Home Blog Page 2055

મોહમ્મદ શમી IPL 2024, T20 વર્લ્ડ કપમાંથી બહાર

ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી મોહમ્મદ શમીને વધુ એક મોટો આંચકો લાગ્યો છે. આ જમણા હાથનો ફાસ્ટ બોલર હવે IPLમાં પણ રમી શકશે નહીં. મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ માટે રમે છે અને તેણે છેલ્લી બે સિઝનમાં ટીમની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી છે. પરંતુ હવે મોહમ્મદ શમી પગની ઈજાને કારણે આઈપીએલ 2024માંથી બહાર છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર શમીના પગની ઘૂંટીમાં ઈજા થઈ છે. શમીને સર્જરી માટે ઈંગ્લેન્ડ મોકલવામાં આવી શકે છે.

ગુજરાત ટાઇટન્સનું શું થશે?

મોહમ્મદ શમી ગુજરાત ટાઇટન્સ તરફથી સૌથી વધુ વિકેટ લેનાર બોલર રહ્યો છે. ગત સિઝનમાં આ ખેલાડીએ 17 મેચમાં 28 વિકેટ ઝડપી હતી અને ટીમ ફાઇનલમાં પહોંચી હતી. 2022માં આ ફાસ્ટ બોલરે 20 વિકેટ લઈને ગુજરાત ટાઇટન્સને ચેમ્પિયન બનાવ્યું હતું. તે સ્પષ્ટ છે કે ગુજરાત ટાઇટન્સ આ સિઝનમાં શમીને મિસ કરશે. ગુજરાત માટે મોટી વાત એ છે કે હવે હાર્દિક પંડ્યા પણ તેમની સાથે નથી અને શમી નહીં રમવાના કારણે તેઓ બીજા અનુભવી ખેલાડીની ખોટ સાલશે. આ વખતે પણ તેમનો કેપ્ટન નવો છે. ટીમની કમાન શુભમન ગિલના હાથમાં છે અને હવે તેમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ગુજરાત ટાઇટન્સ હવે શમીના સ્થાને અન્ય કોઇ ઝડપી બોલરને ટીમમાં સામેલ કરવા ઇચ્છશે. જોકે, ઉમેશ યાદવ, કાર્તિક ત્યાગી અને સ્પેન્સર જોન્સન જેવા ઝડપી બોલરો જીટીની ટીમમાં હાજર છે. પરંતુ તેમ છતાં શમીની ઉણપને પૂરી કરવી અશક્ય હશે.

T20 વર્લ્ડ કપ પણ નહીં રમી શકે!

અહીં મોટા સમાચાર એ છે કે મોહમ્મદ શમી ટી-20 વર્લ્ડ કપ સુધી પણ ફિટ નહીં રહે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઓક્ટોબર અને નવેમ્બર સુધી તેના માટે મેદાનમાં ઉતરવું મુશ્કેલ છે. ટીમ ઈન્ડિયાને ઓક્ટોબરમાં બાંગ્લાદેશ અને નવેમ્બરમાં ન્યૂઝીલેન્ડ સામે ટેસ્ટ શ્રેણી રમવાની છે. શમી વર્ષના અંતમાં ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ શ્રેણી સુધી જ વાપસી કરી શકશે. સવાલ એ છે કે જો શમી વર્લ્ડ કપ ફાઇનલમાં ઈજાગ્રસ્ત થયો હતો તો તેને અત્યાર સુધી યોગ્ય સારવાર કેમ આપવામાં આવી નથી? અહીં નેશનલ ક્રિકેટ એકેડમી સીધો સવાલના ઘેરામાં આવી રહી છે.

સ્વામી પ્રસાદ મૌર્યએ તેમની નવી રાજકીય પાર્ટી લોન્ચ કરી

સ્વામી પ્રસાદ મૌર્યએ ગુરુવારે તેમની નવી રાજકીય પાર્ટી ‘રાષ્ટ્રીય શોષિત સમાજ પાર્ટી’ની શરૂઆત કરી. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમમાં એક કાર્યક્રમ દરમિયાન પાર્ટીની જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં સ્વામી પ્રસાદ મૌર્યના સમર્થકોએ સાથે મળીને દલિતો અને પછાત લોકો માટે અવાજ ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ત્રણ દિવસ પહેલા સ્વામી પ્રસાદ મૌર્યએ સમાજવાદી પાર્ટી પર ભેદભાવનો આરોપ લગાવતા પાર્ટીના સભ્યપદ અને MLC પદ પરથી રાજીનામું આપી દીધું હતું. તેમના આ પગલાને લોકસભા ચૂંટણી સાથે જોડવામાં આવી રહ્યું છે. રાજકીય નિષ્ણાતોના મતે સ્વામીના આ પગલાથી સમાજવાદી પાર્ટીને રાજકીય રીતે સૌથી મોટું નુકસાન થશે.

નિફ્ટીએ ઓલટાઇમ ઊંચાઈએઃ સેન્સેક્સમાં 535 પોઇન્ટનો ઉછાળો

અમદાવાદઃ નિફ્ટી એક્સપાયરીના દિને ઘરેલુ બજારમાં શાનદાર રિકવરી જોવા મળી હતી. નિફ્ટી સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં નવો રેકોર્ડ સ્તર બનાવવામાં સફળ રહ્યો હતો. છેલ્લા કલાકમાં શેરોમાં થયેલી જોરદાર લેવાલીને પગલે શેરબજારો તેજી સાથે બંધ થયા હતા. સેન્સેક્સમાં નીચલા સ્તરેથી 1000 પોઇન્ટની રિકવરી થઈ હતી, જ્યારે નિફ્ટીએ નવો ઓલ ટાઇમ હાઇ બનાવ્યો હતો.

બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે BSE સેન્સેક્સ 535.15 પોઇન્ટની તેજીની સાથે 73,158.24ના મથાળે બંધ રહ્યો હતો, જ્યારે NSE નિફ્ટી ઇન્ડેક્સ 162 પોઇન્ટ ઊછળી 22,217.45ના મથાળે બંધ રહ્યો હતો. રોકાણકારોની સંપત્તિમાં રૂ. 3.26 લાખ કરોડ વધ્યા હતા. BSEના મિડકેપ અને સ્મેલ કેપ ઇન્ડેક્સ અનુક્રમે 0.92 અને 0.54 ટકા વધીને બંધ થયા હતા, જ્યારે બેન્કિંગ શેરોમાં વેચવાલી થઈ હતી.

કેન્દ્ર સરકારે શેરડીની MSPમાં પ્રતિ ક્વિન્ટલ આઠ ટકાનો વધારો કર્યો હતો, જે એક ઓક્ટોબર, 2024થી લાગુ થશે, જે પછી શુગર શેરોમાં વેચવાલી ફરી વળી હતી.

વિદેશી રોકાણકારોએ ફેબ્રુઆરીના બે સપ્તાહમાં આશરે રૂ. 7536 કરોડના શેરો વેચ્યા હતા. આ સિવાય તેમણે કન્સ્ટ્રક્શન અને ટેલિકોમના રૂ. 4251 કરોડના શેરો વેચ્યા હતા. બીજી તરફ તેમણે ફાર્મા, આઇટી, કન્ઝ્યુમર સર્વિસીસ અને ઓટો કોમ્પોનન્ટ્સમાં આશરે રૂ. 4212 કરોડની લેવાલી કરી હતી. FIIએ અત્યાર સુધીમાં વર્ષ 2024માં અત્યાર સુધી ઇક્વિટીમાં 3.5 અબજ ડોલરની વેચવાલી કરી હતી. જોકે એની સામે DIIએ એટલી જ લેવાલી કરી છે. જોકે FIIએ 21 ફેબ્રુઆરીએ નેટ બાયર્સ રહ્યા હતા અને તેમણે રૂ. 284.66 કરોડના શેરોની લેવાલી કરી હતી, જ્યારે DIIએ રૂ. 411.57 કરોડના શેરો વેચ્યા હતા.

 

 

 

 

 

 

ખેડૂતોએ શંભુ બોર્ડર પર યુવાનના મૃત્યુ બાદ રોડ રસ્તા કર્યા બ્લોક

કેન્દ્ર સરકાર સાથેની વાતચીત વચ્ચે ખેડૂતોએ આજે ​​દિલ્હી સુધી કૂચનું એલાન આપ્યું છે. દિલ્હી તરફ ખેડૂતોની કૂચની જાહેરાતના ભાગરૂપે, યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય)ના નેતાઓ અને સભ્યોએ મંગળવાર સવારથી શંભુ અને ખનૌરી સરહદો પર વ્યૂહરચના બનાવવાનું શરૂ કર્યું.

યુનાઇટેડ કિસાન મોરચા (બિન-રાજકીય)ના સિદ્ધુપુર જૂથ દ્વારા દિલ્હી તરફ કૂચ કરવા માટે હરિયાણાને અડીને આવેલા શંભુ અને ખનૌરી બોર્ડર પર દિવસભર પરિસ્થિતિ તંગ રહી હતી. જિલ્લા પ્રશાસને ખેડૂતોને કેન્દ્રીય મંત્રીઓ સાથે વાત કરી હતી. દરમિયાન, ખેડૂતના મૃત્યુના સમાચાર મળતાં, ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે તેઓ પરિસ્થિતિની સમીક્ષા કર્યા પછી જ આગળની રણનીતિ પર વિચાર કરશે. કિસાન મજદૂર સંગઠનના જનરલ સેક્રેટરી સર્વન સિંહ પંઢેરે કહ્યું છે કે ખેડૂતોની દિલ્હી કૂચ બે દિવસ માટે મોકૂફ રાખવામાં આવશે.

ફાઝિલકા-ફિરોઝપુર રેલવે ફ્લાયઓવર જામ

ભારતીય કિસાન યુનિયન કડિયાએ ફાઝિલ્કા-ફિરોઝપુર રોડ રેલવે ફ્લાયઓવર પર હડતાળ શરૂ કરી છે. જોકે, ખેડૂતોએ માત્ર ફ્લાવર જ બ્લોક કરી દીધું છે, જ્યારે શહેરના બંને રસ્તા ખુલ્લા છે. જ્યારે પોલીસે વિવિધ સ્થળોએથી મોટા વાહનોને ડાયવર્ટ કરીને આગળ મોકલ્યા છે.

ભગવંત માનના કારણે પહેલા ‘સિધુ મૂઝવાલા’ અને હવે શુભકરણનું મોત, અકાલી દળનો ગંભીર આરોપ

શિરોમણી અકાલી દળના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બિક્રમ સિંહ મજીઠિયાએ આરોપ લગાવ્યો છે કે ખનૌરી બોર્ડર પર શુભકરણ સિંહના મોત માટે મુખ્યમંત્રી ભગવંત માન જવાબદાર છે. તેમણે કહ્યું કે 13 ફેબ્રુઆરીએ સરહદ પર સર્જાયેલી પરિસ્થિતિને કારણે કોઈ મોટી ઘટના બની શકે તેવી આશંકા હતી.

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલની તબિયત બગડી, હોસ્પિટલમાં દાખલ

શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલન દરમિયાન તબિયત બગડતાં જગજીત સિંહ દલ્લેવાલને રાજીન્દ્રા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સારવાર બાદ તેમને હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ખેડૂત નેતાઓ ઉપરાંત સ્થાનિક સ્તરના લોકો તેમને મળવા આવ્યા હતા. ગુરુવારે બપોરે ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર, સુરજીત સિંહ ફૂલ, મનજીત સિંહ રાય અને અન્ય નેતાઓ તેમને મળવા આવ્યા છે, જેઓ તેમની સાથે વાત કરી રહ્યા છે.

23મી સુધી ઈન્ટરનેટ બંધ

ઈન્ટરનેટ બંધ કરવાની તારીખ 23મી ફેબ્રુઆરી સુધી લંબાવવામાં આવી છે. હરિયાણા રાજ્યના સાત જિલ્લામાં ઈન્ટરનેટ બંધ છે.

ખેડૂત દેખાવોથી જોડાયેલા એકાઉન્ટ બ્લોક કરવાનો આદેશઃ Xનો દાવો

નવી દિલ્હીઃ અબજોપતિ બિઝનેસમેન એલન મસ્કની કંપની સોશિયલ મિડિયા પ્લેટફોર્મ Xએ ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી જોડાયેલા અકાઉન્ટ અને પોસ્ટ બ્લોક કરવા માટે કેન્દ્ર સરકારના આદેશથી ગુરુવારે અસહમતી વ્યક્ત કરી હતી. માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે અભિવ્યક્તિની સ્વતંત્રતાનું આહવાન કર્યું હતું.જોકે અસહમતી છતાં કંપનીએ કેટલાંક X એકાઉન્ટની સર્વિસને માત્ર ભારતમાં હંગામી ધોરણે અટકાવી દીધાં હતાં.આ મુદ્દે કેન્દ્ર સરકારે આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા નથી આવી.

ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે ગૃહ મંત્રાલયની વિનંતી પર ખેડૂતોના વિરોધ પ્રદર્શનથી જોડાયેલા 177 સોશિયલ મિડિયા અકાઉન્ટ અને વેબ લિન્કને હંગામી ધોરણે બ્લોક કરવાના આદેશ આપ્યા હતા.

Xએ એક પોસ્ટમાં કહ્યું હતું કે ભારત સરકારે આદેશ જારી કર્યો છે, જે હેઠળ  Xને વિશિષ્ટ અકાઉન્ટ્સ અને પોસ્ટસ પર કાર્યવાહી કરવાની આવશ્યકતા છે, જે નોંધપાત્ર દંડ અને કારાવાસ સહિત સંભવિત દંડને આધીન છે. આ આદેશનું પાલન કરતાં અમે માત્ર ભારતમાં જ આ ખાતાંઓ અને પોસ્ટ્સ પર પ્રતિબંધ મૂકીશું. જોકે અને આ કાર્યવાહીથી અસહમત છીએ અને અમારું માનવું છે કે આ પોસ્ટ અભિવ્યક્તિની સ્વતંત્રતાના દાયરામાં આવવી જોઈએ. સોશિયલ મિડિયા પ્લેટફોર્મે કહ્યું હતું કે ભારત સરકારના આદેશને પડકારતી એક રિટ અપીલ હજી પેન્ડિંગ છે. એ સાથે પારદર્શિતા વધારવા માટે આ આદેશને જાહેર કરવાનું આહવાન કર્યું છે. Xએ કહ્યું હતું કે કાનૂની અડચણોને કારણે અમે શાસકીય આદેશ પ્રકાશિત નહીં કરી શકતા, પરંતુ અમારું માનવું છે કે એને જાહેર કરવા માટે પારદર્શિતા માટે આવશ્યક છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

દેવોના શિલ્પશાસ્ત્રી વિશ્વકર્મા જયંતીની ઉજવણી

અમદાવાદઃ મહા સુદ તેરસને ગુરુવાર વિશ્વકર્મા જયંતીની ઉજવણી થઈ રહી છે. દેવોના શિલ્પકાર, સૃષ્ટિના સર્જનહાર અને કલા ક્ષેત્ર સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો વિશ્વકર્મા પ્રભુમાં આસ્થા રાખે છે. વિશ્વકર્મા જયંતી નિમિત્તે ચાંદલોડિયા અને રાણીપ સહિત શહેરનાં મંદિરોમાં કલા-કારીગરી સાથે સંકળાયેલા તમામ વર્ગના લોકો દર્શનાર્થે ઊમટી પડ્યા હતા.

વિશ્વકર્માની મૂર્તિને શણગારવામાં આવી હતી. વિશ્વકર્મા મંદિરોના પ્રાંગણમાં વિશિષ્ટ પૂજા-આરતી  મેળવડાનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના ગોતા-ઓગણજ રોડ પર આવેલા વિશ્વકર્મા સંકુલમાં ‘વિશ્વકર્મા મહાપુરાણ કથા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.

શાસ્ત્રો, પુરાણોમાં ઉલ્લેખ પ્રમાણે ભગવાન વિશ્વકર્માએ સૃષ્ટિ પર અનેક રચનાત્મક કાર્યો કર્યાં છે. કેટલાક પ્રાંતો, સમાજ અને વર્ગમાં આજના દિવસે મશીનરી, ઓજારો, રચનાત્મક ચીજવસ્તુઓ બનાવતાં સાધનોની પૂજા કરવામાં આવે છે. પરંપરાગત શિલ્પકલા, લુહારીકામ અને કાષ્ઠકલા સાથે સંકળાયેલા વિશ્વકર્મા કારીગર સમાજના લોકો મંદિરો, સંકુલોમાં મોટી સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

સુવાલી દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન

સુરતઃ દરિયા કિનારાનાં પ્રવાસન સ્થળો અને વિવિધ બીચને ઉજાગર કરવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ૨૪-૨૫ ફેબ્રુઆરીએ સુરત નજીક આવેલા સુવાલીના દરિયાકિનારે બે દિવસીય બીચ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે સુવાલી બીચનો પ્રવાસન તરીકે વિકાસ થાય અને સ્થાનિકોને રોજી મળે એવા હેતુથી આયોજિત બીચ ફેસ્ટિવલમાં ૨૪મીએ સાંજે લોકગાયક કીર્તિદાન ગઢવી ડાયરામાં સુરતીઓને ડોલાવશે. બે દિવસ દરમિયાન ઊંટ અને ઘોડેસવારી, ક્રાફટ સ્ટોલ, ફૂડ કોર્ટ, ફોટો કોર્નર અને વિવિધ સ્પોર્ટ્સ જેવાં વિશેષ આકર્ષણો રહેશે.

આ બીચના વિકાસ માટે રૂ. ૪૮ કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેનાથી બીચનું આખું રૂપ બદલાઈ જશે. વિવિધ પ્રકારની પ્રવાસીઓ માટે સગવડ ઊભી કરાશે. સુંવાલી બીચનો ત્રણ વર્ષમાં ત્રણ તબક્કામાં વિકાસ થશે. ગેસ્ટ હાઉસ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. સુરત સિટીથી સામાન્ય લોકો બીચ સુધી જઈ શકે એ માટે અડાજણ બસ સ્ટેન્ડથી બપોરે એક બસની સુવિધા પણ આપવામાં આવશે. જે રાત્રે પરત આવશે. જરૂર પડશે તો બસની સંખ્યા વધારાશે. આ બસ સેવા બાદમાં કાયમી રહેશે, એમ તેમણે કહ્યું હતું. સુંવાલી બીચ પર દર વર્ષે ડૂબી જવાથી મૃત્યુની ઘટનાઓ પણ બને છે એ બાબતે મંત્રીએ લોકોને દરિયામાં નાહવાનું કે ખોટા સ્ટંટ ન કરવા અપીલ કરી છે. આ ઉપરાંત સલામતી ખાતર ફાયર બ્રિગેડ અને પોલીસ જવાનો પણ તહેનાત રહેશે.

 

 

 

 

લોકસભા ચૂંટણીઃ દિલ્હીમાં કોંગ્રેસ, આપ વચ્ચે સીટ વહેંચણી મુદ્દે સહમતી

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને આપ-કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને લઈને સહમતી બની રહી છે. દિલ્હીમાં ચાર સીટો પર આપ અને કોંગ્રેસ ત્રણ સીટો પર ચૂંટણી લડે એવી શક્યતા છે. કોંગ્રેસ અને આપ દિલ્હી ગઠબંધનની ફોર્મ્યુલામાં આમ આદમી પાર્ટી નવી દિલ્હી, નોર્થ વેસ્ટ દિલ્હી, વેસ્ટ દિલ્હી અને સાઉથ દિલ્હીથી ચૂંટણી લડી શકે છે. જ્યારે કોંગ્રેસ પૂર્વ દિલ્હી, ઉત્તર-પૂર્વ દિલ્હી અને ચાંદની ચોકથી ચૂંટણી લડી શકે છે, એમ સૂત્રોએ કહ્યું હતું. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલના ઘરે ગઠબંધનને લઈને બેઠક થઈ હતી. હવે ટૂંક સમયમાં ઘોષણા થવાની શક્યતા છે.

દિલ્હીના મુખ્ય મંત્રી અરવિંદ કેજરીવાલે બંને પક્ષોની વચ્ચે સીટ વહેંચણીને મુદ્દે કહ્યું હતું કે બહુ મોડું થઈ ચૂક્યું છે, પણ ચર્ચા હવે અંતિમ તબક્કામાં છે અને ટૂંક સમયમાં નિર્ણય થશે. વર્ષ 2019 અને 2014માં લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની બધી સાત સીટો પર ભાજપે જીત નોંધાવી હતી. આમ આદમી પાર્ટીએ પ્રારંભમાં કોંગ્રેસને દિલ્હીમાં માત્ર એક જ સીટ ઓફર કરી હતી, પરંતુ હવે વધુ સીટો પર સહમતી બની છે.

આપે પહેલાં કહ્યું હતું કે પાર્ટી ગુજરાત, હરિયાણા, દિલ્હી અને ગોવામાં ગઠબંધન માટે ઇન્ડિયા ગઠબંધનના સહયોગીઓની સાથે વાતચીત કરી રહી છે. પાર્ટીના મહાસચિવ સંદીપ પાઠકે હાલમાં કહ્યું હતું કે તેમની પાર્ટીએ કોંગ્રેસ પાસે ગુજરાતમાં 26 લોકસભા સીટોમાં આઠની માગ કરી હતી. પાર્ટીએ અત્યાર સુધી ગુજરાત અને આસામમાં બે-બે અને ગોવામાં એક સીટ પર ઉમેદવારોની ઘોષણા કરી છે.

 

 

 

બાહ્ય ટાપટિપ ને આંતરિક સૌંદર્ય

હમણાં છાપાંમાં વાંચ્યું કે સૌંદર્યપ્રસાધનોની લાખો કરોડ રૂપિયાની માર્કેટ છે અને પુરુષો પણ ટાપટિપ પાછળ પૈસા ખર્ચે છે. સૌંદર્ય એટલે શું? બાહ્ય રીતે સારા, સુંદર અને સફ્ળ થવામાં જ જીવનની ઇતિશ્રી છે? મારી પાસે બધા કરતાં સારી નોકરી હોય તો હું સારો દેખાઈશ. મારી પાસે બધા કરતાં વધુ કીર્તિ હશે તો હું સારો લાગીશ. મારો પગાર બધા કરતાં સારો હશે તો સમાજમાં વટ પડી જશે! આ તે કેવી માનસિકતા સાથે આપણે જીવી રહ્યા છીએ? મને કહેવા દો કે સક્ષમ રાષ્ટ્રનિર્માણ માટે આપણી આ માનસિકતાને બદલવી પડશે.

આ માનસિકતાને જાણે દિશા આપતાં હોય તેમ લંડન યુનિવર્સિટીના ચાન્સેલર રુડ્યાર્ડ કિપ્લિંગે પદવીદાન સમારંભમાં પોતાના વિદ્યાર્થીઓને કહેલું કે ‘તમે બધા આ યુનિવર્સિટીમાંથી વિદાય લઈ રહ્યા છો. તમને સારી નોકરી મળશે, સારો પગાર મળશે અને કીર્તિ પણ મળશે, પરંતુ યાદ રાખો કે એક દિવસ આવશે, જ્યારે તમે એવા માણસને મળશો, જેની પાસે આમાંથી એક પણ વસ્તુ નહીં હોય. છતાં એમની આગળ તમને નાનપનો અનુભવ થશે, કારણ કે એમની પાસે ચારિત્ર્ય હશે.’

કહેવાનું એ કે આપણે ઊજળા થવાનું છે પણ સાબુ કે શેમ્પુથી નહીં, પરંતુ ચારિત્ર્યથી. આપણે સારા દેખાવાનું છે ધનથી નહીં, પરંતુ ચારિત્ર્યથી, કારણ કે ચારિત્ર્ય એ આપણા અને રાષ્ટ્રના જીવનનો આધારસ્તંભ છે.

ચારિત્ર્ય એ આંતરિક વ્યક્તિત્વનો પાયો છે. ચારિત્ર્યમાં ધર્મ, નિયમ, વિવેક, સદાચાર, મદદ વગેરે અનેક ગુણોનો સમાવેશ થાય છે. પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કહેતા કે ‘ચારિત્ર્ય આપણો પાયો છે. ઈમારત ગમે તેટલી ઊંચી બાંધશો, તેને રોશનીથી તમે શણગારશો, પરંતુ જો પાયો કાચો હશે તો જરૂર એક દિવસ તે પડશે જ. ચારિત્ર્યને ભૂલીને આપણે ગમે તેટલા કૉસ્મેટિકનો ઉપયોગ કરી શરીરને શણગારીશું પરંતુ તે બધું જ ગુમાવ્યા બરોબર છે.’

હા, સારા દેખાવા માટે કૉસ્મેટિક પ્રસાધનો ચાલી શકે, પોતાની જાતને પ્રેઝન્ટેબલ રાખવી, પરંતુ સારા બનવા માટે દઢ ચારિત્ર્યનું બળ જોઈએ. આ બળ મેળવવા સંપૂર્ણ સમર્પણ, ધીરજ અને જાત સાથેની નિખાલસતા જોઈએ, પરંતુ આટલું ધૈર્ય ધારણ કરવું આપણા માટે કઠણ બનતું જાય છે. તેથી જ તો, દુનિયાને બતાવવા આપણે જે નથી તે બનવાનો પ્રયત્ન કરીએ છીએ.

એક વાર એક મોટી કંપનીના પ્રોડક્શન મૅનેજરને પ્રમોશનની બહુ તાલાવેલી લાગી. મૅનેજર મૂળ તો ગામડામાંથી આવેલા. સાત પેઢીમાં એક તેઓ જ ભણીગણીને એમબીએ થયેલા. લાખો મધ્યમ વર્ગી ભારતીયની જેમ એ પણ ગામડાની માટીમાંથી ઊભા થઈને શહેરની ઊંચી ઈમારતોને આંબવાનાં સપનાં સેવતા હતા. તેમના બૉસ પરદેશમાં જ ઊછરેલા. તેઓ ભારતની જુનવાણી રીતભાતથી ખૂબ ચીડાતા. કંપનીમાં જે કર્મચારી વેસ્ટર્ન કલ્ચરની પ્રશંસા કરે અને આપણા દેશની સંસ્કૃતિને નીંદે તે બૉસના પ્રિયપાત્ર બની જતા. પ્રમોશન અને પ્રતિષ્ઠા પણ આવા ખુશામદ-મિજાજ માણસોને મળતાં. કંપનીના ફાઈનાન્સ મૅનેજરે આ જ માર્ગનો સહારો લઈને નવી સ્કૉડા કાર મેળવેલી. હવે પ્રોડક્શન મૅનેજરે પણ આ રસ્તો અપનાવ્યો. જો કે તેમનો ગામડાનો ઉછેર તેમની ઉછીની આધુનિક ભાષા અને ભૂષામાંથી અવારનવાર ડોકિયું કરી બેસતો. છતાં તેમણે બૉસને ઈમ્પ્રેસ કરવાની એકેય તક જવા દીધી નહીં.

એક દિવસ મૅનેજરે બૉસને પોતાના ઘરે જમવાનું આમંત્રણ આપ્યું. બૉસને રાજી કરવા ઘરમાં બધું જ આધુનિક ઢબે બદલવાનો પ્રયત્ન કરેલો. જમવાના ટેબલ ઉપર ખૂબ ચીઝનો ઉપયોગ થયો. બૉસ પશ્ચિમી સંસ્કૃતિની પ્રશંસા સાંભળીને બધું ન્યોછાવર કરવા તત્પર હતા. જમ્યા પછી બહાર નીકળતી વખતે બૉસે ત્યાં જુનવાણી વેશમાં બેઠેલાં એક ડોશીમા વિશે પૂછ્યું.

મૅનેજરે કહ્યું, ‘આ? આ તો અમારી નોકરાણી છે.

હા, મૅનેજરે પોતાની માતાને નોકરાણી બનાવી દીધી. આ છે સારા દેખાવાની તત્પરતા, જેમાં માણસ પોતે કેટલો ખરાબ થઈ જાય છે.

(સાધુ જ્ઞાનવત્સલદાસ -બી.એ.પી.એસ)

(પોતાનાં પ્રેરણાદાયી વક્તવ્યોથી દેશ-દુનિયામાં અત્યંત જાણીતા એવા સાધુ જ્ઞાનવત્સલદાસ બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય-BAPSના અગ્રણી સંત છે. એમના વાંચન-ચિંતનનો વ્યાપ વિશાળ છે. હિન્દુ સંસ્કૃતિ ઉપરાંત વિશ્વની 200થી વધુ મહાન વ્યક્તિઓની આત્મકથાનું વાંચન અને ઊંડો અભ્યાસ એમણે કર્યો છે. એમને ડોક્ટર ઓફ લિટરેચર-D. Litt ની પદવી પણ પ્રાપ્ત થઈ છે.)

અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એક ક્રાંતિ છેઃ PM મોદી

અમદાવાદઃ વડા પ્રધાન મોદી હાલ અમદાવાદ પહોંચ્યા છે. અહીં તેમણે ગુજરાત સહકારી દૂધ સંસ્થાના (GCMMF)ના સ્વર્ણ જયંતી સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અમદાવાદના મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં થયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશાધ્યક્ષ સી. આર પાટીલ પણ હાજર રહ્યા છે.

વડા પ્રધાને અહીં અમૂલ બ્રાન્ડની સફળતાઓ વર્ણવી હતી અને એના સહકારનું સામર્થ્ય બતાવ્યું હતું. નાના-નાના પશુપાલકોની આ સંસ્થા આજે મોટા પાયે કામ કરી રહી છે. એ સંગઠનની શક્તિ છે, સહકારની શક્તિ છે. ગુજરાતના ગામડાંએ મળીને 50 વર્ષ પહેલાં જે છોડ વાવ્યો હતો, એ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે અને એની શાખાઓ દેશ-વિદેશ સુધી ફેલાઈ ચૂકી છે. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક ફેડરેશનની સ્વર્ણ જયંતી પર તમને સૌને શુભકામનાઓ.

દેશની સ્વતંત્રતા પછી દેશમાં બહુબધી બ્રાન્ડ બની, પરંતુ અમૂલ જેવી કોઈ નહીં. અમૂલ દેશના પશુપાલકોના સામર્થ્યની ઓળખ બની ચૂકી છે. અમૂલ એટલે વિશ્વાસ, અમૂલ એટલે વિકાસ, અમૂલ એટલે જનભાગીદારી, અમૂલ એટલે ખેડૂતોનું સશક્તીકરણ, અમૂલ એટલે સમય સાથે આધુનિકતાનું એકીકરણ, અમૂલ એટલે આત્મનિર્ભર ભારતની પ્રેરણા, અમૂલ એટલે મોટાં સપનાં, મોટા સંકલ્પો અને તેનાથી પણ મોટી સિદ્ધિઓ.’

દેશના ડેરી સેક્ટરની કરોડરજ્જુ મહિલાશક્તિ છે. દૂરગામી વિચાર સાથે લેવામાં નિર્ણયો કેટલીય વાર આવનારી પેઢીઓનું ભાગ્ય બદલી દે છે. અમૂલ એનું ઉદાહરણ છે. GCMMFના સુવર્ણ જયંતી પ્રસંગે સવા લાખથી વધુ ખેડૂતો ભાગ લઈ રહ્યા છે. GCMMF સહકારી સમિતિઓની એકજૂટતા, જેમની ઉદ્યમશીલતાની ભાવના અને ખેડૂતોના દ્રઢ સંકલ્પનું એક પ્રમાણ છે, જેણે અમૂલને વિશ્વની સૌથી મજબૂત ડેરી બ્રાન્ડોમાંની એક બનાવી દીધી છે.