ પાણીના સંકટથી ત્રસ્ત બેંગલુરુ

બેંગલુરુઃ શહેર દેશના સિલિકોન વેલીને નામે પણ ઓળખાય છે. હજી ઉનાળા પહેલાં અહીંના લોકોએ મજબૂરીમાં જ પાણીનું રેશનિંગ શરૂ કરી દીધું છે. તેઓ પાણીનો ઉપયોગ ઓછો કરી રહ્યા છે અને દૈનિક જરૂરિયાતો પૂરી કરવા માટે કેટલાક લોકો સામાન્ય કિંમત કરતાં બે ગણી કિંમતની ચુકવણી કરીને પાણી ખરીદી રહ્યા છે.

ગયા વર્ષે બેંગલુરુમાં દક્ષિણ-પશ્ચિમી ચોમાસું નબળું રહ્યું હતું. જેથી ભૂગર્ભ જળ સ્તરમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને કાવેરી નદી બેસિનનું જળ સ્તર પણ ઘટ્યું છે. ઓછા વરસાદને કારણે જળાશયોમાં પણ જળસ્તર ઓછાં થઈ ગયાં છે. IT હબ અને સ્ટાર્ટઅપવાળા આ શહેરની વસતિ 1.40 કરોડ છે. પાણીનું સંકટ વધી રહ્યું છે, જેથી લોકો ગરમી આવતાં પહેલાં પાણીનાં ટેન્કરોથી પાણી ખરીદી રહ્યા છે.

શહેરના કેટલાક ભાગોમાં ડીલરોએ 12,000 લિટર ટેન્કરો માટે રૂ. 2000 વસૂલવા શરૂ કર્યા છે, જે મહિના પહેલાં રૂ. 1200 હતા. શહેરના ઉત્તર ભાગમાં રહેતા સંતોષ CAએ કહ્યું હતું કે અમારે પાણીનાં ટેન્કર બે દિવસ પહેલાં બુક કરવાં પડે છે અને અમે એક દિવસ છોડીને નાહી રહ્યા છીએ.

શહેરના કેટલાંક એપાર્ટમેન્ટમાં મોંઘા થતા પાણી ખર્ચને લીધે પાણીની કિંમતો વધારી દીધી છે. એક અન્ય રહેવાસ શિરીષએ કહ્યું હતું કે પાણી સપ્લાય કરવાવાળાઓ માટે કોઈ નિયમ નથી અને તેમણે આ વર્ષે કિંમતોમાં નોંધપાત્ર વધારો કર્યો છે.

શહેરમાં પાણીના સપ્લાય માટે બેંગલુરુ વોટર સપ્લાય અને સિવરેજ બોર્ડ (BWSSB) પર છે. BWSSB અને કર્ણાટક સરકારને કાવેરી બેસિનથી વધારાના પાણી માટે અધિકારીઓને અપીલ કરી હતી. જોકે BWSSB અને કર્ણાટક સરકારે ઇમેઇલના સવાલોનો કોઈ જવાબ નથી આપ્યો.

 

 

 

 

 

 

 

 

 

શું ઉદ્ધવ ઠાકરેની શિવસેનાથી ભાજપ ગઠબંધન કરશે?

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ અટકળોનું બજાર ગરમ છે. મહારાષ્ટ્રમાં ભાજપની ક્યારેક સહયોગી રહેલી ઉદ્ધવ ઠાકરેની શિવસેના શું ફરીથી ભાજપની સાથે ગઠબંધન કરશે? એના પર મહારાષ્ટ્રના ડેપ્યુટી CM અને ભાજપના વરિષ્ઠ નેતા દેવેન્દ્ર ફડનવીસે રાજકીય ચિત્ર સ્પષ્ટ કર્યું હતું.

તેમણે સ્પષ્ટ કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટીની સાથે ગઠબંધન ના થઈ શકે. રાજકીય મતભેદ હોઈ શકે અને એને ઉકેલવા સરળ છે. એ બાબતે કોમન ગ્રાઉન્ડ બનાવીને સાથે આવી શકે છે, પણ અહીં અમારી વચ્ચે હવે મનભેદ થયા છે. તેઓ અને તેમના લોકો દિવસ-રાત અમારા નેતા વડા પ્રધાન મોદીને ગાળો આપે (જે અમારા વિરોધીઓ પણ નથી કરતા) તો મને નથી લાગતું કે અમે સાથે જઈ શકીશું. શિવસેના (U) સાથે ગઠબંધનનો હાલ સવાલ નથી.

અમે દુઃખી છીએ એટલે સાથે જવાનો સવાલ જ નથી. તેઓ દિવસે ઊઠતાની સાથેથી માંડીને રાતના સૂવા સુધી 10થી 20 ગાળો મોદીના ના આપે, ત્યાં સુધી તેમને જમવાનું પચતું નથી. તેમણે તેમનો રસ્તો પકડ્યો છે અને અમે અમારો રસ્તો પકડ્યો છે.આ પહેલાં જ્યારે અમારું ગઠબંધન હતું, ત્યારે દિવસ-રાત ઉદ્ધવ ઠાકરેથી વાતચીત થઈ હતી, પણ જ્યારથી તેમણે અન્યો સાથે ગઠબંધન કર્યું, ત્યારે તેમણે શિષ્ટાચાર પણ નથી કર્યો, તેમણે એમ પણ નથી કહ્યું કે દેવેન્દ્રજી તમારી સાથે નથી જવું તો દરવાજો તો તેમણે બંધ કર્યો છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

આપને ભરૂચની સીટ અપાતાં ફૈઝલ પટેલ બળવાના મૂડમાં

ભરૂચઃ લોકસભા ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે, તેમ-તેમ રાજકીય ગરમાવો આવી રહ્યો છે. સામાન્ય ચૂંટણીને લઈને  ગુજરાતમાં પણ ઇન્ડિયા ગઠબંધનમાં ઘમસાણ જોવા મળી રહ્યું છે, કેમ કે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે રાજકીય ગરમાટો છે.આમ આદમી પાર્ટીએ આ લોકસભા ક્ષેત્રમાં જતા ડેડિયાપાડાથી વિધાનસભ્ય ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કર્યા છે.

જોકે અહીં ભરૂચની સીટ પર પેચ ફસાયો છે. વરિષ્ઠ કોંગ્રેસી નેતા દિવંગત અહમદ પટેલના પુત્ર ફૈસલ પટેલે ભરૂચ સીટ પર કોંગ્રસી ઉમેદવાર જાહેર કરવા ભાર મૂક્યો છે. તેમણે ત્યાં સુધી કહ્યું છે કે જો એ સીટ આપને આપવામાં આવશે તો તેઓ અલાયન્સને ટેકો નહીં આપે. આ સીટથી અહેમદ પટેલના પુત્રી મુમતાઝ લડવાની તૈયારી કરી રહી છે.

અહેમદ પટેલના પુત્રએ ભલે નારાજગી વ્યક્ત કરી છે, પણ ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે કહ્યું હતું કે કેન્દ્રીય નેતૃત્વ જે નિર્ણય કરશે, એને પ્રદેશ કોંગ્રેસ સમિતિ એનો સ્વીકાર કરશે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી બેથી ત્રણ સીટો પર લડે એવી શક્યતા છે.પાર્ટીએ હજી ભરૂચ અને ભાવનગરની સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. ભરૂચે લોકસભા સીટ કોંગ્રેસે છેલ્લે 1984માં જીતી હતી, પાર્ટીના નેતા અહમદ પટેલ ત્યારે ત્રીજી વાર સાંસદ બન્યા હતા. જોકે ત્યાર બાદ પાર્ટી 10 લોકસભા ચૂંટણી હારી ચૂકી છે. 18મી લોકસભા ચૂંટણીમાં આપ ભાજપને ટક્કર આપવા ઇચ્છે છે. એટલે એ સીટ પટેલને મળવી જોઈએ. અહેમદ પટેલને આ સીટ પર ચંદુભાઈ દેશમુખે હરાવ્યા હતા., તેઓ સતત ચાર વાર જીત્યા હતા.

 

,

 

રાહુલ ગાંધીને ઝારખંડની હાઇકોર્ટમાંથી મોટો આંચકો

નવી દિલ્હીઃ કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને ઝારખંડથી મોટો આંચકો લાગ્યો છે. રાંચીમાં રાહુલ ગાંધીની વિરુદ્ધ કેસ ચાલશે. વર્ષ 2018માં બેંગલુરુમાં રાહુલ ગાંધીએ ભાજપના અધ્યક્ષ અને ગૃહપ્રધાન અમિત શાહની વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી કરી હતી. આ મામલે MP MLA કોર્ટે રાહુલ ગાંધીને સમન્સ જારી કર્યા હતા. આ સમન્સની વિરુદ્ધ ગાંધીએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. જોકે ગાંધીની અરજી હાઇકોર્ટે ફગાવી દીધી હતી. ગાંધીની વિરુદ્ધ રાંચીની નીચલી કોર્ટમાં ટ્રાયલ ચાલતી રહેશે.

વર્ષ 2018માં આઠ મેએ કર્ણાટક ચૂંટણીમાં બેંગલુરુમાં એક પત્રકાર પરિષદમાં રાહુલ ગાંધીએ અમિત શાહ પર ટિપ્પણી કરી હતી. આ મામલે વિજય મિશ્રા દ્વારા ચોથી ઓગસ્ટ, 2018એ રાહુલ ગાંધીની વિરુદ્ધ કેસ નોંધાવ્યો હતો. ગાંધીએ કહ્યું હતું કે ભાજપમાં હત્યાના આરોપી અધ્યક્ષ બની શકે છે, પણ કોંગ્રેસમાં નહીં.રાહુલ ગાંધીએ ટ્રાયલ કોર્ટમાં ચાલી રહેલી કાર્યવાહીને રદ કરવા હાઇકોર્ટમાં અરજી દાખલ કરી હતી. 16 ફેબ્રુઆરીએ ગાંધીનો લિખિત પક્ષ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જે પછી જસ્ટિસ અંબુજ નાથની બેન્ચે ચુકાદો સુરક્ષિત રાખી લીધો હતો.

ઝારખંડમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ત્રણ કેસ પેન્ડિંગ છે. એક કિસ્સો 2019 ની લોકસભા ચૂંટણીનો છે, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે બધા મોદી ચોર છે. આ મામલામાં રાહુલ ગાંધી વતી ઝારખંડમાં ક્વોશિંગ પિટિશન પણ દાખલ કરવામાં આવી હતી, પરંતુ તેને ફગાવી દેવામાં આવી હતી.

 

વેરાવળથી રૂ. 350 કરોડનું હેરોઇન જપ્ત, નવની ધરપકડ

અમદાવાદઃ ગુજરાત પોલીસની સતર્કતા અને પોલીસ દ્વારા ચાલતા ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશને પગલે રૂ. 350 કરોડનું ડ્રગ્સ જપ્ત કરવામાં સફળતા મળી છે. આ ઓપરેશનને SOG તેમ જ NDPS ની ટીમે ગીર સોમનાથના વેરાવળ બંદરથી રૂા. 350 કરોડની કિંમતનું ડ્રગ્સ જપ્ત કર્યું હતું. પોલીસ દ્વારા રેડમાં હેરોઇનના 50 કિલોના પેકેટનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.

ગીર સોમનાથના વેરાવળ દરિયાઇ પટ્ટી પરથી રૂ. 350 કરોડનું હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે. 50 કિલો હેરોઇન સાથે નવ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં તેમની પાસેથી એક સેટેલાઇટ ફોન, બે બોટ અને એક વાહન જપ્ત કરવામાં આવ્યાં છે.

વેરાવળ દરિયાઇ માર્ગથી ડિલિવરી પહેલાં પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ આ ઓપરેશન પાર પાડ્યું  છે. હેરોઇન ક્યાંથી આવ્યું અને કોને આપવાનું હતું એ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ ટ્વીટ કર્યું છે. તેમણે ટ્વીટમાં લખ્યું છે કે મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે અને કોઈ પણ પણ ચમરબંધીને નહીં બક્ષવામાં આવે.

ગીરસોમનાથમાં જે હેરોઇન જપ્ત કરવામાં આવ્યું છે, એમાં બોટમાલિકે જ માહિતી પોલીસને આપીને કરોડો રૂપિયાનો માલ જપ્ત કરાવ્યો છે. બોટમાલિક જિતુભાઇ કુહાડાને ખલાસીઓ પર શંકા જતાં તેમણે  પોલીસને માહિતી આપી હતી. છેલ્લાં બે વર્ષમાં રાજ્યની અલગ-અલગ એજન્સીઓએ રૂ. 5338 કરોડનું ડ્રગ્સ ઝડપ્યું છે.

 

 

 

 

 

 

 

છેલ્લાં 10 વર્ષોમાં અન્ય પક્ષોના 600 નેતાઓ ભાજપમાં સામેલ

નવી દિલ્હીઃ દેશમાં ચૂંટણીની સીઝન શરૂ થતાં જ રાજકીય પક્ષોમાં નેતાઓનો દળબદલનો ખેલ શરૂ થઈ જાય છે. છેલ્લા સાત દિવસમાં ચાર રાજ્યોના બે ડઝનથી વધુ નેતાઓએ વંડી ઠેકી છે. આ દળબદલવાળાઓમાં ભૂતપૂર્વ મુખ્ય મંત્રીથી માંડીને મેયરના સ્તરે નેતાઓ સામેલ છે. ભારતમાં પાટલીબદલુઓનો ખેલ 1960-70માં હરિયાણામાં શરૂ થયો હતો. ધીમે-ધીમે એ રાજકીય રોગ દેશઆખામાં ફેલાઈ ગયો છે. વર્ષ 2014 પછી નેતાઓના દળબદલના કેસોમાં ઘણી તેજી આવી છે.

એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ મુજબ સાંસદ અને વિધાનસભ્યોના સ્તરે 1000થી વધુ નેતાઓ 2014-21ના ગાળામાં દળબદલના ખેલમાં સામેલ થયા હતા. આ સાત વર્ષના ગાળામાં વિધાનસભ્યો-સાંસદના સ્તરે 399 નેતાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે. બીજા ક્રમે BSP રહી છે. BSP છોડનારા નેતાઓની સંખ્યા 170ની આસપાસ છે. જ્યારે આ સાત વર્ષોમાં 144 નેતાઓએ ભાજપ છોડીને અન્ય પાર્ટીઓમાં સામેલ થયા છે.

વર્ષ 2014 પછી ભારતમાં અત્યાર સુધી આઠ ભૂતપૂર્વ મુખ્ય મંત્રીઓ પાલો બદલી ચૂક્યા છે, એમાં અશોક ચવ્હાણ, કેપ્ટન અમરિંદર સિંહ અને નારાયણ રાણેનાં મુખ્ય છે, જ્યારે 20થી વધુ કેન્દ્રીય મંત્રી પણ દળબદલના ખેલમાં સામેલ થયા છે.

વર્ષ 2014 પછી સૌથી વધુ નેતાઓ ભાજપમાં ગયા છે. 2014-21 સુધી વિધાનસભ્યો-સાંસદોના સ્તરે 426 નેતાઓએ ભાજપમાં ગયા છે, જ્યારે વર્ષ 2021થી 2023 સુધી વિધાનસભ્ય અને સાસંદના સ્તરે આશરે 200 નેતાઓ ભાજપમાં સામેલ થયા છે. આ બે વર્ષોમાં ગુજરાત, મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રમાં સૌથી વધુ દળબદલનો ખેલ થયો છે. આ દરમ્યાન કોંગ્રેસમાં માત્ર 176 દળબદલુ નેતા સામેલ થયા છે.

દેશમાં પાંચ રાજ્યોમાં દળબદલુ નેતાઓને કારણે ભાજપની વોટબેન્કમાં વધારો થયો છે. 2014ની ચૂંટણીમાં આશરે 10 સીટો પર ભાજપે દળબદલુઓને ટિકિટ આપી છે.

 

 

 

 

 

 

 

 

બ્રધર્સ ઍન્ડ સિસ્ટર્સના ફ્રેન્ડની વિદાય…

સ્વરના જાદુગર અમીન સયાણીને જન્મ આપનારાં કુલસુમબહેન સ્વાતંત્ર્યસેનાની અને શિક્ષણશાસ્ત્રી હતાં. 1940થી 1960 સુધી એમણે શિક્ષણને લગતું ‘રાહબર’ નામનું પખવાડિક દેવનાગરી-ઉર્દૂ અને ગુજરાતીમાં પ્રકાશિત કર્યું. જ્ઞાનનો પ્રસાર કરવાની સૌથી અસરકારક યોજના, ‘ઈચ વન ટીચ વન’ અથવા ‘પ્રત્યેક જણ એક જણને શિક્ષણ આપે’ એ સ્લોગન આપણને બધાને ખબર છે, પણ એના મૂળમાં કુલસુમબહેન સયાણી હતાં એ કેટલાને ખબર હશે? સન 1900માં જન્મેલાં કુલસુમબહેનના પિતા ડૉ. રજબ અલી પટેલ એટલે મહાત્મા ગાંધીજી અને મૌલાના અબુલ કલામ આઝાદના પર્સનલ ફિઝિશિયન.

આવી માતાની કૂખે જન્મ લેનારા અમીનભાઈનો અવાજ “બહેનોં ઔર ભાઈઓ, મૈં આપકા દોસ્ત, અમીન સયાની” જે પ્રજાએ નથી સાંભળ્યો એમને ખ્યાલ પણ નહીં હોય કે ગીતો વગાડવાને સતત બોલબોલ કરતા આજના કર્કશ રેડિયો જૉકીની પહેલાં અમીનભાઈ અને એમના સમકાલીન રેડિયો ઉદઘોષકોનો એક સુવર્ણયુગ ભારતમાં હતો. બુધવારે (22 ફેબ્રુઆરીએ) 91 વર્ષની વયે અમીનભાઈનું અવસાન થયું.

પ્રગતિશીલ કચ્છી ખોજાપરિવારમાં 21 ડિસેમ્બર, ૧૯૩૨ના રોજ જન્મેલા અમીન જાનમોહમ્મદ સાયાણીનો થોડાં વર્ષ પહેલાં હું ‘ચિત્રલેખા’ માટે ઈન્ટરવ્યુ લેવા ગયેલો ત્યારે મને એમણે કહેલુઃ “તમે મારી અટક સયાણી લખજો, સયાની નહીં.” દોઢ કલાક અમારો વાર્તાલાપ ગુજરાતીમાં જ ચાલેલો. જૂના જમાનાની વાતો, ખાસ તો હિંદી સિનેમા વિશેની વાતોનો ખજાનો હતો.

કુલસુમબહેન-જાનમોહમ્મદભાઈના ત્રણ દીકરાઃ હમીદ-હબીબ-અમીન. મુંબઈની પ્રતિષ્ઠિત ‘ન્યૂ એરા સ્કૂલ,’ ગ્વાલિયરની ‘સિંધિયા સ્કૂલ’માં ભણીને મુંબઈની સેન્ટ ઝેવિયર’ર્સ કૉલેજમાંથી ગ્રૅજ્યુએટ થનારા અમીનભાઈને રેડિયોજગતમાં લાવ્યા એમના મોટા ભાઈ હમીદ સાયાણી, જે પોતે બેજોડ રેડિયો બ્રૉડકાસ્ટર હતા. ‘બૉર્નવિટા ક્વિઝ કોન્ટેસ્ટ’ પ્રોગ્રામ એમણે જ શરૂ કરેલો. ૧૯૭૫માં એમનું અકાળ અવસાન થતાં નાના ભાઈ અમીનભાઈએ એ કાર્યક્રમ સંભાળ્યો. દૂરદર્શનના આગમન પહેલાં અમીન સાયાણી ફિલ્મોની પબ્લિસિટી રેડિયો પર કરતા. ‘રોટી કપડા ઔર મકાન’, ‘શોલે’ જેવા ફિલ્મકાર્યક્રમ તો એક-એક વર્ષ ચાલેલા.

(Aminbhai Kulsumben Hamidbhai)

જો કે અમીનજીની વિશેની વાતનો ઉપાડ ‘બિનાકા ગીતમાલા’ સાથે જ થાય. સતત ૪૧ વર્ષ ચાલેલો, અસીમ લોકપ્રિયતાને વરેલો એક કલાકનો રેડિયો કાર્યક્રમ ‘બિનાકા ગીતમાલા’ ૨૦૦૧માં ‘વિવિધ ભારતી’ પરથી ‘સિબાકા ગીતમાલા’ના નામે ફરી શરૂ થયેલો. ૧૯૫૨ની આખરથી ૧૯૫૩ના અંત સુધી અડધો કલાકનો ફિલ્મી ગીતોનો કાઉન્ટડાઉન કાર્યક્રમ ‘રેડિયો સિલોન’ પરથી પ્રસારિત થતો. એમાં સાત ગીત પ્રસારિત થતાં. ૧૯૫૪થી બિનાકાએ કાર્યક્રમનું સ્વરૂપ બદલ્યું અને અમીનજીએ સંગીતસીડી અથવા પાયદાન શરૂ કરી.

રેડિયોપ્રોગ્રામ બિનાકા માટે અમીનભાઈને અઠવાડિયાના પચીસ રૂપિયા મળતા, જેમાં કાર્યક્રમ તૈયાર કરવાનો, શ્રોતાના હજારો પત્રો ચકાસવા પડતા. મારા ઈન્ટરવ્યુ દરમિયાન એમણે એક ઈન્ટરેસ્ટિંગ માહિતી આપતાં કહેલું કે, “બાળકોના એક લોકપ્રિય રેડિયો પોગ્રામ ‘ઓવલટિન કી ફુલવારી’  માટે મને દર અઠવાડિયે રોકડ રકમ નહીં, પણ ‘ઓવલટિન’નો એક ડબ્બો મળતો.” ‘ઓવલટિન’ એ બચ્ચાંઓ માટેનું શક્તિવર્ધક મિલ્ક ડ્રિન્ક એ જમાનામાં બાલકપ્રિય હતું.

પહેલાં ‘બિનાકા ગીતમાલા’ ને પાછાળથી ‘સિબાકા ગીતમાલા’ બનેલા રેડિયો કાર્યક્રમની લોકપ્રિયતા એવી હતી કે ફિલ્મસંગીતકારની ફી ગીતમાલા પર કોણ કેટલું લોકપ્રિય છે એના આધારે નક્કી થતી. યાદ હોય તો, ‘અભિમાન’ ફિલ્મમાં એક સીનમાં સિંગર (અમિતાભ બચ્ચન)નો સેક્રેટરી (અસરાની) પોતાના બૉસનું ગીત ગીતમાલામાં કયા નંબર પર વાગે છે એના આધારે પ્રોડ્યુસર પાસે પૈસા માગે છે. એ અરસામાં અનેક નાનાંમોટાં શહેરના બગીચામાંનાં લાઉડસ્પીકર પર ગીતમાલા કાર્યક્રમ વહેતો. ૧૯૬૦ના અરસામાં ૨૦ કરોડથી વધુ શ્રોતા ગીતમાલાના હતા, કારણ કે ભારત સહિત પાકિસ્તાન, નેપાળ, શ્રીલંકાથી આરબ દેશોથી લઈને આફ્રિકાના પૂર્વ કાંઠા સુધી ગીતમાલાનાં ધ્વનિમોજાં પહોંચતાં. તે વખતે રેડિયો ખરીદનાર ગ્રાહકની પ્રથમ શરત એ રહેતી કે એમાં રેડિયો સિલોન પકડાવું જોઈએ.

આટલો જબરદસ્ત પૉપ્યુલર કાર્યક્રમ રેડિયો સિલોન પરથી શરૂ થવાનું કારણ એ હતું કે ૧૯૫૦ના દાયકામાં સ્વતંત્ર ભારતના પહેલા ઈન્ફર્મેશન-બ્રૉડકાસ્ટિંગ મિનિસ્ટર, ચુસ્ત શાસ્ત્રીય સંગીતપ્રેમી બાલકૃષ્ણ કેસકરે ‘ઑલ ઈન્ડિયા રેડિયો’ પરથી ફિલ્મગીતના પ્રસારણ પર પ્રતિબંધ મૂકી દીધેલો. એ માનતા કે ફિલ્મગીતો અશ્ર્લીલ અને ભારતીય સંસ્કૃતિવરોધીનાં છે. પરિણામે ગીતમાલા તથા અનેક ફિલ્મકાર્યક્રમ રેડિયો સિલોન પરથી પ્રસારિત થતા.

આ તરફ બિનાકા ટૂથપેસ્ટની ઉત્પાદક સીબા કંપનીને રેડિયો સિલોનની લોકપ્રિયતા ચેક કરવી હતી. કાર્યક્રમ શરૂ થયો એના પહેલા અઠવાડિયે 10,000 પત્રો મળ્યા. ત્રણ અઠવાડિયાંમાં તો એ કાર્યક્રમનું લોકોને  ઘેલું લાગી ગયું. ૧૯૮૯માં બિનાકા ગીતમાલાને પચીસ વર્ષ પૂરાં થયાં ત્યારે મુંબઈના ષણ્મુખાનંદ હોલમાં એનો મોટો કાર્યક્રમ યોજાયેલો. દેશમાં ટીવીના આગમન બાદ અમીનજીએ દૂરદર્શન માટે પણ અનેક કાર્યક્રમ કર્યા.

1958માં અમીનભાઈનાં લગ્ન રેડિયો બ્રૉડકાસ્ટર રમા મટ્ટુ સાથે થયેલાં. દંપતીના પરિવારમાં એક દીકરો રાજીલ અને પુત્રવધૂ ક્રિશન જ્યોતિ છે.

ઈશ્વર અમીનભાઈના આત્માને પરમ શાંતિ અને સયાણીપરિવારને એમની વિદાયનું દુઃખ સહન કરવાની શક્તિ આપે એ જ પ્રાર્થના.