Home Blog Page 2061

અફઘાનિસ્તાનમાં ભયાનક ભૂસ્ખલન, 25ના મોત

અફઘાનિસ્તાનના નુરિસ્તાન પ્રાંતમાં ભૂસ્ખલનને કારણે લગભગ 25 લોકોના મોત થયા છે. આ સિવાય નૂરગારમ જિલ્લામાં ભૂસ્ખલનને કારણે લગભગ 10 લોકો ઘાયલ થયાના સમાચાર છે. માહિતી અને સંદેશાવ્યવહારના વડા મોહમ્મદ અબ્દુલ્લા જાને આ ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, ભારે વરસાદને કારણે નૂરગારમ જિલ્લાના નાકરાહ ગામમાં ઘણા પર્વતો સરકી ગયા છે. જેના કારણે પ્રજાના નાણાંનું મોટું નુકસાન થયું છે. આ કુદરતી આફતમાં 15 થી 20 જેટલા મકાનો ધરાશાયી થયા છે.

 

સંદેશાવ્યવહાર વડાએ વધુમાં જણાવ્યું કે તાજેતરના વરસાદને કારણે નુરિસ્તાન, કુનાર અને પંજશીર પ્રાંતમાં રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ખામા પ્રેસ, ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રાલય દ્વારા પ્રાપ્ત માહિતીના આધારે, પંજશીર પ્રાંતમાં હિમપ્રપાત થયો હોવાના અહેવાલ છે. તેની અસરથી 5 જેટલા કર્મચારીઓ ગુમ થઈ ગયા છે. જો કે, પંજશીરના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, ગુમ થયેલા કર્મચારીઓમાંથી 2ના મૃત્યુ થઈ ચૂક્યા છે. તાજેતરના સમયમાં, અફઘાનિસ્તાનમાં ઘણી વખત ભૂસ્ખલન અને હિમપ્રપાત જેવી કુદરતી આફતોનો સામનો કરવો પડ્યો છે. જેના કારણે તેમને જાન-માલનું ભારે નુકસાન થયું છે.

કુદરતી આફત ઉપરાંત, અહીંની કથળતી અર્થવ્યવસ્થા પણ સંકટનો વિષય છે. સ્થિતિ એવી છે કે સામાન્ય નાગરિકોને જીવવું મુશ્કેલ બની રહ્યું છે. પહેલેથી જ ગરીબીથી પીડિત અફઘાનિસ્તાનને પણ આંતરરાષ્ટ્રીય સ્તરે એકલતાનો સામનો કરવો પડ્યો છે. 2021 માં તાલિબાનના આગમન પછી, વધુ આર્થિક ઉથલપાથલ થઈ છે. આ જ કારણ છે કે અફઘાનિસ્તાન દિવસેને દિવસે દેવામાં વધુ ડૂબી રહ્યું છે.

પેટીએમને રાહતઃ EDને હજી સુધી નથી મળ્યા કોઈ પુરાવા

નવી દિલ્હીઃ નાણાકીય નિયામક સંસ્થા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને પેટીએમ બેન્કમાં સંભવિત વિદેશી કરન્સી ઉલ્લંઘનોની તપાસમાં હજી સુધી કોઈ ઉલ્લંઘન નથી મળ્યું, એમ આ મામલાના જાણકાર એક સરકારી સૂત્રએ આ માહિતી આપી હતી.

EDએ ગયા સપ્તાહે વન97 કોમ્યુનિકેશન્સની કંપની પેટીએમ પેમેન્ટ્સ બેન્કના વિદેશી લેવડદેવડની તપાસની ઘોષણા કરી હતી. રિઝર્વ બેન્કે 31 જાન્યુઆરીએ પેટીએમ બેન્ક પર ખાતાંઓ અને વોલેટમાં નવા ફંડના સ્વીકાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

આ કાર્યવાહી પછી પેટીએમના શેરોમાં 50 ટકાથી વધુ ઘટાડો થયો છે. આ ઘટાડો એટલો મોટો હતો કે એનાથી કંપનીના શેરધારકોની સંપત્તિ આશરે 3.1 અબજ ડોલર ઓછી થઈ હતી. આ તપાસમાં નો યોર ક્લાયન્ટ (KYC) નિયમોથી જોડાયેલી કેટલીક ખામીઓ માલૂમ પડી હતી, જે યુઝર્સ પ્રોફાઇલની ખરાઈ કરવાથી જોડાયેલી હતી.

EDને પેટીએમ પેમેન્ટ્સ બેન્કમાં વિદેશી કરન્સી મેનેજમેન્ટ કાયદાના ઉલ્લંઘનથી અત્યાર સુધી કોઈ બાબત હાથ નથી લાગી. બેન્ક તરફથી એક સંદિગ્ધ રિપોર્ટ નહીં કાઢવાનો મુદ્દો હતો. જોકે EDએ પણ માલૂમ કરી રહી છે કે કોઈ પણ સંભવિત ઉલ્લંઘન માટે આરોપ લગાવવામાં આવે કે નહીં.

ED તરફથી આ મામલે કોઈ ટિપ્પણી નથી કરવામાં આવી. પેટીએમે કહ્યું હતું કે કંપની તરફથી સત્તાવાળાઓને માહિતી આપી રહી છે. આ પહેલાં RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કે ગયા સપ્તાહે પેટીએમની સેવાઓને લઈને સ્પષ્ટતા કરવાના પ્રયાસ કર્યા હતા. RBIએ પેટીએમ પેમેન્ટ્સ બેન્કને બિઝનેસ સમેટવા માટે સમયમર્યાદા બે સપ્તાહ વધારીને 15 માર્ચ સુધી કરી દીધી હતી.

 

 

 

 

 

 

 

 

 

 

મેનેજમેન્ટ ફેકલ્ટીની 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની મીટ યોજાઈ

વિદ્યાનગરઃ GEMS ગણપત યુનિવર્સિટી અને ગણપત વિદ્યાનગરના ભૂતપૂર્વ MBA વિદ્યાર્થીઓના સંગઠને 20મી જનરલ મીટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્વાગત કર્યું, જેનું આયોજન યુનિવર્સિટીની ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝ દ્વારા 10 ફેબ્રુઆરીએ કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટનો ઉદ્દેશ વિવિધ બેચના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ફરીથી કનેક્ટ કરવા, તેમના કોલેજ દિવસોની યાદ તાજી કરવા અને વર્તમાન વિદ્યાર્થીઓ અને શિક્ષકો સાથે સહયોગ માટેની તકોની ચર્ચા કરવાનો હતો. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સિંગાપોર અને મેડાગાસ્કર, દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાંથી પણ આવ્યા હતા.

આ ઇવેન્ટની શરૂઆત નેટવર્કિંગ સાથે થઈ હતી જ્યાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને જૂના મિત્રો સાથે ફરીથી જોડાવાની અને નવા જોડાણો બનાવવાની તક મળી હતી. કોલેજમાંથી સ્નાતક થયા પછીની તેમની સફળતાના વિચારો અને અનુભવો શેર કરવા માટે કેટલાક ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા હતા.

20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સ્વાગત પ્રવચન ગણપત યુનિ.ની મેનેજમેન્ટ ફેકલ્ટીના ડીન ડો. હિરેન પટેલ દ્વારા આપવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓની એક્ઝિક્યુટિવ બોડીના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મિત્તલ દત્તાણી દ્વારા એજીએમનો એજન્ડા, અગાઉના ઓડિટેડ રિપોર્ટ અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિ પરના પ્રોગ્રેસ રિપોર્ટની ચર્ચા કરવામાં આવી હતી.

આ વર્ષે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ વિશિષ્ટ પુરસ્કાર 2024 નીલેશકુમાર પટેલને એનાયત કરવામાં આવ્યો હતો. તેઓ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર તરીકે કામ કરી રહ્યા છે, જેઓ 2002-2004ની બેચના વિદ્યાર્થી છે અને રાજેન એન. પટેલ કે જેઓ ડિટવિશ ગ્લોબલ અને ઇન્ફોડાર્ટ ટેક્નોલોજીસ, સિંગાપોરના ઇન્ચાર્જ છે. હાલમાં 480 કર્મચારીઓની ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેઓ 1999 – 2001ની MBA બેચના વિદ્યાર્થી છે. આઉટગોઇંગ ગવર્નિંગ બોડીનું સન્માન અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટે નવી વિદ્યાર્થી કારોબારી મંડળની ચૂંટણી કરવામાં આવી હતી. નવા ચૂંટાયેલા ભૂતપૂર્વ વિદ્યાર્થી કારોબારી સંચાલક મંડળમાં મિત્તલ દત્તાણી પ્રમુખ, હર્ષદ પટેલ, ઉપપ્રમુખ, અમૃતા મશર, સેક્રેટરી અને પ્રતીક પટેલ, ખજાનચી તરીકે વરણી કરવામા આવી હતી.

આ કાર્યક્રમને પ્રેસિડેન્ટ ગણપતભાઈ પટેલ (દાદા) અને મંજુલાબહેન (દાદી), બીઓજી મેમ્બર બેચરભાઈ પટેલ, પ્રો ચાન્સેલર ડો. મહેન્દ્ર શર્મા, અને યુનિ.ના જોઈન્ટ ડિરેક્ટર જનરલ  ડેનિયલે હાજરી આપી હતી અને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને આશીર્વાદ આપ્યા હતા. સેન્ટર ફોર મેનેજમેન્ટ સ્ટડીઝ એન્ડ રિસર્ચના ચેરપર્સન ડો. પ્રિયંકા પાઠક દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટની આભારવિધિ કરી હતી. ડો. નીરવ જોષી અને પ્રો. જયદીપ દેસાઈ દ્વારા 20મી ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની જનરલ મીટનું સફળતાપૂર્વક સંકલન કરવામાં આવ્યું હતું.

 

 

 

 

 

 

 

 

 

કિસાન મોરચાએ કેન્દ્ર સરકારનો પ્રસ્તાવ ફગાવ્યો

નવી દિલ્હીઃ સંયુક્ત કિસાન મોરચાએ કેન્દ્ર સરકારનો MSPનો પ્રસ્તાવ ફગાવ્યો હતો. કેન્દ્ર સરકારે નવી ફોર્મ્યુલા A2+FL+50 ટકાને આધારે MSP આપવાનો પ્રસ્તાવ આપ્યો હતો. ખેડૂતોના સંગઠન સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું હતું કે C2+50 ટકાથી નીચે કંઈ પણ સ્વીકાર કરવામાં નહીં આવે.

કેન્દ્ર સરકારે ખેડૂતો સામે મકાઈ, કપાસ, તુવેર, મસૂર અને અડદ સહિત પાંચ પાકો પર A2+FL+50 ટકાને આધારે ઊપજ ખરીદીને પાંચ વર્ષના કોન્ટ્રેક્ટનો પ્રસ્તાવ રાખ્યો હતો. જોકે કિસાન મોરચાએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ C2+50 ટકાની ફોર્મ્યુલાને આધારે MSPની ગેરંટી ઇચ્છે છે. કિસાન મોરચાએ એક નિવેદનમાં કહ્યું હતું કે ભાજપે ખુદ 2014માં ચૂંટણીના ઘોષણાપત્રમાં એનું વચન આપ્યું હતું.

સ્વામિનાથન પંચે 2006માં આપેલા રિપોર્ટમાં કેન્દ્ર સરકારને C2+50 ટકાને આધારે MSP આપવાનું સૂચન કર્યું હતું. એને આધારે તમામ પાકો પર તેઓ MSPની ગેરંટી ઇચ્છે છે. એના દ્વારા ખેડૂત પાકની એએક ફિક્સ્ડ કિંમત પર વેચી શકશે અને એને નુકસાન નહીં ભોગવવું પડે. જો મોદી સરકાર ભાજપનાં વચનો લાગુ ના કરી શકે તો વડા પ્રધાન ઇમાનદારીથી જનતાને બતાવે, એમ કિસાન મોરચાએ કહ્યું હતું.કિસાન નેતા ગુરનામ સિંહ ચઢૂનીએ કહ્યું હતું કે સરકાર પાસે 21 ફેબ્રુઆરીનો સમય છે. સરકાર જો 21 ફેબ્રુઆરી સુધી નહીં માને ચો હરિયાણા પણ આંદોલનમાં સામેલ થશે. ખેડૂતોને MSP ગેરંટી લઈને જીદે ચઢ્યા છે.

 

 

 

 

 

 

 

 

વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ-USA ના સહયોગથી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યોજાઈ

ચાંગા: ચારુસેટ યુનીવર્સીટી અને વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટ (WWM), યુએસએના સંયુક્ત ઉપક્રમે 13-14 ફેબ્રુઆરી, 2024 દરમિયાન ચારુસેટ કેમ્પસમાં વોટર અને વેસ્ટ મેનેજમેન્ટ અને અન્ય સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરવા છઠ્ઠી ઇન્ટરનેશનલ કોન્ફરન્સ એન્ડ એક્સ્પો ઓન વોટર એન્ડ વેસ્ટ મેનેજમેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ચારુસેટ યુનીવર્સીટીના યજમાનપદે આ કોન્ફરન્સ યોજાઈ હતી. કોન્ફરન્સનું ઉદ્ઘાટન 13મી ફેબ્રુઆરીએ થયું હતું. આ કોન્ફરન્સમાં યુએસએથી પધારેલા પ્રતિષ્ઠિત પ્રતિનિધિઓ તેમજ ચારુસેટના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

દીપપ્રાગટ્ય પ્રસંગે અન્ના મોલર (ઈલીનોઈસ સ્ટેટ રીપ્રેઝેન્ટેટીવ, યુએસએ), પેટ્રિશિયા ફીલેન (MWRD કમિશનર, યુએસએ), સેમ પપ્પુ (સીનીયર ઇલેક્ટ્રિક એન્જિનિયર, મેટ્રોપોલીટન વોટર રીકલેમેશન ડીસ્ટ્રીકટ ઓફ ગ્રેટર શિકાગો-MWRDGC, યુએસએ અને પ્રમુખ-WWM), ડૉ. પ્રકાશમ ટાટા (એક્ઝિક્યુટિવ ડિરેક્ટર-સેન્ટર ફોર ટ્રાન્સફોર્મેશન ઑફ વેસ્ટ ટેક્નોલોજી (CTWT), યુએસએ અને કો-ચેરમેન-WWM), શ્રી સંજય પટેલ (નિવૃત્ત પ્લાન્ટ મેનેજર, મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગો (MWRDGC), યુએસએ), ખાજા મોઇનુદ્દીન (સીનીયર સિવિલ એન્જિનિયર, મેટ્રોપોલિટન વોટર રિક્લેમેશન ડિસ્ટ્રિક્ટ ઓફ ગ્રેટર શિકાગો (MWRDGC), માતૃસંસ્થા, કેળવણી મંડળ અને CHRFના સેક્રેટરી અને ચારુસેટના સ્થાપક પ્રોવોસ્ટ ડૉ. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને CHRF ના પ્રમુખ નગીનભાઈ પટેલ, ચારુસેટના પ્રોવોસ્ટ ડૉ. આર. વી. ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય રજૂ કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓનું સન્માન કરાયું

ચારુસેટના રજિસ્ટ્રાર ડૉ. અતુલ પટેલ, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગના ડીન ડો. વિજય ચૌધરી, CSPITના પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાય અને DEPSTARના કમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગના પ્રોફેસર ડૉ. બંકિમ પટેલ દ્વારા 35 આંતરરાષ્ટ્રીય પ્રતિનિધિઓને શાલ ઓઢાડી અને સ્ટેચ્યુ ઑફ યુનિટીનું સ્મૃતિચિન્હ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ઉદ્ઘાટન સમારોહ પછી પેનલ ડિસ્કશન સહિત વિવિધ ચાર વિષયો પર અલગ અલગ ટ્રેકમાં સમાંતર સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટ્રેક 1 – વોટર ટ્રીટમેન્ટ ટેક્નોલોજી/વોટર રિસોર્સ મેનેજમેન્ટ, ટ્રેક 2 – સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ/IT-OT, ટ્રેક 3 – પાણીની ગુણવત્તા/ઊર્જા/શિક્ષણ અને પબ્લિક અવેરનેસ, ટ્રેક 4 – પાણીનો પુનઃઉપયોગ અને સર્ક્યુલરની અર્થવ્યવસ્થા/ ઇનોવેશન અને વ્યવસાયની તકોનો સમાવેશ થતો હતો.

વિવિધ મુદ્દાઓ પર ચર્ચા

રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ખ્યાતનામ નિષ્ણાતો, એકેડેમીક અને ઉદ્યોગના પ્રતિનિધિઓ, ચારુસેટ યુનિવર્સિટી, બીવીએમ કોલેજ ઓફ એન્જીનીયરીંગ, વિદ્યાનગર અને ધર્મસિંહ દેસાઈ ઈન્સ્ટીટ્યુટ ઓફ ટેક્નોલોજી, નડિયાદના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોએ બંને દિવસ દરમિયાન કોન્ફરન્સમાં હાજરી આપી હતી અને ગંદા પાણી અને ઘન કચરાના સતત વધતા જથ્થાને કારણે ઉભા થતા પ્રતિકૂળ પડકારોનો સામનો કરવાની રીતો અને માધ્યમો પર ચર્ચા કરી હતી. તેઓને આવી ચર્ચાઓથી ઘણો ફાયદો થયો હતો.

સમાપન સમારંભ 14મી ફેબ્રુઆરીએ યોજાયો હતો જેમાં હાજર યુએસએના પ્રતિનિધિઓએ આ કોન્ફરન્સમાં ચારુસેટે કરેલી હોસ્પિટાલિટી અને માળખાકીય સુવિધાઓ અંગેના અનુભવો દર્શાવ્યા હતા. તેઓએ CSPITના પ્રિન્સિપાલ ડો. તૃષિત ઉપાધ્યાયની તેમના વિઝન અને કોન્ફરન્સના આયોજન માટે પ્રોત્સાહિત કરવા બદલ પ્રશંસા વ્યક્ત કરી હતી. તો ડો. તૃષિત ઉપાધ્યાયે આભારવિધિ કરી હતી. તેમણે ચારુસેટ અને WWM સમિતિના સભ્યોને આ કોન્ફરન્સમાં આપેલા યોગદાન બદલ પ્રશંસા કરી હતી. તેમણે આ કોન્ફરન્સમાં તમામ પ્રકારની સહાય પૂરી પાડવા બદલ પ્રોવોસ્ટ, રજિસ્ટ્રાર, ડીન, ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જિનિયરિંગ અને વિભાગોના વડાઓનો આભાર માન્યો હતો.

સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

વિદાય સમારંભ પછી ચારુસેટના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શરૂઆત પ્રાર્થનાથી થઈ હતી. ત્યાર બાદ પ્રથમ પરફોર્મન્સ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ દ્વારા થયું હતું પછી અન્ય વિદ્યાર્થીઓ દ્વારા ભરત નાટ્યમ, કથ્થક અને રાસ ગરબાનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શ્રી સંજય પટેલે ચારુસેટ અને WWMને કોન્ફરન્સના સફળ આયોજન બદલ અભિનંદન આપ્યા હતા. પેટ્રિશિયા ફીલેને ફેસબુક પર પોસ્ટ કરીને તેમની લાગણી વ્યક્ત કરી કે ચારુસેટ આવા મહત્વપૂર્ણ મુદ્દાઓ પર બેઠકનું આયોજન કરવા માટેનું શ્રેષ્ઠ સ્થળ છે. ચારુસેટ માત્ર ગુજરાતનું સુંદર કેમ્પસ જ નહોતું, પરંતુ તેનો ઇતિહાસ અને ભાવિ યોજનાઓ પ્રેરણાદાયી છે. વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ/સંભવિતતા પર વિવિધ વ્યાવસાયિકો પાસેથી સાંભળવું એ સન્માનની વાત હતી.

બંગાળમાં આધાર કાર્ડનો નવો વિકલ્પ મળશે : મમતા બેનર્જી

પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જીએ સોમવારે દાવો કર્યો હતો કે રાજ્યમાં લોકસભા ચૂંટણી પહેલા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને લઘુમતીઓના આધાર કાર્ડને નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. તેણીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો કે રાષ્ટ્રીય નાગરિક નોંધણી લાવતા પહેલા ષડયંત્રના ભાગરૂપે આ કરવામાં આવી રહ્યું છે, પરંતુ હું આવું થવા દઈશ નહીં. મમતા બેનર્જીએ લોકોને ખાતરી આપી કે તેઓ બંગાળને આધાર કાર્ડનો નવો વિકલ્પ આપશે. તેમણે એ પણ વચન આપ્યું હતું કે બંગાળમાં NRC લાગુ થવા દેવામાં આવશે નહીં.


મીડિયા સાથે વાત કરતા મમતા બેનર્જીએ કહ્યું કે બંગાળમાં લોકસભા ચૂંટણી પહેલા આટલા બધા આધાર કાર્ડને કેમ નિષ્ક્રિય કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને માતુઆ સમુદાય સાથે આવું થઈ રહ્યું છે. હજારો નામો હટાવી રહ્યા છે, આ લોકોનું શું પ્લાનિંગ છે? શું તેઓ અહીં ડિટેન્શન કેમ્પ બનાવવા માગે છે? મમતા બેનર્જીએ કહ્યું કે જે મટુઆ સમુદાય સાથે આવું કરવામાં આવી રહ્યું છે તે ખેતરોમાં કામ કરતા ગરીબ મજૂરો છે.

ઓમર અને ફારૂક અબ્દુલ્લાએ PM મોદી સાથે સિક્રેટ બેઠક કરી

વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે દાવો કર્યો છે કે જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીઓ ફારૂક અબ્દુલ્લા અને ઓમર અબ્દુલ્લા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ગુપ્ત બેઠકો કરે છે. તેમણે આરોપ લગાવ્યો કે જાહેર તપાસ ટાળવા માટે પિતા-પુત્ર પીએમ મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે રાત્રે ગુપ્ત બેઠકો કરે છે. ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટી (DPAP)ના ચીફ ગુલામ નબી આઝાદે સોમવારે વાત કરતી વખતે અબ્દુલ્લાના સ્ટેન્ડમાં કથિત ડુપ્લિકેશનનો દાવો કર્યો હતો કે તેઓ શ્રીનગરમાં કંઈક કરવાનું વિચારી રહ્યા હતા, તેઓ જમ્મુમાં કંઈક બોલો અને દિલ્હીમાં કંઈક બીજું. નોંધનીય છે કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) ફારુક અબ્દુલ્લા વિરુદ્ધ મની લોન્ડરિંગ કેસની તપાસ કરી રહી છે.

લોકસભા ચૂંટણી 2024 નહીં લડીશ

તે જ સમયે, પીટીઆઈના અહેવાલ મુજબ, ગુલામ નબી આઝાદે આગામી લોકસભા ચૂંટણી નહીં લડવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે તેઓ તેમની નવી રચાયેલી ડેમોક્રેટિક પ્રોગ્રેસિવ આઝાદ પાર્ટીના ઉમેદવારો માટે પ્રચાર કરશે. 2014ની લોકસભા ચૂંટણીમાં હાર્યા બાદ આઝાદે લોકસભાની ચૂંટણી લડી નથી. તેમણે તેમના પક્ષના નેતાઓને કહ્યું કે 2024 જમ્મુ અને કાશ્મીર માટે ચૂંટણીનું વર્ષ હશે, તેથી તેઓએ પોતાનો પટ્ટો કસવો જોઈએ. દાયકાઓ સુધી કોંગ્રેસમાં રહ્યા બાદ આઝાદે પાર્ટી છોડી દીધી હતી. નગરોટામાં એક કાર્યક્રમની બાજુમાં પત્રકારો સાથે વાત કરતી વખતે, તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને વિરોધ કરી રહેલા ખેડૂતો સાથે સંબંધિત સમસ્યાઓનો ‘કાયમ’ ઉકેલ શોધવાની અપીલ કરી.

ખેડૂતોના વિરોધ પર આઝાદે શું કહ્યું?

ગુલામ નબી આઝાદે કહ્યું કે આ પ્રદર્શન ન તો સરકાર માટે સારું છે કે ન ખેડૂતો માટે. તેમણે કહ્યું, “સંસદની ચૂંટણી 100 ટકા સમયસર યોજાઈ રહી છે. હું વિધાનસભાની ચૂંટણી વિશે માત્ર અનુમાન લગાવી શકું છું, કારણ કે મારો ચૂંટણી પંચ કે સરકાર સાથે કોઈ સંપર્ક નથી. પરંતુ તે (વિધાનસભા ચૂંટણી) થવી નિશ્ચિત છે કારણ કે સુપ્રીમ કોર્ટે સપ્ટેમ્બર સુધીની સમયમર્યાદા નક્કી કરી છે.

“શાંતિ બિઝનેસ સ્કૂલ”ને  સ્કિલ ડેવલપમેન્ટ લીડરશીપ એવોર્ડ એનાયત

અમદાવાદઃ વર્લ્ડ HRD કોંગ્રેસ 2024માં અમદાવાદની “શાંતિ બિઝનેસ સ્કૂલ”ને (SBS) હાલમાં જ  સ્કિલ ડેવલપમેન્ટ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ એવોર્ડ શાંતિ બિઝનેસ સ્કૂલના સ્ટુડન્ટ આઉટરીચ અને માર્કેટિંગના ડીન તેજિન્દર સિંહ ધત્ત દ્વારા રિસીવ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તેજિન્દર ધત્તે કહ્યું હતું કે આ એવોર્ડ શાંતિ બિઝનેસ સ્કૂલના દરેક ટીમ મેમ્બર્સની સખત મહેનતનું પ્રમાણપત્ર છે. અમે ઇન્ડસ્ટ્રી રેડી પ્રોફેશનલ્સ અને સોશિયલી રિસ્પોન્સિબલ સિટિઝન્સનું સતત નર્ચરિંગ કરવાનું ચાલુ રાખવા માટે સખત પ્રયત્ન કરીશું. વર્લ્ડ HRD કોંગ્રેસમાં દેશભરની સંસ્થાઓ અને યુનિવર્સિટીઓએ ભાગ લીધો હતો. શાંતિ બિઝનેસ સ્કૂલને તેના એજ્યુકેશનલ ક્વોલિટી એન્ડ સ્ટાન્ડર્ડ, ઇન્ડસ્ટ્રી આઉટરીચ પ્રોગ્રામ, લીડરશિપ ઇનિશિયેટિવ ટુવર્ડસ સ્કિલ ડેવલપમેન્ટ, ઈમ્પેક્ટ ફ્રોમ લર્નર્સ પોઇન્ટ ઓફ વ્યુઝ, ઈન ડેપ્થ અપ્રોચ, ફ્યુચર ઓરિએન્ટેશન અને સોશિયલ ઈમ્પેક્ટ માટે એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

 

 

 

ગુજરાતમાં ફૂટબોલનું ભાવિ ઉજ્જવળ છે

ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશન (જી.એસ.એફ.એ.)નો વર્ષ 2019માં મેં ચાર્જ લીધો ત્યારે મને અંદાજ નહોતો કે ગુજરાતમાં ફૂટબોલ માટે બાળકોમાં એક જબર્દસ્ત ક્રેઝ અંદરો અંદર જ પ્રસ્ફૂટિત થયા કરતો હતો. આ બધાં વર્ષો દરમ્યાન હું ઘણી વાર જોતો કે છોકરાંઓ મોબાઇલ ફોનમાં ફૂટબોલની મેચો જોતાં હોય. અંદરોઅંદરની વાતચીતમાં લિયોનલ મેસી કે અર્લિંગ બ્રાઉટ હલાન્ડ જેવા ખેલાડીઓ વિષે કે માન્ચેસ્ટર અને બાર્સેલોના કલબો વગેરેની વાતો કરતા હોય. અત્યાર સુધી એ બધું સહજ, સ્વાભાવિક અને સાધારણ જ માનતો હતો.

તાજેતરમાં જ્યારે મેં જાણ્યું કે રાજ્યમાં જી.એસ.એફ.એ.ની છત્રછાયા હેઠળનાં સંખ્યાબંધ જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો મારફતે પાંચ વર્ષથી બાર વર્ષ સુધીનાં 4200 બાળકો વિધિવત્ ફૂટબોલ રમી રહ્યાં છે ત્યારે મને સુખદ આશ્ચર્ય થયું. પાંચ વર્ષથી નીચે, આઠ વર્ષથી નીચે, દસ વર્ષથી નીચે અને બાર વર્ષથી નીચેની વય ગ્રૂપનાં બાળકો માટે લીગ મેચો રમાઇ રહી છે. જી.એસ.એફ.એ. બ્લુ કબ્સની લીગ મેચો સિવાય પણ અન્ય રીતે બીજાં અસંખ્ય બાળકો ફૂટબોલ નિશ્ચિતપણે રમતાં જ હશે, તે જુદી બાબત છે.

ઑલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન (એ.આઇ.એફ.એફ.) દ્વારા ગત્ વર્ષે બ્લુ કબ્સનો પ્રારંભ કરવામાં આવ્યો અને રાજ્યોનાં ફૂટબોલ એસોસિયેશનોને બ્લુ કબ્સ લીગ શરૂ કરવાનું કહેવામાં આવ્યું. બ્લુ કબ્સ પાંચ વર્ષથી નીચેની વય જૂથનાં બાળકોથી લઇને બાર વર્ષથી નીચેના વય જૂથના બાળકો માટે ફૂટબોલની રમત છે જેમાંથી ભાવિ ખેલાડીઓ તૈયાર થઇ શકે.

ગુજરાતમાં 23 જિલ્લા ફૂટબોલ એસોસિયેશનોએ પોતપોતાના જિલ્લામાં 16 ડિસેમ્બર 2023 થી 29 ફેબ્રુઆરી 2024 સુધીમાં બ્લુ કબ્સ લીગનું આયોજન કર્યુ છે. ઓછામાં ઓછી આઠ ટીમો રમે તેવું ધોરણ આ લીગ માટે રાખ્યું છે. બધી લીગ ડબલ લેગ ફોર્મેટમાં રમાય છે; જેમાં બે ટીમોએ સામસામે બે બે મેચો રમવાની હોય છે અને બન્ને મેચોમાં થયેલા સ્કોરના સરવાળાને આધારે વિજેતા ટીમ નક્કી થાય છે.

આ બ્લુ કબ્સ ફૂટબોલ મહાયજ્ઞમાં આખા ગુજરાતમાં 4200 બાળકો ફૂટબોલ રમી રહ્યાં છે. સુખદ આશ્ચર્ય એ બાબતનું છે કે સૌથી વધુ 550 બાળકો પંચમહાલ જિલ્લામાં રમી રહ્યાં છે. ત્યાર બાદ સુરત તથા ભાવનગર જિલ્લામાં પ્રત્યેકમાં 450 બાળકો નોંધાયાં છે. ભરૂચ અને વડોદરા જિલ્લાઓમાં અનુક્રમે 350 અને 250 બાળકો નોંધાયાં. આમ રાજ્યમાં પંચમહાલ, સુરત, ભાવનગર, ભરૂચ અને વડોદરા ટોચના પાંચ જિલ્લા છે જેમાં સર્વાધિક ઊગતા બાળ ફૂટબોલ ખેલાડીઓ તૈયાર થઈ રહ્યા છે. બાકીના જિલ્લાઓમાં સરેરાશ 80 થી 110-120 ની રેન્જમાં બાળકો રમી રહ્યાં છે. બ્લુ કબ્સ ફૂટબોલનું આ પ્રથમ વર્ષ છે તે જોતાં આ વય જૂથના બાળ ફૂટબોલ ખેલાડીઓનો 4200નો આ આંકડો નાનો સૂનો ન કહી શકાય! પોરબંદર તથા કચ્છ જિલ્લાઓએ 10 ફેબ્રુઆરીથી પોતાની લીગ મેચો શરૂ કરી દીધી છે. બોટાદ જિલ્લો પણ તુરતમાં લીગ શરૂ કરશે.

અમુક કારણોસર અમદાવાદ, અરવલ્લી, ડાંગ, દ્વારકા, દાહોદ, તાપી, મહીસાગર, મહેસાણા, ગિર સોમનાથ અને સાબરકાંઠા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનો આ વર્ષે બ્લુ કબ્સ લીગ આયોજિત નથી કરી શક્યાં તે અલગ બાબત છે. પરંતુ તેનો અર્થ એ નથી કે આ જિલ્લાઓમાં બાળકોને ફૂટબોલમાં રસ નથી!

એ.આઇ.એફ.એફ. (અને તે રીતે જી.એસ.એફ.એ. પણ)નો આ બ્લુ કબ્સ ફૂટબોલ ઉપક્રમ પાછળનો આશય એ છે કે બાળકોમાં ફુટબોલની રમત માટે રહેલા છૂપા ક્રેઝને વાસ્તવમાં મેદાન સુધી લઇ આવવો. જી.એસ.એફ.એ. તથા જિલ્લા ફૂટબોલ એસોસિયેશનોની અમારી ટીમો આ બાબતે ખૂબ ઉત્સાહિત છે. જી.એસ.એફ.એ. દ્વારા ભાગ લઇ રહેલા બધા જિલ્લાઓ પ્રત્યેકને રૂ. 60,000/- સુધીની મદદ કરવામાં આવી છે. જી.એસ.એફ.એ. ને અદાણી જૂથનો ટેકો મળ્યો છે તેથી આ બ્લુ કબ્સ લીગની સાથે અદાણીનું નામ જોડ્યું છે.

ગુજરાતે ક્રિકેટ વિશ્વને જસુ પટેલથી લઇને જસપ્રીત બુમરાહ અને વિનુ માંકડથી લઇને રવીન્દ્ર જાડેજા કક્ષાના ધુરંધર ક્રિકેટરો આપ્યા છે. હવે એ દિવસો દૂર નથી કે ભવિષ્યમાં ગુજરાતમાંથી પણ છેત્રીઓ (સુનિલ) કે ભૂતિયાઓ (ભાઇચુંગ) દેશને મળે. ગુજરાત બ્લુ કબ્સ ફૂટબોલમાં આ સામર્થ્ય અને સંભાવનાઓ નિશ્ચિતપણે ઘરબાયેલી પડી છે.

(પરિમલ નથવાણી, ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના પ્રેસિડેન્ટ,રાજ્ય સભા સાંસદ તથા રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ડાઇરેક્ટર છે)

ઓપરેશન લોટસઃ ચૂંટણી પહેલાં રાજસ્થાનમાં કોંગ્રેસને મોટો આંચકો

જયપુરઃ કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ સોનિયા ગાંધીથી રાજ્યસભામાંથી ઉમેદવાર બનાવ્યા પછી કોંગ્રેસ પાર્ટીને વિધાનસભ્યો અને વરિષ્ઠ નેતાઓને તૂટવાનો ડર સતાવી રહ્યો છે. રાજસ્થાનમાં ચર્ચા ચાલી રહી છે કે ભાજપ ઓપરેશન લોટસ હેઠળ મોટા ઊલટફેર કરવાની તૈયારીમાં લાગ્યો છે. CWC સભ્ય અને ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી મહેન્દ્રજિત સિંહ માલવીય સોમવારે ભાજપમાં સામેલ થયા હતા. હવે અન્ય સાત જણ કોંગ્રેસનો હાથ છોડવાની ચર્ચા ચાલી રહી છે.

ભાજપનું લોકસભા ચૂંટણીમાં જીત મેળવવા માટે ઓપરેશન લોટસ ચાલી રહ્યું હોવાની શક્યતા છે. જેને પગલે કોંગ્રેસના અડધો ડઝનથી વધુ વરિષ્ઠ નેતાઓ- વિધાનસભ્યો દિલ્હીમાં પહોંચ્યા છે. ગહેલોત સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા લાલચંદ કટારિયા, ઉદયલાલ આંજના અને રાજ્ય મંત્રી રહેલા રાજેન્દ્ર યાદવ સહિત સાતથી વધુ વિધાનસભ્યો-નેતાઓ કોંગ્રેસનો હાથ છોડવાની તૈયારીમાં છે. કોંગ્રેસ છોડનારા આ દિગ્ગજ નેતાઓમાં મોટા ભાગના ગહેલોતની નજીકના નેતાઓ છે.

કોંગ્રેસના આ નેતાઓનો ભાજપમાં પ્રવેશ એ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં કરી રહી છે, પરંતુ આ નેતાઓના ભાજપ પ્રવેશથી ભાજપના કેટલાક નેતાઓમાં તેમની વિરુદ્ધ ગણગણાટ શરૂ થઈ ગયો છે, કેમ કે જો તેઓ ભાજપમાં જોડાશે તો તેમને લોકસભા ચૂંટણીમાં ઉતારાશે. હવે આવામાં ભાજપના જે નેતાઓ લોકસભા ચૂંટણીમાં ટિકિટ માટેનું લોબીઇંગ કરી રહ્યા છે, તેમને વધુ મુશ્કેલી પડશે. તેથી આ નેતાઓ જરાય ખુશ નથી, પણ પક્ષનું કેન્દ્રી નેતૃત્વ જે નિર્ણય લેશે, એને સૌએ સ્વીકારવું પડશે, કેમ કે સ્થાનિક નેતાઓની નારાજગીને પક્ષમાં બહુ ધ્યાને લેવાતી નથી.